વ્યંગ્ય કવન : (૫૪) – રોટી ઝુરાપો

રક્ષા શુક્લ

મારી રગરગમાં રોટી ઝુરાપો.
કહે ઘઉંની એ હોય, વળી ગોળગોળ હોય,
કોઈ એકાદી ઝાંખી તો આપો !

માંડ ફુલાવી છાતી ખોંખારી કહયું, ‘પ્રિયે, રોટી કરવાનું તને ફાવે ?’
તારા સુંદરતમ હાથ વડે વેલણ જો પકડે તું, સોને આ ભાયડો મઢાવે.
બ્રૂસલીને ટી.વી.માં જોઈ જોઈ ઘરમાં એ કૂંગફૂનું હુનર બતાવે,
રેસીપી ક્વીન રૂડી ચાઇનીઝ ‘ને ચાઉચાઉં, ચેટીંગમાં ચટ્ટ દઈ લાવે.

કહું બાઢમ્ હું રાંક, કરું અમથી મજાક, થયા ભૂલમાં રોટીનાં પ્રલાપો.
મારી રગરગમાં રોટી ઝુરાપો.

સપનું ‘ને સપનામાં બૂફેની મોજ લૂંટી તંદૂરી મેંદાની ખાતો,
ચાંદામા થાય કદી રોટીના દર્શન તો પત્નીની ખાવાની લાતો.
કુરિયરમાં કોઈ કંકોતરી ત્યાં મનમાં ને મનમાં મલકાતો,
ભાઈબંધો સાથેની બેઠકમાં એન્ટર થઇ રોટી- મેકરની યે વાતો.

કરો હેલ્લો ને હાય, સ્વીચ પાડો ‘ને થાય, મુકો તડકે આ રોટી-બળાપો.
મારી રગરગમાં રોટી ઝુરાપો.


સુશ્રી રક્ષાબહેન  શુક્લનો સંપર્ક  shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે કરી શકાશે        

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.