હીરજી ભીંગરાડિયા
જેને જેને પાંખો હોય એ બધાં પંખી થોડા ગણાય ? પાંખો તો કેટલાય કીટ-પતંગિયાંને અને વડવાંગળાંને પણ ક્યાં નથી હોતી ? પંખીઓના શરીર પર પીંછાં હોય છે પણ મોંમાં નથી હોતા દાંત કે નથી હોતું ગંધ પારખે એવું સક્ષમ નાક ! અરે, ખોરાકનો સ્વાદ પારખી શકે એવી સ્વાદેંદ્રીય પણ પૂરતી ખીલેલી ન હોવા છતાં તેમના ખૂબ ચપળ કાન અને દ્રષ્ટિ ઓર તેજસ્વી કુદરતે એમને બક્ષ્યાં છે. આપણને જાણીને નવાઇ લાગે કે એમના શરીરની ગરમી આપણા શરીરની ગરમી કરતાં 2-3 ડીગ્રી વધારે હોય છે. અને એનાં પીંછાં એવાં મંદવાહક હોય છે કે વાતાવરણની અતિશય ઠંડી કે અતિશય ગરમી સહન કરી શકવા તેઓ સક્ષમ બનતાં હોય છે.
સૃષ્ટિના આયોજનમાં પંખી-સૃષ્ટિનું સ્થાન અનેરું છે. પંખીઓ ન હોત તો માણસોને ખાવા પૂરતું અન્ન મળવું મુશ્કેલ બનેત, કારણ કે અનાજનો નાશ કરનારાં મોટા ભાગના જીવડાંઓ અને ઉંદરડાનો નાશ પંખીઓ દ્વારા થતો હોય છે. પંખીઓ ન હોત તો વિચારો ! આપણી પૃથ્વી પર વનસ્પતિ કેટલી હોત ? કારણ કે ફૂલોમાં સ્ત્રીકેસર-પુંકેસરનું મિલન કરાવી ફળાવવાનું અને વનવગડે બિયાં વેરીને વનસ્પતિના વિસ્તરણનું બહુ મોટું કામ પંખીઓ દ્વારા થતું હોય છે.
આવી પંખીસૃષ્ટિમાં બાળ ઉછેરનું કામ કેવી વિવિધ રીતે થતું હોય છે તે જાણવું આપણા માટે રસપ્રદ થઈ પડશે.

બાળ અવસ્થા : બાળ અવસ્થા-પછી તે માનવ-સમાજની હોય, પ્રાણી સૃષ્ટિની હોય કે પંખી સૃષ્ટિની હોય, એ એવી અવસ્થા છે કે દરેક બાળે શરૂઆતમાં તેનાં વાલીઓ પર નિર્ભર રહેવું પડે છે, કારણ કે દેખભાળ અને પાલન-પોષણની પોતાને જરૂર હોય છે. પણ તમે જોજો ! જીવ-જંતુઓનાં બચ્ચાં ઘણું ખરું મનુષ્યો અને પંખીઓનાં બચ્ચાંની સરખામણીમાં વધારે આત્મનિર્ભર હોય છે. તેઓ જન્મ્યાં પછી ટૂંક સમયમાં જ ચાલવા ફરવા લાગે છે. પણ મનુષ્યો અને મોટાભાગના પંખીઓનાં બચ્ચાંને ઘણા દિવસો સુધી દેખભાળની આવશ્યકતા રહે છે.
આમ તો માનવ-બાળની અન્ય કોઇ પણ પશુ-પક્ષી સમાજ સાથે સરખામણી કરવી બરાબર ન ગણાય. કારણ કે મનુષ્ય પાસે તો કેટલાય પ્રકારના સાધન-સુવિધાઓનો પાર હોતો નથી. જેના ઉપયોગ થકી પોતાનાં શિશુઓનું સુપેરે પાલન-પોષણ કરી શકે છે. પણ પંખીઓ પાસે તો વધી વધીને એક નાનકડો “માળો” જ હોય છે. એમાં જ ઇંડાં સેવનથી શરૂ કરી બચ્ચાંને ચણ આપી ઉછેર કરવા ઉપરાંત ઊડવાનું અને શત્રુઓથી પોતાની રક્ષા કરવાનું પ્રશિક્ષણ અને પ્રેમ પણ માળામાં જ આપવાનાં હોય છે.
શિશુપાલનની જુદી જુદી રીતો : પંખીઓની પ્રજાતિઓમાં આપણને અચંબામાં નાખી દે એવી શિશુપાલનની જુદીજુદી રીતો છે. કબુતર, હોલાં, કાગડા, લેલાં, ચકલાં વગેરેનાં બચ્ચાં ઇંડામાંથી બહાર નીકળ્યાં પછી ઘણુંખરું ત્રણેક અઠવાડિયાં માળામાં જ પડ્યાં રહે એવાં અસહાય હોય છે. ઘણા દિવસો એ આંખો પણ ખોલી શકતાં હોતાં નથી.એટલે ખોરાક માટે પણ વાલીગણને જ આધારિત હોવાનાં ! અરે, એટલે સુધી કે માળો છોડ્યા પછી પણ ઘણા દિવસો તે બાજુમાં ઊડાઊડ કરી માતપિતા પાસે ચાંચ પહોળી કરી ખાવાનું માગ માગ કરતાં હોય છે.
તો કેટલાક તેતેર, મરઘાં, સારસ, શાહમૃગ, ટીટોડી, મોર, બતક જેવાનાં બચ્ચાં ઇંડાંમાંથી બહાર આવીને તરત જ તગ..તગ તગ..તગ દોડવાનું શરૂ કરી દેતાં હોય છે. એટલું જ નહીં, તેના માતપિતા શિખવાડે એમ જમીન કે પાણી પરથી ખોરાક વીણવા પણ લાગી પડે છે અને 2-3 દિવસમાં એ પૂર્ણપણે આત્મનિર્ભર થઈ પોતાનું રક્ષણ કેમ કરવું તે પણ શીખી લેતા હોય છે.
બાળઉછેર માટે પાયાની અને પ્રાથમિક જરૂરિયાત હોય છે “માળો” પોતાનાં બચડાં ઊછરી રહે અને બહારના આક્રમણોથી બચી રહે એ માટે કુતરાં બનાવી લેતાં હોય છે “બખોલ”. ઉંદરડાંના આવા રહેઠાણને આપણે “દર”, તો સિંહ-વાઘના રહેઠાણને “બોડ” અને પંખીઓનાં બચ્ચાં ઉછેર માટેની ખાસ રચનાને આપણે “માળો” કહીએ છીએ.
પંખીઓમાં ઇંડાં આપવાનો સમય થાય તે પહેલાં નર-માદા બન્ને માળાની વ્યવસ્થામાં લાગી જતાં હોય છે. મોટાભાગના પંખીઓ ઝાડની ડાળીઓ પર માળો બાંધતાં હોય છે. નર પંખી માળાને લગતો સામાન-ઘાસ-પાંદડાં-તણખલાં-દોરા વગેરે લાવી અંબાવ્યા કરે છે અને માદા પોતાની ઇચ્છાનુસાર માળાનું બાંધકામ કરતી હોય છે.
કેટલાક સુઘરી જેવા પંખીઓના માળા દેખાવમાં તો સુંદર હોય જ, તદુપરાંત મજબુતાઇ પણ એટલી હોય છે કે આંધી-તોફાન કે વરસાદમાં પણ એને વાંધો આવતો નથી. જ્યારે હોલાં અને કબુતર પાંચ-દસ સાંઠીકડાં ભેળાં કરી, સાવ વેઠ ઉતારી હોય એવો માળો બનાવી ઇંડાં મૂકી દેતા હોય છે. દરજીડાનો માળો જોયો છે ક્યારેય ? ઝાડના પાંદડાંને રીતસર ટાંકા લઈ એવું ઘર બનાવેલું હોય કે શિકારીને પણ ભૂલાવામાં નાખી દે ! જ્યારે પોપટ-કાબર જેવા દિવાલોમાં બાંકોરું ભાળી જાય તો ત્યાં અને નહીં તો ઝાડવાના થડના પોલાણમાં. તો કાગ-કુટુંબ વળી હોય બહુ ચતુર ! સલામતિ માટે ઠેઠ અંકાશેલી ડાળ પસંદ કરી ત્યાં માળો બાંધે છે. બુલબુલનો માળો એટલે વાટકડી જ જોઇ લ્યો ! એ વળી કોઇ પણ ડાળી પર હોય ઝૂલતો ! ટીટોડી જમીન પર કાંકરા ભેળા કરી, તો ઢેલ-મોર કડબની ગંજી-ઓઘા મળે તો ઠીક, નહીં તો વાડીઓમાં ઘાટા ઘાસની વચ્ચે ઊભેલ ઝાડના થડ પાસે જગ્યા કરી ત્યાં ક્યારેક ચાર તો ક્યારેક પાંચ લાડવા જેવડા સફેદ ઈંડાં મૂકતા નિહાળ્યા છે.
કળિયોકોશી માળો તો બાંધે ઝાડવે જ, પણ એની સામગ્રી હોય શિકારી પંખીઓના ખેંચેલાં પીંછાઓની ! જાણે શિકારી પંખીઓને પડકાર કર્યો હોય ! એટલે જ્યા કાળિયાકોશીનો માળો હોય એ જગ્યાની આસપાસ હોલાં, પીળક, લેલાં જેવાં અસોળ પંખીઓ પોતાના માળા બાંધતા હોય છે,પછી શી મગરૂર કે કાગડા, ખેરખટ્ટા,સમળી, બાજ કે ગીધ જેવા ચોર લુંટારા કાળિયાના માળાવાળા ઝાડ પાસે ફરકવાની હિંમત કરે !
અમારા ઘેર “પંચવટી” માં ગોળ દૂધી-તુંબડીઓમાં ઘરચકલીઓ માળા કરે એવી બહુબધી સગવડ ચકલાંઓને કરી દીધી છે, અને એને એ વ્યવસ્થા બહુ ફાવી ગઈ છે. ચકલાં પાશ્ચ્યાત સંસ્કૃતિ-સમાજની જેમ રાત્રે ક્યારેય આ તુંબડી-ખોખાંના માળામાં રાત્રિ રોકાણ નથી કરતાં. ઇંડાં- બચ્ચાં માળામાં રાખીને પોતે તો સલામત સ્થળ-ફળિયાંનાં કાંટાળા બોગન-લીંબુડી-ગોલા-ઉમરાન બોરડીના ઝાડવાંમાં જ રાતવાસો કરતાં ભળાય છે.
ઇંડાં સેવન: સુધરીને ધૂળ થઈ ગયેલ માનવ-સમાજમાં જેમ પોતાના શિશુને સ્તનપાન કરાવવાથી નારાજ સ્ત્રીઓ ક્યાંક ક્યાંક જોવા મળી રહી છે, બસ તેવા જ નિર્દય કોયલ અને બપૈયા કુળમાં જોડાં હોય છે. તે કદિ પોતાનો માળો બનાવતા જ નથી. કોયલ કાગડાના માળામાં, તો બપૈયા જંગલી લેલાંના માળામાં ખુબ ચાલાકીથી-કહોને છેતરામણથી પોતાના ઇંડાં મૂકી દઈ, શિશુપાલનની પોતાની જવાબદારીઓથી મુક્ત થઈ જાય છે. એને બાદ કરતાં મોટા ભાગના પંખી સમાજમાં માળામાં ઇંડાં મૂક્યા બાદ તેનું સેવનકાર્ય મોટે ભાગે માદા જ કરતી ભળાય છે. પરંતું કેટલાક પક્ષીઓમાં-જેમ કે કબુતરમાં ઇંડા પર બેસી, જરૂરી ગરમી આપી, ઇંડાસેવનનું કાર્ય નર કબુતર જ કરે છે. તો કેટલાક પક્ષીઓમાં નર માદા બન્ને મળીને વારાફરતી ઇંડા સેવતા હોય છે. જ્યારે માદા સપક્ષી ઇંડા સેવે છે ત્યારે નર પક્ષી તેની ખોરાકી વ્યવસ્થામાં લાગેલ હોય છે.
અને શાહમૃગની ઇંડાસેવનની રીત વળી સાવ નિરાળી છે. તે પોતે પોતાના ઇંડાં સેવવાનું કામ કરતું નથી કે કોયલ-બપૈયાની જેમ બીજા કોઇ પંખી પાસે પણ સેવાવતું નથી. એ તો સૂર્યકીરણોની ગરમીથી જ પોતાના ઇંડાને યોગ્ય ગરમાવો અપાવે છે. માદા શાહમૃગ મગરની જેમ રેતીમાં ખાડો કરી, અંદર ઇંડા મૂકી, ઉપર રેતીથી ઢાકણ કરી વાળે છે, જેથી તેના ઇંડાંને દિવસ દરમ્યાન તડકાથી ગરમી મળે છે.. અને રાત્રિ દરમ્યાન એ જગ્યા પર બેસી નર શાહમૃગ ગરમી આપે છે. યોગ્ય સમયે માદા શાહમૃગ ઇંડાં ઉપરથી રેતી દૂર કરી વાળે છે, એટલે બચ્ચાં બહાર આવી જાય છે.
જ્યારે ટીટોડીના ઇંડાં તો હોય ખુલ્લા મેદાન કે ખેતરમાં કાંકરા ભેગા કરી ધરતી પર બનાવેલ માળામાં, અને ઋતુ પણ હોય ખરા ધોમધખતા ઉનાળાની ! પણ ઉનાળાનો એ સખત તાપ ઇંડાંને દઝાડી ન મારે એટલા વાસ્તે નર માદા બન્ને વારાફરતી જ્યાં ક્યાંય પાણી હોય ત્યાં પોતાનું પેટ પલાળી, લાવી ઇંડા પર બેસી, વધુ પડતી ગરમી સામે ઇંડાંનું રક્ષણ કરે છે. કારણ કે ઇંડાંમાં બચ્ચાના વિકાસ માટે એક નિર્ધારિત તાપમાન હોવું જરૂરી છે. તેથી સહેજ પણ ઓછું કે સહેજ પણ વધુ હોય તો ઇંડાંની અંદર જ બચ્ચાંનું મૃત્યુ થઈ જાય છે.
આહાર : એક પંખી નિરીક્ષકના મત અનુસાર પંખીઓનાં બચડાં બહુ ખાઉધરાં હોય છે. ચકલાં, કાબર, વૈયાં જેવા પંખીઓ કુણો કુણો ખોરાક ચાંચમાં પકડી લાવી બચ્ચાંના મોઢામાં મૂકામૂક કરતા હોય છે. એમના કહેવા અનુસાર એક કલાકમાં 24 વખત માળામાં આવી બચ્ચાંને ખવરાવી જાય છે. દિવસભરના 16 કલાકમાં 384 વાર એવા 18-20 દિવસ બચ્ચાંના શિશુકાળ દરમ્યાન એક બચ્ચું કેટલાં જીવડાં આરોગી જાય તેનો હિસાબ કરી લેજો !
નર અને માદા કબુતર પોતાની ચાંચથી બચ્ચાંને એક વિશેષ પ્રકારનો દૂધ જેવો ઘટ્ટ પદાર્થ ખવરાવે છે. આ પદાર્થ કબુતરે ચણેલ દાણામાંથી તેના ગળાની થેલી અંદર બનતો હોય છે, તેને “પીઝીયન મિલ્ક” કે “કબુતરનું દૂધ” કહે છે. બગલાની રીત વળી સાવ જ નિરાળી છે. બગલાં પોતે ખોરાક ખાય છે અને અરધો પરધો પચેલો ખોરાક મોઢામાં બહાર લાવે છે અને બચ્ચાં માબાપના મોઢામાં ચાંચ નાખી ખાઈ લે છે.
પંચવટીબાગની થોરની વાડ્યના ઢૂવામાં અમે નજરે નિહાળ્યું છે કે તેતરડીનાં બચડાં ઇંડાંમાંથી બહાર નીકળતાં જ દોડવા માંડે છે, જેથી બચ્ચાંના મોઢામાં ચણ મૂકવાની મહેનત તેતરની માદાને કરવી પડતી નથી. બચ્ચાંને જાતે ચણવાની શીખ આપવા એક ઠેકાણે જમીન પર તેતરડી ચાંચ મારે કે બચ્ચાં કદુક…કદુક કરતા ત્યાં દોડી આવે અને પોતે પણ પગથી ધરતી માંડે ખણવા અને જે મળ્યું તે લાગી જાય છે ચણવા !
ઊડ્વા માટેનું પ્રશિક્ષણ ; ઇંડામાંથી બહાર નીકળ્યા પછી માતાપિતા દ્વારા અપાયેલ ખોરાક ખાતાં ખાતાં બચ્ચાના શરીરના વિકાસની સાથોસાથ એની પાંખોનો પણ વિકાસ થાય છે. આમ તો “ઊડવું” એ પંખીઓને પ્રકૃતિએ આપેલ જન્મજાત સ્વભાવ છે. છતાં કેટલાંક બચ્ચાંને તેને માટે પ્રશિક્ષણની જરૂર હોય છે. અને એ પ્રશિક્ષણ એના માતપિતા જ આપતાં હોય છે. ઊડવા માટે બચ્ચાને ચાંચ મારી વિવશ કરે છે અને પાછો પોતાનો સહારો પણ આપે છે. બગલો પોતાના બચ્ચાંને ઉડવાની સાથોસાથ માછલી પકડવાની કળા પણ શિખવે છે. બાજ અને ગરૂડ જેવા શિકારી પક્ષી માળામાંથી બચ્ચાંને બહાર કાઢી બચ્ચાં સામે માંસનો ટુકડો હવામાં ઉછાળી પકડવા મજબૂર કરે છે, જેનાથી તે ઊડતા જીવ-જંતુનો શિકાર કરતાં શીખી જાય છે.
ટીટોડીના બચડાં નાનાં હોય અને એની મા પડખાંમાં રાખી હરવા-ફરવા અને ચણ ચણવા શીખવતી હોય ત્યારે કોઇ શિકારી કુતરું-બિલાડું, શિકારી પંખી કે આપણે માણસ સુધ્ધાંથી નજીક આવી જવાય તો “સંતાઇ જાવ…સંતાઇ જાવ” જેવો ભાષાસંકેત આપવા માંડે. બચડાં માળાં હોય ફોદા ફોદા જેવડાં સાવ જીણકુડાં, પણ એના માતપિતાનો સંકેત મળતાં જ ખેતરના ઢેફા, પાંહ, શેઢો,મોલાત ગમે તે હોય-ત્યાં ને ત્યાં ધરતી સાથે એવા જડાઇ જઈ લપાઇ જાય કે માથે પગ આવી જાય તોયે ખસે કે ઉંહકારો કરે એ બીજા !
આ રીતે પંખીઓ પોતાના બચ્ચાંને ફક્ત ચાલતાં, ફરતાં, તરતાં, ઊડતાં કે શિકાર કરતાં જ નથી શિખવતાં, પણ તેમને દાણા
ચણવાનું અને પોતાની સુરક્ષા કરવાનું પણ નૈસર્ગિક પ્રશિક્ષણ આપે છે. આ ઉપરાંત બીજી કેટલીય જરૂરી વાત-વિગત પક્ષી પોતાની અંત:પ્રેરણાથી કે પછી દેખાદેખીથી શીખી લે છે. આમ પંખીઓમાં શિશુપાલન ખુબ અનોખું હોય છે. અને પ્રકૃતિમાં પ્રત્યેક પગલે ઉપસ્થિત માતૃત્વની ભાવનાથી પરિચિત કરાવે છે.
સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
સંપાદકીય નોંધ – અહીં લીધેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે
બહુ જ મજા આવી. આવા લેખની સાથે યુ-ટ્યુબ વિડિયો પણ એ મ્બેડ કરવામાં આવે તો વાંચન વધારે રસિક બને.
આવા રસપ્રદ વિષય ઉપર માહિતી પૂર્ણ લેખ વાંચવાની મજા પડી ગઈ. આપનો આભાર.