શબ્દસંગ : અભિનવ કલ્પનસભર નવલકથા – ઉદયાસ્ત: દ્વારકા – સોમનાથ

નિરુપમ છાયા

                 સોમનાથ ! આ નામ સાથે જ દૃષ્ટિ સમક્ષ એક ભવ્ય ચિત્ર ખડું થઇ જાય છે. ભારતના છેક પશ્ચિમ છેડે આવેલું, સીધું  ઉત્તર ધ્રુવને તાકતું  આ ભવ્ય તીર્થ એટલો જ ભવ્ય ઈતિહાસ ધરાવે છે. ભારતના ઈતિહાસનાં  એક મહત્વનાં પ્રકરણ સાથે આ તીર્થ સંકળાયેલું  હોવાથી  ગુજરાતી નવલકથા સર્જકોને એની ગાથા આકર્ષતી રહી છે. ઘણા  સર્જકોએ પોતપોતાની દૃષ્ટિએ એનાં  વિષયવસ્તુને કેન્દ્રમાં રાખી નવલકથા સર્જન કર્યું છે.

                  ઈતિહાસનાં  આ જ  પ્રકરણને કેન્દ્રમાં રાખીને એક નવલકથા ‘ઉદયાસ્ત-દ્વારકા સોમનાથ’ પ્રગટ થઇ છે. આ નવલકથાના લેખક શ્રી નીપેશ પંડ્યા આમ તો વિજ્ઞાન શાખામાં ભણી, ઇલેક્ટ્રોનીક્સ ઈજનેરની પદવી પ્રાપ્ત કરી, હાલ અમદાવાદમાં એક સોફ્ટવેર કંપનીમાં કાર્યરત છે. તેમની આ નવલકથામાં વિષયવસ્તુ સોમનાથ મંદિર તોડી પડાયું એ જ છે પણ એક અલગ દૃષ્ટિ અને નૂતન જ  કલ્પના સાથે એનું સર્જન કર્યું છે.  ત્રિવેણી સંગમરૂપ ભૂમિકા ઘણી રસપ્રદ છે. એક વખત લેખક પ્રભાસ-સોમનાથ ગયા અને ત્યાં હજુ બંધાતાં મંદિરને જોઈ ભણવામાં આવી ગયેલો ઈતિહાસ સામે આવ્યો અને એમાંથી ગઝની બહાર આવ્યો. એ જ સમયે પ્રશ્ન થયો કે આશરે હજાર વર્ષ પહેલાં વિક્રમ સંવત ૧૦૮૨ (ઈ.સ.૧૦૨૬)માં આ મંદિર તૂટ્યું. પણ વાત માત્ર આટલી જ ન હોય. શિવલીંગને બચાવવા પ્રયત્ન થયા હોય. અને દિવ્ય શિવલિંગ આવું તો ન હોય તો એ ક્યાં કોને સંતાડયું હશે? પછી જ્યારે સોમનાથનાં દર્શને આવવાનું થાય ત્યારે દરેક વખતે નવા વિચારો અને કલ્પના મળ્યાં. આ પહેલો પ્રવાહ. તે પછી દ્વારકા મંદિર પ્રથમ વખત જવાનું થયું. એના ઇતિહાસમાં  જતાં જાણવા મળ્યું કે આ મંદિરનું બાંધકામ વિ.સં. ૧૨૦૦ (ઈ.સ. ૧૧૪૪)નીં આસપાસનું છે એટલે એક ચમકારો થયો કે જો આ મંદિર બનાવાયું  તો એનું શું પ્રયોજન હશે? અહીં બીજો પ્રવાહ ઉદભવ્યો અને એ પછી જયારે સોમનાથ ગયા ત્યારે સવારના સોનેરી તડકામાં સોમનાથ મંદિર જાણે સંપૂર્ણ સુવર્ણનું ભાસ્યું  અને એ સાથે જ વિચારોમાં સુવર્ણ દ્વારિકાએ પણ સાથે જ પ્રવેશ કરીને  પ્રશ્ન ઝબકાવ્યો કે શું એ સમયે સુવર્ણની દ્વારિકા અસ્તિત્વમાં હતી જેને ગઝની લૂંટવા આવ્યો હતો? અને પહેલીવાર શિવ વિષ્ણુનાં જોડાણની કલ્પનાએ  ત્રીજા પ્રવાહ રૂપે ભળીને એ વિષયવસ્તુનાં કથાનક માટે ભૂમિકારૂપ ત્રિવેણી સંગમ રચી આપ્યો.

            આપણે  જોયું તેમ ગઝનીનાં સોમનાથ પરનાં આક્રમણની આસપાસ વણાયેલી આ નવલકથા પ્રભાસ ક્ષેત્ર પાસે  આવેલ દ્વારકા ગામમાં રહેતાં અભો, ચંપા, લખો, ગામનો મુખી ગીગો, આચાર્ય તરીકે જ ઓળખાતા સોમનાથ મંદિરની સેવાપૂજા અને એ તીર્થક્ષેત્ર સંભાળતા અલકનંદેશ્વર, બહુ જ મહત્વનાં એક  પાત્ર નવયુવાન સંન્યાસી યોગી શંકર, તુર્ક સૈન્ય સાથે રહેલ રાજપૂત સરદાર હમીરસિંહ અને અંતે પ્રવેશ પામતો મોહમ્મદ ગઝની વગેરે જેવાં મુખ્ય પાત્રોના સંગાથે ઘટનાઓના તાણાવાણા ગૂંથતી આગળ વધે છે. કથા કૈંક આવી છે. આમ તો સોમનાથ મંદિરનાં સોંપાયેલા વિવિધ સેવાકાર્ય સંભાળતું આખું ગામ દ્વારકા, દર પૂનમે સોમનાથ મંદિરે જાય જેને ‘પૂનમ ભરવી’ એમ કહેવાતું. પણ અભાને વંશપરંપરાથી અબોટણાં-નાની ઉંમરથી કોઈ ચોક્કસ પ્રકારનું કામ કરવા માટેની તાલીમ- અપાયેલ એ પ્રમાણે  આખું ગામ જયારે પૂનમ ભરવા જાય ત્યારે અભો અને એનો પિતરાઈ  ભાઈ લખો વિચિત્ર ધારદાર કાંટા ભરેલા માર્ગેથી વંશપરંપરાથી મળેલાં  રક્ષણનાં  અને અન્ય સાધનો, સરંજામ સાથે દરિયા તરફ જતા, ત્યાં આવેલી દીવાદાંડીના  દીવામાં તેલ પૂરી, દરિયામાં ઊંડે જઈ ત્યાં જળમાં સમાયેલી સોનાની દ્વારકામાંથી સોનું, હીરામોતી વગેરે સામાન લાવવાની ખેપ કરતા અને બીજે દિવસે સોમનાથ મંદિરના આચાર્યને એ બધું  સોંપતા. એના બદલામાં ગામલોકોને જીવનયાપન માટેની વ્યવસ્થા  થતી.

હમણાં થોડા વખતથી સોમનાથમાં રાજવીઓની અવરજવર વધેલી અને  કૈંક અલગ જ ચર્ચા થતી જોઈ અભો આચાર્યને પૂછે છે ત્યારે ખબર પડે છે કે તુર્કસ્તાન બાજુથી એનો સુલતાન મોટું આક્રમણ લઈને આવી રહ્યો છે. અભાને પોતાને લગ્નનાં ચૌદ વર્ષ પછી પણ સંતાન નથી એની પીડા છે અને બીજી બાજુ પૂનમને દિવસે ગ્રહણ હોય તો દીવાદાંડીએ ન  જવાનો નિયમ હોવા છતાં ગામનો મુખી ગીગો અભાને આચાર્યએ જવાનું કહ્યું છે એવો ખોટો સંદેશો આપે છે. આ ખેપ દરમિયાન પિતરાઈભાઈ લખો ઘાસમાં કપાઈ  જાય છે અને જયારે આચાર્યને મળતાં અભાને સાચી વસ્તુની ખબર પડે છે ત્યારે અભાને ગીગા પર ક્રોધ આવે છે. એ જ સમયે આચાર્ય અભાને સંતાન ન હોવાથી અન્ય કોઈને અબોટણા કરાવી ખેપ માટે બીજાને તૈયાર કરવા સમજાવે છે પણ અભાનું મન માનતું નથી. ગીગો અને અભો પરત દ્વારિકા આવતા હોય છે ત્યારે રસ્તામાં આજ વાતને લઇ ગીગો અભાને  એની નબળાઈ માટે મહેણાં મારે છે. અભાને ગીગા પર ગુસ્સો આવતાં મારી પણ બેસે છે. આ પરિસ્થતિમાં અભો અકળામણ અનુભવે છે. એનામાં દીવાદાંડી માટે માલિકીભાવ જાગે છે. ખેપનો અધિકાર ઝુંટવાય નહીં એ માટે  આચાર્ય અને ગીગો બંને ડરે એવું કૈંક કરવું જોઈએ અને એ સાથે જ એના મનમાં તુરખનું નામ ઝબકે છે. એ તરત ગામ છોડીને ભાગે છે. ગીગાને ખબર પડતાં એ તરત ચંપાને લઇ આચાર્ય  પાસે પહોંચી, એમને બધી વાત કરે છે જેમાં  સાથે ઝગડો થયો એ  બધી વાત સાંભળી, અભો પછી શું કહેતો એ પૂછ્યું. એટલે ગીગાએ કહ્યું કે એ કહેતો કે દીવાદાંડી મારી નહીં તો કોઈની નહીં. પછી કોઈ સામંતને મળ્યાની અને તુરખ ચડી આવશે, મંદિર તૂટશે તે દી’ અભો શું છે એ ખ્યાલ આવશે એવું બોલતો  એ વાત પણ યાદ કરે છે જે સાંભળીને  આચાર્યનાં ભવાં ખેંચાય છે. છેવટે ગીગાને પણ પશ્ચાતાપ થાય છે. એ ચંપાને લઈ પાછો ફરે છે.

                  અભાની  ભાગી જવાની ઘટનાથી અને  દિવસે દિવસે તુર્કના સમાચારથી વિકટ થતી પરિસ્થિતિથી વ્યથિત આચાર્ય એમાંથી  માર્ગ કાઢવા ઉપરના ખંડમાં એકાંતમાં ધ્યાનમાં બેસું છું મને કોઈ બોલાવશો નહીં એવું કહી, એમના પિતાએ એક પુસ્તકની વાત કરેલી એ ખોલીને વાંચે છે. અહીં એક યોગી સંન્યાસીનાં પાત્રના પ્રવેશ સાથે નવલકથા નવો જ વળાંક લે છે. પછીની બધી ઘટનાઓ નવલકથાના પ્રવાહમાં રહીને જાણવી જ વિશેષ રસદાયક બની રહેશે. એટલે એ અહીં ઉઘાડવી નથી.

                     આખીયે નવલકથા ત્રણ ખંડમાં વહેંચાયેલી છે. પ્રથમ ખંડમાં અભો, ખેપ, સોમનાથ મહાદેવનાં દર્શન વગેરે ઘટનાઓ, બીજા  ખંડમાં લખાનું કપાવું, ગીગા અને અભાનો ઝગડો, અભાનું  ભાગવું, આચાર્યની સમાધિ,  પુસ્તકમાંથી શંકરનો પરિચય અને એમણે દરિયા નીચે શોધેલી દ્વારકા, અને તે પરથી સોમનાથ મંદિરને સુવર્ણનું બનાવવાની કાયમની વ્યવસ્થા માટેની દીર્ઘદૃષ્ટિ વગેરે અને કેટલાંક વિશિષ્ટ દર્શન અને યોજનાઓ આ બાબતો જાણે ભવિષ્યની દૃષ્ટિએ ચોક્કસ  આયોજન જેવી લાગે છે. અંતિમ અને ત્રીજા ખંડમાં તો મોટે ભાગે યુદ્ધ અને મંદિર ભંજનની કથા છે પણ એમાં સ્પર્શી જતી બાબત અભાનું પરત આવવું, પશ્ચાતાપ અને આચાર્યની યોગી શંકરની દૃષ્ટિને આધારે મૂળ દિવ્ય શિવલિંગ અને સોમનાથ મંદિરને મઢેલા હીરા મોતી અને સુવર્ણને બચાવવાની, આક્રમણખોરનું ધ્યાન અન્યત્ર વાળવા નવું દ્વારકા ગામ વસાવવું, એક ભવ્ય મંદિરનું નિર્માણ અને શોધ વગેરે માટે આચાર્યની દીર્ઘદૃષ્ટિપૂર્ણ  યોજના આપણને આશ્ચર્ચચકિત કરી દે છે.

                          આ વિષયવસ્તુને લઈને લખાયેલી નવલકથા કરતાં આ નવલકથા ઘણી જુદી પડે છે. એક તો કોઈ એક જ શાસનકર્તા આ યુદ્ધ કરે અને બીજા રાજાઓ જોડાય એને બદલે લેખકે સોમનાથ મંદિરના આચાર્યની યોજના કે વ્યૂહ પ્રમાણે  આસપાસના રાજાઓ આ તીર્થની રક્ષા માટે જોડાય એવી કલ્પના કરી, સોમનાથ તીર્થનું મહત્વ પ્રસ્થાપિત કર્યું છે. વળી એમણે એવું પણ  દર્શાવ્યું છે કે સોમનાથનું મૂળ  દિવ્ય શિવલિંગ તૂટતું જ નથી પણ એની સામાન્ય પ્રતિકૃતિ જ તૂટે છે. એ સાથે સોમનાથ તીર્થની મૂલ્યવાન સંપત્તિ ગઝનીના હાથમાં આવતી  જ નથી. શિવલિંગ અને એ બધું આચાર્ય કેટલાક રાજાઓની સહાયથી ત્યાંથી અન્યત્ર મોકલી દે છે  એ માટે સંન્યાસી શંકરની દીર્ઘદૃષ્ટિની પાછળનું રહસ્ય સમજી સમગ્ર વ્યવસ્થાને વ્યાવહારિક રૂપ આપે છે. વળી, સંશોધનને આધારે અન્ય દ્વારકા હોવાનાં તારણોને સાંકળીને સોમનાથની બાજુમાં જ દ્વારિકા ગામ, અને એની પાસેના  દરિયામાં ડૂબેલી સોનાની દ્વારિકા તેની ખેપ વગેરેની આસપાસ કથા ગૂંથી છે એટલું જ નહીં, શંકરનાં પાત્ર દ્વારા આ આખાંયે ચિત્રને કથામાં સુરેખપણે પ્રગટ કર્યું છે. આમ લોકોમાં પ્રચલિત માન્યતા, સંશોધનો વગેરેને  એક અભિનવ કલ્પના દ્વારા કથામાં ઢાળી અન્ય કરતાં જુદી રીતે વિષયવસ્તુને પ્રસ્તુત કર્યો છે. અભો જ્યારે ખેપ માટે જાય ત્યારે રસ્તામાં આવતા ધારદાર કાંટા આપણને યાદવો અંદર અંદર જે કુશથી   યાદવાસ્થળીમાં કપાઈ ગયા એ પૌરાણિક કથાનું સ્મરણ કરાવે છે. લેખકની કલ્પનાનું ઊંડાણ અહીં જોવા મળે છે !

                  બધાં જ પાત્રો કથાને યોગ્ય રીતે આગળ વધારવા સમાન ભાગ ભજવે છે. પહેલાં ગઝનીના સૈન્યમાં જોડાયેલા અને પછી અભાની ગેરસમજ દૂર થતાં સોમનાથ બચાવવા મેદાને પડતા હમીરજીનું ઐતિહાસિક પાત્ર કથામાં સહજ રીતે લેખકે ગોઠવ્યું છે. પણ આ બધામાં મને  શંકરનું પાત્ર ઘણું કેન્દ્રવર્તી અને કથાને ઘાટ આપવા વધારે સચોટ બનાવવા અને પ્રવાહને કોઈ આંચકો આપ્યા વિના, વાચકને સહજ  લાગે એ રીતે એકધારી ગતિ જાળવીને  વળાંક આપતું જણાયું છે. આ યોગી સંન્યાસીમાં  દેશની ચારે દિશામાં મઠ  સ્થાપી, ભારતના જ્ઞાન વારસાને સાચવી, ધર્મ અને સંસ્કૃતિની પરંપરા અખંડિત રાખી, સમગ્ર દેશને એક  સૂત્રમાં જોડવા મથેલા પ્રતિભાશાળી આદ્ય શંકરાચાર્યનું આપણને દર્શન થાય. એમણે દ્વારકામાં સ્થાપેલા મઠની જેમ નવલકથાના સંન્યાસી શંકર પણ ત્યાં આશ્રમ સ્થાપતા દર્શાવ્યા છે.

                  નવલકથામાં આવતા પ્રસંગો એકધારી ગતિમાં  રસમય રીતે આગળ વધે છે. ઘટનાનાં સ્થળો  એનાં યોગ્ય વર્ણનથી પ્રસંગો તાદૃશ થઈ એને વિશેષ રસમય બનાવે છે. મંદિરના આચાર્ય શંકર વિષે વાંચ્યા પછી યોજનાઓનાં ક્રિયાન્વયન માટે જે ગતિમાં બધું ગોઠવે છે અને બધું પૂરું પણ થાય છે એમાં ઘણી ઝડપ અને ક્યાંક અસ્વાભાવિકતા પણ મને અલબત્ત, વ્યક્તિગત રીતે, લાગી છે.

                    પણ એકંદરે આ નવલકથા ઐતિહાસિક નવલકથાનાં સર્જન માટે ચીલો ચાતરી, નવું જ પરિમાણ સર્જતું લાગે છે એ તો સ્વીકારવું જ પડે. આ કૃતિની બે આવૃત્તિ થઇ છે એ જ એની વાચનપ્રિયતા સિદ્ધ કરે છે. આ કૃતિ બાદ લેખક ગયે વર્ષે ત્રણ જન્મની વાતના  વિષય વસ્તુ સાથે નવી નવલકથા “ઋણાનુબંધ” લાવ્યા છે જે સિદ્ધ કરે છે કે આવા નવીન  વિષયો સાથે લેખક નવલકથાઓ સર્જતા રહી, ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરતા રહેશે  એ આશા અસ્થાને નહીં જણાય.


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

                       

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.