લ્યો, આ ચીંધી આંગળી : જથ્થામાં નહીં, માત્રામાં સુખને માપનાર

રજનીકુમાર પંડ્યા

(આ ૧૯૮૪ ના વર્ષની વાત છે. હેતુ જ્યોતિષશાસ્ત્રની તરફેણ કે વિરોધ કરવાનો નથી. હેતુ કેવળ એક ગરીબ બ્રાહમણની કઠણાઇ અને એને હળવી કરવા માટે એક લેખ દ્વારા મેં કરેલા એક પ્રયત્નનું બયાન આપવાનો છે.

રજનીકુમાર પંડ્યા)


એક્યાસી વરસના થયા વિનુબાપા. એમની પ્રાતઃચર્યાનો કેટલોક ભાગ : સવારે ચાર વાગે ઊઠવું. દૈનિક ક્રિયાઓ પતાવીને પછી તરત જ રસોઈ કરવી. આ બધામાં ત્રણેક કલાક જાય. પછી કોઈએ બોલાવ્યા હોય તો જજમાનવૃત્તિ કરવા જવું. એ સિવાય ક્યાંય જવું નહીં.

પત્ની કેમ રસોઈ ન કરી આપે ? હા, કરવા બેસાડે તો ના ન પાડે, પણ મગજશક્તિ એવી કે દાળમાં મૂઠો ભરીને મીઠું ધબેડી દે. ન સમજાય તેવો આત્મસંવાદ કરતાં કરતાં બિચારી શાક તો ખાંતે કરીને વઘારી દે; પણ ભાણામાં પીરસાય ત્યારે એ કોલસો હોય. ભલી ભાંતે રોટલી પણ વણી દે; પણ બળીબળીને ઠીકરું થઈ જાય ત્યાં સુધી ચોડવે. એના કરતાં એ ભલે ઘરને ખૂણે એકલી એકલી બબડતી બેઠી રહે ને પોતે જાતે જ બાઢા પકવી લે એમાં ઝાઝા રોશીમનડા તો નહીં ! ગાંડા માણસનો ધોખો શો ?

પુત્ર ગોવિંદ નહીં નહીં તોય ચોપન વરસનો થયો. એ મદદ ન કરે ? ના, જેને પોતાને ખવડાવવામાં પણ આપણે મદદ કરવી પડે છે, એ જો રાંધવા બેસે તો ચક્કર ખાઈને સળગતા ચૂલા માથે પડે. જન્મનો રોગી. પારાથાઈરોઈડ પેરેલાઈસીસે એને જીવતો મારી નાખ્યો કે મારી રાખ્યો છે. દરિયાનાં પાણી ખડક સાથે અથડાઈને એને માત્ર પલાળીને જ પાછાં વળી જાય તેમ જીવનનો નૈસર્ગિક ઉછાળો એના બધિર શરીરને થોડું પલાળીને જ પાછો અંદર ને અંદર શમી ગયો. જેમ કે અવાજનો ઘાંટો ફૂટ્યો, પણ વાચા ન ફૂટી. ચહેરા પર દાઢી-મૂછ તો ફૂટ્યાં પણ કોળીયો ચાવી શકાય એટલું પણ મોં હલાવવાની તેવડ ન આવી; એટલે બાપાએ એને રોટલી ખવડાવવી હોય તો દાળમાં ચોળીને ખવડાવવી પડે. બાંય વગરનું ખમીસ પહેરાવવું પડે, નહીંતર એક તરફ ડોકી ઢળેલી રહે, લાળ ઝર્યા કરે, ભીનું ભીનું થઈ જાય અને બિચારા ‘પશુ’ને શરદી થઈ જાય. અમુક પ્રકારની સગવડ હોય એવાં કપડાં પહેરાવવાં પડે, નહીંતર સવાર સાંજ જાજરૂની તીવ્ર ગંધ ઓરડીમાં પ્રસરી રહે.

વિનુબાપા વણબોલાવ્યે બીજે ક્યાંય ન જાય; પણ ત્રણ-ચાર દિવસે એકવાર રાજકોટમાં ગોંડલ રોડ ઉપરના માલવિયાનગરના સાડત્રીસ નંબરના બંગલામાં ગિજુભાઈ મૂળશંકર આચાર્ય પાસે જરૂર જાય. કંઈ માગવા કરવા નહીં, ખાલી મળવા.

ત્યારે વાત થાય : ‘વિનુબાપા, કેમ છો ?’

‘આચાર્યસાહેબ, બહુ સુખી છું… મઝામાં છું.’

ગિજુભાઈ આચાર્ય ઊંચા સરકારી હોદ્દા પર, પણ એ વિષે કંઈ વાત ન થાય. વાત બંનેના રસના સમાન વિષય ઉપર, વેદાંતો પર, ઉપનિષદો પર. આધ્યાત્મિક મનન-ચિંતનની વાતો થાય. કૃષ્ણ પાસે સુદામા બેઠા બેઠા ગોષ્ઠિ કરતા હોય એવું લાગે. વાતવાતમાં સુદામા એક વાર તો અચૂક બોલે : ‘બહુ સુખી છું – મઝા છે.’

‘તમે આને સુખ કહો છો ?’ ગિજુભાઈ એકવાર અકળાઈ ગયા.

‘સુખ કોને કહેવાય ?’ વિનુબાપા દ્વારા પ્રતિપ્રશ્ન.

એકબીજાથી આગળ નીકળી જવા માટે પડાપડી કરતા હોય એમ ચાર-છ જવાબો ગિજુભાઈના મનમાં ધસી આવે. બીજી ક્ષણે અંદર જે એક નિર્વિકાર બીજું ચિત્ત પડ્યું છે એમાંથી ઘોષ ઊઠે કે એ બધા ખોટ્ટા છે. વિનુબાપા એક ગાંડી પત્ની અને અણવિકસિત મગજવાળા, પક્ષાઘાતી છોકરાની છેક આ ઉંમરે કરવી પડતી ચાકરીમાં પણ સુખી છે, કારણ કે એ એવા મનોપ્રદેશમાં સ્થિત છે જ્યાં કોઈ વ્યાખ્યા વગરનું સુખ વ્યાપી રહ્યું છે. બિનશરતી.

આવું હંમેશા નહોતું. જ્યારે દુઃખની વ્યાખ્યા હતી કે ગોવિંદ પછીના ત્રણ પુત્રો એક પછી એક પોતપોતાનો  માળો બાંધીને જતા રહ્યા. એક છોકરો પરણ્યો જ નહીં. ને એ જરા નબળા મગજનો પણ ખરો. બીજા બે પાંખો આવતાં ઊડી ગયા ને કોઈ ક્યાં, કોઈ ક્યાં. બધું ઠીક છે. તાપણાં પાસે સૌ બેસે. ટાઢ ઊડ્યા પછી એ જ તાપણું ભઠ્ઠી લાગે. સૌ આઘાપાછા થઈ જાય.

‘મારી અને મારા પરિવારના સૌની જન્મકુંડળી જુઓ છો. બધું રતીએ રતી સાચું પડે છે, પણ તમારું ખુદનું જ કોઈ દિવસ જુઓ છો કે નહીં ?’ એમ એકવાર ગિજુભાઈએ પૂછી લીધું. આમ એ વખતે પૂછ્યું કે જ્યારે ઘરમાં હાંડલામાં ફક્ત હવા હતી. લોટ માગવાની વારી આવી ગઈ હતી. ખબર પડી ત્યારે ગિજુભાઈ જીપમાં એક મહિનાનું તમામ રેશન, ઘાસલેટ, મીઠું, મરચું લઈને આવ્યા. ખૂણામાં ઢગલો કરાવ્યો અને આમ પૂછ્યું, ‘તમારું પોતાનું જોશ કોઈ દિવસ જુઓ છો કે નહીં ?’

‘મારી અને લાખોપતિ જ્યોતિષશાસ્ત્રી બી.વી. રામનની જન્મકુંડળી સાવ એક છે. અમારી જન્મતારીખ, સાલ, સમય, અક્ષાંશ, રેખાંશ બધું એક જ. જુઓ ને કેટલું બધું મળતું આવે છે ?’ વિનુબાપા બોલ્યા.

‘શું ધૂળ મળતું આવે છે ?’ ગિજુભાઈ આકળા થઈને બોલ્યા : ‘પેલો મદ્રાસમાં સુખમાં આળોટે છે. એસ્ટ્રોલૉજીકલ મૅગેઝીન ચલાવીને ટંકશાળ પાડે છે ને તમે…’

‘જુઓ…’ જવાબ : ‘એના મકાનનું નામ રાજેશ્વરી, મારા મકાનનું નામ રાજેશ્વરી. એ પણ જ્યોતિષ દ્વારા કમાય. હું પણ જ્યોતિષમાં જ પ્રાપ્તિ કરું છું. આમ છતાં મને પણ એક વાર તમારા જેવો જ સવાલ મનમાં જાગેલો ને રામનને ખુદને જ પુછાવેલું કે ‘આપણી એક જ કુંડળી હોવા છતાં અલ્યા ભાઈ, આમ કેમ ?’

‘પછી? શો જવાબ મળ્યો ?’

‘પહેલાં જવાબ ન આપ્યો. બીજી વાર પુછાવ્યું તો જવાબ લખ્યો કે આપણી કુંડળીમાં નાડીજ્યોતિષ પ્રમાણે થોડો ફેરફાર છે. એનો આ જવાબ સાચો કે ખોટો એ તો હું કંઈ કહેતો નથી. કારણ કે એણે જવાબ આપતાં વાર લગાડી એ દરમિયાન મને પોતાને જ અંદરથી જવાબ ઊગી ગયેલો. ને તે એ કે બધું કર્મના સિદ્ધાંતને આધીન છે. કોણ ક્યાં કેટલું લઈને જન્મે છે, ક્યાં જન્મે છે, કેટલું પામશે, કેટલું ખોશે એ બધું પૂર્વજન્મના સંચિત પર આધારિત છે. જ્યોતિષશાસ્ત્રમાં રૂપિયા, પૈસા, મકાન – મિલકતના કોઈ માપ નથી. એમાં જથ્થો નથી લખ્યો હોતો. કેવળ માત્રા લખી હોય છે.’

‘એટલે?’

‘એટલે એમ કે મારા પ્રારબ્ધમાં આજે પ્રસન્નતા સુખ-પ્રાપ્તિ લખ્યા હશે, તો એના પ્રારબ્ધમાં પણ આજે એ જ હશે; પણ મને પાંચ રૂપિયા મળવાથી જે સુખ થતું હશે ને એને એટલી જ માત્રાનું સુખ પાંચ હજાર મળવાથી થતું હશે. ટાટા – બિરલાને પાંચ લાખ મળ્યે થાય. રૂપિયાપૈસાના જથ્થામાં ફેરફાર હશે; પણ મનને થતા હરખના જથ્થામાં કોઈ ફેરફાર નહીં હોય.’

ગિજુભાઈ નિરુત્તર થઈ ગયા. આપણે બી.વી. રામનની અંગત જિંદગી ક્યાં જોવા ગયા છીએ ? રૂપિયા-પૈસાના આધારે જ માનવું કે એ વિનુબાપા કરતાં વધારે સુખી છે ?

આ વાત ચાલતી હતી ત્યાં સામેની ઓરડીમાં પડ્યા રહેતા ગોવિંદે કંઈક અસ્પષ્ટ ધ્વનિ કર્યો એટલે વિનુબાપા એ તરફ ઉતાવળી ચાલે ગયા. એમનાં પત્ની ભીંતને અઢેલીને હવા સાથે વાતો કરતાં બેઠાં હતાં. આ રાજેશ્વરી જેવું ઊંચું નામ ધરાવતો ઝૂંપડા જેવો આવાસ ! ને એમાં આવું આરપાર દર્શન ધરાવતો દૃષ્ટા ક્યાં પડ્યો છે ? આ પારંગત જ્યોતિષી ધારે તો સમૃદ્ધ થઈ શકે; પણ જ્યોતિષ આવડ્યું છતાં જ્યોતિષનો ધંધો આવડ્યો નહીં. નહીં તો ત્રણ પેઢીથી ચાલ્યો આવતો આ શાસ્ત્રનો વારસો હતો. જેતપુરમાં દલપતરામ જોશી એકસો દસ વરસની ઉંમરે ગુજરી ગયા હતા. એ પ્રખર જ્યોતિષી. મોટાભાઈ મગનભાઈ જોશી પ્રસિદ્ધ પંચાગકર્તા અને સિદ્ધ જ્યોતિષી. આ બધો વારસો અને વધારામાં થોડું બહારથી પણ શીખ્યા. અયોધ્યા પાસે હરદોઈ ગામે જરઝવેરાતનો વેપારી એવો એક શોખવાળો બિનધંધાર્થી જ્યોતિષશાસ્ત્રી હતો. માત્ર નામ જ સાંભળેલું. સરનામું મેળવીને કશો પણ પરિચય આપ્યા વગર, જાતકના કશા પણ વર્ણન વગર પુત્ર ગોવિંદની કુંડળી એને જોવા મોકલી હતી. જવાબમાં એણે ફક્ત ચાર જ લીટીમાં લખેલું : ‘ઈસ ગૂંગે કે ગ્રહો સે યહ વિદિત હોતા હૈ કે યહ પૂર્વજન્મ કા સાધુ હૈ, જિસ કો સ્ત્રી-ધન-સંતાન કોઈ યોગ નહીં હૈ. આયુષ્ય કિતના વરસ હૈ, મેં જાનતા હૂં પર નહીં બતાઉંગા. ઈસ કા યે અંતિમ જન્મ મોક્ષ કે લિયે હૈ – ઈસ કી સેવા કરના…’

આયુષ્યના મામલામાં સૌને ‘મૈં નહીં બતાઉંગા’ કહેનાર એ જ્યોતિષી પાછળથી પોતે અકાળે ગુજરી ગયો; પણ એ પહેલાં વિનુબાપા એની સાથે પત્રવ્યવહારથી થોડું એવું શીખ્યા જે ગુપ્ત હતું. જ્યોતિષશાસ્ત્રના પ્રાચીન-અર્વાચીન બસો બાવીસ ગ્રંથોમાં પણ અપ્રકટ હોય તેવું.

પણ આમ છતાં ધંધો ન આવડ્યો. માગતાં ન આવડ્યું. ગિજુભાઈ જેવા સમભાવી સહૃદય પચ્ચીસ-પચ્ચાસ કદીક આપે તો પૂરા રાખી લેતાં ન આવડ્યું. પાંચ-દસ રાખે અને બીજાં એમ કહી પાછા વાળે કે આજે જરૂર નથી.

ધંધો ન આવડ્યો જ્યોતિષનો, કારણ કે જરૂર લાગે ત્યારે જ્યોતિષશાસ્ત્રને ડગલાની જેમ કાઢીને અળગું ખીંટીએ ટીંગાડી દેવાની કુટેવ થઈ. જ્યોતિષશાસ્ત્ર એ કંઈ કોઈને દુઃખ પહોંચાડવાનું સાધન નથી એમ સમજનારા. એટલે કે ક્યારેક સહદેવની જેમ મૂંગા થઈ જાય. ક્યારેક યુધિષ્ઠીરની જેમ ‘નરો વા કુંજરો વા’, તો ક્યારેક જુઠ્ઠાડા જ્યોતિષીની જેમ ‘જજમાન, સૌ સારાં વાનાં છે’ એમ કહીને સામાને રાજી કરવાની કરુણા પણ પ્રગટી જાય. જેમ કે,  પુત્રની ઉમેદવાળું કોઈ દંપતી આવ્યું- કુંડળીમાં નકરી દીકરીઓ જ દેખાય. જો સાચું કહે તો સાચું કહી દીધાનો તોર સંતોષાય; પણ બેચાર મહિના સામાનો જીવ બળ્યા કરે એનું શું ? અંતે કહે કે ‘દીકરો આવશે’ ત્યારે એમ બોલતાં બોલતાં જ્યોતિષનો ડગલો ઊતરી ગયો હોય અને શુભેચ્છક સ્વજન આવીને બેસી ગયો હોય. બેચાર મહિને દીકરી આવે ત્યારે દંપતી વિનુબાપાને બદનામ કરે કે બાપાએ અમને ખોટું જોઈ આપ્યું હતું. બાપાને કંઈ કરતાં કંઈ જ નથી આવડતું. બાપા આ સાંભળીને રાજી થાય… આ રાજીપો લેવા જતાં ધંધો ખોવો પડે એનું કંઈ નહીં. બોલે : ‘ભાઈ, જ્યોતિષ એ કંઈ વિજ્ઞાન થોડું છે ? એ તો શાસ્ત્ર છે – શાસ્ત્રમાં શાસ્ત્રાર્થ હોય – મતભેદ હોય, અર્થઘટનનાં અંતર હોય. જોનાર પણ મનુષ્ય છે. એને પોતાના પૂર્વગ્રહો- પક્ષપાતો, ગમા-અણગમા, દ્વેષ-ઈર્ષા, શુભેચ્છા, એ બધું ય એ જે અર્થઘટનો કરે તેમાં પડઘાય; એટલે નર્યો નિર્લેપ, માત્ર સ્થિતપ્રજ્ઞ ઋષિ જ સાચો જ્યોતિષી થઈ શકે. મારા જેવા સંસારીનું એમાં કામ નહીં. હું તો ખોટોય પડું.’

‘હું તો ખોટો ય પડું.’ એમ બોલનાર પાસે જાય કોણ? જાય કોઈક ખરા ઈંતેજાર, જે ખખડીને પૂછે : ’બાપા,જેવું હોય તેવું કહો.’ એ વખતે વિનુબાપા એની નજર માપે. ઠીક લાગે તો ઊંડા ઊતરી જાય. જ્યોતિષશાસ્ત્રની પણ પેલે પાર ચાલ્યા જાય. જ્યાં માત્ર આંતરસ્ફુરણાની સરવાણી વહેતી હોય. ત્યાંથી કંઈક લઈ આવે અને ધરે, જે મીનમેખ વગરનું હોય. પછી કહે, ‘આ તો અટકળશાસ્ત્ર છે. હું અટકળ કરીને કહું છું.’ પ્રેરણા આવી એમ કહે તો સામું માણસ પ્રેરણાની પાછળ પડી જાય. ને જાંબુડાનું ઝાડ જો ખોદાઈ જાય તો જાંબુડા ક્યાંથી બેસે ? એટલે અટકળ અટકળ કરવું પડે. ભલે અટકળની પાછળ પડો. એ સાપનાં બચ્ચાં જેવી છે –એક અટકળ બીજીને ખાઈ જાય. કશું હાથમાં ન આવે. અટકળ પુચ્છવિહીન સળવળતો સાપ છે.

એક વાર ગિજુભાઈએ વાતનાં પડ ખોલીને એમને નિયતિ વિષે પૂછ્યું, કારણ કે એમના પરિવાર વિષે, અન્યના પરિવાર વિષે ભાખેલી તમામ ભવિષ્યવાણીઓ સાચી પડી હતી. સાચું પડ્યું એટલે એ તો નિયતિ હતી. મેં તો માત્ર વાંચી સંભળાવી, એમ બાપા બોલ્યા. ગુજુભાઈએ તરત જ એને પકડ્યા, ‘નિયતિ એટલે શું? એ કોણ વાંચી શકે ?’

વિનુબાપા ભોળું હસ્યા. હુકમનું પાનું પોતાના હાથમાં છે એવી કોઈ સતર્કતા મોં પર પ્રસરી નહીં. બોલ્યા : ‘હું વાંચી શકતો નથી. મારા કાનમાં કોઈ ગણગણે છે. બાકી તમને ખબર છે?  કાશીમાં નંદિનાડી સંહિતા છે. એક વાર કનૈયાલાલ મુનશી પોતાની કુંડળી બતાવવા ગયા – બિલકુલ અશ્રદ્ધાથી. તો એમાં એમના વિષે શ્લોક નીકળ્યો:

ગ્રહષુ વસુ શશાંકે
યાતિ શાકેચ પૂર્ણે
દિનકૃતિ ગજ ચાપે પૂર્ણીમાયા તિથૌચ
ભૃગુસુત દિવસે વૈ, મીનલગ્ને પ્રજાતે
બહુધન બહુભોગી ન્યાયદર્શી સમર્થ:

મુનશીજી પ્રભાવિત થયા. એમણે જઈને ગાંધીજીને વાત કરી તો એમણે કહ્યું કે આવું તો બ્રાહ્મણોએ તમને છેતરવા માટે તમને જાણ્યા પછી પાછળથી લખેલું હોય છે. એ છળ કહેવાય. એમાં ના પડશો. ‘સારું’ કહીને પછી મુનશીજીએ વલ્લભભાઈ પટેલને એકવાર ગાંધીજીની કુંડળી લઈને એ પંડિત પાસે મોકલ્યા. વલ્લભભાઈએ એ ડોસાને પોતાની ઓળખ તો આપી; પણ કુંડળી ગાંધીજીની છે એમ ખુલ્લું ન કર્યું. ડોસાએ કુંડળી જોઈને નંદિનાડી સંહિતામાંથી શ્લોક કાઢ્યો :

જાત કષ્ટે, જાતકષ્ટમ
જાત સુખેચ, સુખ ભાગમ
વ્યોદશે, વત્સરે પ્રાપ્તે
ઉધ્વાહં ચ ભવિષ્યતિ.

આમાં ગાંધીજીના લગ્ન અને જીવનસાથી વિષે સ્પષ્ટ વાચન છે. મહાદેવભાઈની ડાયરીના ચોથા ભાગમાં બારમા પાને આ પ્રસંગનો ઉલ્લેખ છે.

વિનુબાપા આ વાત કહીને બોલ્યા : ‘આનું નામ નિયતિ છે; પણ એ જેમના થકી કાગળ પર ઉતારવામાં આવે છે એ પણ મનુષ્ય જ છે, એથી ક્યાંક કશુંક મળતું ના આવે એવું બને; પણ એમાં ભૂલા પડનારા મુસાફરનો વાંક હોય છે, નકશાનો નહીં.’

વિનુબાપા એટલે કે વિનોદરાય દલપતરામ જોશી રાજેશ્વરી, 9, ગોપાલનગર, સ્વામી ગુરુકુળ પાસે, રાજકોટ – 360 003ના પોતાના આવાસે ખૂબ ‘સુખી’ છે. પાગલ પત્ની, પુત્ર છે – એક અપરિણીત અને બે પરિણીત. એમનાથી અળગા રહેતા પુત્રો એ એમની નિયતિ છે, જે પલટાવી શકતી નથી એવી એમને પૂરી પ્રતીતિ છે.

હમણાં એમને સારણગાંઠ થયેલી અને આ ઉંમરે કાન પાસે નાનકડી કૅન્સરની ગાંઠ પણ. કિરણો લેવાથી જો કે મટી ગઈ. વિનુબાપા બોલ્યા : ’આ બધા જાસા છે જાસા, ઉપરવાળાના.’

છતાં જાણે છે કે જિંદગી હશે ત્યાં સુધી દરરોજ, એકયાસી વરસની ઊંમરે પણ ચાર વાગે સવારે ઊઠવાનું છે. ભેંકાર ઘરમાં બે સાવ પાગલ જીવોની સેવા કરવાની છે – આમ છતાં ક્યાંયથી કશું માગવાનું નથી. હાથપગ હલાવવાના છે અલબત્ત, પણ માગવાનું તો નથી ને નથી જ.

-કારણ કે ક્યાંકથી આવી જવાનું છે. જરૂર હોય એટલું. તે તેટલું જ જોઈએ, એની પણ પ્રતીતિ છે.


નોંધ: આ લેખ લખાયાને છત્રીસ વર્ષ થયા. આ લેખકને વિનુબાપાની કોઇ ભાળ નથી. એટલું યાદ છે કે આ લેખ ૧૯૮૪ની આસપાસ લેખકની ‘સંદેશ’ની કટાર ‘ઝબકાર’ માં પ્રકાશિત થયા પછી વિનુબાપાનું દારિદ્ર્ય બે-ત્રણ વર્ષ સુધી ફીટી ગયું હતું, કારણ કે જોશ જોવડાવનારાઓની તેમને ત્યાં લાંબી કતારો લાગતી હતી.


(તસવીરો પ્રતીકાત્મક છે અને નેટ પરથી લીધી છે.)


લેખકસંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

3 thoughts on “લ્યો, આ ચીંધી આંગળી : જથ્થામાં નહીં, માત્રામાં સુખને માપનાર

  1. માનવતાથી ભરપુર હ્રદય સ્પર્શી લેખ વાંચી ગયો, થોડી ક્ષણો પંછી ફરીથી વાંચ્યો. આભાર

  2. અટકળ પુચ્છ્વ વિહિન સાપ છે એક બીજીને ખાઈ જાય ,અદ્ભૂત ,હૃદય્સ્પર્શી નિતાંત

Leave a Reply

Your email address will not be published.