‘શોલે’ની સૃષ્ટિ : મિતભાષી, વફાદાર જાંબાઝ સેવક

(આ શ્રેણીમાં ‘શોલે’ ફિલ્મમાં દેખા દેતા, નાની પણ ચિરંજીવ ભૂમિકા ભજવતા વિવિધ પાત્રોની, ફિલ્મની સ્ક્રીપ્ટમાં ન હોય એવી કાલ્પનિક કથાઓ મૂકવામાં આવી છે.)

મિતભાષી, વફાદાર જાંબાઝ સેવક

-બીરેન કોઠારી

“શંભુભાઈ, આ વખતે આપણે કેટલો ટેક્સ ભરવાનો આવ્યો છે?”

“પચાસ હજાર છે, મુનશીજી!”


**** **** ****

“શંભુલાલ, આવતા સોમવારે કેટલા સાહેબો ઈન્સ્પેક્શન માટે આવવાના છે?”

“ચાર.”


**** **** ****

“શંભુકાકા, હું હમણાં રીસેસમાં મારા ક્યુબીકલમાં બેસીને મારા દીકરાની ટેક્સ્ટબુકની ઝેરોક્સ કાઢું છું. તમે બહાર સ્ટૂલ પર બેસજો અને કોઈ આવે તો મોટેથી ખોંખારો ખાજો.”

“સારું.”

**** **** ****

“અરે શંભુ, તું? તને કેટલી વાર કહ્યું કે હું ડિક્ટેશન આપતો હોઉં ત્યારે તારે ડોર નૉક કર્યા વિના સીધા આવી ન જવું. આ તો ઠીક છે કે તું આપણો જૂનો માણસ છો એટલે જવા દઉં છું…”
“પણ શેઠજી, મેડમને મેં લીફ્ટમાં આવતાં જોયાં એટલે….”

“હેં??? તુંય કલ્લાકનો બોલતો શું નથી!”


**** **** ****


“શંભુ અંકલ, આ સન્ડે મોર્નિંગ આવી જજો ને ઘેર ! મારા પ્લાન્ટ્સને ટ્રીમ કરવાના છે. અને સાથે પેલું ફર્ટિલાઈઝર પણ લેતા આવજો. અને જુઓ અંકલ ! કામ બહુ છે એટલે મોડું થશે. એટલે ટીફીન લઈને જ આવજો. ઓકે?”

“ઓકે, બેબીમેડમ !”


**** **** ****


ઓછાબોલા શંભુપ્રસાદની ડ્યુટી 24 X 7 રહેતી. આ કારણે હજી તે પોતાનો પરિવાર પણ વસાવી શક્યો ન હતો. તે અહીં જોડાયો ત્યારે તેના વાળ કાળા ભમ્મર હતા, જે હવે કાબરચીતરા થવા લાગ્યા હતા. માથાના વાળની સફેદી ઓછી દેખાય એ માટે તેણે દાઢી વધારવાનું નક્કી કર્યું. એ દસ પંદર દિવસ તેણે બૉસની કેબિનમાં જવાનું ટાળ્યું. હવે તેની દાઢી પૂરેપૂરી વધી ગઈ હતી.

એ પછી એક દિવસે-

“ટ્રટ ટ્રટ ટ્રટ..”
(દરવાજો નૉક કરવાનો અને બારણું ખૂલવાનો અવાજ)

“અરે શંભુ, મારા માટે ચા ન આવી આજે? અને એય ! આ શું? આ દાઢી તને શોભે છે? તું ભૂલી ગયો કે આપણી કંપનીની ઈજ્જત કેવી છે? અહીં કેવા કેવા ડિસન્ટ લોકો આવે છે? આ દાઢીમાં તો તું સાવ ડાકુ જેવો લાગે છે. લે, આ દસ રૂપિયા અને આપણા કોમ્પ્લેક્સમાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર સલૂન છે એમાં જઈને શેવ કરાવી આવ.”

ઓછાબોલા શંભુપ્રસાદને કોઈ તુંકારે બોલાવે એનો વાંધો નહોતો. કામ કોઈનું પણ હોય, અને કોઈ પણ પ્રકારનું, શંભુપ્રસાદ પર આંખ મીંચીને વિશ્વાસ મૂકી શકાય એવી તેની વફાદારી હતી.

પોતાની જાતને તો તેણે કંપનીને હવાલે કરી દીધી હતી, પણ પોતાનો દેખાવ સુદ્ધાં બૉસની મરજી મુજબ રાખવાનો? શંભુને આ વાત પોતાના વ્યક્તિસ્વાતંત્ર્ય પર તરાપ જેવી લાગી. બૉસના શબ્દો તેને બંદૂકની ગોળીની જેમ વાગ્યા હતા. શું કહ્યું બૉસે? કે હું ડાકુ જેવો લાગું છું એમ? તો હવે હું ડાકુ બનીને એમને બતાવીશ કે ડાકુ કેવો હોય !”
બસ, એ દસ રૂપિયા લઈને નીકળેલો શંભુ કદી એ સ્થળે પાછો ન આવ્યો.

**** **** ****

તેણે વતન બેલાપુરની વાટ પકડી. એ આખા વિસ્તારમાં ત્યારે ડાકુ ગબ્બરસિંઘની હાક વાગતી. લીલા રંગના લશ્કરી ગણવેશમાં જ રહેતા ગબ્બરનું ઠેકાણું શોધતાં તેને વાર ન લાગી. ગબ્બર ગમે એવો ઘાતકી અને ધૂની મિજાજનો હતો, પણ માણસપારખુ હતો. શંભુપ્રસાદની આંખોમાં રહેલી વફાદારી તેણે વાંચી લીધી. શંભુપ્રસાદ પોતાની ઑફિસમાં જે પ્રકારના કામ કરતા તેની સરખામણીએ બંદૂક ચલાવતાં શીખવું બહુ સહેલું હતું. એકદમ તાકોડી નિશાનબાજ બની ગયા પછી ગબ્બરે શંભુપ્રસાદને એકદમ ઊંચા સ્થાને બેસાડી દીધો. એ સ્થાન એટલું ઊંચું હતું કે છેક દૂર કોઈ હિલચાલ થતી હોય તો પણ કળાઈ જાય. ઓછાબોલા શંભુપ્રસાદે ગબ્બર સહિત સૌ સાથીઓના દિલ જીતી લીધા. મુશ્કેલી એક જ હતી. શંભુપ્રસાદ જેવું લાંબું નામ બોલતાં કોઈને ફાવતું નહીં. આથી સૌ તેમને ‘સામ્ભા’ના નામે જ બોલાવતા.

ગબ્બર માટે સામ્ભા જાણે કે હોંકારા સમો બની રહ્યો. ગબ્બર કહે, ‘અરે ઓ સામ્ભા!’ એ સાથે જ સામ્ભાને ખ્યાલ આવી જતો કે સરદાર શું કહેવા માગે છે અને પોતે એનો શો જવાબ આપવાનો છે. અનાજ લૂંટવા માટે રામગઢ ગયેલા કાલિયા અને તેના બન્ને સાથીઓ ખાલી હાથે પાછા આવ્યા ત્યારે ગબ્બરનો ખોફ જોવા જેવો હતો. આ ત્રણેએ પોતાનું નામ માટીમાં મેળવી દીધું હોવાનું તેને લાગ્યું. આથી ગબ્બરે સામ્ભાને પૂછ્યું, ‘અરે ઓ સામ્ભા, કિતના ઈનામ રખ્ખે હૈ સરકાર ને હમ પર.’ સામ્ભા મિતાક્ષરી જવાબ આપતાં કહે છે, ‘પૂરે પચાસ હજાર.’ સામ્ભા સમજી જાય છે કે હવે આ ત્રણેનો અંત નિકટ છે.

**** **** ****

ક્યારેક પોતાના સાથીદારો સાથે સામ્ભા પત્તાં રમી લેતો. એક વાર સામ્ભા, જંગા અને બીજા બે સાથીઓ પત્તાં રમતાં હોય છે. સામ્ભા બોલે છે, ‘ચલ બે જંગા, ચીડી કી રાની હૈ.’ બરાબર એ જ વખતે રામગઢથી શહેરમાં જવા નીકળેલો અહમદ જંગાની નજરે પડે છે. જંગા કહે છે, ‘ચીડી કી રાની તો ઠીક હૈ, સામ્ભા! વો દેખ ચીડી કા ગુલામ આ રહા હૈ.’ બસ, પછી શું? રામગઢના લોકો પર ધોંસ જમાવવાની આ તક છોડાય? અહમદની હત્યા કરીને તેના શબને ઘોડા પર પાછું રામગઢ મોકલવામાં આવે છે. 

**** **** ****

ગમે એવા સંજોગોમાં ગબ્બરના મોંએ સામ્ભાનું જ નામ ચડતું. ઠાકુરે રાખેલા બે મારાઓ પૈકીનો એક વીરુ અને તેની પ્રેમિકા બસંતી ગબ્બરના અડ્ડામાં લાવવામાં આવે છે. વીરુના બન્ને હાથ ઉપરની તરફ બાંધીને ઉભો રાખવામાં આવે છે ત્યારે પણ ગબ્બર સામ્ભાને કહે છે, ‘અરે ઓ સામ્ભા, ઉઠા તો જરા બંદૂક ઔર લગા નિસાના ઈસ કુત્તે પર!’ અને સામ્ભા તેની તરફ નિશાન તાકીને બેસે છે. બસંતીને નાચવાનું ફરમાન કરવામાં આવે છે.

અલબત્ત, બસંતી નાચતાં નાચતાં ઢળી પડે છે એ જ વખતે વીરુનો સાથીદાર જય આવી પહોંચે છે અને તે સૌથી પહેલું નિશાન સામ્ભાનું લે છે. સામ્ભા ઢળી પડે છે. વફાદારી દાખવતાં તે પોતાનો જાન દઈ દે છે.

પૂરક નોંધ:

  1. સામ્ભાનું પાત્ર ફિલ્મમાં અભિનેતા મેકમોહને ભજવ્યું હતું. મોહન મખીજાની નામના આ કલાકારે પડદા પર ‘મેકમોહન’ નામ અપનાવ્યું હતું.
  2. મૂળ ફિલ્મમાંના તેમના સંવાદોને કાપીને ફિલ્મમાં માત્ર દોઢ વાક્ય તેમના ભાગે બોલવાના આવેલા. ફિલ્મના પ્રથમ શોમાં પોતાની કપાયેલી ભૂમિકા જોયા પછી તે રીતસર રડી પડ્યા હતા. પણ ગબ્બર જે લઢણમાં ‘અરે ઓ સામ્ભા’ બોલે છે એ લઢણ એટલી લોકપ્રિય બની ગઈ કે મેકમોહન જીવ્યા ત્યાં સુધી ‘સામ્ભા’ તરીકે જ ઓળખાતા રહ્યા.

(તસવીર અને લીન્ક અનુક્રમે નેટ અને યૂ ટ્યૂબ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

Leave a Reply

Your email address will not be published.