સમાજ દર્શનનો વિવેક : સૂફીસંત સતારબાપુ

કિશોરચંદ્ર ઠાકર

મધ્યયુગની સંતપરંપરાનો પ્રવાહ ભલે ક્યારેક ક્ષીણ  થતો ચાલ્યો હોય અથવા  ક્યારેક તેનું સ્વરૂપ બદલાયું હોય, પરંતુ આજ સુધી તે અવિરત ચાલ્યો  છે. કેટલાક સંતોની ઓળખ પછાત વર્ગો પૂરતી સીમિત રહી ગઈ છે, તો કેટલાક સમાજના નીચલા અને ઉપલા વર્ગ વચ્ચેની સાંસ્કૃતિક કડી  બનીને રહ્યા છે. આપણા ભદ્ર સમાજમાં એક મોટો વર્ગ એવો છે કે જે આ સંતોને  ઉપયોગિતા વિનાના અને સમાજને ભારરૂપ ગણવાને કારણે તેમની આખી દુનિયાથી જ અજાણ છે. પરંતુ આમાંના ઘણાબધાએ વખતોવખત  ગામડાંઓમાં અને ખાસ કરીને  નીચલા મનાતા થરના લોકોમાં એક પ્રકારે જીવનરસ સીંચ્યો છે તેમ જ લોકજીવનને ધબકતું રાખ્યું છે. શાસ્ત્રો અને પુરાણો છેવાડાના લોકો સુધી પહોંચાડવાનું શ્રેય તેમને જ જાય છે. ગામોગામ જે  ભજનમંડળીઓ જોવા મળે છે, તેમાં આવા કોઈ ને કોઈ સાધુસંત નિમિત્ત બન્યા હોય છે. એ રીતે તેમનું  સાંસ્કૃતિક પ્રદાન પણ છે. સમાજના બીજા વર્ગોની જેમ આ સમાજ પણ દોષમુક્ત તો નથી જ. ચરસગાંજાના વ્યાપક  વ્યસન ઉપરાંત અનેક દોષો  તેમનામાં દેખાયા છે, જેનો કોઈ જ બચાવ  નથી. છતાં તેમનાં જીવનનાં અનેક ઉજળાં પાસાં છે. દેશદેશાંતરનાં તેમનાં ભ્રમણથી તેમણે મેળવેલાં જ્ઞાનનું આદાનપ્રદાન કરતા હોવાથી સ્વામી આનંદે આ સમુદાયને સંસ્કૃતિનો વણઝારો કહ્યો છે. હિંદુમુસ્લિમ એકતા સાધવામાં અને અસ્પૃશ્યતા દૂર કરવામાં તેમણે  આપેલા ફાળાની વ્યાપક સમાજે નોંધ લીધી નથી.  કાળના પ્રવાહમાં લુપ્ત થઈ રહેલા આ સંતસમુદાયમાં ગઈ સદીમાં જ થઈ ગયેલા પુનિત મહારાજ, અનવર મિયા, રામબાપા ગોદડિયા, રણછોડગિરી, છોટુશા,  બટુક સ્વામી વગેરે નામો  આજે પણ એક ખાસ વર્ગમાં જાણીતાં છે. આ બધા જ સંતો સાથે જોડાઈને રહ્યા પછી પણ પોતાનાં સૂફી સંસ્કારો, અસ્પૃશ્યતા વિરોધી તથા હિંદુમુસ્લિમ એક્તા અંગેના પોતાના મૌલિક વિચારો જેમણે પોતાના નૈસર્ગિક કવિત્વ દ્વારા પ્રગટ કરીને આગવી છબી ઉપસાવી છે તેવા  સતારબાપુના નામે જાણીતા સૂફીસંત સતારશાહ ચિશ્તીનો પરિચય આપવા અહીં પ્રયાસ કર્યો છે.

કચ્છ માંડવી આશ્રમના નારાયણ સ્વામીનાં ભજનો જેમણે સાંભળ્યાં છે તેમાંના બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે આમાનાં ઘણાંખરાં ભજનો સતારબાપુએ રચ્યાં છે. તેમનો જન્મ ઈ. સ. ૧૮૯૨માં રાજપીપળામાં થયો હતો, ચોક્કસ તારીખની તો તેમને પોતાને પણ ખબર નહોતી. પિતા ખેરત ગુલખાન અફઘાનિસ્તાનથી  રાજપીપળા આવીને  સ્ટેટના પઠાણબેડાના જમાદાર બન્યા હતા. પરંતુ સતારબાપુની ત્રણ માસની ઉંમરે જ તેઓ અવસાન પામ્યા. નાની જાનબેગમના સૂફી સંસ્કાર સતારબાપુમાં ઉતરેલા. બાળપણમાં જ તેમનામાં કાંઇ સત્ત્વ દેખાતાં રાજપીપળાના મહારાજાના નાના ભાઈ દિગ્વિજયસિંહે પોતાની પાસે બોલાવી લીધેલા અને દેખભાળ કરેલી. ૧૬ વર્ષની ઉંમરે સતારબાપુએ દેશી નાટક સમાજમાં નટ તરીકે કામ કરેલું! પરંતુ છ મહિના બાદ એમની ચિત્તવૃત્તિને રંગભૂમિ માફક નહીં આવતાં એ છોડી દીધેલી. ૧૯૧૪માં સતારબાપુનાં લગ્ન થયાં. એ જ વર્ષમાં એક દિવસે ગુજરાતના એ વખતના ખૂબ જાણીતા સૂફી સંત અનવર મિયા વડોદરા પધાર્યાની  જાણ થતાં પોતે  તેમને  મળવા પહોંચી ગયા. અનવર સાહેબથી પ્રભાવિત થઈને તેમના શિષ્ય બનવાની ઇચ્છા પ્રગટ કરી. લોકવાયકા પ્રમાણે અનવર મિંયાએ પોતે પીધેલા પાણીના  પ્યાલામાંથી બે ઘૂંટડા સતારબાપુને પીવા કહ્યું અને સતારબાપુ પી ગયા. પછીથી તેમને થયેલી અનુભૂતિને શબ્દદેહ આપીને તેમણે  અનેકવાર ગાયું છે –

‘એવી પ્યાલી પીધી મેં તો તો સદ્‌ગુરુના હાથે
પીતાં મારે પ્રીત બંધાણી મારા પ્રીતમજી સંગાથે’

આમ છતાં સતારબાપુએ ફકીરીની વિધિવત દીક્ષા તો બીજે વર્ષે એટલે કે ઈ. સ. ૧૯૧૫માં લીધી. પછી તો તેમણે અનેક ભજનો અને ગઝલો રચ્યાં જેમાં ઈશ્વરપ્રીતિ તો છે જ ઉપરાંત અસ્પૃશ્યતાનો વિરોધ, સર્વધર્મ સમભાવ, કર્મકાંડો અને દંભીપાખંડી સાધુઓ પર પ્રહાર પણ જોવા મળે છે.

 એમની રચનાઓને જ્યાં સુધી નારાયણ સ્વામીનો કંઠ મળ્યો ન હતો ત્યાં સુધી એટલી જાણીતી થઈ ન હતી. એમાંની કેટલીક તો તેમના અવસાન બાદ જાણીતી થઈ. જો કે તેમનાં ભજનસંગ્રહ ‘સતાર ભજનામૃત’ની અનેક આવૃત્તિઓ થયેલી. તેમાંની ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના તો ગુજરાતના જાણીતા સાક્ષર અને સુધારક શ્રી રમણભાઈ નીલકંઠનાં પત્ની અને ગુજરાતનાં પ્રથમ મહિલા સ્નાતક એવા શ્રીમતી વિદ્યાગૌરી નીલકંઠે લખેલી!

મુસ્લિમ હોવાં છતાં તેમને હિંદુ ધર્મનો સારો એવો અભ્યાસ હતો. આથી તેમની રચનાઓમાં ગઝલો અને ભજનો બન્ને જોવા મળે છે.  તે સમયે રાજપીપળા સ્ટેટનો સંબંધ ભાવનગર રાજ્ય સાથે હતો. આથી સતારબાપુને અવારનવાર ભાવનગર જવાનું થતું અને એ  વિસ્તારમાં તેમનાં ભજનોના કાર્યક્રમો થતા.

રાજપીપળાના સ્થાનિક લોકો તો સતારબાપુને ભાગ્યે જ જાણે છે. પરંતુ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર જિલ્લામાં તેમનો પ્રભાવ આજે પણ છે. ત્યાંના દિવાન પ્રભાશંકર પટ્ટણીનાં ધર્મપત્ની રમાબેન પટ્ટણી તો બાપુનાં શિષ્ય સમાન બની ગયેલાં. પટ્ટણી સાહેબે પોતે પણ પોતાને ત્યાં એક પ્રસંગે સતારબાપુનાં ભજનો ગોઠવેલાં અને બાપુની વાણી સાંભળીને  ખુશ થઈ ગયેલા. જૂનાગઢ રાજ્યમાં પણ બાપુને આમંત્રણ મળેલું અને  તેમનાં ભજનો થયેલાં. 

રજવાડાંઓમાં અને મોટા હોદ્દેદારોના આમંત્રણો તો તેમને  મળ્યા જ કરતાં. ભાવનગર, રાજકોટ, જામનગર,  સુરે‌ન્દ્રનગર વગેરે લગભગ સૌરાષ્ટ્રનાં તમામ નાનાંમોટાં શહેરોમાં બાપુનાં ભજનોના  જાહેર કાર્યક્રમો એક કરતાં વધારે થયેલાં. પરંતુ પ્રાથમિકતા તો તેમની સામાન્ય માણસો વચ્ચે જઈને વાણી બોલવાની હતી. તેમનાં ભજનો જ્યાં હોય ત્યાં ગામોગામથી લોકટોળાં તેમને સાંભળવા ઉમટતાં. બરવાળા(ઘેલાશા) તો તેઓ અવારનવાર  જતા અને ભક્તિરસ રેલાવતા.

બાપુ એક વાર બરવાળા પાસેનાં રોજીદ ગામે એક સદ્‍ગૃહસ્થના મહેમાન બનેલા. યજમાને બાપુની વાણી સંભળવાની ઇચ્છા પ્રગટ કરી, પરંતુ સાથે કોઈ તબલાવાદક હતા નહિ.  ગામમાં માત્ર એક જ તબલાવાદક હાજર હતા અને તે પણ એક  હરિજનનો છોકરો. હવે એ જમાનો તો હાડોહાડ અસ્પૃશ્યતાનો હતો.  યજમાને દલિતને પોતાના ઘરે બેસાડવામાં નારાજગી દર્શાવી તો બાપુ સીધા જ પહોંચી ગયા રોજીદના હરિજનવાસમાં.  ત્યાં તેઓ  સૌ પ્રથમ જે ભજન બોલ્યા, એ તેમનાં શીઘ્ર કવિત્વનો નમૂનો તો છે જ ઉપરાંત  સૂફીદર્શન  સાથેના અસ્પૃશ્યતા વિરોધી વિચારોનું પ્રાગટ્ય પણ  છે. આ રહ્યું એ ભજન:   

“અમને અડશો મા અભડાશો, પછી ક્યાં નાવાને જાશો?….
અમને અડશો મા અભડાશો.

ન્યાત જાતનાં બંધન છૂટયાં, છૂટી જૂઠી લાજ,
ગુરુ પ્રતાપે અમને મળીયું પ્રેમ નગરનું રાજ….
અમને અડશો મા અભડાશો.

અભડાવાની જો બીક ન હોય તો આવો અમારી પાસે,
ન્યાતીલા સહુ નિંદા કરે તો પાપ બધાં ધોવાશે….
અમને અડશો મા અભડાશો.

ન્યાતીનાં જૂઠાં બંધન માંહી કદી નહી બંધાશું,
સર્વાંગી બની સર્વ સ્થળે અમો પ્રેમી થઈને જાશું….
અમને અડશો મા અભડાશો.

પ્રેમ પંથના અમે પ્રવાસી પ્રેમી નામ અમારું,
વ્હેમની વાટે કોણ જાય જ્યાં જણાય હું ને મારું….
અમને અડશો મા અભડાશો.

ઊંચનીંચના ભેદ ભૂલી ને સંપીલા થઈને ફરશું,
સતસેવા સતકર્મ કરી ને અમર વર ને વરશું….
અમને અડશો મા અભડાશો.

ઊંચનીચના ભેદને ભૂલે તે સાચું સુખ માણે,
દાસ સતાર કહે સમજાવી અભિમાની શું જાણે? …..
અમને અડશો મા અભડાશો.”

ધંધુકા પાસે ભાલપ્રદેશમાં એ વર્ષોમાં બે સંતોનાં નામો જાણીતાં હતાં.  એક ફકીર છોટુશા તથા બીજા સંન્યાસી બટુક સ્વામી. એક મુસ્લિમ અને બીજા હિંદુ. બન્નેને  હિંદુ અને મુસ્લિમ શિષ્યો હતા.  તેઓ લગભગ સાથે જ વિચરણ કરતા. હિંદુમુસ્લિમની સંતોની આ જોડી સાંઈગોસાંઈની કંપની તરીકે જાણીતી હતી! આજે  આપણે જ્યારે હિંદુ અને મુસ્લિમ ધર્મગુરુઓને સમાજમાં ધાર્મિક નફરત ફેલાવતા જોઈએ છીએ ત્યારે આવી સાંઈગોંસાઈની કંપનીની કલ્પના પણ નથી કરી શકતા. આ કંપનીનાં આમંત્રણથી સતારબાપુ ભાલમાં પધારેલા. એ વિસ્તારમાં દરિયાકિનારે છેવાડે રાહતળાવ નામનું ગામ છે. ત્યાં જવાઆવવા માટે  રોડ રસ્તા પણ ન હતા. ગામમાં વસ્તી તળપદા કોળીની અને લગભગ  તમામ ગરીબ અને નિરક્ષર. સાંઈગોસાંઈના આગ્રહથી બાપુએ આ ગામે પણ ભજન કરેલા. પછીથી ત્યાં શરૂ થયેલી ગામની ભજનમંડળીમાં આજે પણ બાપુનાં રચેલાં ભજનો બોલાય છે. એવું જ નજીકમાં આવેલા મુસ્લિમ વસ્તી ધરાવતા  ઉમરગઢ ગામનું  છે. ત્યાંના ઉસમાન ભગત બાપુના ખાસ શિષ્ય બની ગયેલા. આજે તો તેઓ હયાત નથી, પરંતુ સતારબાપુ ૧૮.૨.૬૬ ના રોજ જન્નતનશીન થયા પછી ઉસમાન ભગતે દર વર્ષે તેમની પુણ્યતિથિએ ઉમરગઢ ખાતે ભજનો રાખવાની પ્રણાલિકા તેમના અવસાન પછી તેમના દીકરાએ આજે પણ ચાલુ રાખી છે.  ઠેરઠેરથી બાપુના ચાહકો આ દિવસે ઉમરગઢ આવે છે.

કોઈ એક ક્ષેત્રના બે દિગ્ગજો વચ્ચે હરિફાઈ અને ક્યારેક ઈર્ષ્યા પણ જોવા મળતી હોય છે. એમાંય  સાધુસંતોમાં તો કેટલીક વાર પિતરાઈઓના ખાર જોવા મળ્યા  છે. પરંતુ એ વર્ષોમાં ભજનકીર્તનનાં  જગતમાં આગળપડતા એવા પુનિત મહારાજ અને સતારબાપુની તો વાત જ નિરાળી હતી. બન્ને પોતાની રચનાઓ બોલતા. એકબીજા પ્રત્યે તેમનો આદરભાવ તો હતો જ ઉપરાંત એકબીજાની વાણી સાંભળવા પણ તત્પર રહેતા, જેનો ખ્યાલ બરવાળા પાસે આવેલા ભીમનાથ ગામે બનેલા એક પ્રસંગ પરથી આવે છે.

બન્યું એવું કે એ દિવસે  સતારબાપુ બરવાળા પધારેલા અને જાણ્યું  કે   ભીમનાથ ગામે પુનિત મહારાજનાં ભજનો છે. બાપુને પુનિત મહારાજની વાણી સાંભળવી હતી, પરંતુ  ડર એ હતો કે  પુનિત મહારાજને તેમની હાજરીનો ખ્યાલ આવી જાય  તો   પોતાને   ભજન સાંભળવાને બદલે બોલવાં પડશે. આથી તેઓ શ્રોતાઓમાં એવી જગ્યાએ  બેઠા કે જયાં પોતે મહારાજની નજરે ન ચડે. પરંતુ થવાનું હતું તે થઈને રહ્યું. ગમે તે રીતે પુનિત મહારાજને ખ્યાલ આવી ગયો કે શ્રોતાઓમાં સતારબાપુ છે. આથી  તેમણે સતારબાપુને ઉદેશીને કહ્યું “હરિના ભગત આમ ચોરની જેમ ના આવે”! પછીથી આગ્રહ કરીને તેમને સ્ટેજ પર બોલાવી લીધા. કહેવાની જરૂર નથી કે વાણી તો પછી સતારબાપુની જ થઈ.    

અહીં સતારબાપુનાં જીવનની ઝાંખી કરાવવા કરતા  અસ્પૃશ્યતા અને  જ્ઞાતિના બંધનો શિથિલ કરવામાં તેમજ  હિંદુમુસ્લિમ વચ્ચેના સબંધો દૃઢ કરવામાં તેમણે આયાસ કે અનાયાસ આપેલા પ્રદાનને ઉજાગર કરવાનો હેતું વિશેષ છે. એમનો સુવર્ણકાળ તો પાકિસ્તાનની રચના પહેલા  દેશમાં બે કોમો વચ્ચે ખૂબ વધી ગયેલા તણાવના દિવસોનો હતો. એવે વખતે તેમણે ભલે ભજનકીર્તન કરીને પણ તેમના પ્રભાવ નીચે આવેલા લોકોમાં સહહૃદયતા સાથેનો કોમી સંવાદ વધારવાના કરેલાં કાર્યનું મૂલ્ય આપણે આંકવું જ રહ્યું. દેશના ઈતિહાસકાળમાં ક્યારેય નહોતું એટલું વ્યાપક અને ઊંડુ ઊતરી ગયેલું કોમી વૈમનસ્ય જોવા મળે છે,  ત્યારે ભૂતકાળમાં થઇ ગયેલા આ પ્રકારના અન્ય સાધુ,  સંત કે ભગત જે કાંઈ કહીએ તેમને પ્રસિદ્ધિ આપવી જરૂરી છે. આજે પણ ક્યાંક ક્યાંક આવા પ્રભાવી પુરૂષો હોઈ શકે છે. તેમને વ્યાપક સમાજમાં પ્રસિદ્ધિ અને પ્રોત્સાહન આપીને સમાજમાં કોમી સંવાદિતા વધારવામાં સેતુ અર્થે ખિસકોલી જેટલો પ્રયાસ પણ થવો ઘટે. આ લેખને એવો એક પ્રયાસ ગણું છું.(આ લેખ માટે બરવાળા સ્થિત માનનીય નટુભા ઝાલાએ આપેલી માહિતી તેમજ તેમણે જ મેળવી આપેલી પુસ્તિકા ‘સતાર સ્મૃતિ’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે માટે તેમનો તથા પુસ્તિકા સંયુક્ત રીતે લખનાર લેખકો સ્વ. કાન્તીલાલ લલ્લુભાઈ પટેલ, સ્વ. પ્યારઅલીભાઈ હરખજીભાઈ , અબ્દુલમજીદ અબ્દુલસત્તાર અને ભીખાભાઈ મોહનભાઈ લાખાણીનો આભાર માનું છું.

ઈગોંસાઈની વિગતો આપવા બદલ ધોલેરાના પ્રફુલભાઈ ઠાકરનો પણ આભાર માનું છું.
જેમની સહાય વિના આ લેખ હું લખી જ ના શક્યો હોત એ માનનીય નટુભા ઝાલાનો મારે સવિશેષ આભાર તો માનવો જ રહ્યો, ઉપરાંત તેમના રસ, રૂચિ અને કામગીરીનો ઉલ્લેખ સરખો પરિચય આપવો પણ જરૂરી લાગ્યો. બરવાળામાં રહેતા નટુભાના જીવનમાં સંતવાણી અને સંતપ્રેમ વણાઈ ગયાં છે, આ બાબતે તેઓ નીરક્ષીર વિવેક તો ધરાવે જ છે. ભજનિકો અને તેમની સાથેના વાદકોને આજુબાજુના વિસ્તારોમાંના ખૂણેખૂણેથી શોધીને તેમનાં સન્માન પણ કરે છે, આ જ ઉપક્રમમાં -લેખમાં જે હરિજન ભાઈનો ઉલ્લેખ છે- તે રોજીદના તબલાવાદક ભાણદાસનું પણ તેમણે સન્માન કરેલું. ભાણદાસ 2010માં મોટી વયે આવસાન પામ્યા.

એક મહત્વની વાત લેખ સાથે સામેલ સતાર બાપુના મૂળ અવાજના ઓડિયો રેકોર્ડિંગની કરવી રહી. નટુભાને સતારબાપુના મૂળ અવાજવાળી જૂના જમાનાની થાળી રેકોર્ડ મળી આવી અને તે વગાડવા માટેનું ઉપકરણ(રેકોર્ડ પ્લેયર) શોધવા તેમણે ઘણા પ્રયાસો કર્યા. છેવટે અમદાવાદનાં ગુજરી બજારમાંથી તેમને આ ઉપકરણ મળી આવ્યું અને વેચનાર પાસે પુન:ધ્વનિમુદ્રણ કરાવ્યું. )


શ્રી કિશોરચંદ્ર ઠાકરના સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: Web Gurjari

20 thoughts on “સમાજ દર્શનનો વિવેક : સૂફીસંત સતારબાપુ

 1. બહુ જ સરસ સંત પરિચય . બહુ ઓછા ગુજરાતીઓ આવી વિભૂતિઓ વિશે જાણતા હશે . વેબ ગુર્જરી કિશોરભાઈ ઠક્કરનો આભાર – એમનો પરિચય આપ્યો

 2. બિલકુલ નવા સંત નો પરિચય થયો. નિરમળ અવાજ સાભળવા મળયો .
  ખુબ ખુબ આભાર,કિશોરભાઈ !

 3. ખૂબજ અજાણી વાતો જાણવા મળી. લખવામાં તમારી હથોટી સારી છે.

 4. ખુબ અભ્યાસપૂર્ણ માહિતી. ગમ્યું. કાનુડો કાળો કાળો અને મોરલી સાંભળવા ગમ્યા.

 5. નમસ્કાર બાપુ,
  જય સતાર સાહેબ
  બાપુ આ લેખને લઈને મારે તમારી સાથે કોન્ટ્રાક્ટ કરવો છે
  કે જેથી સતાર બાપુ નું નામ વધારે પ્રચલિત કરી શકાય.

  મારો વોટ્સએપ નંબર : 7990938791

 6. સૂફી સંત સતારબાપુ વિષે નો આપવો લેખ મોડે મોડે પણ વાંચ્યો બહુ ગમ્યો સતારબાપુના જીવનની ઝાંખી તો ગમી પણ અસ્પૃશ્યતા અને હિંદુ મુસ્લિમ વચ્ચેના સંબંધો દ્રઢ કરવામાં તેઓએ આપેલ પ્રદાનને ઉજાગર કરવાનો આપનો હેતુ વિશેષ ગમ્યા

  1. આભાર રેખાબેન, તમે મારો મુદ્દો બરાબર સમજ્યા

 7. આભાર રેખાબેન, તમે મારો મુદ્દો બરાબર સમજ્યા

 8. જેમનું નામ જ માત્ર જાણ્યું હતું તેવા આ ઓલિયાનો વિસ્તૃત પરિચય ખુબ જ હૃદયસ્પર્શી છે. તમારી શૈલીનો પણ એમાં મોટો ફાળો છે.

 9. વાહ….ખૂબ સરસ👌👌👌🙏💐

 10. વાહ, ખૂબ સુંદર રજુઆત છે. અર્થસભર લેખ માટે ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published.