ભગવાન થાવરાણી

ફૈઝ અહમદ ‘ ફૈઝ ‘ કેવળ મોટા જ નહીં, દરેક રીતે મહાન શાયર હતા. માત્ર પોતાની રચનાઓના માપદંડથી નહીં, એમની વિચારસરણીના દ્રષ્ટિકોણથી પણ. પોતાના વિદ્રોહી વિચારોના કારણે પોતાના જ દેશ પાકિસ્તાનમાં પણ વર્ષો સુધી સળિયા પાછળ રહ્યા.
એક લેખક અને વિચારક તરીકે એમની ઊંચાઈનું એક પ્રમાણ એ પણ કે એમનું નામ નોબેલ પુરસ્કાર માટે પણ પ્રસ્તાવિત કરવામાં આવેલું.
દેશની આઝાદીની સાથોસાથ આવેલા અંધકાર, અમાનવીયતા અને બર્બરતા નિહાળી એમણે હતાશાથી લખેલું :
યે દાગ દાગ ઉજાલા યે શબગઝીદા સહર
વો ઈંતઝાર થા જિસકા યે વો સહર તો નહીં…
( શબગઝીદા = જેને રાત્રિએ દંશ માર્યો છે )
એમની સેંકડો ગઝલો અને નઝ્મ મેંહદી હસન સહિત અનેક દિગ્ગજ ગાયકોએ ગાઈને સ્વયંને સન્માનિત કર્યા છે. મને જે અત્યંત ગમે છે એવી એમની એક ગઝલનો મત્લો છે :
દોનોં જહાન તેરી મુહબ્બત મેં હાર કે
વો જા રહા હૈ કોઈ શબે ગમ ગુઝાર કે
અને આ ગઝલનો મારો સર્વકાલીન પસંદીદા શેર :
એક ફુરસત-એ-ગુનાહ મિલી વો ભી ચાર દિન
દેખે હૈં હમને હૌસલે પરવરદિગાર કે …
એક રીતે આ ખુદાને પડકાર છે. ખુદાની હિંમત પર કટાક્ષ છે. કહે છે ‘ જિંદગી ચાર દિવસની છે. ‘ ( એમાંથી બે આરઝૂમાં વીતી જાય છે અને બે ઈંતઝારમાં ! ) . ફૈઝ સાહેબે ખુદા સમક્ષ બાઅદબ એક સવાલ મૂક્યો છે. ગુના આચરવા માટે બસ ચાર દિવસ ! આ જ તારી હિંમત ? જો માફ કરવાની તારી ક્ષમતામાં ભરોસો હતો તો વધારે અવધિ આપી જોવી’તી ને !
કેમ કે ફૈઝ સાહેબ એ વ્યક્તિત્વ છે જેમને આનંદનારાયણ ‘ મુલ્લા ‘ ની આ વાતમાં વિશ્વાસ છે :
વો કૌન હૈં જિન્હેં તૌબા કી મિલ ગઈ ફુરસત
હમેં ગુનાહ કરને કો ભી ઝિંદગી કમ હૈ ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
વાહ……. એક શેર સાથે કેટલાય નગીના પીરસી આપો છો….”
“વો કૌન હૈં જિન્હેં તૌબા કી મિલ ગઈ ફુરસત
હમેં ગુનાહ કરને કો ભી ઝિંદગી કમ હૈ ..
અને મુલ્લા ને આવું સરસ ઉપનામ!!!!!!
” આનંદ નારાયણ ”
જિયો સર..
આભાર મોહતરમાં !
ફૈઝ મારા પણખૂબ માનીતા શાયર છે, એમની ખુદ્દારી એમના શેરોમાં પડઘાયા કરે છે.
જી. એ દરેક પરિપ્રેક્ષ્યથી એક ઊંચા ગજાના સર્જક હતા.
આભાર !