ફિર દેખો યારોં : કીડીના કણથી હાથીનો પરિવાર પોષાય?

બીરેન કોઠારી

માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહથી દેશવ્યાપી લૉકડાઉન અમલી બન્યું. તેને લઈને અનેકોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો. તેની કળ ક્યારે વળશે એ કહેવું મુશ્કેલ છે. આમ છતાં, આવા અભૂતપૂર્વ કટોકટીના કાળમાં, જ્યારે ભલભલી કંપનીઓ નુકસાનની ગણતરી કરતી હોય ત્યારે ગુજરાત સરકારે માતબર કમાણી કરી છે. નાણાં ઊભા કરવાની સરકારની આ આવડત પ્રશંસનીય ગણાવી જોઈએ. આફતને અવસરમાં પલટવાના વડાપ્રધાનના આહવાનને ગુજરાત સરકારે બરાબર ઝીલ્યું છે.

ડી.જી.પી. આશિષ ભાટિયાના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદન અનુસાર, લૉકડાઉન ઘોષિત થયું ત્યારથી ડિસેમ્બરની 5 મી સુધીમાં ગુજરાત રાજ્યના પોલિસ વિભાગે કુલ 93.56 કરોડ જેટલી દંડની રકમ વસૂલી છે. લગભગ એક અબજે પહોંચવા આવશે એવડી અધધધ રકમ કયા ગંભીર ગુનાસર છે એ જાણવા જેવું છે. આ રકમ ગુજરાત ડાયરેક્ટર જનરલ ઑફ પોલિસ (ડી.જી.પી.) દ્વારા બહાર પડાયેલી માર્ગદર્શિકા અનુસાર, માસ્ક નહીં પહેરવા બદલ, જાહેર સ્થળોએ થૂંકવા બદલ બધું મળીને 21.40 લાખ નાગરિકો પાસેથી વસૂલવામાં આવી છે. જેમના ભાગે દંડ ભોગવવાનો આવ્યો નથી એવો વર્ગ કદાચ કહી શકે કે આ લોકો એને જ લાયક છે. દંડ ભર્યા વિના કોઈ કંઈ સમજે એમ નથી. પણ આવું, સાવ હવામાં બોલતાં પહેલાં વિચારવા જેવું છે કે કીડીને કોશના ડામ ન હોય. એથી વધુ અગત્યની વાત એ છે કે દંડની આ રકમ ભરનારાઓમાં કેવળ નાગરિકો જ કેમ? લૉકડાઉન શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી, વિવિધ નેતાઓએ એક યા બીજા નિમિત્તે રેલીઓ કાઢી છે. તેની તસવીરો વિવિધ માધ્યમોમાં ફરતી થઈ. શું એ રેલી કાઢનાર કે તેમાં ભાગ લેનારને દંડ ફટકારવામાં આવ્યો? એ શક્યતા ખરી કે એવે પ્રસંગે પોલિસ વિભાગે કદાચ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પણ સંભાળવું પડ્યું હશે! રેલી કાઢવી, બેશક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ગણાય, પણ કોવિડની મહામારી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નથી જ નથી. એમ હોત તો દેશના અગ્રણી નેતાઓને આ રોગ થયો ન હોત!

કેવળ આપણા દેશની સરકાર જ નહીં, વિશ્વભરના દેશો આ મહામારી સામે શી રીતે ઝઝૂમવું એ સમજી શક્યા નથી. સ્વાસ્થ્યની સારામાં સારી માળખાકીય વ્યવસ્થા હોય એવા દેશોમાં સુદ્ધાં મૃત્યુના આંકડા સતત વધતા જતા હતા. આપણી સરકાર આવા કપરા સમયમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવા કે બહેતર કરવા માટે કામ કરે એમ માનવું કદાચ વધુ પડતું લાગે, તો પણ એ આ રીતે દંડ વસૂલવા નીકળે એ કેવળ મૂર્ખામી કે દિશાવિહીનતા નથી, સામંતશાહીનું પ્રતિબિંબ છે. કોવિડના ગાળામાં અચાનક કરફ્યુનું એલાન કરવું, તેનો ભંગ કરનાર નાગરિકોને બેરહેમીપૂર્વક ફટકારવા એ સામંતશાહી માનસિકતાનું સૌથી વરવું સ્વરૂપ છે. પોલિસ દ્વારા લોકોને ફટકારાતા હોવાની અનેક વિડીયો ક્લીપ વિવિધ માધ્યમો દ્વારા ફરતી થઈ હતી. એ જોઈને એક નાગરિક તરીકે લોહી ઊકળી ઊઠવાને બદલે ભોગ બનેલાઓ એને જ લાયક છે એમ માનવું એ બતાવે છે કે લોકમાનસમાં સામંતશાહી માનસિકતાનાં મૂળિયાં કેટલાં ઊંડા છે!

ડી.જી.પી.કાર્યાલયની યાદી અંતર્ગત અત્યાર સુધીમાં લૉકડાઉન, કરફ્યુ તેમજ શારિરીક અંતર જાળવવાના નિયમભંગ બદલ 4.92 લાખ વાહનોને જપ્ત કરવામાં આવ્યાં છે. આ યાદી બહાર પડી તે અગાઉના છેલ્લા સપ્તાહમાં જ 5.57 કરોડની રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે. રોગની ગંભીરતા સાચેસાચી છે, તેને અવગણી શકાય નહીં એ પણ હકીકત છે, તો પછી રાજકીય નેતાઓને આ દંડસંહિતા કેમ લાગુ ન પડે?

આ આખી પરિસ્થિતિમાં પોલિસ વિભાગ જાણે કે માત્ર ચિઠ્ઠીનો ચાકર હોય એવું ચિત્ર ખડું થાય છે. બિલકુલ રાજ્ય સરકારની જેમ જ! કોવિડના અરસામાં કેટકેટલી દુર્ઘટનાઓ થઈ. ઔદ્યોગિક અકસ્માતો, હોસ્પિટલમાં આગ લાગવાના બનાવોમાં અનેકોની જાનહાનિ થઈ. રાજ્ય સરકારે કેવળ નિવેદન આપીને, ‘ઉચ્ચ કક્ષાની તપાસ’નો આદેશ આપીને કે મૃતકોને વળતરની ઘોષણા કરીને પોતાનું કામ પૂરું થયેલું માની લીધું.

હવે તો શરમને સિદ્ધિ માનવાની પ્રથા છે, આથી એ પણ શક્ય છે કે દંડનો આંકડો એક અબજને પાર થાય કે દુર્ઘટના થકી થયેલા મૃતકોની સંખ્યા અમુક સો સુધી પહોંચે તો રાજ્ય સરકાર કે સંબંધિત વિભાગ તેને સિદ્ધિ ગણાવે અને ચાર રસ્તે મૂકાતાં મોટા મોટા હોર્ડિંગમાં મંત્રીઓના ડરામણા ચહેરા સાથે આ આંકડાઓને ઉલ્લેખવામાં આવે. નાગરિકોનો એક વર્ગ એવો પણ છે કે જે સરકારની ગમે એ સિદ્ધિને ઝીલવા માટે તત્પર જ હોય.

પોલિસ વિભાગે જાહેર કરેલી દંડની રકમના આંકડા રોગની કે પરિસ્થિતિની ગંભીરતા સૂચવતા નથી, બલ્કે અણધારી, વિકટ અને અભૂતપૂર્વ પરિસ્થિતિમાં પોલિસ વિભાગનો અભિગમ કેવો વિચિત્ર બની રહ્યો હતો એની સાહેદી પૂરે છે. સરકારની દિશાવિહીનતા આમાં એકદમ ઊઘાડી જણાઈ આવે છે. દંડની આ રકમનો ઉપયોગ સરકાર પોતાની સિદ્ધિઓની જાહેરાત કરવામાં નહીં, પણ પોતાના રાજ્યમાં માળખાકીય સુવિધાઓનો અભાવ છે એનો સ્વીકાર કરીને તેને વિકસાવવા પાછળ કરે તો જ એ લેખે લાગે.

આગામી માસથી હેલ્મેટ અંગેના કાનૂનમાં પણ ચિત્રવિચિત્ર ફેરફાર થવાના છે. પોલિસ વિભાગને દંડની રકમ એકઠી કરવા માટે લક્ષ્યાંક અપાતા હોવાના સમાચાર છે. એ જોતાં હવે પછીના બજેટમાં વેરાની રકમની જેમ દંડની રકમ થકી થતી આવકની જોગવાઈને પણ ગણતરીમાં લેવામાં આવે એ સંભાવના બહુ દૂર લાગતી નથી.


(શિર્ષકપંક્તિ: રહીમજીનો મૂળ દોહો ફેરફાર સાથે)


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭-૧૨–૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.