વાંચનમાંથી ટાંચણ : ઘર વિનાના સૌ

સુરેશ જાની

આમ તો આ સત્યકથાનું મૂળ નામ જાળવી રાખીએ તો ‘મારા જેવા જ જુદા’ ( SAME KIND OF DIFFERENT AS ME) રાખવું જોઈએ પણ એનો મક્તા છે – ‘ઘર વિનાના સૌ’

      એમ શા માટે? – એ જાણવા આખી કથા વાંચવી પડશે. એ આખી કથા તો બહુ લાંબી છે. એનું તો ૩૦૦  જેટલા પાનાં વાળું  પુસ્તક લખાયું છે અને ફિલ્મ પણ બની છે. પણ અહીં એનો ટૂંક સાર જ આપી શકાય ને?

      રોન હિલ બહુ સુખી માણસ છે. એના માબાપનું ટેક્સાસમાં મોટું રેન્ચ ( ફાર્મ હાઉસ ) છે. એ પોતે પણ મોંઘી કળા કૃતિઓ વેચવાનો માતબર ધંધો કરે છે.   પણ લગ્નેતર સંબંધના કારણે તેનું લગ્ન ખરાબે ચઢ્યું છે. બન્નેનું  લગ્ન જીવન વિચ્છેદના આરે આવીને ઊભેલું છે,  પણ બે બાળકોના સબબે એ કિનારે આવીને અટકેલું છે. એની પત્ની ડેબોરા( ડેબી)  સૂચવે છે કે, સ્થાનિક દેવળમાં તે સેવા આપે છે –  તે કામમાં રોન મદદ કરે. કદાચ એનાથી એમનું લગ્ન જીવન બચી જાય.

    રોન કમને આ સૂચન કબૂલે છે. આના કારણે એમના જીવનમાં એક અદભૂત વળાંક આવે છે. ઘર વગરના લોકોને ભોજન આપવાની પ્રવૃત્તિમાં રોન તેની પત્નીને મદદ કરવા લાગે છે. એ નિરાશ્રિત લોકોમાંના એક એવા અમેરિકન હબસી ડેનવરની અત્યંત ઘૃણાપાત્ર અને બહુ જ આક્રમક રીતભાત જાણી તેને શરૂઆતમાં તો તેના માટે તિરસ્કાર જ પેદા થાય છે. પણ દૈવી વૃત્તિ વાળી અને માનવતાવાદી ડેબીના સૂચનથી રોન ડેનવર સાથે મિત્રતા કેળવવા પ્રયાસ કરે છે. બન્ને ધીમે ધીમે એકમેકની નજીક આવવા માંડે છે. અને માનવ જીવનની સાવ અજાણી વિવશતા અને કરૂણતા તરફ રોન સજાગ બનવા માંડે છે.

     નાની ઉમરમાં બાપ મરી ગયો હોય અને મા ભાગી ગઈ હોય , તેવા ડેનવરને તેના બાપની માએ  ઉછેર્યો હતો. ઘરમાં આગ લાગતાં  તેણે દાદીનો સહારો પણ ગુમાવી દીધો અને તેનું બાળપણ અસહ્ય દુઃખના ગર્તામાં સરી ગયું. લુઇસિનિયાના એક પ્લાન્ટેશનમાં લગભગ ગુલામી કહી શકાય તેવી મજૂરી; ગોરા ત્રાસવાદીઓનો જુલમ, ત્યાંથી ભાગીને ન્યુ ઓર્લિયન્સમાં રસ્તા પર રઝળપાટ અને ગુનાખોરીથી ગુજરાન ચલાવતો કિશોર  અને ગુનો કરતાં પકડાતાં લાંબા સમય માટે જેલ નિવાસ. આમ ડેનવરનું  જીવન હતાશા અને દુર્દશાની ખાઈમાં નીચે ને નીચે અધઃ પતન કરતું રહે છે.

      નિષ્ઠુર અને પથ્થર જેવા બની ગયેલા તેના દિલમાં ગોરા માણસો માટે ધિક્કાર સિવાય બીજી કોઈ જ  લાગણી બચી નથી.  પણ ડેબી અને રોનના પ્રયત્નોથી આધેડ અવસ્થામાં  આવી પહોંચેલા ડેનવરના પથ્થર જેવા દિલમાં એક કૂમળી કૂંપળ ફૂટી નિકળે છે, જેમને ડેનવર હાડોહાડ ધિક્કારતો હતો તેવા ગોરા લોકોમાંના એક કુટુમ્બ  સાથે ડેનવરનો સંબંધ હવે કેળવાવા લાગે છે.

     આશ્ચર્ય જનક રીતે આના કારણે રોનના દિમાગમાં પણ પરિવર્તનના પવન ફૂંકાવા લાગે છે. એના વહાણનું સૂકાન  જીવનની એક સાવ અલગ જ દિશામાં ફંટાવા લાગે છે.

    એક બે વર્ષ આમ પસાર થાય છે. પણ ડેબીને બહુ છેલ્લા તબક્કાનું કેન્સર છે, એમ નિદાન આપતાં નવા બનેલા આ બે મિત્રો માટે ડેબીનું જીવન ઊગરી જાય તે માટે શુભ સંકલ્પ જાગે છે. ડેબીના દિલના માનવતાના ઝરણાંમાંથી આકાર લીધેલો પ્રવાહ હવે બે મિત્રોના વ્હાલની ધસમસતી નદીમાં રૂપાંતર પામે છે. 

   ડેબી તો બચી શકતી નથી, પણ રોન અને ડેનવર નિરાશ્રિત લોકો માટે રહેઠાણ બનાવવાની પ્રવૃત્તિ શરૂ કરે છે. ડેબીના મરણ બાદ ભરાયેલી શોકસભામાં ડેનવરને મુખ્ય વક્તવ્ય આપવા કહેવામાં આવે છે. અને તે ભાવુકતાથી બોલી ઊઠે છે કે,

       “ભલે આપણા સૌની જીવનકથા એકમેકથી સાવ નિરાળી હોય, આપણે બધા સરખા જ છીએ. આપણે સૌ પોતાના મૂળ ઘરમાંથી વિખૂટા પડી જીવન ભર આથડતા જ રહેતા હોઈએ છીએ. ડેબીની જેમ મરણ બાદ જ સૌ પોતાના મૂળ ઘર તરફ પ્રયાણ કરી ત્યાં પહોંચી શકે છે.“

   અનેક આરોહ અવરોહ લેતી આ સત્યકથા   જીવનના એક એવા પરિમાણ તરફ અંગુલિ નિર્દેશ  કરે છે કે, જેનાથી આપણને પણ એમ લાગી આવે કે, આપણે સૌ એકમેકથી સાવ વિભિન્ન હોવા છતાં, જીવનભર નિરાશ્રિતો જ હોઈએ છીએ – સૌ ઘર વિનાનાં.

   તે બાદ તો આ બન્ને મિત્રો અને એમના શુભચિંતકોના પ્રયાસથી લાખો ડોલરના દાનનો પ્રવાહ એમના કલ્યાણકારી કામને પુષ્ટિ આપતો રહ્યો છે. એમણે સાથે લખેલ એ પુસ્તકનું વેચાણ પણ આની સાક્ષી પૂરે છે.

   મૂળ પુસ્તક અથવા આ વિડિયો એક વિશિષ્ઠ અને ન ભુલાય તેવી અસર આપણા મનમાં સ્થાયી કરી દે છે.  


સંદર્ભ

https://en.wikipedia.org/wiki/Same_Kind_of_Different_as_Me

https://www.supersummary.com/same-kind-of-different-as-me/summary/


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.