સમયચક્ર : દિવાળીનો તહેવાર વતનની યાદ અપાવે છે.

વીસમી સદી ભારતમાં માનવ સ્થળાંતરનો સમય હતો. આઝાદી પછી કચ્છમાંથી પણ મોટાપાયે લોકોનું સ્થળાંતર થયું. જેની મોટી સંખ્યા મુંબઈમાં વસે છે. ઘાટકોપર અને મુલુન્ડ તો મીની કચ્છ કહેવાય છે. પોતાનો મુલક છોડવો કોઇને પસંદ નથી હોતું. પણ આ માનવ નિયતિ છે. જેમણે વાસ્તવમાં પોતાનું વતન કચ્છ છોડ્યું તે પેઢી અત્યારે વયના જુદા જુદા પડાવ ઉપર ઊભી છે. એમને પોતાનું કચ્છ યાદ આવતું હશે તો શું અનુભવ થતું હશે ? દિવાળી એવો તહેવાર છે જે વતન અને બાળપણની યાદ અપાવી જાય છે. ક્યારેક ઉદાસ પણ કરી મૂકે. કેવી હતી એમની દિવાળી અને કેવું હતું કચ્છ ?

માવજી મહેશ્વરી

મારા શહેરમાં અને મારા ઘરમાં દિવાળીની તૈયારીઓ થઈ ગઈ  છે. દરેક જણ આવનારા દિવસોની પોતપોતાની રીતે કલ્પના કરી રહ્યો છે. વૃદ્ધ હોય કે બાળક, આ દિવાળીના તહેવારોની અસરથી મુક્ત રહી શકતો નથી. આજે વીજળીની ચાપ દાબું છું અને ઘરમાં રોશની પથરાઈ જાય છે.  ત્યારે મને એ ઘર પણ યાદ આવે છે જેના એક ખૂણામાં ચીમની રહેતી અને ઘરની ભીંતો પર આછું અજવાળું રેલાતું.  દિવાળીના દિવસોમાં સ્ત્રીઓ રોજના કામોમાંથી સમય ચોરીને ઘરને સફેદ ખડીમાટીથી ઘોળતી.  મારા ગામની બાજુના કોટડી ગામનો સુલેમાન કુંભાર એના ગધેડા પર લાદીને ખડીમાટી લાવતો અને ઘેર ઘેર નાખી જતો. સાથે બે-ચાર તાવડી, નાની કુલડીઓ અને દીવડાઓ પણ આપી જતો.  તિરાડ પડી ગયેલા જૂના માટલામાં પલાળેલી માટીનું  મને કુતૂહલ એ રહેતું કે ક્યારે સવાર પડે અને હું એ માટીને જોઉં. વહેલી સવારે ઊઠીને એ માટલામાંથી માટીની લોંદો ભરીને પથ્થરની છીપર ઉપર રાખી એમાંથી ચોક બનાવતો. મને એ દિવસો યાદ આવે છે ત્યારે એક લેખક તરીકે હાથમાં પકડેલી પેનને જોયા કરું છું.

વરસમાં એક જ વાર આવતી ખડીમાટી દિવાળીની ભેટ ગણાતી. સુલેમાન કુંભાર એ માટીને બદલે કારતક માસમાં જ્યારે ધાનના ખળાં નીકળે ત્યારે બાજરી કે મગ લઈ જતો.  આ આપ-લેની વચ્ચે ક્યાંય નાણાં આવતાં નહીં.  ન કોઈને નફો કે ન કોઈને ખોટ. નાણાંની અછતના એ સમયમાં વસ્તુ વિનિમયની એ પ્રથામાં સૌથી મોટી કોઈ ચીજ હોય તો એકબીજા તરફનો માનવીય ભાવ અને પોતાની પાસે છે તે માત્ર પોતાનું નથી એવી ભાવના. સમય બદલાયો છે. સમય ક્યારેય ખોટો હોતો નથી. આજે પાકાં મકાનોને રંગ કામ કરનારા કારીગરો ચોરસ ફૂટના હિસાબે ભાવ લે છે ત્યારે મને કોટડી ગામનો એ સુલેમાન કુંભાર યાદ આવે છે. જે બીજાના ઘરની ભીંતોને ઉજળી કરવા પોતે ડુંગરાઓમાં રખડીને ખડીમાટી ખોદી ગામેગામ પહોંચાડતો.  એ સુલેમાન કુંભાર પણ સાચો હતો અને આજના કારીગરો પણ સાચા છે.

કચ્છ કસબ, ખેતી અને પશુપાલનનો પ્રદેશ ગણાય છે. જોકે બે સમયની ક્યારેય સરખામણી થઈ ન શકે. છતાં, એ સમય હતો જ્યારે ગામડાઓમાં લાઈટ નહોતી, વાહનો નહોતાં. ત્યારે દિવાળીના  તહેવારો એટલે જાણે હાશકારાના દિવસો. કચ્છના અમુક વિસ્તારમાં ધનતેરસને આજે પણ ધણતેરસ કહેવાય છે.  પશુઓ તરફ આ પ્રદેશની પ્રજાને પહેલેથી જ એક સ્નેહભાવ રહ્યો છે. ધનતેરસના દિવસે સૌ પોતપોતાનાં પાલતુ પ્રાણીઓના શીંગડા રંગતા. ગામડાંમાં એ વખતે હજુ ઓઇલ પેઇન્ટ પ્રવેશ્યો ન હતો. ફાઉન્ટન પેનની શાહી બનાવવા લાલ અને ભૂરા રંગની એક ટીકડી મળતી. પાણીમાં ઓગળી જતી એ ટીકડીથી પશુઓના  શીંગડા રંગાતાં. ગામની ગાયો ચોક્કસ જગ્યાએ ભેગી થાય છે તેને કચ્છીમાં વથાણ કહે છે. ધનતેરસના દિવસે રંગીન શીંગડાવાળી ગાયોનું ધણ જુદું જ લાગતું.  કુંભાર લોકો ધનતેરસના દિવસે પોતાના ગધેડાઓના કાન રંગતા. ગુલાબી રંગથી રંગેલા કાનવાળા ગધેડા પણ શોભતા. કાળીચૌદસનો દિવસ ભારેખમ. કારણ કે કાળી ચૌદસ ને ભૂત-પ્રેત સાથે સંબંધ છે એવી વાતો ચાલ્યા કરતી. ભુવા, પુજારી, સાધકો એ દિવસે ચમત્કારી શક્તિવાળા પુરુષો લાગતા. કાળીચૌદસના દિવસે ખેતરમાં પાકેલા નવા તલને ગોળ સાથે ખાંડીને બનાવેલા પીંડાંથી ખેડૂતો ગાડાંની પૂજા કરતા. એક પીંડો ખેતરના શેઢે મૂકાતો. એને ખેતરપાળનો પીંડો કહેવાતો. કોઈને કદાચ અંધશ્રદ્ધા લાગે. પરંતુ પર્યાવરણ અને પ્રકૃતિને સન્માન આપવાનું એ માનવ સહજ કાર્ય હતું. કાળીચૌદસની રાતે એક તરફ ગાઢ અંધકાર બીજી તરફ આકાશમાં ટમટમતા તારા, બધું કોઈ આર્ટ ફિલ્મ જેવું લાગતું. આજે ગામડાંઓમાંથી પણ અંધારું ખોવાતું જાય છે. અજવાળાએ ઘણું આપ્યું છે, પણ અંધાકારનો રોમાંચ ઝુંટવી લીધો છે.

એ વખતે કચ્છમાં નાણાંની રેલમછેલ નહોતી. જેની પાસે હતા એમને દેખાડો કરવાનો અને વટ પાડવાનો મોહ નહોતો. ગામડાંઓમાં તહેવારોના દિવસે પણ સીમ ગાજતી રહેતી. છોકરાઓની આંખો સામે ફટાકડા અને ફૂલઝરી દેખાતી હોય પરંતુ તેમને મા-બાપની સાથે ખેતરે કે ખળે જવું પડતું. ગામના જરા સમૃદ્ધ ઘરના છોકરાઓ દ્વારા ફોડાતા ફટાકડાનો અવાજ શ્રમજીવી છોકરાઓના કાન ઉત્પાત મચાવી દેતો. કાન ફૂટતા ફટાકડાના અવાજ સાંભળતાં હોય અને  હાથ પગ કામ કરતા હોય. તોય એમને એવું લાગતું નહીં કે  અમે ગરીબ છીએ.  ખળા અને ખેતરમાંથી છોકરા ઘેર પહોંચે ત્યારે એમને બંધનમાંથી છૂટ્યા જેવો આનંદ થતો.  છોકરાઓ બાપુજી સામે તાકી રહે પણ  માગવાની હિંમત ન થાય.  બાપુજી જાકીટનું ખીસ્સું ફંફોસે. ઝાઝી ધૂળ ભરાયેલા ખીસ્સ્સામાંથી એકાદ આઠઆનીનો સિક્કો નિકળી આવે. એ સિક્કો હથેળીમાં આવે ત્યારે  પગને પાંખો ફૂટે. જલદી આવે શામજી જેવતની દુકાન. જ્યાં લવિંગિયા ફટાકડાની લૂમ જાણે કોઈ ખજાનો પડ્યો હોય એમ જોયા કરે અને એક રુપિયામાં આખા વર્ષનો આનંદ ખીસ્સામાં ભરી લે.

દિવાળીની રાતે આંગણાંમાં દીવડાનો આછો પ્રકાશ રેલાય. સ્ત્રીઓ ગોખલામાં દીવો મૂકે. એ રાતે ગાયની ગમાણ અને ગાડા પાસે પણ દીવો થાય. ફળિયાના છોકરાઓ મેરૈયા લઈને નીકળી પડે આંકડાની બેશાખી ડાળીને કપડું વીટાળી તેના પર એરંડિયું તેલ રેડી તેને સળગાવવામાં આવતું. તેને મોરવાયો કે મેરાયો કહેવાતો. એ મેરાયો સળગાવી અને ઘરના ચારે ખૂણે ફેરવવામાં આવે. ઘરના બધા જ લોકો એને અડે.  પછી છોકરાઓ મેરાયો લઈ ને ગાતા ગાતા નીકળી પડે. “ આવી ડિયારી, મેઘરાજા જે ઘરે મેરાઇયો બરે” આજે પણ એ પ્રથા કચ્છમાં છે. વાસ્તવ મેઘરાજાને સન્માનપૂર્વક વિદાય આપવાની એ પ્રથા છે.         જેની પાસે ફટાકડા હોય એ ફોડે. બાકીના જોવાનો આનંદ લે. વર્તમાન સમયની વેદના એ છે કે બીજાનો આનંદ જોવાની વાત વિસારે પાડી દેવાઇ છે. બીજા પાસે હોય એ મારી પાસે શા માટે ન હોય ? એ વાત મન ઉપર ચડી બેઠી છે. અભાવ શબ્દ ખરેખર તો સાહિત્યકારોની દેન છે. વાસ્તવમાં ગરીબના બાળકને ખબર નથી હોતી કે અભાવ શું ચીજ છે. નવું વરસ વહેલી સવારે મળસ્કે શરૂ થઇ જતો. ગામના નાનાં-મોટાં સૌ એકબીજાના ઘેર જઈ, ગયા વર્ષમાં થયેલી ભૂલોની માફી માગતા. જાણે કે માફા-માફીનું સામુહિક અભિયાન ચાલે. એક તો અંધારું હોય, પાછું વહુવારુઓએ ઘુંઘટ તાણ્યા હોય ત્યારે જાતજાતના ફારસ પણ થતા. દિવાળીના તહેવારોમાં શહેરમાં રહેતા લોકો ગામડે આવે. મુંબઈ વસતા લોકો પણ દિવાળીએ પોતાના ગામે આવે. પોતાના જન્મભૂમિની ધૂળને સ્પર્શે, પોતાના ગામના લોકોને મળે. અલકમલકની વાતો થાય. એમાં કોઈ ન ઊંચું હોય ન કોઈ નીચું. બીજા દિવસથી એ જ ઘંટી અને એજ દળવાનું. તેમ છતાં કશુંક એવું હતું જેના કારણે માણસને જીવતરનો ભાર લાગતો નહોતો. ટેન્શન બીપી, એસીડીટી, ડાયાબિટીસ, નેટવર્ક, સેલફોન, શેર બજાર, રાજકારણ, હડતાળ, બેકારી, મંદી જેવા શબ્દોએ માણસના મગજમાં જગ્યા કરી નહોતી. આ  સમયના ખેલ છે. એ ચાલતા રહેવાના. સમયે મળે છે, પરંતુ એ સ્વરૂપે નથી મળતો જે સ્વરૂપે માણસે વિતાવ્યો હોય છે. એતલે જ દિવાળીના તહેવાર ક્યારેક ભૂતકાળમાં લઈ જઈ ઉદાસ કરી મૂકે છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com

Author: admin

Leave a Reply

Your email address will not be published.