ફિર દેખો યારોં : ઔદ્યોગિક સુરક્ષા અંગેના કાનૂન : અવગણના, ઉલ્લંઘન કે ઈચ્છાશક્તિનો અભાવ?

બીરેન કોઠારી

ઔદ્યોગિક અકસ્માતોનું પ્રમાણ લૉકડાઉન દરમિયાન ઘણું વધતું જોવા મળ્યું. એનો અર્થ એમ નથી કે આ અકસ્માતો પહેલાં થતા નહોતા કે ઓછા થતા હતા. માનવસર્જિત ભૂલો આવા અકસ્માતોમાં કારણભૂત હોય એ સમજી શકાય એમ છે, પણ સલામતીના નિયમોનું ધરાર ઉલ્લંઘન એટલું મોટું પરિબળ છે કે તેને જરાય અવગણી ન શકાય. પ્રત્યેક ઉદ્યોગ માટે તેના પ્રકાર અનુસાર સુરક્ષાના નિયમો અને તેના અમલ માટે જવાબદાર અધિકારી નિર્ધારીત હોય છે. એ જ રીતે, સરકાર દ્વારા નીમાયેલા અધિકારીઓ આ નિયમોનું પાલન યોગ્ય રીતે થાય છે કે કેમ તે જોવાની ફરજ બજાવે છે. આમ, વિવિધ વિભાગો અંગેની જવાબદારી નિર્ધારીત કરવામાં આવી હોવા છતાં અકસ્માતોનું વધતું પ્રમાણ દર્શાવે છે કે આ બાબતને જોઈએ એટલી ગંભીરતાથી લેવામાં આવતી નથી કાં તેના પ્રત્યે સાવ દુર્લક્ષ સેવાય છે.

વ્યાવસાયિક સુરક્ષા અને સ્વાસ્થ્યના ક્ષેત્રે અઢી દાયકાથી વધુ સમયથી કાર્યરત, વડોદરાસ્થિત ‘પીપલ્સ ટ્રેનિંગ એન્‍ડ રિસર્ચ સેન્‍ટર’ દ્વારા તાજેતરમાં સરકાર દ્વારા પ્રાપ્ત થયેલા આંકડા આ હકીકતને વધુ સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે.

વર્ષ 2018 અને 2019 દરમિયાન નવા નોંધાયેલા ઔદ્યોગિક એકમોની સંખ્યા અનુક્રમે 2091 અને 3151 છે, જેની સામે આ ગાળા દરમિયાન બંધ પડેલા એકમોની સંખ્યા અનુક્રમે 653 અને 842 છે. આમ, કુલ કાર્યરત એકમો આ બન્ને વર્ષોમાં અનુક્રમે 41, 412 અને 43, 721 છે. આટલા એકમો અનુક્રમે 17,25, 911 લોકો તેમ જ 18,34,792 લોકોને રોજગારી પૂરી પાડે છે. અલબત્ત, રોજગારીના આ આંકડા સ્થાનિક કામદારોના છે કે સ્થળાંતરિત કામદારોના, એ સ્પષ્ટ નથી. આટલા એકમોમાં કાયદાના અમલ બાબતે સરકાર પાસે કેટલું તંત્ર છે?

ઔદ્યોગિક એકમો અને કામદારોની સંખ્યામાં દેખીતો વધારો જોઈ શકાય છે, તેની સામે સરકારી તંત્રમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતમાં રસાયણ એકમોની સંખ્યા ઘણી છે. આમ છતાં, આસીસ્ટન્‍ટ ડાયરેક્ટર (કેમિકલ)નું સ્થાન ઘણા વર્ષોથી ખાલી પડ્યું છે. રસાયણ એકમોમાં આગ અને વિસ્ફોટની સંભાવના ઘણી હોય છે, જેનો ઠીક પરચો લૉકડાઉન દરમિયાન મળ્યો. આમ છતાં, આ જવાબદાર સ્થાન ખાલી રહ્યું છે. આવું અગત્યનું બીજું સ્થાન છે ઈન્‍ડસ્ટ્રીલ હાઈજીનિસ્ટનું. ઉદ્યોગમાં કામ કરતા હજારો કામદારો રસાયણોના ઝેરી ધુમાડા કે રજના સંપર્કમાં રોજબરોજ આવતા રહે છે. હવામાં વિવિધ રસાયણોના પ્રમાણ બાબતે નિર્ધારીત કરવામાં આવેલાં માપદંડનું પાલન યોગ્ય રીતે થાય છે કે કેમ, એ જોવાનું કાર્ય  ઈન્‍ડસ્ટ્રીઅલ હાઈજીનિસ્ટનું છે, જેમના માટે ચાર સ્થાન મંજૂર કરવામાં આવેલાં છે. ગુજરાતમાંથી તૈયાર થયેલા ઈન્‍ડસ્ટ્રીઅલ હાઈજીનિસ્ટ દેશભરનાં વિવિધ એકમો તેમજ પરદેશનાં બહુરાષ્ટ્રીય એકમોમાં કાર્યરત છે. જો કે, ગુજરાત સરકાર પાસે આ ચારમાંથી એક પણ સ્થાન ભરાયેલું નથી.

વ્યાવસાયિક આરોગ્યની વિશેષ લાયકાત ધરાવતા તબીબોનું સ્થાન પણ એટલું જ મહત્ત્વનું છે. શ્રમ અને રોજગાર વિભાગમાં એક ડેપ્યુટી ડાયરેક્ટર (મેડીકલ) અને એકવીસ સર્ટિફાઈંગ સર્જનનું સ્થાન નિર્ધારીત કરવામાં આવ્યું છે. આમાં એક ડેપ્યુટી ડાયરેક્ટર અને ચૌદ સર્ટિફાઈંગ સર્જન-એમ કુલ પંદર સ્થાન ખાલી છે. એટલે કે માત્ર છ સર્ટિફાઈંગ સર્જન કાર્યરત છે.

એક તરફ આવાં મહત્ત્વનાં સ્થાનો સાવેસાવ ખાલી પડેલાં છે, અને બીજી તરફ કારખાના નિરીક્ષકો દ્વારા કરવામાં આવેલાં નિરીક્ષણોના આંકડા પણ વિસંગતીયુક્ત છે. કારખાના નિરીક્ષકોએ પોતાના તાબા હેઠળ આવતાં ઔદ્યોગિક એકમોની મુલાકાત લઈને ત્યાં કાનૂની જોગવાઈઓનું પાલન યોગ્ય રીતે થાય છે કે નહીં તેનું નિરીક્ષણ અને નોંધ કરવાનાં હોય છે. વર્ષ 2018 દરમિયાન કરવામાં આવેલાં નિરીક્ષણોની સંખ્યા 8,907 હતી, જે 2019માં વધીને 16, 930 થઈ, એટલે કે લગભગ બમણી થઈ ગઈ. આ વિભાગના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થયેલો હોય, પણ નિરીક્ષણોમાં બમણા જેટલો વધારો થયેલો હોય એ ટેક્નોલોજીના કયા જાદુથી શક્ય બન્યું હશે?

કાનૂની જોગવાઈઓનું પાલન ન થતું હોય એવાં એકમોમાં એમ કરવા માટેની સમજ આપવી, તેની અવગણના કરાય તો નોટીસ આપવી, અને છતાં અવગણના કરવામાં આવે તો અદાલતમાં ફરિયાદ દાખલ કરવાનું કામ પણ આ વિભાગના કાર્યક્ષેત્રમાં આવે છે. વર્ષ 2018 દરમિયાન નિકાલ ન થયેલી ફરિયાદોનો આંકડો 30, 263 હતો, જે 2019માં ઘટીને 15, 346 એટલે કે લગભગ અડધો થઈ ગયો. વર્ષ 2018 દરમિયાન નિકાલ કરવામાં આવેલી ફરિયાદોનો આંકડો 17, 674 હતો, પણ વર્ષ 2019 દરમિયાન તે ઘટીને સાવ 1,622 થઈ ગયો. આટલો મોટો ફરક શી રીતે? અને આમ થવાનું કારણ શું? બન્ને વર્ષમાં થઈને કુલ 19,296 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો, જેમાંથી 3,221 એકમો ગુનેગાર ઠર્યા. આનો અર્થ એ કે બાકીની ફરિયાદોમાં સરકારની હાર થઈ. આમ થયા પછી સરકારે વડી અદાલતમાં કાર્યવાહી કરી કે પછી પોતાને ફરિયાદ પાછી ખેંચી લીધી કે કેમ, એ ખબર નથી.

આ પ્રકારના ગુનાઓમાં સામાન્ય રીતે ગુનેગારને દંડની સજા કરવામાં આવે છે. ગુનો ગંભીર હોય તો પણ ગુનેગારને જેલની સજા થાય એવું ઓછું બને છે. અકસ્માતનો ભોગ મોટે ભાગે કામદાર બને છે અને તેને કાં ઈજા થાય, પંગુતા આવે કે પછી મૃત્યુ પણ થાય તો એવા કિસ્સામાં મોટે ભાગે તેને યા તેનાં પરિવારજનોને વળતર ચૂકવીને મામલો નિપટાવી દેવામાં આવે છે, અને ઔદ્યોગિક એકમને દંડ ફટકારીને સંતોષ માનવામાં આવે છે. ઉદ્યોગપતિઓને વ્યવસાયની સવલત આપવાની સરકારી નીતિ હોવાથી આમ કરવામાં આવતું હશે, અને હવે કામદારોને લગતા કાયદાઓમાં પણ મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ઉદ્યોગોનો વિરોધ ન હોઈ શકે, પણ તે જાન કે સલામતી કે સુરક્ષાના વિકલ્પે ન હોઈ શકે. રાજ્યના વિકાસ માટે ઉદ્યોગો જરૂરી છે, પણ તે પર્યાવરણ કે કામદારોની સલામતિના ભોગે નહીં જ નહીં. આ આંકડાઓ દ્વારા અનેક બાબતો ઉજાગર થાય છે, પણ સૌથી અગત્યની બાબત ભીંત પર લખાયેલા અક્ષરની જેમ નજરે પડતી હોય તો એ છે સરકારના પક્ષે જરૂરી ઈચ્છાશક્તિનો અભાવ. વિકાસના મોડેલમાં આ પાયાની ક્ષતિ છે, જેને અવગણવામાં આવશે તો એ કોને ખબર, કેટલાનો ભોગ લેશે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૪-૧૨–૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.