નવી લેખમાળા – ‘પગદંડીનો પંથી’ના પ્રારંભે : વેબગુર્જરીના વાચકો માટે બે બોલ

ડૉ. પુરુષોત્તમ મેવાડા વેબ ગુર્જરી પરિવારના આરંભકાળના પ્રિયજન છે. ૨૦૧૫ /૨૦૧૬માં તેમની સરળ કલમે વેબ ગુર્જરી પર વિવિધ રોગોની પ્રાથમિક સમજ આપણે મેળવતા હતાં.

હવે, એક સર્જ્યન તરીકેના તેમના જીવન અનુભવોને રજૂ કરતાં તેમનાં તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘પગદંડીનો પંથી’ને તેઓ વેબ ગુર્જરી પર રજૂ કરી રહ્યા છે.

તેમનાં પુસ્તકને વેબ ગુર્જરી પર હપ્તાવાર પ્રકાશિત કરવાની સહમતી આપવા બદલ વેબ ગુર્જરી ડૉ. પુરુષોત્તમ મેવાડાનો હાર્દિક આભાર માને છે.

આ લેખમાળા હવેથી દર મહિનાના પહેલા બુધવારે વાંચી શકાશે.

– સંપાદક મંડળ – વેબ ગુર્જરી       દરેક માનવીને ભૂતકાળને વાગોળવો ગમતું હોય છે, ખાસ કરીને પાછલી ઉંમરમાં. હું જ્યારે 70 મા વર્ષે મારી જીંદગીને જોઉં છું, ત્યારે મારા ડોક્ટર-સર્જન તરીકેના સ્મરણો એક ચલચિત્રની જેમ તાદ્રશ્ય થાય છે. એમાં ઘણું એવું છે જે મોટા ભાગના ડોક્ટરો કરતાં કંઈક જૂદું જીવાયું છે. મેં પ વર્ષોથી સંપૂર્ણપણે પ્રેક્ટિસ છોડી દીધી છે ત્યારે એ બધું ભૂતકાળના અંધકારમાં ખોવાઈ જાય તે પહેલા શબ્દસ્થ કરી લેવાનો વિચાર મારો પીછો છોડતો નહોતો. એનું જ આ પરિણામ આ પુસ્તક, ‘પગદંડી નો પંથી’ છે.
        વધારે વિસ્તારથી મેં પ્રસ્તાવના અને Epilogue માં જણાવ્યું છે. આ સાથે બે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, જાણીતા સાક્ષર શ્રી ઈશ્વર પરમાર સાહેબ(દ્વારકા) અને વડોદરાના અગ્રણી યુરોલોજીસ્ટ ડો શ્રી સતીશ શાહ ના પુસ્તક વિષેના અભિપ્રાયો મૂકું છું. શાળાના એક મિત્ર શ્રી બીપીન શાહે(એન્જિનિયર) લખી જણાવ્યું હતું કે, “આ પુસ્તકને ધારાવાહિક રીતે કોઈ સમાચાર પત્રમાં લઈ શકાય એમ છે.” આનો અનાયાસે પ્રતિભાવ વેબગુર્જરીના સંપાદકો તરફથી મળ્યો છે એ મારા માટે અતિ આનંદની વાત છે. પુસ્તકને વાંચકો સુધી ના પહોંચે તો એ લખવાનો અર્થ સરતો નથી.
         આ સાથે સાયુજ્ય પ્રકાશન, વડોદરાના સાહિત્યકાર દંપતિ શ્રી અશ્વિન ચંદારાણા અને મીનાક્ષીબહેનનો પણ આભાર માની વિરમું છું.

પુરુષોત્તમ મેવાડા


પુસ્તક પરિચય    

                દિલ ખોલીને વાત કરતા એક નેકદિલ દાક્તરની રામકહાણી

પુ. પગદંડીનો પંથી લે. ડૉ. પુરુષોત્તમ મેવાડા; પ્રકા. સાયુજ્ય પ્રકાશન, વડોદરા-23;આવૃતિ: પ્રથમ;પ્રકા.વર્ષ : 2020; કિં.250\રૂ.; પૃ.142.


        હાઈ-વે પર પોતાનું વાહન અતિવેગથી હંકાર્યે જનારને લોકો મુસાફર ભલે કહે પણ સાંકડી અને કાંટાળી કેડી પર ચાલ્યો જનાર તો પંથી! જેનો જીવનરાહ અનેક સંઘર્ષો અને સંકટોથી છવાયેલ રહ્યો અને જેને પોતાના બળે બાથોડિયાં ભરતાં જીવવાનું બન્યું  તે પગદંડીના પંથી ડૉ.મેવાડાએ પોતાનું અલ્પઝલપ આત્મકથાનક અહીં પાથરીને જિજ્ઞાસુ વાચકો પર પ્રેમોપકાર કર્યો છે. તેમની આ રામકહાણી તેમના અનુભવોની દૃષ્ટિએ દુર્લભ છે અને માહિતીની દૃષ્ટિએ મૂલ્યવાન છે.

       શબ્દ  ‘સાહિત્ય’માં પદ ‘હિત’ રસાયેલ છે આથી આ કૃતિમાં સામાંનું હિત સાધવાનો  હેતુ રહેલ હોવાથી આ પુસ્તક ‘પગદંડીનો પંથી’ સાહિત્યકૃતિ લેખે આવકાર્ય છે. આ પુસ્તકના લેખક ડૉ.મેવાડાએ પોતાની પ્રશસ્તિ અને પ્રચારના હેતુથી રચ્યું જણાતું નથી કેમકે ડોક્ટરે પોતાની કેટલીક ક્ષતિઓ પણ અહીં છતી કરી બતાવી છે. પુસ્તકનું વાચન શરૂ થયા પછી ધીરે ધીરે વાચકને લેખક સાથે એવી આત્મીયતા સધાઈ જાય છે કે લેખકને મળતા માન-સન્માન અને સિધ્ધિની ઘટના વાચકના દિલને આનંદ આપે છે અને અહોભાવ જગાડે છે અને તેમની થતી ઉપેક્ષા અને અપમાનની ઘટના વાચકના દિલમાં ખેદ જન્માવે છે.

        પુસ્તકમાંની ઘટનાઓમાં રસાયેલ લેખક ડૉ.મેવાડાનો આસ્થાભાવ પુસ્તકના અંતભાગે આ  શબ્દોમાં મુખરિત થયેલ છે ; “હજી સુધી ભગવાનમાં માનતો ન હોય એવો કોઇ ડોક્ટર મેં જોયો નથી!  આખરે તો આ દુનિયાનું સંચાલન કોઇ અદૃશ્ય શક્તિ કરે છે. ડોકટર તો નિમિત્તમાત્ર હોય છે  એનો સ્વીકાર કરવો જ પડે! જે દિવસે ડોક્ટર એમ માને છે કે પોતે જ સર્વસ્વ છે તે દિવસથી એની પડતી શરૂ થઈ જાય છે.” લેખકનો આ આસ્થાભાવ જાણીને વાચકોના મનમાં ડોક્ટર્સ માટેના કેટલાક અવળા પૂર્વગ્રહોનું બાષ્પિભવન થઈ જાય તે સહજ છે. એ જ રાહે લેખકની કાર્યનિષ્ઠા અને ખુમારી પણ પ્રેરક છે.

     આ પુસ્તકના વાચકોને તેમના પોતાના એક કે બે ફેમિલી ડોક્ટર તો હોવાના જ. તેમના પ્રત્યેનું પોતાનું ઋણ ચુકવવાના આશયથી તેમના હાથોમાં આ પુસ્તક અવશ્ય ધરવા જેવું છે. એ જ રીતે ઇસ્પિતાલોમાં જુનિયર ડોક્ટર્સ માટે આ પુસ્તક ખૂબ માર્ગદર્શક નીવડે તેવું છે.

      ડો. મેવાડાના જીવનનો ઉત્તરાર્ધ સાહિત્યક્ષેત્રને સમર્પિત થયેલ જોઇ-જાણીને તેમને અનંત શુભેચ્છાઓ પાઠવવાનો ઉમળકો થઈ આવે છે; પુસ્તકના પ્રકાશક ‘સાયુજ્ય’ દ્વારા થયેલ આકર્ષક અને   અર્થપૂર્ણ સજાવટ પણ અભિનંદનીય છે. આ પુસ્તકની બીજી આવૃત્તિ જોવાની આતુરતા સાથે વિરમું છું.

 [‘મોરપીંછ’ , સિધ્ધનાથ સામે, દ્વારકા-361335; મો.9427284742]            –  ઇશ્વર પરમાર


Dr Satish N shah
Dr. Satish N. Shah, M.S.(urologist)
Vadodara.
July 19, 2020.

Dear Dr. Mevada,
      Thank you very much for sending a copy of your latest book Pagdandi no panthi.
      On opening the envelope, I could not resist temptation of going through it, and in first sitting of about 50 minutes, I had to read whole of first section at a stetch. It is interesting and for DOCTOR, it reminds of his/her student/Residency/early days of practice very vividly. Of course, it will impress lay public in a more informative way and will change the image of doctors in society.
      About second section, I can see that you have taken great trouble in collecting information that will be useful to any member of society in understanding intricacies of medical practice. I think this book revised and expanded can serve as a textbook in 5-6-7 standards of academic curriculum.
       I wish you good luck and hope you will come out with more of such new ideas.
S/d
Dr Satish N shah.


ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે

Author: Web Gurjari

4 thoughts on “નવી લેખમાળા – ‘પગદંડીનો પંથી’ના પ્રારંભે : વેબગુર્જરીના વાચકો માટે બે બોલ

 1. વાહ! આ પુસ્તકને ધારાવાહિકની રીતે વાંચવાની મઝા આવશે!

 2. આટલા ઉપયોગી પુસ્તકના પ્રકાશનમાં સામેલ થવાનો અમને અવસર મળ્યો એ બદલ આનંદ વ્યક્ત કરીએ છીએ!

  મીનાક્ષી અને અશ્વિન ચંદારાણા
  સાયુજ્ય પ્રકાશન
  વડોદરા
  ૯ ૯ ૯ ૮ ૦ ૦ ૩ ૧ ૨ ૮

 3. ખૂબ ખૂબ અભિનંદન- ડો. મેવાડા સાહેબ

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. આપને ગમશે જ દર્શા જી.
  રમેશભાઈ, તમેતો અંગત છો, તમને પણ તમારા અનુભવો લખવાની ચાનક ચઢશે. આભાર આપ બંનેવનો અને મુલાકાત લેનાર સાહિત્ય રસિકોનો.

Leave a Reply

Your email address will not be published.