આપણે કેટલા પ્રાચીન ? – ભાગ ૨

પ્રવાસી યુ. ધોળકિયા

‘આપણે કેટલા પ્રાચીન?’ લેખના પ્રથમ હપ્તાનું સમાપન આપણે મનુ પ્રજાપતિ યુગના ૪૫મા અને અંતિમ પ્રજાપતિ, દક્ષ પ્રાચેતસ્,‍થી કરેલ. એ યુગમાં થઈ ગયેલ ભક્ત ધ્રુવ અને સપ્તર્ષિઓનો ઉલ્લેખ સ્થળ સંકોચને કારણે એ હપ્તામાં કરી નહોતો શકાયો.

+     +     +

ભક્ત ધ્રુવ પ્રથમ સ્વયમ્ભૂના પુત્ર ઉત્તનપાદના પુત્ર હતા. ધ્રુવ પ્રતાપી હોવા છતાં ઉત્તનપાદે પોતાના સ્થાને પ્રજાપતિ તરીકે તેના સાવકાભાઈ ઉત્તમને સ્થાન આપ્યું. આથી નારાજ થઈ ધ્રુવ સમગ્ર માનવ જાતના કલ્યાણ કરવાના હેતુથી વનમાં તપ કરવા ચાલ્યા ગયા. એ આકરી તપશ્ચર્યા તેમણે ૩૬ વર્ષમાં પુરી કરી.  તેથી પ્રજાએ પણ તેમને સન્માનવા તે વખતના પોલ સ્ટારને ‘ધ્રુવ’ના તારાનું નામ આપી તેમની યાદને અમર કરી દીધી. આજની ભારતીય પ્રજા બીજા બધા મનુ પ્રજાપતિઓને ભલે ભુલી ગઈ હોય પણ ધ્રુવ તારાને અચળ ગણી તેની પુજા કરે છે.

શતપથબ્રાહ્મણ ગ્રંથ અને પુરાણો  પ્રમાણે સપ્તર્ષિઓનું પ્રાગટ્ય માનવ સૃષ્ટિના ઉદભવ સાથે થયું. આ ઋષિઓની સંખ્યા શરૂઆતમાં ‘સાત’ હતી , પણ પાછળથી વધારીને તે ‘બાર’ની કરવામાં આવી. મનુ પ્રજાપતિઓએ તો વિશ્વમાં સામાજિક અને રાજકીય વ્યવસ્થા સુદૃઢ કરી,પરંતુ વિશ્વની અસંસ્કૃત જાતિઓને સંસ્કૃત બનાવવામાં અને તેઓમાં ધર્મ અને અધ્યાત્મનું આરોપણ કરવામા આ સપ્તર્ષિઓએ જ ફાળો આપ્યો છે.  મહાભારતના કાળ સુધી આ સપ્તર્ષિઓના વંશજો એ વિશ્વની સાંસ્કૃતિક યાત્રા અવિરતપણે ચાલુ રાખી. આજે ભારતના અનેક બ્રાહ્મણો ઉપરોક્ત ઋષિઓની અવટંક ધરાવે છે. અત્રે આ પ્રમુખ ઋષિઓના વંશજોનો પરિચય આપ્યો છે. 

આદિમ સપ્તર્ષિઓ

૧. ભૃગુ :- તેમના સૌથી વિખ્યાત વંશજમાં માર્કંડેય ઋષિનું નામ ગણાવી શકાય.

૨.મરીચિ :- વિરજા અને પરમેષ્ટિ કાશ્યપ આ ઋષિના કુળમાં થયા.

૩. અંગિરા :- પુત્રમાં અગ્નિ અને કન્યાઓમાં કુહુવાલી અને સિનીવાલી. પછીથી આ બન્ને કન્યાઓને દેવી તરીકે પુજવામાં આવતી હતી.

૪. અત્રિ-અનસુયા :- તેમના પાંચ વંશજોમાંથી  સોમ પ્રખ્યાત થયા.

૫. પુલસ્ત્ય :- તેમના વંશજો યક્ષો તરીકે પુજાય છે. તેમાં કુબેર યક્ષોનો રાજા બન્યા જ્યારે રાવણ તેમાંથી ઉત્પન્ન થયેલ રાક્ષસ પ્રજાના નેતા બન્યા.

૬. પુલહ :- કર્દમ ઋષિ તેમના પુત્ર થયા. કર્દમ ઋષિના પુત્ર કપિલ મુનિએ સાંખ્ય શાસ્ત્રની રચના કરી. આજે યોગ પધ્ધતિ જેટલી જ જાણીતી સાંખ્ય પધ્ધતિ છે. કર્દમ ઋષિની પુત્રી કામ્યાનાં લગ્ન સ્વયમ્ભૂ મનુના પુત્ર પ્રિયવ્રત સાથે થયાં હતાં. આ રીતે મનુ પ્રજાપતિ અને સપ્તર્ષિ કુળો લગ્નસંબંધથી જોડાયેલાં હતાં. પરિણામે પ્રથમ છ મન્વંતરોમાં માનવ પ્રજાની અદ્વિતિય પ્રગતિ શક્ય બની.

૭. કૃતુ :- તેના વંશજોનો ખાસ ઈતિહાસ પુરાણોમાં પ્રાપ્ય નથી.

૮. વશિષ્ઠ – આદિમ વશિષ્ઠ ઉપરાંત અનેક વશિષ્ઠ પેદા થયા. બહુ પ્રસિધ્ધ મૈત્ર વરૂણના પુત્ર વશિષ્ઠ પાછળના કાળમાં થયા.

૯. ઋચિ :- તેમના પ્રખ્યાત પુત્ર રૌચ્ય મનુ થયા.

ઉપરોક્ત ઘટનાઓનો થવામાં લગભગ ૨૫૦૦ વર્ષનો સમયકાળ વીતી ગયો હતો.

હવે આપણે છેલ્લા અને ૪૫મા ક્રમના પ્રજાપતિ દક્ષ પ્રાચેતસ્ ના સમયમાં બનેલી વિશિષ્ટ ઘટનાઓ જોઈએ. આ પ્રજાપતિ છઠ્ઠા ચાક્ષુસ મનુના અંતિમ ચરણકાળમાં થયા.

૧. વેદોદય થયો, એટલે કે વેદોને સરળ બનાવાયા.

૨. ચાક્ષુસ મનુના પાંચ પુત્રો અત્યરા તિજાનંત્પતિ, મન્યુ, ઉર, પુર અને તપોરને વિશ્વભરના રાષ્ટ્રોને જીતી લીધાં. જેમાં આફ્રિકા ખંડ, ઈરાન, સીરિયા, લેબનોન, ઈજિપ્ત અને સાઈબેરિયાનો સમાવેશ થાય છે.

૩. વિશ્વભરમાં જળપ્રલયો અથવા તો હિમપ્રલયો થયા.  ભારતવર્ષમાં આ પ્રલયો દરમ્યાન માનવ અને અન્ય જીવસૃષ્ટિનું રક્ષણ સાતમા મનુ વૈવસ્વતે કર્યું. બાઈબલ અનુસાર નોહાએ ઇઝરાયેલના લોકોની જળપ્રલય દરમ્યાન રક્ષા કરેલી.

૪. વૈકુંઠધામની સ્થાપના થઈ. આ ધામ ઈરાનના પૂર્વપ્રાંતમાં આવેલું હતું.

૫. ધર્મ પ્રજાપતિની દસ પત્નીઓ હતી, જેમાં વિશ્વા નામની પત્નીએ ૮ વસુપુત્રોને જન્મ આપ્યો. બીજી પત્ની સાધ્યાએ પ્રખ્યાત  ૧૨ સાધ્ય દેવોને જન્મ આપ્યો. જેમાં સૌથી પ્રસિધ્ધ નારાયણ થયા. ઈતિહાસકારો માને છે કે આપણે જે વિષ્ણુ નારાયણની પુજા કરીએ છીએ તે નારાયણ આ સાધ્ય દેવ જ છે. પુરાણો અનુસાર, ભગવાન વિષ્ણુની ઉત્પત્તિ તો બહુ સમય પછી થઈ.

૬. મહાદેવ શિવ – આપણા માટે શિવ પરબ્રહ્મ સ્વરૂપ આરાધ્ય દેવ છે. પરંતુ પુરાણોમાં શિવને ધર્મઋષિ અને માતા સુરભિના પુત્ર રૂદ્રશિવ તરીકે વર્ણિત કરવામાં આવે છે.

આપણે જાણીએ છીએ તેમ શિવે બેચાર વાર લગ્ન કરેલાં. તેમનાં પ્રથમ લગ્ન દક્ષ પ્રાચેતસ્ ની પુત્રી સતી જોડે થયેલાં. આ દક્ષે એક મહાયજ્ઞનું આયોજન કરેલું. પરંતુ તેઓને શિવનું અલગારી સ્વરૂપ પસંદ ન હોવાથી આ યજ્ઞમાં તેમને આમંત્રણ ન આપ્યું. સતી જ્યાં યજ્ઞ થતો હતો ત્યાં પહોંચી ગયાં. જ્યારે તેમના પિતાએ તેમના પતિનો નિરાદર કર્યો  ત્યારે પોતાની જાતને અગ્નિમાં હોમી દીધી. શિવે જ્યારે આ જાણ્યું ત્યારે પોતાના ગણો દ્વારા યજ્ઞનો ધ્વંસ કરી નાખ્યો અને દક્ષનો વધ કરી નાખ્યો. પછી દક્ષને સજીવન કરવામાં આવ્યા પણ તેમના મુખને સસ્થાને અજ (બકરો)નું મુખ સ્થાપિત કરીને દક્ષને ક્ષમા  કરી. સતી યજ્ઞમાં ભસ્મ થયાં, છતાં તેમના સુક્ષ્મ દેહને લઈને શોક અને ક્રોધ ગ્રસિત શિવે ભારતભરમાં ભ્રમણ કર્યું. જ્યાં જ્યાં સતીનાં અંગ પડ્યાં હતાં ત્યાં ત્યાં શક્તિ (માતાજી) પીઠો સ્થાપિત થઈ.

શિવે બીજાં લગ્ન હિમાલયની પુત્રી પાર્વતી સાથે કર્યાં. ભક્તજનો કાર્તિકેય અને ગણેશને પાર્વતી દ્વારા ઉત્પન્ન પુત્રો તરીકે પુજે છે, પરંતુ આધુનિક ઈતિહાસકારો કાર્તિકેય અને ગણેશને શિવના દત્તક પુત્રો તરીકે સાબિત કરે છે. ગણેશને સૌ પ્રથમ પુજ્યા વિના આપણે કોઈ પણ ધાર્મિક વિધિ સંપન્ન કરતાં નથી. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે કાર્તિકેય દેવોના સેનાપતિ બન્યા. શિવે તેમની મદદ લઈને કેટલાક દેવાસુર  સંગ્રામમાં ભાગ લઈને દેવોને વિજયી બનાવ્યા.

આધુનિક રહસ્યવાદી યોગી સદ્‍ગુરુ વાસુદેવ શિવને આદિયોગી તરીકે ઓળખાવે છે. તેઓના જણાવ્યા પ્રમાણે શિવે ૧૧૨ જેટલી અદ્‍ભૂત યોગિક પધ્ધતિઓનું પ્રચલન કરેલું. આ પધ્ધતિઓ સપ્તર્ષિઓના શિવકાળમાં થયેલા સાત ઋષિઓએ આત્મસાત કરી, વિશ્વભરમાં તેનો પ્રચાર કર્યો. સદ્‍ગુરુ અને ઓશો રજનીશ એ બાબતમાં એકમત છે કે હવે કોઈ પણ જ્ઞાની કે યોગી ૧૧૩મી પધ્ધતિની સ્થાપના કરી શકશે નહીં.

ભગવાન બુધ્ધ, જિસસ ક્રાઇસ્ટ અને મહમદ પયગંબરે પણ ઉપરોક્ત ૧૧૨માંથી એક જ પધ્ધતિ પર પ્રભુત્ત્વ મેળવીને મહાન એવા ત્રણ વિશ્વધર્મો વિશ્વભરમાં સ્થાપી શક્યા, જેને આજે વિશ્વની ૬૫% વસ્તી માને છે. ફકત આદિયોગી શિવે જ  આ ૧૧૨ પધ્ધતિઓ પર પ્રભુત્વ મેળવેલુ હતું એ વાત પરથી શિવની મહાનતાનો આપણને પરિચય  થાય છે. તેથી જ કહેવાય છે કે શિવતત્ત્વનો ક્યારેય ક્ષય નહીં થાય.

૭. ૨૮ વ્યાસ – મહાઋષિઓએ અવિરત પ્રમાણે ચલાવેલા ધર્મ અને અધ્યાત્મના કાર્યને વ્યાસ પરંપરાએ ચાલુ રાખ્યાં.  પુરાણો અનુસાર તેમની સંખ્યા ૨૮ અથવા ૩૦ છે. તેમાંના કેટલાક વ્યાસનું કાર્ય આ મુજબ રહ્યું.

પ્રથમ વ્યાસ કાશ્યપ પરમેષ્ટિ છે. તેઓએ દક્ષની ૧૩ કન્યાઓ સાથે લગ્ન કરીને આજની જે માનવપેઢી છે તેના આદિપિતા છે. ‘કાશ્યપ’નો અપભ્રંશ થતાં થતાં ‘કાશ્યપા’ અને પછી ‘બાપા’ અને પછી ‘પાપા’, અને હવે તો સર્વવ્યાપી શબ્દપ્રયોગ ‘પપ્પા’ થઈ ગયેલ છે !! અન્ય પ્રસિધ્ધ નામોમાં અસુર જાતિના ધર્મગુરુ ઉશના એટલેકે શુક્રાચાર્ય, દેવોના ગુરુ બૃહસ્પતિ, આદિત્યોમાંના  પ્રખ્યાત વિવસ્વાન  અને રામાયણના કર્તા રુક્ષ વ્યાસ (વાલ્મિકી)નો ક્રમ ૨૪મો છે. ૨૫થી ૨૮મા ક્રમે શક્તિ, પરાશર, જાતુકર્ણ્ય અને કૃષ્ણ દ્વૈપાયન એટલે કે વેદવ્યાસ થયા. જાતૂકર્ણ્યના સમયમાં પ્રસિધ્ધ દાર્શનિક અક્ષપાદ ગૌતમ (ન્યાય સૂત્રના રચયિતા), કણાદ (વૈશિષિક સૂત્રકાર)અને કામ સૂત્રના રચયિતા વાત્સાયન થયા. આપણે બધાં જાણીએ છીએ વેદવ્યાસે મૂળ વેદને ચાર વેદમાં વિભાજિત કર્યો, તે ઉપરાંત તેમણે મહાભારત અને અનેક પુરાણોની પણ રચના કરી. વ્યાસ પરંપરાના અંત સાથે એવું જણાય છે કે જાણે જ્ઞાનયુગનો અંત થયો. આમ છતાં આજે એક અબજથી વધુ જનસંખ્યા ધરાવતા હિંદુઓના સનાતન ધર્મના સ્થાપક આ વ્યાસ વિદ્વાનો છે, જેમનાં આપણે ઋણી છીએ.

ક્રમશઃ.ભાગ ૩માં       


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “આપણે કેટલા પ્રાચીન ? – ભાગ ૨

Leave a Reply

Your email address will not be published.