લ્યો આ ચીંધી આંગળી : એક ચુસ્ત ઇસ્લામી ફકીર અસલમાં જૈન પરિવારનું ફરજંદ …

(બહુ ઓછા લોકોને ખબર હશે કે ગુજરાતીના પ્રખર સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકર જેતપુરમાં વસતા મશહુર ગાંધીવાદી અને ગાંધીજીની  સાથે બેરિસ્ટરીનું ભણેલા એવા દેવચંદ ઉત્તમચંદ પારેખના પરીવારના વેવાઇ હતા.તેમના પુત્ર સતીશ કાલેલકરનું લગ્ન એ પરીવારનાં પુત્રી ચંદનબહેન સાથે થયેલું. અને વધુ રસપ્રદ વાત તો એ કે એ દંપતિનું સંતાન એવાં શૈલજાબહેનનું લગ્ન સુવિખ્યાત સાહિત્યકાર અને મહિલા અગ્રણી વિનોદિની નિલકંઠના પુત્ર સુકુમાર પરીખ જોડે થયું. એ પરીવાર અમદાવાદમાં વસે છે.

શૈલજાબહેન પરીખે પોતાના માતામહના એ પારેખ  પરીવાર અને પૂર્વજો વિષે વિશદ સંશોધન કર્યું. એ માટે તેમણે અવારનવાર જેતપુરની મુલાકાત લીધી હતી. તેમની મનોકામના એક અભ્યાસપૂર્ણ ગ્રંથ લખવાની હતી તે ધાર્યા કરતા વધુ સારી રીતે પૂર્ણ કરી અને જેતપુરના આ વિસ્તૃત પારેખ પરીવારના વિશ્વના વિરાટ ફલક પર વિહાર વિષે એક અદભુત પુસ્તક એક ભારતીય પરીવારની રોમાંચક સફર –રજવાડી ભારતથી જગતના આંગણે શિર્ષકથી લખ્યું છે , જેનો અંગ્રેજી અનુવાદ પણ ‘An Indian Family on the Move : From princely India to Global Shores’ના શિર્ષકથી પ્રગટ થયો છે.

તેમનો સંપર્ક: નિશાત બંગલોઝ, દેરાસર પાસે, દાદાસાહેબના પગલાં, યુનિવર્સિટી રોડ,નવરંગપુરા,અમદાવાદ-380 009/ ફોન- +91 79-26401215 અને 26408393/મોબાઇલ-+91 98251 37005/ ઇ મેલ: shailajaparikh@hotmail.com અથવા smparikh@hotmail.com

પ્રસ્તુત લેખ પણ કાકાસાહેબના વેવાઇ અને દેશસેવક એવા જેતપુરના એ  પારેખ પરીવારના એક વિશિષ્ટ એવા વ્યક્તિત્વ વિષે છે.)

રજનીકુમાર પંડ્યા

‘છોકરા-છોકરિયું ગીન્નો લાણ’ (છોકરા-છોકરીઓ, લ્હાણ લઇ જાઓ) કચ્છી મેમણી બોલીમાં સંધ્યાકાળે ‘લાણ’ લેવાનું ઇજન આપતો કોઈ કોમળ, કિશોર સ્વર આજે પણ જ્યારે યાદ કરું છું ત્યારે વ્યાકુળ બની જાઉં છું. ૧૯૪૭-૪૮ની સાલમાં આ સ્વર સાંભળીને હું પણ શેરીઓમાં દોડી જતો હતો. જેતપુરની ગલીઓમાં રોજ સંધ્યાકાળે આ પોકારના પડઘા પડતાંની સાથે જ શેરીઓમાં લીલાં કપડાં પહેરેલા ફકીરની આજુબાજુ છોકરા-છોકરીઓની ઘીંગ એકઠી થઈ જતી. બાળકોની પગલીઓથી શેરીની ધૂળ ગોટો બનીને ફકીરની આજુબાજુ ઘૂમરાઈ વળતી અને છતાં એથી જરા પણ અકળાયા વગર પોતાના બન્ને ખભે લટકાવેલા અતલસના લીલા થેલાઓમાંથી મુઠ્ઠી ભરી ભરીને પીપરમિન્ટ વહેંચતાં વહેંચતાં એ બીજી શેરીઓમાં ચાલ્યો જતો અને ત્યાં વળી બીજી કોઈ કિશોરીને એ કહેતો, ‘સાદ દે દીકરી’ અને છોકરી સાદ પાડતી પ્રલંબ સ્વરે ‘છોકરા-છોકરિયું ગીન્નો લાણ’. બાની મનાઈ હતી. બહારના કોઈનું આપેલું ખાવું નહીં. પણ હકાબાપુ ક્યાં ‘બહારના કોઈ’હતા ?એટલે મંજૂરી મળી ગઈ હતી. બા કહેતી :‘હકાબાપુની લાણનો સાદ પડે છે ને હુહભર્યો (શ્વાસભર્યો) દોડ્યો જાય છે. છે શું પણ એટલું બધું ઈ ગોળિયુંમાં ?’

(હકાબાપુ)

       ‘ગીનો લાણ’ના એ શબ્દો આજે હવામાં ઓગળી ગયા છે એવું નથી. શેરીઓ બદલાઈ છે – એના નકશા બદલાયા છે, આબોહવામાં હવે જેતપુરના સાડી ઉદ્યોગનો રંગીન પાસ બેસી ગયો છે – પણ એ શબ્દોની ગંધ હજુ ગઈ નથી. એ દિવસો તો હિંદુ-મુસ્લિમ વચ્ચે ખૂનખાર હુલ્લડ થયેલું એ પહેલાંના દિવસો હતા. સિત્તેર વરસ થવા આવ્યાં. પણ સાઠી વટાવી ગયેલો કોઈ પણ ગૃહસ્થ જો એ જેતપુરમાં જ મોટો થયો હોય તો પોતાના સંતાનને એ કોઈ ફકીરના હાથનું નહિં ખાવાની શીખ આપી શકે તેમ નથી. કારણ કે એક જમાનામાં એ ખુદ જ હકાબાપુના હાથની પીપરમિન્ટ ખાઈ ચૂક્યો હશે, જેનું ગળપણ આજે પણ જીભ પર એ અનુભવતો હશે.

       મારાં બાએ એક વાર કહ્યું હતું :‘તને ખબર છે? હકાબાપુ કંઈ મૂળથી ફકીર નથી. એ તો જૈન વાણિયાનો દીકરો છે.’

જેતપુરના ખોડપુરા, જીન પ્લોટમાં આવેલા ભરતભાઈ પારેખની હવેલી જેવા મકાનમાં વર્ષો પહેલાં જવાનું થયું. જૈન વાણિયાનું ઘર એટલે જૈન મુનિની તસવીરો તો હોય જ. અને હતી જ. પણ જોડાજોડ હકાબાપુ તો ઠીક કે એમના કાકા હતા એટલે એમની તસવીર પણ હોય, પણ એમના ગુરુ કુબાશાહ બાપુ, નિઝામ બાપુ, લાલશાહ બાપુની તસવીરો પણ જોવા મળે. નીચે કાચના કબાટમાં જૈન મુનિનાં સફેદ વસ્ત્રોની બાજુમાં ફકીરનો લીલો અતલસનો ઝબ્બો પણ દેખાય. એક પેટી ખોલીને બતાવી તો એમાંથી તસ્બી, વાઘ-નખ, લાલ-પીળા મણકા, લોબાનિયું નીકળ્યાં. જે થેલામાંથી અમને પીપરમિન્ટની લાણ મળતી હતી તે લીલો અતલસનો ઝોળો પણ ચમકતા સળ સાથે સંકળાયેલો કબાટના એક ખૂણે ને અને બધું બતાવતા દિલીપભાઈ, દીપકભાઈ અને ભરતભાઈ એ ત્રણેયના ચહેરા પર પૂરૂં ગૌરવ ! કોઈ ક્ષોભનો ભાવ નહીં કે આ જૈન વણિકના ઘરમાં મુસલમાન ફકીરનો પોષાક ક્યાંથી?

       ‘તમે તો ભાઈ, પાકા જૈન. આચારે, વિચારે અને સંસ્કૃતિએ, બધી રીતે જૈન. તો તમારા પરિવારમાં આ ફકીર કેવી રીતે પાક્યો ?’ મેં પૂછી જ લીધું હતું.

       ‘આટલા વરસે સવાલ જાગ્યો?’

       ‘વતનની બહાર રહું છું એટલે’ મેં કહ્યું, ‘બાકી ગીનો લાણના જમાનામાં તો હું લાણ લેનારો એક નાનકડો છોકરો હતો. એ વખતે મગજની પાટી કોરી હતી. પીપરમિન્ટ સત્ય હતી, જગત મિથ્યા હતું. મારા એક મિત્રનું નામ હારુન હતું, બીજાનું નામ હરિ હતું. એક છોકરી ભેગી રમતી તેનું નામ આઈસા હતું, જે આઈશાના નામે પાકિસ્તાન જઈને ફિલ્મોમાં નાનામોટા રોલ કરવા માંડી હતી. એક અનસૂયા હતી. એવી રીતે ઘરમાં એક મૂછાળા મહાદેવનો ફોટો હતો અને શેરીમાં સાંજે હકાબાપુના લીલે ઝભ્ભે દર્શન હતાં. આ બધાં વચ્ચે કોઈ ભેદ ફરક નહોતો. હવે મગજમાં ખાનાં ખાનાં થઈ ગયાં છે. એટલે આવા સવાલો થાય છે કે જૈન વાણિયો ફકીર કેમ બન્યો ! બનવા જ કેમ પામ્યો ?’

       હકાબાપુ એટલે ફ્લેશબેકમાં હકમીચંદ માણેકચંદ પારેખ, પાટુ મારીને જ માની કૂખમાંથી જન્મ્યા. તોફાની બનીને ઊછર્યા. એમના પિતરાઈ ભાઈ દેવચંદ ઉત્તમચંદ પારેખ તો લંડનમાં ગાંધીજીની સાથે બેરિસ્ટરીનું ભણેલા. પણ એમની સલૂકાઈ અને મુત્સદ્દીગીરીને રક્તમાંથી તારવીને આ હકમીચંદે ઉકરડે ફેંકી દીધી. ગાંધીજી એક વાર દેવચંદભાઈને મળ્યા ત્યારે હકમીચંદ બોસ્કીનાં ચમકીલા કપડાં પહેરીને આંટા મારતા હતા. ગાંધીજી કહે, ‘છોકરા, છોડી દે, છોડી દે આ પરદેશી ઠાઠ…. સ્વદેશી પહેર.’ ત્યારે હકમીચંદે બાર વર્ષની વયે પણ ઓઝપાવાને બદલે તડ ને ફડ કહ્યું :‘બાપુ, આ જિંદગીમાં અમને મન થશે ત્યાં સુધી બોસ્કીનાં કપડાં પહેરશું. મનને મારવું નથી. મન ના પાડશે ત્યારે તમે નહીં કહો તોય મૂકી દઈશું.’

(દેવચંદ પારેખ)

       ‘દેવચંદભાઈ’ ગાંધીજી બોલ્યા, ‘તમે કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી છો. તમારે  એમને સમજાવવાના હોય – આ છોકરાને પણ સમજાવો. ’

       ‘બાપુ!’ દેવચંદભાઈ કહે, ‘છોકરો ઊંધી ખોપરીનો છે. અમારી જેતપુરના જમાઈવાડામાં મેમણોની વસ્તી વિશેષ છે. ત્યાં એ દિવસરાત પડ્યો પાથર્યો રહે છે. ને ક્યારેક કબ્રસ્તાનમાં જઈને પણ સૂઈ રહે છે ને પછી ઘેર આવીને પૂછે છે, બીક એટલે શું ?બીક એટલે શું ?મારે બીકને જાણવી છે. મને કેમ ક્યાંય કળાતી નથી ? એક વાર મેં એને કહ્યું કે બીક એટલે લોહી, બીક એટલે છરી તો તાજિયાના દિવસે એણે ઢોલ-ત્રાંસાના દ્રુત તાલ પર છરી લઈને ‘યા અલ્લાહ – યા અલ્લાહ’ બોલતાં બોલતાં હૂલ લીધી – ધમાલ લીધી. હવે બાપુ, એમ કરતાં કરતાં આવેશમાં ને આવેશમાં છરીનું ફળું બે ઈંચ જેટલું એની છાતીમાં પેસી ગયું.’

       ‘પછી ?’ ગાંધીજીએ પૂછ્યું.

       ‘પછી તાજિયા સાથે ચાલતા લાલશાહબાપુને કોઈએ કહ્યું કે ‘બાપુ, એક બનિયે કા છોકરા હૂલ-ધમાલ લે રહા થા – ખૂન નિકલા’. એટલે લાલશાહ બાપુ દોડ્યા. એની છાતી ખુલ્લી કરી આકાશ તરફ હવામાં હાથ ઊંચા કર્યા. દુવા માંગી પછી માત્ર પોતાનું થૂંક ઘાવ પર લગાડ્યું. ઠીક થઈ ગયું. બસ ત્યારથી એ દરરોજ દરગાહમાં જતો-આવતો થઈ ગયો.’

       ‘જવા દેવો. ’ ગાંધીજી કંઇક વિચાર કરીને બોલ્યા, ‘એમાં કશું ખોટું નથી.’

**** **** ****

       પણ લાલશાહ બાપુએ પાંખમાં લીધા પછી પણ હકાનું તોફાન શમ્યું નહીં. ફકીરી વૃત્તિથી પડખોપડખ તામસી વૃત્તિ પણ વિકસતી જતી હતી. હકો યુવાન થયો. ખુદ હકાબાપુ બન્યો પણ એના ત્રીજા નેત્રમાંથી હંમેશાં આગ ઝર્યા કરતી. ને દરેક વખતે આગ ઝરવાની રીત પણ ન્યારી ન્યારી હતી. હકાબાપુ જુગારખાનું પણ ચલાવતા અને સવાર પડ્યે એ જુગારખાનાની પાઈએ પાઈનો વકરો જરુરતમંદોમાં ખેરાત કરી દેતા.  વકરાની પાવલીને પણ ગજવે ટકવા ન દે અને ઉઘરાણીની એક પાઈ પણ અબાર ન જવા દે. છોડે નહીં. કેવી રીતે ?’

       એક વાર એક પ્રાગજી લવજી નામના લુહારે આવીને લાલશા બાપુની પાસે રાવ કરી, ‘બાપુ, આપકે ચેલે હકાબાપુ ને મેરેકુ બોત બદનામ કિયા.’ બાપુએ પૂછેલા, ‘કૈસે?’ના જવાબમાં પ્રાગજીએ ભારે ભોંઠપ અનુભવી, છતાં વાતનો ફોડ પાડ્યો, ‘વો મેરે પાસ જૂઆ કે તીનસો રુપયે માંગતે થે, મેરે પાસ નહીં થે. ટાલતા થા. વો બોલતે થે જમણે હાથસે મેરી ઉઘરાણી કે રુપયે દે ઔર અગર જરુરતમંદ હો તો ડાબે હાથસે મેરી પાસસે લે જા,. બાપુ મુઝકો યકીન નહીં પડી. મૈંને નહીં દિયા ઔર કલ રાત કો ડાયમંડ ટોકીઝમેં ફિલીમ દેખણે વાસ્તે ગયા તો વહાં હકાબાપુને ચાલુ ફિલમમેં સીલાઈડ (સ્લાઈડ) લગવા દી કે પ્રાગજી બહાર આ જા – મેરે તીનસો રુપયે તેરી પાસ બાકી હૈ. ’

       લાલશાહ બાપુ હસીને બોલ્યા, ‘તુ તો કિસ્મતવાલા હૈ, લવાર. મગર દૂસરોં કે સાથ વો ક્યા કરતા હૈ માલૂમ હૈ ? હર દિવાલી કે દિન જેતપુર કા ઈસ્ટાન (સ્ટેન્ડ ચોક) હૈ ના !વહાં કાલે પાટિયે પર ઉસકે સભી બાકી દેણદારો કે નામ લિખતા હૈ, ઔર નીચે લિખતા હૈ કી ઈન લોગોં કા કોઈ ભરોસા ન કરે. તૂ તો કિસ્મતવાલા હૈ કિ સિરીફ થેટર મેં હી તેરી ઘંટી બજી.’

       પ્રાગજી ગયો, તો બહાર એને વધારે કંપાવનારા સમાચાર મળ્યા. ‘મૈં અલ્લાહ કો માનતા હું ઔર વહાં કયામત કે દિન સબકી મુદત પડી હૈ.’એમ બોલતા બોલતા હકાબાપુ આજે કોર્ટમાં ગયા હતા અને એમંને ગાળ આપનાર અને ખોટી ફરિયાદ કરનાર ફરિયાદી ઉપર છુટી કુહાડીનો ઘા કર્યો હતો. પછી કારાવાસની સજા સાંભળી. એ વખતે ન્યાયાધીશે ફરમાવેલી સજા માફ કરવાની સત્તા ગામના દરબારને હતી તે એ રીતે માફી પામીને હકોબાપુ પાછો શેરીઓમાં છોકરાઓને પીપરમીન્ટ વહેંચવા નીકળી પડ્યો. હજુ એક-બે ગલી ફર્યા હશે ત્યાં કોઈએ સમાચાર આપ્યા, ‘હકાબાપુ પેલા ફરિયાદીએ એક ભરવાડને ઉશ્કેર્યો છે ને એ ભરવાડ હમણાં જ પોલીસમાં તમારા સામે માર માર્યાની ખોટી ફરિયાદ લખાવવા ગયો છે.’ સાંભળીને હકાબાપુની લાલઘૂમ આંખો વધુ લાલ થઈ. એ પોલીસ ચોકીએ દોડ્યા. ભરવાડને બોચીએથી પકડીને ફોજદારની સામે જ માર્યો અને કહ્યું, ‘જા બેટા, અબ તેરી જુઠી ફરિયાદ પર મૈંને સચ્ચાઈ કી મોહર લગા દી.’

       એક વાર લાલશાહ બાપુએ એને જુગાર અને ક્રોધ છોડી દેવાનું કહ્યું ત્યારે હકાબાપુની આંખમાં પાણી આવી ગયાં, ‘મેરે ગરીબનવાઝ, આપ સમજો તો સહી, મૈં અપને લિયે થોડે હી જુઆ ખેલતા હું, ઔર ગરમી ભી અપુન કે લિયે થોડે હી ખાતા હૂં ? યે દોનોં મૈં ગરીબોં કે લિયે કરતા હૂં ઔર આપકા યે મુરીદ (શિષ્ય) તો સાલા ખાલી હી ખાલી રહેગા ઔર ઐસે હી મરેગા.’ કહીને એમણે બે હાથ ઊંચા કરી દીધા જાણે કે જુગાર અને ક્રોધ સાથે એમને કશી લેવાદેવા ન હોય. પછી વળી બોલ્યા, ‘અગર આપ અલ્લાહ કા નામ છોડ દો તો મૈં જુઆ છોડ દૂં – આપ બંદગી છોડ દો તો મૈં ગુસ્સા છોડ દું, બોલો, કબૂલ હૈ?’

       એ વખતે ગુરુ કંઈ બોલી શક્યા નહીં, પણ પછી એમના મનમાં થયું કે હકો હોટેલ ચલાવે, જુગારખાનું ચલાવે, ક્રોધ કરે એ બધું શા માટે ? કંઈક મેળવવા માટે જ ને ?તો લાવ એને માગે તે આપી દઉં, એટલે એમણે એક વાર હકાને અચાનક કહ્યું, ‘હકા, કુછ માંગ લો.’ પીઠે હાથ પસવારીને કહ્યું ‘કુછ ભી માંગ લો, ધન-દોલત, સોના-ચાંદી, જા મેરી દુઆ હૈ કિ બનિયેકા બેટા હૈ તો જૂતેકી ભી ફેરી કરેગા તો ભી તેરે ઘર પર સોને કે નલિયે હો જાયેંગે.’

       સૌ સાંભળનારાના મનમાં હતું કે આ વાણિયો ફકીર હવે મોકો નહીં ચૂકે. છેવટે ભાઈના કુટુંબ માટે તો કંઈ માગી જ લેશે. પણ હકો બોલ્યો નહીં. આંખમાં આંસુની ધારાવાડી ચાલી. બોલ્યા, ‘આપ કો જબ મૈં ચલમ ભર કે દેતા હું તબ આપ મેરા હાથ પકડ લેતે હૈ ના ?’

       લાલબાપુ બોલ્યા, ‘હા, મગર ઈસકા ક્યા હૈ ?’

       ‘બસ’ હકાબાપુ બોલ્યા, ‘જૈસા યહાં પકડતે હો ઐસા’ આકાશ તરફ આંગળી ઊંચી કરીને કહે, ‘વહાં ભી પકડના મેરા હાથ, ઔર છોડના મત.’

**** **** ****

‘ભરતભાઈ!’ મેં ભરતભાઈને ઢંઢોળીને પૂછ્યું, ‘જુગાર અને ટંટાફિસાદમાં રચ્યાપચ્યા રહેનાર હકાબાપુને કોઈ મિત્ર હતો કે નહીં ?’

       ‘અત્યારે ધર્માદા દ્વારા હોસ્પિટલો બંધાવવાની પ્રવૃત્તિ કરનાર જનકમુનિ એમના પરમ મિત્ર હતા,  ભાઈ.’ ભરતભાઈએ કહ્યું, ‘અને હકાબાપુનું ખુદનું પણ જૈનશાસ્ત્રોનું અને વેદ-વેદાંતોનું વાચન ઘણું વિશાળ હતું.’

       અચાનક મને યાદ આવ્યું કે એક વાર હું દરગાહ પાસેથી પસાર થતો હતો ત્યારે મેં એક ભારે વિચિત્ર દૃશ્ય જોયું હતું. હકાબાપુ દરગાહના પથ્થરને માથું ટેકવીને પોતાનું વાચન મોટેથી કરતા હતા. બીજી વાર નીકળ્યો ત્યારે અલ્લાહની યાદમાં તરફડી તરફડીને કરાહતા મેં એમને જોયા હતા. હું ડરીને દૂર ઊભો રહી ગયો હતો. થોડીવારે મારી પાસે આવીને બોલ્યા, ‘તું તારા બાપુજી પાસે પગ પછાડી પછાડીને કોઈ ચીજનું વેન નથી કરતો ?એમ હું પણ મારા માલિક પાસે જમીન પર આળોટી આળોટીને વેન કરતો હતો.’

       ‘શેનું વેન ?’મેં પૂછ્યું હતું.

       ‘મને એમના ખોળામાં બેસાડવાનું.’એ બોલ્યા. સમજી શક્યો નહોતો હું કે એ શું કહેવા માગે છે. છેક 1980માં મારી પુખ્ત વયે મને એની ખબર પડી કે એ અદ્વૈતની વાત કરતા હતા.

**** **** ****

       પચાસ વરસ સુધી જેતપુરની ગલીઓમાં લોબાનની સુગંધ અને પોતાની આંતરિક ચેતનાનું તેજ ફેલાવનાર વણિક-ફકીર હકાશાહ 1980ની પાંચમી ઓક્ટોબરે એ અદ્વૈતને પામ્યા. ડાયરીમાં લખેલું હતું, ‘મુઝે જલાના મત. મુઝે દાતાર કે ટીલે કે પાસ દફન કરના. અગર કોઈ મુસલમાન કો મેરા દફનાના મંજૂર ન હો તો મેરી લાશ કો કુત્તે ઔર કૌઓં કો ખિલા દેના, ઉસસે મેરી રુહકો આરામ પહુંચેગા.’

       એમની ઈચ્છા પૂરી થઈ. કોઈએ કશો વિરોધ ન કર્યો.

       હજારોની સંખ્યામાં પત્રો આવ્યા આ સમાચાર જાણીને. પાકિસ્તાનથી આવેલો બે ભાઈઓનો એક પત્ર ભારે હૃદયસ્પર્શી હતો, ‘અહીં અમે મોટા શેઠિયા બની ગયા છીએ, પણ હકાબાપુની લાણની પીપરમિન્ટનો સ્વાદ ભૂલ્યો ભુલાતો નથી. એમના ઈંતકાલના સમાચાર જાણતાં સીનો ચાક થઈ ગયો. અમે અહીં એમની તારીખ પર ઉર્સ કરીશું. તમે અમારા વતી ત્યાં મોંઘામાં મોંઘી ફૂલની સંદલ (ચાદર) લઈને મજાર પર ચઢાવજો અને અમારા એ દુઆગીરને માટે દુઆ કરજો.’

**** **** ****

જેતપુરના આકાશમાં ક્યારેક ઊંચે જોઉં તો દેવપુત્રો અને પયગંબરપુત્રો વચ્ચે કોઈક કોમળ સ્વર બોલીને કલ્પું છું, ‘છોકરા-છોકરિયું, ગીન્નો લાણ.’

       જરુર હકાબાપુ ત્યાં પહોંચી ગયા!

સ્વ.ઉત્તમચંદ પારેખ ઉર્ફે ઓતા પારેખ વિષે થોડી ઐતિહાસિક માહિતી એક સુજ્ઞ અને ઉત્તમ વાચકમિત્ર, મારા વતન જેતપુરના શ્રી ગુણવંત ધોરડા ( મોબાઇલ-98255 81844) પોતાના સંસ્મરણોના આલેખમાં આ રીતે આપે છે. જે બહુ રસપ્રદ છે, જે તેમના જ શબ્દોમાં વાંચીએ:

(ઉત્તમચંદ પારેખ, તસવીર સૌજન્ય રીટા અશોક પારેખ)

‘મોટા ભાગના રજવાડાનું કારભારું ઓત્તમચંદ (ઉત્તમચંદ)પારેખ સંભાળતા હતા તે સમયે આ પ્રકારનું કામકાજ કે વહીવટ સંભાળનાર વ્યક્તિ કારભારી, કામદાર કે દીવાન તરીકે ઓળખાતા હતા.. તે સમયે રજવાડા સિવાય કોઈ પણ રૈયતને મેડીબંધ મકાનની ઇજાજત ન હતી. એ કાળે રજવાડાએ ઓતમચંદ પારેખને મેડીબંધ મકાન બાંધવાની રજા આપેલી અને તે અનુસાર ઓત્તમચંદ પારેખે જેતપુરમાં મેડીબંધ હવેલી જેવું જાજરમાન મકાન બાંધેલું. તે સમયે રજવાડા સિવાય આખા જેતપુરમાં માત્ર બે જ મેડી હતી. એક ઓતમચંદની મેડી અને બીજી મીરાજીની મેડી ઓત્તમચંદની મેડી એટલે આજનું સંત કંવરરામજીનું મંદિર(સિંધી લોકોનું મંદિર), લાદી રોડ,  જ્યારે મીરાજીની મેડી મતવા શેરીને નાકે હતી.

આવા તેજસ્વી, ખ્યાતનામ, જૈનધર્મી, ઉમદા સંસ્કારી ગૃહસ્થ ઓતમચંદ પારેખના નાના ભાઈ માણેકચંદને ત્યાં 1905માં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. ફઈબાએ એનું નામ રાખ્યું હકમીચંદ. દરેક હિન્દુ ઘરમાં છઠીના દિવસે ધામધૂમથી વિધાતાને નવજાત શિશુના વિધિના લેખ લખવા આમંત્રણ આપવા આવાહન કરવામાં આવે છે. તે જ રાત્રે વિધાતા બાળકના ભાવિના લેખ લખે છે. વિધાતાને પ્રાર્થના કરવામાં આવે છે કે શ્રેષ્ઠ લેખ લખજો, પરંતુ જૈનોમાં તો વિધાતા પાસે ખાસ માંગવામાં આવે કે અમારા પુત્રને મોટો જૈન તપસ્વી કે મોટો શાહસોદાગર બનાવજો. હકમીચંદના લેખ પણ વિધાતાએ લખ્યા, પણ કાળના ગર્ભમાં શુ લખ્યું તે માત્ર વિધાતા જાણે..!!!’

(જેતપુર સ્ટેશને ગાંધીજીને માનપત્ર અર્પણ કરાયું ત્યારની તસવીર)

આ હકીકતનું સમર્થન જેતપુરના જ અને હકાબાપુવાળી ગલીની નિકટ રહેનારા શ્રી જિતુભાઇ ધાધલ પણ કરે છે. જેતપુર સ્ટેશને ગાંધીજીને માનપત્રવાળી તસ્વીર પણ એમના જ સૌજન્યથી. તેમાં ખુરશી પર બેઠેલા મહાનુભાવોમાં ડાબેથી પ્રથમ કાળા ડ્રેસમાં તે દેવચંદ પારેખ (બેરીસ્ટર) છે.

( સૌજન્ય: જિતુભાઇ ધાધલ, સંપર્ક: +91 93777 29725)


લેખકસંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: admin

3 thoughts on “લ્યો આ ચીંધી આંગળી : એક ચુસ્ત ઇસ્લામી ફકીર અસલમાં જૈન પરિવારનું ફરજંદ …

 1. બહુ જ સરસ કહાની.આનંદ.રૂંવાડા ઊભા કરતા હકાબાપુની પુરી કથની વાંચી.અભિનંદન રજનીભાઇ

 2. એકદમ વિશિષ્ટ વ્યક્તિની રોમાંચક કથની વાંચવી બહુ જ ગમી.

 3. આજ રીતે જેતપુરનાજ ડો. કોઠારી નો પુત્ર મહેન્દ્
  મુસ્લીમ બની વડોદરામાં પાકો ૫ ટાઈમનો નમાઝી બની જીવી રહ્યો છે
  મુળ ઘમઁે જૈન વણીક
  મરો મીત્ર છે પણ ૨૦ વષઁથી મળેલ નથી
  પુરક માહિતી જેતપુર થી મળી શકે
  હું તરૂણ ઘોળીયા(પ્રાગજી મુલજી)
  9821261261 tdholia@gmail.com
  સ્ટોરી બનાવશો તો મને ને સૌને ગમશે

Leave a Reply

Your email address will not be published.