ઊંઘ

પાર્થ નાણાવટી

“હજુ દોઢ કલાક બાકી છે.”

સવારના સાડા ચારના સમયને જોતા ધરમસીએ મનોમન વિચાર્યું. ફેક્ટરીનાં દુધિયા રંગની લાઈટોનો ચળકાટ અને રોજ સવારે સાડા છએ ડિલિવરી માટે આવતી ટ્રકો માટે પેકિંગ તૈયાર રાખવું, એના ચલણ, રસીદો ને એવી બધી દોડધામ વચ્ચે કયો દિવસ અને કઈ રાત એ ભેદ કરવો મુશ્કેલ હતો. પણ ઊંઘ અને થાકના સરવાળા જેવો ઉજાગરો શરીરને આ તફાવત બરોબર સમજાવી દેતો.

દરરોજ લગભગ આજ સમયે, સવારના સાડા ચારે ઊંઘના વિચારો ધરમસીને ઘેરી વળતા. મળસ્કે સાડા ચારે બધા કારીગરો નાનો બ્રેક લેતા. પ્રોડક્શન લાઈન પર આખી રાત કામ કર્યા પછી, વહેલી સવારે જયારે આખું શહેર મીઠી ને ઘેરી નિંદરને શરણે હોય ત્યારે, ધરમસી ને એમના જેવા બીજા ચાર પાંચ અભાગિયા, ફેક્ટરીની પાછળના ભાગે દીવાલને ટેકો દઈ જમીન પર બેસતા, બીડીઓ ફૂંકતા, ચા પીતાં, દોઢ કલાકમાં ઘરે જઈને ઊંઘી જવાના સપનાઓ જોતા.

ધરમસી ઓછું બોલે, અને બીજા કારીગરોથી અંતર રાખે. એક તો ઉંમરનો તફાવત અને બીજું એ લોકોની મજાક-મસ્તી પસંદ ના આવે. લબરમુછીયા જુવાનીયાઓને ક્યાં ખબર છે કે ધરમસીને એમના જેવડો એક દીકરો છે. અને એ પણ પરદેશમાં!

“પાંચ મિનિટમાં કામે લાગી જાઓ, હજી પેકિંગ બાકી છે”

સુપરવાઈઝરે ફેક્ટરીના દરવાજામાંથી ડોકિયું કરી કારીગરોને સુચના આપી.

ધરમસીએ પ્લાસ્ટિકના કપમાં બાકી રહેલી ચાને એક ઘૂંટડે પૂરી કરી.

“હાઈશ” કરીને જમીન પરથી હાથનો ટેકો દઈને ઉભા થયા, પેન્ટની પાછળની ધૂળ ખંખેરી,  જાણે ઊંઘને ખંખેરતા હોય.

*******

ઓવનમાંથી તાજી બહાર આવેલી બ્રેડની ખુશ્બુથી આખી ફેક્ટરી મઘમઘતી હતી. જાત જાતના બિસ્કીટ, નાનખટાઈ, ખારી બિસ્કીટ, પફ..

લોકોને ઘરે જવાની ઉતાવળ હોઈ, કામમાં હવે તેજી હતી. બ્રેડના લંબચોરસ ચોસલા મશીનમાંથી કપાઈને બહાર આવે એટલે ધરમસીએ એમને પ્લાસ્ટિકનો કોથળીમાં નાખવાના, એસેમ્બલી લાઈન ગોળ ગોળ ફરતી. ધરમસી એને પટ્ટો કહેતા. અહી જાણે રેસ લાગતી, માણસ અને મશીન વચ્ચે, જો થોડા મોડા પડ્યા તો કોથળી વગરની બ્રેડ આગળ જાય ને ત્યાં ઉભેલો કોથળી પર સીલ મારતો કારીગર મોઢું બગાડે. બે વાર આવું થાય એટલે સુપરવાઈઝર આવીને માથે ઉભો રહે.

ધરમસી એમની ઉંમર પ્રમાણે તેજ હતા. ખેતરોમાં કરેલી મજુરીએ શરીરને હિંમત સાબુત રાખ્યા હતા. બાકી રાત આખીના ઉજાગરા બાદ પગ પણ થરથર કાંપે, આંખે અંધારા આવે ને મન શરીરને સુવા માટેની અનેક લાલચો આપે.

છ વાગે શિફ્ટ પૂરી થઇ, એ રજીસ્ટરમાં સહી કરી બહાર આવ્યા. ફેક્ટરી જી.આઈ.ડી.સીમાં હતી, ત્યાંથી શટલીયામાં બેસીને જી.એસ.એફ.સી ચોકડીને ત્યાંથી સાડા છની લોકલમાં અડાસ પોતાને ગામ, જતા હજુ બીજો કલાક થશે.

આમતો હવેતો એ રસ્તે પણ મેટાડોરને ટેમ્પો જેવા ખાનગી વાહનો ફરતા. પણ ધરમસીને સાડા છની બસ ફાવી ગઈ’તી. કન્ડક્ટર ભલો હતો, બસ ફૂલ હોય તો ધરમસીને પોતાની જગ્યા આપી દેતો. મોટેભાગે બસમાં વાસદને વિદ્યાનગર જતા કોલેજીયનો હોય. ધરમસી બારી પાસેની સીટમાં ગોઠવાયને ઘસઘસાટ ઊંઘી જતા. અડાસ પાટિયું આવે એટલે કન્ડક્ટર ઉઠાડે, પણ ત્યાં સુધીમાં તો ધરમસી એક આખી, પુરેપુરી ઊંઘ કરી લેતા. સપના પણ આવે, ને વિચારો પણ. લાલો વોશિંગ્ટન ગયો ત્યારના ફોટા જોયા પછી પોતે અને મંજુલા પણ ત્યાંજ છે લાલા સાથે, મંજુલા એ જીન્સ પેર્યું છે ને પોતે રીબોકના બુટ.. એવા ગાંડા, ઘેલા સપનાનો ભરમાર વચ્ચે એમની સવારોની સફર ક્યાં શરૂ ને ક્યાં પૂરી થતી એની ખબર પણ રહેતી નહી.

ઘરે પહોચતા સવા આઠ જેવું થઇ જતું. બસ રસ્તા પર ઉતારી દેતી, ત્યાંથી ગામ અંદરના રસ્તે બીજો કિલોમીટર હતું, કોક રીક્ષા મળે તો ઠીક બાકી ધરમસી ચાલી નાખતા. રસ્તામાં પોતાની જમીનો આવતી, તમાકુ ને કેળાનો મબલખ પાક ને હરિયાળી જોઈને જીવ બળી જતો કે ક્યાં આવી જમીન વેંચીને આ ઉજાગરો ખરીદ્યો. પણ પછી થતું હશે, જે થયુ હોય તે પણ લાલો તો સુખી છે ને. એનું પરદેશ જવાનું સપનું તો પૂરું થયુંને.

ચોકમાંથી ઘરે જતા, સામે નિશાળે જતા છોકરાઓ, નોકરિયાતો મળતા, સૌ તાજા-માજા, રાત આખીની ઊંઘ પછી સ્ફૂર્તિલા લાગતા ને ધરમસી પોતે પ્રેતની જેમ ભટકતા ઘરે પહોચતા. ધરમસીનું ચાલેતો સીધા મેડીએ જઈને રજાઈ તાણીને ઝોંપી જાય, પણ આ મંજુલાની કચકચ. “દાતણ કરી લો, ચા મુકું, બે ઢેબરાં ખાઈ લો, પેટમાં કઈ હોય તો ઊંઘ સારી આવે.”

“પાણી મૂકી દઉં છું, નાહીને સુઈ જાઓ, થાક ઉતરે ને ઊંઘ સારી આવે.”

કોણ જાણે કેવી રીતે પણ દરેક વાતનું કનેક્શન એ ઊંઘ સાથે કરી દેતી. એની આ પ્રક્રિયાઓમાંથી પસાર થતાં થતા ધરમસી નવ સાડા નવે પલંગ ભેગા થતાં. પાડોશમાં વાગતો રેડિયો, શાકભાજીની લારીવાળા વોહરાનો ઉંચો અવાજ, કામવાળીઓની ખી-ખી, વાસણોનો અવાજ, સિનેમાની જાહેરાત કરવા ફરતી રીક્ષા પર રાખેલા લાઉડ સ્પીકરનો અવાજ, કપડા પર પડતા ધોકા, કાગડા ને કુતરાના અવાજ, જાણે ધરમસી દરરોજ સવારે આ અવાજો સાથે યુદ્ધ લડતા એક ઊંઘ માટે!

મંજુલા પોતે રણછોડજીના મંદિરે જાય ને ત્યાંથી મઠીયા પાપડ બનાવવાની ફેક્ટરીએ, લાલાના દોસ્તારે નાખી હતી ઉજાસ પાપડ ઇન્ડસ્ટ્રી. આમપણ ધરમસીતો ઊંઘી ગયા હોય ને એ એકલી બેસી બેસી ને ટી.વી પણ કેટલું જોવે. આ તો પાપડ વણતા સમય જાય, બેનપણીઓ સાથે વાતો થાય અને બે પૈસાની આવક થાય. વ્યાજ ભર્યા બાદ બે જણને ખાવા પીવાના તો પૈસા જોઈએને. આખી જિંદગી કરેલી નહી એ નોકરીઓ હવે કરવાનો વારો આવ્યો, પણ બળ્યું એ બધું લાલો તો પરદેશ સેટ થઇ ગયોને, બન્ને એમ કરીને મન મનાવી લેતા.

નામતો ચિરાગ હતું, પણ ધરમસીને મંજુલાના એમના એકનાએક દીકરાને નાનપણથી લાલોજ કહેતા. લાલો ભણવામાં કઈ ભલીવાર લાવ્યો નહી. વિદ્યાનગર મુક્યો, ત્યાં ખોટી સંગતે ચડીને રખડી ખાધું. નાપાસ થઈને અડાસ પાછા. ગામમાં ડીશ-એન્ટેના ને કેબલનું શરૂ કર્યું ત્યારે ધરમસી એ પહેલીવાર જમીન ગીરવે મૂકી, પણ એમાં બરકત આવી નહી ને મોડી રાતે કેબલ પર બ્લ્યુ ફિલ્મ બતાવવા જતા પકડાયો એટલે પોલીસના લફડા. માંડમાંડ લાંચ આપી છોડાવ્યો.

ધરમસીના મોટા ભાઈ વર્ષોથી અમેરિકા હતા. એ ગામ આવે ત્યારે લાલા માટે, બુટ, ગોગલ્સ, પરફ્યુમ ને સાલેમ સિગરેટના ટીશર્ટ લેતા આવે. મોટા બાપુને અમેરિકામાં ત્રણ ગેસ સ્ટેશન હતા. એમને એક દીકરીજ હતી તે પણ અમેરિકામાં પરણાવેલી ડેલાવરમાં. મોટાબાપુ કાયમ કહેતા કે લાલો જો અહી આવી જાય તો આ બધું એણે સોંપીને હું રીટાયર થઇ જાઉં.

લાલાની અમેરિકા જવાની ઈચ્છા પણ એવી પ્રબળ, આખો દાડો અમેરિકા જવાના વેંતમાં હોય. એક એજન્ટની ખબર લઇ આવ્યો, બે નંબરમાં કેનેડાને ત્યાંથી બાય રોડ અમેરિકા. લાલાના મામાનો છોકરો આજ એજન્ટ જોડે ગયેલો.

તકલીફ એક જ વાતની હતી, એજન્ટની ફી, ચાલીશ લાખ રૂપિયા હતી. ધરમસી એ પહેલા તો ના જ પાડી, પણ અંતે મંજુલા અને લાલાની જીદ સામે ઝૂકવું પડ્યું. બધીજ જમીનો ગીરવે મૂકી તોયે પૈસા ખૂટ્યા, છેવટે વ્યાજે લીધા. એ વ્યાજ ભરવા કે બે જણનો ગુજારો કરવા ધરમસીએ પંચાવન વર્ષની ઉંમરે બ્રેડને બિસ્કીટની ફેક્ટરીમાં રાત રાતના ઉજાગરા કરવા પડતા. એક આશા હતી કે લાલો સેટ થશે, પોતાનો સ્ટોર કરશે, ત્યારે આ જમીનો છોડાવશે, ને આખીય રાત મસ્ત ઊંઘી જશે.

લાલો પણ ઓગણત્રીસનો થયો છે. હવે વરસ-દાડામાં પરણાવી દેવો છે. ગ્રીન કાર્ડ વાળી છોકરી મળે એવી ડાકોરની બાધા રાખી છે. મંજુલાની ખ્વાહિશોનો પણ અંત ન હતો.

ધરમસી ઊંઘમાં લાલાની, અમેરિકાની, એના લગનની, પોતે એક દિવસ અમેરિકા જશેના જાત ભાતના સંતોષી સપનાઓ જોતા જોતા ઘસઘસાટ ઘોરે.

મંજુલા બપોરે ત્રણેક વાગે પાછી આવે, ધરમસીને ઉઠાડે, બેય જણા સાથે બેસીને જમે, વાતો થાય. ટીવી જોવાય ને એમ કરતા કરતા સાંજ પડી જાય, એ રાતના ભોજનની તૈયારી કરે, ત્યારે ધરમસી પાછી એકાદ કલાકની ઊંઘ ખેંચી કાઢે, ખુરસીમાં પડ્યા પડ્યા, પછી દીવા બત્તી કરે. ઘરના ચોકમાં આંટા મારે. પોળના નાકે પોતાની ઉંમરના ભાઈબંધ-દોસ્તારો સાથે થોડી વાર ટોળ-ટપ્પા કરે ત્યા તો મંજુલા રાતના ભોજન માટેની બુમ મારે.

બસ, જમીને ધરમસી હાથમાં ટોર્ચ લઈને નીકળે, હાઇવે પરથી ખટારો કે જે સાધન મળે એમાં બેસીને પાછા જી.એસ.એફ.સી ચોકડી પહોચે. એમની આ સફર બદલાતી મોસમોની આરોપાર ચાલુ રહી.

ચોમાસાંમાં તકલીફ થતી, ગામથી હાઇવે જવાના રસ્તે પાણી ભરાતા, માંડમાંડ એ ઓળંગીને ફેક્ટરી મોડા પહોચે ત્યાં પેલો સુપરવાઈઝર દશ મિનિટ મોડા હોય તોય કલાકનો પગાર કાપી નાખે, શિયાળામાં સાડા ચારના બ્રેકમાં બીજા કારીગરો ટાઢ ઉડાવવા તાપણું કરતા. ને જાણે ધરમસી એમાં પોતાના સપનાઓ શેકતા.

સમય વીતતો ગયો, લાલાને મોટાબાપુએ સ્ટોર કરી આપ્યો નહી, એમના જમાઈ ને જમાઈના  મોટા ભાઈ હવે બધો વહીવટ સંભાળતા પણ, એમને ભલામણ કરી ઓહાયોના કોલંબસમાં લાલાને એક ગેસ સ્ટેશન પર નોકરીએ રખાવી આપ્યો, નાઇટ શિફ્ટ. જાણે પરિવારની ઊંઘ પર કોઈની નજર લાગી ગઈ’તી.

મંજુલાની તબિયત કાચી પાકી રહેતી. ધરમસી પણ હવે થાકી જતા. બ્રેડ ને બિસ્કીટની સુગંધ હવે ઉબકા લાવી દેતી. લાલો તક મળે ત્યારે બસો-પાંચસો ડોલર મોકલાવતો. દેવું લાલાની વહુ માટે રાખેલા ઘરેણા વેંચી અને લાલાએ ટુકડે ટુકડે મોકલેલા પૈસા એમ કરીને માંડ પૂરું કર્યું.

ધરમસી મનોમન જાણતા હતા કે હવે આ ઉજાગરાનો અંત આવશે, લાલાને અમેરિકામાં પાંચ વર્ષ થયા ને હવે સેટ થઈ ગયો છે. છેલ્લે એનો ફોન આવ્યો ત્યારે કહેતો તો કે કોક મેકસી એની જોડે કાગળ પર લગન કરવા તૈયાર છે, બસ બે મહિનામાં ગ્રીન કાર્ડ આવે એટલે એ સીધો ગામ આવશે. એના પાપડ ફેક્ટરીવાળા દોસ્તારે એને કહ્યું છે કે તમે બંને જણા નોકરી કરો છો. પણ હું આવું એટલે બધું ગોઠવી નાખીશ, તમે એય ને પછી આરામ કરજો.

લાલાના આવવાની તારીખ નક્કી થઇ એના આગલા અઠવાડિયે ધરમસીએ નોકરીમાં રાજીનામું આપ્યું. સુપરવાઈઝરે બિસ્કીટના પાંચ પેકેટ ધરમસીને ભેટમાં આપ્યા. ક્રીમ વાળા બિસ્કીટ. છેલ્લી રાતપાળી કરીને પાછા ઘરે આવતા’તા ત્યારે ધરમસીએ પોતાની જમીન તરફ રોજની જેમ ફરી એકવાર જોયું. છેવાડે રહેલા ઝાડ પર નજર પડી. રખોપું કરતા દરબારે રાતના ત્યાં તાપણું કર્યું હશે. ધરમસી ઝાડ નીચે જઈને તાપણા પાસે બેઠા. હજી બળેલા લાકડાઓમાં ગરમાવો હતો. હવામાં ઠંડીનો ચમકારો હતો. કોણ જાણે ક્યારે આંખ મળી ગઈ એનું ભાન રહ્યું નહી.

છેક સાડા અગિયારે, જતીને હલબલાવીને જગાડ્યા ત્યારે એમની આંખ ખુલી. મન હજી ઘેનમાં હતું. આંખો પૂરી ખુલતી ન હતી. જતીન પાડોશમાં રહેતો, એના એસ.ટી.ડી, પી.સી.ઓ પર લાલાના ફોન આવતા. લાલાનો લંગોટિયો દોસ્ત હતો.

બે ઘડી, તો સમજાયું નહી કે જતીન શું કહે છે. સમજાયું ત્યારે માનવામાં આવ્યું નહી. પણ હકીકતો ઠંડી દવાની જેમ લોહીમાં પ્રસરે છે ધીમે ધીમે. મોટા બાપુનો ફોન આવ્યો તો કે લાલાની દુકાને કોઈ કાળિયા લોકોની ગેંગે લુંટ કરી હતી. લાલાને ગોળી વાગી હતી, કોમામાં છે.

છ મહિના પછી લાલો ભારત પાછો આવ્યો, જીવ બચી ગયો તો, પણ કમરની નીચેનો ભાગ ખોટો પડી ગયો’તો. હવે લાલો જતીનના પી.સી.ઓ પર નોકરી કરતો, કારણકે જતીન પોતે અમેરિકા ગયો હતો.

ધરમસીએ પાછી રાતની નોકરી શરૂ કરી દીધી હતી.


શ્રી પાર્થ નાણાવટીનો સંપર્ક  parthbn@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “ઊંઘ

Leave a Reply

Your email address will not be published.