રક્ષા શુક્લ
ફાટી ‘ગ્યા છે તારીખિયાનાં સઘળાં પાના,
નવા હર્ષના આવી ‘ગ્યા છે નવલાં બ્હાના.
બ્હાનાઓ તો પતંગિયાની પાંખો જાણે,
ઊડઊડ થાતા રંગ પાથરે અવસર ટાણે.
ઊંબર ઊછળી કોના આ પગલાં પીછાણે ?
હરખે ઉત્તર દઈ સાથિયા મેળો માણે.
કંકુ થાપામાંથી ચોઘડિયાં ઝરવાના,
નવા હર્ષના આવી ‘ગ્યા છે નવલાં બ્હાના.
તોરણથી સરકી આવી ટહુકાની વાણી,
રંગોને લ્યો, વૃક્ષોની ભાષા સમજાણી.
રિધ્ધિ સિધ્ધિ આવી કરતી, ધનની લ્હાણી ,
દુંદાળા એ દેવ થતાં ત્યાં પાણી પાણી .
તળિયે મુકો તાપ, કલેજાઓ ઠરવાના.
નવા હર્ષના આવી ‘ગ્યા છે નવલાં બ્હાના.
દિવસે દીવા અજવાળાનો અક્ષર ઘૂંટે,
સાંજ પડે ઘરઘર વ્હેંચ્યાનો લ્હાવો લૂંટે
આંખોનો આકાર તજીને સપનાં છૂટે,
ઘાટ પામવા ભાવિ ઘટનાને એ ચૂંટે.
દીપાવલીથી દિવસો આ સઘળાં ફરવાના,
નવા હર્ષના આવી ‘ગ્યા છે નવલાં બ્હાના.
સુશ્રી રક્ષાબહેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે કરી શકાશે
સરળ શબ્દો સાથે સુંદર કવિતા પોસ્ટકરવા બદલ આભાર.
પરંપરાગત સાધનોની નવી ગોઠવણી અને નવી કલ્પનાઓ હંમેશાં ક્યાંક અંદર સુધી પહોંચી જાય છે. અભિનંદન.