શબ્દસંગ : કચ્છનો અભ્યાસપૂર્ણ પરિચયાત્મક આલેખ: ‘રણ જણ જણનું’

નિરુપમ છાયા

        દૂરના અને કેટલીક આગવી વિશિષ્ટતાઓને કારણે પ્રદેશ તરીકે કચ્છ વિશ્વ કક્ષાએ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. એના વિષે વિવિધ પાસાંઓને લઈને ઘણા વિદ્વાનોએ અભ્યાસ, સંશોધન કર્યાં છે, લખ્યું પણ છે. ગુજરાતી સાહિત્યના જાણીતા સર્જક અને અભ્યાસુ વિવેચક ડૉ. ધીરેન્દ્ર મહેતા પણ એક સર્જકના દૃષ્ટિકોણથી કચ્છ અંગે લખતા રહ્યા છે અને વિવિધ પરિસંવાદો, સંમેલનોમાં વ્યાખ્યાન પણ આપતા રહ્યા છે. આ બધું હવે ‘રણ જણ જણનું’ નામે  પુસ્તક રૂપે પ્રકાશિત થયું છે.

       લેખકે પુસ્તકના પ્રારંભે નિવેદનમાં કહ્યું છે તેમ,  “…’ઉત્સવ’ઘેલું રણ કચ્છી માડુનું રણ નથી, જેટલું નિર્જન રણ એનું છે: રણ, જણ જણનું જુદું જુદું હોય છે.” પુસ્તક્ના સ્વરૂપની પણ તેઓ વાત કરે છે, ”પ્રકારાંતરે એનું સ્વરૂપ નિબંધનું છે. અને વિષયો કચ્છની અસ્મિતા, સાહિત્ય અને ભાષાને લગતા છે.” પુસ્તકમાં સમાવિષ્ટ કુલ્લ ૧૯ ( લેખક ૧૮ જણાવે છે, પણ અનુક્રમણિકામાં છે ૧૯) લેખોને સ્પષ્ટ રીતે આ વિષયોમાં વહેંચી શકાય છે, જેમાં અસ્મિતા અંગેના કચ્છના અનોખી રીતે પરિચયાત્મક ૪ અને સાંસ્કૃતિક સંદર્ભો  સાથેના  ૪ મળીને કુલ્લ ૮, અને સ્વભાવિકપણે લેખકના રસ અને અભ્યાસના ક્ષેત્ર સાહિત્ય વિષયક વધુ  ૧૧ લેખો છે. બધા જ લેખોમાં ઊંડો અભ્યાસ,નિરીક્ષણ અને પોતાનાં આગવાં તારણો પણ છે. કોઈ વિદ્વદ્જન આ તારણો સાથે ક્યાંક અસહમતિ દર્શાવે એવું બને પણ ફરીથી સ્પષ્ટ સમજીએ કે આ તારણો એમનાં ‘પોતાનાં’ ‘નીજી’ છે એ મહત્વનું છે.

        સંસ્કૃતિ વિષયક લેખોમાં કચ્છની વાત કરતા લેખોમાંનો પ્રથમ જ લેખ પુસ્તકના શીર્ષકને, કહો કે કેન્દ્રીય વિચારને સ્પષ્ટ કરે છે. કચ્છ એટલે રણ. આ એક સામાન્ય અભિપ્રાય છે. અને છેલ્લાં થોડાં વર્ષોથી  રણોત્સવને કારણે વિશ્વસ્તરે પંકાઈ ગયું છે. પણ લેખક  અહીં જુદા જ અભિગમથી રણને સમજે છે. પ્રારંભ જ પ્રશ્નથી થાય છે,”રણ એટલે શું, એમ તમને કોઈ પૂછે તો એ પ્રશ્નનો ઉત્તર તમારી પાસે છે?”  પછી લેખક  રણનો પ્રતીકાત્મક અર્થ સ્પષ્ટ કરે છે. રણની અફાટતા, અગાધતા અને એને કારણે તરસ, અને રણ સાથે જ   મૃગ, ઊંટ, ચાંદની, ચાંદ, પીડાનું પણ લેખક સ્મરણ કરે છે. ‘દરેક જણ પોતપોતાની તરસ અને પોતાની ઝંખના લઈને આ રણપ્રદેશમાં ભટકે છે….અને એ(ને) પ્રગટ કરવા માટે પણ એ રણપ્રદેશનું આલંબન લે છે.’ પછી દરેક રણ જુદાં છે ત્યાંથી લઈને, ‘જણ જણનું રણ જુદું છે કારણ કે જણ જણનું સંવેદન જુદું છે’ એમ કહી, …’તમારી માંહ્યલીકોરથી તમારી આંખોમાં ફેલાતું રણ (નો વિસ્તાર) ખુદને પણ એની ખબર નથી. કારણ કે એની કોઈ ભૂગોળ નથી.’ સાથે આગવી દૃષ્ટિ સુંદર રીતે સ્પષ્ટ કરી છે. આખાયે લેખમાં ભાષા, કલ્પનો દ્વારા રણનાં સૌન્દર્ય અને રમણીયતા તેની  એક વિશિષ્ટ આકૃતિ સર્જે છે. એક જ ઉદાહરણ, “..જણ જણનું રણ જુદું જુદું હોય છે. સામેના રણને જોઈને એ ભીતરથી બહાર આવી જતું હોય છે. કોઈમાં દોડતા મૃગની તરસ હોય છે તો કોઈમાં જડબાંની વચ્ચે એકાંત ચગળતા ઊંટનાં સપાટ પગલાંની થપથપાટ હોય છે…અનંત ચમકારાની બેવડમાંથી સહસા નીકળી આવતું અંધારું પણ હોય છે. સર્જકતા અને સાહિત્યિકતાનો સ્પર્શ પામતાં આવાં કેટલાંએ સ્થાનો મળે છે.

          કચ્છ સાથે જ  વિશેષપણે સંભળાતો, ચર્ચાતો  રહેતો શબ્દ છે ‘ક્ચ્છીયત’. એની પણ ભાષાની દૃષ્ટિએ ઉદાહરણો સાથે વિશ્લેષણાત્મક વ્યાખ્યા, “અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે પણ અડગ વતનપ્રેમ, અને એ પ્રેમમાંથી જ પ્રાપ્ત થતું વિપરીત સંજોગોમાં પણ સ્વત્વ જાળવી રાખવાનું બળ….આ આબો હવામાં જીવતો માણસ દિલોજાનથી કચ્છનો છે –કચ્છી છે. એ કચ્છીયત…..” આપી  પછી દુલેરાય કારાણી, સર્જક જયંત ખત્રીની ‘ધાડ’ અને ‘ખરા બપોર’ અને અન્ય કચ્છી સર્જકોની કૃતિઓમાંથી ઉદાહરણો અને પ્રાદેશિક વિશેષતાઓ સાથે ભાવાત્મક અર્થ સ્પષ્ટ કર્યો છે, અન્ય લેખોમાં રામસિંહજી રાઠોડે તૈયાર કરેલાં ‘ભારતીય સંસ્કૃતીદર્શન કચ્છ’ના  ‘ભાગ્યભરણી વિધિ (શુભારંભ) નિમિત્તે કચ્છ આવેલા શ્રી ઉમાશંકર જોશીના બે દિવસના કાર્યક્રમોનાં સંસ્મરણો ‘ભારતપચ્છમ અચ્છો કચ્છ’માં ,તો ‘નાશ અને નિર્માણ’માં  કચ્છના ગોઝારા ભૂકંપની લેખક નોંધે છે તેમ,”વરસી તરીકે લોકો ઓળખાવે છે એવી મૃત્યુની ઘટના, આખા નગરની મૃત્યુની ઘટનાની બીજી વરસીએ નવનિર્માણની શરુ થવાની પ્રક્રિયા”ની વાત કરતાં જાણે નગરજનોનાં હૃદયમાં જાગતા ભાવતરંગો વ્યક્ત કર્યા છે, એક પ્રશ્ન સાથે કે, ‘નવનિર્મિત નગરનું બારણું કઈ દિશામાં ઉઘડશે?

         અસ્મિતા વિભાગમાં જ મૂકી શકાય એવા કચ્છની સાંસ્કૃતિક ચેતના ઝીલતા લેખોમાં કચ્છના  પ્રેમી, ચિંતા સેવનારા મધુભાઈ ભટ્ટના સમ્મુખ અને સંનિકટ થતા, કવિ,કલાકાર,અધ્યાપક, સંસ્કૃતિ-આરાધક, સરકારી અમલદાર, ઈજનેર, રાજકીય નેતા અરે, ખેડૂત કે ગ્રામસેવક પણ ખરા એવા લોકો વિશેના ચરિત્રનિબંધના પુસ્તક ‘લાખેણા માડુ કચ્છજા’નો પરિચય કરાવે છે. પુસ્તકમાં સંકુચિત નહીં, સીમાક્ષેત્ર વિશાળ છે એવો પોતાપણાનો  ભાવ છે અને ‘જેમના વિષે એ કહે તો જ આપણે જાણી શકીએ…અને એવી ઝીણી નજરે એવી વ્યક્તિઓની વિશેષતા પારખી બતાવી હોય કે આપણને એમ લાગ્યા વગર રહે નહિ કે ના, ના, ‘ચીજ’ છે તો લાખેણી…’  જેવી પુસ્તકની ઘણી  વિશિષ્ટતાઓ ઝીણી નજરે લેખકે જોઈ છે. ‘આસન બિછાવ્યું છે’ અને ‘જેમના પાટલા નાખ્યા છે’ જેવા શબ્દપ્રયોગો વિશિષ્ટ બની રહે છે. એ જ રીતે, કચ્છમાં ભવાઈ કલા અંગે રસપ્રદ વિગતો  ‘કચ્છમાં ભવાઈનું સ્વરૂપ’ માં આપી  છે, ‘કચ્છની કાયસ્થ બોલી’માં અભ્યાસપૂર્ણ તારણો,  અને કચ્છની સંત પરંપરામાં પુરષ સંતોની જેમ સ્ત્રી સંતોમાં એક ઉજ્જવળ નામ ગોમતીબાઈનો વિશદ પરિચય ‘કચ્છ: સંતોની ભૂમિ’માં મળે છે.

      ‘સાહિત્ય’  અંતર્ગત લેખોને પણ કેટલાક વિભાગોમાં વહેંચી શકાય છે. એમાં કચ્છ સંદર્ભે સાહિત્યને  લેખકે વિવિધ દૃષ્ટિએ જોયું છે. ‘કચ્છ, ભૂકંપ,અને સાહિત્ય’માં ઘટનાને કારણે અનુભવેલી પરિસ્થિતિમાંથી પ્રગટતી સંવેદના છે. અને આ સંવેદના ઘટના સમગ્રની અને સાર્વત્રિક પણ જાણે બની રહે છે જે આ શબ્દોમાં વ્યક્ત થાય છે, “મનુષ્યની ભીતર પણ વિનાશ થયો છે અને માનવસંબંધો તથા સંવેદનાઓની ભંગુરતા પણ પ્રગટ થઇ છે.” (પૃ. ૧૬) લેખક ઘટના સંદર્ભે કચ્છીયતનો ભાવિ ઉજાસ પણ જુએ છે, ‘અજ્ઞેય’ની નવલકથા ‘શેખર એક જીવની’માંથી એક સંવાદ ટાંકીને, ‘તાપ લકડીમેં  નહીં હોતા,આગમેં હોતાં હૈ.’ (પૃ.૧૭). લેખકે એક સર્જક મિત્રને લખેલો  પત્ર પણ આપ્યો  છે અને આ ઘટનાને કેન્દ્રમાં રાખીને સર્જેલી પોતાની કૃતિ ‘છાવણી’નો પણ ઉલ્લેખ કરે છે. આમ એ ક્ષણોનું ચિત્ર, પીડા, પરિસ્થિતિ અને પરિણામો સાથે દોર્યું છે. એજ રીતે ‘પ્રદેશ વિશેષ અને સાહિત્ય’ લેખમાં ઉદાહરણો આપીને તારવે છે કે કચ્છી સાહિત્યનો મુખ્ય નિરૂપણ વિષય વતનપ્રેમ રહેલો છે અને સાથે એ પણ નોંધે છે કે સર્જકો પ્રતીકો, કલ્પન, અલંકાર જેવાં કલાતત્વોને  આ પ્રદેશના રણ અને સમુદ્રના  પરિવેશ સાથે જોડી, સૌન્દર્યની છબિ ઝીલીને પ્રદેશનો પોતાનો એક સતત પલટાતો મિજાજ પણ પ્રગટ કરે છે. આ લેખમાં ‘ભારતીય સાહિત્યના નકશાને અંકિત કરતી આ પ્રદેશના સાહિત્યની કેટલીક દૃઢ રેખાઓ’ (પૃ. ૩૯). ઉપસી આવે છે. આના જ સંદર્ભમાં ‘સાગરકથાઓ અને કચ્છ’ને  જોઈ શકાય, જેમાં ‘ચંદ્રશંકર બુચ ‘સુકાની’ની ‘દેવો ધાધલ’થી લઈને અન્ય કચ્છી લેખકોના ઉલ્લેખસાથે વર્તમાનમાં હસમુખ અબોટી ‘ચંદન’ સુધી સાગર કથાની વિસ્તરતી યાત્રાનો આસ્વાદ કરાવ્યો છે. સહુથી લાંબો લેખ ‘કચ્છના સાહિત્ય પ્રવાહો’માં કચ્છની વિશિષ્ટતાઓ સાથે પ્રારંભ કરી, વિપુલતા અને વૈવિધ્યસભર લોકસાહિત્યનો પરિચય કરાવતાં, સંત પરંપરા, દુલેરાય કારાણી, વૃજભાષા પાઠશાળા, સમકાલીન કવિતા અને ગુજરાતી ગદ્ય લેખન જેવા મુદ્દાઓને ચર્ચતાં ‘કચ્છ પ્રદેશમાં જુદાં જુદાં સ્ત્રોતકેન્દ્રોથી પ્રવાહમાન ધારાઓએ ગુજરાતના સાહિત્યપ્રવાહને  કેવો સમૃદ્ધ કર્યો છે તેનો અંદાજ’ આપ્યો છે.

                      કચ્છી ભાષા વિશેના ‘કચ્છી ભાષા:અસ્તિત્વ-સંઘર્ષની રોમહર્ષક ક્ષણો’ લેખમાં કચ્છીમાં ગદ્યસર્જનની ઓછપ, વાચકો પણ માર્યાદિત, કેટલાંક પરિબળોને કારણે ન  વિસ્તરેલી સીમાઓ, કૃતિની વસ્તુ સામગ્રી અને કદ-પ્રકાર,મુદ્રણ, ગ્રંથનિર્માણ જેવી સમસ્યાઓ વચ્ચે સર્જનાત્મક અને સંશોધન ક્ષેત્રોમાં સાહિત્યકારોને લેખક, ‘અસ્તિત્વ ટકાવી રાખવા માટેનો તરફડાટ અને સંઘર્ષ મુગ્ધ કરે છે’ એમ કહીને વધાવે  પણ છે. તો રણજીતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતી વેળાએ આપેલા પ્રતિભાવમાં ભાષા મોરચે દ્વિભાષી અને સંકુલ સ્થિતિ સ્પષ્ટ કરે છે. ‘શબ્દ મને અનુભૂત ક્ષણમાં લઇ જાય છે’ એમ કહી સર્જનની નીજી ક્ષણોમાં લઈ જઈને એમ પણ કહે છે કે ‘અનુચ્ચરિત શબ્દનો મહિમા પણ ઓછો નથી. સર્જનાત્મકતાને  સ્પર્શતા બે લેખોમાં  ‘કચ્છીમાં ગઝલ: શક્યતા અને સાહસ’ ગઝલમાં વૈવિધ્યતા સાથે  બહુધા વપરાતા માત્રામેળ છંદો, રદીફ કાફિયા, ગેયતા, સરળતા સાદગી સચોટતા અને કચ્છી કવિતા: જીં મહાસાગરમેં મચ્છ’માં કવિતામાં મુખરિત થતા સ્વદેશભક્તિ, અધ્યાત્મભાવ, જેવી બાબતોને સ્પષ્ટ રીતે રેખાંકિત કરતાં  આપેલું તારણ આ સર્જનાત્મક પાસાંથી પ્રતીત થતી  ભાષાની સમૃદ્ધિનું મહિમાગાન કરે છે.” …કોઈને કાંકરા જેવી કઠોર, કોઈને અણઘડ. તો કોઈને જડ  અને ક્લિષ્ટ જણાતી આ કચ્છી બોલી પણ કેવી સરળ અને ગહન, મીતાક્ષરી અને વાકપટુ,મધુર અને વેધક બની શકે છે, પદ્યની કેટકેટલી  છટાઓ દર્શાવી શકે છે તેનો ખ્યાલ આવે એમ છે” (પૃ.૭૬). ચરિત્રાત્મક લેખો ‘સ્વામી બ્રહ્માનંદ’, ‘દુલેરાય કારાણી’  દ્વારા આ ધરતીની મહેક પ્રસરાવે છે. સાહિત્ય વિભાગમાં જ મૂકી શકાય એવા ‘કચ્છનાં નારી સર્જકો’ પુસ્તકના  પરિચય લેખથી  આ ભાષાનાં સાહિત્યની  એક નવી દિશાનો પરિચય મળે છે.           

કોઈ વિદ્વતા વિનાની સરળ ભાષા અને પ્રવાહી  શૈલી, તર્કપૂર્ણ પ્રસ્તુતિ, વિષયને દૃઢ કરતાં અનેક ઉદાહરણોથી પુસ્તક સહજપણે રસપૂર્ણ બને છે. 


શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com

Author: admin

1 thought on “શબ્દસંગ : કચ્છનો અભ્યાસપૂર્ણ પરિચયાત્મક આલેખ: ‘રણ જણ જણનું’

  1. પુસ્તક પરિચય બદલ આપનો આભાર. હવે વાંચવું જ રહ્યું .

Leave a Reply

Your email address will not be published.