સત્યજિત રાયની સૃષ્ટિ – ૭ : મહાનગર

ભગવાન થાવરાણી

સત્યજિત રાયની એક ફિલ્મકાર તરીકેની મહાનતાના કેટલાક કારણોમાંનુ એક છે એમની ફિલ્મોનું વિષય-વૈવિધ્ય ! ૩૭ વર્ષની દીર્ઘ કારકિર્દીમાં ૨૯ ફીચર ફિલ્મો અને સાત દસ્તાવેજી-ટૂંકી-ટેલિફિલ્મો આપનાર આ બહુમુખી પ્રતિભાની આપણે અત્યાર સુધી ચર્ચેલી ફિલ્મોના વિષયો તો જુઓ ! પોતાની મરજી મૂજબનું જીવન જીવવા ઈચ્છતા એક સ્વૈરવિહારી (આગંતુક ૧૯૯૨)મહાનગરની બેકારી અને તેમાંથી નીપજતો આક્રોશ, નિરાશા અને અંધ:પતન (પ્રતિદ્વંદી ૧૯૭૦ અને જન-અરણ્ય ૧૯૭૫), કોર્પોરેટ ક્ષેત્રની રમતો અને તેના હાથા બનતો મૂળભૂત રીતે નિષ્ઠાવાન મધ્યમ વર્ગ (સીમાબદ્ધ ૧૯૭૧), સામ્રાજ્યવાદ વિરુદ્ધ સામંતશાહી (શતરંજ કે ખિલાડી ૧૯૭૭) અને જમીનદારી અને એના ગુમાનમાં ખુવાર થતા એક સંગીતઘેલા અને પ્રેમાળ જમીનદાર (જલસા ઘર ૧૯૬૧) !

આજે અને હવે પછી ચર્ચીશું એ ફિલ્મોના વિષયો જોઈશું તો ખ્યાલ આવશે કે આ માણસે માત્ર એક જ જિંદગીમાં કેટલું માતબર ખેડાણ કર્યું છે. આજે એમની જે ફિલ્મ મહાનગર ૧૯૬૩ ની વાત કરીશું એમાં વળી એક અનોખો વિષય છે. સ્વાતંત્ર્યેત્તર બંગાળી સમાજમાં સ્ત્રીના સ્થાન અંગેની રુઢિચુસ્તતા અને બધા જ બંધનો સ્વબળે ફગાવી સાચા અર્થમાં સ્વતંત્ર બનતી એક સ્ત્રીના સંઘર્ષની વાત ! આ ફિલ્મ પણ રાયની શ્રેષ્ઠતમ ફિલ્મોની હરોળમાં માનભેર બેસી શકે તેવું પોત ધરાવે છે. 

પ્રતિષ્ઠિત બંગાળી લેખક અને પત્રકાર નરેન્દ્રનાથ મિત્રાની વાર્તા અવતરણિકા  ૧૯૪૯ (એટલે ઉતરાણ – Descent અથવા પ્રસ્તાવના)માં રાયે એમની લાક્ષણિકતા મૂજબ કેટલાક પાત્રોના ચરિત્રાંકન, લેખકની સહમતિથી મઠાર્યા છે. આ એ જ લેખક છે જેમની વાર્તા રસ ઉપરથી એક સુંદર હિંદી ફિલ્મ સૌદાગર ( ૧૯૭૩ ) બની હતી (કલાકારો નૂતન અને અમિતાભ બચ્ચન). લેખક પોતે રાયની ફિલ્મથી એવા પ્રભાવિત થયેલા કે એમણે પોતે ‘ મહાનગર ‘ નામની લઘુનવલ, રાયે કરેલા સુધારા-વધારા સહિત લખેલી, જેની પ્રસ્તાવના ( અવતરણિકા ! ) પાછી રાયે લખી આપેલી. કેવું સુખદ સામંજસ્ય ! સામાન્યત: લેખકને પોતાની મૂળ કૃતિ સાથે અન્યાય થયાની ફરિયાદ હોય છે ! રાયની આ દસમી અને ચારૂલતા પહેલાંની ફિલ્મ. વાસ્તવમાં રાય આ ફિલ્મ પથેર પાંચાલી પછી તુરત બનાવવા ઈચ્છતા હતા પણ નાણાકીય સંસાધનોને કારણે એ ખોરવાઈ પડી. એટલા માટે જ ફિલ્મ ૧૯૬૩માં બની હોવા છતાં એમાં દર્શાવેલો સમયગાળો ૧૯૫૩ નો છે. 

માધવી મુખર્જી નામની અભિનેત્રીએ આ ફિલ્મ દ્વારા સત્યજિત રાયના જગતમાં પદાર્પણ કર્યું. આ પહેલાં પણ માધવી, અન્ય બે મહાન બંગાળી સર્જકો મૃણાલ સેન અને ઋત્વિક ઘટકની ફિલ્મો બૈથે શ્રવણ – ૧૯૬૦ અને સુવર્ણરેખા – ૧૯૬૨ માં કામ કરી ચૂક્યા હતા પણ એમની પ્રતિભાને ખરો નિખાર મળ્યો આ ફિલ્મથી. રાયની જ પછીની ફિલ્મ ચારૂલતા (જે આપણે હવે પછીના મણકામાં ચર્ચવાના છીએ) થી માધવી પૂર્ણકળાએ ખીલ્યાં. આ ઉપરાંત રાયની ફિલ્મ કાપુરુષ ૧૯૬૫ માં પણ એ હતાં. 

મહાનગરમાં ફિલ્મના કેન્દ્રીય પાત્ર આરતી મઝૂમદારની ભૂમિકામાં માધવી ઉપરાંત એમના પતિ સુબ્રત ઉર્ફે ભોંબોલ તરીકે અનિલ ચેટર્જી, નણંદ બાની તરીકે જયા ભાદુડી (પંદર વર્ષની વયે પહેલી ફિલ્મ ), સસરા પ્રિયગોપાલ તરીકે હરેન ચેટર્જી, સાસુ તરીકે સેફાલિકા દેવી, નાનકડા દીકરા પિંટૂ તરીકે પ્રસન્નજીત, એંગ્લો ઈંડીયન્  બહેનપણી એડીથ સિમન્સ તરીકે વિકી રેડવુડ અને બોસ હિમાંશુ મુખર્જી તરીકે હરધન બેનર્જી છે. 

વાત કલકત્તાના એક સાંકડા ઘરમાં રહેતા મધ્યમવર્ગીય અને લાક્ષણિક રીતે રુઢિચુસ્ત મઝૂમદાર પરિવારની છે. નાયક સુબ્રત એક ખાનગી બેંકમાં કારકૂન છે. એની પાંખી કમાણી પર પત્ની, નિવૃત સ્કૂલ માસ્તર પિતા, મા, હાઈસ્કૂલમાં ભણતી બહેન અને પાંચેક વર્ષના મીઠડા પુત્રનો બહોળો પરિવાર નભે છે. એક સાંધો ને તેર તૂટે એવી પરિસ્થિતિ છે. પત્ની આરતી એક કુશળ પ્રબંધકની કુનેહથી આ પરિવારને સાચવી રહી છે. એ નિર્દેશક સત્યજિત રાયની કુશળતા છે કે ફિલ્મની પહેલી માત્ર દસ જ મિનિટ અને વીસ શોટના ગાળામાં મઝૂમદાર પરિવારના બધા સદસ્યો, એમની માનસિકતા, એમની આર્થિક હાલત અને વિશેષ તો, એમના એકબીજા વચ્ચેના આંતર-સંબંધો પૂર્ણત: ઉજાગર થઈ જાય છે. આ એક સર્જકની સિદ્ધિ છે. રાય અહીં એમના ગુરુ જ્યાં રેન્વાર ( Jean Renoir ) ને અનુસર્યા છે. એમણે કહેલું ‘ ફિલ્મમાં ઘણી બધી ચીજો દેખાડવાની ન હોય. યોગ્ય ચીજો જ દેખાડો એ કાળજી રાખવી પડે. ‘ રેન્વારે શીખવેલા બીજા એક મંત્રને પણ રાય મહાનગર સહિત એમની બધી જ ફિલ્મોમાં વળગી રહેલા. ‘ કોઈ નાયક નથી. કોઈ ખલનાયક નથી. કોઈ પરિપૂર્ણ નથી. કોઈ નરોત્તમ નથી. કોઈ અધમ નથી. બધા અધૂરા છે. કારણ કે બધા મનુષ્યો છે. ‘

ફિલ્મની શરુઆત, મહાનગર કલકત્તામાં મંથર ગતિએ આગળ વધતી ટ્રામના કનેક્ટર – એંટેના પર કેંદ્રિત કેમેરાથી થાય છે. એ સાથે દ્રષ્ટિગોચર થાય છે ચાર્લ્સ ડિકંસની વ્યાખ્યા પ્રમાણેનું આશાઓ અને નિરાશાઓનું, નવી સંભાવનાઓ અને જૂના પ્રલોભનોનું, બદલાતા સમાજમાં સાહસિકોએ ઝડપી લેવાની તકોનું, શોષણ અને ક્રૂરતાનું, ધનવાનો અને નિર્ધનો વચ્ચેની વિરાટ ખાઈનું અને આઝાદીના અડધા દાયકા પછી કિડીયારાની જેમ ઊભરાતા મધ્યમ વર્ગનું કલકત્તા ! 

સુબ્રત થાક્યો-પાક્યો, ટૂંકા પગારની નોકરી પૂરી કરીને ટ્રામમાં ઘરે પહોંચે છે તો ત્યાં પણ એ જ બબાલ ! પિતાને નવા ચશ્મા જોઈએ. માને બજર, બહેનની બે મહિનાની ચડત સ્કૂલ ફી અને એ બધા વચ્ચે બે છેડા સાચવવા ઝઝૂમતી પ્રેમાળ પત્ની આરતી ! પિતા તો મહેણું પણ મારે છે ‘ તું મારા જૂના વિદ્યાર્થી આંખના ડોક્ટરને ફોન કર. હું એની પાસે જઈ આવીશ. ‘ પિંટૂને પિતા પાસેથી ટ્રામની વપરાયેલી ટિકિટો એકઠી કરી સાચવી રાખવાનો શોખ છે. સુબ્રત પણ મહદંશે પિતા જેવો જ જૂનવાણી છે. એ બહેનનો ચોટલો ખેંચીને મજાક પણ કરે છે ‘ તારે વળી ભણીને કરવું છે શું ? છેવટે તો તારી ભાભીની જેમ રસોડું જ સંભાળવાનું ને ! ‘. બહેન કહે છે ‘ સ્કૂલમાં ગૃહ-વિજ્ઞાન પણ એક વિષય હોય છે. ‘ એ નિર્દોશ ભાવે એવું કહી જાય છે કે ઘરકામ શીખવું-કરવું એ પણ પૂર્ણકાલીન કામ છે. કમાતા પૂરુષ જેટલું જ અગત્યનું !

ચાની પત્તી ખલાસ થઈ ગઈ હોવાથી પડોશમાંથી લાવવી પડી એમાં પત્નીએ ચા મોડી આપી  તોય પતિ છણકો કરી લે છે. ‘ બાપૂજીએ પાછા થોડા ટ્યુશન શરુ કરવા જોઈએ ‘. પત્ની સસરાનો પક્ષ લે છે. સસરાને કડવાણી પીવડાવવા જતાં પહેલાં એ પતિને, પોતાનો પાલવ માથે ઢાંકી આપવા લાડપુર્વક કહે છે. 

મા, ઘરના એક ખૂણાને કહેવાતા રસોડામાં માછલી રાંધે છે. ભોંબોલ વાતાવરણને હળવું બનાવવા માને કહે છે  ‘ મા, આરતીને તો રાંધવા દઈશ જ નહીં. મોંઘી માછલીની પથારી ફેરવી દેશે ! ‘ આરતી મજાકને મજાક સમજી ડોળા કાઢે છે. અભાવો છતાં જિંદગી ખૂબસુરત છે. 

આરતી પતિને, એના મિત્ર પાસેથી થોડાક રુપિયા ઊછીના લઈ આવવા કહે છે અને પતિ, ‘ એ તો પોતે મુશ્કેલીઓમાં છે. પત્ની પાસે નોકરી કરાવવી પડે છે ! ‘ કહી વાત ઉડાવી દે છે. 

સાવ નાનકડું ઘર. રાત્રે સૌને સૂવાની વ્યવસ્થા કરવા ઘણું આઘું-પાછું કરવું પડે. ખીંટી – ચાદરના પડદા ખેંચવાના. સાસુ કહે છે  ‘ પિંટૂ સુઈ જાય તો એને અમારી પાસે જ સૂવા દો. સુઈ ગયેલા છોકરાને ઉપાડવો આમેય આકરો પડે ‘ (મધ્યમ વર્ગના બધાએ આ વાતાવરણ જોયું – અનુભવ્યું છે)

સસરાને અંગ્રેજી ભાષાના શબ્દ-રચના-હરીફાઈના કોઠા પૈસા ખરચીને ભરવાની ટેવ છે. એ પોતાની પત્ની પાસે પૈસા માંગી કહે છે, ‘ જોજે, એક દિવસ હું આમાં બહુ મોટી રકમ જીતીશ અને તને કન્યાકુમારી ફેરવવા લઈ જઈશ. વાંદરાઓએ બનાવેલો સેતુ દેખાડીશ તને.’ માજી રાજી થઈ બચતમાંથી બે’ક રુપિયા આપે છે. 

સુબ્રત પત્નીને કહે છે, ‘ લોકો બીડી વેચીને કરોડપતિ બની જાય છે અને આ બી.એ પાસ નોકરિયાતને રોટલાના સાંસા !’ નણંદ બાની (જયા) એમના કમરામાં કંઈક લેવા આવે છે પણ પતિ-પત્નીને નિકટ ઊભેલા જોઈ તુરંત જતી રહે છે. બન્ને અળગા પડે ત્યારે એ બિચારી ફરી દોડતીક રુમમાં આવી એલાર્મ ઘડિયાળ લઈ જાય છે. જતાં-જતાં દરવાજો ભીડતી જાય છે. (અદ્ભુત સંકેતો. આમન્યા. મધ્યમવર્ગીય સંસ્કાર !)

રાત્રિ. પતિપત્નીની અંતરંગ પળો. આરતીના મનમાં પેલા મિત્રની નોકરી કરતી પત્નીની વાત રમે છે. એ પતિને પૂછે છે, ‘ મેં કોલેજનું એક વર્ષ કર્યું છે. મને કોઈ નોકરી ન મળે ? ‘ . બાજુના ઘરમાંથી સતત રેડિયો સંભળાયે રાખે છે. ‘ હું નોકરી કરું તો તમને ગમે?’ આરતી પૂછે છે. ‘ના. તું આટલી રૂપાળી છો. બધા પુરુષોના કામ ઉપર અસર પડે !’ કહી પતિ વાત ઉડાવે છે. ‘અને હું બાપૂજીની જેમ જૂનવાણી છું.’

કુટુંબની પરિસ્થિતિ અને પત્નીની ઈચ્છાને ધ્યાનમાં રાખી સુબ્રત બીજે દિવસે છાપામાં જાહેરખબરો જુએ છે. ‘ ચબરાક, આકર્ષક સેલ્સ ગર્લ. એસ.એસ.સી પાસ ‘ ઉપર નજર પડે છે. બાકી તો મોટા ભાગની જાહેરાતો ગ્રેજ્યએટ-ડબલ ગ્રેજ્યુએટ માટે છે. સો રુપિયા મહીને પગાર. આરતી મૂંઝાય છે. હું અને સેલ્સ ગર્લ ?  ‘ હું બેંકેથી અરજી ટાઈપ કરી આવીશ. તું સહી કરી આપજે. મોકલી આપીશું. ‘ બિચારી આરતીએ ક્યારેય સહી પણ કરી નથી. 

અચકાતાં-અચકાતાં સહી કરતાં  ‘ મઝૂમદારમાં J આવે કે Z ? ‘ એ પતિને પૂછે છે. ‘ ઈન્ટરવ્યૂ આવશે તો બા-બાપૂજી આગળ શું બહાનું કરીને ઘરની બહાર નીકળીશ ? ‘ એ ચિંતામાં છે.

ઈન્ટરવ્યૂ પતે છે. નિમણૂક પત્ર આવે છે. નણંદ-ભોજાઈ ઉત્તેજિત છે. હવે ? બિલાડીના ગળે ઘંટ કોણ બાંધશે ? બાપુજીને કેમ કહેવું ? સુબ્રત એમની પાસે જાય છે. મા એમના ટેબલની આજુબાજુ મચ્છરની દવા છાંટે છે પણ અધવચ્ચે જ પંપમાં દવા ખલાસ. સુબ્રત ધીમેકથી પિતાને, આરતીને નોકરી મળ્યાની વાત કરે છે. પિતા લાલઘૂમ. ઘરની વહુ નોકરી કરશે ? સુબ્રત એમને દિલાસો આપે છે. ‘ હું પાર્ટ ટાઈમ કામ શોધું છું. મળી જશે તો નોકરી છોડાવી દઈશું.’  એ બદલાયેલા જમાના અને ઘરના સંજોગોની વાત કરે છે. પિતા માનતા નથી. મા પણ નારાજ છે.

સુબ્રતને વિશ્વાસ છે કે આરતીનો પહેલો પગાર આવશે અને એ બાપૂજી માટે ચશ્મા લઈ આવશે એટલે આ ઠંડું યુદ્ધ શમી જશે. 

આરતી પતિને કહે છે, આ બધી ટિપટોપ સેલ્સ ગર્લ્સ આગળ હું લઘર-વઘર ચંપલોમાં કેવી ભૂંડી લાગીશ અને પતિ સધિયારો આપે છે કે તારે જોઈતી વસ્તુઓનું લિસ્ટ મને આપજે, હું ઓફિસમાંથી એડવાંસ લઈ લઈશ. 

આરતીને પહેલી વાર નોકરીએ જવાની સવારે બન્ને પહેલી વાર સાથે જમવા બેસે છે. બાની પીરસે છે. માજી દૂર રિસાઈને આંખો લૂંછતા બેઠા છે. કદાચ એમના માટે આ કાળો દિન છે! પિંટૂ રિસાયો છે. આરતી જમવાનું છોડી પિંટૂને મનાવવા જાય છે. ‘તારા માટે નવા રમકડાં લાવીશ’. પિંટૂ માનતો નથી. નવના ટકોરા પડે છે. આરતી રડે છે. ‘મોડું કરીશું તો ટ્રામમાં જગા નહીં મળે ‘. બન્ને બહાર નીકળે છે અને એક હૈયું ઠારે એવી ઘટના બને છે. પિંટૂ બહાર દોડી આવે છે. એ બૂમ પાડી દૂરથી પૂછે છે, ‘મા, કયું રમકડું ?’ . આરતી દોડતી પાછી વળે છે. એ દીકરાને ગળે વળગાડી ચૂમીઓથી નવડાવી દે છે. ‘ તું જે માંગે તે રમકડું, દીકરા!’. 

સર્જક રાયે આ દ્રષ્યમાં માનું હૃદય તો ખોલી દેખાડ્યું જ છે પણ જે વધુ ધ્યાન ખેંચે છે એ છે બાળકની માનસિકતા અને તેનું આબાદ ચિત્રણ !  થોડીક વાર પહેલાં સુધી જિદ્દે ચડેલો અને કોઈ રીતે ન માનતો પિંટૂ પણ મા ભણી ખેંચાણ અનુભવે છે અને નવા રમકડા તરફ લાલચ ! બાળકની નારાજગી કેટલી ક્ષણભંગૂર હોય છે અને અેનું નારાજ મન કેટલી સહજતાથી ફરી ચોક્ખું – ચણાક થઈ જાય છે એનું ભીંજવી દે તેવું હૃદયંગમ ચિત્રણ ! 

પતિ-પત્ની ટ્રામમાં. આરતીને યાદ આવે છે કે સાડા નવ થયા. મારા પિંટૂનો નહાવાનો સમય! એ પતિના હાથ ઉપર હાથ મૂકે છે. પતિ  ‘આટલો ટાઢોબોળ હાથ ?’ અને આરતી  ‘આના પહેલાં આટલી ઠંડી પડી હતી આપણા લગ્નના દિવસે !’ એ દિવસ એક નવી જિંદગી શરુ થયાનો હતો. આજે પણ. 

પતિ એને ઓફિસના દરવાજે છોડીને જતો રહે છે. દાદરા પર એને એંગ્લો-ઈંડીયન છોકરી એડીથ સીમન્સ મળે છે. એ પણ આજે જ નોકરીમાં જોડાવા જઈ રહી છે. એ લિફ્ટમાં પૂછે છે, ‘છોડવા આવ્યા તે તારા બોય- ફ્રેંડ હતા ?’ . આરતીને અંગ્રેજી ફાવતું નથી પણ સમજે છે. એ કપાળના ચાંદલા તરફ ઈશારો કરે છે. એડીથ સમજી જાય છે. એ પોતાની સગાઈની વીંટી દેખાડે છે. (જાણે સ્ત્રીનું શરીર એ જ એની સામાજિક ઓળખ !)

ઓટોનીટ કંપનીના માલિક હિમાંશુ મુખર્જી ટ્રેઈની સ્ત્રીઓના જૂથને પોતાની ચેમ્બરમાં બેસાડી સેલ્સમેનશીપના પ્રારંભિક પાઠ ભણાવે છે. આ નીટીંગ મશીન ઉચ્ચ-મધ્યમ અને શ્રીમંત વર્ગ માટે છે. તમને બધાંને શહેરના અલગ-અલગ ઝોન આપીશું. ઘરે ઘરે જઈને ઘરની મુખ્ય ગૃહિણીને મળવાનું. શક્ય છે, ન પણ મળે. ધ્યાન રહે, આવા કેનવાસીંગ માટે આવતા લોકો કોઈને ગમતા નથી. ભરબપોરે ગૃહિણીઓ આરામ પણ કરતી હોય. પણ છૂટકો નથી. એ ગુસ્સે પણ થાય. પહેલાં મશીનની માર્ગદર્શિકા વાંચવા આપવાની. પછી રસ પડે તો સરનામું અને સમય લઈને મશીન દેખાડી આવવાનું. બહુ ચોંટી પડવાનું નહીં. ધીમે – ધીમે ફાવી જશે.

બોસની ચેમ્બરમાં સુબ્રતનો ફોન આવે છે. એને પત્નીની ચિંતા છે. આરતી માત્ર  ‘હમમમમ ..હા’ થી વાત પૂરી કરવા માંગે છે. એ ક્ષોભ અનુભવે છે, ટ્રેનીંગમાં વિક્ષેપ પડી રહ્યો છે એ માટે ! 

બધી સેલ્સ ગર્લ્સ ફિલ્ડમાં. આરતી પહેલાં એક સમૃદ્ધ દેખાતા ઘરમાં ખચકાટપૂર્વક પ્રવેશ કરે છે પણ કદાવર પુરુષ દરવાજો ખોલે છે એટલે સોરી કહી પાછી વળે છે. એ નર્વસ છે. રસ્તાઓ બપોરના કારણે સૂના છે. અન્ય એક ઘર. એ હિંમત એકઠી કરી માલકિનનું પૂછે છે. અંદર પ્રવેશે છે. ઘરની માલકિન સુવ્યવસ્થિત છે. થોડોક સંપન્નતાનો તોર છે. આરતી ઔપચારિકતાઓ પૂરી કરી મૂળ વાત પર આવે છે. પ્રથમ સંપર્કનો વિશ્વાસ પ્રાપ્ત કરી, ડેમો માટે આવવાનો સમય નક્કી કરી વિદાય થાય છે.

એડીથ થોડી અતડી છે. એ લડાયક પણ છે અને પોતાના વિચારોમાં સુસ્પષ્ટ! એ બધી સેલ્સમેન સ્ત્રીઓ વતી બોસ પાસે રજુઆત કરી, પગાર ઉપરાંત વેચેલા પ્રત્યેક મશીન પેટે કમીશનનું પણ નક્કી કરી આવે છે. આરતી જ્યારે મુખર્જીની ચેમ્બરમાં જાય છે ત્યારે બોસ કડક અવાજે કહે છે, ‘ એ એંગ્લો-ઈંડીયન છોકરીને તમારા બધા વતી વકીલાત કરવા મોકલવાની શી જરુર હતી ? તમે ચાર-ચાર બંગાળીઓ છો તેમ છતાં કમીશન તો હું આમેય આપવાનો જ હતો.’ આરતીને આવી જાતિવાદી વાત અને વાત કરવાનો લહેજો મુદ્દલ ગમતો નથી. ‘હવેથી તમારે આવવું‘. આરતીને એ પક્ષપાત પણ ગમતો નથી. 

પહેલો પગાર. આરતી દસ રૂપિયાની કડકડતી નોટોને છાતીએ રાખી ઓફિસ ટોઈલેટના અરીસામાં જુએ છે. નોટો ચહેરાને અડાડે છે. એના ચહેરા પર આત્મ-વિશ્વાસનું અજવાળું છે. એડીથ પણ રેસ્ટરુમમાં પ્રવેશે છે. એ મજાક કરે છે, ‘ તારી નોટો નવીનકોર ને મારી સાવ ચોળાયેલી.’ બન્ને અડધી-અડધી નોટો બદલે છે. એડીથ ખુશ થઈ આરતીને લિપસ્ટીક ભેટ આપે છે. આરતીએ એ કોઈ દિવસ વાપરી નથી. એડીથ એને લગાડી આપે છે. આરતી સાવચેતી ખાતર ટોઈલેટનું બારણું બંધ કરે છે. એ હોઠ પરથી લિપસ્ટીક ભૂંસવા પોતાના રુમાલને બદલે ટિશ્યુ પેપરનો ઉપયોગ કરે છે. રખે ઘરે ખબર પડી જાય ! 

એ પહેલા પગારમાંથી ઘરના દરેક માટે કંઈકને કંઈક લઈ જાય છે. પિંટૂ માટે રમકડાં, પતિ માટે સિગરેટનો ડબ્બો, સસરા માટે ફળો, સાસુ માટે ઝર્દા અને નણંદ માટે સાડી. એ પતિને પગાર અને કમિશનની રકમ દેખાડે છે. પતિ આગળ પેલી એંગ્લો ઈંડીયન છોકરીના વખાણ કરે છે. બોસ એના કામથી ખુશ છે એ વાત પણ. આરતી બોસને હિમાંશુ સંબોધીને કહે એ પતિને ખૂંચે છે. સસરાનો આજે જન્મદિન છે, પણ એ આરતી પાસેથી પૈસા જિદ્દપૂર્વક  સ્વીકારતા નથી. 

આરતી પતિને કહે છે, ‘ હવે આપણે ટૂંક સમયમાં એક પંખો વસાવી શકીશું ‘ પતિ – ‘પંખો જ કેમ, જે રીતે તું કમીશન કમાઈ રહી છો, આપણે એ.સી. પણ લઈશું ‘ આરતી કટાક્ષ પચાવી જાય છે. ‘હું કામ પર હોઉં તો તમે મને ઓળખી જ ન શકો.’ ‘અને ઘરે ?’ ફરી વ્યંગ. ફરી ઉદારતાથી એ પ્રહારની પણ અવગણના. ઊલટું, રોમાંટિક બની, આરતી પોતાના હોઠ પરનું તલ દેખાડી સાવ સમીપ જઈ પૂછે છે, ‘ હવે ઓળખી ? ‘

એક દિવસ આરતી નોકરી પરથી ઘરે આવે છે, લિપસ્ટીક દેખાતું નથી ને, એ બહારથી ચકાસીને. પિંટૂને હળવો તાવ છે. એ માની આખો દિવસ ગેરહાજરીથી હજૂ ટેવાયો નથી અને નારાજ છે. બાની પડોશીના ઘરેથી થર્મોમીટર ઊછીનું લઈ આવે છે. પતિ અક્કડ છે. ‘ નોકરી છોડી દે. મને પાર્ટટાઈમ કામ મળી રહ્યું છે. પરિવારની શાંતિ પૈસા કરતાં મહત્વની છે. બાપૂજી દોઢ મહિનાથી મારી સાથે બોલ્યા નથી. ‘ અને હા, તું પણ નંખાઈ ગઈ છો. બધા તારાથી નારાજ છે. ‘ બીજાની નારાજગીનું છોડો. તમે શું માનો છો? ‘ પતિ જવાબ નથી આપતો. એનો જ અહમ સૌથી વધુ ઘવાય છે એટલે. 

મા આવીને પિંટૂનો તાવ ઉતરી ગયો. પતિ રાજીનામાનો કાગળ લખી લાવે છે. આરતી કશું બોલ્યા વિના સહી કરી આપે છે. બધા નારાજ છે. એની ખુદની નારાજગીની કોઈ કિંમત નથી. 

આરતી ઓફિસ પહોંચે છે. કાયમ મૂજબ એ પર્સમાંથી લિપસ્ટીક કાઢી લગાડવા જાય છે પણ પછી ખ્યાલ આવે છે ‘ હવે આનો શું અર્થ ? ‘

સુબ્રતની બેંકે દેવાળું કાઢ્યું છે. શટર બંધ છે. બહાર રાડારાડ કરતી પબ્લીક. એમના સૌના પૈસા ડૂબ્યા છે. સુબ્રતને જોઈ ઉગ્ર લોકો એને પણ ધોલધપાટ કરે છે. 

બોસ આરતીને સૂચના આપે છે કે આજે એડીથ આવવાની નથી. એની એક એપોઈંટમેંટ પણ તારે જ પૂરી કરવી પડશે. આપણે થોડીક નવી ભરતીઓ કરીએ છીએ. તારે હવે આગેવાની લઈને એ બધાનું સંકલન કરવાનું રહેશે. ત્યાં જ સુબ્રતનો ફોન આવે છે, ‘રાજીનામાનો કાગળ આપતી નહીં. મારી નોકરી જતી રહી. ‘

આરતી રેસ્ટરુમમાં જઈને લિપસ્ટીક લગાડી તુરત પાછી આવી પોતાના પતિની નોકરી ગયાની વાત કરી પચાસ રૂપિયાનો પગાર વધારો માંગે છે. બોસ અવાક ! એટલામાં પગાર વધારો ? એમને ગુસ્સો આવે છે. ‘એમ પગાર વધે? બહુ અપરિપક્વ છો તમે. ક્યારેક સ્વયંને નુકસાન પહોંચાડી બેસશો. ખેર ! અત્યારે તમારી વાત સ્વીકારું છું. કોઈને કહેતા નહીં ‘

ઘરે આરતીના પિતા- ભોંબોલના સસરા આવ્યા છે. એ ધુંઆંફુંઆ છે. જમાઈના કહેવાથી એમણે બેંકમાં મૂકેલા બે હજાર ડૂબી ગયા છે. એ જમાઈને ઠપકો આપે છે. આટલું બધું થયું અને તમે સાવ બેખબર રહ્યા ! પછી દીકરીને સંબોધીને  ‘ કેટલું ખરાબ કે તારે નોકરી કરવી પડે ! ‘ આરતી સીધો જવાબ આપે છે, ‘મને કોઈ ધરાર નોકરી કરાવતું નથી. મનમરજીથી કરું છું. મારા પતિનો કોઈ વાંક નથી. એમને બીજી નોકરી મળી રહેશે.

બાની કહે છે, મારે હવે ભણવું નથી. ખોટો ખર્ચ શું કામ ? હું પણ નોકરી કરીશ. આરતી નણંદને મક્કમતાથી કહે છે, ‘ તને ખોટી સાડી અપાવી. તું હજૂ બાળક છો, બહેન ! જા, રસોઈ બનાવ. એ જરુરી છે.

આરતી પતિને પોતાના પગાર-વધારાના સમાચાર આપે છે. ‘ હવે તું હીરો. હું ઝીરો. ‘ પતિ ફરી સારા સમાચારનો જવાબ કટાક્ષથી આપે છે. 

આરતીને ઓફિસ પહોંચવાની ઉતાવળ છે. એ એકલી જમે છે. સાસુ એને કામવાળીના ચડત પગારની યાદ આપે છે. આરતી જમતાં-જમતાં બૂમ પાડી પતિને પોતાના પર્સમાંથી ચાર રુપિયા કાઢી લાવવાનું કહે છે. પિંટૂ પિતાને પૂછે છે, ‘ આજે પાછા નોકરીએ નહીં જાઓ ? ‘ એને પિતા નોકરીએ ન જાય અને મા જાય એ બન્ને વાત ગમતી નથી. સુબ્રત આરતીના પર્સમાં લિપસ્ટીક જોઈ ચમકે છે. આરતી રુમમાં આવી, પર્સ ઉપાડી ઉતાવળે નીકળવા જાય છે અને પતિ પ્રહાર કરે છે, ‘લિપસ્ટીક નથી લગાડવી ?’ આરતીને કારી ઘા સમાન વાગે છે એ વાક્બાણ. એ કંઈ પણ બોલ્યા વિના પર્સમાંથી લિપસ્ટીક કાઢી બારીની બહાર ફેંકી દે છે. એ જ સમયે પિંટૂએ રમતાં-રમતાં રમકડાંથી ઉડાડેલા સાબૂના પરપોટા આરતીના ચહેરા ફરતે વીંટળાઈ વળે છે. એક અદ્ભુત પ્રતીક ! એ પતિને એક જ વાક્ય કહીને સડસડાટ નીકળી જાય છે, ‘ગમે તે કરો. મારા પર શંકા ન કરો. બસ!’

આરતી બહેનપણી એડીથના ખબર કાઢવા એના ઘરે જાય છે. એડીથને તાવ-શરદી છે. એનું ઘર આરતી જેવું જ છે. બધું ખીચોખીચ. એની મા સાથે રહે છે. આરતી એને પગારનું કવર આપી સહી લે છે. એના કેટલાક ચડત કામની યાદી પણ પ્રેમથી આપે છે. એડીથ આરતીને ગોગલ્સ ભેટ આપે છે. 

ફિલ્મમાં પ્રિયગોપાલ – આરતીના સસરા – ની એક નાનકડી વાર્તા સમાંતરે ચાલે છે. એમને પોતાની નિ:સહાય સ્થિતિ બાબતે ગ્લાનિ તો છે જ, પણ એવી માન્યતા પણ છે કે એમના જે – જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જીવનમાં આગળ વધીને કંઈક બન્યા છે એમાં એમનો પણ ફાળો છે અને એ દરેક પાસે ગુરુદક્ષિણા વસૂલવી એ એમનો હક્ક છે ! એ આવા એક ભૂતપૂર્વ શિષ્ય અને આંખના ડોક્ટર પાસેથી મફતમાં પોતાની આંખ દેખાડી, ચશ્મા બનાવડાવી આવે છે. અન્ય એક બેરિસ્ટર વિદ્યાર્થી ઠંડો પ્રતિસાદ આપી, વીસેક રુપિયા પકડાવી ચાલતી પકડાવે છે તો ત્રીજા આવા એક ડોક્ટરને મળવા જતાં એ દાદરા ઉપરથી પડી જાય છે. (વાસ્તવિક જીવનમાં પણ આપણે સૌ અવારનવાર આવા ચરિત્રો જોઈએ છીએ જેમને સતત બિચારા બની રહેવાની અને સહાનુભૂતિની ઉઘરાણી કર્યે રાખવાની બીમારી હોય છે !)

એ ડોક્ટર પ્રિયગોપાલને પોતાની ગાડીમાં એમના ઘરે મૂકી જાય છે. જતાં-જતાં સુબ્રતને, પોતાના પિતાની પૂરતી કાળજી ન લેવા બદલ સૂફિયાણી સલાહ પણ આપતા જાય છે. આ ઠોકર પછી પ્રિયગોપાલને પણ પસ્તાવો થાય છે કે પોતે પોતાની વહુ અને દીકરા વિષે બધા આગળ ઘસાતું બોલ્યા. આરતીને હજી પણ સસરા માટે એ જ હમદર્દી છે ! 

બોસ મુખર્જી આરતીને મોડા-મોડા ઘરે કારમાં છોડવા આવે છે. રસ્તામાં એ પોતાના વૈભવ અને દંભનું પ્રદર્શન વાતો દ્વારા કરવાનું ચૂકતા નથી. કારમાંથી ઊતરતી આરતીને જોઈ પતિનો અહમ ફરી ઘવાય છે.

સુબ્રત આરતીના બોસની ઓફિસે એમને મળવા જાય છે. કદાચ એની નારાજગી વ્યક્ત કરવા. પણ એમની નિખાલસતા અને સહાનૂભુતિ ભાળી એમના વિષેની પોતાની માન્યતા બદલે છે. બન્નેના કુટુંબ પૂર્વ બંગાળના એક જ ગામના છે. એમને સુબ્રતની નોકરી ગયાની ખબર છે. એ એના માટે કોઈક નોકરીની તજવીજ કરવાનું વચન આપે છે. ‘આરતી હમણાં પેલી એંગ્લો ઈંડીયન છોકરીની બેદરકારીને કારણે તાણમાં રહે છે.’ એમ કહી એડીથની કુથલી પણ કરે છે અને આરતીના વખાણ પણ. ‘સાંજે મળો. તમારી નોકરી માટે કંઈક રસ્તો કાઢીએ.’

એડીથ સાજી થઈ ઓફિસે આવે છે અને બોસની ચેમ્બરમાં પ્રવેશે છે. બોસ એને ધુત્કારી, એના ચરિત્ર વિષે જેમતેમ બોલી એને નોકરીમાંથી કાઢી મૂકે છે. 

એડીથ અને આરતી રેસ્ટરુમમાં મળે છે. એડીથ પોતાના અપમાન અને બરખાસ્તીની વાત કરે છે. (હવે પછીની દરેક ક્ષણ સિનેમા-કળાનો ઉત્કૃષ્ટ નમૂનો છે.) આરતી સમસમી જાય છે. એ મુખર્જીની ચેમ્બરમાં ધસી જાય છે. ‘તમે એડીથનું અપમાન કર્યું ? એના ચારિત્ર્ય વિષે ઘસાતું બોલ્યા ? એ ખરેખર માંદી હતી એ મને ખબર છે.‘  ‘તું આ એંગ્લો ઈંડીયનોને ઓળખતી નથી.’  ‘એ મારી મિત્ર છે. એની જાતિ સાથે મારે નિસબત નથી. તમારે એની માફી માગવી જોઈએ. માંગશો ?’  ‘માફી ? શેની માફી? એ જેને લાયક હતી એ મેં કર્યું. એમાં તારા જેવી બંગાળણનું જ ભલું છે. કોને રાખું, કોને નહીં, એ મારો વિષય છે.’  તમે એડીથની માફી નહીં જ માંગો ?’  ‘નહીં અને નહીં જ.’

આરતી પથ્થરની મૂર્તિની જેમ પર્સમાંથી જૂનો રાજીનામાનો પત્ર કાઢી બોસને પકડાવે છે અને સડસડાટ બહાર નીકળી જાય છે. (યાદ રહે, સમગ્ર વાતચીત દરમિયાન એ એડીથને ફરી નોકરીએ રાખવાનું કહેતી જ નથી, કારણ કે એ સમજે છે કે એ એમનો અધિકાર છે) એ જ ઝડપથી એ દાદરા ઊતરે છે. (અવતરણિકા શીર્ષકની સાર્થકતા અહીં છે.) પછી અચાનક ધીમી પડે છે. એને કદાચ એહસાસ થાય છે કે એ આ શું કરી બેઠી ? અમે બન્ને બેકાર. હવે ? 

ઓફિસની બહાર જ સુબ્રત મળે છે. એ આરતીના બોસને જ નોકરીની આશાએ મળવા આવ્યો હશે. આરતી સહમી-સહમી એને કહે છે, ‘ગુસ્સે થતા નહીં. મને ગલત સમજતા નહીં. બધા એવું કરશે. તમે ન કરતા.‘ અને બધી હકીકત કહે છે. એ રડે છે. શરુઆતના આઘાત પછી સુબ્રત સઘળી પરિસ્થિતિ સમજે છે. ‘આપણી હાલત તો તું જાણે જ છે. પણ તેં જે કર્યું એ ખોટું નથી કર્યું. અન્યાય સામે ઊભા રહેવું જ જોઈએ. રોટલા કમાવાની ચિંતાએ આપણને બધાંને કાયર બનાવી દીધા છે. તું કાયર નથી એ ઓછું છે ?’ આરતી – ‘મને બીક લાગે છે. હવે આપણું શું થશે ?’  ‘ હું તારી સાથે જ છું ને !‘  ‘તમે મારાથી બહુ જ દૂર જતા રહ્યા હતા. (યાદ કરો, પતિના કટાક્ષ ઉપર કટાક્ષ) હવે ન જતા’  ‘આરતી, હિંમત રાખ. આપણે સાથે લડીશું.‘ 

આરતી ઉપર જૂએ છે. બહુમાળી બિલ્ડીંગો. બિહામણું કોંક્રીટ જંગલ. ‘આટલું મોટું શહેર. આટલી બધી નોકરીઓ. આપણામાંથી એકને તો નોકરી મળી જ રહેશે.

ચાલ. પ્રયત્ન કરીશું. બન્નેને મળી જશે.’

‘ તમે માનશો ? બધી મુસીબતો છતાં હું ખૂબ ખુશ છું. ‘  ‘ તું ગભરાતી નહીં. ‘ 

આરતી પોતાનો હાથ પતિના હાથમાં મૂકે છે. ‘ તમે જ જોઈ લો. હાથ ઠંડો લાગે છે ? ‘

બન્ને સાથે ચાલતા મહાનગરની ભીડમાં ઓગળી જાય છે. 

એક મધ્યમવર્ગીય સ્ત્રી સાચા અર્થમાં સ્વતંત્ર થઈ, થોડુંક ગુમાવી ઘણું મેળવે છે. આપણે સૌ પણ જાણીએ છીએ કે તકલીફો આવશે બન્ને માટે , છતાં રાજી થઈએ છીએ ! 

ફિલ્મના ઉપરોક્ત સવિસ્તાર વર્ણનમાં ઇરાદાપૂર્વક ન સમાવાયેલા એક અવિસ્મરણીય દ્રશ્ય-વિશેષની વાત. પત્નીની સાથે મિત્રની નોકરી કરતી પત્નીની વાત કરી સુબ્રત સૂતો છે અને નસકોરાં બોલાવે છે. બાજુમાં આરતી જાગે છે. એ પતિને ઢંઢોળી કહે છે, ‘ મારે નોકરી કરવી છે. અત્યાર સુધી બધો બોજો તમે ઉપાડ્યો. મેં મૂરખીએ તમને કાળી મજૂરી કરવા દીધી. આખો પગાર પણ મને આપી દો છો. મારા ભણતર પ્રમાણે જે કામ મળે તે કરીશ. તમને હવે વધુ સહન કરવા નહીં દઉં.‘ 

બોલો ! આપણને પ્રશ્ન થાય કે એક પૂર્ણ-કાલીન ગૃહિણી ( જે ઘર અને તેના પાંચ સભ્યોને સાચવીને બેઠી છે ) આવું કહે, આવું માને તો એનો અર્થ શું ? મને લાગે છે કે એ પુરુષોની સાઝિશ છે. એમણે જ પરાપૂર્વથી એવા બીજ વાવ્યા છે કે મોટા ભાગની સ્ત્રીઓ એમ વિચારે કે ઘર સાચવવું એ અગત્યની કામગીરી જ નથી ! કેવી બેહૂદી વાત ! સ્ત્રી પોતે જ જો આવું વિચારતી હોય, એ પુરુષની જેમ જ કમાય એ વિચાર જ જો વર્જ્ય હોય તો એમની નાણાકીય પગભરતા અને સ્વતંત્ર વ્યક્તિત્વના સ્વીકારની તો વાત જ શું કરવી ! રાય ફિલ્મમાં આ બન્ને મુદ્દા ઉઠાવે છે અને બખૂબી ઉઠાવે છે ! 

ફિલ્મનું અન્ય એક ધ્યાન ખેંચતી વાત એ છે કે આરતી કમાવાનું શરુ કરે છે પછી એનો દરજ્જો વિશિષ્ટ બની જાય છે. હવે એ પતિ સાથે જમવા બેસે છે અને પતિ જમી લે એ પહેલાં ઊભી પણ થઈ જઈ શકે છે !  પહેલાં એ સૌથી છેલ્લી જમવા બેસતી. 

ફિલ્મની અદ્ભુત ફોટોગ્રાફી ‘જલસા ઘરવાળા સુબ્રત મિત્રાની છે અને કલા-નિયોજન રાયના જિગરી મિત્ર બંસી ચંદ્રગુપ્તનું. સાવ નાનકડી ખોલી જેવા મકાનમાં એમણે સર્જેલું વાતાવરણ ગજબ છે. આપણા મધ્યમવર્ગીય ઘરોમાં બચપણમાં જોયેલા માળકા ( પોસ્ટ કાર્ડ ભરાવવાના ડટ્ટા ), માટીની સગડીઓ, નહાવાનું પાણી ગરમ કરવાના દેગડા, ખુરસીઓ પર હરોળબંધ બેઠેલા વડીલોના બ્લેક એંડ વ્હાઈટ ફોટા, વીજળીના ગોળા, દોરીથી માંડ બાંધી રાખેલા વીજળીના લબડતા બટનો, જૂના દવા છાંટવાના પંપ, લોઢાના ટ્રંકો અને ચોટલો ગૂંથતી સ્ત્રીઓબધું એક સ્વપ્ન-જગતમાં લઈ જાય છે. 

અને માધવી મુખર્જી ! વિખ્યાત ફિલ્મ વિવેચક રોજર એબર્ટ એના અભિનય વિષે લખે છે, ‘એ મૂલ્યાંકનના સામાન્ય ધોરણોને અતિક્રમી જાય છે !‘.  એમનો ચહેરો અને રીતભાત આપણને અભિનેત્રી રાખીની યાદ અપાવ્યા કરે. સંવાદો કરતાં ક્યાંય વધુ બયાન એમનો ચહેરો અને આંખો કરે છે. ક્યારેક તો એમ લાગે કે આ અભિનેત્રીને સંવાદોની જરુર જ નથી ! પણ હકીકત એ પણ કે એમને મળેલું આરતીનું પાત્ર પણ બળકટ છે. એ બધું જોતી, હસતી આદર્શ ગૃહિણીમાંથી રમતાં-રમતાં  એક સ્વતંત્ર, મજબૂત અને નૈતિકતાના ઉચ્ચતમ ધોરણો અનુસરતી મહિલા બની જાય છે ! એક ક્ષણે એ મા છે તો બીજી ક્ષણે પ્રેમાળ પત્ની અને પછી તરત આદર્શ વહુ અને ભાભી ! ઘરની બહાર જતા જ કુશળ સેલ્સ ગર્લ અને શ્રેષ્ઠ મિત્ર ! આ બધું એક જ વાત સાબિત કરે છે. બધી સ્ત્રીઓ પાસે એક વસ્તુ – ન દાબી શકાય તેવી ખુમારી – તો હોય જ છે ! 

માધવીએ ૬૮ બંગાળી ફિલ્મો કરી. હિંદી એક પણ નહીં. ૨૦૧૮ સુધી એ સક્રિય હતા.

ટાઈમ મેગેઝિન ના સમીક્ષકે મહાનગર વિષે લખેલું ‘ રાયે લગભગ પોતાના કેમેરામાંથી લેન્સ કાઢી લઈ સીધો ફિલ્મને સ્પર્શ કર્યો છે ‘ ! 

ફિલ્મમાં પાત્રો જ નહીં, કેટલીક ચીજો પણ મૂળ વાર્તાનો અંશ લાગે છે. ( ટ્રામનું એંટેના, નવી નોટો, લિપસ્ટીક )

ફિલ્મમાં આવતું પ્રિયગોપાલ ( સુબ્રતના પિતા ) નું પાત્ર અંશત: લેખક નરેન્દ્રનાથની અન્ય એક વાર્તા ‘ અકિંચન ‘ પરથી લીધેલું છે પણ બાકી બધી રીતે એ રાયનું મૌલિક સર્જન છે. 

રાયની અન્ય ઘણી ફિલ્મોની જેમ અહીં પણ કેટલાય શોટ એવા છે જેમાં એક સાથે ઘણીય ગતિવિધિઓ દેખાડાઈ હોય. જેમ કે પતિ-પત્ની વાત કરતા હોય તો દૂર નણંદ માથું ઓળતી હોય. એ દ્રષ્યોમાં વળી આજુબાજુ કે બહારથી આવતા શહેરી અવાજો પણ ભળે. જાણે ખરેખરું જીવન ! દર્શકે નિરંતર આંખ, કાન અને મન સરવા રાખવા પડે ! 

ફિલ્મનો અંત ચાર્લી ચેપ્લિનની ફિલ્મ  મોડર્ન ટાઈમ્સ‘ ના અંતની યાદ અપાવે છે. એમાં પણ ટ્રેમ્પ અને એની પ્રેમિકા ખાલી હાથે પણ સાથે સાથે ભવિષ્ય ભણી ગતિ કરે છે. અહીં પણ એવું હરગીઝ નથી કે બન્નેને કામ મળી જશે અને  ‘ ખાધું, પીધું ને રાજ કર્યું ‘ જેવું થશે. ભવિષ્ય અનિશ્ચિત જ છે એમના માટે. સર્જકને કહેવું છે તે એ કે વ્યક્તિગત સંતોષમાં જોખમો તો હોય જ. એ સંભાવના પણ રહેશે કે મુશ્કેલીઓ હજુ પણ આવશે અને સંઘર્ષ જારી રહેશે. 

રાય માનતા કે ફિલ્મ જુએ ત્યારે દર્શકને અભિનેતા-અભિનેત્રી, લેખક, એડીટર, કેમેરામેન કે નિર્દેશક નહીં, માત્ર અને માત્ર ફિલ્મ જ દેખાવી જોઈએ. સમગ્રપણે ! 

મહાનગર એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. 

https://youtu.be/ZTFY3R-9Ab8

શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: admin

9 thoughts on “સત્યજિત રાયની સૃષ્ટિ – ૭ : મહાનગર

 1. વાહ! બહુ સુંદર રીતે ફિલ્મનાં સૌદર્યબિંદુઓને તમે ઉજાગર કર્યાં છે.
  આ શ્રેણીમાં વધુ એક અદ્‍ભુત પરિચય.

  1. આપ હંમેશા અને સર્વપ્રથમ પ્રતિભાવ આપો છો.
   આભારી છું !

 2. ખૂબ સરસ. મહાનગર નો વિગતે પરિચય આપ્યો. ફિલ્મ જાણે
  પ્રત્યક્ષ થ ઈ!અભિનંદન.

 3. એક પછી એક આ શૃંખલાના લેખો જે હૃદય સોસરવું ઉતરી તેવા વિષયો સાથે ની મહાન રે ની ફિલ્મો નહીં આપણે જીવંત પાત્રો વચ્ચે જ છીએ તેવી અનુભૂતિ કરાવે છે, જે શ્રી થાવરાણી હી ની લેખન ની આગવી શૈલી ની સિદ્ધિ છે.. ફિલ્મ ના માધવી ના પાત્ર વિશે કહીએ તો તેનું ચિત્રીકરણ સચોટ છે.. અન્ય તેની આજુબાજુ ના પાત્રો ના સંવાદો સહ દરેક પ્રસંગો તાદ્રશ્ય લાગે છે.. ખૂબ ખૂબ અભિનંદન

Leave a Reply

Your email address will not be published.