ગુજરે હૈ હમ કહાં કહાંસે : ૨૦) સાહેબ સલામ ! – ડૉ. કિરીટ ર. ભટ્ટ અને શ્રી હરિહરભાઈ કાપડી

           જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક    અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે.  

– પીયૂષ મ. પંડ્યા

              —————*—————-*——————-*——————-*——————*———-

સને ૧૯૭૧ના જાન્યુઆરી મહિનામાં ભાવનગરની સાયન્સ કૉલેજમાં હું એફ.વાય.બી.એસસી.ની પ્રિલીમીનરી પરીક્ષા આપી રહ્યો હતો ત્યારની વાત છે. ત્યાર સુધી પ્રાથમિક શાળાથી લઈને કૉલેજ સુધી જેટલી પરીક્ષાઓ આપી, એમાં એક પણમાં કોઈ જ ગેરરીતી ન્હોતી કરી. પણ એ વખતે મારી શુધ્ધ ભાવના ડગુમગુ થવા લાગી હતી. છેવટે બાયોલોજીના પેપરના આગલા દિવસે એક જાણભેદુ પરિચીતની મદદથી એક ‘રિલાયેબલ સોર્સ’નો સંપર્ક કર્યો. ત્યાંથી ખબર પડી કે બીજા દિવસના પેપરમાં ‘યકૃતકૃમીનું જીવનવૃતાંત’/ ‘Life cycle of  Liver fluke’, ૧૦૦% પૂછાવાનું હતું. ‘પેપર ફોડવા’ હું ઘરેથી ‘ભાઈબંધને ત્યાં વાંચવા જાઉં છું’ કહીને નીકળ્યો હતો. મોડી રાતે પાછો ફર્યો ત્યારે મારી રાહ જોઈને બેસી રહેલાં મા-બાપના ચહેરાઓ ઉપર રાહતની અને ગૌરવની લાગણી એકસાથે ઝળકતી નજરે પડી. એ લોકો તો હું ઘનિષ્ઠ તૈયારી માટે ગયો હતો એવું જ માનતાં હતાં. મેં મારે વધુ તૈયારી માટે હજી જાગવું પડશે એવું કહેતાં તો બેય ખુશ ખુશ થઈ ગયાં. ‘બહુ થાકી ગ્યો હોઈશ ને હજી પાછું જાગવાનું! બહુ મહેનત કર છ, કાં? ચા પીવી છ, બેટા?” માએ પુછ્યું. જીવનમાં ભાગ્યે જ એવું બન્યું છે, પણ ત્યારે મેં ચા પીવાની દરખાસ્તને નકારી કાઢી. બાપુજીએ થોડી ઘણી આશા સહ એ બાબતે મને પ્રોત્સાહન આપ્યું અને ‘એવું હોય’ તો પોતે પણ એ ધાર્મીક વિધીમાં જોડાઈ જવાની તૈયારી બતાડી. પણ છેવટે હું નહીં જ માનું એવી ખાત્રી (અને એ બાબતે હતાશા) લઈને એ સુવા જતા રહ્યા. હવે મને મોકળું મેદાન મળી ગયું. ચિઠ્ઠી બનાવતો હતો ત્યારે કોઈ ‘ગેંગ’નો નવો નવો સભ્ય બની ગયો હોઉં એવો રોમાંચ અનુભવાતો હતો.

બીજે દિવસે એ રોમાંચને અને કાળજીપૂર્વક બનાવેલી ચિઠ્ઠીને સાથે લઈને પરીક્ષા આપવા માટે કૉલેજ ગયો ત્યારે પહેલી વાર ધાડ પાડવા નીકળેલા કોઈ બહારવટીયા જેવી લાગણી અનુભવાઈ રહી હતી. કેન્ટિનમાં જઈને એના થડે બેઠેલા સજ્જનને એ ચિઠ્ઠી આપી દીધી. એ આવી બાબતોમાં સ્વીસ બેંકની કક્ષાની ભરોંસાપાત્રસેવા પૂરી પાડતા હતા. પરીક્ષાખંડમાં પ્રશ્નપત્રો વહેંચાયાં એમાં પૂછાયેલા પાંચ સવાલો માં ત્રીજા ક્રમાંકે ‘યકૃતકૃમીનું જીવનવૃતાંત વર્ણવો’ જોતાં જ વિશિષ્ટ રોમાંચની લાગણી અનુભવી. પહેલા, બીજા અને ચોથા પ્રશ્નના જવાબો સરસ આવડતા હોવાની રાહત ખાસ્સો સધિયારો આપી ગઈ. ત્રીજાનો જવાબ ‘ખિસ્સાવગો’ હતો અને પાંચમાનો જવાબ થોડોઘણો આવડતો હતો અને બાકીનું આસપાસમાંથી સહકારી ધોરણે મેળવી લેવાની ગણત્રી હતી. જે પ્રવૃત્તિમાં તે દિવસ સુધી ક્યારેય પડ્યો ન્હોતો અને જેને હાડોહાડ અનિષ્ટ ગણતો હતો, એમાં પૂર્ણ સમયના ભાગીદાર બનવામાં મને ડંખ પણ ન્હોતો અનુભવાતો. ‘જો બીજાં બધાં કરતાં હોય તો એ પ્રવૃત્તિમાં મારે પણ શુંકામ ન ઝંપલાવવું’ એવી રીતે એને મનોમન વ્યાજબી ઠેરાવવા લાગ્યો હતો. 

ચિઠ્ઠી બહાર કાઢી એમાંથી ઉતારો કરવાની શરૂઆત કરું ત્યાં તો ખભા ઉપર એક પંજો મૂકાયો! ‘મારી નાખ્યો, તોડી નાખ્યો!’ની લાગણી સહ ઉપર જોયું તો એ હાથ સાથે જોડાયેલો ચહેરો પરિચીત જણાયો. મેં સબ સલામત હોવાનું સમજીને શરૂ કરેલું એ સાહસ અચાનક જ અમારા ખંડમાં આવી ચડેલા અમારા કિરીટભાઈ સાહેબે તાત્કાલિક અસરથી પકડી પાડ્યુ હતું. એ અમારા કુટંબના પરિચીત હતા અને વળી કૉલેજમાં જોડાતાં અગાઉ હાઈસ્કૂલમાં હતા ત્યારે એક વરસ માટે મારા વર્ગશિક્ષક પણ રહી ચૂક્યા હોઈ, મને સુપેરે જાણતા હતા. હવે જે બનવાનું હતું એની ભીષણ કલ્પના વડે હું કંપી રહ્યો હતો. એવામાં એમણે શાંતિથી મારા ધ્રૂજતા હાથમાંથી એ ચિઠ્ઠી લઈ લીધી. “આપણાથી આવું કરાય?” આટલું કહી, બીજા કોઈને ખબર પણ ન પડે એવી રીતે ચિઠ્ઠી લઈને સાહેબ જતા રહ્યા. સમય પૂરો થયે હું ઘરે જવા નિકળ્યો ત્યારે મને પોતાની રૂમમાં બોલાવી, હવે પછી ક્યારેય ‘આવું’ ન કરવા સૂચિત કર્યો. ઠપકાને બદલે સલાહના બે શબ્દો કહી, પોતે એ વાત કોઈને નહીં કહે એવો સધિયારો આપ્યો. એ સમયે અનુભવેલું ભોંઠામણ હજી પણ મને યાદ છે.

આ સાહેબ – ડૉ. કિરીટ ર. ભટ્ટની – કારકિર્દીની શરૂઆત અમારી વિદ્યામંદીર હાઈસ્કૂલથી થઈ હતી. હું નવમા ધોરણમાં ભણતો હતો ત્યારે એ જોડાયા અને અમારા વર્ગશિક્ષક તરીકે નિમાયા હતા. એ સમયના મારા કેટલાક સહાધ્યાયીઓ બાબતે હું અગાઉની કડીઓમાં વિગતે કહી ચૂક્યો છું. એકદમ યુવાન સાહેબને જોઈને એ બધાને એમને હેરાન કરવાના કેટલાયે રોમાંચક નુસખાઓ સૂઝ્યા હશે, પણ એકાદ અઠવાડીયામાં તો સાહેબે સિફતથી વર્ગ ઉપર કાબુ જમાવી લીધો. હસમુખો સ્વભાવ, એકદમ વ્યવસ્થિત ભણાવવાનું અને સૌ વિદ્યાર્થીઓને મદદ કરવાની એમની વૃત્તિ થકી એ ઝડપથી સર્વપ્રિય બની ગયા. જો કે એકાદ-બે વરસમાં જ એ કૉલેજમાં જોડાઈ ગયા. ઉચ્ચ કોટીનું સંશોધન અને લેખન સતત ચાલુ રાખીને આજે ૭૬ વર્ષની વયે પણ તેઓ કાર્યરત છે. ભાવનગર યુનિવર્સિટી ખાતેના ‘ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી’ના કેન્દ્રના સંયોજક તરીકે એમણે ૧૧ વરસ સુધી યશસ્વી કાર્ય કર્યું હતું. આ ઉપરાંત એમણે ભાવનગરના મુખ્ય અખબાર ‘સૌરાષ્ટ્ર સમાચાર’માં સતત પંદર વર્ષ સુધી તંત્રીલેખો લખ્યા છે. વિશેષમાં ‘જનસત્તા’ અને ‘ગુજરાત મિત્ર’ જેવાં અખબારોમાં પણ કોલમો ચલાવી. આવા ઉદાહરણીય સાહેબ સાથે આજે પણ સંપર્ક જળવાઈ રહ્યો છે એનો આનંદ છે.

        —————*—————-*——————-*——————-*——————*—————-

“ જો, ઓલ્યા જાય ને, ઈ આપડા હિન્દીના સાયેબ. ઈ તો પાછા ગાતાં વગાડતાં ય શીખવે શ.” નીશાળમાં દાખલ થયાને બે-ત્રણ  જ દિવસ થયેલા ત્યારે એક મિત્રએ આકર્ષક વ્યક્તિત્વધારી યુવાન તરફ આંગળી ચીંધીને જણાવ્યું. એ હતા હરિહરભાઈ કાપડી, જે આજે ૮૨ વર્ષની ઉપરે પણ સંગીતની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે. ખુબ આનંદી અને રમૂજી સ્વભાવ ધરાવતા કાપડી સાહેબ એમની નિવૃત્તિ સુધી ખુબ જ વિદ્યાર્થીપ્રિય બની રહ્યા. વર્ગમાં પૂરા ખંતથી ભણાવે અને સાથે દેશ-દુનિયાની વિધવિધ માહીતિ પણ આપતા રહે. ભણાવતી વખતે ખુબ હસાવતા જાય. જો કે એમનો પ્રભાવ એવો હતો કે એમના વર્ગમાં કોઈ છોકરો ઊંચા અવાજે બોલવાની હિંમત ન કરતો. કાપડી સાહેબનો વિષય તો હિન્દી હતો, પણ અન્ય કોઈ વિષય માટે પણ જરૂર હોય તો એને માટે પણ માર્ગદર્શન આપતા.

સંગીત એમને વારસાગત વરેલું હતું. અમારી નીશાળમાં તો સંગીત માટે કોઈ ખાસ સગવડ નહતી. અલગથી સંગીતનો વર્ગ પણ ન લેવાતો. વાદ્યો ગણીને માત્ર ત્રણ – હાર્મોનિયમ, તબલાં અને ડ્રમ્સ – હતાં. પણ જ્યારે જ્યારે કોઈ ખાસ કાર્યક્રમ હોય ત્યારે કાપડી સાહેબ ઘરેથી એમનું વાયોલીન લઈને આવતા. અમે કુતુહલના માર્યા જોવા જઈએ ત્યારે એ કેવું હોય અને કેવી રીતે વગાડાય એ પણ બતાડતા. એમના પિતાજી ‘શ્રી સૌરાષ્ટ્ર સંગીત વિદ્યાલય’ નામે સંગીતશાળા ચલાવતા, એક કરતાં વધારે વાર અમને ત્યાં લઈ જઈને એમાં હતાં એ અલગઅલગ પ્રકારનાં વાદ્યોનો પરિચય અમારા કાપડી સાહેબે કરાવ્યો હતો. વળી એમનો નિયમ હતોકે વિદ્યામંદીર હાઈસ્કૂલનો છોકરો ત્યાં સંગીત શીખવા જાય તો એની ફી નહીં લેવાની. અમારી નીશાળના બે છોકરાઓ – ગુલામ અને સેમસન – નાની ઉમરથી જ સંગીતની સારી સૂઝ ધરાવતા હતા, એમને સાહેબે એવી તાલિમ આપી કે આગળ જતાં એ બન્ને એ ક્ષેત્રે વ્યવસાયિક ધોરણે આગળ વધ્યા. ખાસ નોંધનીય બાબત એ છે કે ભાવનગરમાં કાર્યક્રમ માટે આવતા અનેક ખ્યાતનામ કલાકારો સાથે સાહેબે સંગત કરી છે. વાયોલીન વાદનમાં વિશ્વપ્રસિધ્ધ એવાં વિદુષી એન. રાજમ પણ એમના વાદનથી પ્રભાવિત થયાં હતાં.

અમારી શાળાના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી એ સમયે અમેરિકા સ્થાયી થયા હતા. એકવાર એ ભાવનગર આવ્યા ત્યારની વાત છે. એમને માટે સન્માનસમારંભનું આયોજન કરવામાં આવ્યું. કાપડી સાહેબે અમને ચાર વિદ્યાર્થીઓને પોતાને ઘરે બોલાવ્યા. એક અંગ્રેજી આવકારગીતની પંક્તિઓ અમારી પાસે તૈયાર કરાવી. પોતે સાથે વાયોલીન વગાડતા જાય અને અમારે ચોક્કસ શૈલીમાં ડોલતાડોલતા એ શી રીતે ગાવું એની અદાઓ પણ શીખવી. આજે પણ એ પંક્તિઓ ખુબ જ જાણીતી છે અને સમારંભોમાં વ્યાપક પ્રમાણમાં ઉપયોગે લેવાતી રહે છે[1]. એ નીચે પ્રમાણે છે….

He is a jolly good fellow; he is the jolly good fellow.
He is a jolly good fellow, so say all of us.
So say all of us, so say all of us;
He is a jolly good fellow……

સતત ત્રણ દિવસ અમારી પાસે આટલું ગાવાની તૈયારી કરાવી. સાથે એમ પણ સમજાવ્યું કે આ એવી પંક્તિઓ છે કે જે સ્વાગત માટે તો ગાઈ જ શકાય, એ મહેમાનને વિદાય આપતી વેળાએ પણ ગાઈ શકાય. મહેમાન આવવાના હતા એના બે  દિવસ પહેલાં સવારે યોજાયેલા દૈનિક સંમેલનમાં અમને સ્ટેજ ઉપર એ પંક્તિઓ રજૂ કરવા કહ્યું. એવામાં એમને વિચાર આવ્યો કે કાંઈક અવનવું કરીએ. એમણે સ્ટેજ ઉપરથી આ પંક્તિઓનો વિસ્તારથી પરિચય આપ્યો. સાથે એમ સૂચવ્યું કે આપણે આ પંક્તિઓ મહેમાનના સ્વાગત માટે અને એમની વિદાય માટે એમ બે વાર રજૂ કરીએ. એમાં પણ જ્યારે એ જતા હોય ત્યારે છેલ્લે ‘So say all of us, so say all of usએટલું બધા જ વિદ્યાર્થીઓ ઉભા થઈને તાળીઓ વગાડતા વગાડતા ગાય. છોકરાઓ તો ખુશ ખુશ થઈ ગયા. “ઓહોહો, આપડે તો અંગ્રેજીમાં ગીત ગાવાના !”ની લાગણીથી અમારો સંમેલનખંડ ઉભરાઈ ગયો. ત્યારે ને ત્યારે કાપડી સાહેબે બધા પાસે એ પ્રેક્ટીસ કરાવી. બીજે દિવસે પણ ફરીથી એ જ રીતે સંમેલનમાં સૌએ પ્રેક્ટીસ કરી. છેલ્લે છૂટા પડતી વખતે જીવુભા સાહેબે ચીમકી આપી, “જો કાલે મારો વાલીડો કોઈ આડો હાલ્યો કે કોઈએ દાંત કાઢ્યા છ ને, તો ખબ્બર છે ને ?” બધાએ એકી અવાજે કોઈ એવું નહીં કરે એની ખાતરી આપી. બીજા દિવસના કાર્યક્રમમાં કશુંક જોરદાર કરવાના રોમાંચ સાથે બધા છોકરાઓ પોતપોતાના વર્ગોમાં ગયા.

બીજા દિવસનો કાર્યક્રમ બરાબર કાપડી સાહેબના આયોજન મુજબ ચાલે અને કોઈ છોકરો ‘આડો ન હાલે’ એ માટે જીવુભા સાહેબે યોગ્ય વ્યવસ્થા કરી દીધી હતી. કાર્યક્રમના સમાપન પછી અમારા હેડમાસ્તર સાહેબ મહેમાનને સભાખંડની બહાર લઈ જતા હતા એ સાથે જ બધા વિદ્યાર્થીઓ ઉભા થઈ ગયા. સ્ટેજ પરથી મુખ્ય પંક્તિઓ ગવાઈ રહી એ સાથે જ બધા વિદ્યાર્થીઓએ ભેગા મળીને તાલબધ્ધ રીતે તાળીઓ પાડતાં પાડતાં ‘So say all of us, so say all of usછેડ્યું. એકદમ સૂરમાં અને તાલમાં છોકરાઓએ જે રજૂઆત કરી એ અમારા મહેમાનને ખુબ જ પ્રભાવિત કરી ગઈ. ખંડમાંથી લગભગ બહાર નીકળી ગયા હતા ત્યાંથી એ સ્ટેજ ઉપર પાછા આવ્યા. એમણે કહ્યું કે આ નીશાળના છોકરાઓ આટલી શિસ્તબધ્ધ ઢબે અંગ્રેજી પંક્તિઓ ગાય એ બાબત એમને અભિભૂત કરી ગઈ હતી. એમણે ત્યારે જ જાણ્યું કે આ તૈયારી કાપડી સાહેબે કરાવી હતી એટલે એમને વિનંતી કરી કે એ વિદ્યાર્થીઓને નિયમીત રીતે ગાતાં વગાડતાં શીખવવાની વ્યવસ્થા કરે. અમારી શાળામાં એ માટેની જરૂરી સગવડ નહતી એ જાણીને એમણે ત્યારે ને ત્યારે હેડમાસ્તર સાહેબને વિનંતી કરી કે કેટલાંક સાધનો તાત્કાલિક વસાવી અને શાળાની તેમ જ કાપડી સાહેબની અનુકુળતા પ્રમાણે રસ ધરાવતા વિદ્યાર્થીઓને સંગીત શીખવવાનું આયોજન કરે. એ માટેની આર્થિક જવાબદારી એમણે પોતે સ્વીકારી અને ત્યારે જ ચોક્કસ રકમ આપવાની જાહેરાત કરી.

બીજા જ અઠવાડીયાથી અમારી નીશાળમાં દર બુધવારે અને શનિવારે એક એક કલાક માટે સંગીત શીખવવાની શરૂઆત થઈ ગઈ. નવાં વાદ્યો પણ વસાવી લેવામાં આવ્યાં. આમ, અમારા કાપડી સાહેબની એક નાનકડી સૂઝ બહુ મોટું કામ કરી ગઈ.  

            —————*—————-*——————-*——————-*——————*—————-

આ બે કડીઓમાં જે પાંચ શિક્ષકોને યાદ કર્યા, એ બધાજ શાળાના દિવસોના છે. અમારી પેઢી ખરેખર નસીબદાર ગણાય કે એ સમયગાળામાં મોટા ભાગના શિક્ષકો આવા પ્રેમાળ અને સમર્પિત હોતા. એમની પાસે ભણવા મળ્યું એમાં માત્ર જે તે વિષય જ નહીં, સારે અને સાચે રસ્તે જીવન વિતાવવાની શીખ પણ મળતી રહી.

અંતમાં, ગઈ કડીમાં કહ્યું હતું એ ફરીથી કહું છું….

”વિનોદ ભટ્ટે નિરંજન ભગતનું ચરિત્રચિત્ર આલેખતાં ઉપસંહારમાં કહ્યું છે કે એ એવા શિક્ષક હતા, જેને જોતાં જ હાથ ઉંચકાઈને સલામમાં ફેરવાઈ જતો. મારે પણ આવું જ કાંઈક કહેવું છે. આજે જેમની વાત કરી, જેમનો ઉલ્લેખ કર્યો એ ઉપરાંત પણ કેટલા બધા સાહેબો યાદ આવે તો આજે પણ મનોમન પ્રણામ થઈ જાય છે. એ સૌ સાહેબોને આ માધ્યમથી કહું છું, સાહેબ, સલામ!”


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com


[1]  પ્રતિકાત્મક ગાયન :

Author: Web Gurjari

1 thought on “ગુજરે હૈ હમ કહાં કહાંસે : ૨૦) સાહેબ સલામ ! – ડૉ. કિરીટ ર. ભટ્ટ અને શ્રી હરિહરભાઈ કાપડી

Leave a Reply

Your email address will not be published.