ફિર દેખો યારોં : મરે કે જીવે, ગાય દૂઝતી રહેવી જોઈએ

બીરેન કોઠારી

‘ગરજે ગધેડાને બાપ કહેવો’ અને ‘ગરજ સરી એટલે વૈદ વેરી’ રૂઢિપ્રયોગ બહુ જાણીતા છે. ભલે તે ગુજરાતી ભાષાના હોય, પણ માનવની મૂળભૂત પ્રકૃતિને દર્શાવે છે, આથી કહી શકાય કે તે માનવમાત્રને લાગુ પડે છે. આ રૂઢિપ્રયોગમાં રહેલી સચ્ચાઈનો પરચો અવારનવાર મળતો રહે છે. 

અનાનસમાં મૂકાયેલા વિસ્ફોટક થકી મૃત્યુ પામેલી સગર્ભા હાથણીના મૃત્યુની દુર્ઘટનાને માંડ છ-સાત મહિના વીત્યા. આ મામલા અંગે ‘ઉચ્ચ કક્ષાની તપાસ’ કરવાના અને ‘કસૂરવારોને નહીં છોડવાના’ દાવા પછી તેનું કશું પરિણામ મળ્યું હોય તો જાણમાં નથી.

તાજેતરમાં રાજસ્થાનના પાલી જિલ્લાના ગુડા મોકમસિંહ ગામમાં આ દુર્ઘટનાની યાદ તાજી કરાવે એવી વધુ એક દુર્ઘટના બની. આ વખતે જો કે, તેનો ભોગ હાથી નહીં, પણ ‘માતા’નો દરજ્જો ધરાવતી ગાય બની છે. દિવાળીના દિવસો દરમિયાન ગાયના મોંમાં વિસ્ફોટક ફૂટ્યા અને ગાય ગંભીર રીતે ઘાયલ થઈ. આ દુષ્કૃત્ય કોઈએ જાણી જોઈને કર્યું કે અજાણપણે એ હજી ખબર પડી નથી. સ્વાભાવિકપણે જ લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. ગાયને જાડનના પશુ દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવી છે.

ગોપુત્ર સેના, વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળ જેવાં સંગઠનોએ કસૂરવારને આકરી સજા કરવાની માગણી કરી છે. આ અંગેનો પ્રથમદર્શી અહેવાલ (એફ.આઈ.આર.) સિરીયારી પોલિસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યો છે અને તપાસ ચાલુ થઈ પણ ગઈ છે. 

વિવિધ પશુપક્ષીઓને આપણે દેવદેવીઓનાં વાહન તરીકે પૂજતા આવ્યા છીએ એ જેટલું સાચું છે, એટલી જ હકીકત એ પણ છે કે વિવિધ પશુપક્ષીઓનો આપણે આપણા સ્વાર્થ માટે કે સ્વાર્થ વિના ખો કાઢતા આવ્યા છીએ. વન્ય પશુઓની સીમામાં ઘૂસણખોરી કરવી, તેને લઈને વન્ય પશુઓના ખોફનો ભોગ બનવું પડે ત્યારે તેમનો ત્રાસ વધી ગયો હોવાની બૂમાબૂમ કરવી અને એ રીતે તેમનો શિકાર કરવાની આઝાદી મેળવી લેવાનો દાવ જુગજૂનો છે. સાવ નિકંદન નીકળી જાય એ પછી તેમને બચાવવાના પ્રયત્નો પણ આ વ્યૂહરચનાનો જ ભાગ હોય છે.

કેરળના કેટલાક વિસ્તારોમાં હાથીઓની આવનજાવનથી ખેતીને નુકસાન થતું હોવાથી અનાનસમાં વિસ્ફોટક મૂકવાનો ક્રૂર અખતરો કોઈકે કર્યો હશે. રાજસ્થાનમાં પણ આમ થતું હોવાનું એક વન અધિકારીએ જણાવ્યું. એ મુજબ જંગલી સૂવર જેવાં પ્રાણીઓને આવતાં અટકાવવા માટે ખેડૂતો વિસ્ફોટક ભરેલો ખોરાક મૂકતા હોય છે. ગાયના ખાવામાં આવું કંઈક આવી જવાથી આમ થયું હોય એ શક્યતા વધુ છે. ખેતરમાં ઊભા પાકનો ખુરદો વિવિધ પ્રાણીઓ દ્વારા બોલાવાતો હોય એવા કિસ્સા લગભગ તમામ પ્રદેશમાં જોવા મળશે. આનો ઊકેલ પણ જે તે પ્રદેશના ખેડૂતો પોતાની રીતે કાઢતા આવ્યા છે. પણ આ રીતે, ખોરાકમાં વિસ્ફોટક મૂકીને પ્રાણીને છેતરવા અને હત્યા કરવી કદાચ સૌથી ક્રૂર તરીકો છે. કહેવું યોગ્ય ન લાગે છતાં આ રીતે પીડાતાં પ્રાણીઓની દશા એવી બદતર થાય કે એમ થાય કે આના કરતાં તેમને ગોળીએ દઈ દેવા સારાં.

રાજસ્થાનની આ ગાયની ઈજાનો ઈલાજ થઈ રહ્યો છે. ખબર નથી કે તે બચશે કે કેમ. પણ અન્યથા આપણા દેશમાં ગાયોની શી સ્થિતિ છે એ ઉઘાડું રહસ્ય છે. તેત્રીસ કોટિ દેવતાઓનો આવાસ ગણાતી, આપણી સંસ્કૃતિમાં જેને ‘મા’નું બિરુદ આપવામાં આવ્યું છે એવી ગાય જાહેર રસ્તા પર બેરોકટોક રખડે છે, રસ્તાની કોરે પડેલી પ્લાસ્ટિકની કોથળીઓને આરોગે છે, અને ધીમા મોતે મરે છે. તેમની આવી અવદશાની નોંધ સુદ્ધાં ભાગ્યે જ લેવાય છે. આ ઉપરાંત રખડતાં ઢોર કેટલાય રાહદારીઓ કે વાહનચાલકોના મૃત્યુનું નિમિત્ત બને છે. આ રીતે રખડતી મોટા ભાગની ગાયોભેંસો કોઈની ને કોઈની માલિકીની હોય છે.

આ સમસ્યા ગંભીર હોવા છતાં તેના ઊકેલ માટેના ઉપાયો થિંગડા જેવા પુરવાર થતા આવ્યા છે. સત્તાતંત્ર પાસે તેનો ઊકેલ નથી એમ નહીં, પણ લાગે એવું કે તેના કાયમી ઊકેલ માટેના અભિગમનો જ અભાવ છે. શહેરમાં રખડતી ગાયોને પકડી જવી, તેને પકડવા માટે તંત્રના માણસો આવે ત્યારે પશુપાલકો દ્વારા આડેધડ દોડાવાતાં ઢોર, આ અફડાતફડીમાં અડફેટે આવી જતા રાહદારીઓ, મહાપરાણે પકડાતાં ઢોર- અને છેવટે મામૂલી દંડ ભરીને કે કોઈક વગદાર નેતાના ફોનથી છોડી દેવાતાં ઢોર! આ ક્રમનું પુનરાવર્તન સતત થતું રહે છે, સૌને પોતાના ભાગનું કામ કર્યાનો સંતોષ થાય છે, પણ સમસ્યા ઠેરની ઠેર રહે છે.

રાજસ્થાનમાં બનેલી ગાયની દુર્ઘટનાને પગલે કોને પકડવામાં આવે છે અને ગુનેગાર ઠેરવવામાં આવે છે એ તો સમય કહેશે. પણ પ્રાણીઓની આટલી ક્રૂર રીતે કરવામાં આવતી હત્યાની પ્રથા ચાલી રહી છે એનું શું? એનો કોઈ ઉકેલ વિચારાશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. કેમ કે, આપણી માનસિકતા હંમેશાં રોગનાં લક્ષણોનો ઉપચાર કરવાની રહી છે. રોગના મૂળ સુધી પહોંચીને તેનો ઈલાજ કરવાનો આપણો અભિગમ જ નથી. અને આ હકીકતથી વાકેફ થવા માટે કશા ગહન સંશોધન કે સર્વેક્ષણની જરૂર નથી. માત્ર આંખ, કાન અને મનને ખુલ્લાં રાખવાની જરૂર છે. સહઅસ્તિત્વની સંસ્કૃતિનું ગૌરવ પ્રાર્થનાની પંક્તિઓમાં લેવું અને તેનો વાસ્તવિક અમલ કરવો એ બન્ને અલગ બાબતો છે.

આપણી ગરજે આપણે પ્રાણીઓને દેવીદેવતાનાં વાહન બનાવીને પૂજીએ પણ ખરા, અને ગરજ ન હોય ત્યારે તેમની ઠંડે કલેજે હત્યા કરતાંય ન ખચકાઈએ એવી આપણી તાસીર છે. ગાય માત્ર દૂધ નથી આપતી, તે મત પણ આપે છે એ સત્ય કેવળ રાજકારણીઓ જ નહીં, લોકો સુદ્ધાં જાણે છે. આથી જ, ગાય પર રાજકારણ ખેલાતું રહે છે, પણ તેની પોતાની સમસ્યા કે તેના થકી સર્જાતી સમસ્યાના ઊકેલની દિશામાં કશું કામ થતું નથી. હવે તો મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ‘કાઉ કેબિનેટ’ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે.

ટૂંકમાં, ગાય મૃત્યુ પામે કે જીવે, એ દૂઝતી રહેવાની એ નક્કી.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬-૧૧-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.