ફિર દેખો યારોં : કોઈ નામ નહીં, બદનામ સહી

બીરેન કોઠારી

‘અમે સૌની લાગણી અને આસ્થાનું સન્માન કરીએ છીએ. અમારો આશય કોઈનું અપમાન કરવાનો યા કોઈની મજાક કરવાનો નહોતો. આમ છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો અમે ક્ષમાપ્રાર્થી છીએ.’ રખે માનતા કે આવું જાહેર નિવેદન કોઈ રાજ્યમાં કોરોનાની રસીની લહાણીનું ચૂંટણીવચન આપનાર કોઈ નેતા યા પક્ષે કર્યું છે, યા ‘એક મોટું વૃક્ષ ધરાશાયી થાય ત્યારે ધરતી સહેજ તો ધ્રુજે’ એમ કહેનારા કોઈ નેતાએ કરેલું. આ તો કોઈક કંપનીએ પોતાનાં કોઈ ઉત્પાદનની જાહેરખબરમાં દર્શાવાયેલી સામગ્રી બદલ લોકોની લાગણી દુભાઈ એ બદલ માગેલી માફી છે. આ પ્રકારના લખાણવાળી માફી સામાન્ય રીતે જે તે જાહેરખબરના વ્યાપક વિરોધ અને અમુક કિસ્સામાં જે તે ઉત્પાદનના બહિષ્કારના એલાન પછી માગવામાં આવે છે.

આપણા લોકોની લાગણી બહુ બટકણી હોય છે. એ ગમે ત્યારે, ગમે તેનાથી દુભાઈ શકે. કોઈક ફિલ્મનું નામ કે ફિલ્મમાંના કોઈ પાત્રનું નામ યોગ્ય ન લાગે તોય લાગણીને વાંકું પડે. કોક જાહેરખબરમાં કોઈને કશું વાંધાજનક લાગે તો પણ લાગણી દુભાઈ શકે. આપણા ધર્મનિરપેક્ષ ગણાવાયેલા દેશમાં ધર્મ, સંપ્રદાય અને ફાંટાની સંખ્યા વિપુલ પ્રમાણમાં છે. આ ઉપરાંત અનેક પેટાજૂથમાં વહેંચાયેલા લોકોના ધર્મગુરુઓ અલગ. પોતાના વ્યવસાય સાથે આવાં નામ સાંકળવાનું ચલણ જૂનું છે. વ્યવસાયનાં ઘણાં ક્ષેત્રો એવાં છે કે જેમાં પ્રચાર યા અપપ્રચાર મહત્ત્વનું પરિબળ હોય છે. ફિલ્મ અને જાહેરખબરનાં ક્ષેત્ર આવાં મુખ્ય ક્ષેત્ર કહી શકાય. કોઈ પણ ભોગે લોકોનું ધ્યાન આકર્ષવા માટે વિવિધ ગતકડાં આવા પ્રચારમાં અજમાવવામાં આવે છે. તેમાં કળાત્મકતા સાવ ઓછી, અને ઘણા ખરા કિસ્સામાં તેનો વિરોધ ન થાય તો ભાગ્યે જ એ તરફ ધ્યાન જાય એવી તેની કક્ષા હોય છે. પ્રચાર એજન્‍સીઓ એટલી ચબરાક હોય છે કે કોઈ પણ ભોગે પ્રસિદ્ધિ મેળવવાના પોતાના હેતુમાં તે ઘણે અંશે સફળ થતી રહે છે. લોકો દ્વારા થતો વિરોધ કાનૂની રીતે ભાગ્યે જ ટકી શકે એમ હોય છે. એટલે અમુકતમુક સમૂહ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવે તો જાહેર માફી માગી લેવાથી મોટે ભાગે મામલો ઠંડો પડી જાય છે. વર્તમાન યુગમાં જે રીતે વિવિધ સમૂહોની લાગણીઓ જે પ્રમાણમાં દુભાવા લાગી છે એ જોતાં એવી શંકા પણ થાય તો વાજબી છે કે આ રીતે લાગણી દુભવવાનું અને દુભાવાનું આખેઆખું બજાર વિકસ્યું હશે.

જાતીયતાના અતિરેકને, કોઈ ચોક્કસ સમૂહના દેવદેવીઓ યા ધાર્મિક માન્યતાઓને તોડીમરડીને જાહેરખબરમાં ઉપયોગમાં લેવામાં આવે એટલે પત્યું. ધર્મ, સંસ્કૃતિ સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતો એક ચોક્કસ સમૂહ ટાંપીને જ બેઠો હોય છે. આવા સમૂહમાંના ઘણાની ઓળખ અન્ય કશી હોતી નથી. તેમનું કામ માત્ર ને માત્ર વિરોધ નોંધાવવાનું કે વખોડવાનું જ હોય છે. જેમ લાગણી દુભવતી જાહેરખબર પ્રસારમાધ્યમમાં આવે ત્યારે જ અમુકતમુક ઉત્પાદન હોવાની જાણ થાય છે એમ એવી જાહેરખબરનો વિરોધ કરવામાં આવે ત્યારે જ લાગણી દુભાનારા સમૂહ યા સંસ્થા હોવાની જાણ થતી હોય છે. ‘પોતાની ઉદારતા અને સહિષ્ણુતાની કસોટી ન લેવા’ બાબતે તેઓ મરણિયા બની જાય છે. અલબત્ત, હવે સામાજિક નેટવર્કિંગ માધ્યમના કારણે વ્યક્તિગત વિરોધ જોવા મળે છે.

આવા લાગણીદુભાઉ સમૂહોને ધર્મ યા સંસ્કૃતિ સાથે ભાગ્યે જ કશી લેવાદેવા હોઈ શકે. પોતાના ધર્મ યા સંસ્કૃતિની અંદર રહેલી બીજી અનેક બદીઓનો વિરોધ કરવાનું તેમને કદી સૂઝતું નથી. બલ્કે તેના માટે તેઓ મિથ્યા ગૌરવનો ભાવ અનુભવતા હોય તો નવાઈ નહીં. એક રીતે જોઈએ તો આવી જાહેરખબર તૈયાર કરનારો અને તેનો વિરોધ કરનારો વર્ગ એકમેકનો પૂરક બની રહે છે. બેય પક્ષની ઓળખની સમસ્યાનો એ રીતે મોક્ષ થઈ જાય છે.

પોતાના ધર્મ અને સંસ્કૃતિને પ્રાચીન, પારંપરિક અને સર્વોત્તમ ગણનારા એ સમજતા નથી કે પોતાના ધર્મનો પાયો શું એટલો નબળો છે કે જાહેરખબરનાં આવાં છૂટાછવાયા, અને સાવ નિમ્ન કક્ષાના ગતકડાંથી હચમચી જાય? આ રીતે અકળાઈ ઉઠનારા ખરેખર તો પોતાના જ ધર્મને સંકુચિત ઠેરવે છે. આવી જાહેરખબરને સદંતર અવગણવામાં આવે તો તેની નોંધ સુદ્ધાં ભાગ્યે જ લેવાય. ‘મેરે નામ કા ભી નામ હો, બેશક યે બદ હો, પર બેનામ ન હો’નો મંત્ર જ આવી જાહેરખબરોનો ધ્યેયમંત્ર બની રહે છે. આવી જાહેરખબર બનાવીને તેના થકી પ્રસિદ્ધિ કમાઈ ખાવા ઈચ્છતા લોકોનો આમાં બચાવ નથી. પણ આવા મુદ્દે ઉશ્કેરાઈને જાણ્યેઅજાણ્યે અનુયાયીઓ એ લોકોના હેતુને પાર પાડવામાં મદદરૂપ બની રહે છે. એક વાર વિરોધ થાય, તેને પગલે વિવાદ થાય, વિવાદને પ્રસિદ્ધિ મળે અને પછી જાહેર માફી માગીને સમાધાન થવાનો ઘટનાક્રમ લગભગ નિશ્ચિત બની રહ્યો છે. આપણા હાસ્યલેખક સ્વ. વિનોદ ભટ્ટ કહેતા, ‘અખબારમાં તમારી તસવીર છપાઈ હોય એને જ લોકો યાદ રાખે છે. એ શા કારણે છપાઈ એ કોઈને યાદ રહેતું નથી.’ આ માનવીય માનસિકતા છે. આથી જ, વિવાદ થાય કે બહિષ્કાર, છેવટે જે તે ઉત્પાદનનું નામ લોકોના મનમાં નોંધાઈ જાય છે.

ધર્મ અને સંસ્કૃતિનું અપમાન જો આવી જાહેરખબરો કે ગતકડાંથી થતું હોય, તેનો પાયો ડગમગી જતો લાગતો હોય તો વધુ ધ્યાન એવા ધર્મ અને સંસ્કૃતિને દૃઢીભૂત કરવા પાછળ યા તેની સાચી ઓળખ પ્રાપ્ત કરવા માટે આપવું રહ્યું.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૯-૧૦-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

Leave a Reply

Your email address will not be published.