ફિર દેખો યારોં : નાગરિક ધર્મ ખતરામાં છે

બીરેન કોઠારી

વર્ષ પૂરું થાય એટલે સરવૈયું કાઢવાની વ્યાપારી પ્રથા છે. એ પ્રથા અન્ય ક્ષેત્રે, ખાસ કરીને પ્રસાર-પ્રચાર માધ્યમોમાં પણ ચલણી બની રહી છે. એમાં સરવૈયાને બહાને વર્ષ દરમિયાન બનેલી મહત્ત્વની ઘટનાઓને યાદ કરવામાં આવે છે. આનાથી બીજો જે ફાયદો થતો હોય એ, પણ એકાદ અઠવાડિયા સુધી અખબારો કે ટી.વી.ચેનલોને સામગ્રી મેળવવાની ફિકર કરવી પડતી નથી. નવા વર્ષના આરંભે વિવિધ સંકલ્પો લેવાની પણ માન્યતા છે. અલબત્ત, આ બધાની ગંભીરતા કશી નથી. તેને ઉજવણીની એક રીત ગણી શકાય. ઉજવીને ભૂલી જવાનું.

વર્ષ 2020 માટે ઘણું બધું કહેવાઈ ગયું છે. આટલું ખરાબ વર્ષ છેલ્લા ઘણા દાયકાઓમાં ભાગ્યે જ જોવા મળ્યું છે, અને આ બાબત કેવળ કોઈ એક દેશને નહીં, વિશ્વભરના મોટા ભાગના દેશોને લાગુ પડે છે. નાગરિકો હોય કે રાષ્ટ્ર, તેનું અસલી ચરિત્ર ખરાબ સંજોગોમાં પ્રગટે છે. એ રીતે જોઈએ તો કોવિડની મહામારીને કારણે એવી કેટલીય અણધારી મુસીબતોનો સામનો રાજ્યે તેમ જ રાષ્ટ્રે કરવાનો આવ્યો. આવા કપરા કાળમાં એવી ઘણી બાબતો બની કે જેને યાદ કરવી ન ગમે. છતાં તેને યાદ રાખવી જરૂરી છે. માર્ચથી દેશવ્યાપી લૉકડાઉનનો અમલ થયો એ પછી કોરોના જેવી અભૂતપૂર્વ મહામારીના સંકટમાં પણ રાજકારણના વરવા ખેલ ખેલાતા રહ્યા. આ સંકટને કોમી રંગ આપવાનો પ્રયાસ થયો. ઉપરાંત જરૂરી માળખાકીય સવલતોને ઉભી કરવા કે મજબૂત બનાવવાને બદલે કુપ્રચારનો સહેલો રસ્તો અપનાવવામાં આવ્યો.

લૉકડાઉનના પગલે જે સૌથી અણધારી, અણઆયોજિત અને કરુણ ઘટના સર્જાઈ એ શ્રમિકોનું સ્થળાંતર. સત્તાધીશોની ધરાર નિંભરતા, ઉપેક્ષા આમાં ઉઘાડી પડી. હૈયું કંપી જાય એવી તસવીરો માધ્યમોમાં જોવા મળી અને મજબૂરીવશ કરવા પડેલા આવા કાર્યને ક્યાંક બહાદુરીનો ઢોળ ચડાવવાનો પ્રયત્ન પણ થયો.

કોવિડકાળમાં સૌથી વિચિત્ર ભૂમિકા પોલિસની બની રહી. એક તરફ તેમનો દયાળુ ચહેરો ઉપસ્યો, તો બીજી તરફ ક્રૂરતા બાબતે પણ તેમણે આડો આંક વાળ્યો. શાસકોએ પોતાની અણઆવડત અને આયોજનલક્ષી અભિગમના અભાવને કારણે આખા સંકટ સમયને કાયદો તેમ જ વ્યવસ્થાનો મામલો ગણ્યો અને તેને પગલે પોલિસને સત્તા સોંપી. સાવ સૂમસામ રસ્તા પર, જાનના જોખમે ફરજ બજાવતા, ક્યાંક જરૂરિયાતમંદ નાગરિકોને સહાય કરતા પોલિસની સામે નાગરિકોને બેરહેમીપૂર્વક દંડા ફટકારતા કે ઉઠબેસ જેવી શિક્ષા કરાવતા પોલિસોની વિડીયો ક્લીપ ફરતી થઈ. આવી ક્લીપ જોઈને મનોરંજન લેતા હોય એવા ઘણા નાગરિકો હતા. વર્ષ બદલાતાં શું પોલિસના, શાસકોના કે નાગરિકોના આવા અભિગમમાં કશું પરિવર્તન આવશે ખરું?

અસંખ્ય નાગરિકોએ માસ્ક ન પહેરવા બદલ, સામાજિક અંતરનું પાલન ન કરવા બદલ દંડ ભરવાનો થયો, પણ તેની સરખામણીએ રાજકારણીઓએ સરેઆમ આ નિયમોનું ઉલ્લંઘન કરીને ખોટો દાખલો બેસાડ્યો. રેલી, વિજય સરઘસ કે પ્રચારાર્થે ટોળેટોળાં એકઠા કરનાર રાજકારણીઓ પર કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી નહીં. બીજી તરફ ગુજરાત પોલિસે કોવિડના નિયમોનું પાલન ન કરનાર નાગરિકો પાસેથી, રાજ્ય સરકારના આદેશ મુજબ એક અબજ રૂપિયાની આસપાસ દંડની રકમ એકઠી કરી. ડિસેમ્બર 5 સુધી એકઠી થયેલી રકમ 93.56 કરોડ હતી, જે હવે એક અબજને પાર કરી ગઈ હશે. એ પણ ધ્યાને લેવું જરૂરી છે કે રકમનો આ આંકડો પાવતી દ્વારા એકઠો કરાયેલો છે. હજી દંડ કે દંડની રકમ બાબતે કોઈ ફેરવિચારણા કરવામાં આવી નથી.

એ હકીકત છે કે વર્ષ દરમિયાન ઘણી જાણીતી વ્યક્તિઓ એક યા બીજા કારણથી મૃત્યુ પામી, પણ કોવિડનો ઈલાજ કરતી હોસ્પિટલમાં લાગેલી આગ અને ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં થયેલાં મૃત્યુ વધુ કરુણ હતાં. આગ લાગે ત્યારે કૂવો ખોદવા માટે મિટિંગ બોલાવીને પછી તેને બરખાસ્ત કરી દેવાનું વલણ ધરાવતા શાસકોએ મોડે મોડે અગ્નિસુરક્ષાની માર્ગદર્શિકા ઘોષિત કરી છે અને તેના અમલની જવાબદારી વિવિધ હોદ્દાધારીઓ પર ઢોળી છે. તેની સામે, ઔદ્યોગિક સુરક્ષા બાબતે સત્તાતંત્ર જાણે કે સાવ બેપરવા હોય એવો અભિગમ જોવા મળે છે. ‘ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ’ એટલે કે વ્યવસાય માટે કરી આપવામાં આવતી સુગમતાના ઓઠા હેઠળ સ્વાસ્થ્ય અને સુરક્ષાને લગતી મૂળભૂત બાબતો તેમ જ કામદાર સલામતિનાં પરિબળોને ધરાર અવગણવામાં આવી રહ્યાં છે. આનો આડકતરો અર્થ એવો કરી શકાય કે ઉદ્યોગોમાં અકસ્માત થવાના, એની બહુ ફિકર કરવી નહીં. એમાં કોઈનું મૃત્યુ થશે તો મૃતકના પરિવારનું મોં નાણાંથી બંધ કરી દેવામાં આવશે.

મૂળ વાત એ છે કે આવી અનેક બાબતો વર્ષ 2020 પહેલાં પણ અમલમાં અને અસ્તિત્ત્વમાં હતી અને નવા વર્ષમાં પણ એમાં ખાસ કશો સુધારો થાય એમ લાગતું નથી. એક નાગરિક તરીકે આપણે ક્યાં છીએ એ નક્કી કરવું અઘરું બની રહ્યું છે. રાજકારણ હવે વધુ ને વધુ વિભાજનવાદી બની રહ્યું છે. ધર્મ, કોમ, સંપ્રદાય, રીતરિવાજ કે એવી અનેક બાબતો, જે અત્યાર સુધી ‘વૈવિધ્યપૂર્ણ વારસો’ કે ‘વિવિધતામાં એકતા’ ગણાવાતી હતી એ બધી હવે ચૂંટણીમાં વિભાજનના મુદ્દાને પાત્ર બનવા લાગી છે. આંખ અને કાન ખુલ્લા હોય એવી કોઈ પણ વ્યક્તિ આને નકારી શકે એમ નથી. પક્ષીય વફાદારી ધરાવતા નાગરિકો તેને વાજબી ઠેરવવા પ્રયત્ન કરે તો એ રાજકારણીઓની જીત છે. એમ લાગે છે કે શાસકોનાં નામ કે પક્ષ બદલાતા રહેશે તો પણ તેમની શાસનપદ્ધતિમાં ખાસ ફરક પડવાનો નથી. આવામાં નાગરિકધર્મ વિશે નવેસરથી વિચારવું પડશે. અને એ વિચારવા માટે નવા વર્ષના આરંભની રાહ જોવાની જરૂર નથી.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૧-૧૨–૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

1 thought on “ફિર દેખો યારોં : નાગરિક ધર્મ ખતરામાં છે

  1. કોરોના કાંડ નો આ લેખ સત્ય, ખૂબ માનવિય સંવેદનશીલ છે, જે છેલ્લા થોડા વર્ષોમાં વિકાસના નામે થયું છે, તે ગરીબ મજૂરો અને મધ્યમ વર્ગના લોકોની ઉપર ખૂબ માઠી અસર થઈ છે, એમણેજ સૌથી વધારે વેઠ્યુ છે.
    “ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે,
    મહેલોની ભષ્મ કણી ન લાધશે”
    આવું થાય એની પૂરી શકયતા છે, ભારતમાં જ નહીં, દુનિયાના ઘણા દેશોમાં પણ.

Leave a Reply to Purushottam Mevada Cancel reply

Your email address will not be published.