શબ્દસંગ : ભક્ત કવયિત્રી રતનબાઈનાં કચ્છી પદોનું અનુસર્જન

નિરુપમ છાયા

માનવ માનવ વચ્ચેનો વ્યવહાર ભાષાને કારણે સ્પષ્ટ અને સરળ બનવાને કારણે મનુષ્યની ઝડપી  પ્રગતિ થઇ સાથે સાથે  સુવ્યવસ્થિત જીવનને પરિણામે માનવસંસ્કૃતિ તરીકે ઓળખાતી બાબત પણ અસ્તિત્વમાં આવી એમ કહેવું અનુચિત નહીં ગણાય. વળી ભાષા સાથે ભાવોની અભિવ્યક્તિ માટે સર્જનાત્મક સાહિત્ય વિકસ્યું.

આપણા સાહિત્યના  મધ્યકાળમાં સંતો અને ભક્તોએ ભક્તિ અને અધ્યાત્મની લહેર પ્રસરાવી લોકોને જીવનની સાચી સમજણ, જીવવાની દૃષ્ટિ આપી. ભક્તિપદોની રચના કરીને આ સંતો અને ભક્તોનું સાહિત્યમાં પણ મૂલ્યવાન યોગદાન રહ્યું. આમાં નારી સંતો અને ભક્તો પણ એટલાં જ અગ્રેસર રહ્યાં છે.  અન્ય  ભાષાઓનાં નારી સર્જકોની જેમ કચ્છી ભાષામાં આદ્ય નારીસર્જક તરીકે ભક્ત કવયિત્રી રતનબાઈનું નામ મુકાય છે. 

                       વળી, વિશ્વમાં અનેક માનવસમુહોની અગણિત ભાષાઓ વચ્ચે એક સુરેખ કલાત્મક, ગુણાત્મક આદાનપ્રદાન થાય તો માનવ માનવ વચ્ચે ભાવાત્મક સંબંધ રચાય. કશુંક ક્યાંય ખૂટતું હોય તો એની પૂર્તિ પણ થાય. આ પ્રકારના લાભો સાથે છેવટે તો સમગ્ર માનવસંસ્કૃતિ જ વિશેષ ને વિશેષ પ્રકાશ પ્રાપ્ત કરે.                                                                                                 

             કચ્છી અને ગુજરાતી ભાષા વચ્ચે ભાષાનાં આવાં  આદાન પ્રદાનનો ઉચ્ચ હેતુ સિદ્ધ કરતાં ગુજરાતી સાહિત્યના કવિ,સર્જક શ્રી રમણિક સોમેશ્વરે  સંત ભક્ત અને કચ્છી ભાષાનાં આદ્ય નારી સર્જક તરીકે ગણાય છે એ રતનબાઈની પદ્યરચનાઓનાં ગુજરાતી  અનુસર્જન દ્વારા એક કેડી કંડારી છે. ભક્ત કવિયિત્રી રતનબાઈએ મધ્યકાળના સંતોની જેમ કચ્છી ભાષામાં રચેલાં પદોનાં કવિ-સર્જક રમણીકભાઈ સોમેશ્વરે કરેલાં અને કાવ્ય સામયિક ‘વહી’ (સપ્ટે.૨૦૦૧ અને જાન્યુ.૨૦૦૫ના અંકો)માં પ્રસિદ્ધ ગુજરાતી અનુસર્જનોનો મૂળ કચ્છી પંક્તિઓ સાથે  સમાંતરે આસ્વાદ લઈશું.

         રતનબાઈ વિષે બહુ ઓછી માહિતી મળે છે.’આપણા સંતો અને કવિઓ’ પુસ્તકમાં  દુલેરાય કારાણીએ તેમને પ્રાપ્ત થયેલી, આપેલી વિગતો પ્રમાણે રતનબાઈ મૂળ અબડાસાનાં ભડલી ગામનાં રહીશ, ખોજા જ્ઞાતિનાં સુસંસ્કારી બહેન હતાં. યુવાન પુત્રનાં અકાળે અવસાનનાં દુઃખથી એમનું હૃદય વૈરાગ્યના રંગે રંગાઈ  કૃષ્ણભક્તિ તરફ વળ્યું.તેમણે પોતાનાં જીવનનો મોટો ભાગ તેરામાં વ્યતીત કર્યો હતો. તેરાના ટીલાત ઠાકોર ગગુભાએ એમની વૈરાગ્યભાવનાથી પ્રભાવિત થઈ, તેમની જ માગણી મુજબ તેરાના તળાવની ઉત્તર તરફની જમીન આશ્રમ માટે અર્પણ કરી હતી. આ એકાંત સ્થાનમાં નિવાસ કરી રતનબાઈ  નિર્ભયતાપૂર્વક ભક્તિ સાધના કરતાં હતાં. એમનો કંઠ બુલબુલ જેવો મધુર અને મૃદુ હતો. ભાકરશા નામના ઓલિયા ફકીર એમના ગુરુ હતા. રતનબાઈની પોતાની હયાતિમાં જ ગુરુ અવસાન પામ્યા હતા જેમના વિયોગમાં એમણે કાફીઓ રચેલી. આજે તો આ સ્થાન તદ્દન જર્જરિત અવસ્થામાં છે. ત્યાં ભાકરશાપીરની સ્મૃતિમાં રતનબાઈએ ચણાવેલ પીરનો ઓટલો, રતનબાઈ અને એમની પૌત્રીની કબર પણ હતાં. રમણીકભાઈની નોંધ મુજબ ઈ. સ. ૧૮૫૦થી ઈ. સ. ૧૯૨૦ એટલે કે લગભગ ૭૦ વર્ષ રતનબાઈનો (કારાણીજીએ નોંધ્યા પ્રમાણે દેહવિલય સંવત ૧૮૭૬માં) જીવનકાળ કહી શકાય.

               સાહિત્યનાં અભ્યાસુ ડૉ. દર્શનાબહેન ધોળકિયા ‘કચ્છની સંત કાવિયિત્રીઓ’માં નોંધે છે કે જીવનકાળની દૃષ્ટિએ રતનબાઈ  ગુજરાતના ભક્તકવિ  દયારામનાં સમકાલીન થયાં અને એ રીતે તેઓ    ચોક્કસપણે મધ્યકાળનાં કવિયિત્રી ગણાય. તેમનાં પદોમાં જોવા મળતા પ્રેમલક્ષણાભાવને દર્શાવીને એની જોડાજોડ મીરાંની પંક્તિઓ ટાંકીને તેમણે રતનબાઈને કચ્છનાં મીરાં પણ ગણાવ્યાં છે.

                મધ્યકાળના સંતોની જેમ રતનબાઈએ પણ જ્ઞાન, પ્રેમ અને ભક્તિની સાધનાના પરિપાકરૂપે, કચ્છી પદોમાં  જીવ- જગત, આત્મા-પરમાત્મા,જીવન-મૃત્યુ, ગુરુ, કાયા-માયાનાં સૂત્રાત્મક રીતે, સરળતાથી મૂકેલાં તત્વજ્ઞાનને એવા જ સરળ અને સ્પર્શી જતાં રમણીકભાઈનાં ગુજરાતી અનુસર્જનથી રતનબાઈ, કાશ્મીરનાં એવાં જ સંત કવિયિત્રી લાલ ડેડની જેમ ખૂણાના આ પ્રદેશથી ક્યાંય ક્યાંય પહોંચ્યાં છે અને  આખા દેશમાં એક છેડેથી બીજે છેડે ભક્તિની ચેતનાલહેર જગાવનાર મધ્યકાળના સંતોની સમાંતરે મૂકી આપ્યાં છે. 

                   આ દુનિયાને જોઈ મનમાં જે તીવ્ર લ્હાય પ્રસરી છે તેને વ્યક્ત કરતાં રતનબાઇ કહે છે, ‘મનમેં મચ તો બરે, હિન ધુનિયાં જો ઘોર ડીસીને મનડો મુહીંજો ડરે સામીડા’ જેને ગુજરાતીમાં આ રીતે મૂકાઈ છે, “આ દુનિયાની રીત નિહાળી, મનડું મારું ડરે સામીડા મારા હૈયે લ્હાય બળે “ અને ‘ટાઢા ડુંગર ડોરીયાં આંઉ, નેણે નીર તો ઝરે’ પંક્તિઓ આ રીતે આવી છે, “ દોહ્યલા ડુંગર ડહોળું હું તો નયણે નીર ઝરે”.માં  ‘બરે’ માટે  ‘લ્હાય’, અને ‘ટાઢા’ માટે ‘દોહ્યલા’ શબ્દ મૂકી, કવિએ  મૂળ ભાવને આપણા સુધી પહોંચાડીને, અનુસર્જનનું કાવ્યતત્વ પણ સિદ્ધ કર્યું છે એ અહીં જ નહીં, દરેક પદમાં  એમના સામર્થ્યનું પરિચાયક બને છે. લાહ્ય થાય છે એટલે પ્રશ્ન આવે છે, ‘કેં કે સુણાઈયાં ચઈ? આઇઅલ માં હી પર મૂં સે થઈ, ડુંગર ડિનાં મૂંકે ડેજ મેં, મા! સગર ડિના બ્યા સઈ’ એટલે કે, “કેને સુણાવું કહી આઈયલ મા, મારા માથે જે વીતી રઈ, ડુંગર દીધા મુંને  દહેજમાં, દીધી, સાંકડી કેડિયું કંઈ, કેને સુણાવું કહી.” ઉત્તરમાં ડુંગર અને સાંકડી કેડી કેવાં પ્રતીકાત્મક બને છે! તો ગુજરાતીમાં મુકાયેલા ‘સુણાવું’ અને ‘વીતી રઈ’ શબ્દો ભાવક માટે યોગ્ય અર્થસૂચક બની રહે છે! એ જ રીતે ‘કિસમત વીખો ખણી’,ને ‘લખિયાં કરમ સંભાળ” પંક્તિમાં, તો કવિયિત્રીનાં ‘મન તું વેને મરી, મુસાફર મનડા! ધોલત ધુનિયાં કમ ન  ઈંધે, કીં ન બધને ભરી.’ પદમાં મનુષ્યને મુસાફર બતાવી, અંતે શું સાથે લઇ જવાનું છે એ વાતને “મનડા, જઈશ મરી, મુસાફર મનડા જઈશ મરી, દોલત-દુનિયા કામ ક્યાં આવે, ગઠરી શાને ભરી” પંક્તિઓમાં મૂકીને કવિ મધ્યકાળની  પરંપરાગત શૈલીને તાદૃશ કરે છે.

              જયારે અંદરથી કશુંક ઉગે ત્યારે સંસાર અસાર લાગે, વૈરાગ્ય જાગે. રતનબાઈ સંસારની  અસારતા આ રીતે વ્યક્ત કરે છે : “પંખીએ જો મેડો રે, મૂંજી આઈયલ, બચલા પરતા રભ્ભ કે, લગો જોગીએં સેં નેડો રે!……ભુંગલા પરતા પાડે કે, ઉત કલંધો ન કો ભેરો રે! એટલે કે, ‘પંખીડાનો મેળો મારી આઈયલ, પ્રેમનગર જ્યાં પછી ફરી, લાગ્યો જોગીડાથી નેડો રે મારી આઈયલ… માઢમઢૂલી પડતાં મેલ્યાં, આવે ના કાંઈ ભેળું રે, મારી આઈયલ…’ જગતમાંથી વિદાય લેતાં કશું સાથે નથી આવવાનું એ સનાતન સત્ય સમજતાં વૈરાગ્ય જન્મે છે અને આ કવિયિત્રી ગાઈ ઉઠે છે, “ મન! હેડે ટાણે અસૂરો હલીને મેરમ! કિતે રોનેં રાત? …કાયાને માયા તોજી, કમ ન  અચીંધી, જમ અચીંધા જીવ ગિને લા ઉધી વેંધા સાથ રે મન. અર્થાત મનડા હે, આવા ટાણે, હાલીને અસૂરો મેરમ, ક્યાં રહેશે રાત, ક્યાં રહેશે રાત, આપણો બચપણનો સાથ મનડા હે….’ ગુજરાતીમાં ઉતારતાં કવિએ ‘ક્યાં રહેશે રાત’નું આવર્તન મૂકીને  અર્થને કેવો ઘૂંટ્યો  છે! મન અને અંતર વચ્ચેનો દ્વંદ્વ, અને કવિ  મકરંદ દવે કહે છે એમ ‘સંસાર આથમી ગયો છે અને આતમનો સૂર્યોદય થયો નથી’ એવી કૈંક આ અવસ્થા. અંતરમાં વૈરાગ્ય છે અને મન માયા તરફ ખેંચે છે. ભક્ત સમજે છે કે મનને દબાવવાથી તો એ ઉછળશે એટલે જ આખાયે પદમાં મનને વારંવાર સમજાવ્યું છે, ‘કાયા ને માયા તારી કામ ન આવે, ભાઈ, જીવ લેવા જમ આવે, ચાલ્યા જાશું સાથ મનડા હે …’

         આ બાબત એમને એમ નહીં, અંદરને અંદર મંથનની એક ઊંડી અને લાંબી યાત્રા ચાલ્યા પછી બની  છે. કવિયિત્રી કહે છે, “મન! તું વે ને મરી, મુસાફર મનડા! વે ને મરી….ધોલત ધુનિયાં કામ ન ઈંધે, કીં ન બધને ભરી, મુસાફર…. બધી સગો સે બધજા આંઈ, કિત ન અચીંધા વરી મુસાફર.” એટલે કે, ‘મનડા, જઈશ મરી, મુસાફર મનડા જઈશ મરી, દોલત દુનિયા કામ ક્યાં આવે, ગઠરી શાને ભરી, મુસાફર મનડા, જઈશ મરી….બાંધી શકે તો બાંધને ભાઈ, નહીં આવશે ફરી…..’ રતનબાઈ તત્વ સમજાવવા કેવા સરળ શબ્દો પ્રયોજે છે! કેટલા અવતાર પછી આ અમૂલ્ય  માનવ દેહ મળ્યો છે અને   ફરી ફરી મળવાનો નથી તો શા માટે  વ્યર્થ ભેગું કર્યું છે! જન્મમરણનો ફેરો ટાળવા જે જોઈએ એ જ ભેગું કરને!

                પણ  વૈરાગ્યનો પંથ સરળ નથી, અજાણ્યો મારગ છે. ભોમિયાની તો જરૂર પડે જ ને?  રતનબાઈના હૈયાંમાં આરત જાગે છે, “જોગીડેં કે જી! કાગ  ઉડાઈયાં વાટું ન્યારિયાં અચો આંઈ મૂંજા પિરીં.”  ‘કાગ ઉડાડું વાટ નિહાળું, તમે આવો મારા સજન’ અને કેવી ગૂંગળામણ છે, તો કે છે, “સા વીંનેતો સીપરીં મૂંજા, કોલ પારીંધા કીં…” ‘શ્વાસ આ નીકળ્યો સા’યબા, તમે વચન પાળશો કેમ?’ ગુજરાતી અનુસર્જનમાં ‘સજન’ ‘સાયબા’ શબ્દો મૂકી ગુરુ સાથેની એકત્વની આરાધનાનો સઘન ભાવ આપણા કવિ કેવો સ્પષ્ટ કરે છે! રતનબાઈ “સામીડેં જો નેહ” વર્ણવે છે,”મુખ ન ડિસાં ન, ત તાં સુખ ન થિયે” અને આ તો  એકાકીની એકાકી ભણી યાત્રા. “ડુંગર ડોરીયાં હેકલડીમા” કહે  છે, ‘મુખ નવ દેખું ચેન ન પામું’ અને ડુંગર ડહોળું એકલડી મા, મુંને હાથ ન કોઈ ધરે’. ભક્ત-શિષ્યનાં ગુરુને આ અનુનય,આજીજી છે.

                 વૈરાગ્ય અને ગુરુ પાસેથી જ્ઞાન સાંપડયા પછી રતનબાઈ કહે છે, “પેરીઆં ભગવાં ભેખ..લિખેઆ એડા લેખ …મેડીઆં માક મલીરજી મા કરમ લિખઈકા લેખ… મરણ જિયણ જી મેખ”. ‘પહેરું ભગવો ભેખ…લખિયા જેવા લેખ…ઝાકળને મારગ ઝાકળ મળતી એ જ કરમની લેખ..મરણ-જીવનની મેખ.. શરુઆતમાં પથ ધૂંધળો લાગે અને બધું ક્ષણભંગુર છે એ વાત ઝાકળનાં પ્રતિકથી સમજાવી છે.  ભેખ, લેખ, રેખ, મેખના પ્રાસ કેવા સહજતાથી આ ભક્તની વાણીમાં પ્રગટ્યા છે એને શબ્દોનો,પંક્તિઓનો, લય જાળવીને આપણા કવિ ગુજરાતીમાં કેવા મુકે છે!

                     પછી પણ જાગતા તો રહેવાનું જ છે. “બંગી ધરિયા વિચમેં રે કારે મોરે પાણી ભરિયા” ‘ ‘નાવડી છે મધદરિયે રે કોરે-મોરે ભરીયાં પાણી જાગો મારા જાની’. કારણ કે, “તો જે ફિરાક મેં મૂં જોગ વિધો, તો કે ડિસણ લા ડાઢા મૂં વાજ વિધા સે અંતરમેં ઓતારા કરેને વિઠા મૂંજા સજણ! તોજી બાતી અઈયાં.” ‘તને જોવા મેં કેટલો ઉધામો ધર્યો, તેં તો અંતરને આંગણે ઉતારો કર્યો મારા સેણ સજન તારી દાસી છું યાર !’ વળી, “મૂંજી પંખીડે સેં પ્રીત બંધાણી….બોલે ‘રતનબાઈ’ વીનતી, પીર જે પગલે ઓરખાણી…” અર્થાત ‘પંખીડાં સંગે મારે પ્રીતડી બંધાણી, બોલે ‘રતનબાઈ’ વીનતી આ મારી પીરના તે પગલે ભલા, હું તો ઓળખાણી’ પરમને પામવું એ જ સાચી ઓળખાણ..

             રતનબાઈનાં ‘પખીએ જો મેડો રે’ અને થોડા ફેરફાર સાથે ‘મનમેં મચ તો બરે’ એ બે પદ તો જાણીતા વાર્તાકાર જયંત ખત્રીની વાર્તા પરથી બનેલી ‘ધાડ’ ફિલ્મમાં કચ્છના જ કલાકારો  ઈસ્માઈલ પારા અને ધનબાઇ ગઢવીએ  વનરાજ ભાટિયાના સંગીતમાં ગાયાં છે. 

              અહીં તો માત્ર આચમન જ છે પણ રતનબાઈનાં પ્રાપ્ય ૧૮ કચ્છી પદોનાં પદ્યાંતર, કાવ્યાંતરમાંથી પસર થતાં એક સઘન ભર્યો ભર્યો અનુભવ થાય છે. આધુનિકતાને સ્પર્શતા  કવિ રમણિક સોમેશ્વરે  અનુસર્જનમાં  મધ્યકાલીન કાવ્યભાવ યથતથ ઝીલીને ઉત્કૃષ્ટ કવિકર્મ નિભાવ્યું છે. એમના સ્પર્શે કચ્છી સાહિત્યનું વધુ ને વધુ માધુર્ય અન્ય ભાષકોને પહોંચે એવી ઈચ્છા પણ જાગે.

                તત્કાલીન સમાજની રૂઢી અને પરંપરાઓ સામે એક સ્ત્રી તરીકે બધું પરહરિને, ભેખ ધરીને નીકળી પડવું એ નાનીસૂની વાત નહોતી જ. એથી જ રતનબાઈએ એક ક્રાંતિ કરી છે એમ કહી શકાય. સમાજમાં જ્ઞાન અને ભક્તિની લહેર સાથે  ક્રાંતિની  જ્યોત પ્રગટાવતાં આ  ગુજરાતી અનુસર્જનોથી કચ્છી સાહિત્યની સર્જનાત્મક સમૃદ્ધિનો પરિચય વ્યાપક બન્યો છે.


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.