
દર્શના ધોળકિયા
મંગલ મંદિર ખોલો,
દયામય, મંગલ મંદિર ખોલો.
જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો … દયામય.
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો લ્યો… દયામય.
નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો… દયામય.
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો… દયામય.
નરસિંહરાવ દિવેટિયા
અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઉદગાતા કવિઓ દલપતરામ અને નર્મદે પાડેલી નવીન કવિતાની કેડી પર પગલાં પાડતાં-પાડતાં જ આગવી ભાત પાડનાર નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનું સ્થાન ગુજરાતી સાહિત્યમાં સન્માનીય બન્યું. ઈ.સ.૧૮૫૯ની ત્રીજી સપ્ટેમ્બર ભોળાનાથ સારાભાઈને ત્યાં જન્મેલા નરસિંહરાવને બાળપણથી પ્રાર્થના સમાજ તેમજ સુધારાવાદી વલણોનો પ્રભાવ વારસામાં સાંપડેલો. બાળપણથી જ સાહિત્યમાં રુચિ. નોકરી સરકારી પણ જીવ અધ્યાપકનો. પાછળથી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં અધ્યાપન કાર્ય પણ સંભાળ્યું. સુખીને સમૃદ્ધ પૂર્વજીવન પછી ઉત્તરવયમાં એક પછી એક સ્વજનોની વિદાય તેમને વેઠવાની આવી, જે તેમણે પોતાની અનન્ય, અડગ ઈશ્વરશ્રદ્ધાના બળે વેઠી જાણી. મહાત્મા ગાંધી જેવી વ્યક્તિ પાસેથી તેમણે સાદર શ્રદ્ધાંજલિ દ્વારા ઉચિત અર્ઘ્યરૂપે આવાં વિધાનો મેળવ્યાં : ‘વિચારોમાં વિરોધ છતાં અમારા બંનેની અંગત ગાંઠનું કારણ તેમની અડગ ઈશ્વરશ્રદ્ધા હતી.’
તેમના પાસેથી મળેલા ‘કુસુમમાળા’, ‘હૃદયવીણા’, ‘નૂપુરઝંકાર’ જેવા કાવ્યસંગ્રહોમાંથી ‘સ્મરણસંહિતા’ શિરમોર સ્થાને બેસે છે. પુત્રની વિદાયથી ક્ષુબ્ધ ને આર્દ્ર બનેલા તેમના ચિત્તમાંથી ઊઠેલી શોકની ઊર્મિ તો અમુકાંશે શ્ર્લોકત્વ પામવાના પ્રયત્નમાં સફળ બની રહી છે. તેના મૂળમાં તેમની સ્વાનુભૂતિ પડેલી જોઈ શકાય છે.
પ્રસ્તુત કાવ્ય લખાયું તો છે મિત્ર સમાન પુત્ર નલિનકાન્તના યુવાનવયે થયેલાં અકાળ નિધનના ઘેરા શોકની અભિવ્યક્તિ કરવા માટે. એટલે એ અર્થમાં આ કાવ્ય આત્મલક્ષી, કહો કે અંગત અનુભવનું કાવ્ય ગણાય, પણ ઈશ્વરમાં કહો કે જીવનમાં પણ શ્રદ્ધા ધરાવતા કવિએ અહીં વેદનાગ્રસ્ત મનોદશામાંથી મૃત્યુની પાર જોવાની અસાધારણ ક્ષમતા દાખવીને કાવ્યમાં વહેતા કરુણને શાંતમાં, ઉપશમમાં રૂપાંતરિત કરીને સમાધાન પ્રાપ્ત કર્યું છે. પરિણામે આ કાવ્ય અંગતમાંથી બિનઅંગત બનીને ચેતનાના રૂપાંતરણનું કાવ્ય બની રહે છે.
‘સ્મરણસંહિતા’ અંગ્રેજીમાં જેને Eulogy કહે છે તેવું કરુણપ્રશસ્તિનું કાવ્ય છે. એના જ એક ખંડરૂપે આ કાવ્ય રચાયું છે. કરુણપ્રશસ્તિની શરત એ હોય છે કે એમાં વ્યક્ત થતા શોકની લાગણીમાં સચ્ચાઈ હોવી આવશ્યક છે. દેખીતી રીતે જ આ કાવ્ય એક પિતાએ પુત્રના વિરહમાં રચ્યું હોઈ, એમાં રહેલા શોકમાંની સચ્ચાઈ વિશે તો બેમત જ નથી. પણ આ કાવ્યની મહત્તા એ છે કે કાવ્યમાં રહેલા અંગત શોકને એનો કરુણ દયનીય બની Pathetic રહેવાનો પૂરો સંભવ હતો પણ એમ ન થતાં એ કરુણ બનીને, કરુણમાંથી શાંત ભણી ગતિ કરી શક્યો છે. પ્રસ્તુત કાવ્યની આ મહત્તાને પ્રમાણતાં ને તેથી તેનું સમુચિત મૂલ્યાંકન કરતાં આચાર્ય આનંદશંકર ધ્રુવે નોંધ્યું તેમ: ‘મરનારના ગુણોનું કોઈકોઈ સ્થળે વર્ણન છે તે કરુણરસને પોષે તથા એ રસની ભૂમિકા ઉપર રચાયેલા શાંત રસને અનુકૂળ થાય, એટલા જ પ્રમાણમાં છે. વિશેષમાં, પિતાના શોકોદગારમાં મનુષ્ય હૃદયને સર્વત્ર અને સર્વકાળે સ્પર્શે એવાં જે તત્વો રહેલાં છે અને જે કરુણરસનું ખરું સ્વરૂપ છે એ સાદી અને અસરકારક ભાષામાં કવિએ પ્રગટ કર્યાં છે…આમાં ચિંતન તત્વચિંતન બને છે. આ કાવ્યનો રસ શુદ્ધ કરુણ નથી, કરુણ સાથે શાંત ભક્તિરસ બેવડમાં રહીને એ બે રસની અંદરથી – વસ્ત્રે લપેટેલા સંગમનીય મીણની માફક બહુ સુંદર રીતે પોતાની છાંય પ્રગટાવ્યા કરે છે.’
જગત સાહિત્યના આદિ કવિ વાલ્મીકિને લોકપિતા બ્રહ્માએ સૃષ્ટિનું સઘળું કાંએ દેખાવાનું વરદાન આપેલું જે પછીથી વાલ્મીકિ દ્વારા કવિમાત્ર માટે સાચું પડ્યું તેની પ્રતીતિ પ્રસ્તુત કાવ્યની પ્રથમ પંક્તિમાં જ સાંપડે છે. મૃત્યુ પામેલા પુત્રને સંસારની કેડી પરથી પગ ઉપાડતો ચાલ્યો જતાં કવિ પિતા નરસિંહરાવ જોઈ શકે છે એ તો સમજાય છે. આટલું તો સામાન્ય પિતાય જોઈ શકે. આ તો કવિ ! એમને તો એ પછીનું દ્રશ્ય સાક્ષાત થયું. ક્યું દ્રશ્ય ? પ્રભુના મંગલમય દ્વારે પહોંચીને એ દ્વાર ઊઘડવાની ઉત્કંઠામાં ખડા રહેલા પુત્રનું દ્રશ્ય. સંસારને છોડી ગયેલો પુત્ર કવિનો પુત્ર છે, અડગ ઈશ્વરભક્તનો અવાજ છે. એ ભટકે તો શાનો જ ? એ જાય તો સીધો પ્રભુના દ્વારે જ જાય. એ દ્વાર પર જ એનો અધિકાર હોય. આ અધિકારની રુએ કવિ પિતા અંદર બેઠેલા પોતાના ઈષ્ટને પોતાના અધિકારને પૂરી અદબ રાખીનેય પોતાનાં ને પુત્રનાં ઉદાત્ત કર્મોની હેસિયત આધારથી કહી શક્યા છે :
‘મંગલ મંદિર ખોલો’
મનોમન પ્રભુ સાથે સંવાદ કરતા કવિએ પ્રભુનો વણપુછાયેલો દેખાતો પ્રશ્ન છે તેમ ક્યા બળથી ? કવિપિતા તો જાણે છે કે પ્રભુનાં દ્વાર નિર્મળ મનુષ્ય માટે જ ઊઘડે, પણ સદભાગ્યે આ પુત્રય છે ‘ભોળો’. જે યુવાનવયે અકાળે પૃથ્વીપટ પરેથી ચાલ્યો ગયો છે એ વાતને ‘જીવન વન અતિ વેગે વટાવ્યું’ કહીને કવિ રૂપકાત્મક ભાષામાં કેવી તો આર્દ્રતાસભર વેદનાથી મૂકી શક્યા છે ! પોતાથી એ વિખૂટો પડી ગયાનું આ પંક્તિમાં દુઃખ છે પણ જાણે તેણે સંસારના અંધકારથી પ્રભુપ્રાપ્તિના અજવાસ ભણી ડગ માંડ્યા છે તેનો કવિને આનંદ છે બલકે તેને જે મોડેથી મળવાનું બનત એ વહેલું વન્યું તેનો એક પ્રકારનો પરિતોષ છે. ને તેથી જ અંદર ઊઠેલાં ડૂસકાંના તોફાની અશ્વને લગામમાં રાખી શકવા સક્ષમ એવા કુશળ સારથિ બનીને સાનંદ ગાઈ ઊઠ્યા છે : ‘તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો !’ કવિને અંધારા પર પથરાતું અજવાળુંય જાણે ભાસ્યું છે. કવિની આ અપાર સ્વસ્થતાથી ડોલી ઊઠેલા દયામય કદાચ આસનેથી ઊભાય થયા છે. તેને ચાલતા કરવા ઉદ્યત થયેલા કવિ પ્રભુને દ્વાર ઉઘાડવાની સાથોસાથ પુત્રને આલિંગવા, તેને પોતાનો કરવાય પ્રભુને પ્રાર્થી બેઠા છે.
પ્રભુએ કવિના પુત્ર માટે દ્વાર ખોલવું જ પડે એવું એક બીજું કારણ પણ કવિ પાસે હાજર છે. માતા-પિતાએ કરેલાં સત્કર્મો સંતાનો માટે ઊગતાં હોવાનું જીવતરમાં કર્મસિદ્ધાંતને આધારે બનતું આવ્યું છે એની કવિને સારી પેઠે જાણ છે. આથી જ કવિનું કહેવું છે તેમ પ્રભુને ચાહ્યો છે, આરાધ્યો છે તો કવિએ પણ એનું પરિણામ દેખીતી રીતે પુત્રને મળવું જ જોઈએ. ને એ ન્યાયે પ્રભુએ શિશુને વાત્સલ્યથી નવડાવવો જ જોઈએ. આખરે તો એ કવિનો પુત્ર છે. ઈશ્વરભક્તિના પિતાપ્રેરિત સંસ્કારોથી રસાયેલિ છે. એ કંઈ પ્રભુ પાસે કોઈ તુચ્છ યાચના કરવા આવ્યો નથી. એની તરસ ‘દિવ્ય’ છે. રણાંગણમાં અર્જુનનાં બાણોથી છિન્નભિન્ન થયેલા ગાંગેય ભીષ્મ તરસ્યા થયા છે ત્યારે તેની તરસ છિપાવવા અર્જુને છોડેલા બાણથી સ્વયં ગંગા પોતાનું જળ પ્રગટાવીને પુત્રની તૃષા છિપાવે છે. બરોબર તેવી જ રીતની પુત્રની તૃષા ઈશ્વરનાં દર્શન વિણ તૃપ્ત નહીં થાય એની કવિને ખબર છે. આથી કવિ પ્રાર્થે છે કે આપ તેને આપના પ્રેમામૃતમાં ડૂબાડી દો. કાવ્યાન્તે ન ઉચ્ચારાયેલી, મૂક બનેલી કવિ વાણીમાંથી જ જાણે દ્વાર ઊઘડવાનો કિચૂડાટ સંભળાય છે ને સાથોસાથ અંદર પ્રવેશતા ‘ભોળા’ પુત્રનો પદચાય પણ. આખાય કાવ્યમાં ક્યાંય પુત્રમોહનો અંશ સુદ્ધાં નથી. છે માત્ર નર્યો, શુદ્ધ પિતૃપ્રેમ. ને વળી પ્રભુને કરાયેલી પ્રાર્થનામાં ક્યાંય યાચકની દયનીયતાનથી, છે માત્ર સ્વબળે, ભક્તિના પ્રતાપે, નિર્મળતાને આધારે અર્જિત કરેલો, મેળવેલો ગૌરવભર્યો અધિકાર. પણ એ અધિકારની અભિવ્યક્તિ એટલી તો પ્રાંજલ રીતે થઈ છે કે સમગ્ર કાવ્યમાં મૃત્યુની ભયગ્રસ્ત કરનારી છાયાને બદલે પ્રભુગૃહનો અલોક ભાવકનેય છતો થાય છે. કવિની જેમ જ, કવિ જેટલો જ.
કદાચ આ કાવ્ય લખતાં પહેલાં કવિએ જે દર્શન પ્રાત્પ કર્યું તે ચંદ્રકાંત શેઠ નોંધે છે તેમ : એમનું ઈશ્વરનિષ્ઠ કવિમાનસ આશા-શ્રદ્ધાનો તંતુ ગુમાવતું નથી – એ અડગતાનું. આથી જ કવિ વદે છે :
‘દુઃખ-અગ્નિ તમગુણે, આત્મ ઉજ્જ્વળતા વધે,
કઠણ તે કોમળ બને, ને ઉર વિશાળ થઈ રહે.’
પ્રસ્તુત કાવ્ય કવિના શ્રદ્ધાપ્રેરિત વિશાળ ચિત્તનું દર્શન કરાવતું, મૃત્યુનીય પારના ‘ન શશાંકો ન પાવક’ એવા કૃષ્ણકથિત દિવ્યલોકને પામવાની શક્તિ ચીંધતું વિરલ મંગલ બની રહે છે.
* * * * *
ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
•ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com
બહુ જ સરસ, મનનીય લેખ.