ફિલ્મસંગીતના નકશીકારો : (૯) વાદ્યવૃંદના બાદશાહો – લોર્ડ્સ

પીયૂષ મ. પંડ્યા

હિન્દી ફિલ્મસંગીતના ક્ષેત્રના આરંભથી લઈને લગભગ છ દાયકાઓ સુધી એક કુટુંબ એક યા બીજી રીતે છવાયેલું રહ્યું હોય એવું બન્યું છે. એ છે લોર્ડ કુટુંબ. પાર્શ્વસંગીતના બિલકુલ શરૂઆતના તબક્કામાં કાવસ લોર્ડનું પદાર્પણ થયું. પૂનામાં જન્મેલા કાવસનો સંગીત સાથે પ્રાથમિક પરિચય ત્યાં જ થયો હતો. મૂળભૂત રીતે તાલવાદ્યો માટે એમનો લગાવ હતો. યુવાવસ્થામાં પ્રવેશતાં પહેલાં જ એમને પૂનાનું આકાશ ટૂંકું પડવા લાગ્યું અને એ મુંબઈ આવી ગયા. મુંબઈમાં સ્થાન જમાવવા મથતા કાવસ ત્યાંની હોટેલોમાં અને ક્લબોમાં ડ્રમ્સ તેમ જ અન્ય તાલવાદ્યો વગાડતા રહેતા હતા. એવામાં કેટલાક સંગીતકારોની નજર એમના ઉપર પડી. એમની કુશળતાથી પ્રભાવિત થયેલા એ સંગીતકારો કાવસ લોર્ડને ફિલ્મી ગીતોના રેકોર્ડીંગ રૂમ સુધી લઈ આવ્યા. એ હતો ફિલ્મી પાર્શ્વસંગીતનો પ્રારંભનો તબક્કો. શરૂઆતથી જ પ્રયોગશીલ અભિગમ ધરાવતા કાવસે પરંપરાગત તાલવાદ્યો સાથેસાથે બોન્ગો, કોન્ગો અને ડ્રમ્સ જેવાં પાશ્ચાત્ય તાલવાદ્યોનો ઉપયોગ પણ કરવા માટે તે સમયના સંગીતકારોને સમજાવ્યા. તે ઉપરાંત ખંજરી, ઝાંઝ, ઘૂંઘરૂ અને એન્ગલ જેવાં સાઈડ રીધમ/ ગૌણ તાલવાદ્યો વડે પણ પ્રભાવક અસર ઉભી થાય એવી સફળ પ્રયત્નો કર્યા. જો કે એ શરૂઆતના સમયના મોટા ભાગના સંગીતકારો નવા નવા અખતરાઓ માટે બહુ સજ્જ નહતા. પણ કાવસજીએ હતાશ થયા વગર પોતાની રીતે પ્રયોગો ચાલુ રાખ્યા. એ શરૂઆતના સમયગાળાના સંઘર્ષના અને પ્રયોગોના સાક્ષી એમના બાળવયના દીકરાઓ બનતા રહેતા હતા. ધીમે ધીમે એ બન્નેને વિવિધ પ્રકારનાં તાલવાદ્યો શીખવામાં રસ પડવા લાગ્યો ઘરમાં જ મળતી રહેલી સઘન તાલિમ થકી કૂશળતાથી વગાડવા પણ લાગ્યા. સમય વિતતો ગયો અને એક તબક્કો એવો આવ્યો કે ફિલ્મી સંગીતકારો અને વાદકોના વર્તૂળોમાં કાવસ લોર્ડ માનભેર ‘કાવસકાકા’ નામથી ઓળખાવા લાગ્યા.

ક્યારેક ક્યારેક કાવસ રેકોર્ડીંગ માટે જાય ત્યારે એમના કિશોરવયના દીકરા કેરસીને સાથે લઈ જતા હતા. ત્યાં ઉપસ્થિત ગુણીજનો એ નાનકડા છોકરાની વાદનક્ષમતા સમજ્યા અને એને એટલી નાની વયે ફિલ્મી ગીતો માટે ગૌણ તાલવાદ્યો વગાડવા માટેની તક મળવા લાગી. માત્ર પંદરેક વર્ષની વયના કેરસીની બોલબાલા ઝડપથી આ ઉચ્ચ વર્તૂળોમાં થઈ ગઈ. એક વખત પિતા કાવસજી સાથે રેકોર્ડીંગમાં જતાં પહેલાં કેરસીને શારીરિક અસ્વસ્થતા જણાતાં એણે પોતાની જગ્યાએ નાનાભાઈ બરજોરને લઈ જવાનું સૂચવ્યું. થોડા હિચકિચાટ સાથે એમણે એ સૂચન સ્વીકાર્યું. જો કે ત્યાં માંડ બારેક વર્ષના બરજોરના દેખાવ પછી એમનો એ હિચકિચાટ દૂર થઈ ગયો. એ નાની વયનો કિશોર પણ અવારનવાર વાદ્યવૃંદોમાં વગાડવા લાગ્યો.

આ શરૂઆતના તબક્કા પછીના અનુગામી દાયકાઓ લોર્ડ્સ બાપ-દીકરાઓ માટે માત્ર અને માત્ર આગેકૂચના જ રહ્યા. યોગ્ય દસ્તાવેજીકરણના અભાવે કહેવું મૂશ્કેલ છે કે એ ત્રિપૂટીએ ફિલ્મી સંગીતમાં સંખ્યાત્મકતાના ધોરણે કેટલું સમૃધ્ધિકરણ કર્યું. તો પણ એક આશરો એવું કહે છે કે ઓછામાં ઓછાં પંદરેક હજાર ફિલ્મી ગીતોમાં કોઈ ને કોઈ લોર્ડનું પ્રદાન અચૂક રહ્યું છે. જો કે ગુણવતાના ધોરણે જોઈએ તો આ કુટુંબનું બહુ મોટું પ્રદાન છે. અગાઉ કહ્યા મૂજબ કાવસજી અલગઅલગ પ્રયોગો કરતા રહેતા. જેમજેમ પોતાની વરિષ્ઠતા વધતી ગઈ તેમતેમ એમણે ઝાયલોફોન, વાઈબ્રોફોન અને મેટાલોફોન જેવાં તદ્દન બિનપરંપરાગત તાલવાદ્યોને ફિલ્મી ગીતો માટેના વાદ્યવૃંદમાં દાખલ કર્યાં. કહેવાની જરૂર નથી રહેતી કે કેરસી અને બરજોર બન્ને પણ એ વાદ્યો વગાડવા માટેની ખાસ્સી નિપૂણતા કેળવી ચૂક્યા હતા.આગળ વધતાં યુવાન કેરસીએ પિયાનો, એકોર્ડીયન અને હાર્મોનીયમ જેવાં વાદ્યો ઉપર પણ ખાસ્સું નૈપૂણ્ય મેળવી લીધું. અને વિવિધ વાદ્યવૃંદોમાં જરૂરીયાત પ્રમાણે એ વાદ્યો વગાડવાનું શરૂ કર્યું.

 બરજોરને પણ લાગ્યું કે કોઈ ચોક્કસ વાદન ઉપર અસાધારણ નૈપૂણ્ય જરૂરી હતું. એણે ડ્રમસેટ ઉપર પૂરતું ધ્યાન આપ્યું. આમ ૨૩-૨૪ વરસના કેરસી અને ૨૧-૨૨ વરસના બરજોરે પોતપોતાના વાદનનાં ક્ષેત્રો વહેંચી લીધાં.

                                                    

આ ઉપરાંત બન્ને ભાઈઓ અગાઉ ઉલ્લેખ થયો એવાં ઝાયલોફોન, વાઈબ્રોફોન અને મેટાલોફોન જેવાં વાદ્યો તો સમયસમયે વગાડી જ લેતા હતા. એવામાં પિતા કાવસજીના ધ્યાને આવ્યું કે આ વાદ્યોના જ કૂળનું એક વાદ્ય પાશ્ચાત્ય વૃંદોમાં અવારનવાર સાંભળવા મળતું હતું. ગ્લૉકેનસ્પાયેલ (ગ્લૉક) નામથી ઓળખાતું એ વાદ્ય તે અરસામાં ભારતમાં ઉપલબ્ધ નહોતું. કેરસીએ સાહસ કરીને પરદેશથી એક ગ્લૉક મંગાવી લીધું. એ મોટો જુગાર હતો કારણ કે એની મોંઘી કિંમત ઉપરાંત ખુબ જ ઉંચા દરની કસ્ટમ ડ્યુટી પણ ચૂકવવાની થઈ હતી. એ જો વ્યવસાયિક ધોરણે સ્વીકાર્ય ન બને તો એ મોંઘા દામ માથે પડે તેમ હતા. 

              એ જ અરસામાં ફિલ્મ ‘હમ દોનોં’(૧૯૬૧)ના પાર્શ્વસંગીતના તેમ જ ગીતોના સંગીતનિયોજન ઉપર સંગીતકાર જયદેવ કામ કરી રહ્યા હતા. એક બેઠક દરમિયાન કેરસીએ એમનું ધ્યાન ગ્લૉક અને એના વિશિષ્ટ અવાજ તરફ દોર્યું. પરિણામે સર્જાયું ખુબ જ લોકપ્રિય અને પારાવાર પ્રસિધ્ધિને વરેલું ‘લાઈટર મ્યુઝીક’. એ ગીત સાંભળીને આજે પણ તરોતાજા લાગતી તર્જ યાદ કરી લઈએ.

ફિલ્મના નિર્માણ દરમિયાન સર્જાયેલો આ નાનકડો સાંગીતિક ટૂકડો ફિલ્મ સાથે સંકળાયેલા સૌને એટલો ગમી ગયો કે એનો ઉપયોગ અન્યત્ર પણ છૂટથી કરવામાં આવ્યો. ત્યાં સુધી કેરસીનો ઉલ્લેખ ‘કાવસકાકા કા લડકા’ તરીકે થતો હતો એની જગ્યાએ એક સ્વતંત્ર હસ્તિ તરીકે માનભેર થવા લાગ્યો. વિવિધ પ્રકારનાં વાદ્યો વગાડવાની એમની મહારત ઉપરાંત એમની આગવી સૂઝ વડે પરીચિત થતા ગયા એમ તે સમયના સંગીતનિર્દેશકો એને સહાયક તરીકે અથવા એરેન્જર તરીકેનું કામ પણ સોંપવા લાગ્યા.

બીજી તરફ બરજોરે પોતાની જગ્યા બનાવવા માટે એણે ડ્રમ્સ વગાડવા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. એમાં ચોક્કસ પ્રકારની કાબેલિયત કેળવી. એમને પણ નિયમિત દોર પર રેકોર્ડીંગનું કામ મળવા લાગ્યું. એવામાં એક વિશિષ્ટ તક આવીને મળી. સને ૧૯૬૬માં એક સ્ટેજશોના આયોજક મુંબઈના કેટલાક વાદ્યકલાકારોને લઈને વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે જવાના હતા. આયોજકે કલાકારોની પસંદગી અને દરેક સાથે તે અંગેના કરાર કરવાની જવાબદારી એકોર્ડીયનવાદક એનૉક ડેનીયલ્સને સોંપી હતી. એમણે બરજોરનો સંપર્ક કર્યો. દરેક શોમાં બેથી ત્રણ ગીતોમાં ડ્રમ વગાડવા માટેની ફી રૂપિયા પચાસ હોવાની દરખાસ્ત કરી. બરજોરને એ ફી વાજબી ન લાગતાં એણે વધારે વળતરનો આગ્રહ રાખ્યો. એનૉક ડેનીયલ્સે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બરજોરને વેસ્ટ ઈન્ડીઝમાં કોઈ જાણતું નથી. એ નહીં જોડાય તો મુંબઈમાંથી અન્ય વિકલ્પો આસાનીથી મળી રહેવાના હતા. જો કે અંદરખાને એ પણ જાણતા હતા કે ગુણવત્તાને ધોરણે આ યુવાનનો વિકલ્પ મળવો અઘરો હતો. છેવટે એમણે આયોજકને યોગ્ય શુલ્ક આપવા માટે સમજાવ્યા અને બરજોરને પ્રવાસમાં સાથે લીધા. બરજોરે મનોમન નક્કી કરી લીધું હતું કે પ્રવાસ પૂરો થયે પોતાનું નામ વેસ્ટ ઈન્ડીઝના ટાપુએ ટાપુમાં ગૂંજતું હોય એવો દેખાવ પોતે કરશે.

પ્રવાસના પહેલા જ કાર્યક્રમથી બરજોરે પોતાનું કૌવત બતાડ્યું. બીજા દિવસનાં સ્થાનિક અખબારોમાં પહેલા પાને બરજોરની તસવીર હતી અને અંદરના પાના ઉપર કાર્યક્રમની વિગતો તેમ જ અન્ય તસવીરો મૂકાઈ હતી. પછી તો જ્યાં કાર્યક્રમ હોય, ત્યાં લોકો બરજોરને ઘેરી વળતા હોય એવાં દ્રષ્યો સર્જાતાં હતાં. કોઈ કોઈ જગ્યાએ તો લોકો સ્ટેજ ઉપર જઈને એને હાથ ઉંચા કરાવતા હતા. એમને શંકા હતી કે એણે હાથ ઉપર ક્યાંક મોટર લગાવી હશે. એ સિવાય એટલી તીવ્ર ગતિથી ડ્રમ વગાડવાં કેવી રીતે શક્ય બને ! વર્ષો પછીના એક કાર્યક્રમમાં બરજોરજી સ્વમુખે એ યાદ તાજી કરતા સાંભળી શકાય છે.

નીચેની ક્લીપ બહુ જ નાની છે પણ એમાં વિવિધ પ્રકારનાં તાલવાદ્યો ઉપર બરજોરજીનો કસબ માણી શકાય છે. જે તે ગીતનો નાનકડો ટૂકડો અને સાથે એમાં બરજોરજીએ મૂળ રેકોર્ડીંગ સમયે વગાડેલ વાદ્ય એ સ્ટેજ ઉપર વગાડતા બતાવ્યા છે.

હવે પછીની ક્લીપમાં બરજોરજી જુદાંજુદાં ગીતો સાથે પોતે વગાડેલાં વાદ્યો વિશે વાત કરતા સાંભળી શકાય છે.

આ ક્લીપ બરજોરજી વિશે ટૂંકમાં ઘણું કહી જાય છે.

ફિલ્મી વર્તૂળોમાં ‘બુજ્જી’ના નામે સુખ્યાત એવા બરજોર લોર્ડ અગણિત ફિલ્મી ગીતોમાં વિવિધ તાલવાદ્યો અને ઝાયલોફોન, વાઈબ્રોફોન, મેટાલોફોન તેમ જ ગ્લૉકેનસ્પાયેલ જેવાં પૂરક વાદ્યો વગાડી ચૂક્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી એ મુંબઈની ભીડભાડથી દૂર જઈને વસ્યા છે. હાલમાં એ સંજાણ, વાપી અને દમણથી નજીક આવેલા નારગોલ નામના દરીયાકિનારે આવેલા એક ખુબ જ રમણીય ગામમાં નિરાંતની જિંદગી જીવી રહ્યા છે. મોટાભાઈ કેરસી લોર્ડ આજીવન મુંબઈમાં રહ્યા. એ સને ૨૦૧૬માં દુનીયા છોડીને જતા રહ્યા. આ લેખમાળાની આવતી કડીમાં એમને વિશે વિસ્તારથી વાત કરશું.


નોંધ:

તસવીરો અને કેટલીક માહીતિ નેટ ઉપરથી સાભાર.

ગીતો : એમાંના કોઈનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય એ બાહેંધરી સાથે યુ ટ્યુબ ઉપરથી સાભાર.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

3 thoughts on “ફિલ્મસંગીતના નકશીકારો : (૯) વાદ્યવૃંદના બાદશાહો – લોર્ડ્સ

  1. સરસ માહિતિ પુર્ણ લેખ અને અનુરુપ વીડીયો લીન્ક સાથે વાંચવા અને સાંભળવાની મજા પડી. આભાર

Leave a Reply

Your email address will not be published.