વલદાની વાસરિકા : (૮૮) વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા-૨

વલીભાઈ મુસા

શ્રી સુરેશભાઈ જાનીએ મારી પુનાની ત્રણ દિવસ ચાલેલી ધંધાકીય કોન્ફરન્સમાં વિષયના વ્યાપમાં આવતા અન્ય કોઈ અનુભવો હોય તો તેમને દર્શાવવાના કરેલા તેમની કોમેન્ટમાંના સૂચન ઉપરાંત માનનીય રેખાબેન સિંધલે પણ મને મારા લેખમાં આગળ વધવા વિચારશીલ એક એવો મુદ્દો પૂરો પાડ્યો છે કે લાગણીઓનું માત્ર જતન કરવાની વૃત્તિ કોઈ પ્રખર સત્ય કે સૈદ્ધાંતિક બાબતની અવગણનાનું કારણ ન બનવી જોઈએ.

અમારી કોન્ફરન્સના બીજા દિવસની સવારે બધા પોતપોતાના રૂમમાં સ્નાનશૌચાદિની ક્રિયાઓ પતાવ્યા બાદ અમારા D.M.ના રૂમમાં નાસ્તાપાણી માટે એકત્ર થયા હતા. બધા આગલી રાત્રિના સ્વપ્નિલ રાજાપાઠમાંથી ડાહ્યીડમરી પ્રજા જેવા બનીને નાસ્તાની ટ્રોલીનો ઇંતેજાર કરી રહ્યા હતા, ત્યાંતો આખાબોલા એક ડિલર ભાઈએ અમારા D.M.નો ઉધડો લેતાં કહ્યું કે ‘તમારી કંપનીએ ગઈ રાતે સાવ ઘટિયા ક્વોલિટીનો દારૂ પૂરો પાડ્યો હોવાના કારણે મારી તો ગરદન જ સાવ જકડાઈ ગઈ છે. આજે રાત્રે તો હું મારા અંગત ખર્ચે બધાયને જલસા કરાવવાનો છું. બહારની Liquor Shopમાંથી એવી તો અફલાતુન આઈટમ લઈ આવીશ કે તમે લોકોએ તમારી આખી જિંદગીમાં એવી ચાખી પણ નહિ હોય,  કેમ વલીભાઈ ખરું ને! ’

‘અલ્યા ભાઈ, તમારી વાતનો હોંકારો મેળવવા મને ક્યાં ખેંચો છો? ’ મેં હસતાં હસતાં કહ્યું.

‘અરે, માત્ર ખેંચવાની વાત જ નથી, પણ મારી ખરીદીમાં તમને એકલાને જ મારી સાથે લઈ જવાનો છું!  આ માળાઓને સાથે રાખું તો મને હિંદી બોલતો કરી નાખે એટલે કે બાવો બનાવી દે. તમને કંઈ ખબર પડે નહિ એટલે હું મારા બજેટને જાળવી રાખી શકું ને! ’ આમ કહેતાં તે ભરવાડના ડચકારા જેવું ખડખડાટ હસી પડ્યા.

‘મને સાથે આવવામાં તો શો વાંધો હોઈ શકે! પણ શરત માત્ર એટલીજ કે તમારા માલને હાથ નહિ અડાડું! ’

‘લ્યો, આ વળી નવું!  કેમ, કેમ!  શું અડવા માત્રથી અભડાઈ જશો! ’

મારા રૂમ પાર્ટનર વળી પાછા મારી વ્હારે આવ્યા અને બોલ્યા, ’વલીભાઈ નહિ,  પણ હું તમારી સાથે આવીશ! ’

‘ના, બાબા ના!  તમે ભલે આ ત્રણ દિવસ પૂરતા ભગત બન્યા હો, પણ માલના જાણકાર તો ખરાને!  મારે તો વલીભાઈનો જ સંગાથ ખપે! ’

* * *

અમે ઓટોરિક્ષા લીધી. આખાબોલાજીએ રસ્તે પૂછ્યું, ‘માલને હાથ ન અડાડવાની વાત, વલીભાઈ, સમજાઈ નહિ! તમે આ દારૂડિયાની તો લગોલગ બેઠા છો! ’

‘તમે પૂછ્યું એટલે કહું છું કે આત્મસંયમ ન ધરાવતા માણસ માટે તો અનુચિત એવો આવો કે અન્ય કોઈપણ પ્રકારનો પળભરનો પણ સહવાસ ખતરનાક સાબિત થઈ શકે! રહી માલને હાથ અડાડવાની વાત. દુન્યવી કાયદાશાસ્ત્રની કલમોમાં જેમ ઊંડાણ અને સ્પષ્ટતા હોય; બસ તેવી જ રીતે આ ધાર્મિક કે નૈતિક, જે ગણો તે, કાનૂનમાં છે. દારૂ પીવો (જાતે કે કોઈ પાય!), પિવડાવવો, પીવા માટે નાણાં આપવાં, ઉત્પાદન કરવું, કાચો માલ પૂરો પાડવો, પેકીંગ મટિરિયલ કે બોટલો પૂરી પાડવી, વેપાર કરવો અને તેના ટ્રાન્સ્પોર્ટેશન સુદ્ધાંની પણ મનાઈ છે. હવે દુકાનમાંથી આપણી રિક્ષા સુધી તમારા માલને લાવવામાં મદદ કરું એ ટ્રાન્સપોર્ટેશનની વ્યાખ્યામાં આવી જાય, સમજ્યા મારા જિગર! ’

‘આ તો જબરું કહેવાય, મારું વાલીડું! પણ તમારામાંના ઘણા અમારા જેવાના પણ ગુરુ નહિ હોય! ’

‘હા, કેમ ન હોય! એ લોકો મનને મનાવવા અને જાતને છેતરવા માટે ‘જવનું પાણી’ અને ‘શક્તિવર્ધક તથા પાચન માટેની દવા’ જેવાં હળવાં નામો આપીને બચાવ તરકીબો અજમાવતા હોય છે. બધા ધર્મોમાં આવા નમૂનાઓ મળી રહે. કોઈપણ ધર્મમાં ન માનનારા બુદ્ધિવાદીઓ પણ માનવ કે નૈતિક ધર્મના ઝંડા હેઠળ તો હોય જ છે અને છતાંય તેઓમાં પણ એવા કોઈક તો મળી જ આવે કે જે લાંચને બક્ષિસ ગણતા હોય કે વ્યાજને નફા કે મૂડીના ભાડા તરીકે ઓળખાવતા હોય!  મેં તમારા જેવા કેટલાક મિત્રોને ઈંડાને શાકાહાર કહેતા અને માછલીને જળડોડી તરીકે ખપાવીને ઝાપોટતા જોયા છે!  ધર્મોમાં વ્યક્તિઓ જોવા મળે, પણ વ્યક્તિઓમાં ધર્મ ન પણ હોય!  ‘ઘર્મ’નો અર્થ ‘ધારણ કરવું’ થાય; આપણે ધર્મને જાણતા હોઈએ છીએ, ધારણ કરતા નથી હોતા.’

‘વાહ, ગુરુ મહારાજ!  તમને તો દંડવત્ પ્રણામ કરવા પડશે!  લ્યો, હવે ઊતરશો કે!  આપણું Destination આવી ગયું! ’

* * *

ત્રીજા દિવસે સવારે મારા રૂમ પાર્ટનર તો હજુ ઊંઘતા હતા અને હું અમારા અડ્ડે આવી ગયો હતો. D.M. પણ હજુય ટૂટિયું વાળીને ઘોરતા હતા. ગઈ રાતની બીજી મહેફિલ તો જોરદાર જામી હતી. આખાબોલાજીએ તો કહેવા ખાતર જ ‘બજેટ’ની વાત કહી હતી, પણ તે બહાને તેઓ મને જ સાથે લઈ જવા માગતા હતા. અમે નજીકના જિલ્લાઓના ડિલર હતા એટલે થોડોક પાડોશી તરીકેનો પણ લગાવ હતો. મને આજે પણ એ દારૂની ખરીદીના બિલનો અંદાજિત આંકડો યાદ છે. તેમણે આઠ હજાર રૂપિયા ઉપરાંત Something more ની ચુકવણી કરી હતી!

હું ટીપોય ઉપર પડેલા ગઈ કાલના મરાઠી અખબારનાં પાનાં અમસ્તાં ફેરવી રહ્યો હતો અને પહેલા કોઈક આગંતુકની રાહ જોતો હતો. થોડીવારમાં અમારી ટીમનો બારમો ખેલાડી કે જે બીજા દિવસે જ આવી શક્યો હતો અને જેના માટે ગઈ રાતની મહેફિલ પહેલી જ હતી તે આવી પહોંચ્યો હતો.

ગઈ રાતે મારા રૂમ પાર્ટનર અને હું નશામુક્ત હોઈ જોઈ રહ્યા હતા કે આ બારમો ખેલાડી એ મહેફિલનો Hero હતો. કોન્ફરન્સમાં મોડા આવવાની સજા તરીકે હોય કે ગમે તે કારણ હોય, પણ બધાય તેને તેના બિચારાના પોતાના હાથમાં જામ ચાલુ હોવા છતાં વારાફરતી ઊભા થઈ થઈને પોતપોતાના જામમાંથી ઘૂંટડા ભરાવ્યે જ જતા હતા. ‘એક ડોશીને ૩૬૦ જમાઈઓવાળી વાત’ જેવું બની રહ્યું હતું. દરેક જમાઈ માને કે આપણે તો વર્ષમાં એક જ વાર સાસુમાની મુલાકાતે જઈએ છીએ, પણ પેલી ડોશીના લમણે તો રોજનો એક ઝીંકાય!

બધાને એક જ ધૂન હતી કે પેલા બારમાને પોતાના તરફ્થી ઢીંચાવ્યે જ જાય. અમારી દરમિયાનગીરી રંગમાં ભંગ પડાવશે તેવી અમને દહેશત હોઈ અમે બંને તમાશો જોતા જ રહ્યા. પેલાને Vomit (વમન) કરવા માટે જ્યારે બીજી વખત વોશ બેસિન તરફ ભાગવું પડ્યું, ત્યારે જ બધાએ તેને છોડ્યો. બબ્બે બબ્બે Vomit ના કારણે તે વહેલો નશામુક્ત થઈને બધાયથી પહેલો અડ્ડા ઉપર આવી ગયો હતો. મને ‘Good morning’ કહેતો મારી સામેના સોફા ઉપર બેસી ગયો.

થોડીવારની ચૂપકીદી પછી તેણે ગળગળા અવાજે મને Sorry કહ્યું. તેની આંખમાં આંસુ તગતગતાં હતાં. તે બાવીસેક વર્ષનો તરૂણ હતો. મારે કહેવું પડ્યું, ‘એમાં Sorry  શાનું, ભલા માણસ! તારી યુવાન વય છે અને આવું બધું તો હોય! ’ હું સહજ ભાવે એ છોકરાને ‘તુંકાર’થી સંબોધી બેઠો.

‘હું મારા રૂમમાં મારી બેગ તૈયાર કરીને D.M. સાહેબની રજા લેવા આવ્યો હતો, પણ હજુ સુધી તેઓ જાગ્યા નથી. હું હમણાં જ ઘરે નીકળી જવા માગું છું અને પ્લીઝ મારી વતી તેમને કહી દેશો કે ‘રઝાક’ જતો રહ્યો છે.’

મારા સુજ્ઞ વાચકોને વચ્ચે કહી દઉં કે અહીં મેં પેલા યુવાનની માત્ર વ્યક્તિ તરીકેની તેની ઓળખ છુપાવવા માટે ‘રઝાક’ એવું Dummy (બનાવટી) નામ ભલે આપ્યું હોય, પણ એ વાત તો એટલી જ સાચી છે કે તે મારા જ સમુદાયનો અર્થાત્ મુસ્લીમ જ હતો. મેં અગાઉ કહેલી એક વાતને બીજા શબ્દોમાં કહું તો સારું કે નરસું આચરણ એ સંપૂર્ણત: વ્યક્તિલક્ષી બાબત છે. માણસ જન્મે તો કોઈ એક સમુદાયનો હોય, પણ કર્મે કે આચરણે તો અન્ય પણ હોઈ શકે; પછી ભલે ને તે રઝાક હોય કે અન્ય કોઈ હોય!

અમારા D.M. ના જાગવા પહેલાં મેં મારી રીતે રઝાકને કોન્ફરન્સ ન છોડી જવા સમજાવી દીધો હતો અને તે માની પણ ગયો હતો. બપોરના લંચ પછી Farewell Session બાદ તરત જ બધાયે હોટલેથી Check Out થઈને પોતપોતાના માર્ગે નીકળી પડવાનું હતું. હવે ત્રીજી મહેફિલનો કોઈ સવાલ જ ન હતો.

* * *

પાંચેક વર્ષ બાદ એક વાર પેલા રઝાકના એ શહેરના વર્કશોપ આગળથી અમારી કાર પસાર થતી હતી, ત્યારે ડ્રાઈવ કરતા મારા પુત્રને મેં રઝાકના વર્કશોપે ગાડી વાળવાનું કહ્યું, રઝાક મને ભેટી પડતાં ગળગળા અવાજે બોલ્યો કે “તમારા શબ્દો ‘ભલા માણસ, તારી યુવાન વય છે અને આવું બધું તો હોય! ’ મારા ઉપર એવી અસર કરી ગયા કે તે દિવસથી હું શરાબને અડક્યો નથી. તમારા શબ્દો મારા કૃત્યને સમર્થન આપનાર ન હતા, પણ એ કંઈક જુદું જ કહેવા માગતા હતા તેનો મને એ જ પળે અહેસાસ થઈ ગયો હતો અને મારા અંતરમાંથી એવો અવાજ ઊઠ્યો હતો કે ‘એવું બધું કેમ હોય! ન જ હોવું જોઈએ! .’

રઝાકને મારા પુત્રની ઓળખ આપી દીધેલી હોવા છતાં તેણે પોતાની કેફિયત વ્યક્ત કરવામાં જરાય સંકોચ અનુભવ્યો ન હતો.

                                                                                (સંપૂર્ણ)

* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577 / / + 91-94261 84977

નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો

Author: Web Gurjari

1 thought on “વલદાની વાસરિકા : (૮૮) વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા-૨

Leave a Reply

Your email address will not be published.