બાળવાર્તાઓ : ૨૨ – ચાલો, રોહન-મેધાના બગીચામાં

પુષ્પા અંતાણી

ઉનાળાના દિવસો હતા. બપોર નમવા આવ્યો હતો. રોહન એના ઘરની પાછળ આંગણામાં બનાવેલા બગીચામાં રમતો હતો. એ દોડતો ઘરમાં આવ્યો. મમ્મીને કહ્યું: ‘મમ્મી, ચાલ બગીચામાં, મારે છોડવાંને પાણી પાવું છે.’

મમ્મી કહે: ‘બેટા, સોસાયટીનો બોર બગડી ગયો છે તેથી બગીચાના નળમાં પાણી નથી આવતું.’

રોહને જવાબ આપ્યો: ‘તો, મમ્મી, તું મને બહાર ટબમાં પાણી ભરી આપ, હું ડબાથી છોડને પાણી પાઈશ.’

        પાંચ વરસના રોહનને પોતાના ઘરના બગીચાનાં ઝાડવાંને પાણી પાવું બહુ ગમતું. પાણી પાવાના બહાને ભીંજાવાની અને ખુલ્લામાં નહાવાની પણ એને બહુ મજા આવતી.

મમ્મીએ ચોખ્ખી ના પાડી, ‘ના, હું તને ટબમાં પાણી નહીં આપું. પાણી મળતાં જ તું આખો ભીંજાય છે, નહાવા માંડે છે, પાણીમાંથી બહાર જ આવતો નથી અને તને શરદી થઈ જાય છે.’

રોહન કહે: ‘પ્લીઝ, મમ્મી, એવું શું કરે છે? મને ટબમાં પાણી ભરી આપને! પ્રોમિસ… હું આજે જરા પણ ભીંજાઈશ નહીં, બસ?’

        મમ્મી ટબ અને પાણી બગીચામાં મૂકી ગઈ. રોહન ડબો લેવા ઘરમાં ગયો. તે વખતે બગીચાની પાળી પર એક ચકો અને ચકી બેઠાં હતાં. બંને ખૂબ તરસ્યાં હતાં. ચારે બાજુ ડોકી ફેરવી પાણી શોધતાં હતાં. ચકી નળ પર બેસી ચાંચથી પાણી પીવાનો પ્રયત્ન કરવા લાગી, પણ નળમાંથી એક ટીપુંય પાણી ટપક્યું નહીં. ચકી નિરાશ થઈને પાછી ઊડવા જતી હતી ત્યાં જ એની નજર ટબ પર પડી. ટબમાં પાણી જોઈ એ ખુશ થઈ ગઈ. ચકાની નજર પણ ટબના પાણી પર પડી. એક પળનોય વિલંબ કર્યા વગર બંને ટબની ધાર પર બેસી ગયાં, ડોકી નમાવી, પાણીમાં ચાંચ બોળી બોળીને પાણી પીવા લાગ્યાં.

        રોહન ઘરમાંથી ડબો લઈને બહાર આવતો હતો ત્યાં એના પગ દરવાજામાં ખોડાઈ ગયા. એ ચકા-ચકીને મસ્તીથી પાણી પીતાં જોઈ રહ્યો. એને બહુ મજા આવી. દોડતો ઘરમાં જઈ નાની બહેન મેધાને બોલાવી આવ્યો. મેધા પણ ચકા-ચકીને પાણી પીતાં જોઈ આનંદમાં આવી ગઈ. એ તાળી પાડી નાચવા જતી હતી, પણ રોહને એનો હાથ પકડી લીધો. નાક પર આંગળી મૂકી મેધાને ચૂપ રહેવા ઇશારો કર્યો, બહુ ધીમેથી બોલ્યો: ‘અવાજ થશે તો બંને ઊડી જશે.’

        ત્યાં તો ચકો અને ચકી પેટ ભરી પાણી પીને સાચે જ ઊડી ગયાં. રોહન અને મેધા ઉદાસ થઈ ગયાં. એટલામાં તાર પર બેઠેલું કબૂતરનું જોડું ઊડતું ઊડતું નીચે આવ્યું અને બેઠું ટબની ધાર પર. એ બંને પણ તરસ્યાં હતાં. રોહન-મેધા ફરી આનંદમાં આવી ગયાં. કબૂતરો તો પાણી પીતાં જાય, તોફાન કરતાં જાય, પાંખો ફફડાવી પાણીમાં છબાછબ કરતાં જાય.

        રોહન આ જોઈને એવો ગાંડો થઈ ગયો કે આજુબાજુ રહેતાં પોતાનાં દોસ્તો ટિંકુ, બિંટુ, નેહા, બંટી બધાંને બોલાવી આવ્યો. બાળકોએ કબૂતરોને આ રીતે પાણીમાં ભીંજાતાં, પલળતાં અને તોફાન કરતાં ક્યારેય જોયાં નહોતાં. બધાંને બહુ મજા આવી ગઈ. થોડી વારમાં કબૂતરો પાણી પી, મજા કરી, ફરી તાર પર બેસી ગયાં. બાળકોથી પણ રહેવાયું નહીં. એ બધાં હલ્લો મચાવતાં ટબ પાસે ગયાં. એકબીજાને પાણી ઉડાડીને રમવા લાગ્યાં. બધાં સાવ ભીંજાઈ ગયાં.

રોહન તાર પર બેઠેલાં કબૂતરો સામે જોઈ બોલ્યો: ‘અમે પણ તમારી જેમ જ નહાઈએ છીએ, હોંને!’

        એટલામાં રોહનની મમ્મી આવી. એને તો ખબર જ નહોતી કે બાળટોળકી અહીં ક્યારે આવી ગઈ છે. એણે બૂમ પાડીને કહ્યું: ‘અરે, અરે, તમે આ શું કરો છો?’ પછી રોહન સામે આંખો કાઢતી બોલી: ‘તેં મને પ્રોમિસ આપ્યું હતુંને કે તું ભીંજાઈશ નહીં?’

        રોહન કાકલૂદી કરતો બોલ્યો: ‘મમ્મી, આજે તો તારે મને માફ કરવો જ પડે. તેં અહીં કબૂતરોને ટબમાં નહાતાં અને તોફાન કરતાં જોયાં હોત તો તું પણ આવી રીતે જ નહાવા લાગી હોત!’

        રોહન-મેધા અને બીજાં બાળકોના મોઢાં પરનો આનંદ જોઈ મમ્મીને વહાલ આવી ગયું. એણે કહ્યું: ‘સારું, સારું… હવે બધાં શરીર લૂછી લો, નહીંતર શરદી થઈ જશે.’

         બીજાં બાળકો પોતપોતાના ઘેર ગયાં. મમ્મી ટુવાલ લાવી. મેધાનું શરીર લૂછવા લાગી. રોહન જાતે જ શરીર લૂછવા લાગ્યો.

મેધા કાલાકાલા અવાજમાં બોલી: ‘મમ્મી, કાલે પણ તું અમને ટબમાં પાણી દઈશને? અહીં ચકલી-કબૂતર બધાં રમવા-નહાવા આવશે.’

 રોહને પણ કહ્યું: ‘હા, મમ્મી, તું ના ન પાડજે. તું અમારી વાત માનશેને?’

        બાળકોની ખુશી અને આનંદ જોઈ મમ્મી બોલી: ‘ફક્ત પાણી જ નહીં, હું તમને જુવાર અને બાજરીના દાણા પણ આપીશ, તમે પંખીડાંને ચણ પણ નાખજો, બસ?’

        એ સાંભળીને રોહન અને મેધા તાળી પાડવા લાગ્યાં. બીજા દિવસથી એમણે ઘરના બગીચામાં પંખીઓ માટે ટબ ભરીને પાણી અને ચણ રાખવાનું શરૂ કર્યું. થોડા દિવસમાં તો બગીચામાં ફક્ત ચકલી- કબૂતરો જ નહીં, બીજાં કેટલાંય પક્ષીઓ આવવા લાગ્યાં. એ કારણે બે-ત્રણ ટબમાં પાણી રાખવું પડ્યું. પંખીઓ ચણે, પાણી પીએ અને મસ્તીથી નહાય, મોજ કરે. પંખીઓની મસ્તીમાં બાળટોળકી પણ જોડાય. જોતજોતામાં બધાં પંખી બાળકોનાં દોસ્ત બની ગયાં.

        બાળદોસ્તો, હજી પણ રોજ બપોર પછી તમને આવું દૃશ્ય જોવા મળશે. તમને પંખીઓ સાથે આ મજા-આનંદ માણવાં હોય તો પહોંચી જજો રોહન-મેધાના ઘરના બગીચામાં.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.