ફિલ્મસંગીતના નકશીકારો : (૧૦) કેરસી લોર્ડ

પીયૂષ મ. પંડ્યા

આપણે ગઈ કડીમાં જોઈ ગયા કે લગભગ છ દાયકા સુધી હિન્દી ફિલ્મી સંગીતમાં લોર્ડ કુટુંબનો દબદબો રહ્યો છે. કાવસ લોર્ડ અને એમના પુત્રો કેરસી લોર્ડ તેમ જ બરજોર લોર્ડ – આ ત્રણ મહારથીઓએ દસહજાર કરતાં પણ વધુ ફિલ્મી ગીતોમાં કોઈ ને કોઈ રીતે પોતાનું પ્રદાન કર્યું છે. એમાં પણ કેરસી લોર્ડે તો વાદક, સહાયક સંગીતકાર અને એરેન્જર, એમ ગીતની સ્વરબાંધણીથી લઈને એના રેકોર્ડીંગ સુધીનાં પાસાંઓ ઉપર કામ કાર્યું છે. વળી ૧૯૭૦ પછી ફિલ્મી સંગીતમાં આવેલા બદલાવમાં પણ એમનો મોટો ફાળો રહેલો છે.

સને ૧૯૩૫ના ફેબ્રુઆરી મહિનાની ૧૪મી તારીખે બાનુબાઈ અને કાવસજી લોર્ડના સંસારમાં અવતરેલા કેરસી માટે કહી શકાય કે સંગીતના મૂળ પાઠો તો એણે માતાના પેટમાં રહ્યેરહ્યે આત્મસાત કરી લીધા હશે. પિતા અતિશય ઊંચા દરજ્જાના જાણકાર અને અત્યંત સફળ વ્યવસાયીક સંગીતકાર હતા. ઘરમાં પણ વિવિધ વાદ્યો વસાવેલાં હતાં. ઘરે હોય ત્યારે કાવસજી એ વાદ્યો ઉપર કોઈ ને કોઈ પ્રયોગો કરતા રહેતા. એ જ વાતાવરણમાં મોટા થઈ રહેલા કેરસીને સંગીતના કોઈ વ્યવસ્થિત શિક્ષણ સિવાય પણ વાદનની – ખાસ કરીને તાલવાદ્યો (Rhythm Instruments)ના વાદનની – બારીકિઓ સમજાવા લાગી હતી. નાનો હતો ત્યારથી જ પિતા એને કોઈકોઈ વાર ગીતોના રેકોર્ડીંગમાં સાથે લઈ જતા. ત્યાં ‘કાવસકાકા કા લડકા ભી અચ્છા બજાતા હૈ’ જેવાં વાક્યો ઉચ્ચારાતાં રહેતાં હતાં. કેરસીની ઉમર માંડ પંદર વર્ષની હશે એવે સમયે નૌશાદ ફિલ્મ ‘જાદૂ’(૧૯૫૧) માટે ગીતો રેકોર્ડ કરી રહ્યા હતા. એક ગીતના રીહર્સલ માટે કાવસજીની સાથે ગયેલા કેરસીને નૌશાદે કાસ્ટનેટ્સ/Castanets વગાડવાની તક આપી. નાની વયથી જ અત્યંત પ્રતિભાશાળી અને મહત્વાકાંક્ષી કેરસીએ બોન્ગો, કોન્ગો અને ડ્રમસેટ જેવાં પરંપરાગત રીતે ઉપયોગે લેવાતાં પશ્ચીમી તાલવાદ્યો ઉપરાંત અન્ય પ્રકારો ઉપર પણ ખાસ્સું પ્રભુત્વ મેળવી લીધું હતું. એ પૈકીનું એક હતું કાસ્ટનેટ્સ નામે જાણીતું સ્પેનીશ તાલવાદ્ય. એ હકિકતે સાઈડ રીધમ માટેનું નાનકડું વાદ્ય છે, જેની સરખામણી કંઈક અંશે આપણે ત્યાં ઉપયોગે લેવાતી કરતાલ સાથે કરી શકાય.

અહીં જોઈ શકાય છે તેમ આ કાસ્ટનેટ્સની રચનામાં એકસમાન આકારના અને કદના લાકડાના ટૂકડાઓની જોડીને ઉપરના ભાગે દોરી વડે બાંધેલી હોય છે. હાથની આંગળીઓ ઉપર એ દોરી યોગ્ય રીતે પહેરી, તાલબધ્ધ રીતે એને વગાડવાનું હોય છે. આ વાદ્યના ઉપયોગની શરૂઆત કાવસજીના સૂચનથી નૌશાદે ‘લો પ્યાર કી હો ગયી જીત.’ ગીત માટે કરી હતી. એમાં કાવસજીએ બોન્ગો અને કિશોરવયના કેરસીએ કાસ્ટનેટ્સ ઉપર સંગત કરી હતી. એ પછી અનેક ગીતોમાં અન્ય સંગીતકારોએ પણ કેરસી પાસે આ તાલવાદ્યનો ઉપયોગ કરાવ્યો. ઉક્ત ગીત સાંભળતાં જ બન્ને તાલવાદ્યોનો અવાજ સ્પષ્ટ ઉઠી આવે છે.

નૌશાદ કેરસીથી એટલા પ્રભાવિત થઈ ગયા કે એને અવારનવાર પોતાના વાદ્યવૃંદમાં વગાડવા માટે બોલાવવા લાગ્યા. પછી તો એને અન્ય તાલવાદ્યો વગાડવાની તક પણ આપવા લાગ્યા. માધ્યમિક ધોરણમાં ભણતા આ કિશોરને રેકોર્ડીંગ પૂરું થયા પછી પોતાની કારમાં નીશાળે મોકલવાની જવાબદારી પણ નૌશાદ નિભાવતા હતા.

આમ, નાની વયથી જ કેરસી રેકોર્ડીંગ રૂમના નિયમીત સભ્ય બની ગયા. યુવાવસ્થાએ પહોંચતાં સુધીમાં એમણે એકોર્ડીયન અને ઓર્ગન ઉપર સારો એવો કાબુ મેળવી લીધો. એ વાદ્યો એટલી કુશળતાથી વગાડવા લાગ્યા કે એમની ઓળખાણ માત્ર રીધમ આર્ટીસ્ટની ન રહેતાં એક હરફનમૌલા વાદકની બનતી ગઈ. સાથે સાથે જ એમની આગવી સૂઝ તેમ જ હથોટી પારખી ચૂકેલા સંગીતકારો રેકોર્ડીંગ માટે પોતાના વાદ્યવૃંદની એરેન્જમેન્ટની જવાબદારી પણ કેરસીને સોંપવા લાગ્યા. શંકર-જયકિશને ફિલ્મ ‘ચોરી ચોરી’ (૧૯૫૬)ના અને ફિલ્મ ‘કઠપૂતલી’ (૧૯૫૭)ના ગીતો માટેની એરેન્જમેન્ટ કેરસીને સોંપી. એ બન્ને ફિલ્મોનું એક એક ગીત માણીએ.

આપણે વાત કરી રહ્યા છીએ એ સુવર્ણયુગમાં સંગીતકાર એકવાર ધૂન બનાવી દે પછી એ ધૂનમાં વૈવિધ્ય ઉમેરવાનું કામ મહદઅંશે સહાયક સંગીતકાર અને એરેન્જર કરતા. કયા મકામ ઉપર કયા વાદ્યને ઉપસાવવું જોઈએ એ ખુબ જ મહત્વની બાબત એરેન્જર નક્કી કરતા. ઉપરનાં બન્ને ગીતોને ધ્યાનથી સાંભળતાં ૨૫-૨૬ વરસના કેરસીની ઝીણવટભરી સૂઝનો ખ્યાલ આવે છે. જો કે થોડો સમય એરેન્જરની ભૂમિકા બજવ્યા પછી એમણે ફિલ્મની શ્રેયયાદીમાં એ બાબતનો સ્વતંત્ર ઉલ્લેખ થાય એવો આગ્રહ રાખ્યો. પણ ફિલ્મનિર્માતાઓ દ્વારા એ માંગણી સ્વીકારાઈ નહીં. આથી એમણે એ કામગીરી છોડી, માત્ર વાદક તરીકે જ વ્યસ્ત રહેવાનું નક્કી કરી લીધું. ચોક્કસ આંકડો તો ઉપલબ્ધ નથી, પણ એક સ્વસ્થ અંદાજ મૂજબ એમણે ૫૩ વર્ષમાં વ્યાપ્ત એવી સમગ્ર કારકીર્દી દરમિયાન પાંચેક હજાર ગીતોમાં કોઈ ને કોઈ રીતે પ્રદાન કર્યું છે. એ પૈકી એમના ગ્લૉકેનસ્પાયેલ/Glockenspiel વાદન વાળું યાદગાર ગીત ‘અભી ના જાઓ’ ગઈ કડીમાં સાંભળી ગયા છીએ. કેરસીએ એ જ વાદ્યનો અત્યંત રોચક પ્રયોગ અન્ય ગીતમાં પણ કર્યો હતો. એ હતું ફિલ્મ ‘સુજાતા’ (૧૯૫૬)નું ગીત ‘નન્હી પરી સોને ચલી’

ફિલ્મ ‘કાલા પાની’ (૧૯૫૮)ના ગીત ‘અચ્છા જી મૈં હારી’માં કેરસી દ્વારા એકોર્ડીયનનો વિશિષ્ટ ઉપયોગ કરવામાં આવ્યો છે.

એમનું એકોર્ડીયનવાદન જો સૌથી પ્રચલિત બન્યું હોય તો ફિલ્મ ‘આરાધના’ (૧૯૬૯)ના ગીત ‘રૂપ તેરા મસ્તાના’ માટે. આ ગીતમાં એમણે વાદ્યની ધમણનો અસાધારણ ઉપયોગ કર્યો છે. મુખડાથી આરંભાયા પછી ‘ભૂલ કોઈ હમસે ના હો જાયે’ પર મુખડું પૂરું થાય એ પછી એકોર્ડિયન એ રીતે વગાડવામાં આવ્યું છે કે તે મુખડાનો જ અંશ લાગે, અને એના વિના મુખડું અધૂરું લાગે.

આ ગીતમાં કેરસીના એકોર્ડીયનવાદન અને મનોહારીસિંહના સેક્સોફોન વાદનનો અજબ સુમેળ માણવા મળે છે.

‘તીસરી મંઝીલ’ એક સંગીતપ્રધાન ફિલ્મ હતી. એમાં શમ્મી કપૂરે એક ડ્રમરનું પાત્ર ભજવ્યું હતું. જ્યાં જ્યાં શમ્મી ડ્રમ-સેટ વગાડતા દેખાય છે એ પશ્ચાદભૂમાં કેરસીએ વગાડેલું છે. વળી નોંધનીય છે કે એ ફિલ્મમાં શમ્મીની ખુબ લોકપ્રિય થયેલી ડ્રમ્સ વગાડવાની અદાઓ એમને કેરસીએ જ શીખવી હતી. એ ફિલ્મથી કેરસીનો રાહુલ દેવ બર્મન સાથેનો અંગત તેમ જ વ્યવસાયિક

નાતો ગાઢ બની ગયો. રાહુલ દેવ ખુબ જ પ્રયોગશીલ અભિગમ ધરાવતા હતા. એમની સાથે સહાયક તરીકે જોડાયેલા મનોહારી સિન્હ અને બાસુદેવ ચક્રવર્તી પણ એમને પૂરો સાથ આપે એવા જ હતા. એવામાં કેરસી એ લોકો સાથે જોડાતાં ફિલ્મી સંગીતમાં બદલાવ આવવાની શરૂઆત થઈ. એક જબરદસ્ત બિના એ બની કે ઈલેક્ટ્રોનીક વાદ્યો બજારમાં આવ્યાં. એક જ કીબોર્ડ વડે અનેક વાદ્યોના અવાજ કાઢવાનું તેમ જ વિવિધ પ્રકારના તાલ ઉત્પન્ન કરવાનું શક્ય બન્યું. એવાં વાદ્યો ‘સીન્થેસાઈઝર’ નામે ઓળખાતાં. જો કે રાહુલ દેવ અને ખાસ કરીને કેરસી માત્ર આટલાથી સંતુષ્ટ ન હતા. એમણે એ વાદ્ય સાથે પણ અખતરા ચાલુ કર્યા. ફિલ્મી ગીતોના સંગીતમાં અગાઉ ક્યારેય ન સંભળાયા હોય એવા ધ્વની એમણે નિપજાવ્યા. કેરસીના પોતાના જણાવ્યા મુજબ, એકવાર રાહુલ દેવે એમને એક ગીત માટે વ્હૂશ્શ્શ,વ્હૂશ્શ્શ, ટ્ટ્ટ્ટ્ટ્ટ્ટોંઈઈઈઈ એવો અવાજ તૈયાર કરવા માટે કહ્યું. તે સમયે ઉપલબ્ધ સીન્થેસાઈઝર વડે એ શક્ય નહતું. કેરસીને યાદ આવ્યો એમનો એક મિત્ર, જે રેડીઓ રીપેરીંગનું કામ કરતો હતો. એ જ્યારે ‘ઓસીલેટર’ નામના સાધનનો ઉપયોગ કરે, ત્યારે રેડીઓમાંથી ચિત્ર વિચિત્ર અવાજો આવતા. કેરસી એની પાસે પહોંચી ગયા. એક બે જાણકારોની મદદ લઈ, પોતાની પાસે હતું એ સીન્થેસાઈઝર સાથે ઓસીલેટરનું જોડાણ કરાવી, ધાર્યો અવાજ ઉત્પન્ન કર્યો! હવે પછીની ક્લીપમાં એ શી રીતે કર્યું તે જોઈએ.

આ નાવિન્યસભર પ્રયોગ ખુબ જ લોકપ્રિય બની રહ્યો હતો. એક ટૂંકી ક્લીપમાં જૈફ વયના કેરસી એક કાર્યક્રમમાં એ યાદ કરતા જોઈ/સાંભળી શકાય છે. વાદ્યવૃંદનું સંચાલન કરતા મનોહારીસિંહ પણ ઓળખી શકાય છે.

ફિલ્મ ‘શાલિમાર’(૧૯૭૮)ના સંગીતની જવાબદારી રાહુલ દેવને સોંપાઈ. યોગાનુયોગે એ સમયે એમના સહાયકો બાસુ ચક્રવર્તી અને મનોહારીસિંહ પરદેશ ગયા હતા. આથી રાહુલદેવે એ ફિલ્મના ટાઈટલસંગીતની અને પાર્શ્વસંગીતની મોટા ભાગની જવાબદારી કેરસીને સોંપી. પ્રસ્તુત ક્લીપમાં એક કાર્યક્રમમાં એ સંગીતની ઝલક તો સાંભળવા મળે જ છે, સાથે એને વિશે વાત કરતા કેરસીની સાથે ગઈ કડીમાં ઉલ્લેખ થયો એ એમના ભાઈ બરજોર લોર્ડ અને એક વિશેષ પ્રતિભા એવા હોમી મુલ્લા પણ જોઈ શકાય છે. ખાસ નોંધવા જેવું છે કે પ્રસ્તુત ટાઈટલ સંગીતમાં કેરસીના માર્ગદર્શનમાં બરજોરજીએ ડ્રમ વગાડ્યાં હતાં, હરીપ્રસાદ ચૌરસીયાએ વાંસળી વગાડી હતી જ્યારે હોમી મુલ્લાએ એકોર્ડીયન વગાડેલું.

હિન્દી ફિલ્મોના સંગીત માટે સીન્થેસાઈઝરનું આગમન એક મહત્વનો પડાવ બની રહ્યો. સને ૧૯૭૦ પછી ધીમી પણ મક્કમ ગતિથી ફિલ્મી સંગીત નવા વાઘા વડે સજવા લાગ્યું. એ પછી વધુ ને વધુ સક્ષમ સીન્થેસાઈઝર બજારમાં આવતાં રહ્યાં. એમાં પણ રોબેર્ટ મૂગ નામના એક અમેરીકન ઈલેક્ટ્રોનીક્સ એન્જીનીયરે આ વાદ્યમાં ક્રાંતિકારી સુધારા કર્યા. હિન્દી ફિલ્મી સંગીત જગતમાં એ નવા સંસ્કરણના ઉપયોગની શરૂઆત કેરસીએ કરી. અલબત્ત, રાહુલ દેવનો એમને પૂરો સધિયારો હતો.

આગળ જતાં સંખ્યાબંધ વાદકોના બનેલા વાદ્યવૃંદની જરૂરીયાત ઓછી થવા લાગી. આ કારણને લઈને કેરસી ઉપર નારાજ  થનારાઓનો એક મોટો વર્ગ ઉપસી આવ્યો. એમાં વાદકો તો ખરા જ, પણ મોટા ભાગના ચાહકો હતા. સીન્થેસાઈઝર થકી જ અનેક  વાદ્યોનો આબેહૂબ અવાજ નીકળી શકતો હોઈ, જે તે વાદ્ય વગાડનારા વાદકોની જરૂર ઓછી થઈ ગઈ અથવા તો રહી જ નહીં. આમ, એમની આજીવિકા જોખમમાં આવી પડી. ચાહકોને જે તે વાદ્યના કુદરતી અવાજ/Acoustic Sound ની જ્ગ્યાએ સીન્થેસાઈઝર થકી નિષ્પન્ન થતો કૃત્રીમ અવાજ જરાય જચતો ન હતો. આ માટે કેરસીએ કરેલા વિવિધ અખતરાઓને મુખ્યત્વે જવાબદાર ઠેરવવામાં આવ્યા. જો કે કેરસીએ એક કરતાં વધારે વાર સ્પષ્ટ કર્યું છે કે એમના પ્રયોગોને લીધે એમના સાથીદારોની પ્રવૃત્તિ ઉપર કાપ મૂકાઈ જશે એવી તો એમને કલ્પના પણ નહતી. એ તો રાહુલ દેવ સાથે મળી, પરંપરાગત ઢાંચામાંથી બહાર આવી, કાંઈક નવું કરવા ઈચ્છતા હતા. એમનું જાણીતું વિધાન છે, “નિયમો તોડતાં પહેલાં એ નિયમોને બરાબર પચાવી લેવા પડે છે.”

કેરસીના પ્રદાનમાં વિવિધ પ્રકારનાં વાદ્યોનું વાદન, અગણિત ગીતો માટે વાદ્યવૃંદ એરેન્જમેન્ટ, કેટલીક ફિલ્મો માટે ટાઈટલ તેમ જ બેકગ્રાઉન્ડ સંગીત નિયોજન, રેકોર્ડીંગ સમયે કરેલાં અમૂલ્ય સૂચનો અને  યુવાન વાદકોને પ્રોત્સાહિત કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. એમના કહેવા પ્રમાણે એમણે મીણની થાળી પર કરવામાં આવતા રેકોર્ડીંગથી લઈને ડીજીટલ રેકોર્ડીંગ સુધીના તબક્કા જોયા છે.  એમણે ‘અંધેર ગર્દી’(૧૯૯૦) નામની ફિલ્મમાં પાર્શ્વસંગીત આપેલું (ગીતો સમીર સેન અને દિલીપ સેને સ્વરબધ્ધ કર્યાં હતાં.) અને ‘વર્તમાન’(૧૯૯૪) નામની એક ટેલીવીઝન શ્રેણીમાં રઘુનાથ શેઠ સાથે મળીને સંગીત આપ્યું હતું. એ સિવાય નૌશાદે પોતાની કારકીર્દીના બીજા તબક્કામાં એમને મળેલી ફિલ્મ ‘સાથી’(૧૯૬૮) માટે કેરસીને કરારબધ્ધ કરતી વખતે ખાસ કહેલું કે એ પોતાની મૂળ શૈલીથી અલગ એવી કંઈક આગવી શૈલીનું સંગીત તૈયાર કરવા માંગતા હતા. કેરસીએ એમની અપેક્ષા પ્રમાણેનું કામ આપ્યું. એ જ રીતે ફિલ્મ ‘હંસતે જખ્મ’(૧૯૭૪)ના લોકપ્રિય ગીત ‘તુમ જો મીલ ગયે હો’ના યાદગાર વાદ્યવૃંદનું સંયોજન પણ કેરસીએ કર્યું હતું. એ ગીત સાંભળીને આજના લેખનું સમાપન કરીએ.

આ હરફનમૌલા કલાકારના પાંચ દાયકાથી વધારે વિસ્તૃત ફલક ઉપર ફેલાયેલી કારકીર્દી દરમિયાનના કાર્યમાં રસ ધરાવનારા ભાવિકોને વિસ્તૃત જાણકારી માટે નેટ ઉપર વિવિધ સાઈટ્સની મુલાકાત લેવા ખાસ અનુરોધ છે.


નોંધ……      

તસવીરો અને માહિતી નેટ ઉપરથી સાભાર.

                વીડિઓ ક્લીપ્સ એનો વ્યવસાયીક ઉપયોગ નહીં થાય એની બાહેંધરી સહ યુ ટ્યુબ ઉપરથી સાભાર.

                મૂલ્યવર્ધન…. બીરેન કોઠારી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

10 thoughts on “ફિલ્મસંગીતના નકશીકારો : (૧૦) કેરસી લોર્ડ

 1. ખૂબજ ખાન્ખાખૉળા પછી અભ્યાસપૂર્ણ દસ્તાવેજ તૈયાર કરવાની તારી મહેનત ને સલામ

 2. આટલું બધું સંપાદિત કરી તેને રસપ્રદ શૈલીમાં મૂકવું ઘણું જ અઘરું અને સમય માગી લે તેવું છે … તારી મહેનત ચાહકોને ચોક્કસ ફળશે.. આભાર આવો સુંદર લેખ મુકવા બદલ.

  1. Dear Piyushbhai,
   A small correction. Drums in Teesri Manzil was played by Leslie Gudinoh and not by Kersi Sir. Guitar was played by Dilip Naik. And as a rough estimate and as per my talks with Kersi sir he must have played in more than 16000 songs even Cawas Kaka must have played in equal number of songs… in fact he (Cawas kaka) has also played in background of Alam Ara…. and Buji Sir also around 12000+ songs… Lord family’s contribution is mamoth…
   All The Lords are recipient of Dada Saheb Phalke Foundation Award.
   All down to earth.
   Fortunate to have close family ties with The Lords
   Nickey Christie
   Surat

   1. Sir, thanks for drawing my attention to the error. It is regretted and will be duly rectified in the next article.

 3. અદભુત અને અવિસ્મરણીય રજુઆત. સમયના રેશનિંગને લીધે હું આ લેખમાળા વાંચતો નહોતો પણ આજે આ હપ્તો વાંચ્યો અને અગાઉના હપ્તા નહીં વાંચ્યાનો ઘણો પસ્તાવો થાય છે.
  અગાઉ ન વાંચી કે જાણી તો ન જ હોય પણ કલ્પી પણ ન હોય એવી હકીકતો બહુ જ પ્રાસાદિક શૈલીમાં વાંચીને મીઠા રસનો ઘુંટડો પીધાની તૃપ્તિ થઈ.
  અભિનંદન અને આભાર ભાઈ Piyush M Pandya
  Rajnjkumar Pandya 95580 62711

 4. આટલી બધી વિસ્તૃત માહિતીસભર લેખ વાંચી તૃપ્ત થવાયું. હવે આગળ ક્યારે????

 5. પિયુષ, અદ્દભુત લેખ છે. આ બધાં ગીતો ઘણી વાર સાંભળ્યા છે પણ આજે તેની મઝા કૈંક જુદીજ આવી. કેરસી લોર્ડ નું નામ સાંભળ્યું હતું પણ આજે જ જાણ્યું! સંશોધન અને સંપાદન ખૂબ સુંદર. આભાર.. 🙏🙏

Leave a Reply

Your email address will not be published.