કોરોનામાં દિવાળી

દર્શા કિકાણી

આપણે સૌ કારમા કોરોના કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. એમાં આ તો દિવાળી આવી. જાણે દુકાળમાં અધિક માસ! આસપાસ જ્યાં જુઓ ત્યાં કોરોનાના દર્દીઓ વધી રહ્યાં છે. આ મહામારી તો જવાનું નામ જ લેતી નથી. તો આ વર્ષની દિવાળી કેવી રીતે ઊજવીશું ?

વર્ષ ૨૦૨૦ ઉપાધિઓ લઈને જ આવ્યું છે. વર્ષ પૂરું થશે પણ ઉપાધિઓ પૂરી થશે?!? આ વર્ષની દિવાળીનો ઉત્સવ વર્ષની સમાપ્તિ સૂચવે છે કે આ કોરોના કાળની ?  આ મહામારીની?  આવતો સમય જ આ પ્રશ્નનો ઉત્તર આપી શકશે!

દિવાળીના આગમનની તૈયારી  થાય ઘરની સાફ-સફાઈથી. ગૃહિણીઓ માટે નવરાત્રી જાય એટલે ઘરની સફાઈ શરૂ થઈ જાય. જાણે ઉત્સવોની મહારાણી દિવાળીને પોંખવાની તૈયારીઓ શરૂ થઈ જાય! પણ આ વર્ષે તો નવરાત્રી ક્યારે આવી અને ક્યારે ગઈ એ ખબર જ પડી નહીં! આ વર્ષનું નોરતાંનું શક્તિ-પર્વ બહુ જ સુષુપ્ત  રહ્યું. એટલે સાફ-સફાઈનું કામ ક્યારે શરૂ કરવું તે ખબર જ રહી નહીં !  વળી છેલ્લા છ-આઠ મહિનાથી  ઘરનાં બધાં સભ્યો ઘરમાં જ છે. કુટુંબ આખુ ઘરમાંથી જ કામ કરે  છે. ગૃહિણી બિચારી રોજનાં કામોમાં અટવાયેલી છે. ઘરનાં બધાં  સભ્યો ઘરમાંથી  કામ કરે એટલે ગૃહિણી ઉપર તો ભાર વધવાનો જ. ઘરમાં બધું અસ્તવ્યસ્ત થઈ જાય. જો વિડીયો કોલ એટેન્ડ કરવાના હોય તો ઘરમાં  બધું વ્યવસ્થિત દેખાવું જોઈએ, ગમે તેમ ચાલે નહીં. એમાં જો ગૃહિણી પણ ઓફિસનું કામ કરતી હોય તો તેના પર લોડ ઘણો જ વધી જાય. આથી ઊંધું, ઘણાં ઘરોમાં ઘરનાં સભ્યોએ સાથે મળીને ઘરની સાફ-સફાઈ અને બીજાં બધાં કામોનો ભાર ઊઠાવી લીધો છે. એટલે ઘર પણ રોજ ચોખ્ખું રહે અને એક માત્ર ગૃહિણી ઉપર ભાર પડે નહીં. આવાં ઘરોમાં દિવાળીની સાફ-સફાઇ કરવાની જરૂર જ  નહીં! અથવા જો  સફાઈ કરાવી હોય તો ચપટી વગાડતામાં થઈ જાય! તમારું ઘર આ બંને પ્રકારોમાંથી કયા પ્રકારમાં આવે છે? જરા વિચારી જોજો.

સાફ-સફાઈની સાથેસાથે ડેકોરેશન, રંગ-રોગાન, નવું ફર્નિચર અને રંગોળીના વિચાર પણ આવે. નવી ટેકનોલજીના સમયમાં અસંખ્ય વસ્તુઓ ઓન-લાઈન મળી જાય છે. અનેક ઓપ્શન સાથે!  દીવાઓ, વોલ ડેકોરેશન, ફ્લાવરવાઝ …… રંગોળીની ડીઝાઈન કરવા માટે  યુટ્યબ પર ઢગલે બંધ સરસ વીડિયો હાજર છે! પણ આજના કોરોનાના સમયમાં  શું આવું ડેકોરેશન કરવું જરૂરી છે? કેટલાંય લોકો મહામારીમાં હેરાન થાય છે ત્યારે આપણે આવા મોજ-શોખ કરી શકીએ? જરા વિચારી જોજો.

આપણા ગુજરાતીઓ માટે તો કોઈપણ ઉત્સવ એટલે ખાણી-પીણીનો ઉત્સવ! એમાં વળી આ તો મહોત્સવ ! એટલે અનેક પ્રકારના નાસ્તા, જાતજાતની મીઠાઈઓ અને ફરસાણ વગર દિવાળી કેવી રીતે ઉજવાય? કોરોના કાળમાં બહારથી તૈયાર નાસ્તો કે બીજું ખાવાનું લાવતા મનમાં ડર રહે છે એટલે આ વખતે તો બધું જ ઘરે કરવું પડશે ! ઘરનાં જ લોકો રાંધે  અને ઘરનાં જ લોકો માણે…..આતો સરસ મઝાનો શ્રમયજ્ઞ! જાતે જ મહાભોજન બનાવી અને જાતે જ આરોગવાનું ! સ્વાદ બહુ મધુર લાગશે! પણ  સંભાળજો! ઘરની એકમાત્ર ગૃહિણી ઉપર બધો ભાર નાખશો નહીં. રસોઈ કરવામાં મદદ કરજો અને ખાવામાં પણ! જરા વિચારી જોજો.

આપણે દિવાળીની મુખ્ય પ્રવૃત્તિ એટલે મિલન સમારંભ, એકમેકને ઘેર જવું, હળવુંમળવું અને મિજબાની કરવી!  શું આ વર્ષે તે શક્ય બનશે ? અને શક્ય હોય તો પણ તે કરવા યોગ્ય છે ? આપણે આ પરંપરા દ્વારા મહામારીને આમંત્રણ તો નથી આપતા ને ? એકબીજાથી દૂર રહી દિવાળીની શુભેચ્છાઓ પાઠવીએ તેજ વધુ યોગ્ય છે. જરા વિચારી જોજો.

દિવાળી એટલે ખરીદીનો પણ ઉત્સવ ! લોકો વાર્ષિક ખરીદી જાણે દિવાળીમાં જ કરતા હોય તેવું  લાગે ! વસ્તુઓના ભાવ આસમાને પહોંચી જાય! બજારમાં ભીડ વધી જાય ! આ કોરોનાના સમયમાં તમે બજારમાં પહોંચી જઈ ભીડમાં વધારો ન કરો તેનું ધ્યાન રાખજો અને જરૂર વગરની ખરીદી  ન કરો તેનું પણ ધ્યાન રાખજો. બને તો અને જરૂર હોય તો ઓન-લાઈન ખરીદી જ કરજો. છેલ્લા આઠ માસથી ઘરમાં જ બેઠા છો અને હજુ કેટલો સમય ઘેર બેસવું પડશે એ ખબર નથી. એટલે જરૂર વગરનું કશું જ ખરીદશો  નહીં. જરા વિચારી જોજો.

દિવાળીમાં સોના-ચાંદીની ખરીદી પણ થાય અને શેરબજારમાં મુરતના સોદા પણ થાય. શેરબજાર ઘણા સમયથી સુષુપ્ત હતું પરંતુ આ વખતે તો દિવાળી આવતાં પહેલાં જ બજાર દિવાળી ઉજવી રહ્યું છે! શેરબજારમાં રોકાણ સાવચેત રહીને કરશો અને સોના-ચાંદીની ખરીદીમાં પણ સાવધાની રાખશો. હવે તો સોનું પણ ETFના ફોર્મમાં લઈ શકાય છે.  સોનાના ભાવ આકાશને આંબી રહ્યા છે અને બીજી જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે, ત્યારે શું લેવું અને શું નહીં તેની  પસંદગી તોલી તોલીને કરશો!  જરા વિચારી જોજો.

દિવાળી એટલે જૂની પરંપરાઓને જાગૃત રાખવાનો સમય. ધનતેરસના દિવસે ધનની પૂજા કરજો,  પણ દાન કરવાનુ ભૂલશો નહીં.ધનની પૂજા અને સાથે લક્ષ્મીની પૂજા પણ કરશો! અરે! ધન અને લક્ષ્મી વચ્ચેનો તફાવત ખબર નથી ?! લક્ષ્મી એટલે જે ફરતી રહે તે, જે દાન માટે વપરાય તે લક્ષ્મી! અને જે પડ્યું રહે તે ધન ! તમે શું ઇચ્છશો, ધન કે લક્ષ્મી? કાળી ચૌદસના દિવસે ઘરમાંથી કકળાટ જરૂર કાઢજો પણ સાથે સાથે ક્યારેય કકળાટ નહીં કરવાની પ્રતિજ્ઞા કરીને. ઘરને મંદિર બનાવજો! ચોપડા-પૂજનમાં માત્ર હિસાબના ચોપડાઓ નહીં પણ જ્ઞાન-વિજ્ઞાનના પુસ્તકો અને હવે તો લેપટોપ અને મોબાઈલની પૂજા પણ કરજો ! જ્યાંથી પણ જ્ઞાન મળે તેની પૂજા કરવી જોઈએ. અને નવું વર્ષ ઘરમાં જ બેસી પોતાનાં નજીકનાં માણસો સાથે પ્રેમથી, આનંદથી અને ભક્તિથી ઉજવીએ. નવા વર્ષમાં શું શું નવું કરી શકીએ તેના પ્લાન કરીએ અને એક  ચોક્કસ ન્યુયર-રિઝોલ્યુશન બનાવીએ જેથી સમાજને ઉપયોગી બનવાની સાથે પોતાની જાતને અને પોતાના કુટુંબને પહેલા ઉપયોગી થઈએ અને કામ લાગીએ. હવે બહેનો પોતેજ પોતાનું રક્ષણ કરવાને સમર્થ થઈ રહી છે. તેને બીજી કોઈ મદદ કરવાને બદલે આર્થિક અને શારીરિક રીતે તે પોતે સક્ષમ થાય તેને માટે તેની મદદ કરવાની પ્રતિજ્ઞા ભાઈબીજના દિવસે લઈએ. જરા વિચારી જોજો!

આપણા ગુજરાતીઓમાં, ખાસ તો શહેરમાં રહેતા ઉચ્ચ અને ઉચ્ચ-મધ્યમવર્ગનાં કુટુંબોમાં, દિવાળીમાં બહારગામ ફરવા નીકળી જવાની એક ફેશન ચાલે છે.રજા પડે કે ફરવા ઉપડી જાય! એને બદલે આ વર્ષે, કદાચ કોરોનાને લીધે, દિવાળી ઘેર કરવાનો આગ્રહ રાખો તો વધુ સારું છે. કોરોનાનો કહેર છેલ્લા અઠવાડિયામાં પાછો વધી રહ્યો છે, એટલે કોઈની પાસેથી રોગની મહેમાનગતિ આપણે લઈને ના આવીએ તે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એટલે ઘરે જ રહી ખૂબ જ સાવચેતીથી  આ વર્ષની દિવાળી ઊજવીએ. જરા વિચારી જોજો!

 આ વર્ષની દિવાળી ઘણી રીતે વિશેષ છે. ગુરુપુષ્ય અને રવિ પુષ્ય યોગ પણ બહુ સરસ રીતે થાય છે. ઘણાં બધાં મુરત સદીઓમાં ન મળે એટલી  સારી રીતે ગોઠવાયેલાં છે. ૧૧મી તારીખે અગિયારસ, ૧૨મી તારીખે બારસ, ૧૩મી તારીખે તેરસ ….. એવા યોગ પણ સદીઓમાં ભાગ્યે થાય જે આ વર્ષે જોવા મળી રહ્યા છે. પણ આ બધી પોઝિટિવ વિશેષતા કરતાં કોરોનાની નેગેટિવ વિશેષતા એટલી વધુ છે કે ચેતીને ચાલવું બહુ જરૂરી છે. જરા વિચારી જોજો!

પશ્ચિમના અનુકરણ રૂપે, દિવાળીમાં ભેટ-સોગાત આપવાનો રિવાજ આપણે ત્યાં છે. આ વર્ષે ઘરે જ જાતે બનાવેલી વસ્તુઓ ભેટમાં આપવાનો આગ્રહ રાખીએ તો કેટલું રૂડું!  અને જો જાતે ન બનાવી શકીએ તો આપણી નજીકના કલાકારોને અને ગૃહ ઉદ્યોગોને ઉત્તેજન આપી તેમની પાસેથી હાથબનાવટની સરસ વસ્તુઓ ખરીદી ભેટ તરીકે આપીએ. ભેટ લેનાર તો ખુશ થશે જ પણ સાથેસાથે થોડાં બીજાં કેટલાંક ઘરોમાં પણ દિવાળી સારી ઉજવાશે! જરા વિચારી જોજો!

દિવાળી એટલે અંધકાર પર પ્રકાશનો વિજય ! અત્યારે  ચોમેર ફેલાયેલા કોરોનાના કહેરના વ્યાપક અંધકારમાં  કોઈ દૈવી અથવા વિજ્ઞાનનો પ્રકાશ ફેલાય અને આ મહામારી કાબુમાં આવે તેવી પ્રાર્થના કરી દિવાળીના ઉત્સવમાં અનેરા પ્રકાશની આશા રાખીએ.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: admin

18 thoughts on “કોરોનામાં દિવાળી

  1. Good article with every details on celebrating Diwali in corona times.
   This writeup is longer than your other articles.
   But still read it till last line.
   All the best.

    1. તહેવારોની ઉજવાણી ઉપર ધીમે ધીમે દેખાડા અને ભપકા નો ઢોળ ચઢતા પારંપારિક ઉજવણી ભૂલાવા લાગી હતી. પહેલા સહુ ધેર બનાવેલા વ્યંજનોથી જ ઉજવણી અને આનંદ કરતા હતા. કોરોના ને કારણે જુના રિવાજો ફરી જીવંત થાય તો તે મહામારીની પોઝીટીવ ઇફેક્ટ જ ગણાય. ફ્ટાકડાને કારણે થતુ પોલ્યુશન અને કચરો પણ ઓછો હશે.

     1. સાચી વાત, મોના! કોરોના કંઈક તો શીખવીને જાય તો સારું!

 1. As always, it is pleasure to read your write ups. [એટલે કોઈની પાસેથી રોગની મહેમાનગતિ આપણે લઈને ના આવીએ તે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.] કોરોના ના રોગ ને મહેમાન સાથે ની સરખામણી નો શબ્દ પ્રયોગ પ્રથમ વાંચ્યો — મહેમાન જેમ થોડા દિવસો રહીને વિદાય લે તેમજ કોરોના પણ………….

  1. Thanks, Dilipbhai!
   હા, અણગમતા અતિથિની જેમ જો કોરોના આવી જાય તો તકલીફ!

   1. કોરોના એ સમાજ માં જાગૃતિ અને સુધારા તો લાવી દિધા છે. લગ્ન માં સાદગી , બેસણું-ઉઠમણુ ટેલિફોન ઉપર થઇ ગયા છે. પણ ખરેખર વાત વિચારવા જેવી છે. જો કે આ મહામારી ભલભલાને છોડ્યા નથી. પણ બધા લોકો માટે એક સંકેત સમાન છે. આ લેખ સચોટ અને માહિતી સભર છે. આને દિવ્યભાસ્કર આને બીજા અખબાર પત્રો ને મોકલી આપી શકાય તેવી આશા રાખું છું

    1. Thanks, Manishbhai! Yes, the only positive thing about Corona is the change it has brought in the society and social thought process!

     I have to confess that I don’t know how to push the article to other channels!

 2. ….

  કોરોનાની મહામારીમાં અત્યાર સુધીના આઠ મહીનામાં ઘણું જાણવાનું મળ્યું.

  મુંબઈની પ્રજા રેલ્વે વગર ઘરે બેસી ગઈ છે અને શાળા કોલેજમાં મોટું વેકેશન થઈ ગયેલ છે.

  નેટ અને વેબગુર્જરી ઉપર બે ચાર વરસ પછી આ કોમેન્ટથી શરુઆત કરેલ છે.

  એટલે ટુંકા અને લાંબા અંતરની રેલ્વે હવે શરુ થવાની શક્યતા દેખાય છે.

  ….

 3. સાંપ્રત પરિસ્થિતિના જે પડકાર છે તે તમામને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા સૂચનો ખરેખર અનુકરણીય છે. સાચે જ આપણે સૌએ સમજદારી અને સંયમના દીપક જલાવીને કુનેહપૂર્વક કોરોનારૂપી અંધકારને દૂર કરવાનો છે.

Leave a Reply

Your email address will not be published.