ચલો એક બાર ફીરસે

નયના પટેલ, લેસ્ટર, યુકે

કોરોનાના દિવસો….

દૂધ લઈને રત્ના ઘરમાં આવી. મોઢે લગાવેલું માસ્ક કાઢી ખીંટીએ ભેરવ્યું, હાથ ધોયા અને દૂધ ગરમ કરવા મૂક્યું,

’ ભગવાન, બસ કર, થાકી ગઈ છું હવે તો.’

‘ એમ કેમ ચાલશે રીતુ, હજુ તો બીજા છ જન્મ……’ રૂમમાં પ્રવેશતો અવિનાશ વાક્ય પૂરું કરે તે પહેલા જ રત્નાએ બે હાથ જોડી માથે લગાડી કહ્યું, ‘ મે’રબાની કર ભાઈસાબ, એ તારી ચવાયેલી જોક સાંભળીને રડવું ય નથી આવતું.’

ચાની સોડમથી ઘર મઘમઘી ઊઠ્યું.

ચા સાથે છાપું વાંચવાની અવિનાશની ટેવ પણ હવે સમજી ગઈ છે કે કોરોના જશે નહીં ત્યાં સુધી એને પ્રવેશ નથી મળવાનો છતાંય અવિનાશથી બારણા તરફ જોવાઈ ગયું. પછી એક ફળફળતો નિસાસો મૂકી મોબાઈલ જોતાં જોતાં ખાખરામાં મન પરોવ્યું.

ડાયાબીટિસની દવા લેતાં લેતાં મોં બગાડી રત્ના બબડી, ‘મને ‘ક’ અક્ષર જ ગમતો નથી.’

અવિનાશે સાંભળ્યું ન સાંભળ્યું કરી વાતને વાળી લીધી, ‘કોરોના છે એ છે હવે એને ગમે એટલો શ્રાપ આપીશ તો ય હાલ પૂરતો તો જવાનો નથી તો હવે એનું શું રડ્યા કરે છે!’ કહી રત્ના તરફ એક અછડતી નજર નાંખી. એ દર વખતની જેમ રત્નાની ઉદાસીને કળી ગયો પણ આવી વખતે હંમેશની જેમ એણે વિષય બદલવા ટી.વી. ચાલુ કર્યું.

રત્નાની ચાનો સ્વાદ ઊડી ગયો. માંડ માંડ ચા પૂરી કરી પથારી વ્યવસ્થિત કરવા બેડરૂમમાં ગઈ. પણ ત્યાં તો એની નજર રાત્રે ઇસ્ત્રી કરેલાં કપડાં પર પડી એ રાખતાં રાખતાં એને થયું ચાલ પહેલાં કબાટ વ્યવસ્થિત કરી લઉં.

પલાંઠી વાળીને કબાટ પાસે એ બેઠી જ અને સિટિંગરૂમમાં કોઈ હિલચાલ સંભળાઈ નહી એટલે બૂમ મારી કહ્યું, ‘અવિ, એ અવિ તું નહાવા જા તો, પાછો નહાતાં કલાક થશે’

‘યસ મેડમ, જેવી આજ્ઞા’ કહી એ કપડાં લેવા બેડરૂમમાં ગયો. 

કપડાં વ્યવસ્થિત કરતાં કરતાં રત્નાની નજર સાવ નીચેનાં ખાનામાં રાખેલા તેમના ફોટાના આલ્બમ ઉપર પડી અને તે જ વખતે અવિનાશની નજર પણ ત્યાં જ ગઈ.

‘ હું વિચારું છું એ જ તું વિચારે છે ને?’ ઉત્સાહમાં આવી ને અવિનાશે પૂછ્યું.

‘ અરે હજુ તો કંઈ વિચારું તે પહેલા તો તારા મનમાં પ્રોજેક્ટ પણ તૈયાર થઈ ગયો, ખરો છે!’ રત્નાને આલ્બમ જોવાની જરાય ઇચ્છા નહોતી પણ ના કઈ રીતે પાડે?

અવિનાશને આ ક્ષણ જતી નહોતી કરવી, એ રત્ના પાસે જ નીચે બેસી ગયો અને રત્ના કંઈ વિચારે તે પહેલાં જ એના ખોળામાં માથું મૂકીને ગાવા માંડ્યું, ‘ચલો ઈકબાર ફીરસે અજનબી બન જાયે હમ દોનો’……

એણે એટલા તો પ્રેમથી રત્ના સામે જોયું કે રત્નાને સાચે જ એના પર વહાલ ઊમટ્યું.

‘ચલ, હટ, આમ જ મને ફસાવી હતીને!’ કહેતાં કહેતાં આવવા મથતાં પેલા વિચારને એણે આલ્બમ ભેગો ફરી પાછો કબાટમાં મૂકી દીધો.

‘એ ય, આલ્બમ પાછું કેમ મૂકે છે?’

‘બપોરના ઉઠ્યા પછી જોવું છે ને? અત્યારથી શું છે એનું?’

કહી અવિનાશને હળવો ધક્કો માર્યો અને ઊઠવા ગઈ પણ આજે અવિનાશ માને એમ ક્યાં હતો?

અવિનાશની આંખોમાં ભારો ભાર લાગણી છલકાતી જોયા પછી રત્નાએ બળપૂર્વક પેલા અશુભ વિચારને ધક્કો મારી જ દીધો, ‘ભલે બાબા ભલે, ચાનાં ઘૂંટડે ઘૂંટડે આલ્બમનો નાસ્તો કરીશું, બસ, ચલ ઊઠ, ઢગલો કામ પડ્યું છે, ઊ….ઠ કહું છું’ કહી જોરથી ધક્કો માર્યો. જમીન પર પડ્યાં પડ્યાં રત્નાનો ગાઉન પકડી અવિનાશે ગાવા માંડ્યું, ‘અભિ ના જાઓ છોડ કે કે દિલ અભી ભરા નહીં’

સાચે જ રત્ના પીગળી ગઈ પત્થર થવાની અણી પર હંમેશા અવિનાશ એને પિગળાવી ને જ જંપે !!

હાથ આપીને એને બેઠો કર્યો અને હળવો ધક્કો માર્યો અને….

ઘણીવાર આ પળો ગયા પછી રત્નાએ અવિનાશને બાલ્કનીમાં જઈને ઊભેલો જોયો છે. એને ખૂબ નવાઈ લાગતી આનંદ પછીની ક્ષણો માણવાની જગ્યાએ ક્યારેક એ ઉદાસ થઈ જતો હોય એવો એને આભાસ થતો પણ અવિનાશ છે એ તો, ઘડીના છઠ્ઠા ભાગમાં ઉદાસીને મનનાં કયા ખૂણામાં સંતાડી દેતો તે પણ કોઈને ખબર ન પડતી. અવિને એમ જ હતું કે રત્નાને ખબર નથી પણ રત્ના જાણી જોઈને એ વાતને ખાસ છેડતી નહીં, પણ આજે એનાથી પુછાય જ ગયું, ‘અવિ, કેમ આ રીતે ઘણીવાર તું મૂડલેસ થઈ જાય છે?’

જવાબ આપવાનું ટાળી એણે કહ્યું, ‘હવે તારો વારો ગાવાનો, બોલ કયું ગીત ગાઈને મને બોલાવીશ?’

રત્ના કપડાં સરખાં કરતા કરતા ઊઠી, ‘જાતા કહાં હૈ દીવાને સબ કુછ યહાં હૈ સનમ…’ ગાતી ગાતી, બાલ્કનીના કઠેરા પર હાથ ટેકવી ઉભેલા અવિનાશના ભરાવદાર ખભા પર આછું ચૂંબન કરી રસોડામાં જતી રહી.

અવિનાશે રત્નાની પીઠ તરફ જોઈ ચૂપચાપ એક નિશ્વાસ નાંખ્યો અને બાથરૂમમાં ગયો.

રત્ના રસોડામાં આવી અને પરવળનું ભરેલું શાક બનાવવાનું શરૂ કર્યું. અચાનક એને યાદ આવ્યું કે કમલને ય ભરેલાં પરવળ ખૂબ જ ભાવતાં! દસ દસ વર્ષ થયાં પણ હજુ એ ભુલાતો નથી. અનહદ વાર નક્કી કર્યું છે કે એ બેવફાને યાદમાંથી પણ ભૂંસી નાંખવો છે પણ અવળચંડું મન ટાણે કટાણે એને અંતરના તળીયેથી સપાટી પર ઘસડી લાવે છે. એની યાદ આવતાં જ રત્ના વિવશ થઈ જાય છે.

અવિનાશ જો ન મળ્યો હોત તો રત્ના આપઘાત કરવાની અણી પર હતી……ભગવાને જ એને રત્નાની બેંકમાં મેનેજર તરીકે મોકલ્યો ન હોય જાણે!  એને તે દિવસ યાદ આવી ગયો જ્યારે પહેલી વખત એ અવિનાશને મળી હતી. ભયંકર ડિપ્રેશનમાંથી એ પસાર થતી હતી. મમ્મી-પપ્પાએ જેટલું આશ્વાસન અપાય એટલું આપ્યું હતું, મિત્રોથી માંડી બેંકના સ્ટાફે પણ એની ખૂબ કાળજી રાખી હતી પણ એને રોજ રોજ મરવાના વિચારો આવતા પછી થતું, એક બેવફા માટે હું શા માટે મરી જાઉં? બસ આ બે વિચારોની વચ્ચે ઝોલા ખાયા કરતું હતું એનું મન.

સાંજ પડે અને કમલને મળવા એ બહાવરી થઈ જતી. સાંજ એની ખૂટતી નહોતી. સૂર્યના ડૂબવા સાથે એનું મન પણ જાણે કાંકરિયાના તળીયે જવાનો નિર્ધાર કરતું. અવિએ એને સાચવી લીધી, એના આવ્યા પછી માંડ માંડ એણે મનને મનાવ્યું હતું કે ‘મરવાથી કાંઈ થોડો જ કમલ પાછો મળવાનો હતો?’

રત્નાથી એટલા તો જોરથી તવેથો પેણી સાથે અફાળાઈ ગયો કે એ પોતે એ અવાજથી ચોંકી ગઈ.

આટ આટલા વર્ષોથી મનમાં ઘૂમરાતો રહેલો વિચાર ફરી મનની સપાટી પર ઊપસી આવ્યો – અવિએ કમલ કરતાં ય ચઢી જાય એટલો પ્રેમ આપ્યો હતો અને હજુ પણ એ જ ઉત્કટતાથી ચાહે છે છતાં શું ખૂટે છે? એકાંતની પળોમાં એને ક્યારેક થતું કે અવિએ કમલ સાથેના પ્રેમની ખબર હોવા છતાં મારી સાથે લગ્ન માત્ર સહાનુભૂતિથી તો……ના…ના….છટ્, એવું વિચારી અવિના પ્રેમને અન્યાય કરતી હોય એમ એને થતું.

હા, બાળકો નથી પણ એ માટે તો બન્ને જણે સમજણ કેળવી લીધી છે…. તો શું ખૂટે છે…..ના….ના….ખૂટવા કરતાં ય કંઈક અસ્પષ્ટ છે…….ઘણીવાર હેરાન કરતો પ્રશ્ન વળી પાછો આજે મનમાં ફૂટી નીકળ્યો. મન માન્યું ત્યારે જ અવિ સાથે લગ્ન કર્યા અને તો પછી આ શું થયા કરે છે મને? એ આંગળી મુકી શકે એવું કંઈ જ નથી અને છતાં કોઈ વિષાદ એને જ્યારે ઘેરી વળે ત્યારે ‘કંઈક ખૂટે છે, કંઈક અસ્પષ્ટ છે……ધુંધળું છે’ની લાગણી સળવળી ઊઠે છે.

એણે મનને ધમકાવીને દર વખતની જેમ કમલની યાદને દફનાવી દેવાની આખરી ચેતવણી આપી અને બાકીનું રસોડાનું કામ પતાવ્યું, કચરાં -પોતાં પણ કરી લીધાં તો ય અવિ મહારાજ હજુ નહાયા જ કરે છે!

બાથરૂમનું બારણું રત્નાએ જોર જોરથી ખખડાવ્યું,’ અવિ, યાર, એક કલાક થયો, એટલું બધું તે શું નહાવાનું? રંધાઈ પણ ગયું અને મારા કચરા – પોતાં પણ થઈ ગયાં. ચલ, હવે બહાર નીકળ, મારે નહાવું છે.’ એનું વાક્ય પુરું ય નહોતું થયું અને બાથરૂમનું બારણું અડધું ખોલ્યું, ‘ તો, આવી જાને ડાર્લિંગ’ કહી અવિએ એને અંદર ખેંચવાનો પ્રયત્ન કર્યો.

‘છોડ કહું છું, કામ ધંધો નથી તને તો!’ કહી માંડ માંડ છોડાવી એ ખાટલા પાછળ આવી અને ગુસ્સામાં સાઈડ ટેબલ પર પડેલું એલાર્મ લઈને ઉગામ્યું.

‘દયા કરો રણચંડી, કોરોનાએ સુવર્ણ તક આપી છે તેનો સદુપયોગ કરવાનો મારો નમ્ર પ્રયાસ છે.’ કહી ટુવાલ વીંટાળી અવિ બહાર આવ્યો.

બંનેથી હસી પડાયું.

જમી પરવારી બંને જણ બપોરનો આરામ કરવા ગયાં.

બંધ આંખે અવિ સૂવાનો ડોળ કરતો રહ્યો. જે વાત કરવા માટે દસ દસ વર્ષોમાં મળેલી કાંઈ કેટલી ય તકો જતી રહી હતી, આજે તો કોરોનાએ સરસ મોકો આપ્યો છે, એને થયું, ડોન્ટ ડિસ્ટર્બનું બોર્ડ પણ મારવું ન પડે એવી પરિસ્થિતિ વારે વારે મળવાની નથી. બંને ફોન પણ ઑફ કરવાનું નક્કી કર્યું અને ઘડીક આંખ મળી.

રત્નાને આલ્બમ જાણે અંગારો હોય તેમ લાગ્યા કર્યું, કમલે લીધેલાં કેટલાય ફોટા અંદર જીવતાં સાપની જેમ પડ્યાં છે! એને તો એ બધા ફોટા બાળી નાખવા હતા પણ અવિએ એને રોકી હતી. ‘એક એકથી ચઢિયાતાં ફોટા છે, એમ થોડાં જ બાળી નખાય’ કહી ફાડવા નહોતા દીધા અને એટલે એ બધાં ફોટાઓ પોતાની ક્ષણોને લઈને એમાં જીવતા હતા, પછી ઊંઘ ક્યાંથી આવે?

રત્ના તો સૂતી જ નહોતી એટલે ૩.૩૦ને ટકોરે આસ્તેથી ઊભી થઈ. બાજુમાં જોયું તો અવિનાશ નસકોરાં બોલાવતો હતો

ચાની સુગંધે અવિનાશનું ઘેન ઉડાવી દીધું.

રોજની જેમ મસ્તી તોફાન કરતો અવિ શાંત હતો અને રત્ના પણ ખામોશ હતી.

બંનેનું મૌન ઘરમાં તોફાન કરતું હતું.

હીંચકે બેસી રેડિયાને મચડતાં અવિએ ચા લઈને આવેલી રત્ના પાસેથી ચાનો કપ લીધો અને એને હીંચકા પર બેસવાની જગ્યા કરી આપી.

બંનેને થયું આજે ચા પૂરી જ ન થાય તો સારું!

જે વાત માટે અવિ ઉત્સુક હતો અને રત્ના ડરતી હતી તે ક્ષણ આવી પહોંચી.

અવિ બેડરુમમાં જઈને આલ્બમ લઈ આવ્યો.

એને ખબર હતી કે રત્ના અપસેટ થવાની છે પણ મનનાં ખૂણે ભંડારી રાખેલું સત્ય બહાર ખેંચી લાવવા માટે આ સિવાય એને કોઈ રસ્તો દેખાતો નહોતો.

આ એનું પગલું એનાં સીધે સીધા ચાલતાં જીવનને કદાચ બદલી પણ નાંખે… પણ…..

આલ્બમ લાવી હીંચકે સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરતી રત્ના પાસે બેઠો.

બંને જણ સાવ ખોખલું હસ્યાં. આવનારી ક્ષણોનો ખખડાટ સંભળાવા માંડ્યો હતો. અવિ આલ્બમ રત્નાના ખોળામાં મૂકી ઊઠ્યો અને બંને જણનાં મોબાઈલ ફોન બંધ કરી આવ્યો, ‘ ચાલો બંને ફોનને પણ ચૂપ કરી દીધા અને લોકડાઉનમાં કોઈ બારણાં પણ ખખડાવશે નહીં. આ…રા…મથી ભૂતકાળને વાગોળીશું, હેં ને રીતુ?’ કહી, ‘હાશ’ કહી રત્નાની એકદમ અડોઅડ બેઠો અને એના સુરીલા અવાજે ગાવાનું શરુ કર્યું, ‘ચલો ઈકબાર ફીરસે અજનબી બનજાયે હમ દોનો’ ગાતાં ગાતાં રત્નાના ખભે હાથ વીંટાળી દીધો.

‘આલ્બમ જોવામાં અજનબી બનવાની શી જરુર છે?’ આલ્બમ જોવાની અનિચ્છાને ઢાંકવાનો પ્રયાસ કરતી હોય તેમ અવિને દૂર ખસેડતાં એ બોલી.

‘યાર, એ જોવાની મઝા ત્યારે જ આવે જ્યારે આપણે એકબીજાંને ઓળખતાંય નહોતાં તે ક્ષણમાં જઈને ફરી એ ક્ષણને જીવી લઈએ. દરેક ફોટાએ, એ ક્ષણો યાદ આવવી જોઈએ એમ તને નથી લાગતું?’

પહેલું પાનું ખોલ્યું અને એમાં રત્નાનો કમલે લીધેલો અપ્રતિમ ફોટો હતો. સાચે જ એ ફોટો પહેલી વખત અવિએ જોયો ત્યારની એ ક્ષણ જીવતી થઈ ગઈ.

‘ઓ માય ગોડ, રત્ના કયા સ્ટુડિયોવાળાએ પાડ્યો છે, સુપર્બ……ફોટો છે. એ સ્ટુડિયોવાળો તને પ્રેમ તો નહોતો કરતોને?’  એ ફોટો ફાડી નાંખવા તૈયાર થયેલી રત્નાને અટકાવી અવિનાશે ત્યારે કહ્યું હતું. ત્યારે ઉદાસીભર્યે સ્વરે નિખાલસતાથી એ ફોટો કમલે પાડ્યો છે તે વાત એણે અવિનાશને કરી હતી.

અવિનાશે મન અને લાગણીઓ પર કાબૂ રાખ્યો અને રત્નાનો ચહેરો પોતાના તરફ ફેરવી કહ્યું, ‘કમલે લીધેલા આ ફોટા કરતાં તો તું હવે વધુ સુંદર લાગે છે, સાચ્ચું કહું છું.’ કહી એના ગાલે આછું ચુંબન કર્યું.

પોતાની લાગણીઓને માંડ માંડ કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરતી રત્ના રડવા જેવું હસી અને પાનું ફેરવવા ગઈ, એને અટકાવી અવિનાશ બોલ્યો, ‘રીતુ, કમલ નામની વ્યક્તિએ તારા પહેલા પ્રેમને તરછોડ્યો હતો એ વાત આપણે મળ્યાં હતાં ત્યારે કરી હતી. અને એ વાતને ભૂતકાળના ખોળે છોડી, જીવનને એક નવી કેડીએ લઈ જવાની વાત પર આપણે સહમત થયાં હતાં કે નહી, બોલ!’

ડૂબતા સૂરજના ધોધમાર પ્રકાશને લઈને આવતા બારી બહારના એ આકાશના ટુકડાને રત્ના તાકી રહી.

એક મોટો નિશ્વાસ નાંખી બોલી, ‘હા, અવિ. અને મેં ક્યારેય તને ફરિયાદ કરવાની તક આપી છે? સાચું કહેજે.’

‘ના, પણ મેં તને ઘણીવાર ઉદાસ થઈ જતી જોઈ છે, ત્યારે ત્યારે મને થતું કે તું મને તારું અંતર ફાડીને જે કહેવું હોય તે કહી દેતી હોય તો! અને આપણા લગ્નને દસ દસ વર્ષ થઈ ગયાં, હવે તો તને મારામાં….મારા પ્રેમમાં વિશ્વાસ છે કે નહીં?’

રત્ના અવિનાશ સામે જોઈ રહી, પછી પોતાની જાતને જ કહેતી હોય તેમ ગણગણી, ‘ અવિ, વિશ્વાસનો સવાલ નથી’ એક લાં…..બી ચૂપકીદી પછી અતીતને છંછેડતી હોય તેમ બોલી, ‘કમલને ભૂલવામાં તારી લાગણીએ, તારી મસ્તીએ, તારી સમજદારીએ ખૂબ મોટો ભાગ જરૂર ભજવ્યો છે. પણ છતાં ય આજે તને સાચું કહું અવિ, એને ભૂલવાનો પ્રયત્ન મેં મૂકી દીધો છે અને જ્યારે જ્યારે નાની અમથી વાતમાં ય એ યાદ આવી જાય ત્યારે ત્યારે ઉદાસ થઈ જવાય કે નહીં, તું જ મને કહે!’

‘ઓ.કે. રીતુ, આજે આ આલ્બમની અંદર એક બીજાનો હાથ પકડી આપણે આપણી મેમરી લેઈન પર આંટો મારવા જઈએ. જઈએને?’

‘આપણી કેમ બોલ્યો?’

‘અરે, તારા જેટલા નહીં તોય મારા પણ અંદર થોડા ફોટા છે, સમજી? અને ભૂતકાળ તો બધાને જ હોયને? અને ભૂતકાળ હોય તો યાદો પણ હોય જ ને?’ કહી અવિનાશ માર્મિક હસ્યો.

પરાણે લાગણીઓનાં પ્રવાહને ખાળતી હોય તેમ રત્ના બોલી, ‘હં, તો સાંભળ મારી મેમરી લેઈન પર તને લઈ જતાં મને મારી જ બીક લાગે છે, ક્યાંક હું તને, તારા પ્રેમને અજાણતા ય અન્યાય તો ન કરી બેસું!’

એનું વાક્ય અટકાવવા અવિનાશે રત્નાના મોઢે હાથ દઈ દીધો, ‘રીતુ, આપણો પ્રેમ ન્યાય અને અન્યાયથી ક્યાંય આગળ નીકળી ગયો છે, એમ હું અનુભવું છું. તને એવું નથી લાગતું?’

રત્નાએ અવિનાશનો હાથ પકડી લીધો અને વગર બોલ્યે જવાબ આપી દીધો.

‘ચાલ, આજે તારા મનને ભીંસતી રહેતી બધી જ એટલે બધી જ વાત મને કહી દે, રીતુ.’

‘ભલે, તને નહીં કહીશ તો કોને કહીશ, અવિ, પણ એક શરતે.’ કહી અવિનાશ સામે જોયું

અવિનાશે મુંગી સંમતિ આપી.

‘ હું તને આજે બધું જ કહીશ પણ, ઘણા સમયતથી મને લાગે છે કે તું કંઈ મારાથી છુપાવે છે તે પણ તારે કહેવું પડશે, બોલ, કબૂલ છે?’

અવિનાશ તો આભો જ બની ગયો. એણે ક્યારે ય કલ્પના સુધ્ધાં નહોતી કરી કે રત્ના આટલી સહેલાયથી એની મુંઝવણને પામી ગઈ હતી. બને એટલો સજાગ રહેતો અવિનાશ સાચે જ અચરજથી થોડી ક્ષણો તો ચૂપ જ થઈ ગયો, ‘ ઓ.કે. બાબા, હું પણ બધું કહી દઈશ, બસ!’ કહી જાણે કોઈ નવી રત્નાને જોતો હોય તેમ બોલ્યો.

આલ્બમના એ ફોટાને તાકી રહેલી રત્નાની આંખો ચૂઈ પડી, અવિનાશે એના હાથને પંપાળ્યા કર્યો.

થોડી સ્વસ્થતા મેળવી એણે વાતને આગળ વધારી, ‘કમલનાં એક ફોટોપ્રદર્શનમાં પહેલી વાર હું એને મળી હતી. એની ફોટાઓ લેવા પાછળની સંવેદનાસભર દ્રષ્ટિથી હું ખૂબ પ્રભાવિત થઈ હતી. મને ખબર પણ ન પડે એમ ફોટા જોવામાં તલ્લીન એવો મારો એક ફોટો એણે લીધો અને એ કયા ઈમેઈલ આઈડી પર મોકલું કહી મારો મોબાઈલ નંબર લઈ લીધો.’

‘બસ, ત્યારથી શરૂ થઈ અમારી સહયાત્રા. એના પ્રેમમાં મને સચ્ચાઈ વર્તાઈ અને અમારી આત્મીયતા વધતી ગઈ.’

કહી રત્ના ચૂપ થઈ ગઈ.

અવિનાશ જાણે થ્રી ડી પિક્ચર જોતો હોય તેમ રત્ના સામે જોઈ રહ્યો. આ વાત એણે……

ત્યાં તો રત્ના થોડી સ્વસ્થ થઈ અને વાત આગળ વધારી, ‘ત્યાં સુધી અમે બીજાં પ્રેમીઓ જેવાં જ હતાં. પરંતુ અમારા પ્રેમની કસોટી શરૂ થઈ જ્યારથી કમલને રૂપજીવિનીઓનો એક પ્રોજેક્ટ મળ્યો. એ લોકોની કથની અને એને અનુરૂપ ફોટા લેવાનો જોબ હતો. એ માટે એને ઘણા બધા જુદાં જુદાં શહેરોમાં જવાનું બનવા માંડ્યું હતું.’

વાત કહેતાં કહેતાં ઊપડતી વેદના એનાં મોઢા પર લીંપાઈ ગઈ.

‘અમે એકેય સાંજ મળ્યા વગર નહોતાં રહ્યાં. મારા મમ્મી-પપ્પાને પણ અમારો સંબંધ ગમતો હતો એટલે સરળતાથી જીવન વહેતું હતું. પગભર થયા પછી લગ્ન કરવાનાં સ્વપ્નો અમે જોતાં. ત્યાં આ પ્રોજેક્ટે મારા જીવનને પીંખી નાંખ્યું.’

એની આંખમાંથી ચોધાર આંસુ પડતાં હતાં, એને રોકવાનો પ્રયત્ન સુદ્ધાં ન કરતાં અવિએ એને ટિસ્યુ પેપર્સ આપ્યાં.

અંતર વલોવી નાખતી વાત કહેવાનો સંજોગ ઉભો કરવા પાછળનું એક કારણ આ જ તો હતું કે એકવાર રત્ના એનું મન ઠાલવી નાંખે. અને બીજું કારણ..

આગળની વાત કરવાની હિંમત મેળવવા રત્ના આલ્બમનાં પાના ફેરવતી ગઈ…. દરેક પાને કાંઈ કેટલીય ક્ષણો જીવિત થવા માંડી હતી.

‘એ પ્રોજેક્ટને લીધે એને કલકત્તા જવાનું થયું ત્યારે જતાં પહેલાં આ ફોટો લીધો હતો, કહી આલ્બમાનું એ પાનું બતાવ્યું. પછી કામ પૂરું ન થતાં ઘણીવાર કલકત્તા જવા માંડ્યું અને…મેં નોંધ્યું હતું કે એની કલકત્તાની ચોથી મુલાકાત પછી એ ઉદાસ અને ખોવાયેલો ખોવાયેલો રહેવા લાગ્યો હતો.’

રત્નાના આંસુ ફરીને ઊમટ્યાં. અવિ એનો હાથ લઈને પંપાળતો રહ્યો…

આસ્તેથી એનો હાથ ખસેડી અવિ ઉભો થયો અને રત્ના માટે પાણીનો ગ્લાસ લઈ આવ્યો.

ગ્લાસની ધાર પર આંગળી ફેરવતાં ફેરવતાં રત્નાએ આગળની વાત કરવા માટે હિંમત ભેગી કરી, ‘મને અંદાજ આવી તો ગયો જ હતો કે કાંઈ ગંભીર વાત બની હોવી જોઈએ. પછી થોડાં અઠવાડિયાં સુધી અમદાવાદમાં જ હતો, તો ય મને ન મળવાના બહાનાં આપતો હોય એમ મને લાગ્યું.’

‘પછી જ્યારે મળ્યો ત્યારે જાણે એ મારો કમલ જ નહોતો.’ ટ્રાંસમાં હોય તેમ રત્ના બોલી, ‘સાવ જ સુકાઈ ગયો હતો, મારો જીવ તાળવે ચોંટી ગયો. મને ધ્રાસકો પડ્યો કે એ બીમાર તો નથી ને?’

રત્નાની આંખમાં વળી પાછા આંસુ ઊમટ્યાં…….ધીમે ધીમે એ ડૂસકે ચઢી ગઈ.

એક મિનિટ માટે તો અવિનાશને થયું, આ વાત કાઢવાની એણે ખોટી જ જીદ કરી હતી. પણ પછી થયું, જીવનમાં એકવાર તો આ ઑપરેશન કરવાનું જ હતું એટલે મન મક્કમ કરી રત્નાને આશ્વસતો રહ્યો.

પાણી પીને રત્ના થોડી શાંત થઈ ત્યાં સુધી ધીરજથી રત્નાને પંપાળતો રહ્યો.

‘આજે વાત કરવા જ બેઠી છું ને અવિ તે….’ કહી રત્ના અટકી, ‘એક સ્ત્રી તરીકે મને કહેતાં પણ શરમ આવે છે… પણ હવે તારાથી હું વધારે વખત છુપાવી રાખીશ નહીં અવિ. પહેલાં બે – ત્રણ વખત કમલે સહશયનની માંગણી કરી હતી અને હું લગ્ન પછી જ શારીરિક સંબંધમાં માનનારી હતી એટલે દરેક વખતે મેં એને નકાર્યો હતો. તે દિવસે મને થયું કે…. કદાચ એટલે તો એ મારાથી દૂર ન જતો રહેતો હોય! તે દિવસે બધી શરમ નેવે મૂકી મેં…મેં મારું શરીર એને ધરી દીધું હતું, અવિ.’ એના ડૂસકાંથી આખું શરીર ધ્રૂજતું હતું. અવિનાશને એક સેકંડ માટે વચમાં જ કંઈ બોલવાનું મન થઈ આવ્યું પરંતુ એ વાત યોગ્ય સમયે જ કહેવાનું વિચાર્યું હતું અને હજુ એ સમય નથી આવ્યો એમ વિચારી એ ચૂપ રહ્યો.

‘અવિ…અવિ એણે તે દિવસે મારા સ્ત્રીત્વને તરછોડ્યું…….અને હું શરમની મારી, મારી પોતાની નજરમાંથી ઊતરી ગઈ.’

રત્નાનાં ડૂસકાંની માત્રા વધતી જતી હતી.

પણ આજે એને એના અંતરને ઉલેચી જ નાંખવાનું છે !

થોડી શાંત થયા પછી જમીન તરફ જોઈ બોલી, ‘ અવિ, એણે મારી અવગણના કરી એના થયેલા અસહ્ય દુઃખ કરતાં તો પછી જે વાત કરી એ એટલી તો નિર્દયતાથી કરી કે એ વેદનાથી મને થાય છે કે હું મરી કેમ ન ગઈ?’

‘શું કહ્યું એણે કહી દે રીતુ, હું તને સમજું છું કદાચ એ વેદના અનુભવી તો ન જ શકું પણ, કહે જે કહેવું છે તે કહીને આજે તારા અંતરમાંથી બધો વિષાદ કાઢી નાખ.’

એણે ધ્રુસકાંને કાબૂમાં લેવાનો ફોગટ પ્રયાસ કર્યો, ‘ અવિ, એણે મને કહ્યું કે એ….એ કલકત્તાની કોઈ રૂપજીવિનીનાં પ્રેમમાં છે અને હવે એ હંમેશ માટે કલકત્તા જતો રહેવા નો છે!’ હું મારા કાન પર વિશ્વાસ કરી ન શકી, ‘શું કહ્યું તેં કમલ, રૂપજીવિનીનાં પ્રેમમાં? ફરી કહે તો, તું શું બોલે છે એનું તને ભાન…’ મને વચ્ચેથી જ અટકવી એ બોલ્યો, ‘કેમ એ લોકો માણસ નથી? એ લોકોને લાગણી ન હોય?’ હું તો અવાચક બની ગઈ આ……આ મારો કમલ……..એ..એ શું બોલે છે? મારી સમજમાં કંઈ ઊતરે તે પહેલાં તો મને રડતી મૂકીને સાવ નિર્દયની જેમ મેં કરેલા અમાપ પ્રેમને ઠોકર મારી જતો રહ્યો! અવિ, એ ક્ષણ મારા મનમાં હજુ પણ એમની એમ જ પડી છે. કેમે ય કરી એની ચૂડમાંથી હું મુક્ત થઈ નથી શકતી અવિ…. મને બહાર કાઢ …અવિ, એ વાત યાદ આવતાં જ મારો જીવ રૂંધાય છે, અવિ’

રત્નાએ જોયું હોત તો એને ખબર પડતે કે અવિ પણ ચોધાર આંસુએ રડતો હતો.

આખું ઘર – ઘરની ભીંતો, ફર્નીચર, ફોટાઓ બધું જ વિલાપતું હોય એમ લાગતું હતું.

કાંઈ કેટલા સમય પછી રત્ના શાંત થઈ, જોયું તો અવિનાશની આંખો પણ અવિરત વહેતી હતી, ‘સોરી, અવિ…’

‘રીતુ, તારે એ ચૂડમાંથી સાચે જ છૂટવું છે?’

રત્નાએ ચૂપચાપ માથું હલાવી સંમતિ દર્શાવી.

‘તો સાંભળ રીતુ’ બોલી અવિનાશ રત્નાને જોતો રહ્યો.

મનમાં કંઈક વિચારી બોલ્યો, ‘રીતુ, તને તરછોડવાનું નાટક કરીને એ ગયો પછી એણે પોતાની જાતને કેટલી તરછોડી છે, ધિક્કારી છે એ શબ્દોમાં કહી શકવા માટે હું અસમર્થ છું ’

‘શું?……….. તું કમલને ઓળખતો હતો?’ જાણે રત્નાને ધરતીકંપનો આંચકો લાગ્યો હોય એટલું ચમકીને એ બોલી.

અવિનાશે રત્નાનો હાથ પોતાના હાથમાં લઈ ધીમે ધીમે પંપાળતા માત્ર માથું હલાવી ‘હા’ કહી અને રત્નાને આગળ મળવાના એક વધુ આઘાત માટે તૈયાર કરતો હોય તેમ પૂર્વભૂમિકા બાંધતાં બોલ્યો, ‘રીતુ હું અને કમલ જીગરજાન દોસ્તો હતાં!’

આઘાત પર મળતાં આઘાતને જીરવા મથતી રત્ના માટે અવિનાશનું દરેક વાક્ય સુનામી બનતું જતું હતું, ‘તેં પહેલાં….. આટલાં વર્ષો…….ક્યારથી…….?’

એના વાક્યો પ્રશ્ન બની ગયા અને પ્રશ્નો વાક્ય!

અવિનાશ આ પરિસ્થિતિ માટે તૈયાર હતો, ‘રીતુ, કમલે મારી પાસે વચન લીધું હતું કે મારે એના સ્ખલનની વાત તને ન કહેવી.’

વાક્યો ગોઠવતો અવિનાશ કાંઈ બોલે તે પહેલાં ફરીથી રત્નાનાં પ્રશ્નોની ઝડી વરસી પડી, ‘મને એ કહે કે તું એને ક્યારથી ઓળખે છે? મને એ વાત કરવાની કેમ ના પાડી અને તું એના સંદર્ભમાં વાત કરતાં ‘હતો’ કેમ……’

એને અધવચ્ચે જ અટકાવી અવિનાશે કહ્યું, ‘કહું છું, ધીરજથી સાંભળ. અમે બાળપણથી એક જ મહોલ્લામાં ઊછર્યાં. નર્સરીથી શરુ કરી કોલેજનાં બીજા વર્ષ સુધી અમારો એક દિવસ એવો નહોતો ગયો કે અમે ન મળ્યા હોઈએ. પછી એ ફોટોગ્રાફીનો અભ્યાસ કરવા મુંબઈ ગયો અને મેં કોમર્સ અમદાવાદમાં જ રહી પૂરું કર્યું.

તને યાદ છે રીતુ, તારી બેંકમાં મારી બદલી થઈ ત્યારે છેલ્લે હું ક્યાં હતો?’

‘હા, કલકત્તા….. ઓહ એટલે એ તારે ત્યાં આવતો હતો?’

‘પ્રોજેક્ટ માટે આવ્યો તે પહેલાં પણ બે – ત્રણ વાર મળવા આવ્યો હતો.’

રત્નાની ધીરજ ખૂટવા માંડી, ‘અવિ, આ રૂપજીવિનીના પ્રોજેક્ટની વાત સાચી હતી કે ઉપજાવી કાઢેલી? સાચું કહેજે મને.’

‘એકદમ સાચી.’

પછી રત્ના સામે જોઈ રહ્યો, ‘રીતુ, કલકત્તામાં એ પ્રોજેક્ટ કરતો હતો ત્યારે…..ત્યારે તારા પ્રેમે એને ઘણીવાર અણીની પળે બચાવ્યો હતો. રાત્રે મારે ત્યાં આવી આખા દિવસની વાત વિના આવરણ એ મને કહેતો. અને એક દિવસ…. એક દિવસ થોડી પળો માટે કમલની સંયમની પાળ તૂટી ગઈ……એ વાત પણ મને એણે કરી હતી’

જોયું તો રીત્ના સાવ જાણે પત્થર બની ગઈ હતી. કંઈ જ બોલવાના હોશકોશ એ ગુમાવી બેઠી હતી! અરે, ‘પછી શું?’ પૂછવાના હોશ પણ એનામાં રહ્યા નહોતા.

પડવાની અણી પર હોય તેમ વાસ્તવિકતાની દિવાલ રત્નાના માથે ઝળૂંબી રહી હતી.

ગભરાઈ ગયેલા અવિનાશે એને હલબલાવી નાખી, ‘રીતુ, રીતુ’

‘હવે શું બાકી રહ્યું છે કહી દે અવિ!’ દરેક અક્ષરે વણ વરસ્યાં આંસુ ટપકતાં હતાં, ‘બંને કલકત્તા જ રહે છે?’

‘રીતુ, હજુ મારી વાત પૂરી નથી થઈ. એણે ક્યારેય….. મૃદંગીને ચાહી નથી. માત્ર એક વખત સંયમ તૂટ્યાની વેળા સિવાય ક્યારેય એણે એની સાથે સહશયન નથી કર્યું, સમજે છેને તું, રીતુ?’

સાવ ઊર્મિહીન અવાજે રત્ના બોલી, ‘તો મને એણે કેમ કહ્યું કે એ કોઈ (રૂપજીવિની શબ્દ ગળી જઈ બોલી)ના પ્રેમમાં છે?

અસહ્ય સત્યને અનાવરણ કરવાની પળ આવી પહોંચી,’ રીતુ, તેં કહ્યું ને કે, તમે જ્યારે છેલ્લે મળ્યા ત્યારે એણે તારા સ્ત્રીત્વને ઉવેખ્યું હતું……….કારણ…….. એ નહોતો ઈચ્છતો કે……….. એણે કરેલી ભૂલનું પરિણામ તું પણ ભોગવે.’ હજુ પણ સ્પષ્ટ કહેવાની હિંમત અવિનાશમાં નહોતી.

‘અવિ, એમ ગોળ ગોળ ન બોલ, મને સમજાય એમ કહે, મેં મારા મનને પાષાણનું બનાવી લીધું છે. કહે જે સત્ય હોય તે કહી દે, પ્લીઝ.’

અવિનાશ કાંઈ કહે તે પહેલાં અંતરને વર્ષોથી અકળાવતો એક પ્રશ્ન રીત્નાએ પૂછી જ લીધો, ‘ એ જીવે છે?’

‘કમલને……… એની પહેલી અને છેલ્લી ભૂલની સજા મળી હતી રીતુ, આપણા લગ્નના બરાબર એક મહિનો રહીને એચ આઈ.વી પોઝિટિવે, એનો પ્રાણ લીધો.’

પાષાણ બનવા મથતી રત્નાના અસ્તિત્વમાં યાદોનાં અંકુર ફૂટી નીકળ્યાં અને સ્નેહનાં, ક્રોધનાં, કમલ પર અજાણતામાં મૂકેલા આરોપોને માટે ફૂટી નીકળેલા પશ્ચાતાપનાં આંસુ, ઝરણાં બની વહી નીકળ્યાં!

રત્નાને બાથમાં સમાવી અવિનાશે અત્યાર સુધી સંચકી રાખેલા પોતાના અશ્રુ પ્રવાહને વહેવા દીધો.

બંને જણની મેમરી લેઈન એક બની ગઈ હતી!

એ બબ્બે અશ્રુ પ્રવાહમાં તણાતો કમલનો આત્મા સાંજનાં ધૂંધળા પ્રકાશમાં વિલિન થઈ ગયો હતો !


નયનાબહેન પટેલ, લેસ્ટર, યુકે., નું વીજાણુ સંપર્ક સરનામું : ninapatel47@hotmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.