વેબ ગુર્જરી પર નવી લેખમાળા- સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓ -ના પ્રારંભે

ફિલ્મ-ઇતિહાસના ઊંડા અભ્યાસુ અને બહુખ્યાત લેખક નલિન શાહ દ્વારા લખાયેલા સૌ પ્રથમ પુસ્તક Melodies, Movies & Memories નું પ્રકાશન ૨૦૧૬માં ‘સાર્થક પ્રકાશન’ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પુસ્તકની પ્રસ્તાવનામાં પ્રકાશકની ભૂમિકામાં ઉર્વિશ કોઠારી લખે છે :’વિન્ટેજ હિંદી ફિલ્મોનાં સંગીત વિષે લખવું એ ગંગોત્રી વિષે કંઇ જ ખબર ન હોય તેમ છતાં ગંગા પરનાં દસ્તાવેજીકરણ કરવા બરાબર છે.’ 

જો કે, વિન્ટેજ ફિલ્મોએ કિશોર વયના સમયથી જ નલિન શાહનાં મનમાં મૂળિયાં ફેલાવી દીધાં હતાં. કિશોર નલિન શાહના વિન્ટેજ ફિલ્મો પરના લેખો એ સમયનાં ગુજરાતી સામયિકોમાં પ્રકાશિત થતા રહેતા હતા. તેમનો આ શોખ વિકસતો ચાલ્યો. ફિલ્મફેર, ‘જી’, પ્લૅબૅક એન્ડ ફાસ્ટ ફોરવર્ડ જેવાં ફિલ્મવિષયક સામયિકો ઉપરાંત ધ પાયોનીયર, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા, હિન્દુસ્તાન ટાઈમ્સ, ધ હિન્દુ જેવાં અગ્રગણ્ય અખબારોમાં વિન્ટેજ ફિલ્મોના કળાકારો, સંગીતકારો કે ગીતો વિશેના તેમના લેખ પ્રકાશિત થવા લાગ્યા. ‘મિડ ડે’માં તેમની કોલમ ઘણાં વર્ષો સુધી એકધારી ચાલતી રહી હતી. તેમના લેખોમાં વિષયવૈવિધ્ય ઉપરાંત અન્ય ‘પ્રખ્યાત’ ફિલ્મ-લેખકોની ગપસપ અને પંચાત કે કહીસુની વાતો માટે ક્યારે પણ જગ્યા નહોતી. તેઓ જે કંઇ લખે તે લાગતાં વળગતાં સૂત્રો પાસેથી ચકાસણી અને પુન:ચકાસણી કર્યા બાદ જ લખતા.

સામયિકો અને અખબારો માટે લખવાને કારણે નલિન શાહને કલાકારોનાં અસ્તિત્વને, તેમની પોતાની ચમક દમકની દુનિયાની બહાર, આપણાં જગતનાં સામાન્ય માનવી તરીકે જોવાનો મોકો મળ્યો. ભારતીય જીવન વિમા નિગમના ડેવલપમેન્ટ ઑફિસર તરીકેની તેમની આર્થિક ઉપાજન માટેની કારકીર્દીને કારણે તેમને ભારતનાં અનેક શહેરોમાં ફરવાનું પણ થયું.અહીં તેઓ જૂદા જૂદા કલાકારોને મળવાની તક ખોળતા રહ્યા. આ મુલાકાતોએ નલિન શાહની વિચારપ્રક્રિયાને સ્પષ્ટ કરવાની ભૂમિકા તો ભજવી જ, સાથે “હકીકતો”ને ચકાસવામાં (અને ક્યારેક, ફરી ફરીને ચકાસવામાં પણ) બહુ મદદ કરી. સરળ શૈલીમાં લખાયેલા, વિવિધ વિષયોને આવરી લેતા, લેખોમાં આ અનુભવો અને આદાનપ્રદાનોના નિચોડથી વાચકોને તેમણે તરબોળ કરી દીધા છે. તેઓએ કે એલ સાયગલ, નૌશાદ, ખેમચંદ પ્રકાશ,ન્યુ થિયેટર્સ, બોમ્બે ટૉકિઝ જેવા વિષયો પર પ્રત્યક્ષ નિદર્શનો સાથેનાં દૃશ્ય-શ્રાવ્ય વક્તવ્યો પણ આપ્યાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફિલ્મ જગતનાં વિવિધ પાસાંઓ પર ઘણું લખાયું છે. છતાં એ પણ હકીકત છે કે, પોતપોતાના સમયમાં ફિલ્મસર્જનનાં વિવિધ પાસાંઓ કે સંગીત કે ઇતિહાસને જાળવવામાં કે દસ્તાવેજ કરવામાં એ લેખકો કંઈક અંશે ઉણા ઉતર્યાં છે. બોલતી થયેલી ફિલ્મોના પહેલા બે દાયકાઓ વિષે મુદ્રિત કે જાહેર પ્રસાર માધ્યમો પર પાયાનું કામ કરી રહેલા લોકો જેટલું જ મહત્ત્વનું યોગદાન, ઇન્ટરનેટના પ્રસારમાં વેગ આવ્યા બાદ, ડીજીટલ ટેક્નોલોજીના બહુ જ અભિનવ વપરાશ વડે કેટલાક મરજીવાઓ નોંધાવી રહેલ છે. અંગ્રેજીમાં લખાયેલું નલિન શાહનું પ્રસ્તુત પુસ્તક એ બે દશકના ઇતિહાસનો જ માત્ર દસ્તાવેજ નથી કે નથી માત્ર વિવિધ ઘટનાઓ કે પાત્રોની આસપાસ વણાયેલી વાતોનું કથાનક. તેમની શૈલીમાં દસ્તાવેજી આલેખનની શુષ્કતા પણ નથી અને કથાનકોનાં વર્ણનોની અતિ નાટ્યાત્મકતા પણ નથી.આ પ્રકારના વિષયો માટે ઉદાહરણીય ગણી શકાય તે સ્તરનાં ઊચ્ચ ધોરણો જાળવી રાખવા છતાં, નલિન શાહ તેમનાં લખાણોની રજૂઆત બહુ રસાળ શૈલીમાં કરે છે.

‘વેબગુર્જરી’ના વાચકો માટે આનંદના સમાચાર છે કે આગામી ફેબ્રુઆરીથી નલિન શાહના પુસ્તક Melodies, Movies & Memoriesમાંથી ચૂંટેલા લેખોનો ગુજરાતી અનુવાદ દર મહિનાના પહેલા મંગળવારે માણી શકાશે. આ લેખોનો અનુવાદ, ફિલ્મસંગીતના રસિયા અને ‘વેબગુર્જરી’ પર ‘ફિલ્મ સંગીતના નકશીકારો’ જેવી વિશિષ્ટ શ્રેણીના આલેખક શ્રી પિયૂષ પંડ્યા કરવાના છે. પુસ્તકના લેખોના અનુવાદ માટે અનુમતિ આપવા બદલ નલિન શાહ અને ‘સાર્થક પ્રકાશન’નો વિશેષ આભાર.  

નલિન શાહ વિશે બીરેન કોઠારી દ્વારા લખાયેલો વિસ્તૃત પરિચય લેખ તેમના બ્લૉગ ‘પેલેટ’ પર અહીં વાંચી શકાશે.


Melodies, Movies & Memoriesનલિન શાહ© ૨૦૧૬

પ્રકાશક: સાર્થક પ્રકાશન, અમદાવાદ ǁ કિંમત રૂ. ૩૦૦/-

ISBN: 978 – 93 – 84076 – 17 – 7 ǁ ઑનલાઈન ખરીદી શકાય છે.


સંપાદક મંડળ, વેબ ગુર્જરી

Author: Web Gurjari

1 thought on “વેબ ગુર્જરી પર નવી લેખમાળા- સૂરાવલિ, સિનેમા અને સ્મૃતિઓ -ના પ્રારંભે

Leave a Reply

Your email address will not be published.