સત્યજિત રાયની સૃષ્ટિ – ૧૦ : ગણશત્રુ

ભગવાન થાવરાણી

લેખમાળા શરુ કરી ત્યારે, સત્યજિત રાયની કુલ ૨૯ ફીચર ફિલ્મોમાંથી પંદર વિષે લખવું એ નક્કી હતું. એ પણ નક્કી કરેલું કે એમની અંતિમ ફિલ્મ આગંતુક ( ૧૯૯૨ ) વિષે સૌથી પહેલાં લખવું અને પ્રથમ ફિલ્મ પથેર પાંચાલી ( ૧૯૫૫ ) વિષે સૌથી છેલ્લે. એ બન્ને ફિલ્મો વચ્ચેના ગાળાની તેર ફિલ્મો કઈ હશે એ મહદંશે નક્કી હતું પણ એમને કયા ક્રમમાં લેવી એનો બૃહદ માપદંડ એવો રાખેલો કે નિરંતર વિષય-વૈવિધ્ય આવતું રહે તો એમના નિર્માણનો સમય-ક્રમ ન જળવાય તો પણ વાંધો નહીં. કમનસીબે આ નિર્ધારિત ફિલ્મોમાંની એક અત્યંત અગત્યની ફિલ્મ દેવી (૧૯૬૦) વિષે સંભવત: નહીં લખી શકાય કારણકે ન તો એ કોઈ ચેનલ ઉપર ઉપલબ્ધ છે કે ન તો એની સીડી / ડીવીડી ક્યાંય મળે છે. 

આટલી ચોખવટ પછી, આપણે જેને અવલોકવાના છીએ એવી પાંચ ફિલ્મોનો રચનાકાળ બાજુએ મૂકી આપણે સીધા પહોંચીએ રાયની સૌથી નબળી લેખાતી ફિલ્મ ગણશત્રુ (૧૯૯૦) પર. પરંતુ જ્યારે આ નબળી ફિલ્મની વાત કરીએ ત્યારે ન ભૂલીએ મિંટના પત્રકાર સંદીપન દેબનું વિધાન કે ‘ સત્યજિત રાય એમની સૌથી અપ્રેરણાત્મક અવસ્થામાં પણ અન્યની શ્રેષ્ઠ અવસ્થા કરતાં બહેતર હતા !

કબૂલ, ગણશત્રુ એમની મોટા ભાગની ફિલ્મો કરતાં સમગ્ર ફિલ્મ-કળાના પરિપ્રેક્ષ્યમાં નબળી લાગે છે. એના કેટલાક કારણો પણ ચીંધી શકાય. મુખ્ય કારણ એ કે, જ્યાં એક બાજુ એમની ઉત્તમોત્તમ ફિલ્મોમાં સંવાદો કરતાં દ્રષ્ય સ્વયં, શરીરની ભાષા અને ચહેરાના ભાવ – સવિશેષ મૌન – સૌથી વધુ બોલકા હોય છે, ત્યાં આ ફિલ્મમાં જે કંઈ કહેવાયું છે તે માત્ર સંવાદો દ્વારા ! આનું પણ કારણ છે. ફિલ્મ, નોર્વેના મહાન નાટ્યકાર હેનરીક ઈબ્સનના અમર નાટક AN ENEMY OF THE PEOPLE ઉપર આધારિત છે. સ્વાભાવિક છે, નાટકમાં સંવાદોનું જ મહત્વ હોય. એમાં ભાવ અને મૌનને ભાગ્યે જ અવકાશ હોય. વળી આ ફિલ્મમાં રાય, એમની મૂળભૂત લાક્ષણિકતાથી વિરુદ્ધ, નાટકના અસલ કથાવસ્તૂમાં નહીંવત ઉમેરણ કરીને મૂળ કૃતિને વફાદાર રહ્યા છે. વારૂ, તો નાટકની પસંદગી જ કેમ? અત્યાર સુધીની એમની બધી જ ફિલ્મો એમની પસંદીદા સાહિત્યિક કૃતિઓ – નવલકથાઓ અને વાર્તાઓ – ઉપર આધારિત હતી (એમની સ્વરચિત કૃતિઓ સહિત). જવાબ એ કે એમની ફિલ્મ ઘરે બાઈરે (૧૯૮૪) ના સર્જન દરમિયાન એ હૃદયરોગના હુમલાનો ભોગ બનેલા. આ કારણે લગભગ પાંચ વર્ષ એ નિષ્ક્રિય રહ્યા. અન્યથા, ૧૯૫૫થી ૧૯૮૪ સુધી તેમણે નિયમિત રીતે દર વર્ષે (અને ક્યારેક દર બે વર્ષે) એક ફિલ્મ તો આપી જ. આ લાંબા અંતરાલ પછી પાછા કામે ચડવાના નિર્ણય સામે ડોક્ટરોની સલાહ એવી હતી કે બને ત્યાં સુધી પ્રવાસ ન ખેડી એ ઘરે (કલકત્તા) રહીને જ ફિલ્મ બનાવે. આવી શત-પ્રતિશત ઈંડોર ફિલ્મ નાટક ઉપરથી જ બની શકે. સળંગ પાંચ વર્ષ ફિલ્મોથી અળગા રહ્યા એની અસર પણ ફિલ્મમાં અહીંતહીં દેખાઈ આવે છે. પણ  ‘નાનો નાનો તો પણ રાઈનો દાણોએ ન્યાયે ફિલ્મ વિષે વાંચશું (અને પછી જોઈશું) તો ખ્યાલ આવશે કે ફિલ્મ કેવી વિલક્ષણ છે! 

નાટકના મૂળ લેખક હેનરીક ઈબ્સનની થોડીક વાત. ઓગણીસમી સદીના આ નોર્વેજિયન સાહિત્યકારને નાટ્યજગતમાં  ‘વાસ્તવવાદના જનક’ ગણવામાં આવે છે. શેક્સપિયર પછીના એ જગતના સૌથી વધુ ભજવાયેલા નાટયકાર છે. આજની ફિલ્મ એમના જે બહુચર્ચિત નાટક AN ENEMY OF THE PEOPLE ઉપરથી બની એ ઉપરાંત એમના વિખ્યાત નાટકો છે THE WILD DUCK, EMPEROR OF GALILIEN અને A DOLLS HOUSE. સતત ત્રણ વર્ષ (૧૯૦૨, ૧૯૦૩ અને ૧૯૦૪) સુધી તેઓ નોબેલ પારિતોષિક માટે નોમીનેટ થયેલા. એમના પિતા સિગાર્ડ ઈબ્સન નોર્વેના વડા પ્રધાન હતા. 

ઈબ્સનના ૧૮૮૧ ના એક નાટક GHOSTS ની તત્કાલીન વિવેચકો અને વાચકો દ્વારા કડક ટીકા થયેલી. એમાં ખ્રિસ્તી ધર્મ અને પ્રજાની નૈતિકતાના ઉપર આકરા પ્રહારો હતા એટલું જ નહીં, એમાં કૌટુંબિક જાતીય સંબંધો, ગુપ્ત રોગો અને ઈચ્છા-મૃત્યુની તરફેણ પણ હતી. આ જનાક્રોશના પ્રતિભાવરુપે ઈબ્સને પછીના જ વર્ષે આ નાટક AN ENEMY OF THE PEOPLE લખ્યું. યોગાનુયોગ જુઓ કે રાયની ૧૯૬૦ ની ફિલ્મ ‘દેવી સામે આવો જ વિરોધ થયેલો, ધર્મ વિરોધી અને હિંદુ વિરોધી હોવા સબબ. એ ઘટનાના પ્રતિરોધ સ્વરૂપે રાયે છેક ૧૯૯૦ માં આ ગણશત્રુ બનાવી હોવાનું મનાય છે. 

ફિલ્મની વાત. પશ્ચિમ બંગાળનું નગર ચાંદીપૂર સમૃદ્ધ અને ખુશહાલ છે. એનું મુખ્ય કારણ નગરના ખુશનુમા હવામાન ઉપરાંત અહીંનુ ત્રિપૂરેશ્વર મંદિર છે. બહારના પ્રવાસીઓના આ મંદિર માટે રહેતા બારમાસી ધસારાએ ચાંદીપૂરની આર્થિક સિકલ ફેરવી નાંખી છે. મંદિર શહેરની વચ્ચોવચ ભુવનપલ્લી વિસ્તારમાં છે અને રોજના હજારો શ્રદ્ધાળુઓ મંદિરના પવિત્ર ચરણામૃતનું આચમન કરી પાવન બને છે. ડો અશોક ગુપ્તા (સૌમિત્ર ચેટર્જી – આ લખી રહ્યો છું ત્યાં જ ૮૫ વર્ષની વયે એમના દુખદ અવસાનના સમાચાર આવ્યા ! રાય સાથે એમણે કરેલી ચૌદ ફિલ્મોમાંની આ તેરમી ફિલ્મ) શહેરના પ્રતિષ્ઠિત તબીબ છે. નખશીખ ઈમાનદાર તેમજ શહેર અને દર્દીઓ પ્રતિ પૂર્ણત: સમર્પિત એક જાગૃત નાગરિક. એ એમના પત્ની માયા (રૂમા ગુહાઠાકુરતા – કિશોર કુમારના પ્રથમ પત્ની અને અમિત કુમારના માતા – ગયા વર્ષે એમનું પણ નિધન થયું) અને પુત્રી ઇંદ્રાણી ઉર્ફે રાનુ (મમતા શંકર – આ શ્રેણીમાં સર્વપ્રથમ ચર્ચેલી ફિલ્મ ‘આગંતુક’ ના નાયિકા) સંગે એક ભાડાના મકાનમાં રહે છે. એ મકાનમાં જ એમનું ક્લિનિક છે. એ મ્યુનિસિપાલિટીના દવાખાનામાં નોકરી પણ કરે છે. મ્યુનિસિપાલિટીના પ્રમુખ એમના સગા ભાઈ નિશીથ ગુપ્તા (ધૃતિમાન ચેટર્જી – આપણે ચર્ચી ગયા એ પ્રતિદ્વંદીના નાયક) છે જે પોતે એક સફળ ઉદ્યોગપતિ અને રાજકારણી છે. એ દરેક રીતે ‘પૂરા’ છે અને ડોક્ટર ગુપ્તાને  ‘ થાળે પાડવા ‘ માં એમનો મોટો ફાળો છે. 

ફિલ્મનું કથાનક અને દ્રષ્યો અસલ પંચ-અંકી નાટકની જેમ ઉઘડે છે.

દ્રષ્ય એક :

ડોક્ટર ગુપ્તા પોતાના ક્લીનીકમાંથી જનવ્રત દૈનિકના સંપાદક અને એમના મિત્ર હરિદાસ બાગચી (દીપંકર ડે – આગંતુકમાં નાયિકાના પતિ) ને ફોન કરી સમાચાર આપે છે કે ચાંદીપૂરમા કમળાના ઘણા બધા કેસ આવી રહ્યા છે. ટાઈફોઈડ અને કોલેરા જેવા અન્ય પાણીજન્ય રોગોના કેસો પણ. એ અનુરોધ કરે છે કે એમના વર્તમાનપત્રમાં આ વાત છાપે જેથી લોકોમાં જાગૃતિ આવે. 

હરિદાસ ડોક્ટરના ઘરે આવે છે. ડોક્ટર આવે ત્યાં સુધી એ એમના પત્ની સાથે શહેરમાં પ્રવાસીઓના ધસારા અને ચાંદીપૂરના વિકાસની વાતો કરે છે. ડોક્ટર અને એમના પત્નીનો જન્મ જ અહીં થયો છે. 

નિશીથ ગુપ્તા પ્રવેશે છે. હરિદાસ માનભેર પ્રમુખ સાહેબને આવકારે છે. નિશીથ દમામદાર અને ઘમંડી વ્યક્તિત્વના માલિક છે. પોતાના હોદ્દા અને પૈસાના તોરમાં ગડાબૂડ !   ભાઈની દવાથી મારો અપચો મટ્યો નહીં એટલે દેશી દવા શરુ કરીકહી એ ભાઈની ટીકા કરે છે અને સંપાદક મહોદયને ઉદ્દેશી  ‘તમારું પેપર હમણાનું ડાબેરી બનતું જાય છે. કમળાની વાત તમે લોકોએ જ છાપેલી ને ?’ કહી પોતાની નારાજગી વ્યક્ત કરે છે  ‘હા, ડોક્ટર સાહેબના કહેવાથી.’

કમળો હશે તો પણ લોકો તો આવશે જ. હું અશોક જેવો નથી. રોજ મંદિરે જાઉં છું. અઠવાડિયું ત્યાંનું ચરણામૃત લીધું અને મારું સ્પોંડીલાઈટીસ છૂ ! ભગવાન શિવનો જય હો !’

ડોક્ટર આવે છે. સાથે રોનેન (ભીષ્મ ગુહા ઠાકુરતા). રોનેન બેંકમાં નોકરી કરે છે. એક થિયેટર ગ્રૂપ પણ ચલાવે છે. એક પત્રિકા  ‘મશાલ’ બહાર પાડે છે. પ્રગતિશીલ વિચારોનો યુવાન. એ ડો ગુપ્તાનો ભાવિ જમાઈ પણ છે. ડોક્ટર કમળાના વધતા જતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરે છે. આ પાણી ક્યાંથી ગંદું થાય છે એની તપાસ થવી જોઈએ. નિશીથ રોનેનને વ્યંગપૂર્વક પૂછે છે, ‘ડાબેરી છો કે જમણેરી?’ અને પછી હરિદાસને ઉદ્દેશી – પણ નિશાન પોતાના ભાઈ તરફ તાકી, ‘તમે લોકો ચાંદીપૂરની ઊજળી બાજુઓ વિષે લખો. કમળાની વાતો નાહક ચિંતા ઊભી કરે છે. તમે આ નગરના હિતચિંતક નથી ? અમે ચાંદીપૂરને પશ્ચિમ બંગાળનું પ્રવાસી મથક બનાવવા માંગીએ છીએ. રહી કમળા અને વાયરસની વાત, તો એમાં પણ અમે તમારી સાથે જ છીએ.’ કહી એ વિદાય લે છે.

એના ગયા પછી ડોક્ટર પોતાના ભાઈની રુઢિચુસ્ત પ્રકૃતિની વાત કરે છે. ‘અમે બન્ને ભાઈ કોઈ રીતે ક્યારેય સંમત થયા નહીં. પણ એનામાં ઘણા સારા ગુણ પણ છે.નિશીથ ભાર્ગવ શેઠની રાઈસ મિલ અને કોલ્ડ સ્ટોરેજ ડેપોમાં ભાગીદાર પણ છે. 

ડોક્ટરની પુત્રી રાનુ  (મમતા શંકર) નોકરીએથી પરત આવે છે. એ ભાર્ગવ ટ્રસ્ટની સ્કૂલમાં શિક્ષિકા છે. પિતાને એમના નામે આવેલી ટપાલ આપે છે. હરિદાસ એને પૂછે છે, ‘મેં તમને જે પુસ્તક અનુવાદ કરવા આપેલું એ ક્યાં પહોંચ્યું ? એ જનવ્રતમાં છાપવાનું છે.’ (આ બન્ને  આગંતુક માં પતિ-પત્ની હતાં) 

ડોક્ટર અંદરથી, પરબીડિયાંનો પત્ર વાંચી ચિંતિત ચહેરે બહાર આવે છે. ‘મારું અનુમાન સાચું હતું. ભુવનપલ્લી વિસ્તારના પાણીનો નમૂનો મેં કલકત્તા લેબોરેટરીમાં મોકલેલો. એ પાણી પ્રદૂષિત છે. એ જ વિસ્તાર રોગનું કેંદ્ર છે. ત્યાંના મંદિરનું ચરણામૃત બધા શ્રદ્ધાળુઓ પીએ છે. હા, રોગગ્રસ્ત અમુક લોકો જ થવાના અને એનો સીધો જવાબ એ કે દરેક માણસમાં રોગ-પ્રતિકારક શક્તિ હોય જ. કેટલાક માંદા પડે, કેટલાક ન પડે ! સંભવત: પાણીની ભૂગર્ભ પાઈપલાઈનો તૂટી છે અને સાથે ગટરની પાઈપલાઈનોનું પાણી ભળ્યું છે. આપણા દેશમાં આવું થતું આવ્યું છે.

ભાઈને આ રિપોર્ટ મારી ભલામણો સાથે મોકલું છું. જવાબદાર વ્યક્તિ તરીકે એણે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. મંદિરનું ચરણામૃત ત્યાં સુધી લેવાય જ નહીં. સમસ્ત સિસ્ટમ રિપેર ન થાય ત્યાં સુધી.’

હરિદાસ  ‘અમારા છાપામાં આ છાપીશું. જોકે ખળભળાટ તો મચશે જ. ‘  ‘ તો એમ કરો. ભુવનપલ્લીનું નામ ન લખો. ભાઈ શું કહે છે તે જોઈએ. પછી સ્પષ્ટ લખીએ. લોકોને ચેતવવા તો જોઈએ જ. એમ કરીને મારે કંઈ મસીહા નથી થવું. એક ડોક્ટર તરીકે આટલું તો કરવું જ જોઈએ.

મા-દીકરી એમના ખભે સમર્થનનો હાથ મૂકે છે. 

મંદિરનું દ્રષ્ય. ભક્તોની ભીડ. શ્રદ્ધાપૂર્વક ચરણામૃતનું આચમન કરતા ભક્તજનો. બધું નીરખતા નિ:સહાય ડોક્ટર. 

દ્રષ્ય ૨ :

ફરી ડોક્ટરનું ઘર. એક વધુ દર્દી કમળાથી ગુજરી ગયાના સમાચાર છે. ‘નિશીથને રિપોર્ટ મોકલ્યો છે. એણે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. નહીંતર વધુ લોકો મરશે. તકલીફ એ છે કે એ ઈર્ષ્યાળુ છે. જો આ બધું એણે શોધી કાઢ્યું હોત તો એને ગમત.

જનવ્રતનાના માલિક અધીર મુખર્જી પણ ડોક્ટરની પડખે ઊભા રહેવા તૈયાર છે. હા, એ એવું પણ માને છે કે જનતાના મતનું પણ ધ્યાન રાખવું પડે. (આપણે એવા અસંખ્ય લોકો જોયા છે જે કોઈક તાર્કિક વાતમાં હા પાડી અને પછી પાછળથી એમાં શરતો ઉમેરે !) ડોક્ટર સ્પષ્ટ છે. ‘એક વર્તમાનપત્ર તરીકે સત્તાવાળાઓ પાસે પણ તમારે જવાબ માંગવો જોઈએ . હરિદાસને પોતાના પત્રના ફેલાવાની અને સત્તાધીશોની નારાજગીની ચિંતા છે. એ બધાની પોલ જાણે છે પણ એનો ઉપયોગથી પોતાનું હિત કેટલું સરે એ એમને મન અગત્યનું છે. ડોક્ટરને લેખ છાપવાની બાંહેધરી આપી એ બન્ને વિદાય થાય છે. 

માયાને એના દિયરના સ્વાર્થી સ્વભાવની જાણ છે. ડોક્ટર પોતે ભાઈના અહેસાનો ભૂલ્યા નથી, પણ એ ઉપકાર એમની માન્યતાઓથી ઉપરવટ નથી.

નિશીથ અને એના ભાગીદાર અને નગર-શ્રેષ્ઠી ભાર્ગવ પ્રવેશે છે. ‘તમે આ શું માંડ્યું છે ?’ ડોક્ટર ચોક્ખી વાત કરે છે. ‘પણ એમાં મંદિર અને ચરણામૃતનું કેમ વચ્ચે લાવો છો ?’ ભાર્ગવ ખિસ્સામાંથી ચરણામૃતની નાની શીશી કાઢી ડોક્ટરને ધરે છે. ‘આ અમારા મંદિરનું પવિત્ર જળ. એમાં એક પણ જંતુ હોય તો મારું નામ બદલી નાખું. એમાં અમે ઠેઠ કલકતાથી મંગાવીને ગંગાજળ ઉમેરીએ છીએ. તુલસી-પત્ર પણ. તમને ભાન છે, એનાથી બધી અશુદ્ધિ જતી રહે ! તમારા ભાઈએ મને કહ્યું કે તમે ક્યારેય મંદિરમાં જતા નથી. હિંદુ ધર્મમાં માનતા નથી.’ ડોક્ટર ચકિત છે. એમને આ બધી વાત બેવકૂફીભરી લાગે છે. ‘અમે લોકોને પાણી ઉકાળીને પીવાનું કહીશું પણ તમે મંદિરને બદનામ કરવાનું મહેરબાની કરીને બંધ કરો.’ ભાર્ગવ શેઠના શબ્દો વિનંતીના છે પણ અવાજ ધમકીનો છે. એ જાય છે. ડોક્ટર હિંદુ ધર્મના સંસ્કારોને અનુસરી મહેમાનને બહાર સુધી મૂકવા જાય છે !!

નિશીથ હજુ ગયા નથી. બન્ને ભાઈઓ વચ્ચે ફરી એ જ દલીલો. વાત સ્પષ્ટ છે કે મંદિર ચાલુ રહે, ભક્તોનો પ્રવાહ ચાલુ રહે, દાનપેટીઓ છલકાતી રહે એમાં કેટલાય લોકોનો નિહિત સ્વાર્થ છે. ડોક્ટરને માનવ જિંદગીઓની પડી છે તો આ બધાંને માનવો થકી થતી આવકની !  ‘તમે ચુપ રહો એમાં જ સૌની ભલાઈ છે. તમારી પણ. તમને નોકરી કોણે અપાવી ? સમજદાર બનો. જે કંઈ તુક્કો મનમાં આવે એને છપાવી મારો નહીં. પહેલાં તમે શહેર માટે ચિલ્ડ્રન પાર્કનું તૂત ઉપાડેલું. ખબર નહોતી કે એ જમીન ભાર્ગવ ટ્રસ્ટની છે ? સાવ મૂરખ છો. જે છપાવ્યું છે એ પાછું ખેંચો. ભૂલ કબૂલો. તમે નહીં કહો તો હું મ્યુનિસિપાલિટીના ચેરમેન તરીકે લોકોને કહીશ કે તમે જુઠ્ઠા છો. ચાંદીપૂરનું મંદિર મારું સર્જન છે. હું એને બદનામ થવા નહીં દઉં. વિચારી લેજો.ડોક્ટર, નિશીથ શું કરવાનો છે એ પારખી કહે છે, ‘હું કોર્ટના દરવાજા પણ ખખડાવી શકું છું’ અને નિશીથ ‘નંદી સાહેબને ઓળખો છો? એ અઠવાડિયે બે વાર મંદિરે આવે છે. તમારા જેવા અધાર્મિક માણસની પિટીશન એ સીધી કચરાટોપલીમાં નાંખી દેશે. એમને હજુ કમળો થયો નથી.કહીને નીકળી જાય છે. 

ડોક્ટર આહત છે. એ ચરણામૃતની શીશીને તાકતા રહે છે. ‘ ગજબ છે. મારો પોતાનો ભાઈ મારા જ ઘરમાં આવા શબ્દો બોલી ગયો ! જાણે મંદિર એના એકલાની મિલકત હોય ! અને કેવી વાત ! પાણી તુલસી – પત્રથી જંતુમુક્ત થાય !’ પત્ની સમજાવે છે. ‘એમાં શું ? મારા પિતા પણ એવું માનતા. વિજ્ઞાન તો હવે છે. પહેલાં એવું નહોતું.’  ‘તારે મંદિરે જવું છે ને ? ‘ ‘ હા. પણ આપણા બન્ને વચ્ચે વિખવાદ થાય એવું કરવું નથી. તમે ધર્મમાં માનતા નથી. પણ મેં એ પણ જોયું છે કે કોઈ માણસ ધર્મમાં માન્યા વગર પણ પ્રમાણિક હોઈ શકે.’ દર્શક તરીકે આપણે પત્નીની આ વાતને બિરદાવવી પડે ! 

માયા બીજા કમરામાં જઈને ભજન ગણગણે છે, ‘ વિઘ્નો વટાવશું. જીવન ચાલતું રહેશે. દીકરી રાનુ આવીને કહે છે, ‘ મા, પપ્પાએ આવું સરસ લખ્યું છે અને તું કરુણ-ગાન ગાય છે ? અને પિતાને, ‘ જનવ્રતવાળા આવી નિડર વાત છાપશે ખરા ? મને હરિદાસમાં વિશ્વાસ નથી. એની આંખોમાં વિકાર છે.’ મા કહે છે, ‘ જો એ લેખ છપાશે તો નિશીથ બદલો નહીં લે ? એના ઝેરીલા સ્વભાવની મને ખબર છે. સસરાજી ગુજરી ગયા ત્યારે મોટું દેવું મૂકતા ગયેલા. એમાં નિશીથે એક પાઈ પણ આપી ? બધું તમે જ ચૂકવ્યું. ‘

ફરી મંદિરનું દ્રષ્ય. ચરણામૃત. પડાપડી. કોઈને કંઈ પડી છે જ ક્યાં ? ( આ પરિસ્થિતિને હાલના કોરોના-કાળમાં લોકોના અભિગમ સાથે સરખાવી શકાય મનોમન.)

દ્રષ્ય ૩ :

જનવ્રત પ્રેસ. સહાયક તંત્રી બિરેશ ગુહા (શુભેંદૂ મુખર્જી – આપણે એમને અરણ્યેર દિન રાત્રિમાં સંજયના પાત્રમાં જોયા) ડોક્ટર ગુપ્તા અને એમની વિચારસરણીના પ્રબળ સમર્થક છે. ‘ ડોક્ટર ગુપ્તાનો લેખ છાપીશું તો આપણા છાપાની પ્રતિષ્ઠા વધશે. આપણે વૈજ્ઞાનિક અભિગમની પડખે ઊભા રહેવું જ જોઈએ. ‘  ‘ પણ આટલા બધા પત્રો ડોક્ટરની વિરુદ્ધમાં આવ્યા છે તેનું શું ? ‘ હરિદાસ. છાપાના માલિક અધીરબાબુ પણ ફૂંકી-ફૂંકીને આગળ વધવાના મતના છે. 

ડોક્ટર પ્રવેશે છે. બિરેશ એમના ચરણ-સ્પર્શ કરે છે. ‘ તમારા વાચકોમાં સુશિક્ષિત લોકો પણ છે જ. શહેર પરનું જોખમ તમારા છાપાના ફેલાવા કરતાં અગત્યનું છે. તમે જોખમ જ ન લો તો પ્રગતિશીલ શાના ? પ્રજાને વિચારતા કરવાની જવાબદારી પણ સાચા પત્રકારની હોય. ‘ કહી ડોક્ટર જાય છે.

રાનુ આવે છે. એને હરિદાસે અનુવાદ માટે આપેલા પુસ્તકમાની વાતો નક્કામી લાગે છે. ‘ આવી વાતો છાપવી તમારા વર્તમાન-પત્રને છાજે નહીં. સસ્તી લોકપ્રિયતા માટે ગમે તે છાપવાનું ? તમે મારા પિતાનો અગત્યનો લેખ છાપી રહ્યા છો. આ પુસ્તકની વાતો એનાથી સાવ વિરુદ્ધ છે. ‘ હું એ છાપીશ એનું એક કારણ એ છે કે તમે મને ગમો છો. હરિદાસ મુખર રીતે કહે છે. ઇંદ્રાણી હેબતાઈ જાય છે. એ સફાળી ઊભી થઈને નીકળી જાય છે. 

ચેરમેન નિશીથ પ્રવેશે છે. એણે પોતાની ભત્રીજીને જતી જોઈ છે. ‘ આજે ભાઈએ મારી સંમતિ વિના પાણી અંગેનો ખતરનાક રિપોર્ટ મંદિર કમિટી અને મ્યુનિસિપાલિટીને મોકલાવ્યો છે. હું જાણું છું, તમને પણ છાપવા આપ્યો છે. તમે છાપશો ? પરિણામો સમજીને છાપજો. મંદિર બંધ. પાણી બંધ. ચરણામૃત બંધ. આ ગાંડપણ છે. એ મ્યુનિસીપાલિટીએ ( એટલે કે એણે પોતે ! ) બનાવેલું નિવેદન વાંચે છે. ‘ અમુક તત્ત્વો દ્વારા મ્યુનિસિપાલિટીને બદનામ કરવાનું કાવતરું ઘડાયું છે. એમની ભ્રામક વાતો કોઈએ માનવી નહીં. અમારા નિષ્ણાંતોના મતે આપણું પીવાનું પાણી પૂરેપૂરું સલામત છે. ‘ 

ડોક્ટર ગુપ્તા આવે છે. નિશીથને પહેલેથી ત્યાં બેઠેલો જોઈને કહે છે, ‘ મારો આર્ટિકલ આ લોકો ન છાપે એટલા માટે આવ્યા છો ને ! ‘ ડોક્ટર એમના લેખનો કાગળ લઈ, એમાં થોડાક સુધારા-વધારા કરી સંપાદકને પાછો આપે છે. ( એ સુધારા કરતા હોય છે ત્યારે કાગળ ઉપર લખવાથી થતો પેનની ટાંકનો અવાજ આપણને સ્પષ્ટ સંભળાય છે. છપાતા કાગળ અને લખાતા શબ્દના અવાજો રાયના પ્રિય અવાજો હતા ! ) નિશીથ ફરીથી હરિદાસને ચીમકીભર્યા અવાજે પૂછે છે, ‘તમે આ છાપશો ?’ હરિદાસ ફેરવી તોળે છે, ‘આર્ટિકલ વાંચતા પહેલાં એ છાપવાનો ઈરાદો હતો. હવે નહીં.’ ડોક્ટર આ વચનભંગથી સ્તબ્ધ છે. નિશીથ મલકે છે. એ ઊભો થઈને જાય છે પણ એ પહેલાં, હરિદાસને, મ્યુનિસિપાલિટીનું નિવેદન કાલે પહેલાં પાને છાપવાનું કડક રીતે કહેતો જાય છે. ડોક્ટર કહે છે, ‘આ લોકો નહીં છાપે તો હું જાહેર મિટીંગ કરીશ’ અને નિશીથ  ‘હોલ ક્યાંથી લાવશો ? બધા હોલ મ્યુનિસીપાલિટી હસ્તક છે !’ પોતાના લેખનો કાગળ ઉઠાવી ડોક્ટર પણ જાય છે. 

દ્રષ્ય ૪ :

ડોક્ટરનું ઘર. રોનેન. રાનુ. ‘મને હરિદાસનું ચરિત્ર શું છે એ ખબર હતી રોનેન કહે છે.  ‘પ્રવચન માટે અમારા નાટકના હોલનો ઉપયોગ કરીશું. હું અને મારા મિત્રો શહેરભરમાં મિટીંગના પોસ્ટરો ચિપકાવી આવીશું.’ 

હોલ ખચાખચ. ઉપસ્થિતોમાં મોટા ભાગના નિશીથના પિઠ્ઠુઓ છે. થોડાક પ્રગતિશીલ યુવાનો – જે રોનેનના મિત્રો છે – પણ ગોઠવાઈ ગયા છે. ડોક્ટર અને એમનો પરિવાર મંચ ઉપર. ત્યાં જ એક બાજુએ નિશીથ, હરિદાસ અને અધીરબાબુ પૂર્વ-આયોજન અનુસાર બેસી ગયા છે.  રોનેન એમની સંતલસ નિહાળી રહ્યો છે. એને કશુંક અઘટિત બનવાનો અંદેશો છે. એ મંચ ઉપરથી ઉતરી પોતાના સાથીઓને, એ માટેની તાકીદ કરી આવે છે. 

નક્કી કર્યા પ્રમાણે, નિશીથ માઈકનો કબજો લઈ અધીરબાબુને સભાપતિ બનાવવાની દરખાસ્ત કરે છે. હરિદાસ ટેકો આપે છે. ડોક્ટર  ‘મારે માત્ર એક પેપર વાંચવાનું છે. એમાં સભાપતિની જરુર ક્યાં આવી ?’ નિશીથ આણિ કંપનીનું નાટક ચાલુ રહે છે. સભાપતિ મહોદય માનભેર પહેલાં મ્યુનિસિપાલિટી. ચેરમેનને નિમંત્રે છે. નિશીથ  ‘ મને ખબર છે, ડોક્ટર શું કહેવાના છે. તમારામાંથી કોઈ આપણા મંદિરની વિરુદ્ધમાં સાંભળવા તૈયાર છે ?’ પબ્લીકનો પુર્વયોજિત દેકારો. ‘હું કહું છું, ડોક્ટરને બોલવા ન દેવા જોઈએ. તમે આજના છાપામાં આપણી મ્યુનિસિપાલિટીનું નિવેદન વાંચ્યું હશે. ડોક્ટર ગુપ્તા કહેશે, મંદિરનું જળ પ્રદૂષિત છે. પવિત્ર ચરણામૃત ગંદું હોય ? તમે શું કહો છો ? ‘ ફરી એ જ શોરગુલ. સમગ્ર દોર અવળા રસ્તે જઈ રહેલો જોઈ ડોક્ટરથી રહેવાતું નથી. એ સભાપતિની મંજૂરી લઈ (અને સભાપતિ ઇશારાથી નિશીથની મંજૂરી લઈ !) માઈક પર આવે છે  ‘આ સભા છે કે મજાક ? મારા પોસ્ટરો વાંચીને તમે સૌ અહીં આવ્યા અને મને જ બોલવા દેવામાં ન આવે !’ ફરી નિશીથના ભાડૂતી માણસોનો દેકારો. ‘હું એમ ચુપ નહીં થાઉં. હું પણ તમારી જેમ આ શહેરને ચાહું છું. તમારામાંના ઘણા મારા દર્દી છે. હજી હમણાં સુધી આપણા શહેરનું પાણી ચોખ્ખું જ હતું. હવે નથી. મારી પાસે પુરાવા છે. અને આનો ઉકેલ પણ છે.’ ડોક્ટર પોતાનું વક્તવ્ય વાંચવાનું શરુ કરે ત્યાં નિશીથ ઊભો થઈ માઈક પર આવે છે.  ‘તમે હિંદુ છો ? છેલ્લા દસ વર્ષોમાં ત્રિપૂરેશ્વર મંદિરે ગયા છો ? ‘  ‘ હા. હિંદુ ચોક્કસ છું. મંદિરે જતો નથી કારણ કે ધર્મની કેટલીક પ્રથાઓમાં મને વિશ્વાસ નથી. વિજ્ઞાને મને નવો રસ્તો દેખાડ્યો છે. એ મારી વ્યક્તિગત બાબત છે. હું કોઈના ધર્મમાં દખલ દેવાનું સ્વપ્ને પણ ન વિચારું. મંદિરનું જ નહીં, હાલ કોઈ પણ પાણી પીવું સલાહભર્યું નથી. આ પ્રશ્ન સ્વાસ્થ્યનો છે, ધર્મનો નહીં.’

નિશીથ લોકોને ઉશ્કેરે છે. અચાનક હોલમાં બોંબ ધડાકા થાય છે ( કોણે કરાવ્યા એ સમજી શકાય ! ) ભાંગફોડ પણ. રોનેન ડોક્ટર અને એમના પરિવારને પાછલા દરવાજેથી બહાર લઈ જાય છે. 

દ્રષ્ય ૫ :

ડોક્ટરનું ઘર. ઘરની બહાર  ‘ ડોક્ટર અશોક ગુપ્તા – જનતાના દુશ્મન – ENEMY OF THE PEOPLE ‘ કોઈકે ચીતરાવી માર્યું છે. ઘર ઉપર પણ પત્થરમારો થયો છે. બારીઓના કાચ તૂટી ગયા છે. ડોક્ટર ક્ષુબ્ધ છે. પત્ની ત્રસ્ત છે. ‘આમ ક્યાં સુધી પૂરાઈ રહીશું ?’  ‘તો હું ભાગી છૂટું ?’ મેં કંઈ ખોટું કર્યું નથી. એ લોકો જ માર્ગ ભૂલ્યા છે.

મકાન માલિક પ્રવેશે છે. ડોક્ટર  ‘હું દિલગીર છું. તમારા મકાનને નુકસાન પહોંચી રહ્યું છે. તમે એટલા માટે જ આવ્યા છો ને કે હું મકાન ખાલી કરી આપું ?’ મકાન માલિક ગોળ-ગોળ વાત કરે છે. ‘તમારી ખૂબ ઈજ્જત કરું છું પણ વાત જાણે એમ છે કે …’ (આપણને મહેશ ભટ્ટની ફિલ્મ કબજા નો ઈમાનદાર નાયક અલી મોહમ્મદ યાદ આવે. એ કપરા સમયમાં બચપણના દોસ્ત અને હવે વગદાર અધિકારીની મદદ માંગવા જાય છે. મિત્ર ગલ્લાં-તલ્લાં કરે છે. અલી મોહમ્મદ સમજી જાય છે. એ દોસ્તની આંખોમાં આંખો મેળવી, મુસ્કુરાઈને કહે છે, ‘દોસ્ત ! દુનિયામાં સત્ય કેવળ બે જ છે. હા અને ના. બાકી બધી હેરાફેરી !’ ) 

રાનુ પ્રવેશે છે. એને નોકરીમાંથી કાઢી મુકાઈ છે. એ અશોક ગુપ્તાની દીકરી છે એટલે ! નિશીથનો ફોન ડોક્ટર ઉપાડે છે. ‘હું માનું છું, મને નોકરીમાંથી કાઢી મેલ્યો છે. એમ જ ને ?’

હા. હમણાં કમિટીએ તમને માત્ર શો-કોઝ નોટિસ આપી છે. ભૂલ કબૂલી લો તો કંઈ નહીં થાય. નહીંતર બરખાસ્તી.’  ‘મરી જઈશ તો પણ એ નહીં કરું.

હરિદાસ અને અધીરબાબુ સમાધાનનો પ્રસ્તાવ લઈને આવે છે. ડોક્ટર એમને બહારથી જ તગેડી મૂકે છે. 

બધા મૌન છે. ડોક્ટર ફસડાઈ પડે છે.  ‘ હું હારી ગયો. લડવા માટે હવે શક્તિ રહી નથી.

રોનેન અને બિરેશ આવે છે. પુત્રી પિતાને સધિયારો આપે છે. ‘ તમે નાહક ચિંતા કરો છો. તમારી પ્રાઈવેટ પ્રેક્ટીસ તો છે ને ! હું ટ્યુશનો કરી લઈશ. ‘ બિરેશે જનવ્રત છોડી દીધું છે. એ ગઈ કાલની મિટીંગમા જે તમાશો કરવામાં આવ્યો એનો વિગતવાર રિપોર્ટ ડોક્ટરના ઈંટર્વ્યુ સાથે કલકત્તાના અગ્રણી સમાચાર-પત્રોને મોકલવા માંગે છે. ડોક્ટર રાહત અનુભવે છે. કોઈક તો સાથે છે ! કોઈક તો એમને સમજે છે !  ‘હા. મારા ઈંટર્વ્યુનું શીર્ષક રાખજો – જનતાના દુશ્મન – ગણશત્રુનું કબૂલાતનામું.

રોનેન કહે છે ‘ લો, આ કાગળો જોઈ લો. જનવ્રતે જે છાપવાની ના પાડી એને ચોપાનિયારૂપે છાપીને અમે ઘેર-ઘેર વહેંચીશું. અમે બધા તમારી તરફેણમાં જન-આંદોલન ચલાવીશું. ‘

બહારથી ટોળાના અવાજો. ડોક્ટર ગુપ્તા જિંદાબાદ. એ લોકો ચાંદીપૂરના શિક્ષિત યુવક-યુવતીઓ છે. એ બધા પણ એમ કહેવા માગે છે કે ડો ગુપ્તા, અમે તમારી સાથે છીએ. 

બધાના ચહેરા રાહત અને સંતોષથી આલોકિત.  ‘ હું એકલો નથી. હું એકલો નથી. ભલે હું ગણશત્રુ હોઉં પણ મારે ય મિત્રો છે. ‘

બધા ભેગા ઊભા છે. એકબીજાના ટેકે. કોઈ એકલું નથી. 

કેમેરા ડોક્ટરના ટેબલ ઉપર પડેલ ચરણામૃતની શીશી પર કેંદ્રિત થાય છે. 

**** ****

તો આ હતી રાયની સૌથી નબળી ફિલ્મ. કબૂલ કે ફિલ્મ એક VISUAL ART છે. વર્ણનમાં સરસ લાગતી વાત સિનેમાના પરદે પણ અસરકારક લાગે એ જ એની સફળતાની સાચી કસોટી. ફિલ્મ જોતાં ક્યાંક એવું લાગે કે મુખ્ય બે પાત્રો – સૌમિત્ર ચેટર્જી અને ધૃતિમાન ચેટર્જી – ને બાદ કરતાં અન્ય કલાકારો આનાથી બહેતર કરી શક્યા હોત. એડીટીંગમાં પણ સુધારાને ગુંજાઈશ હતી. ફિલ્મ ઉતાવળે આટોપાઈ હોય એવું પણ લાગે. 

ફિલ્મનું સિનેમાંકન બરુન રાહાનું છે. કહેવાય છે કે એમની પ્રકૃતિથી વિરુદ્ધ, આ ફિલ્મ માટે રાયે એમાં કોઈ ભૂમિકા ભજવી નહોતી !

રાય રુપાંતરણના મહારથી કહેવાતા. એ દ્રઢપણે માનતા કે ફિલ્મ અને સાહિત્ય સાવ નોખી કળાઓ છે અને કોઈ સાહિત્યિક કૃતિ ગમે તેટલી ઉત્તમ હોય, એને ફિલ્મમાં ઢાળતી વખતે અમુક ફેરફારો અનિવાર્ય હોય છે. ફરી એક વાર,  પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ આ ફિલ્મમાં રાય મૂળ નાટકના કથાવસ્તુને ચુસ્તીથી વફાદાર રહ્યા છે. હા, અસલ નાટકના નકારાત્મક અંતની જગ્યાએ અહીં એમણે અંત આશાજનક દેખાડ્યો છે, મહાનગર અને ચારૂલતાની જેમ ! 

રાયની અંતિમ ત્રણ ફિલ્મો ગણશત્રુ – ૧૯૯૦, શાખા પ્રશાખા – ૧૯૯૧ અને આગંતુક – ૧૯૯૨ પોતાની રીતે એક ટ્રાઈલોજી છે. આ ત્રણેયમાં રાય, પ્રવર્તમાન વાસ્તવિકતાને એમની સંવેદનશીલ દ્રષ્ટિથી જૂએ છે, પોતાના મનમાં રહેલા આદર્શોને આજની સ્થિતિ જોડે સરખાવે છે અને પોતાના સૌંદર્યવાદી અને અસમાધાનકારી વ્યક્તિત્વને ધ્રૂવીકૃત અને સમાધાનગામી ચરિત્રો સાથે સરખાવે છે. ત્રણે ફિલ્મના નાયકો (ડો ગુપ્તા, આનંદ અને મનમોહન) રાયનું ખુદનું પ્રતિબિંબ છે. એ ત્રણે એવા પાત્રો છે જે પ્રતિદ્વંદી નો નાયક સિદ્ધાર્થ આગળ જઈને બન્યો હોત, જો એને યોગ્ય પ્લેટફોર્મ મળ્યું હોત તો ! રાયના આત્મકથાકાર એંડ્રૂ રોબિન્સન કહે છે તેમ ‘એવું લાગે છે જાણે રાય, એમના ડાબેરી મિત્રોની મરજી પ્રમાણે સીધી રીતે એમના રાજકીય અને સામાજિક વિચારો વિશે બોલતા હોય!’  (જે એમણે અત્યાર સુધી ટાળ્યું હતું !) આ ફિલ્મો રાયની માનવો પ્રત્યેની બિનશરતી અનુકંપા પણ વ્યક્ત કરે છે. એમના સમકાલીન અને મહાન સર્જકો મૃણાલ સેન અને ઋત્વિક ઘટકથી વિરુદ્ધ, રાયની ફિલ્મોમાં પરિસ્થિતિને બદલી નાંખવાનું સીધું આવાહ્ન ક્યારેય આવતું નથી. ગણશત્રુ એ રીતે પણ અગત્યની છે કે એ કટ્ટરતા ઉપર પ્રહાર કરે છે. સત્તાના દલાલો ડોક્ટરને ચોખેચોખું કહી દે છે કે તબીબી / વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જે પણ હોય, મંદિર બંધ થશે નહીં ! કેટલાક લોકો પણ એમ માને છે કે સાચો રાષ્ટ્રવાદ એ નથી જ્યાં દેશ વિષેના કડવા સત્યો વાળીને શેતરંજી નીચે સંતાડવામાં આવે. હકીકત એ છે કે લોકો અને એમની કઠણાઈઓ ધર્મ કે દેશપ્રેમ પહેલાં આવવી જોઈએ. ફિલ્મમાં પ્રદૂષિત ચરણામૃતના પ્રતીક દ્વારા સામાજિક પરિસ્થિતિ પણ કેટલી હદે પ્રદૂષિત છે એ દર્શાવાયું છે. 

વિખ્યાત બંગાળી નાટયકાર શંભૂ મિત્રા (જાગતે રહો) એ આ નાટક ઉપરથી એ જ નામે નાટક બંગાળી ભાષામાં બનાવેલું. એ જ રીતે ઈબ્સનના મૂળ નાટકનું વાર્તા- રૂપાંતરણ વિખ્યાત લેખક હેન્રી મિલરે કરેલું જેના ઉપરથી સ્ટીવ મેક્વીનને કેંદ્રીય પાત્ર તરીકે લઈને AN ENEMY OF THE PEOPLE ફિલ્મ ૧૯૭૮ માં બનેલી. 

કોઈકે લખ્યું છે કે  ‘સૌથી શક્તિશાળી એ છે જે સૌથી એકલો છે.ગણશત્રુના નાયક ડો ગુપ્તા ભલે અંતે સાવ એકલા ન હોય, એ આવા સૌથી શક્તિશાળીની વ્યાખ્યામાં આવે જ. 

પોતાના સિદ્ધાંતોમાં મક્કમ અને સ્પષ્ટ આવા લોકો – ભલે સાવ પાતળી લઘુમતિમાં હોય – જ્યાં સુધી છે ત્યાં સુધી આપણા સૌ માટે આશા છે. ‘ જ્યાં સુધી એક પણ વૃક્ષ બાકી છે, આકાશ પડશે નહીં‘ ..

ફિલ્મ અહીં જોઈ શકાય છે

https://youtu.be/Sku45oY_9Jc

શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

5 thoughts on “સત્યજિત રાયની સૃષ્ટિ – ૧૦ : ગણશત્રુ

  1. અમેરિકન ચિંતક અને લેખક શ્રી અપ્ટન સિંકલેરના ‘સેમ્યુઅલ ધ સીકર’ નામે પુસ્તકને આધારે ઝવેરચંદ મેઘાણી દ્વારા રચવામાં આવેલ ‘સત્યની શોધ’માં (પહેલી આવૃત્તિ ૧૯૩૨)માં પણ ‘ગણશત્રુ’ જેવું હૉલની સભાનું, બહુજ અંશે સમાંતરે વહેતું, દૃશ્ય ઝવેરચંદ મેઘાણી એ એ વાર્તાનાં ૨૬મા પ્રકરણ ‘સમહક્ક સમાજ’માં વર્ણવ્યું છે.. વાર્તાનું અન્યથા સ્વરૂપ સ્વાભાવિકપણે અલગ છે, પરંતુ બન્નેમાં નાયકને જનશત્રુ ચિતરવામાં આવેલ છે એટલી સમાનતા જણાય છે.

    લિંક – સત્યની ખોજ – https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82

    લિંક – પ્રકરણ ૨૬ – સમહક્ક સમાજ – https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B6%E0%AB%8B%E0%AA%A7%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82/%E0%AA%B8%E0%AA%AE%E0%AA%B9%E0%AA%95%E0%AB%8D%E0%AA%95_%E0%AA%B8%E0%AA%AE%E0%AA%BE%E0%AA%9C

  2. May be a poor performed/directed film as per critics But what you have said in Article is true for masses.
    ” સત્યજિત રાય એમની સૌથી અપ્રેરણાત્મક અવસ્થામાં પણ અન્યની શ્રેષ્ઠ અવસ્થા કરતાં બહેતર હતા ! “. Ray himself has said , ( also mentioned by you )that , ” I want to focus more on Human face , Human Reaction and Human Character rather than Landscapes or Nature in its mood “. Ganshatru like his other film also carry this ideology. My compliments and Thanks.

Leave a Reply

Your email address will not be published.