રણછોડ શાહ
જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.
જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે,
જે કંઈ તું આપશે સનાતન બની જશે.
– મરીઝ
પરિવર્તન સ્વાભાવિક કુદરતી પ્રક્રિયા છે. સમાજમાં જે પરિવર્તન આવે તેની સીધી અસર કુટુંબ જીવન અને સમાજજીવન ઉપર પડે છે. શાળામાં આવતા બાળકો વર્તમાન કુટુંબ વ્યવસ્થામાંથી આવતા હોવાથી વર્ષો અગાઉ રચાયેલી શિક્ષણવ્યવસ્થા અને સંચાલનની રીતે હવે શાળાઓનું સંચાલન થઈ શકે નહીં. વર્તમાન સમયના સંદર્ભમાં નીચેના જેવા મુદ્દાઓ ચર્ચાની એરણ ઉપર છેઃ–
(૧) શિક્ષણનું વિસ્તૃતિકરણ : આજથી લગભગ બે દાયકા પહેલાં ગુજરાતમાં ટેકનિકલ શિક્ષણની જૂજ કોલેજ હતી. તેથી ચોક્કસ બ્રાન્ચમાં પ્રવેશથી વંચિત રહેતા વિદ્યાર્થીઓએ મનપસંદ અભ્યાસ માટે રાજ્યની બહાર જવું પડતું. વાલીઓ છોકરાઓને ગુજરાત બહાર મોકલતા, પરંતુ છોકરીઓ અંગે વિચારવાનું થાય ત્યારે બે ગળણીએ ગાળતા. તે સમયની વિનયન, વાણિજ્ય કે બહુ બહુ તો વિજ્ઞાનની વિદ્યાશાખામાં વિદ્યાર્થીનીઓ પ્રવેશ લેતી. પરંતુ અચાનક જ ટેકનિકલ ક્ષેત્રની તથા વિજ્ઞાનની અન્ય શાખાઓની ઘણી કૉલેજ ગુજરાતમાં મોટા પ્રમાણમાં અસ્તિત્વમાં આવી.
છેલ્લા બે દાયકામાં અનેક વિદ્યાર્થીનીઓ વિવિધ શાખાઓમાંથી એન્જિનિયર થઈ અને મેનેજમેન્ટમાં સ્નાતક થઈ. વિદ્યાર્થીનીઓ હોમિયોપેથ કે આયુર્વેદિક ડૉકટર તથા ડિપ્લોમા એન્જિનિયર પણ બની. આ બધી બહેનોને ઘરઆંગણે અથવા શ્વસુરગૃહના ગામમાં તેમની લાયકાત પ્રમાણેની નોકરીની તકો પ્રાપ્ત થતી નથી. તેઓએ ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોવાથી વ્યવસાયમાં જોડાવવા આતુર હોય તે સ્વાભાવિક છે. તે સંજોગોમાં પોતાની લાયકાત મુજબની જગ્યાએ કામ ન મળે તો શાળા – કૉલેજમાં તેઓ નોકરી માટે અરજી કરે. શાળાઓને જ્યારે જરૂરી લાયકાતવાળા શિક્ષકો પ્રાપ્ત ન થાય ત્યારે આવી યુવાન બહેનોને શિક્ષિકા તરીકે પસંદ કરે છે. ખાસ તો ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો વાણિજ્ય કે વિનયનના સ્નાતકો અને અનુસ્નાતકો શીખવે તેનાં કરતાં વિજ્ઞાનપ્રવાહમાં તૈયાર થયેલ ઈજનેરી સ્નાતકો શીખવે તો વધારે સારો ન્યાય આપી શકે તેમ વિચારીને પણ તેમને કામગીરી સોંપવામાં આવે છે. તેમની સાથે કોલેજમાં અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીનીઓ ફેકટરી અથવા અન્ય કોઈ ઔદ્યોગિક સંસ્થામાં જોડાય તો તેની આર્થિક પ્રગતિ ખૂબ વધારે થાય. શૈક્ષણિક સંસ્થામાં તેટલું આર્થિક વળતર મળે નહીં. પોતે ઉચ્ચ અભ્યાસ ખૂબ કઠિન મહેનત કરીને અનેક તકલીફો વેઠીને કર્યો હોય અને તેને અનુરૂપ આર્થિક વળતર ન મળે તો નિરાશા અનુભવે તે સ્વાભાવિક છે.
તેઓ તાલીમી સ્નાતક નહીં હોવાને કારણે વર્ગખંડનું સંચાલન, અભ્યાસક્રમ અને બાળ મનોવિજ્ઞાનના જાણકાર હોતા નથી. તેથી બાળકો પાસેથી કામ લેવામાં મુશ્કેલી અનુભવે. આ સંજોગોમાં તેઓ તાણ અને દબાણ (Stress and Strain) માં જીવે, જેની સીધી અસર તેમના વર્ગખંડના શિક્ષણ ઉપર થાય. શાળા સંચાલકો શિક્ષક પ્રાપ્ત કર્યાનો ઓડકાર અનુભવે અને જે તે વ્યકિતને ગૃહિણી (Housewife) ને બદલે વ્યવસાયી બહેન (Working woman) નું પદ મળે તેથી તે પણ સંતોષનો શ્વાસ લે. પરંતુ શાળાના વર્ગખંડો સમસ્યાઓથી ઊભરાઈ જાય.
કયારેક તો કેટલીક બહેનો માત્ર સમય પસાર કરવા માટે શાળામાં આવતા હોય તેવા અનુભવો પણ થાય. તેથી તેમનામાં જવાબદારીનો અભાવ જોવા મળે. અલબત્ત કયારેક સુખદ અનુભવો પણ પ્રાપ્ત થાય. તાલીમ પામેલ અને અનુભવી શિક્ષકો કરતાં તેઓ વર્ગખંડમાં ઉચ્ચ સફળતાને વર્યા હોય તેવા ઉદાહરણો પણ છે.
(ર) બાળઉછેરમાં સમ અને સંયુકત ભાગીદારીની અપેક્ષા : ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત યુવતીની તેના જીવનસાથી (Life partner) પાસે પણ અનેક અપેક્ષાઓ હોય છે. આજે યુવાન બહેનો એમ માને છે કે બાળઉછેરની જવાબદારી માત્ર સ્ત્રીની જ હોય તેવું જરૂરી નથી. બાળકો મોટા કરવામાં પુરુષ અને સ્ત્રી સરખી જ જવાબદારી ઉઠાવે તેવી આજની યુવતીની અપેક્ષા હોય છે. અગાઉના સમયમાં અર્થોપાર્જનની જવાબદારી પુરુષના શિરે અને ઘર સંચાલન અને બાળઉછેરની કામગીરી સ્ત્રીઓએ નિભાવવાની રહેતી. છેલ્લા બે દાયકામાં આ ક્ષેત્રે ખૂબ પરિવર્તન આવ્યું છે.
ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત વ્યવસાયી સ્ત્રી પણ પુરુષ જેટલું જ કાર્ય કરે છે. કયારેક તો બે જવાબદારી નિભાવે છે : ઘરની અને નોકરીની. આ સંજોગોમાં બાળકોના ઉછેરમાં પપ્પાએ પણ મમ્મી જેટલો જ ભાગ ભજવવો જોઈએ તેવી બહેનોની માન્યતા અને અપેક્ષા હોય છે. પુરુષો તેમના વડીલો શું કરતા હતા તે જોઈ તેમના જેવું જ વર્તન કરે તો ઘરમાં રોજ ખટરાગ સર્જાય જ. કેટલીકવાર તો સ્ત્રીનું શિક્ષણ, આવક, સમાજમાં સ્થાન અને વ્યાવસાયિક જવાબદારી પુરુષની સરખામણીએ ઊંચી હોય તેવું પણ બને છે. આ સંજોગોમાં તે તેના પતિ પાસે રોજિંદા કાર્યમાં સહકારની અપેક્ષા રાખે છે. પુરુષ પોતાના પુરુષપણાનો અહમ વચ્ચે લાવે તો કંકાસ ન થાય તો જ નવાઈ. આ સંજોગોમાં વર્તમાનમાં બાળઉછેરની સમસ્યાએ ખૂબ વિકરાળ સ્વરૂપ પકડી લીધું છે.

આવા વિસંવાદી વાતાવરણમાંથી આવતાં બાળકો શાળા માટે સમસ્યાઓના સર્જક બને છે. ઘેર મમ્મી–પપ્પા વચ્ચે તાણમાં ઉછરેલ બાળકો કાં તો પોતાના માટે તાણ પેદા કરે છે અથવા બળવો એટલે કે મારામારીના પ્રસંગો ઉપસ્થિત કરે છે.
(૩) વ્યાવસાયિક સંબંધોમાં સંશય : આ મુદ્દો નવો નથી પણ તેનું પ્રમાણ આજે વધ્યું હોય તેવું લાગે છે. ભૂતકાળમાં પણ પતિ–પત્નીના સંબંધમાં શંકાનું સ્થાન હતું. પરંતુ સ્ત્રી મોટે ભાગે ઘરની ચાર દિવાલમાં રહેતી તેથી તે માત્ર આડોશી પાડોશી સુધી જ મર્યાદિત રહેતું. પરંતુ આજે મુકત વાતાવરણ અને આધુનિક ટેક્નોલોજીને કારણે સ્ત્રી–પુરુષના વ્યવસાયી સંબંધો વધારે ચર્ચાસ્પદ બન્યા છે. વર્તમાન સમયમાં પુરુષ અને સ્ત્રીનું મળવું, નજીક આવવું, વ્યાવસાયિક કાર્યમાં એકબીજાને મદદ કરવી, કયારેક અંગત વાતો વહેંચવી જેવા પ્રસંગો ન બને તો જ નવાઈ.
કયારેક ઑફિસમાં સમય બાદ રોકાવવું પડે, સહકર્મચારીના વિદાય કે સ્વાગત સમારંભમાં ઑફિસની બહાર ભોજન સમારંભમાં જવું પડે તેવી ઘટનાઓ ઘટે. ઑફિસની કામગીરી અંગે કયારેક બહારગામ જવું પડે તેવા સંજોગોમાં એકબીજા ઉપર શંકા કરતા પતિ–પત્નીનાં બાળકો પણ એક ચોક્કસ પ્રકારની ગ્રંથિ લઈને શાળામાં આવે છે. કુટુંબમાં પરસ્પર વિશ્વાસ ન હોય તો તેમનાં બાળકો શાળામાં પણ અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરે. એકબીજાને વસ્તુ, નોટ કે પુસ્તક આપતાં પણ બે વાર વિચાર કરે. સ્ત્રીની આવક પુરુષની આવક કરતાં વધુ હોય તો પુરુષ કયારેક લઘુતાગ્રંથિ અનુભવે તેવું પણ બને. પરંતુ પોતે લઘુતાગ્રંથિ અનુભવતો નથી તેમ સાબિત કરવા તે સ્ત્રીને શાબ્દિક અથવા અન્ય રીતે નીચી દેખાડવા પ્રયત્ન કરે. જેમના જીવનમાંથી વિશ્વાસ અદૃશ્ય થયો હોય તેઓ સતત અવિશ્વાસના વાતાવરણમાં જીવી અન્યોને પણ તેના ભોગ બનાવે છે. શાળાની શિસ્ત, કાર્યવાહી, કાર્યક્રમો અને અન્ય કામગીરીને પણ માત્ર અને માત્ર અવિશ્વાસની નજરે જુએ છે. શાળા બાળકો માટે નાસ્તા, ટ્રાન્સપોર્ટેશન, બાહ્ય પરીક્ષાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવાસ જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરે ત્યારે શાળાને ‘પૈસા ભેગા કરવાનું સાધન’ તરીકેનું લેબલ લગાડી દે છે. આ પરિસ્થિતિમાં શાળા સંચાલન દોહ્યલું બન્યું છે.
ચાહું છું કોઈમાં વિશ્વાસ મૂકી દઉં આજે,
જિંદગી કોઈનો એ રીતે સહારો લઈ લે,
જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં,
જેમ સાગરનો બધો ભાર કિનારો લઈ લે.
– ગની દહીંવાળા
(૪) વિભકત અને નાનું કુટુંબ : ર૧મી સદીની સૌથી મોટી સમસ્યા વિભકત કુટુંબનું અસ્તિત્વ છે. પહેલાનાં સમયમાં વડીલોની છત્રછાયામાં બાળકો સહેલાઈથી ઊછરી જતા. વિભકત કુટુંબમાં મમ્મી–પપ્પા બંને વ્યાવસાયિક હોય તો ‘એક બાળક’થી સંતોષ માની લે છે. આવું એકલું બાળક વહેંચીને ખાવાનું શીખેલું હોતું નથી. જે માંગે તે વાલી અપાવતા હોવાથી ‘ના’ સાંભળવા ટેવાયેલ હોતું નથી. શાળામાં આવા બાળકોની સંખ્યા ખૂબ વધી રહી છે. માત્ર એક જ બાળક હોવાથી વાલીની પણ બાળક તથા શાળા પાસે ખૂબ ઊંચી અપેક્ષા હોય છે. બાળકની કોઈ પણ મર્યાદા કે નબળાઈ સ્વીકારવા અથવા સમજવા તૈયાર નહીં હોવાથી શાળામાં રોજ શિક્ષકોને મળી તેમનું માથું ખાય છે. આવા બાળકો શાળા માટે ખૂબ મોટા પડકાર ઊભા કરે છે.

(પ) કૌટુંબિક તણાવ : આ પ્રશ્ન આમ તો વર્ષો જૂનો છે પરંતુ ર૦મી સદીના ઉત્તરાર્ધમાં તે ખૂબ ચર્ચિત બન્યો અને ર૧મી સદીમાં તેણે ગંભીર સ્વરૂપ પકડયું છે. પુરુષ અને સ્ત્રી સ્વભાવે બહુગામી હતા, છે અને રહેશે. આ મનુષ્યની જન્મજાત નબળાઈ છે. એક છત નીચે રહેતી બે વ્યકિતઓ સમરસ થઈને જીવતી નથી, પરંતુ જીવે છે તેવો દેખાડો જરૂર કરે છે. જ્યારે મોટી ઉંમરે લગ્ન થતા હોય ત્યારે પતિ–પત્નિ વચ્ચે માનસિક, વ્યવહારિક, બૌદ્ધિક, કૌટુંબિક, શૈક્ષણિક, સામાજિક, વ્યકિતગત તફાવતોનું પ્રમાણ વધારે હોય તે સ્વાભાવિક છે.
અસંતોષ વચ્ચે પણ માત્ર સંતાનોને કારણે સાથે રહેતાં અનેક દંપતિઓ સમાજમાં છે. ઘરમાં થયેલ કંકાસની વાત સહકર્મચારી સાથે થઈ જાય છે. સામેનું પાત્ર સહેજ સહકાર આપે, દિલાસો આપે, લાગણી દર્શાવે તો તેના તરફ ઢળી જવામાં બહુ વાર લાગતી નથી. આપણા સમાજમાં જેમ બાળઉછેરની તાલીમ આપવામાં આવતી નથી તેવી જ રીતે ‘દુલારું દામ્પત્ય’ કેવું હોય તેની તાલીમ, સમજ કે ચર્ચા થતી નથી. આજના સંજોગોમાં કોઈ પ્રેમ કે લાગણીનો હાથ લંબાવે તો તે તરફ ઢળી પડવાનું કદાચ બને પણ ખરું. બંનેની સહમતિ હોય તો કયારેક મર્યાદા ઓળંગવાનું પણ બને. પરંતુ આ વાત કયારેય આજીવન ખાનગી રહેતી નથી. ઘરમાં બેમાંથી એક પાત્રને જાણ થાય તો તરત જ ‘હોળી’ સળગી ઊઠે છે. શરૂઆતમાં પતિ–પત્નિ વચ્ચે બોલાચાલી, પછી ઉગ્ર સંવાદો અને અંતે માનસિક – શારીરિક બાણ છૂટે છે. શરૂઆતમાં બાળકોને શું બને છે સમજાતું નથી પરંતુ ધીમે ધીમે બાળકો મોટા થતાં આ વાત સમજે છે પરંતુ કાંઈ કરી શકતા નથી. તેમની માનસિક તાણ અનહદ વધી જાય છે. બાળકો માનસિક સમતોલન ગુમાવે છે. શાળાના અભ્યાસમાં ચિત્ત ચોંટતું નથી.

ઉપરોકત જેવી સમસ્યાઓથી ઘેરાયેલા બાળકો શાળામાં આવે ત્યારે ખૂબ ઉદ્વેગ સાથે આવે છે. તેથી અન્ય વિદ્યાર્થીઓ સાથે મારામારી કરે છે. બાળક શાળામાં તોફાન કરે અને વાલીને બોલાવવામાં આવે તો તે પણ પોતાના દોષ છુપાવવા શાળા ઉપર મનઘડંત આક્ષેપો મૂકે છે. આ સંજોગોમાં ઉગ્ર બોલાચાલી થાય છે. બાળક અભ્યાસમાં પાછું પડે, પોતાની જરૂરિયાતો સંતોષાય નહીં તેથી અન્ય બાળકો સામે નીચા જોણું થાય, ઘરની આજુબાજુમાં રહેતા લોકો પણ તેમના તરફ ટીકા અને નિંદાની દૃષ્ટિએ જુએ, ત્યારે બાળક ખૂબ ગૂંગળામણ અનુભવે. કયાંયથી પ્રેમ, લાગણી કે હૂંફ ન મળતાં બાળક જાત ઉપર ત્રાસ ગુજારે. કયારેક ભાગી જાય તો કયારેક અંતિમવાદી પગલું લઈ આપઘાત પણ કરે.
આ તમામ સમસ્યાઓએ શાળાના સંચાલનને ખૂબ કઠિન બનાવ્યું છે. જે શાળામાં સંવેદનશીલ, જાગૃત અને કંઈક સારું કરવાની ભાવનાથી સંચાલન કરવામાં આવે છે ત્યાં આજે રોજ મોટા ભાગનો સમય આવી સમસ્યાઓની ચર્ચા, ઉકેલ અને ભવિષ્યમાં કેવું આયોજન કરવું તેમાં વ્યતિત થાય છે. આચાર્યશ્રી શિક્ષકો અને વાલીઓને સમજાવવામાં, સૌહાદપૂર્ણ વાતાવરણ ઊભું કરવામાં, બાળકોને વિશ્વાસમાં લેવામાં અને વહીવટી કામગીરીમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે તેની પાસે શિક્ષણક્ષેત્રે પ્રગતિ થાય તે માટે વિચારવાનો સમય જ રહેતો નથી. આજની શાળાઓ અનેક પ્રકારની સમસ્યાઓની વચ્ચે ઘેરાઈ ગઈ હોવાથી શાળા સંચાલન એક મોટા પડકારરૂપ બની ગયું છે.
આચમન :
પરાજ્ય પામનારા ! પૂછવું છે –
વિજય મળવા છતાં હું કાં રડયો છું ?
– શયદા
(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )
ઓહો…..બાળકના જીવનમાં વીશ્વાસ અદૃશ્ય થાય એટલે અવીશ્વાસના વાતાવરણમાં જીવી અન્યોન્યને ભોગ બનાવે છે