મંજૂષા – ૪૦. અપસેટ થયા વિના સેટ થવું

વીનેશ અંતાણી

એક કંપનીમાં દરરોજ સવારે જુદા જુદા વિભાગોના વડાની મીટિંગ થતી. કંપનીના સિનિયર મેનેજર્સ એ મીટિંગમાં હાજર રહેતા. એ મીટિંગનું સંચાલન કરવાની જવાબદારી જેના પર હતી એ વાઈસ પ્રેસિડન્ટ દરેક જણ પાસે મહત્તમ કાર્યક્ષમતાના આગ્રહી હતા. એ કારણે કોઈ મેનેજરની કે એની ટીમની કશીક પણ ચૂક થઈ હોય તો એ બહુ જલદી વિચલિત થઈ જતા અને કઠોર શબ્દોમાં પ્રતિક્રિયા આપતા. એ કારણે દિવસની શરૂઆતમાં જ વાતાવરણ તંગ બની જતું. એમનો પોતાનો અને એમના હાથ નીચે કામ કરતા બધા મેનેજરનો દિવસ તનાવ સાથે શરૂ થતો. એની અસર છેક નીચેની પાયરીના કર્મચારી સુધી પહોંચતી.

એક દિવસ કંપનીના માર્કેટિન્ગ વિભાગની સિનિયર મેનેજર મહિલા એમની પાસે ગઈ અને કહ્યું: “સર, તમને ખરાબ ન લાગે તો હું તમારી સાથે વાત કરવા માગું છું.” એમણે સંમતિ બતાવી. મહિલા મેનેજરે કહ્યું: “તમે નાની નાની બાબતોથી અપસેટ શા માટે થઈ જાઓ છો? તમે ધારેલી કાર્યપદ્ધતિની અપેક્ષા બધાં પાસે રાખવી વધારે પડતી નથી? છેવટે બને શું છે? બીજા લોકો એની એ ભૂલ કરતા રહે છે, એમનો આત્મવિશ્ર્વાસ ડગી જાય છે. તેઓ પોતાની રીતે નિર્ણય લેતા નથી. દરેક નિર્ણય લેતી વખતે કે કોઈ પણ કામ કરતી વખતે તમને કેવું લાગશે એનો જ વિચાર કરે છે.”

      એ દિવસ વાઈસ પ્રેસિડન્ટે મહિલા સહકાર્યકર્તાની વાતને ગંભીરતાથી સ્વીકારી નહોતી. શક્ય છે કે એમનાથી જુનિયર મહિલાએ એમની સાથે કરેલી નિખાલસ વાતથી પણ એ અપસેટ થઈ ગયા હોય. પરંતુ પાછળથી એવા પ્રસંગ બનતા ત્યારે એમને તરત જ એ બહેનની વાત યાદ આવતી અને એ જાણેઅજાણે પોતાની પ્રતિક્રિયાને સંભાળી લેવાની કોશિશ કરવા લાગ્યા હતા. કશુંક પણ બને એ સાથે એ આદત મુજબ અપસેટ તો થઈ જતા પણ તરત જ એમાંથી બહાર આવી જવાનો પ્રયત્ન કરતા. એનાથી ફાયદો એ થયોકે એ એમની વાત સ્ટાફના લોકો સામે વધારે સ્પષ્ટતા સાથે મૂકવા લાગ્યા. અપસેટ માનસિકતા સાથે વાત કરવાને બદલે એમનામાં બીજા લોકોની પરિસ્થિતિ અને એમનાં મંતવ્યો અને અભિપ્રાયો સમજવાનું વલણ વિકસવા લાગ્યું. કંપનીના મેનેજર્સ પણ એમના વડાની વાતને ગંભીરતાથી લેવા લાગ્યા. થોડા સમય પછી કંપનીના કામમાં જુદા જ પ્રકારનું હળવું વાતાવરણ ઊભું થયું અને બધા લોકોની કાર્યક્ષમતા પર એની સકારાત્મક અસર પડી. કંપનીના વાઈસ પ્રેસિડન્ટ પોતે પણ રિલેક્ષ રહેવા લાગ્યા. એમણે પોતાના વિશે વિચાર કર્યો ત્યારે એમને સમજાયું કે તેઓ મૂળભૂત રીતે હસમુખ વ્યક્તિ હતા, પરંતુ એમના પર ચઢી બેઠેલી નાની નાની વાતોમાં અપસેટ થઈ જવાની અદતને લીધે એ જુદી જ વ્યક્તિ બની ગયા હતા. તેઓ અપસેટ થઈ જતા પછી એમના મનમાં એક પ્રકારની ગિલ્ટ ફીલિન્ગ રહેતી. એમણે દર્શાવેલો ગુસ્સો કેટલો વાજબી છે એનો વિચાર એમને સતાવતો રહેતો. તેઓ એમાંથી પણ બહાર નીકળી શક્યા હતા. એમનું સમગ્ર વલણ સમાધાનકારી બની ગયું હતું. એની સકારાત્મક અસર અંગત જીવન પર પણ પડી.

      માનસશાસ્ત્રીઓ કહે છે કે અપસેટ થઈ જવું એક વાત છે, પરંતુ વિચલિત મનોદશાને વળગી રહેવું બીજી વાત છે. કોઈ પણ વ્યક્તિ અપસેટ થઈ જાય એમાં કશું નવું નથી, એ માણસનું સ્વાભાવિક વલણ છે. પરંતુ એમાંથી જલદી બહાર આવી જવું જરૂરી છે. તત્કાળ જન્મેલી પ્રતિક્રિયા પર કાબૂ મેળવી ચિત્તને શાંત રાખવાથી ઉગ્રતા ધીમે ધીમે શાંત થવા લાગે છે અને ઉગ્ર મનોદશામાં લેવાયેલા ખોટા નિર્ણયોથી બચી શકાય છે.

               કોઈ પ્રકારનું માનસિક વલણ છેવટે તો આદતનું જ કારણ હોય છે. કહેવાય છે કે આપણે આપણા મન-મગજને જે રીતે વાળીએ તે રીતે વાળી શકાય છે. મોટા ભાગના લોકો એમનામાં પડેલી આદતોના શિકાર બનતા હોય છે. એક યુવકને નાનામાં નાની બાબતો માટે તીવ્ર પ્રતિક્રિયા આપવાની આદત પડી ગઈ છે. બન્યું કશું જ ન હોય, છતાં એ કશુંક પણ બને તે સાથે જ વિચલિત થઈ જાય છે. એવી ડહોળાયેલી માનસિક સ્થિતિને લીધે એ બીજી વ્યક્તિએ લીધેલા નિર્ણયને સ્વીકારી શકતો નથી અને એના મગજનો પારો  સાતમા આસમાને પહોંચી જાય છે. એની પ્રથમ પ્રતિક્રિયા તીવ્ર વિરોધની જ હોય છે. પછી એ પોતાના વલણને સાચું સાબિત કરવા માટે વલખાં માર્યા કરે છે. એને લાગે છે કે બીજા લોકો એને સાચી રીતે સમજી શકતા નથી, એનો વિરોધ જ કરે છે. આવી માનસિકતામાં ગૂંચવાયેલો રહેતો હોવાથી એ તનાવમાં જ રહે છે અને કોઈ પણ કામ સફળતાપૂર્વક કરી શકતો નથી.

જાણીતા બેઝબોલ ખેલાડી મિકી રાઈબર્સે કહ્યું છે: “જે બાબતો પર મારો કન્ટ્રોલ છે તેનાથી અપસેટ થવાનું કોઈ કારણ નથી અને જે બાબતો મારા કન્ટ્રોલમાં જ નથી એનાથી અપસેટ થવાની જરૂર શી છે?”


શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.