ઘાશીરામ કોટવાલ : વાત ૧૭.

દિવાન શાકેરરામ દલપતરામ

એક દિવસે ઘાશીરામ પર્વતી તરફથી સમીસાંઝની વખતે આવતો હતો. ત્યાં તળાવ, ઉપર ઘણા લોકો એકઠા થઈને આસમાન તરફ જોતા નજરે પડ્યા. તે વખતે શું છે એવું પૂછવા ઉપરથી પુછડીઓ તારો ઉગેલો છે, એવા કેટલાક લોકોએ જવાબ દીધો. તે ઉપરથી કોટવાલે પણ તેની તરફ નજર પહોંચાડી, તો મોટો પ્રકાશવાન તારો અને તેની પાછળ પુછડી હતી એવું તેણે જોયું. તે કેટલીકવાર સુધી જોઈને પાછો ઘેર આવ્યો. એટલામાં ત્યાં ગેાવિંદબાવા ગોસાંવી કાશીકર આવ્યા. તે વખત બંને વચ્ચે બોલવું થયું તે:—

ઘા૦— કાશીકર બાવા ! ધૂમકેતુ ઉગ્યો છે તેનું ફળ શું?

કાશીકર બાવા— એ ઘણી નરસી નિશાની છે. તે વિષે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણું લખેલું છે. પ્રાકૃત કવિઓની બે ત્રણ આર્યા છે તેમાં સઘળો સારાંશ આવેલો છે.

ધા૦— તે આર્યા આપને મોહોડે છે કે નહીં?

કા૦— હા. (એવો જવાબ દઈને આર્યા બોલ્યો )

कालची महत पडावा, मर्की संप्रामयुद्ध निपजावें;
व्हावीं दुश्चिन्ह हीं, राया भुपाळि मृत्यु उपहावें। १
राष्ट्रीं अपाय घडती, कर्म कृषीचें धुळीस मीळावें;
हानी गोचर यातें, यमदूतानें गुरांसि पीळावें। २
बंडे नगरी व्हावीं, अवर्षण हे जनांसि पोळील;
येउनि वात प्रचंडचिना वाड्यांसी खचीत घाळील। ३

ઘા૦— એ દુઃખ નિવારણ કરવાનો કાંઈ ઉપાય છે કે નહીં ?

કા૦— આપણા શાસ્ત્રકારોએ સઘળા ઉપાય બતલાવેલા છે. તે બરાબર કરવામાં આવે તો સઘળાં દુઃખનો નાશ થાય છે.

ઘા૦— શું શું ઉપાયો છે ?

કા૦— ધુમકેતુના જપ કરવા બ્રાહ્મણ બેસાડવા, ને તેની પાસે કોટી જ૫ કરાવવા બાદ એક લાખ બ્રાહ્મણ જમાડવા, અને અનુષ્ઠાન કરવા બેસાડેલા બ્રાહ્મણોને લુગડાં, દક્ષિણા આપી વિદાય કરવા.

ઘા૦— આ સધળું કરતાં શું ખર્ચ લાગશે?

કા૦— લાખ સવા લાખ રૂપીઆ ખર્ચ થશે, અને સરકારથી કોથરુંડ, પાશાણ, પાર્વતી, વગેરે ઠેકાણે ધૂમકેતુ નિમિત્ત અનુષ્ઠાન બેસાડનાર છે, એવું મેં ફક્ત સાંભળ્યું છે.

ઘા૦— ઠીક છે, આપ સવારે આવજો. હું હમણા જમીને નાનાસાહેબના વાડામાં જાઉંછું ને તમામ હકીકત કહીને અનુષ્ઠાનનું કામ અાપ હસ્તક કરાવું છઉં.

કા૦— બહુ સારું, તે કામ આપને હાથ આવશે એટલે બધું બરાબર થશે. આ પ્રમાણે કહીને કાશીકર બાવાએ રજા લીધા. બીજે દહાડે સવારે બાવા ઘાશીરામને ઘેર આવ્યા. તે વખત કાતરેજના નળનું કામ તપાસવા સારું નીમાવલે એક ફ્રેંચ જાતનો યવન હતો, તે શિલ્પ શાસ્ત્રમાં પ્રવીણ હતો ને બીજી વિદ્યામાં પણ કુશળ હતો, તેનું નામ ફરાંસીસ હતું. તે કાંઈ કામ સારુ કોટવાલ પાસે આવ્યો હતો. તે વખત તેની રુબરુ બોલવું થયું તે:–

ઘા૦— કાશીકર બાવા! રાત્રે નાનાસાહેબની મુલાકાત થઈ નહીં. હમણાં નાહાઈને જાઉં છઉં.

કા૦— ઠીક છે, લોકોનો ઉપકાર કરવાની વાત છે, ને અરિષ્ટ ઘણું છે, તેની તો આપને કાળજી જ છે.

ફરાંસીસ— કોટવાલ સાહેબ ! કેવું દુ:ખ આવ્યું છે ?

ઘા૦— તમે કાલ રાત્રે પુછડીઓ તારો જોયો હતો કે નહીં?

ફ૦— હા. અમે જોયો છે, ને તેનું ગણિત પણ, મને માલુમ છે; પણ તેનાથી અરિષ્ટ શું થવાનું છે?

કા૦— અરિષ્ટ નહીં એમ કેમ બોલે છે ? પુંછડિઓ તારો ઉગવાથી રાજને, રાજાને તથા રૈયતને મોટું દુ:ખ થાય છે. એમ અમારા શાસ્ત્રમાં લખેલું છે, તેની શાંતિ કરવી જોઈએ. અનુષ્ઠાન તથા બ્રહ્મભોજન કરાવ્યા વિના તેની શાંતિ થતી નથી.

ફ૦— અમારા દેશમાં આગલા વખતમાં તમે જેમ કહો છો તેમ જ બધા લોક માનતા હતા; અને એકાદ પુંછડીઓ તારો ઉગે કે લોક બીહતા હતા, તેના અનર્થનું નિવારણ થવા સારુ અમે પરમેશ્વરની પ્રાર્થના કરતા હતા. અમારા આચાર્યો અમારા ઈશ્વરને પૂજવાના દેવળમાં આખો દિવસ ઘણીવાર લગી ઘંટ વગાડવાનું ફરમાવતા હતા. બાદ ઘણાં વિદ્વાન જોશીએાએ મોટા દુરબીન તથા બીજાં અનેક યંત્રોથી આકાશમાંની તજવીજ ઘણી મહેનત લઈને કીધી. તે ઉપરથી તેઓનો તર્ક એવો પહોંચ્યો છે કે, આકાશમાં સીત્તેર લાખ કરતાં વધારે પુછડીઆ તારા છે. તેમાંથી આજ સુધીમાં જમીન ઉપરથી પાંચશે દેખાયા છે. તેમાંથી એકશે પુછડીઆ તારાનો ફરવાનો રસ્તો સમજાયો છે. તેઓ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. તેમાંના એકને ૨૦૦૦, એકને ૬૭પ, એકને ૭૮, એકને ૬૩/૪ , ને એકને ૩ વર્ષ પ્રદક્ષિણા કરતાં લાગે છે, એમ ગણિત ઉપરથી સમજાયું છે. જે પુછડીઓ, તારો ૬૭પ વર્ષૅ ઉગે છે, તે ઈસ્વી સન ૧૬૮૦ માં નજરે પડ્યો હતો. તેની ગતિ એક કલાકમાં આઠ લાખ મૈલ એટલે આપણા ચાર લાખ કોસની હતી, તેની પુછડી પ્રથમ છ કરોડ માઈલ લાંબી હતી ને ત્યાર પછી બાર કરોડ માઈલની લાંબી થઈ હતી.

ઘા૦— આવી વાતો કદી અમારા સાંભળ્યામાં આવી નથી. પુછડીઓ તારો એ એક જ ગ્રહ નહીં કે શું ?

ફ૦— એક નહીં, પુછડીઆ તારા ઘણું કરીને રોજ ઉગે છે, પરંતુ તે આપણી પૃથ્વીથી ઘણા દૂર છે તેથી દીઠામાં આવતા નથી. અમારા યુરોપખંડમાં મોટાં દુરબીનેાથી જોવામાં આવે છે, તેવા દુરબીનો જો હોય તો, કાલના પુછડીઆ તારા શિવાય બીજા અનેક તેવા તારા હું આપને આજ રાત્રે બતાવત.

ઘા૦— એવાં દુરબીનો કેટલાં લાંબાં હોય છે.

ફ૦— સર ઐસાક ન્યુટન, એ નામનો મોટો જોશી સન ૧૬૯૨ માં ઇંગ્લડ દેશમાંથી લિકનશાયર પ્રાંતમાં ગયો. તેણે દુરબીનના જેરથી અસમાનની અંદર ઘણો સારો શોધ કરીને સૂર્ય, ચંદ્ર, ગ્રહ તથા તારા વગેરેની બાબતમાં આગલા વખતના લોકોની સઘળી ભ્રાંતિ દૂર કરી. વળી ન્યુટન શિવાય બીજા અનેક વિદ્વાનોએ આ કામમાં ઘણો શ્રમ લીધો છે. દુરબીન પ્રથમ ક્યારે બન્યું છે તેનો કાંઈ પત્તો લાગ્યો નથી. સને ૧૫૯૦ પહેલાંના કોઈ ગ્રંથમાં આ યંત્રનો દાખલો હાથ લાગતો નથી. એ શાલ પછી આસરે ૩૦ વર્ષની અંદર એક દુરબીન ૧૬ તસુ લાંબી મિલ્ડબર્ગ શહેરના એક ચશ્માં કરનાર કારીગરે તૈયાર કરી. ત્યારથી નવી તથા મોટી દૂરબીનો થવા લાગી. પછી આકાશ માંહેના ચમત્કાર વિષે જેમ જેમ શોધ કરવાની ઈચ્છા વધતી ગઈ તેમ તેમ દુરબીનની લંબાઈ જે તસુથી મપાતી હતી, તે ગજના માપ ઉપર આવી. તે છ ફુટ થઈ બાદ ૧ર, પછી ૨૦, ૫૦, ૧૦૦ તથા ૨૦૦ ફુટ સુધી લાંબી દુરબીનો થઈ. બાર તસુનો એક ફુટ થાય છે. પણ એવી લાંબી દુરબીનો લાવતાં તથા મરજી પ્રમાણે ફેરવતાં અડચણ પડવા લાગી. આખર ગોળ કામ બનાવી તેને બેસાડવા વગેરેની કલ્પના કહાડી. છેવટે [૧]*લાર્ડ રાસ નામના એક સરદારે એક લાખ વીસ હજાર રૂપીઆ ખરચીને દુરબીન બનાવી. બે મોટા નકસીદાર સાઠ ફુટ ઉંચાઈના થાંભલા બાંધીને તે બંનેની અંદર લગાવેલી છે, ને તેનું વજન ૧૨ ટન એટલે આસરે ૩૩૬ મણથી કમી નથી. તો પણ તે થાંભલા એવી યુક્તિથી ટાંગેલા છે કે, તે હરેક જગે લઈ જવાય, તથા ઉંચા નીચા કરી શકાય. તેની મુખ્ય ભાગની પહોળાઈ આઠ ફુટ કરતાં વત્તી છે ને લંબાઈ ચાળીસ ફુટની છે. માણસ છત્ર ઉધાડીને તેમાંથી પાંસરા નિકળી જાય એટલી મોટી છે.

કા૦— અમારા જ્યોતિષ પ્રમાણે ગ્રહ જોવા સારુ રેતીની નળિકા યંત્ર કરે છે; પણ તેમાંથી એક કરતાં વધારે પુછડીઆ તારા દેખાવાનું અમે કદી સાંભળ્યું નથી; અને ફરાંસીસ સાહેબ તો લાખ ને કરોડ પુછડીઆ તારા હોય છે એવી ગપ્પો મારે છે ! આવા મ્લેચ્છ લોક ઉપર, કોટવાલ સાહેબ ! આપે કદી વિશ્વાસ રાખવો નહીં. એના મનમાં આપણો સધળો ધર્મ ભ્રષ્ટ થાય, જાતિ ભેદ તૂટી જાય ને વર્ણસંકર થઈ જાય એવી ઇચ્છા છે. ઊત્તમ કોંકણની તરફ સાષ્ટી પ્રાંતમાં જુઓ, એ લોકોએ કેવો પ્રલય કરવા માંડ્યો છે. ગામનાં ગામ વટલાવીને ઈસુ ખ્રીસ્ત કે બીજો નવો દેવ ઉભો કરીને તેનું બંડ ઉઠાવ્યું છે. વાસ્તે આપને જનોઈનું અભિમાન હોય તો આપે મ્લેચ્છના બોલવા ઉપર કદી ધ્યાન આપવું નહીં.

ઘા૦— (ફ્રાંસીસ સાહેબ તરફ જોઈને) કેમ છે, આ ગોસાંવી બાવા શું કહે છે ?

ફ૦— બાવા તો કાશીકરજ (ઠગ) છે. તેનું મન સરકારને તથા આપને લુંટવાનું છે, જ્યોતિષવિદ્યાનું તેઓને જ્ઞાન નથી; પછી તેની ભાંજગડ કરવામાં ફળ નહીં.

કા૦— (ગુરસામાં આવીને) આવું બેઅદબી ભરેલું ભાષણ અમારા વડીલે કર્યું હોય તો તે જ વખત તેનું માથું ફોડી નાખીએ ? તું વાંદરું કોણ રે ? તમારું માંકડાપણું હમણા જ કહાડી નાખું છું.

આટલે સુધી બોલવું થયું, ને બંને તપીને એક બીજાને અપશબ્દ બોલવા લાગ્યા; ને હાથ પકડાપકડી ઉપર આવવાનો પ્રસંગ આવ્યો; ત્યારે કોટવાલે ઉઠીને તેઓને છોડાવ્યા ને ફરાંસીસ સાહેબને રજા આપી


*એ દુરબીન તૈઆર થઈ તે વખત ધાશીરામ જીવતો ન હોતો; પણ આ યંત્રની સધળી હકીકત સમજવા સારુ લાર્ડ રાસના દુરબીનની હકીકત લાવવાની જરૂર ૫ડી.

–¤¤¤¤¤¤¤¤–

ક્રમશ:


સ્રોત – ૠણ સ્વીકાર – ઘાશીરામ કોટવાલ – વિકિસ્રોત

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.