શ્વાસમાં વાગે શંખ : ‘સ્વ’ સાથેના સંવાદનું કાવ્ય

દર્શના ધોળકિયા

બોધ

(ગઝલ)

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.

દુનિયાની જૂઠી વાણી વિશે જો દુઃખ વાસે છે,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે
.

કચેરી માંહી કાજીનો નથી હિસાબ કોડીનો,
જત-કાજી બનીને તું વહોરી ના પીડા લેજે.

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે,
ન સારા કે નઠારાની જરાયે સંગતે રહેજે.

રહેજે શાંતિ સંતોષે સદાયે નિર્મળે ચિત્તે,
દિલે જે દુઃખ કે આનંદ કોઈને નહીં કહેજે.

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે,
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે.

રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે,
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે.

કટુ વાણી સુણે જો કોઈની વાણી મીઠી કહેજે,
પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે.

અરે ! પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો,
ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે.

અરે નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે,
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે.

પ્રભુનાં નામનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું,
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે.

કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઈ,
નિજાનન્દે હંમેશા બાલ મસ્તીમાં મજા લેજે.

બાલાશંકર કંથારિયા

બાલાશંકર કંથારિયાનો પ્રથમ ને મહત્વનો પરિચય ગુજરાતી ગઝલનો પ્રારંભ કરનાર કવિ તરીકે તો છે જ; પણ ઉમાશંકરે તેમની યથાર્થ ઓળખ આ રીતે આપી છે : ‘ઓગણીસમી સદીના ઉતરાર્ધના કવિ બે – કલાન્ત અને કાન્ત. એક આપણી ગુર્જરીનો મૂર્તિમંત વિપ્રલંભ શૃંગાર છે, બીજો સાક્ષાત્ કરુણ છે.’

ઈ.સ. ૧૮૫૮માં નડિયાદ મુકામે બાલાશંકરનો જન્મ ને ઈ.સ.૧૮૯૮માં વડોદરામાં મૃત્યુ. માત્ર ચાલીસ વર્ષના આયુકાળમાં બાલશંકરે કાવ્યલેખન, ઉત્તમ કૃતિઓના અનુવાદો અને ‘ભારતીભૂષણ’ નામક ત્રૈમાસિકનું સંપાદન પણ કર્યું. રેવન્યૂ ખાતામાં શિરસ્તેદાર રહ્યા. પાછળથી તેમણે અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સહાયક મંત્રી તરીકે કામ કરેલું. તેમની ઇચ્છા કવિજનો શાંત વાતાવરણમાં કાવ્યસર્જન કરી શકે એ માટે કવિલોકની સ્થાપના કરવાની હતી, પણ આ યોજના પાર પાડવામાં તેમને સંપત્તિ ગુમાવવી પડેલી. જીવનની અનેક વિષમતાઓની વચ્ચેય તેમણે સાહિત્યોપાસના ચાલુ રાખેલી. તેમની પાસેથી ‘કલાન્ત કવિ’ નામક ઉત્તમ રસાવહ કાવ્ય તેમ જ ગુજરાતી, હિંદી, ઉર્દૂ કાવ્યો ગુજરાતને સાંપડ્યાં. જેનું કવિના નિધન બાદ ઉમાશંકર જોશીએ સંપાદન કર્યું.

ગુજરાતી ગઝલના આદરણીય પૂર્વજ બાલશંકરનું પ્રસ્તુત કાવ્ય, તેમની એક યાદગાર ગઝલ તરીકે આજ પણ સહૃદયોને ઝંકૃત કરતું રહ્યું છે. પ્રસ્તુત ગઝલનો મૂળ વિચાર મધ્યકાળના ઉત્તમ કવિઓએ પ્રબોધેલા વિચાર સાથે અનુસંધિત ત્ગાય છે. નરસિંહે વૈષ્ણવજન પાસે જે સમતા અપેક્ષી, મીરાંએ સાચા સંન્યાસીમાં ‘રામ રાખે તેમ રહેવાનો’ પ્રપત્તિભાવ કેળવ્યો ને પ્રબોધ્યો, અખા આદિએ પણ આ જ વાત જુદીજુદી રીતે સમજાવી એને જ વર્તમાન સંદર્ભની પરિભાષામાં વહેતી મૂકતાં બાલશંકરને પરમેશ્વરની ઇચ્છાએ માથે ચઢાવવામાં જ સાચું અસંગત્વ જણાયું છે.

સમગ્ર કાવ્યનો દરેક શેર જુદી ભાત ઉપસાવતો હોવા છતાં આખીય ગઝલનો ‘સા’ ઈશ્વરેચ્છા સાથેનો સંવાદ છે. અહીં ‘ગુજરવા’નો અર્થ ‘પસાર થવા દેવો’નો છે. જગતનો નાથ મનુષ્યને જે જે મુશ્કેલીઓ કે પછી જીવતના આનંદો – જેમાંથી પસાર કરે તેમાંથી મનુષ્યે ગુજરતા રહેવાનું છે. અળપાયા વિના, જાતને લોપ્યા કે લેપ્યા વિના. ઈશ્વર જેમાં મનુષ્યનું હિત જુએ એમાં સ્વાભાવિક રીતે મનુષ્યે જોડાવાનું જ હોય, વિના વિરોધ, વિના પ્રશ્ન. કવિ સમજે છે દુનિયાની જાત ને ભાત. દુનિયા ભાગ્યે જ સત્ય પર અવલંબતી હોય છે. એનો આનંદ નરાતાર જૂઠ પર જ ખડો છે. એની જૂઠથી છલોછલ વાણીથી ડાહ્યા મનુષ્યે અપ્રસન્ન થવાનું નથી. દુનિયાનાં વાકબાણોને પોતા પરથી ગુજરવા દેવામાં જ શાણા માણસનું ડહાપણ સમાયેલું છે.

કોઈ પણ કચેરીમાં કાજી પોતાને સૌનો ઉપરી માને છે. આપણે ત્યાં કહેવત છે તેમ, ‘કાજી દૂબલે ક્યું ? સારે ગાંવ કી ચિંતા.’ લઈને એ ફરતો રહેતો હોય છે. હકીકતમાં તેનું કોઈ મૂલ્ય નથી. એ પોતે માની બેઠો હોય છે કે તેનું મૂલ્ય છે. શાણા જને દુનિયાનો ન્યાય કરવામાં પડીને વ્યર્થ પીડા વહોરવાની જ ન હોય.

એક-એક શેરમાં અળગા રહેવાની કલા શીખવતા કવિ કોઈ પણ ડાહ્યા માણસને થયેલા અનુભવને અભિવ્યક્ત કરતા રહીને જણાવે છે તેમ આ જગતનું યંત્ર સૂક્ષ્મદર્શક કાચ જેવું છે. એ પ્રકારના કાચમાં જેમ નાની વસ્તુ મોટી દેખાય તેમ જગતની આંખથી જોવા બેસીએ તો કોઈ પણ ઘટના તેના યોગ્ય પરિપેક્ષ્યમાં દેખાઈ શકતી નથી. આથી જગતની દ્રષ્ટિએ ન જોવામાં માલ છે. ડાહ્યા માણસે સજ્જન અને દુર્જન બંને પ્રકારના લોકોથી દૂર જ રહેવું. સોબતમાત્ર જીવનનાં દર્શનને અશુદ્ધ બનાવી દેતી હોય છે. કૃષ્ણ ગીતામાં જેને ‘અસંગત્વ’ કહે છે તે જ છે જીવન જીવવાની કલા. અર્જુનને ‘સંગમ્ ત્યકત્વા ધનંજય’ કહીને કૃષ્ણે તેને આંતર એકાંતમાં જ રહેવા ને રાચવા જણાવ્યું છે તેનું કારણ આટલું જ છે કે એમ ન કરતાં ક્યાંક ડહોળાઈ ન જવાય.

આ પ્રકારના એકાંતમાં રમમાણ રહીને મનુષ્યે શાંતિ, સંતોષ ને નિર્મળતાથી રહેવું. મનમાં ઊઠતાં સુખદુઃખનાં દ્વંદ્વો કોઈને ન કહેવાં. સહદેવની જેમ એ મનમાં જ સમાવવાં-અતિજ્ઞાનની પીડા વેઠીને પણ. કારણ કે દુનિયા એ બંનેની ઠઠ્ઠા જ ઉડાવવાની છે, યા તો ઈર્ષા કરવાની છે.

શાણ મનુષ્યને ઉત્તેજિત કરી શકે તેવાં ઘણાં પરિબળો હાજર જ હોય છે. તેમાંનું એક છે ક્રોધ. મનુષ્યનો એ મહાન વેરી છે. એને ભૂલથીય નજીક ન આવવા દેવો. એક ક્ષણ પણ ભલાઈની ગાળી શકાય તો એને જીવનનું મહાધન ગણવા કવિ ઉદ્યત થાય છે. જીવનના વાળાઢાળાથી અસંગ રહેવા ઈચ્છતા મનુષ્યે ઉન્મત જરૂર રહેવાનું છે, પણ શરત એ છે કે નિજાનંદમાં. પીવું જ હોય, નશો કરવો જ હોય તો પ્રભુપ્રેમનાં પીણાંનો કરવાનો છે.

સામાન્ય રીતે મનુષ્ય પોતા પર ભાગ્યે જ કાબૂ રાખી શકતો હોય છે. આથી કોઈ કડવું વેણ કહે કે તરત જ માણસ ઊછળી પડીને કહેનારની સામે ચઢે છે. પણ પારકી મૂર્ખતા સામે મૂર્ખ થવનો કોઈ અર્થ જ નથી. શાણો જન પણ જો દુર્જનની સામે એના જેવો પ્રમાણિત થા તો ફરક ક્યાં રહ્યો? એ બધું જ જાણાવ સમજવા છતાં શાંત જ રહે તો જ એના શાણપણનું મૂલ્ય છે. મહાભારતમાં વનમાં નિવાસ કરતા પાંડવો પર દુઃખ વિતાડવાની ઇચ્છાથી આવેલા દુર્યોધનને સ્વર્ગમાં રહેતો ગંધર્વ ચિત્રસેન વશમાં લઈને પકડે છે ને યુધિષ્ઠિતની સમક્ષ બંધનયુક્ત દશામાં તેને ખડો કરીને કહે છે, ‘ધર્મરાજ, તમને ખબર નથી આ માણસ કેટલો દુષ્ટ છે. તેથી કહો શું સજા કરીશું?’ ત્યારે પ્રશાંતચિત્ત યુધિષ્ઠિરનો ઉત્ત છે, ‘કમભાગ્યે મને જ સૌથી વધારે ખબર છે કે દુર્યોધનના મનમાં શું છે ! પણ તેમ છતાં એને જવા દો. એ તો એવો છે, પણ હું એવો ન થઈ શકું.’ પારકી મૂર્ખતા સામે ઝેર ઓકવું એ દુર્જનનું જ કામ ને એનું જ ગજું ને એનું જ દુર્ભાગ્ય. ઉપર ઊઠેલો મનુષ્ય નિસ્તરંગ બનીને સઘળું જોયા કરે, ડહોળાયા વિના.

સુખ પાછળ દોત મૂકતા આંધળા લોકેને ચેતવતા કવિનું દર્શન છે તેમ, નસીબ ગાંડી વસ્તુ છે. માગો તો સાથ ન આપે, ન માગો તો દોડતું આવીને વળગે. માટે એની જાળમાં કદી ન ફસાવું. કાળના બળને મૌન બનીને પસાર થવા દેવું. ન તો એના રંગમાં રંગાવું ન તો એના પ્રવાહમાં વહેવું. કાંઠે ઊભીને ભાગ્ય ને કાળની લીલા નિહાળતા રહેવામાં જ સાર.

જગત તો શિકારી જેવું છે. એની જાળ હંમેશ માટે પથરાયેલી રહેવાની. એમાં ઉપરછલ્લો અભિનય કરીને રહેવું પણ અંદરથી તો અળગા ને અળગા જ. લોક ભલેને ‘છેતરાયા’ જાણીને રાજી થતું ! કલાતીની એક સરસ સલાહ છે : ‘છેતરવા કરતાં છેતરાવું સારું.’ જાત સામે તો નિર્મળ રહેવાય. છેતરનાર સામે જો જાતે આંખ માંડી તો ખેલ ખલાસ !

અસંગત્વને ધીમેધીમે, ક્રમશઃ વરેલા મનુષ્યે પ્રભુપ્રીતિનાં ગીત ગાઈને મસ્ત રહેવું. કવિ જેવા તો કવિતાની માળા કરીને પ્રભુના કંઠમાં પહેરાવવામાં જ મસ્ત.

છેલ્લે, જાતને સંબોધતા કવિ અનેરી મસ્તી અનુભવે છે પોતાના કવિપણાની. સર્જક તો સ્વયં જ અધિપતિ છે. એને શી પીડા? એ તો આત્મમસ્તીમાં જ મહાલે !

છેલ્લી પંક્તિમાં આખાય કાવ્યનો સાર અપ્રગટ રહીનેય પ્રગટ થાય છે તેમ, આખુંય કાવ્ય જાતને સંબોધીને રચાયું, કહેવાયું છે. દુનિયા સાથે, ગુજરાતી ઘટનાઓ સાથે જ્યારે તાલમેલ સર્જવામાં મુશ્કેલી પડી છે ત્યારે કવિનો માંહ્યલો મદદે આવે છે ને કવિને પંપાળે છે, કવિની સરાહના કરે છે. ‘ગુરુ થા તારો તું જ’ કહેતા અખાની જેમ કવિનો આત્મા જ કવિને પ્રેરે – દોરે છે.

જીવતરના વાળાઢાળાને જોતો રહેતો, ને છેવટે આત્મમસ્તીમાં તરતો કવિજીવ કાવ્યાન્તે શાંતરસમાં જઈને ઠરે છે. એની પાછળ સહેજે સમજાય છે તેમ, કવિની પોચટતા નથી પણ અંતરના ઊંડાણમાંથી પ્રગટેલી સમજ, ડહાપણ છે જે છેવટે જ્ઞાનમાં પરિણમે છે. કવિ માટે નોંધપાત્ર વાત તો એ છે કે આ જ્ઞાન કવિને ‘સ્વ’માંથી જ સાંપડ્યું છે, કવિના સર્જકત્વે કવિને આપેલી આ મોટી દેન છે.  

* * * * *

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
•ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

Author: Web Gurjari

2 thoughts on “શ્વાસમાં વાગે શંખ : ‘સ્વ’ સાથેના સંવાદનું કાવ્ય

Leave a Reply to સુરેશ જાની Cancel reply

Your email address will not be published.