વ્યાવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કાર્યસ્થળ સ્થિતિ સંહિતા, ૨૦૨૦ – વિવેચનાત્મક પરિચય

જગદીશ પટેલ

વ્યાવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કાર્યસ્થળ સ્થિતિ સંહિતા, ૨૦૨૦  સંસદના સત્રના ૨૩/૦૯/૨૦ ના રોજ, છેલ્લા દિવસે કોઇ ચર્ચા વગર, વિરોધ પક્ષની ગેરહાજરીમાં પસાર થયો અને ૨૮/૦૯/૨૦ને દિવસે રાષ્ટ્રપતિએ તેને મંજુરીની મહોર મારતાં કાયદો બન્યો. ૧૯૯૯માં બીજા લેબર કમિશનની રચના અટલ બિહારી વાજપેયીની સરકારે કરી.૨૯ જુન, ૨૦૦૨ને દિવસે તેના અધ્યક્ષ શ્રી રવીન્દ્ર વર્માએ પોતાનો દળદાર અહેવાલ વડાપ્રધાનને સોંપ્યો. આ અહેવાલમાં મજુર કાયદાઓના સરળીકરણની ભલામણ કરવામાં આવી હતી. વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી માટે જુદો કાયદો બનાવવાની ભલામણ પણ આ કમિશને કરી હતી અને અહેવાલમાં આ કાયદાનો મુસદ્દો પણ રજુ કર્યો હતો. આ મુસદ્દા મુજબ ઘરકામ કરતા અને ઘરે બેસી કામ કરતા કામદારો સિવાય તમામ આર્થિક પ્રવૃત્તિઓમાં જોડાયેલા કામદારોને માટે કામને સ્થળે સલામતી અને આરોગ્યના રક્ષણ માટે કાનુની છત્ર પુરું પાડવાની ભલામણ કરવામાં આવી હતી. એટલે કે ખેતી, માછીમારી, જંગલ, ગુમાસ્તા ધારા હેઠળના કામદાર, વાહનવ્યવહાર કામદારો, બીડી કામદાર, બાંધકામ કામદાર, બંદર, કારખાના, ખાણ એમ બધાને લાગુ કરવાની ભલામણ હતી.

હાલની સરાકારે જે કાયદો ઘડયો છે તેમાં તો વાહનવ્યવહાર કામદારો, બીડી કામદાર, બાંધકામ કામદાર, બંદર, કારખાના, ખાણ, સિનેમા, પત્રકાર વગેરે માટે જે જુના કાયદા હતા તે જ ભેગા કર્યા છે. ગુમસ્તા ધારાને ભેળવવામાં આવ્યો નથી. ખેતી,માછીમારી, જંગલ જેવા કામદારો  જેમને માટે અગાઉ કોઇ કાયદા ન હતા તેમને આ નવા કાયદાથી કોઇ લાભ થવાનો નથી. એટલે કે નવું બહુ થોડું છે. જુનો દારુ જ નવી બોટલમાં ભરવામાં આવ્યો છે.

આ કોડમાં ફેકટરી એકટ, માઇન્સ એકટ, ડોક વર્કર્સ એકટ, બિલ્ડીંગ એન્ડ અધર વર્કર્સ એકટ, પ્લાન્ટેશન લેબર એકટ, કોન્ટ્રાક્ટ લેબર (એબોલિશન એન્ડ રેગ્યુલેશન) એકટ, ઇન્ટર સ્ટેટ માઇગ્રન્ટ વર્કર્સ એકટ, વર્કિંગ જર્નાલિસ્ટ એન્ડ ન્યુઝપેપર એમ્પ્લોયી એકટ, વર્કિંગ જર્નાલિસ્ટ વેજીસ એકટ, મોટર ટ્રાન્સપોર્ટ વર્કર્સ એકટ, સેલ્સ પ્રમોશન એમ્પ્લોયી એકટ, બીડી એન્ડ સિગાર વર્કર્સ એકટ, સિને વર્કર્સ એન્ડ સિનેમા થિયેટર વર્કર્સ એકટ એ ૧૩ કાયદા ઓગાળી દેવામાં આવ્યા છે. જો કે શૉપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ (ગુમાસ્તા ધારો), શિપ બ્રેકીંગ કોડ, ડેન્જરસ મશીન્સ એકટ અને પેસ્ટીસાઇડસ એકટને સમાવી લેવામાં આવ્યા નથી જે થઇ શકે તેમ હતું.

આ કોડ દ્વારા સરકારને કોઇપણ નવા ઉદ્યોગને કાયદાના અમલમાંથી ગમે તેટલા સમય સુધી બાકાત રાખવાની સત્તા મળે છે – સલામતી અંગેની જોગવાઈઓ સુધ્ધા. અગાઉ ફેકટરી એક્ટમાં જાહેર કટોકટીના સમયમાં માત્ર ત્રણ મહિના સુધી જ કાયદાના અમલમાંથી મુક્તિ આપવાની જોગવાઈ હતી. ઉપરાંત પીએફ અને ઇએસઆઇમાં માલિકે અને કામદારે ભરવાના ફાળામાં ત્રણ મહિના માટે ફેરફાર કરવાની સત્તા પણ સરકારને આ કાયદાથી મળે છે.

આંતર રાજય સ્થળાંતરીત કામદારઃ

આંતર રાજય સ્થળાંતરીત કામદારની આ કોડ મુજબની વ્યાખ્યા એવી છે કે જે વતન સિવાયના રાજ્યમાં રહેતો હોય અને માસિક રુ,૫૦૦/—થી રુ.૧૮,૦૦૦/— સુધીનું વેતન મેળવતો હોય. તે પોતાની જાતે જ આવ્યો હોય તો પણ તે પોતાની જાતને સ્થળાંતરીત જાહેર કરી શકે. સ્થળાંતરીત મજુર હવે જાહેર વિતરણ વ્યવસ્થાનો લાભ કયાં રાજ્યમાં લેવો છે તેની પસંદગી જાતે જ કરી શકશે. સ્થળાંતરીત કામદારને લઇ આવનાર કોન્ટ્રાક્ટરે અડધા પગાર જેટલું ભથ્થું સ્થળાંતર કરવા પેટે ચુકવવું પડતું હતું પરંતુ નવી જોગવાઈ મુજબ તે ચુકવવાની હવે તેની જવાબદારી નહી રહે. તેના બદલે  હવે ઉચ્ચક રકમ ચુકવવાની રહેશે. એવું ભથ્થું મેળવવાની પાત્રતાના ધોરણો નકકી થશે. કામદાર કેટલા સમયથી કામ કરે છે, કયા વર્ગમાં પ્રવાસ કરે છે વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવશે. કામદારને પ્રવાસ દરમ્યાન વેતન મળી શકશે નહી. કોન્ટ્રાક્ટર લાવે તે, માલિક જેમની સીધી નીમણુંક કરે તે અને સ્વરોજગાર કરતા એમ તમામની હવે સ્થળાંતરીત કામદાર તરીકે નોંધણી થઇ શકશે. સ્થળાંતરીત કામદારો માટે હવે હેલ્પલાઇન બાનવવાનું ફરજીયાત છે. આ કામદારોને હવે પીએફ, ઇએસઆઇ અને મેડિકલ ચેકઅપના લાભ મળશે.આંતર રાજય સ્થળાંતરીત કામદારો માટેનો કાયદો અગાઉ ૫ કામદારોને કામે રાખતા એકમોને લાગુ પડતો હતો તે હવે ૧૦ કામદારોને કામે રાખતા એકમને લાગુ પડશે.

કોન્ટ્રાક્ટ કામદારઃ

કોન્ટ્રાક્ટ કામદારોને “કોર” ઍક્ટિવિટિમાં કામ આપી શકાશે નહી. સફાઇ, સિક્યુરિટી, કેન્ટીન “કોર” ઍક્ટિવિટિ એટલે કે મુખ્ય પ્રવૃત્તિ નહી ગણાય.

૧. અચાનક મોટો ઓર્ડર આવે જે સીમિત સમય મર્યાદામાં પુરો કરવાનો હોય.

૨. એવું કામ જે માટે દીવસના મોટાભાગના સમય માટે પુરા સમયના કામદારની જરુર ન  હોય અને

૩. એવી પ્રવૃત્તિ જે સામાન્યરીતે કોન્ટ્રાક્ટ કામદારો દ્વારા કરાતી હોય 

એ સંજોગોમાં કોન્ટ્રાક્ટ કામદારો રાખી શકાશે .

આ કામદારોને હવે નીમણુંક પત્ર આપવાનું ફરજીયાત છે. આ કામદારોને અનુભવનું પ્રમાણપત્ર પણ આપવું પડશે. તેમની વાર્ષિક તબીબી તપાસ પણ કરવી પડશે. તેમને કેન્ટીન, પીવાનું પાણી, રેસ્ટરુમ અને ફર્સ્ટ એઇડની સગવડ આપવી પડશે. કોન્ટ્રાક્ટ કામદારોનો પગાર બાકી હશે તો તેણે લાયસન્સ લેતી વખતે ભરેલી અનામત (ડિપોઝીટ)માંથી સરકાર પગાર ચુકવી શકશે.

ફેકટરી એકટ વીજળી વાપરતા અને ૧૦ કામદારો કામે રાખતા હોય તેને અથવા વીજળી ન વાપરનાર અને ૨૦ કે તેથી વધુ કામદારોને કામે રાખનાર એકમને લાગુ પડતો હતો પણ હવે તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ઓએસએચ કોડ વીજળી વાપરતા અને ૨૦ કામદારો કામે રાખતા હોય તેને અથવા વીજળી ન વાપરનાર અને ૪૦ કે તેથી વધુ કામદારોને કામે રાખનાર એકમને લાગુ પડશે. હજારો એકમોને લાભ થશે અને લાખો કામદારો કાનુની છત્રની બહાર ફેંકાઇ જશે. તેમને માટે હવે કામના કલાકો, હક રજા, ઓવરટાઇમ માટે બમણા દરે વેતન, અકસ્માતો ન થાય તે માટેના રક્ષણની જોગવાઈ એવું કશું નહી હોય. તે માટે તેમણે હવે જાતે જ લડી લેવું પડશે.

કોન્ટ્રાક્ટ કામદારો, સ્થળાંતરીત કામદારો અને ગિગ પ્લેટફોર્મના (ઉબર કે ઓલા ટેકસી કે જુગ્નુ રીક્ષા કે સ્વીગ્ગી કે ઝોમેટો જેવી ભોજન લાવનાર લોકોને કરારા અનુસાર છૂટક કામ આપનારી કંપનીને “ગિગ પ્લેટફોર્મ” કહે છે)ના કામદારોને સામાજીક સુરક્ષા પુરી પાડવા માટે આ કોડ હેઠળ જુદા નિયમનો બનાવાશે.

સિનેમામાં કામ કરતા કોન્ટ્રાક્ટ કામદારોની નોંધણી કરાવવી પડશે.

પ્લાન્ટેશન એટલે કે બગીચાના કામદારોઃ

બગીચા તે પછી ચ્હાના હોય, કોફીના હોય કે રબરના હોય — ૫ હેકટરથી નાના બગીચાને આ કાયદો લાગુ પડતો નથી. આ કામદારોને હવે ઇ.એસ.આઇ.કાયદો લાગુ પડશે. બગીચાઓમાં જંતુનાશક ઝેરી રસાયણોનો છંટકાવ કરવાના કામને જોખમી પ્રવૃત્તિમાં સામેલ કરાઇ છે.

બાંધકામ કામદારઃ

બાંધકામ કામદારો જે રાજ્યમાં કામ કરતા હશે તે રાજ્યના બાંધકામ કલ્યાણ બોર્ડમાંથી હવે લાભ મળશે.અત્યાર સુધી બીજા રાજ્યના સ્થળાંતરીત બાંધકામ કામદારોને આવો લાભ આપવામાં આવતો ન હતો. આ એક આવકાર્ય બાબત છે.

આ કોડ મુજબ જે બાંધકામ કામદારને ચક્કર આવતા હોય કે બહેરાશ હોય તેમને બાંધકામમાં કામ કરવા માટે અયોગ્ય ઠેરવવામાં આવશે.

સેલ્સ પ્રમોશન કામદારોઃ

સેલ્સ પ્રમોશન કામદારોને વધારાની રજાઓ માટે જોગવાઈ છે પણ બીજા કામદારો માટે નથી

વર્કિંગ જર્નાલિસ્ટઃ

વર્કિગ જર્નાલિસ્ટ માટે મહિનામાં વધુમાં વધુ ૧૪૪ કલાક કામ કરવાની જોગવાઈ છે. બીજા કામદારો માટે જોગવાઈ નથી પણ નિયમનમાં આવરી લેવામાં આવશે તેમ સમજાય છે.

અસંગઠિત કામદારોઃ

અસંગઠિત કામદારો માટે કેન્દ્રીય મંત્રાલય ડેટા બેઝ તૈયાર કરશે જેમાં તેમની નોંધણી થશે અને તેમને કામ મેળવવામાં અને સામાજીક સુરક્ષાના લાભ અપાવવામાં મદદ કરશે.

મહિલા કામદારઃ

મહિલા કામદારોને હવે સમાન તક મળશે એટલે કે રાતપાળીમાં કામ કરી શકશે. તે માટે વ્યક્તિગત સંમતિ મેળવવી પડશે. રાજય સરકાર તેમની સલામતી માટે નિયમનો બનાવશે.

જોખમી ઉદ્યોગોઃ

જોખમી ઉદ્યોગમાં કેટલા કામદારે કાયદો લાગુ પડશે તેના જાહેરનામા જુદા પ્રગટ કરવામાં આવશે. ફેકટરી એકટમાં શેડ્યૂલ ૧માં જોખમી ઉદ્યોગોની યાદી આપવામાં આવી હતી. તે ઉપરાંત કલમ ૮૭ હેઠળ રાજય સરકારો કેટલિક પ્રક્રિયાઓને જોખમી જાહેર કરી શકતી હતી. જાહેર કરેલ જોખમી પ્રક્રિયા ધરાવતા એકમોમાં કાયદો કેટલા કામદારે લાગુ કરવો તેનો નિર્ણય રાજય સરકાર લેતી હતી

કોર્ટઃ

સિવીલ કોર્ટોને આ કોડ હેઠળની ફરિયાદોની સુનાવણી કરવાના અધિકાર નથી એટલે કે માત્ર ફોજદારી કોર્ટને હશે.

ઇન્સ્પેક્શન:

ઇન્સપેક્ટરોને ગમે ત્યારે ઇન્સ્પેક્શન કરવાની છુટ આ કોડ આપતો નથી. હવે વેબ આધારીત ઇન્સ્પેક્શનની વ્યવસ્થા કરવામાં આવશે. એ કારણે ભ્રષ્ટાચાર ઘટશે કે કેમ તેનું અનુમાન કરવું અઘરું છે. જુદા જુદા વિસ્તાર માટે જુદા જુદા ઇન્સપેકટરની વ્યવસ્થાનો પણ હવે અંત આવશે.

સેફટી કમિટી:

અગાઉ માત્ર જોખમી ઉદ્યોગમાં સેફટી કમિટી ફરજીયાત હતી એટલે કે જે એકમોને ફેકટરી એકટનું પ્રકરણ ૪—અ લાગુ પડતું હતું તેમને. તે ઉપરાંત રાજ્ય સરકારો નકકી કરતી કે એ સિવાયના એકમોમાં કયા સંજોગોમાં સેફટી કમિટી બનાવવી. હવે તમામ કારખાના, ખાણ, બગીચામાં સેફટી કમિટી બનાવવાનું ફરજીયાત થયું છે.

કલ્યાણઃ

અગાઉ ફેકટરી એકટમાં ૨૦૦ કામદાર હોય તો કેન્ટીન આપવાનું ફરજીયાત હતું તે હવે ૧૦૦ કામદારે કર્યું છે. કેન્ટીનમાં માલિકે સબસિડી આપવા માટેની કોઇ જોગવાઈ અગાઉ પણ ન હતી કે હવે પણ ઉમેરવામાં આવી નથી. માત્ર જગ્યા અને બીજી સગવડ આપવાની હોય છે ત્યારે એ શા માટે તમામ એકમો માટે લાગુ કરવું ન જોઇએ? ભોજનની જરૂરિયાત તો સૌને રહેવાની.

ઘોડીયાઘર ૫૦ મહિલા કામદાર હોય તો આપવું પડશે. કારખાના કે ખાણમાં ૫૦૦ કામદાર હોય તો વેલ્ફેર ઓફિસર રાખવાનું ફરજીયાત હતું તેમાં સુધારો કરી હવે ૨૫૦ કામદારે વેલ્ફેર ઓફિસર રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.

રિટર્ન :

આ સુધારાથી રિટર્ન ભરવાની ઝંઝટમાંથી માલિકોને મોટી રાહત મળી શકે છે. જો કે નિષ્ઠાપુર્વક અને પ્રામાણિકપણે સંપુર્ણ સાચી માહિતી રિટર્નમાં ભરનારા એકમોની સંખ્યા બહુ જુજ હતી અને એમાં કોઇ ખાસ સુધારો થાય તેવી શકયતા નથી કારણ રાજય આ કાયદાભંગને બિલકુલ ગંભીરતાથી લેતું નથી. માત્ર ખાનગી એકમો જ નહી રાજય સરકારે ખુદ કેન્દ્ર સરકારને જે માહિતી દરવર્ષે આપવાની હોય છે તે પણ તે પોતે ભરીને મોકલતા ન હોય ત્યારે એમની પાસે આવી ગંભીરતાની અપેક્ષા રાખવી વધુ પડતી છે. પીએફ,, ઇએસઆઇ, મજુર કમિશનર, ફેકટરી એક્ટ હેઠળના રિટર્ન એમ વિવિધ રિટર્નોને સ્થાને હવે “એક રિટર્ન, એક લાયસન્સ, એક નોંધણી”ની નીતિ આવી છે. હાલ ૮ રિટર્ન ભરવા પડે છે તેને બદલે એક જ ભરવું પડશે. જો કે આ એકમાં જ બધી માહિતી સમાવી લેવાઇ હશે અને જુદાં જુદાં રિટર્ન્સમાં જે ડુપ્લીકેશન થતું હતું હતું એ ઓછું થવા જેટલો જ ફાયદો થશે.

ગુનો અને સજાઃ

ગુનો કરવાનું પહેલાં મોંઘું હતું તેમાં પણ સરકારે સુધારો કરી ગુનાની સજા ઘટાડીને ગુનાની ગંભીરતા ઘટાડી છે. અગાઉ ૭ વર્ષની કેદની સજાની જોગવાઈ હતી તે હવે ઘટાડીને ૩ વર્ષની કરવામાં આવી છે. કાયદાભંગ માટે પહેલાં તો કોર્ટમાં ફરિયાદો જ કરવી નહી, પુરતા પ્રમાણમાં નિરીક્ષકોની નીમણુંક ન કરવી વગેરેમાં કોઇ સુધારો થવાના અણસાર નથી. કેટલાને સાત વર્ષની કેદની સજા થયાનું તમે આજદીન સુધી સાંભળ્યું?  એટલે કાયદો ન પાળવાનો રહ્યોસહ્યો ડર પણ કાઢી નાખવાનો આ પ્રયાસ જણાય છે.

કાયદાભંગને કારણે કામદારનું મૃત્યુ થાય તો બે વર્ષ સુધીની સજા અને/અથવા રૂ.૫ લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

કોન્ટ્રાક્ટ કામદાર અંગેની જોગવાઈના ભંગ માટે સજા નહી હોય માત્ર રૂ.૨ થી ૩ લાખ સુધીનો દંડ હશે અને જેટલા દિવસ ભંગ ચાલુ રહે તેટલા દિવસ રોજના રૂ.૨,૦૦૦/—ના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

રોડ અકસ્માત માટે વળતરઃ

કામે જતાં કે કામેથી પાછા ફરતાં થતા રોડ અકસ્માત માટે વળતર ચુકવવાની જોગવાઈ હવે કરવામાં આવી છે. અગાઉ ઇએસઆઇ કાયદામાં સુધારા કરી તે કાયદા હેઠળ આવરી લેવાયેલા કામદારોને વળતર ચુકવવાની જોગવાઈ કરી હતીતે મજુબ હવે કર્મચારી વળતર ધારામાં પણ સુધારા કરવામાં આવ્યા છે. જો કે એ ઓએચએસ કોડ હેઠળ નહી પણ સોશ્યલ સિક્યુરિટી કોડ હેઠળ આવશે.

લાયસન્સઃ

લાયસન્સ માટેની જોગવાઈમાં સુધારા કરવામાં આવ્યા છે. ઓએચએસ કોડ મુજબ કોન્ટ્રાક્ટરોએ એક જ લાયસન્સ લેવું પડશે. એકમદીઠ લાયસન્સ લેવાની કે કામદીઠ લાયસન્સ લેવાની હવે જરુર નહી રહે. વળી ૫૦ કે તેથી વધુ કામદારો હશે તો જ લાયસન્સ લેવું પડશે તેથી ઓછા કામદારો માટે નહી. અગાઉ ૨૦ કામદાર હોય તો લાયસન્સ જરુરી હતું. નાના કોન્ટ્રાક્ટરો માટે આ મોટી રાહત હશે. લીધેલ લાયસન્સમાં કામદારોની સંખ્યામાં વધારો કરવો હશે તો પાછળથી કરી શકાશે. કોન્ટ્રાક્ટરો માટે જો કે લાયકાતના ધોરણો નકકી થશે એટલે લાયકાત ન ધરાવનાર વ્યક્તિને લાયસન્સ મળી શકશે નહી. લાયકાત નહી ધરાવનાર વ્યક્તિને જે તે કામ પુરતું લાયસન્સ મળી શકશે. જો કે આપણા સમાજે આ બધાની વ્યવસ્થા કરેલ છે. દવાની દુકાનમાં ફાર્મસીનું ભણેલા વ્યક્તિને રાખવાનું ફરજીયાત છે પણ એ હકીકત છે કે સેંકડો દુકાનો લાયકાત ધરાવા વ્યક્તિને રાખ્યા વગર જ દુકાનો ચલાવે છે એવું જ આમાં પણ થશે. કોન્ટ્રાક્ટરે પાંચ વર્ષે લાયસન્સ તાજું કરાવવું પડશે અથવા ચોકકસ પ્રવૃત્તિ માટે લાયસન્સ લેવું પડશે. એક કરતાં વધુ રાજ્યોમાં મજુરો પુરા પાડવાનું કામ કરતા કોન્ટ્રાક્ટરોએ આખા દેશ માટેનું લાયસન્સ કેન્દ્ર સરકાર પાસેથી લેવું પડશે. બીજી બાજુ કોન્ટ્રાક્ટ કામદાર રાખવા ઇચ્છતા પણ ૧૦ કે તેથી વધુ કામદારો ધરાવતા એકમોએ નોંધણી કરાવવી પડશે અને લાયસન્સ લેવું પડશે. કોન્ટ્રાક્ટરોએ લાયસન્સ લેવા મુળ માલિક પાસે વર્ક ઓર્ડર કે પ્રમાણપત્ર લેવાની જરુર નહી રહે.

પહેલું પ્રકરણઃ

પહેલા પ્રકરણમાં વ્યાખ્યાઓ આપવામાં આવી છે. આ કાયદા મુજબ ઓડીયો વીઝયુઅલ પ્રોડકશન એટલે એનીમેશન, કાર્ટુન, ઓડિયો—વીઝ્યુઅલ જાહેરાત, ફીચર ફીલ્મ, નોન—ફીચર ફીલ્મ,ટીવી કે વેબ બેઝડ સિરિયલ,ટોકશો, રીયાલિટી શો અને રમતના કાર્યક્રમો. ઓડિયો વીઝયુઅલ વર્કર એટલે ઓડિયો વીઝયુઅલ પ્રોડકશનમાં કામ કરવા માટે રાખેલા કલાકાર (એકટર), સંગીતકાર,એન્કર, ન્યુઝરીડર, નર્તક, ડબિંગ આર્ટિસ્ટ કે સ્ટન્ટનું કામ કરનારા કુશળ, અકુશળ,સુપરવાઇઝર, ટેકનિકલ, કલા સંબંધિત કામ કરનાર એવા વ્યક્તિ જેના વેતનની ઉચ્ચતમ સીમા સરકાર જાહેરનામા દ્વારા જાહેર કરે તે સૌ.

૧૦ કે તેથી વધુ કામદારોને કામે રાખ્યા હોય તેવા ઉદ્યોગ, વેપાર, ધંધો, ઉત્પાદન કે વ્યવસાય અથવા મોટર ટ્રાન્સપોર્ટ, ન્યુઝપેપર, ઓડીયો વીઝયુઅલ, બીલ્ડીંગ કન્સ્ટ્રકશન કે પ્લાન્ટેશનમાં ૧૦ કામદાર હોય તો તે અથવા પ્રકરણ—૨ના સંદર્ભે એવા કારખાના (ફેકટરી) જેમાં ૧૦ કે તેથી વધુ કામદારોને કામે રાખ્યા હોય પણ કલમ ડબ્લ્યુમાં દર્શાવેલ સંખ્યાને બાધ ન આવે તેવા એકમ અથવા ખાણ કે બંદર કે બંદરની આસપાસના વિસ્તાર “એસ્ટાબ્લીશમેન્ટ” ગણાશે. પરંતુ જોખમી કે જીવન પર જોખમ તોળાતું હોય તેવી પ્રવૃત્તિ કરાતી હોય તે એકમો માટે કામદારોની સંખ્યા કેન્દ્ર સરકાર વખતોવખત નકકી કરશે. કલમ ૨(૧)—ડબ્લ્યુ મુજબ ફેકટરી એ ગણાશે જેમાં વીજળીનો ઉપયોગ થતો હોય તો ૨૦ કામદાર અને ન થતો હોય તો ૪૦ કામદાર હોય અને ઉત્પાદન થતું હોય. જોખમી પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા જેમાં કામ કરનારા કામદારોના આરોગ્યને હાનિ પહોંચાડતી હોય અથવા પર્યાવરણને નુકસાન થતું હોય. એવી પ્રક્રિયા કે પ્રવૃત્તિઓની યાદી પહેલા પરિશિષ્ટમાં આપેલ છે પરંતુ જોખમ, જોખમી પદાર્થ, ઇન્ડસ્ટ્રીયલ પ્રીમાઇસીસ, ઇન્ડસ્ટ્રી, આંતરરાજય સ્થળાંતરીત કામદાર, મશીનરી, મેજર પોર્ટ, ઉત્પાદન પ્રક્રિયા,મેટ્રો રેલ્વે, ખાણ, ન્યુઝપેપર, ન્યુઝપેપર એસ્ટાબ્લીશમેન્ટ, ઓકયુપાયર, પ્લાન્ટેશન,પ્રોડયુસર, રેલ્વે, રીલે, સેલ્સ પ્રમોશન એમ્પ્લોયી, સીરીયસ બોડીલી ઇન્જરી, ટેલિકોમ્યુનીકેશન સર્વીસ, વેજીસની વ્યાખ્યા પણ અપાઇ છે.મોટર ટ્રાન્સપોર્ટ અન્ડરટેકીંગ એટલે મોટર ટ્રાન્સપોર્ટ કામદારને રાખતા હોય અને માલ કે મુસાફરનું રસ્તા પર વહન કરતા હોય.

અન્ય પ્રકરણોઃ

બીજું પ્રકરણ નોંધણી અંગેનું છે.

ત્રીજા પ્રકરણમાં માલિકો અને કર્મચારીઓની ફરજો અને જવાબદારીઓ અપાઇ છે. તેમાં પ્રોજેકટના આર્કીટેકટ, પ્રોજેકટ એન્જીનીયર અને ડીઝાઇનરની ફરજો, કર્મચારીઓના અધિકારો અપાયા છે.

ચોથા પ્રકરણમાં વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી અંગે છે. તેમાં રાષ્ટ્રીય વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી સલાહકાર બોર્ડ બનાવવાની જોગવાઈ છે. આ બોર્ડમાં કેન્દ્રીય મજુર મંત્રાલયના સચીવ, ડીજીફસલિ, ડીજીએમએસ, ચીફ કન્ટ્રોલર ઓફ એકસપ્લોઝીવ, સીપીસીબીના ચેરમેન, ચીફ લેબર કમિશ્નર, ચાર રાજયોના મજુર મંત્રાલયના સચિવ જે ફરતા રહેશે, ઇએસઆઇ કોર્પોરેશનના ડીજી, હેલ્થ સર્વીસીઝના ડીજી,માલિકો અને કામદારોના પાંચ—પાંચ પ્રતિનિધિઓ, પ્રોફેશનલ બોડીઝના એક પ્રતિનિધિ, વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી ક્ષેત્રના પાંચ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, રાજય કે યુનીયન ટેરિટરીના વિશેષ નિમંત્રિત હશે. કેન્દ્રીય મજુર મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી તેના મેમ્બર સેક્રેટરી હશે. તેની મુદત ત્રણ વર્ષની હશે. આ બોર્ડની સલાહથી કેન્દ્ર સરકાર બોર્ડની મદદ માટે જરુરી અધિકારીઓ અને કર્મચારીઓની નીમણુંક કરશે. એ ઉપરાંત કેન્દ્ર સરકાર બોર્ડની મદદ માટે પોતાને જરુર લાગે તેટલી ટેક્નિકલ કમિટી અને સલાહકાર સમિતિઓની નીમણુંક કરી શકશે.

કલમ૧૭ મુજબ રાજય સરકાર રાજયસ્તરીય સલાહકાર બોર્ડ બનાવશે અને તેના બંધારણ, પ્રક્રિયા અને અન્ય બાબતોનો નિર્ણય રાજય સરકાર લેશે. રાજય સરકાર આ બોર્ડની મદદ માટે જરુરી સલાહકાર સમીત્તિઓ અને ટેકનીકલ સમિતિઓની નીમણુંક કરી શકશે.

કલમ ૧૮ મુજબ કેન્દ્ર સરકાર કારખાના, ખાણ, બંદર, બીડી અને સિગાર, બાંધકામ અને અન્ય કામના સ્થળો માટે કામને સ્થળે સલામતી અને આરોગ્ય માટેના ધોરણો જાહેરનામા દ્બારા જાહેર કરશે. તેમાં ભૌતિક, રાસાયણિક, જૈવિક અને અન્ય જોખમો સામે કામદારોને રક્ષણ મળી શકે તેવી જોગવાઈ કરવામાં આવશે.કામના સ્થળના પર્યાવરણ પર દેખરેખ અને માપન, તબીબી તપાસ વગેરે બાબતોનો પણ આમાં સમાવેશ થાય છે. આ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ આ વિષયે સંસ્થાઓ સંશોધન, પ્રયોગો અને નિદર્શનના કામોની માહિતી બોર્ડને આપશે અને તેને આધારે ભલામણો કરશે. કલમ ૨૧ હેઠળ રાજય અને કેન્દ્ર સરકાર આંકડાકીય માહિતી એકઠી કરશે, આંતરરાજય સ્થળાંતરીત કામદારો માટે પોર્ટલ બનાવશે અને નીભાવશે.આધાર કાર્ડને સાંકળી કામદાર પોતાની નોંધણી કરાવી શકશે.કલમ ૨૨માં કામદાર—કર્મચારી અને માલિકોની સંયુકત સેફટી કમિટી બનાવવાની જોગવાઈ છે. જોખમી પ્રક્રિયા ધરાવતા કારખાનામાં ૨૫૦ કામદાર હોય તો અને જો તેમ ન હોય તો ૫૦૦ કામદાર હોય તો સમિતિ બાનવવી પડશે. ખાણ હોય અને ૧૦૦ કામદાર હોય તો સમિતિ બનાવવી પડશે.સેફટી ઓફિસરની નીમણુંક માટેની જોગવાઈ પણ આ જ કલમમાં છે.

પ્રકરણ ૫ સલામતી, આરોગ્ય અને કામની શરતો અંગે છે. સદર પ્રકરણમાં માત્ર એક જ કલમ ૨૩ સમાવાયેલ છે. તેમાં સ્વચ્છતા, વેન્ટીલેશન, ઉષ્ણતામાન, ભેજ, ધુળ—ધુમાડા—હાનીકારક વાયુથી મુકત વાતાવારણ, પીવાનું સ્વચ્છ પાણી, પુરતી પ્રકાશ વ્યવસ્થા, ભીડ ન થાય તે માટે જોગવાઈ, પુરુષ,મહિલા અને ટ્રાન્સજેન્ડર માટે સંડાસ—બાથરુમની સુવિધા, કચરાની વ્યવસ્થા અંગે જોગવાઈ છે.

ટ્રાન્સજેન્ડરને માટે સુવિધા આપવાની વાત પ્રગતિશીલ છે અને નવી છે.

કલ્યાણ અંગેના પ્રકરણ ૬માં કલમ ૨૪ અને ૨૫ છે. નહાવા—ધોવાની વ્યવસ્થા, ઘરના કપડાં મુકવાની વ્યવસ્થા સાથે જ કપડાં સુકવવાની વ્યવસ્થા કરવાની જુની જોગવાઈ પણ શા કારણે ચાલુ રાખવામાં આવી છે તે સમજાતું નથી. મેં કારખાનાઓમાં ૨૦ વર્ષ પહેલાં ૨૦ વર્ષ કામ કર્યું પણ મને તેની જરુર ક્યાંય જણાઇ નથી કે કામદારોએ તે માટે ક્યાંય ફરીયાદ કરી નથી. બેસવાની સગવડ આપવાની જોગવાઈ છે તેમાં રાજયના નિયમોમાં અત્યારસુધી કામદારોને સ્ટુલ આપવાની જોગવાઈ હતી, ખુરશી નહી. જાણે ખુરશી તો માત્ર સાહેબો માટે હોય તેવી માનસિકતા! આ કલમમાં બેસવા માટે શું આપવું તેની કોઇ ચોખવટ નથી જે કદાચ રાજ્યના નિયમોમાં આવે અને સ્ટુલની જોગવાઈ ચાલુ રાખે તો નવાઇ નહી. ૧૦૦ કામદાર — કોન્ટ્રાક્ટ કામદાર સહિત— હોય તો કેન્ટીન આપવાની જોગવાઈ આવકારદાયક છે પણ ખાવાનું કોને ન જોઇએ? એક કામદાર હોય તો પણ કશીક વ્યવસ્થા આપવાનું વિચારવું જોઇએ. ૧૦૦ને બદલે ૫૦ કે ૨૫ રાખ્યા હોત તો સારું થાત. આમેય કેન્ટીન એટલે સબસિડી આપવાની તો વાત જ નથી, બજારભાવે જ ખાદ્ય પદાર્થ પુરા પાડવાના હોય તો શા માટે કાયદામાં જોગવાઈ કરવી ન જોઇએ? એ કારણે રોજગારીમાં પણ વધારો થાત. પ્રાથમિક સારવાર માટેની વ્યવસ્થા, યુનિફોર્મ અને રેઇનકોટ વગેરે, લન્ચરુમ, વેલ્ફેર ઓફિસરની નીમણુંક. ૫૦ કે તેથી વધુ કામદાર હોય તો ઘોડીયાઘર આપવાની જોગવાઈ કરી છે તે આવકારદાયક છે. ખાસ વાત એ નોંધવી જોઇએ કે અત્યાર સુધી જે જોગવાઈઓ કરાતી તેમાં મહિલા કામદાર હોય તો જ ઘોડીયાઘર આપવાની જોગવાઈ હત્તિ, માલિકો એટલી સંખ્યામાં મહીલા કામદાર બતાવે જ નહી એટલે ઘોડીયાઘર રાખવાનો સવાલ જ ઉભો ન થાય. હવે માત્ર ‘કામદાર’ શબ્દ લખ્યો છે તે આવકારદાયક છે.

કામના કલાકો અને વાર્ષિક હક રજા અંગેના પ્રકરણ ૭માં કલમ ૨૫થી ૩૨ સમાવેલી છે. અત્યારસુધી એવી જોગવાઈ હતી કે કેલેન્ડર વર્ષમાં કામદારે જો ૨૪૦ દીવસ કામ કર્યું હોય તો તે પછીના કેલેન્ડર વર્ષમાં વીસ દીવસે એક હકરજા મેળવવાને તે હકદાર બને. હવે તે માત્ર ૧૮૦ દીવસ કામ કરે તો પણ હકરજા મેળવવાને હકદાર બનશે. આ આવકારદાયક જોગવાઈ છે. જો કે વીસ દિવસે એક રજામાં કોઇ ફેરફાર કર્યો નથી.

પ્રકરણ ૮માં માત્ર એક જ કલમ ૩૩ છે. આ કલમમાં રજીસ્ટર નીભાવવાની જોગવાઈ છે. કામના કલાક,અઠવાડિક રજા, વેતન, વેતનની પાવતી, હાજરી, રજા, અકસ્માત, કિશોર વયના કામદારની સંખ્યા અને રિટર્ન ફાઇલ કરવાની જોગવાઈ છે. કામદારોને વેતન માટે પગાર પાવતી આપવાની જોગવાઈ પણ કરી છે.

પ્રકરણ ૯માં ઇન્સપેક્ટર કમ ફેસીલિટેટર અને અન્ય સત્તાધીશોની નીમણુંક અને તેમના અધિકારોની અંગેની જોગવાઈઓ છે. કલમ ૩૪માં ઇન્સ્પેક્શન અંગેની જોગવાઈઓ છે જેમાં નિરીક્ષણના અહેવાલોને અપલોડ કરવા વગેરે બાબતો છે. જો કે આ બધું જાહેર જનતાને ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ કરી નથી તેથી પારદર્શીતાની પતીજ પડતી નથી. તંત્રમાં ભ્રષ્ટચાર ઘટે તે માટે પારદર્શીતા જરુરી છે.કલમ ૩૫માં તેમના અધિકારો માટે જોગવાઈ છે.કલમ ૩૭માં થર્ડ પાર્ટી ઓડિટ અને પ્રમાણપત્રો આપવા માટે નિષ્ણાતોની પેનલ બનાવવાની જોગવાઈ છે. આવી નીમણુંક તમારે મેળવવી હોય તો જરુરી લાયકાત ઉપરાંત પુષ્પમ—પત્રમ પણ કરવું પડશે તે કહેવાનું ન હોય. કામદારોને કે કામદાર સંઘોને કે કામદારો માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓને માટે કોઇ ભૂમિકા નથી. જો તેમને નિરીક્ષણ એટલે કે ઇન્સ્પેક્શનની જવાબદારી અપાય તો થોડો ફરક જરુર પડે. કલમ ૩૯—૩ હેઠળ ઇન્સ્પેક્ટરોએ ફરીયાદીની વિગતો ખાનગી રાખવાની છે અથવા તેની સંમત્તિથી જ વિગતો જાહેર કરવાની છે. કલમ ૪૨ તબીબી નિષ્ણાતોની તબીબી અધીકારી તરીકે નીયુકત કરવાની સત્તા સરકારને આપે છે.

પ્રકરણ ૧૦માં કલમ ૪૩—૪૪ મહિલાઓને કામે રાખવા સંબંધે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.

પ્રકરણ ૧૧ કોન્ટ્રાક્ટ કામદાર અને આંતર રાજ્ય સ્થળાંતરીત કામદારો અંગે ખાસ જોગવાઈઓ છે. આ સૌથી મોટું પ્રકારણ છે. તેમાં પહેલા ભાગમાં કોન્ટ્રાક્ટ કામદારો અંગે કલમ ૪૫થી ૫૮ છે. ભાગ—૨માં કલમ ૫૯થી ૬૫ આંતર રાજ્ય સ્થળાંતરીત કામદારો અંગે છે. ભાગ—૩ની કલમ ૬૬ ઓડિયો વીઝયુઅલ કામદારો માટે છે. ભાગ —૪ ખાણો અંગે છે તેમાં કલમ ૬૭થી ૭૩ સુધી છે. કલમ ૭૦ મુજબ ૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને ખાણમાં કામ કરવા રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભાગ—૫માં બીડી કામદારો માટે કલમ ૭૪થી ૭૭માં જોગવાઈઓ કરવામાં આવી છે. ભાગ—૬માં કલમ ૭૮માં મકાન અને અન્ય બાંધકામ કામદારો માટે જોગવાઈ કરવામાં આવી છે. ભાગ—૭માં કારખાના માટે જોગવાઈઓ છે જે કલમ ૭૯થી ૯૧ સુધી વિસ્તરે છે. હાલના ફેકટરી એકટમાં પરિશિષ્ટ —૨માં પર્મિસિબલ લિમિટ એટલે કે કારખાનાના વાતાવરણમાં જુદા જુદા પદાર્થોની કેટલી માત્રા હોય તો ચાલે તેની મર્યાદા જણાવવામાં આવી છે. તે પરિશિષ્ટ હવે આ કોડમાંથી દુર કરવામાં આવ્યું છે. કલમ ૮૮માં તેવી મર્યાદા નકકી કરવાની સત્તા રાજ્ય સરકારોને આપી છે. મોટાભાગના રાજ્યોમાં સરકારોનો ઝોક ઉદ્યોગોને અનુકુળ રહેવા તરફનો જોવા મળે છે તે સંજોગોમાં ઉદ્યોગો હાવી થઇ જશે અને કાં તો બહુ મર્યાદિત પદાર્થો માટે મર્યાદાઓ નકકી કરાશે જે બહુ ઉદાર હશે. કામદારો, કામદાર સંઘો અને કામદારો તરફી કામ કરતી સંસ્થાઓમાં આ વિષયની મર્યાદિત સુઝ—સમજનો ગેરલાભ રાજ્ય અને ઉદ્યોગ ઉઠાવશે અને તેનો ભોગ કામદારો  બનશે તેવી શંકા છે.

કલમ ૮૭ મુજબ ‘ડીજીફસલિ’નું નામ હવે બદલાઇને ‘ડીજીઓશ’ થશે એટલે કે ડાયરેકટર જનરલ ઓકયુપેશનલ સેફટી એન્ડ હેલ્થ થશે. હાલ જોખમી પ્રક્રિયાઓ નકકી કરવાનું કામ રાજ્ય સરકારો કલમ ૮૭ હેઠળ કરતી હતી તે હવે આ નવી કલમ ૮૭ હેઠળ કરવામાં આવશે. કલમ ૮૫માં જોખમી પ્રક્રિયાઓ ધરાવતા એકમોના માલિકો માટેની જવાબદારીઓ જણાવવામાં આવી છે. હાલ પ્રકરણ ૪—માં જે જોગવાઈઓ છે તે કલમ ૮૩—૮૪માં સમાવી છે. ભાગ—૮માં બગીચા કામદારો માટે  કલમ ૯૨—૯૩માં જોગવાઈઓ છે.

પ્રકરણ ૧૨ ગુનો અને સજાની જોગવાઈ ધરાવે છે. કલમ ૯૪માં જનરલ પેનલ્ટી છે જે ૨ લાખથી ઓછો નહી તેટલા દંડની જોગવાઈ છે જે ત્રણ લાખ સુધી લંબાઇ શકે છે. જો કાયદા ભંગ ચાલુ રહે તો પ્રતિદિન રુ.૨૦૦૦/—નો દંડ કરવામાં આવશે. ખોટા દસ્તાવેજ, નકશા, માહિતી આપવા માટે દંડ અને જેલ એમ બંને સજાની જોગવાઈ છે. ઇન્સપેક્ટર અથવા આ કાયદા હેઠળ નીમણુંક પામેલ અધિકારી જો ખાનગી રાખવાની માહિતી જાહેર કરશે તો તેને પણ ત્રણ મહીના સુધીની જેલ અને/અથવા એક લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે. કાયદા ભંગને કારણે અકસ્માત થાય અને તેમાં મૃત્યુ થાય તો તેને બે વર્ષની જેલની સજા અને /અથવા પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ છે. આ જોગવાઈ ૧૯૮૭માં ફેકટરી એકટમાં જે સુધારા થયા તેમાં કરવામાં આવી હતી તેની તે જ રાખવામાં આવી છે. આટલા વર્ષોમાં રૂપિયાની કિંમત ઘટી હોવા છતાં તેમાં વધારો કરવામાં આવ્યો નથી. ૮૭ પછી આટલા વર્ષમાં દેશમાં કેટલી ફરીયાદો આ કલમ હેઠળ થઇ અને તેમાં કોર્ટે શા ચુકાદા આપ્યા તેનો કોઇ અભ્યાસ થયો જણાતો નથી કે તેના અનુભવને ધ્યાનમાં લેવામાં આવ્યો નથી. અમારા અનુભવ મુજબ ઇન્સપેકટરો આવી કલમનો ભંગ પોતાની ફરીયાદમાં નોંધતા જ નથી જેથી માલિકને મોટો દંડ થાય. આ પ્રકરણમાં કલમ ૯૪થી કલમ ૧૧૪ છે.

૧૩મું પ્રકરણ સામાજિક સુરક્ષા માટેના ભંડોળ અંગે છે. અસંગઠિત ક્ષેત્રના કામદારોના કલ્યાણ માટે સામાજિક સુરક્ષા ભંડોળ માટે કલમ ૧૧૫માં જોગવાઈ છે.

પ્રકરણ ૧૪ પ્રકિર્ણ જોગવાઈઓ માટે કલમ ૧૧૭થી કલમ૧૪૩ છે.કલમ ૧૧૭માં ઉંમર અંગેના વિવાદમાં પુરવાર કરવાની જવાબદારી ફરીયાદીને માથે નાખવામાં આવી છે. કલમ ૧૪૩ દ્વારા જે ૧૩ કાયદાને ભેળવવામાં આવ્યા છે તે ૧૩ કાયદા રદ થયેલા ગણવાની જોગવાઈ કરવામાં આવી છે.

તે પછી પરિશિષ્ટો છે. પહેલું પરિશિષ્ટ જોખમી પ્રક્રિયાઓ ધરાવતા ઉદ્યોગોની યાદી છે. હાલ ફેકટરી એકટમાં પહેલું પરિશિષ્ટ છે તે જ ૪૦ ઉદ્યોગોની યાદી આ શીડયુલમાં છે. હાલ ફેકટરી એકટમાં પ્રકારણ ૪માં કલમ ૨૦થી ૪૦માં જે જોગવાઈઓ છે તે સંબંધે પરિશિષ્ટ—૨ મુકવામાં આવ્યું છે. કોડની કલમ ૧૮(૨)(એફ) સંદેર્ભે આ પરિશિષ્ટ છે. કલમ  ૧૮માં વ્યાવસાયિક આરોગ્ય અને સલામતીમાટે ધોરણો ઘડવાની સત્તા આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર આ ૭૫ મુદ્દાઓ અંગે ધોરણો ઘડી શકશે. તે ઉપરાંત ફેકટરી એકટની બીજી કેટલીક જોગવાઈઓ, બાંધકામ કામદારોનો કાયદો, પ્લાન્ટેશન કાયદાની કેટલીક જોગવાઈઓ થઇને કુલ ૭૫ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજા પરિશિષ્ટમાં જાહેર કરવા યોગ્ય વ્યાવસાયિક રોગોની યાદી આપવામાં આવી છે. તેમાં હાલ જે ૨૯ રોગો છે તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.


આ લેખની સામગ્રી આ વિષય પર જુદા જુદા નિષ્ણાતો દ્વારા લખાયેલા અને પ્રગટ થયેલા ઘણા લેખોમાંથી લેવામાં આવી છે અને રાષ્ટ્રપતિએ જેના પર હસ્તાક્ષર કર્યા તે અસલ કોડ[1]નો પણ ઉપયોગ કર્યો છે.


[1] The Occupational Safety, Health and Working Conditions Code, 2020 No. 37 of 2020


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M:+91 9426486855

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.