મંજૂષા – ૪૧. અસીમનો તાગ મેળવવાની તૈયારી

વીનેશ અંતાણી

નાનપણમાં પહેલી વાર અમારા ગામથી થોડે દૂર આવેલા કચ્છના ધીણોધર ડુંગર ઉપર ચઢ્યા ત્યારે અકલ્પ્ય થડકાર થયેલો. સાઇકલ શીખવા માટે પહેલી વાર ભાડે લીધેલી સાઇકલ પર સવારી કરી ત્યારે પણ અપૂર્વ રોમાંચ થયેલો. પહેલું સ્કૂટર ઘરમાં લાવ્યા અને તેને પહેલી વાર કીક મારીને સ્ટાર્ટ કર્યું ત્યારે દુનિયા આખીનું અંતર ભૂંસાઈ ગયું હતું. આ અને આવાં બધાં કામો માત્ર પહેલી વાર કર્યાં તે કારણે જ નહીં, હું મારી વય પ્રમાણે નિયત થઈ ગયેલા જીવનવર્તુળની સલામતીમાંથી બહાર નીકળી જુદા પ્રકારના અનુભવજગતમાં પગ મૂકી રહ્યો છું તે વાતનો થડકાર અને આનંદ તેમાં ભળ્યાં હતાં.

આપણા બધાંના સલામત વિસ્તારો હોય છે અને તે વિસ્તારમાં આપણે પોતાને સૌથી વધારે સુરક્ષિત માનીએ છીએ. પહેલાં માતાનો ખોળો, પછી ઘોડિયું, ઘરનો ઉંબર, આંગણું, શેરી, ગામના જાણીતા રસ્તા – અને પછી દુનિયાભરની સાવ અજાણી ગલીઓ. આપણે ધીરેધીરે આપણો સલામત વિસ્તાર વિકસાવવાનો હોય છે, તેમાં આગળ વધવાની કોશિશ કરવાની હોય છે. દરેક નવા વિસ્તારમાં પાડેલું પહેલું પગલું આપણું સૌથી મોટું સાહસ હોય છે. પછી એની આદત પડતી જાય છે અને માનવમન નવા નવા વિસ્તારોમાં ઝંપલાવવાની ઇચ્છા કરતું રહે છે. જે દિવસે એ ઇચ્છા મરી પરવારે છે, આપણો વ્યક્તિ તરીકેનો વિકાસ અટકી જાય છે, રોમાંચનું સ્થાન ભય અને અસુરક્ષિતતાની ભાવના લે છે, આત્મવિશ્ર્વાસ ડગુમગુ થવા લાગે છે.

      વાસ્તવમાં આત્મવિશ્ર્વાસની કમી જ વ્યક્તિને પોતાના સલામત વિસ્તારમાં રહેવાની ફરજ પાડે છે. એવી વ્યક્તિ પોતાની મર્યાદિત શક્તિઓના આધારે જ સમગ્ર જીવન જીવે છે. એનામાં એની નિયત સીમારેખાની બહાર કશુંય નવું કે જુદી રીતે કરવાની હિંમત હોતી નથી. એ પોતાના મન-મગજને એવા સીમિત વિસ્તારમાં બાંધી લે છે કે તેમાંથી બહાર નીકળવાની એને જરૂર જ લાગતી નથી. એ પોતાના કોચલામાં જ સુખી છે તેવો ભ્રમ સેવે છે. એવા લોકો માટે કૂવાના દેડકાની જેમ કૂવો જ એમનું વિશ્ર્વ બની જાય છે અને તે સિવાયની દુનિયાનો એ નકાર કરતા રહે છે. આવા લોકોનાં કોઈ સપનાં હોતાં નથી. સપનું જ ન હોય તો એને સાકાર કરવાના પ્રયત્નો કરવાનો પ્રશ્ર્ન પણ રહેતો નથી.

      માનસશાસ્ત્રીઓ કહે છે તેમ સલામત વિસ્તારમાંથી બહાર નીકળવાની ઇચ્છા ન ધરાવતા લોકો નવા પ્રકારની ચિંતા અને જુદી જુદી પરિસ્થિતિઓના તનાવનો સામનો કરવા તૈયાર હોતા નથી. એથી એમને કોઈ કાર્ય સંપૂર્ણ કરવા માટે વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની કે પોતાની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવાની જરૂર રહેતી નથી. એવી વ્યક્તિ પોતાની મર્યાદાઓ તરફ ધ્યાન આપવાનું બંધ કરી નાખે છે. જે મળ્યું છે તેનો જ સંતોષ માણી લેતા હોવાથી એમનામાં મહત્વાકાંક્ષા જેવી કોઈ વાત જ રહેતી નથી. એક સમયે કેટલાંય માતાપિતા એમનાં સંતાનોને વધુમાં વધુ એમના જ ગામમાં આવેલી કોઈ સરકારી કચેરીમાં નોકરી મળી જાય એટલું જ ઇચ્છતાં કારણ કે એમને સરકારી નોકરી અને પોતાનું ગામ સૌથી વધારે સલામત લાગતાં હતાં. આવા સંકુચિત વલણને કારણે  કેટલાય લોકોને રોમાંચક જિંદગી જીવવાનો આનંદ મળ્યો નહીં હોય. જો કે હવે સમય બદલાયો છે. આજની પેઢી પડકારોનો સામનો કરતાં ડરતી નથી. એમના માટે દુનિયા બહુ નાની બની ગઈ છે. તેઓ જે કરવા માગે છે તે માટે મોટાં મોટાં જોખમો ખેડવા તૈયાર રહે છે. કહી શકાય કે આજની પેઢીમાં સલામતીનો પર્યાય પડકાર બની ગયો છે. અસલામત વિસ્તારમાં અનુભવી શકાતા રોમાંચને યુવાપેઢી જાણે છે.

      રોબિન શર્માએ ‘ધ મોન્ક હુ સોલ્ડ હિઝ ફરારી’ નામનું પુસ્તક લખ્યું. એમાં એક ખૂબ સફળ વકીલ  એકાએક પોતાની સફળતા, ધનદોલતથી કંટાળી જાય છે અને અત્યાર સુધી એનું જે વિશ્ર્વ હતું એને છોડીને એ પોતાના સલામત વિસ્તારમાંથી બહાર નીકળી જાય છે, ભારતમાં આવે છે અને જીવનનો સાચો અર્થ શોધવાનો પ્રયત્ન કરે છે. એ માણસનું તારણ છે કે અર્થપૂર્ણ જીવનની શોધ જીવનનું સાચું ધ્યેય હોવું જોઈએ. એણે એના સલામત વિસ્તારને અસીમ કરી નાખ્યો. કહે છે: “ક્યારેય અસીમિત ઉલ્લાસનું મહત્ત્વ ભૂલો નહીં, આપણી આજુબાજુ આવેલી જીવંત પ્રકૃતિનો અવર્ણનીય આનંદ માણવાનું ચૂકો નહીં. આજના દિવસ જેવી અમૂલ્ય ભેટ બીજી કોઈ નથી. તમે તમારા જીવનના સાચા ધ્યેય પર બધું ધ્યાન કેન્દ્રિત કરો, બાકીનું બધું આપોઆપ બનતું રહેશે.”

એક વાર માની લીધેલા સલામત વિસ્તારમાંથી બહાર નીકળવાની હિંમત કરીને કશુંક જુદું, કશુંક અત્યાર સુધી કર્યું ન હોય તેવું, કરવાની તૈયારી હોય પછી દરેક નવા વિસ્તાર, દરેક પડકાર, દરેક  પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ આપોઆપ મળતો રહે છે. અસીમને આંબવાની તૈયારી હોય તો જ અસીમનો તાગ મેળવી શકાય. જરૂર હોય છે ઉંબરની બહાર પહેલું ડગ માંડવાની, પછી તો આખી દુનિયા પરાજિત થવા તૈયાર જ હોય છે.


શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.