ટાઈટલ મ્યુઝીક (૪૬) – જુગનૂ (૧૯૭૩)

બીરેન કોઠારી

સચીન દેવ બર્મન ઊર્ફે એસ.ડી.બર્મન ઊર્ફે સચીનદાની કારકિર્દી ફિલ્મોની સંખ્યાની દૃષ્ટિએ તેમના અમુક સમકાલીનોની સરખામણીએ ઠીક ઠીક લાંબી કહી શકાય એવી હતી. હેમંતકુમાર, નૌશાદ, રોશન કરતાં ફિલ્મોની સંખ્યા ઘણી વધુ. જો કે, સચીનદાના સંગીતનો મુખ્ય ફરક એ જણાય કે તેમના સંગીતની તાજગી છેક સુધી બરકરાર રહેલી. આમ થવા પાછળ તેમના પ્રતિભાશાળી સહાયકો રાહુલ દેવ બર્મન, મનોહરી સીંઘ, બાસુ ચક્રવર્તી, મારુતિરાવનું પણ માતબર પ્રદાન હશે એમ લાગ્યા વિના રહે નહીં. પુત્ર રાહુલ દેવે સ્વતંત્ર સંગીતકાર તરીકે કારકિર્દીનો આરંભ ‘છોટે નવાબ’ (1961) થી કરી દીધો અને નોંધપાત્ર સફળતા મેળવી લીધી હતી. આમ છતાં સચીનદાના સહાયક તરીકે તેમની ભૂમિકા અવશ્ય રહેતી. 

(પ્રમોદ ચક્રવર્તી)

ખાસ કરીને સાઠના દાયકાના ઊત્તરાર્ધ અને સિત્તેરના દાયકામાં આવેલી સચીનદાની ફિલ્મોનાં કેટલાક ગીતો સાંભળતાં સ્પષ્ટપણે તેમાં રાહુલ દેવ બર્મનનો હાથ ફરેલો લાગે.  પ્રમોદ ચક્રવર્તીની ૧૯૭૩ માં રજૂઆત પામેલી ફિલ્મ ‘જુગનૂ’નાં અમુક ગીતોમાં પણ આમ જણાઈ આવે છે. આ ફિલ્મ જે તે સમયે અતિશય સફળ રહી હતી અને ધર્મેન્દ્રની ભૂમિકા તેમાં ખૂબ વખણાઈ હતી. તેની રજૂઆતના ગાળામાં મારી કિશોરાવસ્થા હતી, અને એ જોવાનો મોકો મને મળ્યો નહોતો. પણ નડીયાદ જઈને ‘જુગનૂ’ જોઈ આવેલા ફળિયાના છોકરાઓ એની ‘સ્ટોરી’ કહેતા, જે ભારે રોમાંચ પ્રેરતી. સાંભળ્યા મુજબ તેમાં ધર્મેન્દ્ર સખત ચોકીપહેરા વચ્ચે લટકતી સોનાની માછલીની ચોરી કરવા જાય છે એ દૃશ્યે લોકોને ખૂબ પ્રભાવિત કરેલા. અમારા ફળિયામાં રહેતો ‘ગિરિયો’  તેનાથી એટલો પ્રભાવિત થઈ ગયેલો કે તેણે પોતાનું નામ ‘જુગનૂ’ રાખી દીધેલું. રોજમદારી કરતા ગિરિયાને બધા ‘ગિરિયો જુગનૂ’ કહીને જ બોલાવતા અને પછી તો ફક્ત ‘જુગનૂ’ કહીને. 

ધર્મેન્‍દ્ર, હેમા માલિની, પ્રાણ, મહેમૂદ, લલિતા પવાર, જયશ્રી ટી. જેવા કલાકારોની મુખ્યભૂમિકા ધરાવતી ફિલ્મ ‘જુગનૂ’નાં કુલ છ ગીતો હતાં. બધાં ગીતો આનંદ બક્ષીએ લખ્યાં હતાં. ‘છોટે છોટે બચ્ચે‘ (કિશોરકુમાર), ‘તેરા પીછા ના મૈં છોડૂંગા‘ (કિશોરકુમાર), ‘જાને ક્યા પિલાયા તૂને‘ (લતા), ‘મેરી પાયલિયા ગીત તેરે ગાયે’ (લતા), ‘ગિર ગયા ઝુમકા, ગિરને દો‘ (લતા-કિશોર), અને ‘ચલે આના પીપલ કે નીચે મુલાકાત કો‘ (લતા). આ ગીતોમાં ‘ગિર ગયા ઝુમકા’, ‘પ્યાર કે ઈસ ખેલ મેં’, ‘જાને ક્યા પિલાયા તૂને’ જેવાં ગીતોમાં રાહુલદેવનો હાથ ફરેલો જણાઈ આવે. 

(‘જુગનૂ’નો એક સ્ટીલ)

આ ફિલ્મનું ટાઈટલ મ્યુઝીક 3.39 થી આરંભાય છે. શરૂઆત ‘ચલે આના પીપલ કે નીચે’ની ધૂનથી થાય છે, જે જાણે કે બૅન્ડવાજાંમાં વાગતી હોય એમ લાગે છે. 4.16 થી આવતો ધૂનપલટો આગળ જતાં ‘ગિર ગયા ઝુમકા’માં પરિણમે છે. 5.04 થી સેક્સોફોનનો પીસ શરૂ થાય છે. 5.45 સુધી આ ટાઈટલ ટ્રેક છે. 

(ડાબેથી) લતા મંગેશકર, રાહુલ દેવ બર્મન, આનંદ બક્ષી, સચીન દેવ બર્મન

આ ટાઈટલ શરૂ થતાં અગાઉનાં દૃશ્યોમાં ‘નાલાયક ઔલાદ’, ‘અંગ્રેજોં કી દી હુઈ ઈજ્જત’, અને ફિલ્મની ઓળખ સમો ‘બાપ કે નામ કા સહારા કમજોર લોગ લેતે હૈં’નો સંવાદ પ્રાણના અવાજમાં સાંભળવાની મઝા આવે છે.

કેવળ નોંધ ખાતર એટલો ઉલ્લેખ કે આ જ નામની ફિલ્મ ૧૯૪૭ માં દિલીપકુમાર અને નૂરજહાંની મુખ્ય ભૂમિકામાં રજૂ થઈ હતી, જેનાં ગીતો આજે પણ એટલાં જ કર્ણપ્રિય છે.

અહીં આપેલી લીન્કમાં ‘જુગનૂ’ (૧૯૭૩)નું ટાઈટલ મ્યુઝીક 3.39 થી 5.45 સુધી સાંભળી શકાશે.


(તસવીરો નેટ પરથી અને લીન્‍ક ડેઈલીમોશન.કોમ પરથી સાભાર)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

1 thought on “ટાઈટલ મ્યુઝીક (૪૬) – જુગનૂ (૧૯૭૩)

  1. જુગનૂ (૧૯૭૩) સાથે એક જ સુખદ યાદ જોડાઈ છે કે એ ફિલ્મ અમે – ગુજરાતના વિદ્યાર્થીઓ- લોકો પિલાણી પહોંચવા માટે જયપુર સ્ટેશને ટ્રેન પકડવા પાંચ કલાકની રાહ જોવી પડતી ત્યારે જોયેલી બે ફિલ્મોમાંની એક ફિલ્મ છે. બીજી હતી પારસ (સંજીવ કુમાર).
    જયપુર રેલ્વે સ્ટેશનથી પદંરેક મિનિટ ચાલતા જવાના અંતરે એક થિયેટર હતું. તેની બાજુમાં જ સારૂં અને સસ્તું, જમવાનું પણ મળતું. એટલે અમે જમવાનું અને એ પાંચ કલાકનો સમય વિતાવવા માટેનો ઉપાય શોધી કાઢ્યો હતો એ થિયેટરમાં ચાલતી ફિલ્મ જોઈ કાઢવાનો.
    બન્ને ફિલ્મો એ સમયે પણ અમારામાંનો કોઈ પણ આખી જોઈ નહોતો શક્યો. એટલે માંડ બે એક કલાક કાઢીને પછી પાછા સ્ટેશને આવીને જ આંટા માર્યા હતા.

    તે પહેલાં એલ ડી (એન્જિનિયતીંગ, અમદાવાદ)માં અમે લોકોએ વર્કશૉપના ‘પિરીયડ’ દરમ્યાન અલગ અલગ બેચમાં સેન્ટ્રલ ટોકીઝ )પાનકોરનાકા, અમદાવાદ)માં મુકાતી ખાસ જૂની ફિલ્મો જોવા જતા. અમારે લાળે બે ત્રણ મિત્રો દિલીપ કુમારની જુની ફિલ્મો જોવાનો ત્રાસ વેઠી લેતા. પણ જુગનૂ (૧૯૪૭) જોતાં જોતાં તેઓ વચ્ચેથી જ ભાગ્યા અને વર્કશોપમાં પહોંચી અમારા બધાના ‘જોબ’ પુરા કરી નાખ્યા હતા. તે પછીથી બધાં વર્ષ એ લોકો કહેતા રહ્યા હતા કે ટર્મને અંતે તમારી ડ્રોઇંગ શીટ્સ કે જર્નલ પુરી કરવી સારી, પણ આ જુગનૂ તમારી સાથે ફરી જોવા ન જવું !!

Leave a Reply

Your email address will not be published.