ટાઈટલ મ્યુઝીક (૪૭) – પરવરિશ (૧૯૫૮)

બીરેન કોઠારી

કોઈ પ્રતાપી પિતા કે માતા પોતાનાં સંતાનો થકી ઉજળાં હોય છે, એમ પ્રતાપી સંગીતકારો પોતાના કાબેલ સહાયકો થકી ઉજળા હોય છે. આવા એક કાબેલ સહાયક સંગીતકાર હતા દત્તારામ વાડકર, જેઓ ફક્ત દત્તારામના નામે જાણીતા થયા. શંકર-જયકિશનના સહાયક સંગીતકાર તરીકે તેમણે મોટે ભાગે કામ કર્યું. તબલાં અને ખાસ તો, ઢોલકના તેઓ નિષ્ણાત હતા. રાજ કપૂર નિર્મિત ‘આવારા’ના ગીત ‘ઈક બેવફા સે પ્યાર કિયા’ના રેકોર્ડિંગ વખતે ઢોલકવાદક સત્યવાન ગેરહાજર રહેવાને કારણે દત્તારામને મોકો મળ્યો. ત્યાર પછી તેમનું સ્થાન જામી ગયું. ઢોલક વગાડવાની તેમની શૈલી જોતજોતાંમાં ‘દત્તા ઠેકા’ તરીકે પ્રચલિત બની. શંકર-જયકિશનનાં સંગીતબદ્ધ કરેલાં અનેક ગીતોમાં આ ‘દત્તા ઠેકા’ આસાનીથી ઓળખી જવાય એ રીતે સાંભળી શકાય છે. 

દત્તારામને સ્વતંત્ર સંગીતકાર તરીકે પહેલી અને એક માત્ર તક રાજ કપૂરે પોતાના નિર્માણની ફિલ્મ ‘અબ દિલ્લી દૂર નહીં’માં આપી. તેનાં ગીતો ઠીકઠીક લોકપ્રિય બનેલાં. બધું મળીને દત્તારામે કુલ ૧૯ હિન્દી ફિલ્મો (અને બે પ્રાદેશિક ફિલ્મો- એક મગધી અને એક ભોજપુરી) માં સ્વતંત્ર સંગીત આપ્યું. કદાચ તેમને સૌથી વધુ ખ્યાતિ ‘પરવરિશ’ (૧૯૫૮) થી મળી.

રાજ કપૂર, માલાસિંહા, મહેમૂદ, નઝીર હુસેન, કૃષ્ણકાન્‍ત જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા ધરાવતી, રૂપકલા પિક્ચર્સ નિર્મિત, એસ. બેનર્જી દિગ્દર્શીત આ ફિલ્મનાં ગીતો ખૂબ જાણીતા બનેલાં, જે હસરત જયપુરીએ લખેલાં.

મુકેશનાં શ્રેષ્ઠ ગીતોમાં ‘પરવરીશ’ના ‘આંસૂ ભરી હૈ યે જીવન કી રાહેં‘નો સમાવેશ અવશ્ય કરવો પડે. આ ગીતના રેકોર્ડિંગ વખતે સાજિંદાઓ કોઈક બાબતે હડતાળ પર હતા. દત્તારામ સમય સાચવવા માટે આકાશવાણીના પાંચેક વાદકોને લઈ આવ્યા અને ગીતનું રેકોર્ડિંગ પૂરું કર્યું. 

આ ફિલ્મનાં અન્ય છ ગીતોમાં સૌથી વધુ જાણીતું કદાચ ‘મસ્તી ભરા હૈ સમા‘ (મન્નાડે, લતા) થયું, જેમાં બિલકુલ ‘દત્તા ઠેકો’ સાંભળી શકાય છે. એ સિવાયનાં પાંચ ગીતો ‘બેલીયા બેલીયા બેલીયા..‘ (મન્નાડે, લતા), ‘ઝૂમે રે ઝૂમે રે, મેરી ગોદ મેં તારે ઝૂમે‘ (આશા ભોંસલે), ‘જાને કૈસા જાદૂ કિયા રે…‘ (આશા ભોંસલે, સુધા મલ્હોત્રા), ‘લૂટી જિંદગી ઔર ગમ મુસ્કરાયે‘ (લતા) અને ‘મામા ઓ મામા, ઓ મામા મામા મામા‘ (મન્નાડે, મ. રફી) હતાં. 

(ડાબેથી) નાદીરા, મુકેશ અને દત્તારામ

‘પરવરીશ’ના ટાઈટલ મ્યુઝીકની વાત કરીએ તો આખા ટાઈટલ્સ દરમ્યાન એક જ ગીતની ધૂન વાગે છે. નવાઈ લાગે એવું છે કે આ સંગીતના આરંભ માટે દત્તારામે બીજા કોઈ ગીતની નહી, પણ ‘મામા ઓ મામા’ની ધૂન પસંદ કરી છે. ટાઈટલ્સ શરૂ થાય એટલે બ્રાસ વાદ્યોથી આરંભ કર્યા પછી એકોર્ડીયન અને તરત જ ટાયશોકોટો પર ધૂનનો આરંભ થાય છે. આગળ જતાં આ ધૂનમાં ‘મસ્તી ભરા હૈ સમા’નું ઈન્ટરલ્યૂડ પણ સંભળાય છે, છતાં મુખ્ય ધૂન ‘મામા ઓ મામા’ની જ છે. 

એવું અનુમાન કરી શકાય કે પોતાને પ્રિય એવો ઠેકો વગાડવાનો અવકાશ આ ગીતમાં હોવાને કારણે તેમણે ટાઈટલ માટે આ ધૂન પસંદ કરી હોય. દત્તારામના સહાયક તરીકે સોનિક અને સેબેસ્ટિયનનાં નામ વાંચવા મળે છે. 

અને હા, આ ફિલ્મમાં આપણા કે.કે. (કૃષ્ણકાંત)ની પણ મહત્ત્વની ભૂમિકા હતી એ કેમ ભૂલાય? ફિલ્મના ઓપનીંગ સીનની પહેલી ફ્રેમમાં જ નાઝીર હુસેન સાથે તેમને જોઈ શકાય છે. 

1.00થી ફૂંકવાદ્યો વડે ટાઈટલ મ્યુઝીકનો આરંભ થાય છે, જે વિવિધ આરોહઅવરોહ થકી આગળ વધે છે. 1.15થી મેન્‍ડોલીન પર ‘મામા ઓ મામા’ની ધૂન અને સાથે તાલનો પ્રવેશ થાય છે. 1.30 થી 1.42 સુધી આ ગીતનું મુખડું તંતુવાદ્યસમૂહ પર પુનરાવર્તિત થાય છે. એ પછી તંતુવાદ્યસમૂહ અને ફૂંકવાદ્યસમૂહ પર અંતરાનું સંગીત આગળ વધે છે. આ ભાગમાં ઠેકાનું સંગીત પ્રભાવશાળી બની રહે છે. 2.25થી 2.39 સુધી ‘મસ્તી ભરા હૈ સમા’ના પ્રિલ્યૂડ સંગીતનો ટુકડો તંતુવાદ્યસમૂહ પર વાગે છે, જે પછી ‘મામા ઓ મામા’ની ધૂનમાં વિલીન થઈ જાય છે.
‘પરવરીશ’ ફિલ્મની નીચે આપેલી લીન્કમાં ટાઈટલ મ્યુઝીક 1.00 થી 3.00 સુધીનું છે.

એટલો ઉલ્લેખ જરૂરી કે ‘પરવરિશ’ નામની બીજી ફિલ્મ ૧૯૭૭માં રજૂઆત પામી હતી, જેનું દિગ્દર્શન મનમોહન દેસાઈએ કરેલું.


(તસવીરો નેટ પરથી અને લીન્‍ક યૂ ટ્યૂબ પરથી સાભાર)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.