સમયચક્ર : યુવાનીનો ચડતો ખુમાર એટલે મોટર સાયકલ

ભારત દેશે ભલે વાહનોની શોધમાં યોગદાન આપ્યું ન હોય, પરંતુ વાયુવેગે ઉડતા હિન્દુ દેવતાઓના વાહનોની કલ્પના તો પુરાતન છે. પોતાના પગની કુદરતી ગતિને અનેકગણી કરી દોડવાનું આદિમ સપનું એટલે વાહન. ભારતના ઉબડ ખાબડ રસ્તા ઉપર પણ સો કિલોમીટરની ઝડપે બાઈક દોડાવતા આજના યુવાનને કદાચ કલ્પના પણ ન આવે કે એની અગળની પેઢીએ કેવાં કેવાં અણઘડ વાહનોમાં મુસાફરી કરી છે. મોટર સાયકલ કે બાઈક સમગ્ર જગતમાં એટલા માટે લોકપ્રિય છે કે એ અંગત વાહન છે. વળી એમાં એક જાતના સાહસનો રોમાંચ છે. એટલે જ ભારતમાં બાઈકની જાહેરાત પ્રણયરંગી દર્શાવાય છે.

માવજી મહેશ્વરી

ભારતમાં હિન્દુ દેવતાઓના જુદાં જુદાં વાહનો છે. રામાયણ મહાભારતની કથામાં વધુ અશ્વો જોડાયેલા રથની કલ્પના છે. સુર્યદેવતાનો રથ સાત ઘોડા ખેંચે છે. તેમ છતાં  ભારતના પુરાણોમાં  સીધી રેખામાં જોડાયેલા  બે પૈડાંવાળાં વાહનની કોઈ ભાળ મળતી નથી. એવી કલ્પના કોઈને કેમ નહીં આવી હોય, એવો વિચાર ટેક્નોલોજીમાં પશ્ચિમી જગતનો દબદબો જોઈને જરુર આવે છે. આપણે ભલે ન સ્વીકારીએ પણ, પશ્ચિમી દિમાગ ભૌતિક શાસ્ત્રને વધુ સાકાર કરી શક્યું છે, જ્યારે આપણે ભૌતિક શાસ્ત્રની કલ્પનાઓને આકાર આપી શક્યા નથી. એનું એક કારણ એ હોઈ શકે કે એશિયા સ્વભાવથી અધ્યાત્મિક હોઈ ઈશ્વરને સર્વોપરી માની ઊંડાંણમાં જવાનું ટાળે છે. જોકે આ ચર્ચા અનંત છે. પરંતુ વાસ્તવિક  જગત પર જે દશ્યમાન છે તેનો એક ઈતિહાસ છે, ન ભુંસી શકાય એવો ઈતિહાસ !

આખાય વિશ્વ પર અસર પાડનારી પશ્ચિમી દિમાગની કેટલીક શોધો પૈકી એક શોધ છે મોટર સાયક્લની. દવાઓ અને રસાયણોની શોધમાં બ્રીટીશ પ્રજાનું યોગદાન છે, વિજાણું સાધનોમાં ફ્રેન્ચ પ્રજા અગ્રેસર રહી છે, ભારે અને હલકા મશીનો બનાવવામાં ઈટાલીયન પ્રજાનો ફાળો છે. તો યંત્રવિદ્યાની શોધો અને વિકાસમાં જર્મન પ્રજાનું બહુ મોટું યોગદાન છે. મોટરસાયકલ, મોટર બાઈક અથવા બાઈક નામે ઓળખાતા આજના આધુનિક દ્વિચક્રી વાહનની શોધ ગોટલીબ ડેમલર અને વિલીયમ બેક નામના બે જર્મન મિત્રોએ ૧૮૮૫ કરી હતી. પેટ્રોલિયમ ઈંધણથી ચાલતી જગતની પહેલી મોટર સાયકલ કેવી હશે એની તો કલ્પના જ કરવી રહી. જોકે મોટર સાયકલનું પહેલું મોડેલ ૧૮૬૭માં અમેરિકામાં હાવર્ડ રોપેર નામના વ્યક્તિએ બનાવ્યું હતું અને તે વરાળથી ચાલતું હતી. જેને ૧૮૮૫માં પેટ્રોલીયમ ઈંધણનું સ્વરૂપ અપાયું. આ શોધની અસર આખાય વિશ્વમાં થઈ. કારણ કે મોટર સાયકલની સવારીમાં ઘોડેસવારીની અદા, રોફ, દમામ, દેખાવ, છટા જેવા બધા જ ગુણો છે. એટલે જ આજે કોઈ યુવાન કારમાંથી ઉતરીને બાઈક પર બેસે છે તે સાથે જ એનો મિજાજ બદલાઈ જાય છે.

મોટર સાયકલનું સુધારેલું સ્વરૂપ ૧૮૯૪માં પહેલીવાર બજારમાં મુકાયું. એનું નામ હિલ્ડ બ્રાન્ડ એન્ડ વુલ્ફમૂલર હતું. જોકે તે વખતે હજુ મોટર સાયકલ શબ્દ હતો જ નહીં. તે વખતે તેને રાઈડીંગ કાર કહેવાતું. એક વર્ષ બાદ એટલે કે ૧૯૯૫માં ઈ. જે. પેનિગ્ટન નામના અમેરીકન વ્યક્તિએ મોટર સાયકલ નામ આપીને થોડું સુધારેલું મોડેલ બજારમાં મૂકીને દાવો કર્યો કે તેની આ મોટર સાયકલ કલાકના ૫૮ કિમીની ઝડપે દોડી શકે છે. ( કદાચ આજના યુવાનોને હસવું આવશે ) પરંતુ ૧૯૦૪માં અમેરિકાની ઈન્ડિયન મોટર સાયકલ મેન્યુફેક્ચરીંગ કંપનીએ ‘ ઈન્ડિયન’ નામે એક જ, લાલ રંગની મોટર સાયકલ બજારમાં મુકી. આ મોટર સાયકલ લાખોની સંખ્યામાં વેચાઈ અને વીસમી સદીની શરુઆતમાં આ વાહન લોકો સુધી પહોંચ્યું. એ ગાળમાં જ એક ઘટના ઘટી. ૧૯૦૬ની આસપાસ મોટર સાયકલ રેસ નામની રમત શરુ થઈ. જે આજે વિશ્વના મોટાભાગના દેશોના યુવાનોને આકર્ષિત કરી રહી છે. એ રમતના કારણે પશ્ચિમના ઈજનેરોએ મોટર સાયકલની ડીઝાઈન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને બહુ ટુંકા ગાળામાં રેસર બાઈક બજારમાં આવી. રેસર બાઈક બે જાતની હોય છે. એક સપાટ રસ્તા માટે અને બીજી કાચા અને ઉબડ ખાબડ રસ્તા માટે. બીજા પ્રકારની રેસર બાઈકને ડર્ટબાઈક કહેવાય છે. પહેલા વિશ્વ યુધ્ધ સુધી ઈન્ડિયન બાઈક જગતની બાઈક ઉત્પાદક કંપની રહી. પણ તે પછી હાર્લીડે વિડસન નામની અમેરિકન કંપની સામે ઈન્ડિયન બાઈક જુનવાણી લાગવા માંડી. આજે પણ જે બાઈક પ્રેમીઓ ખરેખર બાઈક વિશે જાણતા હોય તો હાર્લીડે વિડસન વિશે જાણતા જ હશે. આ કંપનીની બાઈક હોલીવુડની ફિલ્મોમાં વધારે દેખા દે છે.

મોટર સાયકલ આમ તો એક અંગત વાહન છે. પરંતુ એના ઉત્પાદન અને ખરીદીમાં લશ્કર અને પોલીસનો ફાળો વિશેષ છે. લશ્કર અને પોલીસ માટે અત્યંત ઉપયોગી આ વાહન આજે પણ વર્દીધારીની શાન બની રહે છે. ભારતીય જવાનોના મોટર સાયકલના કરતબ જોનારા લોકોને જેટલો કરતબમાં રસ પડે છે, એટલું જ આકર્ષણ દમદાર મોટર સાયકલનું રહે છે. ઉપરાંત રાજકીય નેતાઓના કાફલાનું પાયલોટીંગ કરતું બાઈકર જુથ એક રોમાંચ ઊભો કરે છે. એક આશ્ચર્ય એ પણ છે કે લશ્કરમાં મોટર સાયકલ કમાન્ડો ઊભા કરવાનો શ્રેય ક્રુર શાસક ગણાવાયેલા હીટલરને ભાગે જાય છે. બીજા વિશ્વ યુધ્ધ પછી દુનિયામાં મોટર સાયકલની માગમાં જબરદસ્ત ઉછળ આવ્યો. અને ૧૯૫૧ની આસપાસ BSA નામની બાઈક જગતમાં એ વખતે સૌથી વધુ વેચાતી બાઈક હતી. પરંતુ એ ગાળામાં જાપાનની હોન્ડા, કાવાસાકી, યામાહા, અને સુઝુકી જેવી કંપનીઓએ મોટર સાયકલ નિર્માણમાં ઝુકાવ્યું. તે સાથે જ યુરોપીયન બજારના હાજાં ગગડી ગયાં. આ કંપનીઓએ બાઈકને એટલી હદે હેતુલક્ષી અને સસ્તી બનાવી કે યુરોપની ખર્ચાળ મોટર સાયકલ કંપનીઓના પાટિયાં ઉતરી ગયાં. યુરોપની ટેક્નોલોજીને પરાસ્ત કરનાર એક માત્ર એશિયાઈ દેશ હોય તો એ જાપાન છે. પરંતુ એનાથી મોટો વળાંક આવવાનો હજુ બાકી હતો. એ હતો મોટર સાયકલનો ભારતમાં પ્રવેશ. જોકે ૧૯૫૦ પહેલા ભારતમાં મોટર સાયકલ હતી પણ વિદેશી બનાવટની હતી. વળી તે જુજ લોકો પાસે હતી. સામાન્ય ભારતીય આ થ્રિલર વાહનથી હજુ દૂર હતો. ૧૯૫૫ની સાલમાં ભારતની લશ્કરી માગ માટે બ્રિટનની રોયલ એન ફિલ્ડ કંપનીના પાર્ટસ આયાત કરી ચેન્નઈ ખાતે ૩૫૦ સીસીનું પ્રથમ ભારતીય બાઈક ભારતીય સેનાએ દોડતું કર્યું. આજે ફરી એ બાઈકનું ચલણ શોખીનોમાં દેખાય છે. પરંતુ સાચા અર્થમાં મોટર સાયકલ ભારતીય સમાજમાં ૧૯૮૦ની આસપાસ દાખલ થઈ. હીરો નામની સાયકલ બનાવતી કંપનીએ જાપાનની હોન્ડા કંપની સાથે જોડાણ કરી ૧૦૦ સીસીની બાઈક ભારતની બજારમાં ઉતારી. તે સાથે જ ભારતીય વાહન બજારમાં હો હા મચી ગઈ. નમાવીને ચાલુ કરાતા, મડિયલ ઢાંઢા જેવા ટુ સ્ટ્રોક સ્કૂટર ચલાવી ચલાવીને કંટાળી ગયેલા ભારતીયો હીરો હોન્ડા કંપનીની બાઈક ખરીદવા રીતસર તુટી પડ્યા. પાંચ જ વર્ષમાં ભારતના રસ્તાઓ ઉપર સંખ્યાબંધ બાઈક્સ દેખાવા લાગી. ભારતીય પ્રજાએ જ હીરો હોન્ડા કંપનીને વિશ્વની સૌથી મોટી બાઈક ઉત્પાદક કંપની બનાવી દીધી. તે પછીના દોઢ દાયકામાં તો ભારતીય યુવાનો ઉપર મોટર સાયકલનો ખુમાર છવાઈ ગયો. જોકે હવે આ દ્વિચક્રી વાહન સરેરાશ ભારતીયોની રોજિંદી જરુરીયાત બની ગયું છે. એક સમય એવો પણ હતો કે ભારતમાં આ વાહન માત્ર પુરુષોની જાગીર ગણાતી. આધુનિક ભારતીય સ્ત્રીએ એ ગઢમાં ગાબડાં પાડ્યાં છે. કંઈક અંશે ભારતીય સ્ત્રીઓના પોષાકમાં આવેલું પરિવર્તન પણ દ્વીચક્રી વાહનો થકી છે. બાઈક ચલાવનારાએ એક વાત જાણી લેવી જરુરી છે. જગતમાં વાહનો વિશે થયેલા આધારભુત  સંશોધનો દર્શાવે છે કે તમામ વાહનોમાં સૌથી જોખમી વાહન મોટર સાયકલ છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં દર્શાવેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે. ચિત્રના પ્રકાશાનધિકાર મૂળ રચયિતાના અબાધિત છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.