– મૌલિકા દેરાસરી
કિશોરકુમારે ગાયેલાં અલગ અલગ સંગીતકારો સાથેના ગીત આપણે માણી રહ્યા છે આ સફરમાં.
આજે સંગીતકારનું સ્થાન શોભવશે દત્તારામ બાબુરાવ નાઇક. જી હાં, સંગીતની દુનિયામાં જેઓ એન. દત્તા તરીકે જાણીતા છે. ૧૨ ડિસેમ્બર ૧૯૨૭ના રોજ જન્મેલા એન. દત્તા નાનપણથી જ સંગીતમાં રસ ધરાવતા હતા, એ કહેવાની જરૂર ખરી ! ઘરેથી તેમને ભણવા પર ધ્યાન આપવા માટે દબાણ થતાં ૧૨ વર્ષની ઉંમરે જ તેમણે ઘરેથી ભાગી જવું પડ્યું હતું.ઘરેથી નીકળીને તેઓ મુંબઈ આવ્યા. પ્રતિભાશાળી માણસો ઘણુંખરું એક તક મેળવવા માટે દર-બ-દરની ઠોકરો ખાવાનું કિસ્મત લઈને જ આવ્યા હોય છે. એન. દત્તાને પણ મુંબઈ આવીને એ ખાવી પડી.
એન. દત્તાના પુત્ર રૂપ નાઇકના કહેવા અનુસાર, તેમના પિતાએ પ્રભાત ફેરીઓ અને અન્ય સ્થાનિક તહેવારોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ દરમ્યાન જ એક વાર સચિનદેવ બર્મને એન. દત્તાને ગાતા સાંભળ્યા. જ્યારે તેમને જાણ્યું કે આ વ્યક્તિએ સંગીતની ધૂન પણ બનાવી છે, ત્યારે પ્રભાવિત થયેલા બર્મનદાએ તેમને આવીને મળવા કહ્યું. બસ…. જે તકની જરૂર હતી એ કદાચ આ સાથે જ મળી ગઈ હતી. ફિલ્મોમાં તેમના સંગીતની સફર શરૂ થઈ ગઈ.
સ્વતંત્ર સંગીતકાર તરીકેની એમની પહેલી ફિલ્મ મિલાપ (૧૯૫૫) થી લઈને અંતિમ ફિલ્મ ચેહ રે પે ચેહરા (૧૯૮૦) સુધી તેમની મોટાભાગની ફિલ્મોમાં તેમનો ગીતકાર સાહિર લુધિયાનવી સાથેનો ખૂબ જ મજબૂત અને ઘનિષ્ઠ નાતો બની રહ્યો. સાહિરજીના ઘણાબધા અવિસ્મરણીય ગીતોમાં દત્તા નાઇકના સંગીતનું યાદગાર યોગદાન રહ્યું.
દત્તા નાઈકની એક ખૂબી રહી કે તેઓ ગીતમાં વ્યક્ત થતાં જરૂરી વાતાવરણને ઉજાગર કરવા માટે ન્યૂનતમ ઓર્કેસ્ટ્રાનો ઉપયોગ કરતા.
અફસોસની વાત એ છે કે ૨૦ ડિસેમ્બર, ૧૯૮૭ના રોજ ગુમનામીમાં તેમનું મૃત્યુ થયું. પણ હર્ષની વાત છે કે સંગીત જગતને તેમની અદ્ભૂત ધૂનોનો ખજાનો મળ્યો. તેમના મૃત્યુ પછી, મહારાષ્ટ્ર સરકારે તેમના ઘરની નજીકના એક રસ્તાને નામ આપ્યું – સંગીતકાર એન દત્તા માર્ગ. આ રીતે તેમને સરકારી સન્માન પણ મળ્યું.

તો, વાત સંગીતકાર એન. દત્તા સાથે ગાયક કિશોરકુમારની જુગલબંદીની કરીએ.
આ સફરની શરૂઆત કરીએ ૧૯૫૯માં આવેલી ફિલ્મ ‘જાલસાઝ’થી. ફિલ્મના ગીતકાર હતા મજરૂહ સુલતાનપુરી અને સંગીત એન. દત્તાનું. મજરૂહ સુલતાનપુરી સાથે પણ તેમણે ઘણા યાદગાર ગીતો આપ્યા છે.
‘જાલસાઝ’ ફિલ્મના મોટાભાગના ગીતોમાં કિશોરકુમારની સાથે યુગલ સ્વર છે આશા ભોંસલેનો.
આ મેરી જાન, દીપક બિના કૈસે પતંગા નાચેગા… કિશોરકુમાર પર ફિલ્માવાયું છે આ ગીત.
હિપ હિપ હો હો હુરરા, કરે કોઈ નહિ પ્યાર સૂર બદલે હઝાર…
કિશોરદાએ આ ગીતના ફિલ્માંકનમાં પણ પોતાના આગવા અંદાજમાં રમૂજ સાથે અભિનય કર્યો છે.
તોડો ના દિલ બેકરાર કા, લે ભી લો પહલા તોહફા યે પ્યાર કા…
માલા સિન્હાને મનાવવાના કિશોકુમારના પ્રયત્નો જોવાની પણ મજા છે આ ગીતમાં.
પ્યાર કા જહાન હો, છોટા સા મકાન હો…
પ્રેમમય બનેલા બે દિલો જ્યારે ભાવિ જીવનના ખયાલમાં રાચે છે, ત્યારે રચાયેલી મનોસૃષ્ટિનું બખૂબી દર્શન આ ગીતમાં કરી શકાય છે.
મેરા દિલ મેરી જાન, ઝૂમ લે યહી હૈ સમા…
કાલે શું થશેની ચિંતા છોડી આજમાં જ જીવી લેવાની વાત કરે છે આ ગીત.
મનને શીતળતા આપતા એન. દત્તાના સંગીત વચ્ચે, શાંત અને સ્થિર રહીને ગાતા કિશોરકુમારને જોવા એ પણ એક લ્હાવો છે.
આ તમામ ગીતો કિશોરકુમાર અને આશાજીના યુગલ સ્વરોમાં હતા.
હવેના ગીતમાં કિશોરદાને સાથ આપ્યો છે ગીતા દત્તે.
જબ જબ તુજકો છુઆ, ધક ધક દિલ યે હુઆ… એકદમ મનમોજી અંદાજમાં ગવાયું છે આ ગીત.
યે ભી હક્કા, હક્કા બક્કા.. દુનિયા પાગલ હૈ અલબત્તા…
બિલકુલ ટિપિકલ કિશોરદાની સ્ટાઇલથી મસ્તીભર્યા અંદાજમાં ગાયેલા આ ગીતને જોવાની પણ એક મજા છે.
‘જાલસાઝ’ પછી દત્તા નાઇક અને કિશોરકુમારની જોડી આવી ૧૯૬૭ની ફિલ્મ અલબેલા મસ્તાનામાં.

ભગવાનદાદા અને કિશોરકુમારને પહલે આપ.. પહલે આપ.. કરતા જોવાની મજા આવશે આ ગીતમાં, જે ગવાયું છે મહેન્દ્ર કપૂર અને કિશોરકુમારના અવાજમાં.
પહલે આપ ચલિયે….
જોઈએ કે અંતે પહેલા કોણ જાય છે!
અને અંતે આપણાં લેખનું અને ફિલ્મનું પણ ટાઇટલ સોંગ..
લેડીઝ & જેન્ટલમેન થઈ જાઓ તૈયાર… અહીં કિશોરદા પોતાની જાતને કંઈ રીતે પેશ કરે છે એ પણ સાંભળી લઈએ.
મૈં અલબેલા મસ્તાના, નામ હૈ મેરા આશિક; કામ હૈ દિલ લગાના…
બસ… આજની સફર બસ આટલી જ. પણ ફરીથી મુલાકાત થશે એક નવી સફરમાં, નવા વ્યક્તિ સાથે. ત્યાં સુધી યાદ કરતાં રહીએ સંગીતની દુનિયાના આ શહેનશાહોને અને ગુનગુનાવતા રહીએ કોઈ મધુર ધૂન.
મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર
· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી