અભિપ્રાય આપતાં પહેલાં સાત ગળણે ગાળીએ

હીરજી ભીંગરાડિયા

પ્રવેશ દ્વારે “ રજા સિવાય અંદર આવવાની મનાઈ છે ” એવું બોર્ડ કોઇ મોટી કંપનીના ઔદ્યોગિક એકમે, કોઇ રાજકારણી નેતાની બેઠકે , સરકારી કર્મચારીની ઓફિસે કે કોઇ માલેતુદાર શેઠિયાને બંગલે અચૂક ભળાય છે ત્યારે સમજી  જવાનું કે સીધા મળવા ગયે બહુ કામમાં ડૂબેલા હોઇ ડીસ્ટર્બ થવાનો સવાલ હશે કોઇને –બધાને નહીંજ  ! છતાં તેમને કંઇક તકલીફ જેવું જણાતું હશે તો જ આવું લખવું પડેને ? !.તેમની સાથે ખેડૂતના રાત-દિનના સખત ઉદ્યમ વાળા અને કટોકટી વાળા સમયની ઉપસ્થિતિને સરખાવીએ તો કોઇને સમય આપવાનો તેમને અવકાશ હોય છે ખરો ?  અરે ! કોઇ કોઇ વાર બેસીને નિરાંતે ખાવાનો પણ ગાળો નથી હોતો. તે છતાં તેમના બાગ-બગીચાના દરવાજે કે ખેતર-વાડીના શેઢે “રજા સિવાય અંદર નહીં આવવું” એવું લખાણ કોઇને વાંચવા મળ્યું હોય તો કહો!                                    

          ખેતી સિવાયના બીજા વ્યવસાયો બધા હોય છે વપરાશી ચીજ-વસ્તુઓની હેરાફેરી કરી, થોડી ગુપ્તતા રાખી, પૈસા રળી લેવાના. જ્યાં માત્ર પૈસા જ રળવાની  યુક્તિ-પ્રયુક્તિઓ કરાતી હોય ત્યાં બીજા બધાથી ઘણું યે છાનુંમાનું રાખવું પડે છે. એટલે જ કોઇ અંદર આવી ત્યાં ઉપયોગમાં લેવાતી બીજા બધાથી છૂપાવી રાખવા જેવી ખાનગી સરકારી કામગિરી કે પ્રોડક્શનની નવિનતમ ટેકનીક કે કોઇ તરકીબ બીજા જોઇ-જાણી જાય અને વહીવટમાં કે વ્યવસાયમાં હરિફ બનવાની ઉપાધિ ઊભી કરે તેમાંથી બચવા આવાં બોર્ડ લટકાવવાં પડતાં હોય તેવું જણાય છે.

  ખેતીની વાત જુદી છે = જ્યારે “ ખેતી ” એ માત્ર પૈસા રળવાનો નહીં, તમામ લોકો સાથે રહીને જીવનનિર્વાહ કરવાનો વ્યવસાય છે. ખેતી એ તો હંમેશા કૃપા વરસાવતી, કુદરત માતાના ખોળે ઝુલતી, બીજા કોઇનાએ ભય કે સાડીબાર વિના પરસેવાની કમાણી દ્વારા મરદાનગીભર્યો પ્રમાણિક રોટલો રળવા સાથે અન્યની ભરણ-પોષણની ચિંતા સેવનારી જીવન પ્રણાલી છે ભૈલા ! એટલે છેતરામણથી કોઇનું પડાવી લેવાનું કે છાનું-છપનું રાખવા જેવી કોઇ વાત આમાં આવતી જ નથી. તેથી ખેતીમાં વધુ અન્ન,દાણા, ફળ કે કઠોળ, દૂધ કે શાકભાજી વગેરે મેળવવાની કોઇ સારી રીત-પધ્ધતિ કે યુક્તિ કોઇના હાથમાં આવી હોય તો તે બીજા ખેડૂતને  જણાવવામાં મનને ચોરી તો  ન જ રખાય  ને ! “ સુખ તો વહેંચવાથી જ વધે છે ” એજ સંસ્કારસુત્ર ખેડૂતની નસેનસમાં રૂધિર બની વહેવું જોઇએ.

ખેડૂત, ખેડૂતની વાત પહેલાં સ્વિકારે છે. = 20 વરસ પહેલાં જ્યારે પંચવટી બાગમાં આમળાની ખેતી કરવાનું મન થયેલું ત્યારે આમળા વિષે જોવા-સમજવા આણંદની કૃષિ યુની.મા જઇ , એના બાગાયત વિભાગના વડા ડૉ. કે.પી.          કીકાણી સાહેબને મળ્યો. કેંપસ પરના આમળાનાં ઝાડ, એને આવેલો ફાલ, એને અપાયેલી માવજત – બધું જોયું. અમારે આમળાનું વાવેતર જરૂર કરવું એવો કીકાણી સાહેબનો આગ્રહ જોઇ અમારુંએ મન વધ્યું. છતાં મનમાં એક ખચકાટ રહ્યા કરે કે  “ ભલા ! આ તો કૃષિની યુનીવરસીટી છે, અહીં તો આ “ પ્રયોગની ખેતી” ગણાય. એની પાછળ ખર્ચ ગમે તેટલો થાય-તો સંશોધનના હેડે ખર્ચ નખાઇ જાય !અમારે આવો ખર્ચ ફોગટ જાય તો ક્યા હેડે નાખવો ? આ માટે કોઇ ખેડૂતની વાડી જોવી જોઇએ અને આર્થિક કસોટીમાં પાર ઉતરેલા કોઇ ખેડૂતનો અભિપ્રાય જાણવો પડે !” તે પછી  અમે ઉતરસંડા અને નરસંડાના આમળાના વાવેતરવાળા બગીચા જોયા, તેના ખેડૂતોને મળ્યા અને તેમની પાસેથી આમળાનુંજ આર્થિક પાસુ જાણ્યા પછી જ આમળાને પંચવટીબાગમાં પ્રવેશ કરાવ્યો. નહીં તો કીકાણી સાહેબ તો ડૉક્ટરેટ ડીગ્રી ધરાવતા અને ખેડૂતોમાં ફળપાકોની ખેતી કેમ વધુ વિસ્તરે એના માટે તન-મન-ધનથી કાર્યશીલ એવા બાગાયત નિષ્ણાંત હતા. તેમ છતાં માત્ર તેમના અભિપ્રાય ઉપર આગળ ન વધતા આમળાની પ્રત્યક્ષ ખેતી કરી રહેલા ખેડૂતની વાતને આધારે આગળ વધ્યા. ખેડૂતના તટસ્થપણે અપાએલા અભિપ્રાયનું વજન એટલું નક્કર હોય છે મિત્રો !                                                           

આપણી નૈતિક ફરજ ન ભૂલીએ= આપણે જાણેલી ખેતીની કોઇ નવી રીત,પધ્ધતિ કે જેમાં અદ્યતન બિયારણ-દવા કે ખાતર-પોતર, એની પાછળ લાગેલી મજૂરી અને અન્ય ખર્ચ પછી એમાંથી મળેલ ઉત્પાદનના આંકડા બાબતે કોઇને વિગત જણાવવાની થાય ત્યારે બહુ જ તટસ્થ રહીને આપણને જે અનુભવાયું હોય-જે કમાયા હોઇએ, અરે ! નુકશાન થયું હોય તો તે પણ જણાવવું એ આપણી નૈતિક ફરજ બને છે. કોઇને ઘીંહલાને માર્ગે તો ન જ ચડાવી દેવાયને !

      હમણાં થોડા ‘દિ પહેલાં ખેતીના એક ખૂબ રસિયા યુવાન ભેગા થઇ ગયા, અને સજીવખેતીમાં ઘઉં કેટલાક ઉતરે તેની વાત નીકળતાં મારો અનુભવ કહ્યો કે “ બધું સમુસુતરું હોય તો નાને વિઘે 35 થી 42 મણ જેવા ઉતરે છે” તેમણે મારી વાત કાપી નાખી-“ શું હીરજીભાઇ ! એવી તે કાંઇ સજીવખેતી કરાતી હશે ? આવો મારી સાથે જોવા ! ફલાણાભાઇ સજીવખેતી જ કરે છે, નાખી દેતા દેતાય તમારાથી ત્રણગણા વધુ વિઘે ઉતારે છે બોલો !” શું કહેવું મારે ? અમારી જમીનની ફળદ્રુપતા, પાણીની સોઇ અને કદાચ માવજત ઓછી રહેતી હોય તો  35 થી 42 મણની જગાએ એમને થોડા વધુ ઉતરતા હશે એની એ ના નથી પણ ત્રણગણા એટલે નાના વિઘે સવાસો મણનો ઉતારો ! અતિશયોક્તિનીયે કોઇ હદ હોયને ? દાર્શનિક પુરાવાની જગાએ આવા મૌખિક અભિપ્રાયો મોટાભાગે વાંજિયા રહી જાય એ ખેડૂતોના હિતમાં છે. મેં જોયું છે કે સફળ ખેડૂતો ઘણીવાર પોતાની ખેતીના ઉત્પાદનનાં આંકડા ઉંચા આપવામાં પોતાની મહત્તા મનાવતા હોય છે

અભિપ્રાયમાં  તટસ્થતા ની દેખાતી ઉણપ

[1] પોતાની ચાવી બીજાને  ન બતાવનારાયે છે ! =વીસેક વરસ પહેલાનો પ્રસંગ છે.-અમારા મોટાકાકાને વાડીએ લઇ જઇ મેં પુછ્યું હતું “ કાકા ! કપાસને હવે પાણી પિવરાવવાનો  વખત થઇ ગયો ગણાયને ?” તો કહે “ ના રે ના ! પાંચ-સાત દિવસ ખમી જાવ ! હજુ વહેલું પડશે ,” મોટાકાકા તો ખેતીના પૂરા અનુભવી. મેં એમની વાત માની. પાંચ દિવસ પિયત આપવામાં મોડું કર્યું – ને કપાસ માળો લંઘાઇને સાવ વણાઇ ગયો ! હું તો ઉપડ્યો એ કાકાની વાડીએ. કાકા વાડીએ નહોતા.કામ કરનાર મજૂર એના કપાસમાં પાણી વાળતો હતો. કપાસનો ઘેરો તો સરસ કોળ્યમાં કલા કલા કરતો ભાળ્યો ! મજૂરને પુછ્યું “ પાણી કે ‘દિ  શરુ કર્યું ?” તો કહે “ આજ દસમો  દિવસ છે, દસ ‘દિ પહેલાં પાયેલાને આજ બીજું પાણ શરુ કર્યું છે.” હું તો વિમાસણમાં મૂકાઇ ગયો કે “ આ કાકાએ પાણી એના કપાસમાં પાંચ ‘દિ પહેલાં શરુ કરેલું અને મને કેમ પાંચ દિવસ મોડું શરૂ કરવાની સલાહ દીધી હશે ? આનું કારણ શું ?” આવા લોકોને સામૂહિક પ્રગતિ નથી ખપતી. બીજાને પછાડવામાં જ પોતાનો વિકાસ સમજતા હોય છે.પછી તો અમે એ કાકાનો સ્વભાવ જાણી ગયા એટલે એને પુછીએ ખરા પણ એ કહે એવું કરવાનું નહીં ! ખેતીમાં તો દરેકને પોતાની મહેનતનું રળવાનું છે, કોઇની આડેથી કંઇ પડાવી જવાની વાત જ નથી. ખેતી તો જેવી જેની મતિ-શક્તિ  એવી કમાણી એ કરે ! કોઇને નુકશાનીમાં ઉતારવાનું પાપ આપણાથી તો ન જ કરાયને !

          એક ખેડૂતની વાડીએ હું જઇ ચડેલો. તેઓ બિયારણના રજકામાં લશ્કરી ઇયળના ઉપદ્રવ સામેદવા છાંટે. તે વરસે લશ્કરીનો બહુ ઉપાડો હતો. ભલભલાના રજકાના ઘેરા સાફ કરી નાખેલા ! આ ભાઇને કોઇ કારણસર – કાગનું બેસવું ને ડાળનું ભાંગવું –દવાનુ પરિણામ સારું મળેલું. મેં પુછ્યું “ કઇ દવા છાંટો છો ?” તો ડબલુ લાવીને બતાવ્યું. દવાના ડબલા પર “ ડીમોક્રોન ” લખેલું. મને પડ્યો વહેમ ! કારણ કે છંટકાવ ચાલુ હતો અને એની વાસ ડીમેક્રોનની નહોતી ! એની ગંધ ઉપરથી મને ડી.ડી.વી.પી દવાની એ યાદ તાજી થઇ ગઇ [કારણ કે વષો પહેલાં દિવેલાના અમારા બીજ-પ્લોટમાં  લશ્કરી ખૂબ લાગેલી અને અમે ડી.ડી.વી.પી.નો  કેનમોઢે ઉપયોગકરેલો ] મેં કહ્યું “ સાચુ બોલ ભાઇ ! આ દવાના ડબલા પર નામ છે એ દવા આ નથી ” તો દાંત કાઢતા કાઢતા મને કહે “ તો કઇ છે તેમ તમે જ કહોને ! મેં કહ્યું “ ગંધ પરથી દવાના નામની ખબર ન પડે પણ ડી.ડી.વી.પી. ટેકનીકલ અંદર હોય  એવી આ વાસ છે.” પછી તો એણે કબુલ્યું પણ ખરું કે “ હા, તમારી વાત સાચી છે”. પણ આવું કરવાનું કારણ પુછ્યું તો કહે “ નોખનોખી કેટલીય દવા છાંટી જોઇ પણ આના જેવું સારું પરિણામ કોઇનું નથી મળ્યું . બીજાને આની ખબર ન પડી જાય માટે ચૂસિયાને મારવા લાવેલ દવાના ખાલી ડબલામાં આ દવા ભરી દીધી છે.” શું કહેવું આને ? મગના જથ્થામાં કોઇ કોઇ કઅડુ મગ- જે ગમે તેવા ઉકળતા પાણીમાં પણ ચડીને પોચા નથી થતા- એમ ખેડૂતોમાં પણ કોઇ કોઇ કઅડુ ખેડૂત હોય્ છે ખરા ! આપણે એવા ન થઇએ.

 [2] બીજાની શેહમાં આવી જઇ ખોટી સલાહ દેવી = ખાતર,બિયારણ, જંતુનાશક દવા કે હોય ફળઝાડના કલમ-રોપડા વેચનાર વ્યાપારી ! પોતાનો માલ ખેડૂતોમાં ઘૂસાડી દેવાની માસ્ટરી ધરાવતા હોય છે. કઇ વસ્તુથી કેટલો લાભ થશે એ જોવા-ચકાસવાનું  કામ એનું નથી.એનું ધ્યેય તો કઇ ટ્રીક અજમાવી હોય તો વધુ જથ્થામાં વસ્તુ વેચાય એવું હોય .એ માટે એ ખેડૂતને મળતાં પહેલાં જાણી લે છે કે જરા ખ્યાતિવાળો આગેવાન ખેડૂત કોણ છે ? પહેલાં એને મળે અને નાખણી એવી કરે કે ન પૂછો વાત ! એની ખેતીના થોડા વખાણ કરી આગળ કરે..અરે ! જો મેળ પડતો હોય તો મામા,માસી,ફોઇ કે સસરા પક્ષના સંબંધી , મિત્ર,પાડોશી કે હિતેચ્છુ બની જઇ,નજિકતાનું નાટક કરી પોતાના વાહનમાં આગળ બેસાડી સાથે ફેરવે અને વેચાણ બાબતે એને મોરિયાળ બનાવે, અને એ જે વસ્તુ વેચવા નીકળ્યા હોય , એ વસ્તુના આપણા જ મોઢે સૌ સાંભળે તેમ વખાણ કરાવી – આપણા જ ઓળખીતા,સગા-સંબંધીકે મિત્રમંડળમાં એની વસ્તુ ખપાવવામાં આપણને નીમિત બનાવે ! ખેડૂતો તો એ અજાણ્યા વેપારી કરતા આપણા અભિપ્રાયને વધુ ધડારૂપ ગણી એ વસ્તુ ખરીદવાનું જોખમ વહોરે, અને ક્યારેક ફસાઇ મરે તો ગુનેગાર કોણ થયું કહો ! એ વેપારી કે એનું સાધન બની ગયેલા આપણે ?

 [3] કમીશનની મધલાળે વળગાડી ખોટા અભિપ્રાય અપાવે = આર.ટી.ઓ માં વાહનની નોંધણી કરાવવાની હોય,કે બેંકમાંથી લોન લેવી હોય,કોઇ વસ્તુનો સોદો કરવો હોય કે મકાન બાંધકામ માટે રેતી-પથ્થર કે ઈંટનો ફેરો  જોયતો હોય-સીધેસીધું કામ પતતું જ નથી. વચ્ચે વચેટિયા તો જોઇએ જ ! ખેતીમાં પણ આ જ શિરસ્તો દાખલ થવા માંડ્યો છે. મજૂર તેડાવવાના હોય, ભાગિયા રાખવાના હોય કે ગાય વેચવાની હોય , અરે ! મગફળી-કપાસ જેવો માલ વેચવાનો કેમ ન હોય ! વચ્ચે દલાલ ન આવતો હોય એવું હવે બનતું જ નથી.

     હજુ હમણાનો જ  પ્રસંગ.” હીરજીભાઇ ! કાલે તો તમને સમય નહોતો. આજ કેમ થશે ? અમારે માત્ર અર્ધો કલાક ખેડૂતોના લાભાર્થે તમારો સમય લેવો છે”.હું હજુ હા-ના કરું તે પહેલાં તો શૂટેડ-બૂટેડ બે જુવાનિયા –ખભે થેલા ટીંગાડેલા બપોરના દોઢ વાગે દરવાજામાં દાખલ થઇ – હાથે ખુરશી ઢાળી મારી નજીક બેસી ગયા અને શરુ કરી દીધું “ અમે સાંભળ્યું છે કે આ વિસ્તારમાં ખેતીમાં અવનવા પ્રયોગો કરવામાં તમારું નામ છે. આસપાસના તો શું, દૂર દૂર સૌરાષ્ટ્રના જ નહી –ગુજરાતભરના ખેડૂતો તમારી સાથેના ફોન,રેડિયો,કૃષિ મેગેઝિન અને છાપાના વાર્તાલાપ-લખાણ દ્વારા તમારી સલાહ અને માર્ગદર્શન મેળવી રહ્યા છે.એટલે લાંબી ગણતરીએ આપની પાસે આવ્યા છીએ કે અમારી આ કંપનીએ તાજેતરમાં ખેડૂતોને ખૂબ લાભ થાય તેવી આ પ્રોડક્ટ્સ લોંચ કરી છે. તમે જો બીડું ઝડપો તો તમને અને અમને બન્નેને લાભ જ લાભ છે સમજોને ! એવી ગોઠવણી અમે કરીને આવ્યા છીએ કે તમારે કોઇ ખર્ચકરવાનો નથી કે નથી કોઇ વસ્તુ ખરીદવાની.અમે એમ કહીશું કે “ હીરજીભાઇ આ પ્રોડક્ટ્સ વાપરે છે” અને તમને એલોકો ખરાઇ કરવા પૂછે કે ફોન કરે ત્યારે એટલું કહેવાનું કે “ હા, હું વાપરું છું, અને એની અસર બહુ સારી થાય છે.” આ વિસ્તારમાં વેચાણ થાય તે બધામાં તમારાકમિશનના ટકા તમને ઘેરબેઠા મળી જશે,” જુવાનિયો એકીશ્વાસે બોલી ગયો. કહો ! મારા તો ભાગ્ય જ ખૂલી ગયાને મિત્રો ! પ્રોડક્ટસ સારી છે કે નબળી –કશી ખબર ન હોય અને મોટીમા બની વેપારીની ભેરે ચડવા માંડું અને મારાઅભિપ્રાયે ખેડૂતોને ભરમાવામાં મદદગારી કરું ? આથી મોટું બીજું ક્યુ પાપ હોઇ શકે ?

 [4] પ્રસંશા કે પ્રસિધ્ધિના લોભમાં નાખીને =હમણા હમણાના વેપારીઓના પોતાની ચીજ-વસ્તુના પ્રચારનાનવા નુસ્ખા પ્રમાણે ક્યારેક છાપામાં, કૃષિ-મેગેઝિનમાં કે રોડ-રસ્તે બોર્ડ-પાટિયા લગાવી ખેડૂતના નામ-ફોટા સાથેનો દૂરઉપયોગ શરુ થયો છે. ઘડીભર તો એમ થાય કે “ કંઇ વાંધો નહીં ! આપણા તો સમાજમાં વખાણ થય છેને ?” પણ ના ! રખે એવું થવા  દેતાં ! ચેતજો ! આ જાહેરાતમાં વાસ્તવિકતાથી વધુકા લાભનાં આંકડા દર્શાવી ,ખેડૂતોને ખોટી વિગતો આપી ફસાવી પાડવાના ફાંહલામાં પકડાવી દેવાનું નીમિત્ત આપણે તો નથી બની રહ્યાને જોજો !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: Web Gurjari

1 thought on “અભિપ્રાય આપતાં પહેલાં સાત ગળણે ગાળીએ

  1. બહુ રસપ્રદ માહિતી મળી. આનંદ આવ્યો. તમે ઘણી મહેનત કરી છે. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *