શબ્દસંગ : મન વિનાનું મન : નિર્લેપ જાગૃતિની અંત:યાત્રા (૨)

નિરુપમ છાયા

           આત્મકથા સાહિત્યકૃતિ ગણાય પણ સર્જનાત્મક સાહિત્ય ન ગણાય એ મતની સામે જાણીતા સાહિત્યકાર રતિલાલ બોરીસાગર એવું કહે કહે છે કે અન્ય કોઈપણ સાહિત્યકૃતિ જેવી અને જેટલી રસનિર્મિતીની અપેક્ષા પૂરી કરતાં આત્મકથા આનંદ આપે ઉપરાંત કઈંક સંદેશ આપે એ વધારા ના લાભ સાથે એમાં તત્વબોધ પણ હોય, પ્રેરણા પણ આપે એવી  વાચકની અંતર્નીહિત અપેક્ષાની પૂર્તિ થકી રસનિર્મિતિ અનિવાર્ય શરત બની રહે તો એ સર્જનાત્મક સાહિત્યકૃતિ બની શકે.

             આ વિષયની વિશદ્દ ચર્ચા કરી અને એને આધારે આપણે દાદા ગાવંડેનાં આત્મકથનાત્મક આત્મચરિત્ર ‘પ્રજ્ઞાની અનુભૂતિ’ નો પરિચય મેળવી રહ્યા છીએ.

         પૂર્વજીવન અને મંથન, મહાપરિવર્તન, વિસ્ફોટ અને ચેતનાનું ઊર્ધ્વીકરણ,અને અનુભૂતિસભર વિચાર- દર્શનનું પ્રવર્તન એ ચાર સોપાનમાં સ્પષ્ટપણે વહેંચાયેલાં જણાતાં દાદાના જીવનમાં આપણે જોયું કે નાની ઉંમરમાં પિતાજીના દેહવસાન પછી દાદાને વ્યવસાય અને પરિવારની જવાબદારી સંભાળવાનું થયું પણ તેમનાં આંતરમનમાં તો જીવનના અર્થ અને એવું જ મંથન ચાલતું. એ વિષયનાં વક્તવ્યો અને કાર્યક્રમો તરફ એમની રુચિ વિશેષ હતી. પરિવારની સમૃધ્ધિ અને જાહેર સામાજિક પ્રવૃત્તિમાં પણ જોડાયેલા હોવા છતાં એમની  જુદી જ દિશામાં શોધ ચાલુ હતી.છેવટે પરિવારની બધી જવાબદારીઓ પૂર્ણ કરી, નાના ભાઈને વ્યવસાય માટે યોગ્ય બનાવી, તેનાં લગ્ન કરી તેઓ માતા પ્રત્યેના પ્રેમ અને અન્ય ભાવનાઓને સંકોરી, ઘર છોડી નીકળી ગયા અને કુદરતે જ જાણે ગોઠવ્યું હોય એમ પૂના પાસેના સજ્જનગઢમાં પહોંચ્યા અને ત્યાં એક એકાંત અંધારી ઝુંપડીમાં રહેવાની વ્યવસ્થા થઈ અને એકાગ્ર સાધના પછી એક ક્ષણે એક વિસ્ફોટનો અનુભવ થયો , અજ્ઞાત ઊર્જાના ઉમટેલા  એક સ્ત્રોત સાથે નિર્વિચાર પ્રગાઢ શાંતિ પ્રસરીને  રોમરોમમાં સ્પષ્ટપણે આલ્હાદ્ક શાંતિ પ્રસરી રહી.તેમનાં જીવનનાં બીજાં પાસાંમાં આ વિસ્ફોટની ઘટના પછી આગળ જોઈએ.

                            હવે પછી તેમની ચેતનાના ઊર્ધ્વીકરણની વાત વિશેષ રસપ્રદ છે.  જે ઘટનાઓ બને છે એ બધી  અનાયાસે બને છે કોઈ અદ્રશ્ય શક્તિએ બધું ગોઠવી રાખ્યું હોય તેમ સહજ રીતે  ઘટનાઓ બને છે. એવી જ પ્રથમ એક ઘટના ત્યાં થોડાં અંતરે રહેતા તે સમયે ભારતભરમાં પ્રખ્યાત સંત જેને તેઓ મળ્યા પણ નહોતા એ શ્રી મહેરબાબાનું  મળવા માટેનું આમંત્રણ અચાનક કોઈ આપી જાય છે. તેઓ આશ્ચર્યમાં પડી જાય છે. મળે પણ છે પરંતુ સર્વ સમર્પણભાવે રહે તો બધી જ સગવડો પણ મળે એ વાત તેઓ સ્વીકારી શક્યા નહીં. કારણ કે અંદર જાગૃત થયેલી ઊર્જાથી તેમને કોઈ પ્રલોભનો લલચાવી શકે તેમ નહોતાં. તેમની દૃષ્ટિ સ્પષ્ટ હતી કે “અજ્ઞાત ગંતવ્ય તરફ લઈ જનારા, એકલા આગળ ધપવાનું હતું માર્ગ પર કોઈ લાલચ કે અપેક્ષા અને માર્ગદર્શક કે કોઈ લક્ષ્ય વિનાની, વર્તમાનમાં રહેવાની, જયાં કશે પહોંચવાનું નહોતું એવી  યાત્રા અને  ફક્ત જીવનની વાસ્તવિકતા છે બાબત મને સમજાઈ ગઈ હતી.પોતાની ઊર્જાની સમગ્રતા સાથે સતત વર્તમાનમાં રહેવું, બસ મારે એટલું કરવાનું હતું.” એ સાથે તેઓ તેમની રજા લઈ પાછા સજ્જનગઢ આવ્યા અને વિદાય લેવાનો સમય આવી ગયો હતો એવું લાગતાં એ વ્યવસ્થાપકોની વિદાય લે છે ત્યારે ત્યાંના અન્ય સાધકોએ પૂછતાં પોતાના પૂર્વજીવનની વાત કરે છે એ પણ ભાવકને પ્રેરિત કરે છે. સમૃદ્ધ જીવન જીવતા દાદાને રમતગમત અને શિકારનો પણ શોખ હતો.એક દિવસ પિતાજીના ગ્રંથાલયને સાફ કરતાં અચાનક એક પુસ્તક Theosophy And Life’s Deeper Problems હાથમાં આવ્યું અને એના થોડા પરિચ્છેદ વાંચ્યા પછી તો રસ પડ્યો અને એકધ્યાનથી આખુંયે પુસ્તક વાંચી ગયા. થિયોસોફીનાં એની બૅસન્ટનું એ પુસ્તક વાંચીને પ્રભાવિત થયા ત્યાં જતા થયા, બીજાં પુસ્તકો પણ વાંચ્યાં અને એ માર્ગ પર આગળ વધતાં આ સદીના મહાન ચિંતક જે. કૃષ્ણમૂર્તિને પણ મળવાનું થયું. કૃષ્ણમૂર્તિજીનો દૃષ્ટિકોણ વધારે ક્રાંતિકારી અને પડકારજનક હોવાથી તે તેમને વધુ પસંદ આવ્યો. તેઓ તેમનાં વ્યાખ્યાનો સાંભળતા. તેમને પ્રત્યક્ષ પણ મળ્યા.તેમના શિબિરોમાં પણ ગયા. અને એને કારણે જીવન, સમાજ અને સમગ્ર સંસાર પ્રતિ નિર્લેપ  બનીને તટસ્થતાથી જોવામાં મદદ મળી.પહેલીવાર તેમને પોતાના વિભાજીત અને ભ્રામક મનની ઝલક જોવા મળી. જીવનના પડકારનો સામનો કરવા માટે એક સજ્જતા કેળવાઈ. એક દિવસ તેઓ શિકાર કરવા ગયા. કોઈ મોટો શિકાર મળ્યો નહીં અને રખડીને થાક્યા હતા ત્યાં એક સસલું જોયું. નિશાન તાકીને ગોળી ચલાવી પણ ઉતાવળમાં એ દોડતાં સસલાં પર નિશાન બરોબર લાગ્યું નહીં. સસલું ઘાયલ થઈને પડી ગયું. એને મારવા માટે બીજી ગોળી ચલાવી જ હોત પણ કશોક ખચકાટ થયો. એક શિકારી તરીકેનું પોતાનું આક્રમક મન ‘જોયું’. મોતના મોંમાં જઈ રહેલાં એ પ્રાણીનો સંઘર્ષ બહુ જ સજાગ અને સચેત બનીને જોયો. અંદરથી એક અવાજ સંભળાયો,  “ નાનકડા જીવને મારવાનો તને શો અધિકાર છે? તારા હાથમાં બંદૂક છે એટલે તું મારી શકે?” પછી. તો  બંદૂકની સંસ્ક્રુતિ, જીવહિંસા વગેરે અંગે મંથન ચાલ્યું. પશ્ચાતાપ પણ થયો. જાગૃતિપૂર્વકનાં નિર્લેપ નિરીક્ષણની નિપજરૂપ આ પરિવર્તનની ક્ષણ હતી. આવનારી ક્રાંતિનો એમાં પદરવ હતો. નવી અંતરદૃષ્ટિનો અનુભવ થયો. શિકાર કર્યા પછી સામાન્ય રીતે એ પ્રાણીનું માંસ રાંધીને ખાતા, પણ એ રાત્રે એ સ્વાદિષ્ટ વાનગી ખાઈ શક્યા નહીં, એટલું જ નહીં, હવે પછી કદી પણ માંસાહાર ન કરવાનો નિર્ણય કર્યો. શિકારના અધ્યાયની પણ જીવનમાંથી સમાપ્તિ થઈ ગઈ. તે પછી રમણ મહર્ષિ પાસે પણ ગયા.પોન્ડિચેરીની મુલાકાત લીધી પણ એકાતવાસને કારણે શ્રી અરવિંદના દર્શન ન થયાં પણ માતાજી સાથે મુલાકાત થઈ. અનેક તીર્થસ્થાનોની યાત્રા પણ કરી. આમ પોતાની લાંબી જીવનકથા કહી તેમણે અંતે ઉમેર્યું કે “આમ તો મન ઊર્જાથી ભર્યું ભર્યું હોય છે , પરંતુ જુના અનુભવો અને દ્રઢ બનેલા સંસ્કારોને કારણે તે પૂર્વગ્રહથી દૂષિત અને સંકુચિત બની જાય છે એટલે તે પોતાનું ખુલ્લાપણું ખોઈ બેસે છે. એટલે ધર્મ કે અધ્યાત્મના નામે ચાલતી મનની અવિરત ગતિ અને મન અને લાગણીઓના   બધા જ ક્રિયાકલાપોનું બંધક સ્વરૂપ તથા તેની મર્યાદાઓ સમજી લઈએ તો અંત:કરણના મૌનનો આવિષ્કાર સંભવ બને છે. સમગ્ર ઊર્જાની પ્રશાંત અવસ્થા જ આધ્યાત્મિક રૂપાંતરનું પ્રવેશદ્વાર છે.”

               ત્યાંથી બધાની વિદાય લઈ તેઓ માતાને મળવા ગયા અને માને બધી વાત કરી અત્યંત આગ્રહ  છતાં પણ ઘરે રહેવાના સહુના આગ્રહનો દૃઢતા પૂર્વક અસ્વીકાર કરી થોડા દિવસ સહુ સાથે રહી, મિત્રોને મળી, પોતે શું કર્યું અને અનુભવ્યું એની વાત કરી પછી કૃષ્ણમૂર્તિજીને પણ મળ્યા. બધી વાત સાંભળીને તેમણે કહ્યું કે એ ઊર્જાને આપમેળે કાર્ય કરવા દ્યો. તેને કોઈ દિશામાં ખેંચવી કે ધકેલવી નહીં. અને પછી ભૂખ્યા ન રહેવા અને સ્વાસ્થ્યપ્રદ પૂરું ભોજન કરવા પણ કહ્યુ. તે પછી મુંબઈથી પંચગની અને ત્યાંથી 5 km દૂર એમના મિત્ર સાવંતનાં નાનકડા ફાર્મહાઉસ પર રહ્યા. ત્યાં ફરતાં ફરતાં તેમણે પર્વત ઉપરના જંગલની એક ગુફા વિશે સાંભળ્યું . ત્યાં જતાં જ તેમને એ સ્થળ પસંદ પડ્યું. એ ગુફા જ જાણે તેમને નિમંત્રણ આપતી હતી.સાફસફાઈ કરી રહેવાનું શરુ કર્યું. એક ચૂલો સળગાવી જાતે રાંધી લેતા અને પાસે આવેલા ઝરણામાંથી પાણી મળી જતું. આમ તેમની સાધના આગળ વધી. આ ગુફાને પ્રતિક બનાવી તેમણે એક વખત કહ્યું કે આપણા આંતર મનમાં પણ એક ગુફા છે જેમાં વાસ્તવિક દિવ્ય પુરુષનો વાસ છે . આપણે જેને ઓળખીએ છીએ તે અભિમાની મન આપણું સાચું રૂપ નથી.

હવે દાદાના જીવનનું અંતિમ પાસું શરૂ થાય છે. પંચગીની એક હિલસ્ટેશન હોવાથી દેશ વિદેશના પ્રવાસીઓ અહીં આવતા રહેતા. દાદાને અંગ્રેજી ન આવડતું પણ વાતચીત કરતાં સ્વપ્રયત્ને એ શીખી ગયા. બાજુમાં મહાબળેશ્વર હતું ત્યાંથી પણ ખબર પડતાં લોકો મળવા આવતા. એ રીતે એક દિવસ કલકત્તાના એક ઝવેરી આવ્યા અને એમની વાતો સાંભળીને તેમણે વિદેશોમાં આ વાતો મૂકવા જવું જોઈએ એવું કહ્યું. પણ કેટલાયે પ્રશ્નો હતા. અહીં પણ કોઈ અદૃશ્ય શક્તિએ જ જાણે સહજપણે ગોઠવી આપ્યું અને એક્સેલ ઈંડ.ના ગોવિંદજી શ્રોફ, સિંધિયા સ્ટીમનાં સુમતિબહેન મોરારજી જેવા અનેક સજ્જનો સહયોગી બન્યા, બધા જ જટિલ પ્રશ્નોનો ઉકેલ આવતો ગયો અને તેમણે પ્રથમ વિદેશ પ્રવાસ કર્યો પછી તો અનેક આમંત્રણ મળ્યાં. વિવિધ પ્રવાસો દરમિયાન વ્યાખ્યાનો, ચર્ચાઓ, સાધનાશિબિરો અને મનોવૈજ્ઞાનિકો સાથે પણ પડકારરૂપ ચર્ચા કરી જેમાં તેમણે મનનું સ્વરૂપ, તેનું કાર્ય વગેરે વિષયે વિશદ ચર્ચા કરી, આધુનિક મનોવૈજ્ઞાનિકો ને મુગ્ધ કર્યા. છેવટે 1976માં કેલિફોર્નિયા હતા ત્યારે પ્રથમ પુસ્તક ‘બિયોન્ડ ધ માઈન્ડ’ પણ બહાર પડ્યું. હા, એ પહેલાં પંચગીની હતા ત્યાંથી મહાબળેશ્વર 14 વર્ષ રહ્યા જ્યાં મધમાખી ઉછેર પણ જીવનયાપન માટે કર્યો. અહીં તેમને થયેલા સર્પ, વાઘ, .મધમાખીનો અનુભવ વગેરે અને વિદેશ પ્રવાસ અને ત્યાં થયેલી ચર્ચાઓ વગેરે ની રોચક વાતોનો રસ તો પુસ્તક પાસે જતાં જ મળે. દાદાજીએ સુંદર છબીઓયે ઝડપી છે અને કાવ્યસર્જન પણ કર્યું છે.

દાદાના જીવનની કેટલીક ઘટનાઓ વિસ્તારપૂર્વક લખવાનું કારણ એટલું જ કે આપણે પ્રારંભમાં જોયું એ પ્રમાણે આપણે બધી જ ઘટનાઓ, વિચારોને ,ઝીણવટથી જોઈશું તો એમાંથી બોધ મળે છે, એક સ્પષ્ટ દર્શન, સંદેશ પણ પ્રાપ્ત થાય છે. સરળ પ્રવાહી અનુવાદને કારણે  મૂળ અંગ્રેજી પુસ્તક હોવા છતાં જાણે ગુજરાતી ભાષામાં જ લખાયેલું હોય એવું  પોતીકું  બની રહે છે. એક જ ઉદાહરણ બસ થઈ પડશે. મૂળ Choisless awareness ને ગુજરાતીમાં ‘નિર્લેપ નિરીક્ષણ’ તરીકે મુક્યો છે. કેટલો યોગ્ય શબ્દ ! શૈલી પણ પ્રવાહ જાળવી રાખે છે. આમ આનંદ અને રસનિર્મિતિ સહજ, સરળ બનતાં આ કૃતિને સર્જનાત્મક સાહિત્યકૃતિ ગણવામાં કોઈ અવરોધ નથી રહેતો.


(સાધકોએ સાધનાકાળ દરમિયાન મુશ્કેલીઓ નો સામનો ન કરવો પડે તેથી દાદાજીએ 93 વર્ષની ઉંમરે સજ્જનગઢથી દૂર આવેલા બોરણે ગામ પાસે એક તપોવન આશ્રમ બનાવેલ છે)


[પ્રજ્ઞાની અનુભૂતિ- Intelligence Beyond Thought – દાદા ગાવંડેની આત્મકથાનો ગુજરાતી અનુવાદ છાયા ત્રિવેદી.

પ્રકાશક: દાદાજી ગાવંડે ફાઉન્ડેશન તપોવન બોરણે ઠોસેઘર રોડ તાલુકા જિલ્લો સતારા.

વિતરણ: ગુર્જર એજન્સી રતનપોળ અમદાવાદ. +91 79 22144663.]


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.