શબ્દસંગ : મન વિનાનું મન : નિર્લેપ જાગૃતિની અંતરંગ યાત્રા (૧)

નિરુપમ છાયા

સાહિત્ય વિવિધ કૃતિઓ થકી  પ્રગટ થાય છે.  

આ કૃતિઓ-સાહિત્ય સ્વરૂપો-માં નવલકથા, એકાંકી, કાવ્ય,નવલિકા, નિબંધ વગેરેનો સમાવેશ થાય છે. આવું  જ એક સાહિત્ય સ્વરૂપ આત્મકથા છે. પરંપરાગત રીતે આ સ્વરૂપને આપણે એની કેટલીક નિજી  વિશેષતાઓને કારણે આપણે આમ કરવા પ્રેરાઈએ છીએ. હમણાં એક પ્રતિષ્ઠિત સાહિત્યિક સામયિક ‘બુદ્ધિપ્રકાશ’માં જાણીતા સર્જક રતિલાલ બોરીસાગરે ડૉ. ધીરેન્દ્ર મહેતાનાં આત્મચરિત્ર ‘મહેતાજી તમે એવા  રે’ અંગે એક લેખના  પ્રારંભમાં આ વિષયની પાયાની ચર્ચા કરી છે. તેમણે લખ્યું છે કે વસ્તુત: અન્ય સાહિત્ય સ્વરૂપોની જેમ આત્મકથા  કોઈ સ્વતંત્ર સાહિત્યસ્વરૂપ નથી. આત્મકથા, રેખાચિત્ર વગેરે ચરિત્રાત્મક સાહિત્ય તત્વત; નિબંધ સાહિત્ય છે. જયંત કોઠારીએ એમના ‘નિબંધ અને ગુજરાતી નિબંધ’ પુસ્તકની પ્રસ્તાવનામાં આ વાત સ્પષ્ટપણે મૂકી છે. શ્રી બોરીસાગરે અહીં એક મહત્વનો પ્રશ્ન ઊભો કર્યો છે કે નવલકથામાં લેખકને કાલ્પનિક્તાની જેટલી છૂટ હોય એટલે આત્મકથાના લેખકને હોતી નથી એટલે  આત્મકથા સાહિત્યકૃતિ ગણાય પણ સર્જનાત્મક સાહિત્ય ન ગણાય આવો એક મત છે. આ મત સામે  તર્ક પ્રસ્તુત કરતાં  તેઓ કહે છે કે કોઈપણ કૃતિ રસનિર્મિતિને કારણે જ સાહિત્યકૃતિ બને છે. અને કોઈપણ સાહિત્યકૃતિ પાસે રસનિર્મિતિની જેટલી  અને જેવી અપેક્ષા હોય એટલી અને એવી અપેક્ષા આત્મકથા પાસે હોય છે. વળી કોઈપણ કૃતિ માત્ર અને માત્ર આનંદ આપે તો એનું કર્તવ્ય પૂરું થયું ગણાય. આનંદ  ઉપરાંત એ કંઈક એટલે કે સંદેશ આપી શકે તો એનો વધારાનો લાભ ગણાય. જ્યારે આત્મકથાનાં વાચન દ્વારા ભાવકને આનંદબોધ સાથે કંઈં તત્વબોધ પણ કરાવે એવી અપેક્ષા રહે છે. આનંદ  ઉપરાંત કશીક પ્રેરણા પણ મળી રહે એવી વાચકની અંતર્નિહિત  અપેક્ષા રહે છે. આ રીતે આત્મકથામાં આ પ્રકારે રસનિર્મિતિ અનિવાર્ય શરત બની રહેતી હોય તો એ શા માટે સર્જનાત્મક સાહિત્યસ્વરુપ ન  બની શકે?

આ ચર્ચાનાં અવલોકન, તારણને સમજતાં, મુંબઈ પાસેના શહેર થાણે ના નિવાસી અને દાદા ગાવંડ તરીકે જાણીતા સાધકના  સ્વમુખે, સ્વના ભિન્ન આયામી  આવિષ્કાર, પ્રચલિત અર્થમાં કહીએ તો પરમ સત્યની શોધની, આત્મસાક્ષાત્કારની પ્રત્યક્ષ અનુભૂતિનું વર્ણન કરતી આત્મચરિત્ર પર જીવન યાત્રાના  ‘INTELLIGENCE BEYOND THOUGHT’ એ મૂળ અંગ્રેજી પરથી  ગુજરાતી અનુવાદના પુસ્તક ‘પ્રજ્ઞાની અનુભૂતિ’ને સમજવાનો પ્રયત્ન કરીએ.

                                   વિચારોના વિઘ્ન વિના, સ્મૃતિઓને વિસર્જિત કરી, સંપૂર્ણ વિચારશૂન્ય પ્રશાંત અવસ્થામાં જ  પ્રગટતી સમજણ માટે મથેલા દાદા ગાવંડેના  આ આત્મકથનાત્મક ચરિત્રનો ગુજરાતીમાં  અનુવાદ ચાર અનુદિત પુસ્તકોથી જાણીતાં અનુવાદક અને સર્જક છાયાબહેન ત્રિવેદીએ કર્યો છે. તેઓ અનુવાદકની વાતમાં લખે છે, … ‘આધ્યાત્મિક દર્શન કરાવતાં પુસ્તકનો મારો આ પ્રથમ અનુવાદ ગણી શકાય…’ તેઓ જણાવે છે તેમ, તેમને પોતાને આધ્યાત્મિક, ચિંતનાત્મક પુસ્તકોનાં વાચનમાં વિશેષ રસ સાથે એના વિશેષ અભ્યાસને કારણે  આ પુસ્તક દરેક કરતાં કંઈક અલગ  લાગ્યું છે. દાદાજીનું સ્વાનુભાવમાંથી આવેલું, અધકચરું, કશી અતિશયોક્તિ અને સંદિગ્ધતા વિનાનું એ દર્શન, ‘આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે પરંપરા, સંસ્કાર, પુસ્તકો, પ્રવચનો કે વિદ્વાન ગુરુઓ આ બધું કોઈ એક જ સ્તરે મદદરૂપ થઇ શકે છે. ત્યારબાદ તમારે એ બધું ભૂલીને આગળ વધવાનું હોય છે અને એ પણ તદ્દન એકલા !’..  તેમને ખુબ જ સ્પર્શી ગયું છાયાબહેન ઉમેરે છે કે ‘દાદાજીએ  હૃદયસ્થ અનુભૂતિને જ શબ્દસ્થ કરવાનો પ્રયાસ જીવનકથામાં કર્યો છે.’ દાદાજીએ કરેલી સ્પષ્ટતાને સૂત્રાત્મક રીતે મૂકતાં તેઓ ઉમેરે છે કે, ‘દરેક જિજ્ઞાસુએ પોતોકી અલગ અનુભૂતિ કરવાની છે. ચોક્કસપણે દાદાજીએ અહીં માર્ગ ચીંધી દીધો છે, જે બહાર શોધવાથી નહીં મળે. તેની શોધ માણસે પોતાના અંતરંગમાં જ  કરવાની છે. ‘આત્મા  એજ પરમાત્મા’ની અનુભૂતિનો અહીં સાક્ષાત્કાર છે.’ છાયાબહેનની આ વાત જ પુસ્તકનું ગુરુત્વ મધ્યબિંદુ બની રહે છે.

                           આ આત્મકથનાત્મક જીવનચરિત્રમાં ચાર સોપાન સ્પષ્ટપણે દેખાય છે જેમાં પ્રથમ સોપાન પૂર્વજીવન અને મંથન, બીજું સોપાન મહાપરિવર્તન, ત્રીજું  વિસ્ફોટ અને ચેતનાનું ઊર્ધ્વીકરણ અને ચોથું અનુભૂતિ સભર વિચાર અને દર્શનનું પ્રવર્તન આપણે  ગણાવી શકીએ.

  એમનું પૂર્વજીવન ઘણું વૈભવશાળી હતું. સામાજિક કાર્યો પણ કરતા, અને  નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્ય હતા. એમની ૧૮ વર્ષની ઉંમરે જ પિતાજીનું અવસાન થઈ ગયું હતું અને પરિવારમાં જ્યેષ્ઠ પુત્ર હોવાથી માતા,પાંચ બહેનો, એક ભાઈ, અને પિતાશ્રીનો વ્યવસાય એ બધાંની જવાબદારી તેમને જ સંભાળવી પડતી હતી. જીવનના વિભિન્ન આયામો જેમ કે મોક્ષ-રૂપાંતર, શાંતિ અને પરિપૂર્ણતા જેમાં સમાવિષ્ટ છે એવું  કાલાતીત, વાસ્તવિકતાભર્યું, એક અનોખું સર્જન વગેરે વિષયો  પર અનેક વિભૂતિઓનાં  પ્રવચન સાંભળવા જતા. પોતાની જિંદગીમાં એમને જે જોવા મળતું હતું તેની સરખામણીમાં  બાહ્ય આસક્તિઓથી મુક્તિ મેળવીને આંતરિક શાંતિ વિશેની વાત તેમને વધારે પ્રભાવિત કરી જતી અને એમાં રહેલી નિશ્ચલતા, વધારે  અર્થપૂર્ણ અને બહેતર લાગ્યાં. પણ તે વખતે પારિવારિક જવાબદારીઓને  દૂર હડસેલીને વ્યસ્ત રહેતા, પણ સ્પષ્ટપણે એ એમને મોટો  બોજ લાગતો અને એ બધામાંથી મુક્તિની અને  જીવનમાં વધારે અગત્યની ગહન પરિપૂર્ણતાને શોધવાની તેમની આકંઠ ઈચ્છા રહેતી. છેવટે નાનોભાઈ વ્યવસાયમાં પણ પલોટાયો, તેનાં  લગ્નનો પ્રસંગ પણ ભવ્ય રીતે પૂર્ણ થયા  પછી કર્તવ્ય પૂરેપૂરું નિભાવ્યા સાથે કાર્યોના બોજમાંથી મુક્તિનો સંતોષ થયા બાદ, લગ્નના પછીના દિવસે એક મનોમંથન શરુ થયું. જીવન, તેનું સ્વરૂપ, કાર્યપદ્ધતિ, ઉદ્દેશ અંગે અનેક પ્રશ્નોનો જાણે કોલાહલ મચ્યો, એક  ઊંડા ખાલીપાના અનુભવે તેમને અંતર્મુખ બનાવ્યા. સામાજિક કાર્યો સહિત સંસારી બાબતોમાં હવે રસ ન રહ્યો હોવાથી એ નિરર્થક જીવનશૈલીનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. કુટુંબના કોઈપણ સદસ્ય સાથે વિચારવિમર્શ કરવો તેમને અશક્ય જણાયો. એકાંતવાસમાં રહેવાનો વિચાર આવતાં માતૃશ્રીને થોડા દિવસ રજા ગાળવા જઈ રહ્યો છું એવું કહ્યું. અને એક દિવસ બધાં જ દબાણોથી મુક્ત થઇ, ઘર છોડી, લાગણી  છુપાવવી અઘરી બની એટલે માતાને પગે લાગી, ભાવભર્યા ભારે  હૈયે ઘરને અને બધાને જોઈ લઇ દરવાજાની બહાર નીકળી ગયા.

                     હવે એમના જીવનનું બીજું સોપાન શરુ થયું. કોઈ જ આયોજન વિના તેઓ પૂના પહોંચ્યા. ત્રણ જ દિવસ રોકાવા મળે એવી ધર્મશાળા પછી ક્યાં જવું એ પ્રશ્ન ઊભો થયો અને અચાનક આવેલા કેટલાક મુસાફરોની વાતચીતમાંથી  સજ્જનગઢનું નામ અને એનું વર્ણન સાંભળી, ત્યાં જવાનું આકર્ષણ થયું અને એ રીતે ત્યાંથી બસમાં ચારપાંચ કલાકની મુસાફરી જેટલા અંતરે આવેલાં  સજ્જનગઢનાં મંદિરે પહોંચ્યા. મંદિરના વ્યવસ્થાપકો પાસે એકાંત સાધના માટે સ્થાન અંગે  વાત કરી, એક દૂરની એકાંત ઝૂંપડીમાં પોતાની જવાબદારીએ રહેવા માટે મંજુરી મેળવી. આ અજાણ પ્રવાસી આવ્યાની વાત પ્રસરી અને પોલીસ પણ તપાસ માટે આવી. પણ એમને સંતોષ થાય  એ રીતે ઉત્તરો આપ્યા. આમ અહીં  તેમની સાધના શરુ થઇ. સાદગી અને સાવધ એકાગ્રતા પૂર્વક અંત:કરણનાં નિર્લેપ નિરીક્ષણનો આરંભ થયો. એમના અનુભવોનું નિરીક્ષણ અને વિશ્લેષણ પુસ્તકમાં સુપેરે ઉજાગર થઈને ભાવકને દોરે છે. નૂતન ઊર્જાસ્ત્રોતના આનંદની આકંઠ અનુભૂતિ થતાં પહેલાં કામ, ભય, આસક્તિનો ખેલ IMG_20201226_213844_2 (5).jpgચાલ્યો, વીજળી વિનાની એ ઝૂંપડીમાં ઝેરી કાનખજુરા પણ આવ્યા જેના ભયને તેમણે પ્રતિક્રિયા વિના અનુભવતાં સ્પષ્ટ શુદ્ધ નિરીક્ષણથી જોયું કે વિચારપ્રક્રિયા પોતાની મહત્તા અને પકડ ખોઈ ચુકી હતી. મન પોતાનું મનપણું ખોઈ રહ્યું હતું. તેનાથી વિચારતરંગ રહિત સજાગ અવધાનની નવી ઊર્જા કાર્યાન્વિત થતાં અવિરત ચાલતો વિચારોનો પ્રવાહ અટકી ગયો. મનનો સમગ્ર વિસ્તાર તરલ, નિશ્ચલ, વિલક્ષણ અને પ્રશાંત બની ગયો. વિચારોમાં કેદ ઊર્જા મુક્ત થતાં અનન્ય એવી સંપૂર્ણ સંવેદનશીલતાનો અનુભવ થયો. પણ દાદા કહે છે કે ભાવાત્મક કાદવમાં ખૂંપી જવાથી બચવું હોય તો આપણામાં અત્યંત તરલ તીવ્ર  નિર્લેપતા હોવી જરૂરી છે. એનો અનુભવ પણ એમણે  કર્યો. ખૂબ વ્હાલાં બાને એકલા મૂકીને નીકળી ગયેલા એ યાદ  કરીને એ રડવા લાગેલા. જો કે આ લાગણીનું પણ એમને નીર્લેપભાવે નિરીક્ષણ કરતાં આ સંવેદનશીલ આંતરિક અવસ્થાને સમજવામાં સહાય મળી. સાધનામાં આ રીતે ઊંડા ઉતરતાં તેમને ખ્યાલ આવ્યો કે મનના ઉપરી સ્તરે જીવતાં  અને ત્યાં જ ક્રિયાકલાપોમાં વ્યસ્ત રહીએ પણ મન બાહ્ય અને છીછરી પ્રક્રિયામાં વ્યસ્ત રહે છે ત્યારે, અંતરના ઊંડાણમાં રહેલું છે એ બહાર આવી શકતું નથી. એટલે જ તેઓ કહે  છે, “હકીકતે આપણે કોઈ જ સમસ્યાનો સામનો સમગ્રપણે કરતા જ નથી. એના પૂર્ણ અનુભવ માટે જાતનો મુક્તમને સામનો કરવો જરૂરી છે અને એક જ સમયે એ સમસ્યાનું આંતરબાહ્ય નિરીક્ષણ કરવું એ જ તેને દૂર કરવાની કૂંચી છે.”

                  આ રીતે તીવ્ર, દક્ષતા અને અવધાનમય અવસ્થામાં તથા નિર્લેપતાના અખંડિત પ્રવાહમાં રાતદિવસ પસાર થતાં એક દિવસ, દાદા કહે છે, “પૂરેપૂરાં શાંત મન અને સાવ અણધારી એવી ગુઢ ઘટના ઘટી. મારી અંદર એક જોરદાર વિસ્ફોટ થયો અનવધાન ની ક્ષણે એકાએક આંતરબાહ્ય પૂરેપૂરો ધ્રુજાવી નાખે તેવી જોરદાર ઝટકો ! આજ પર્યંત જીવનમાં આવો વિસ્ફોટ ક્યારેય અનુભવ્યો  નહોતો. રેશમ જેવો મુલાયમ, આનંદપૂર્ણ, ચૈતન્યમય અને અગ્ધ છતાં શાંત એવો  અજ્ઞાત  ઊર્જાનો સ્ત્રોત ઊમટી આવ્યો અને મને પરમ આદર, પ્રેમ અને વિસ્મયથી તરબોળ કરી દીધો.

બાકીનાં સોપાન અને દાદાનાં દર્શનની વિશેષ  વાત હવે પછી. 


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

   

                  

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.