ત્રણ કાવ્યો

ડૉ. અશોક ચાવડા ‘બેદિલ’

(૧) આમ લાગે ન આગ અંદરથી,

આમ લાગે ન આગ અંદરથી,
કોઈ તો છે સજાગ અંદરથી.

હાથ લાગે છતાં ન પકડાતા,
છે અરીસામાં દાગ અંદરથી.

બ્હારથી એકદમ સલામત છું,
માત્ર છે નાસભાગ અંદરથી.

દૃશ્ય સઘળાં થઈ ગયાં છે સ્થિર,
આ જ મોકો છે જાગ અંદરથી.

તાપ-સંતાપ તપ સુધી પ્હોંચે,
તો જ પ્રકટે વિરાગ અંદરથી.

(૨) હવે સમજાયું

રાધાએ સાડીને કબર્ડમાં મૂકી ને પહેરવા માંડ્યું છે હવે પેન્ટ
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ

બિચારો શ્યામ ઘણો કન્ફયુઝ થયો છે એને રાધાની લાગ્યા કરે બીક
વાંસળીના સૂરોથી ન રાધા રોકાય એને વાંસળીથી આવે છે છીંક
રાધા તો પ્લાસ્ટિકનાં ફૂલ ગૂંથે કેશમાં ને ઉપર લગાવે છે સેન્ટ
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ

રાધા ક્હે શ્યામ તમે માખણના બદલામાં ચોરી લાવો હીરાનો હાર
વળી ગાય ઉપર બેસવાનું ફાવે નહીં શ્યામ તમે લઇ આવો મારુતિકાર
રે’વાને ફ્લેટ મારે જોશે ઓ શ્યામ, મને ફાવે નહીં તારો આ ટેન્ટ
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ

વૃંદાવને શ્યામ મને મળવું ગમે નહીં તું મળવાને હોટલમાં આવ
મારી સહેલીઓને ઇમ્પ્રેસ કરવાને તું હાથોમાં સેલ્યુલર લાવ
રાધા તો ઠીક ઓલી ગોપીઓય આજકાલ શ્યામની કરે છે કોમેન્ટ
હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ

(૩) દીકરી

સ્વર્ગની એકેક દેવીની ઝલકમાં દીકરી;
છે સુખડ-ચંદન ને કુમકુમનાં તિલકમાં દીકરી.

સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે,
કોતરે છે કોઈ વરસોથી ખડકમાં દીકરી.

લાજ-મર્યાદા, શરમ, ગૌરીવ્રતોની હારમાં,
ઊછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી.

જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે,
વિસ્તરે છે એમ સમજણનાં ફલકમાં દીકરી.

સૂર, શરણાઈ, સગાસંબંધીઓની ભીડમાં,
રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી.

સંપાદકીય નોંધ – આ ગ઼ઝલ ધોરણ-૧૦ના ગુજરાતી વિષયના અભ્યાસક્રમમાં છે.


ડૉ. અશોક ચાવડાનો સંક્ષિપ્ત પરિચય

‘બેદિલ’ ઉપનામથી વર્તમાન ગુજરાતી સાહિત્યમાં ગઝલ-ગીત કે ગદ્ય કવિતા, સંશોધન, વિવેચન અને અનુવાદ એમ અનેકવિધ સાહિત્યનાં સ્વરૂપો સાથે પૂરી નિષ્ઠા સાથે રમમાણ રહેતા યુવા સાહિત્યકાર એટલે ડૉ. અશોક ચાવડા. ૨૩ ઑગસ્ટ, ૧૯૭૮ના રોજ ભાવનગર ખાતે જન્મેલા ડૉ. અશોક ચાવડા હાલ અમદાવાદ છે.

તેમણે ‘કૉમર્સ’માં સ્નાતક થયા પછી ‘આર્ટ્સ’માં પણ સ્નાતકની પદવી લીધી. તે પછીથી તેમનો આગળ અભ્યાસ ‘જર્નાલિઝમ’માં પી.એચડી. થયા. હજુ આગળ વધીને કાયદાશાસ્ત્રમાં સ્નાતક પણ થયા અને હાલમાં ઇન્ટેલેકયુઅલ પ્રોપર્ટી રાઈટ્સમાં ક્ષેત્રમાં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરી રહ્યા છે.

તેમની સાહિત્ય કૃતિઓને રાજ્ય અને કેન્દ્રનાં સ્તરે પણ વિવિધ એવૉર્ડ્સ મળ્યા છે. તેમનું સાહિત્ય ખેડાણ ગંભીર, પ્રતિબદ્ધ અને હાસ્ય એમ તમામ ક્ષેત્રે સાહિત્ય, શિક્ષણ અને સમાજ સાથે કડીરૂપ બની રહ્યું છે.

યુવા સર્વાંગી સાહિત્યકાર અશોક ચાવડા હાલ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, અમદાવાદમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે.

ડૉ. અશોક ચાવડાનો સંપર્ક +૯૧ ૯૪૨૬૬૮૦૬૩૩ પર થઈ શકે છે.

વે.ગુ. પદ્યવિભાગ- સંપાદન સમિતિ વતી – રક્ષા શુક્લ અને દેવિકા ધ્રુવ

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.