સમયચક્ર : હાંસિયામાં ધકેલાઈ ગયેલું કચ્છ – સૌરાષ્ટ્રનું મૂળ ધાન્ય બાજરો

ખોરાકની બાબતમાં આધુનિક વિશ્વમાં દેશ-પ્રદેશની સરહદો ભૂંસાઈ ગઈ છે. જે તે પ્રદેશના હવામાન પ્રમાણે ત્યાં પેદા થતી વનસ્પતિ શરીરને જરુરી તત્વો પૂરાં પાડવા મોટાભાગે સક્ષમ હોય છે. લાંબા ગાળે ક્યારેક એવું પણ બનતું હોય છે કે અમુક જાતના અનાજ-કઠોળ ધીરે ધીરે વપરાશમાં ઓછા થતા જાય છે. આવું ભારતમાં અને ખાસ તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં બાજરા સાથે થયું છે. કચ્છ અને સૌરાષ્ટ્રના  હવામાન અને ચોમાસાની ક્ષમતાને અનુકૂળ એવું આ ધાન્ય પ્રજાનો મૂળ ખોરાક હતો. કેટલાક લોકો બાજરો ગરમ હોવાની માન્યતાને લીધે ખાતા નથી. પરંતુ એ અર્ધ સત્ય છે. વાસ્તવમાં બાજરો પોષક તત્વોની દષ્ટિએ ઘઉં કરતાં ચડિયાતો છે અને પચવામાં ઝડપી છે.

માવજી મહેશ્વરી

બલિહારી તુજ બાજરા, જેના લાંબા પાન; ઘોડે પાંખું આવિયું, બુઢ્ઢા થયા જુવાન.

ઉપરોક્ત દૂહો સૌરાષ્ટ્રની ભૂમિ સાથે જોડાયેલા ધાન્ય બાજરાનું શું મહત્વ છે તે દર્શાવે છે. કોઈ સમયે કચ્છ અને સૌરાષ્ટ્રમાં બાજરો મુખ્ય ધાન હતું. બાજરાના રોટલા આ બેય પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક હતો. ભારતની આઝાદી પછી અનાજની અછત દૂર કરવા અને વધૂ ઉત્પાદન મેળવવા ઘઉંની વિવિધ જાતો વિકસાવવામાં આવી. સરકારી રેશનની દુકાને પણ ઘઉં આપવામાં આવ્યા. પરિણામે થયું એવું કે જે પ્રજાના મુખ્ય ખોરાકમાં બાજરાનું સ્થાન હતું તે ઘઉંએ લઈ લીધું. એટલું જ નહીં બાજરો વાવતા ખેડૂતો પણ ઘઉં વાવવા લાગ્યા. ધીરે ધીરે બાજરો હાંસિયામાં ધકેલાતો ધકેલાતો બિચારો થઈ ગયો. ગુજરાતમાં ઘઉં ખાવાની શરુઆત કરનાર ભણેલો અને સુંવાળો વર્ગ હતો. જે મોટાભાગે બેઠાળુ વ્યવ્સાયો સાથે જોડાયેલો હતો. સામાજિક દષ્ટિએ પણ એવી માન્યતા ફેલાતી ગઈ કે બાજરો ગરીબ માણસોનો ખોરાક છે. વીસમી સદીના અંતિમ બે દાયકામાં ગુજરાતમાં રોકડિયા પાકો ખાસ કરીને મગફળીને કારણે ચોમાસુ ખેતી સાથે જોડાયેલા ખેડૂતએ પણ બાજરો વાવવાનું ઓછું કરી નાખ્યું. બીજી તરફ એજ ગાળામાં દેશમાં હરિતક્રાંતિને કારણે ઘઉંનું વિક્રમી ઉત્પાદન થયું. વર્તમાન ચિત્ર એવું છે કે કચ્છ અને સૌરાષ્ટ્રની પ્રજામાં બાજરો અમુક સમયે જ ખાવાનું ચલણ રહ્યું છે. એક તરફ મોટાભાગના વ્યવસાયો Indoor થતા જાય છે. Out door વ્યવસાયોનું પ્રમાણ ઘટતું જાય છે. ચાલવાનું અને શ્રમ કરવાનું સ્થાન મશીનોએ લઈ લીધું છે ત્યારે હવે ફરી જે તે પ્રદેશના હવામાન પ્રમાણે ખોરાક લેવાનું જાણકારો કહી રહ્યા છે. એ અર્થમાં કચ્છમાં રહેતી પ્રજાને ઘઉં અનુકૂળ છે કે બાજરો તે આવનારો સમય સ્પષ્ટ કહી દેશે.

મૂળે ઉષ્ણ કટિબંધીય ખંડો અને વિસ્તારો, ખાસ કરીને આફ્રિકા અને ભારતીય મહાદ્વીપ બાજરાના પાકને વધૂ અનૂકૂળ આવ્યા છે. બાજરાનું ઉત્પતિ સ્થાન પશ્ચિમ આફ્રિકાનું સાહેલ વિસ્તાર હોવાનું માનવામાં આવે છે. ભારતમાં તે આફ્રિકાથી જ આવ્યો છે. ભારત અને આફ્રિકામાં બાજરો પ્રાગ ઐતિહાસિકકાળથી ઉગાડવામાં આવતો હોવાના પ્રમાણ છે.  સામાન્યપણે એ સ્વિકારવામાં આવેલું છે કે બાજરાની જાત આફ્રિકામાં ઉત્પન્ન થયેલી અને ત્યાંથી ભારતમાં આવી. અગાઉના પુરાતત્વીય દસ્તાવેજો અનુસાર ઇ.પૂ. ૨૦૦૦માં બાજરાની જાત ભારતમાં આવી હશે, તે પહેલા તેણે આફ્રિકામાં અનુકુલન સાધેલું હશે. પછીથી દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં અને દક્ષિણ એશિયામાં પણ તેની ખેતી થવા લાગી. યુ.એસ.માં ૧૮૫૦માં બાજરાની ખેતી શરૂ થયાના અને બ્રાઝિલને આ પાકનો પરીચય ૧૯૬૦માં થયાના દસ્તાવેજો મળે છે.

બાજરો કે બાજરીને અંગ્રેજીમાં  Pearl millet કહે છે અને તેનું વૈજ્ઞાનિક નામ Pennisetum glaucum છે આફ્રિકામાં બાજરાને મહાંગુ, સાનિયો, ગેરો, બાબલા, ન્યોલોટિ, ડુક્કિન, સૌના,પેટિટ મિલ, મેક્ષોઇરા, મશેલા, મહુન્ગા,, શોના, જેવા નામે  ઓળખવામાં આવે છે. ભારતમાં ગુજરાતી, હિન્દી, મરાઠી અને પંજાબીમાં બાજરો કે બાજરી, કન્નડમાં સાજ્જે, તમિલમાં કામ્બુ, તેલગુમાં સજ્જાલુતે કહેવાય છે. ઓસ્ટ્રેલિયામાં તેને બુલરશ મિલેટ, બ્રાઝિલમાં મિલ્હેટો, અમેરિકામાં કેકટલ મિલેટ, યુરોપમાં પર્લ મિલેટ, કેન્ડલ મિલેટ, અને ડાર્ક મિલેટ કહે છે. ગુજરાતી ભાષામાં રોટલી શબ્દ મૂળે બાજરી કે જુવારના રોટલા પરથી બન્યો છે.

બાજરો સૂકા કે ઓછા પાણીવાળા વિસ્તારોમાં, ઓછી ઉપજાઉ જમીનમાં અને ઉચ્ચ તાપમાનમાં ઉત્પાદન માટે અનુકુળ છે. તે વધુ ક્ષારવાળી કે ઓછી પી.એચ. ધરાવતી જમીનમાં પણ સારૂં ઉત્પાદન કરે છે. પોતાની પ્રતિકુળ સ્થિતિને અનુકુલન સાધવાની પ્રકૃતિને કારણે, તે જ્યાં અન્ય ધાન્ય પાકો, જેવા કે મકાઈ અને ઘઉં, ન ઉગી શકે ત્યાં પણ ઉગે છે. બાજરો પારંપારિક રીતે ઉગાડવામાં આવે છે ત્યાં તેમાંથી રોટલા, પાંઉ, કાંજી, બાફીને ખાવા કે મદિરા બનાવવા માટે તે ઉપયોગી છે. પશ્ચિમ આફ્રિકાના સાહેલ ભાગમાં તેમાંથી ‘કુસ્કસ’ નામની વાનગી બનાવવામાં આવે છે. તેના ઠૂંઠાનો ઉપયોગ બાંધકામની સામગ્રી તરીકે, બળતણ તરીકે કે ચારા તરીકે થાય છે. જ્યાં બાજરો અપરંપરાગત છે તેવા વિસ્તારો કે યુ એસ એ કેનેડાબ્રાઝિલઓસ્ટ્રેલિયા અને યુરોપમાં બાજરાને સાથી પાક (લીલું ખાતર બનાવવા) તરીકે અથવા ચારા કે કડબ તરીકે થાય છે. બ્રાઝિલના ‘સૅર્રાડો’ ક્ષેત્રમાં સોયાબીન પકવતા ક્ષેત્રોમાં સોયાબીન સાથે જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા બાજરો ઉગાડવો અત્યંત આવશ્યક છે. તે નિંદામણનો વિકાસ પણ અટકાવે છે. પહેલાના સમયમાં ભલે તે સાથી પાક તરીકે ઉગાડવામાં આવતો પણ હવે તે મોટે ભાગે ચારા તરીકે કે અન્ન માટે વપરાય છે. કેનેડામાં બાજરો બટાટાની ખેતીમાં ફેર પાક તરીકે જમીનની ફળદ્રુપતા ટકાવવા માટે ઉગાડવામાં આવે છે. યુ.એસ.એ.માં તેનો ઉપયોગ હંગામી ઉનાળુ ચારા તરીકે થાય છે કેમ કે તેમાં ઘણી માત્રામાં પ્રોટીન હોય છે. તે પાચક છે અને તે ‘પ્રુસ્સિક ઍસિડ’ (prussic acid) રહીત છે. તેનો ઉપયોગ ઘોડાબકરીડુક્કર વગેરે જાનવરોના ચારા માટે થાય છે.  આજ કાલ મોટા ભાગના બાજરાનો ઉપયોગ પક્ષીઓને ખવડાવવા, ખાસ કરીને મરઘાં ઉછેર કેન્દ્ર, બટેર (લેલાં), ટર્કી, તેતર અને જંગલી કબૂતર જેવા લડાકુ પક્ષીઓને ખવડાવવા થાય છે. બાજરી ખવડાવવાથી મરઘીના ઇંડામાં ‘ઓમેગા ૩’ નામના ફેટી ઍસિડની વધુ માત્રા મળે છે. ઢોર, ડુક્કર અને અમુક કૂતરાઓના ખાદ્ય પદાર્થ તરીકે પણ બાજરી વપરાય છે. તેમાં રહેલી પ્રોટીનની વધુ માત્રા અને ઝડપથી આથો આવવાના લક્ષણને કારણે તેનો ઉપયોગ ઇથેનોલનાં ઉત્પાદનમાં કાચા માલ તરીકે પણ થાય છે. મકાઈ અને ચારો વાપરતાં કારખાનામાં બાજરી પણ તેટલી જ સરળતાથી વાપરી શકાય છે. યુ એસ એ માં બાજરી ભારતીય પદાર્થ વેચતી દુકાનોમાં મળે છે. અમેરિકામાં વસતા આફ્રિકનો અને ભારતીય ઉપખંડનાં લોકોમાં બાજરો પ્રખ્યાત અને પારંપારિક ખાદ્યાન્નનું સ્થાન ધરાવે છે. આ ‘ગ્લુટેન’ મુક્ત અનાજનો અમેરીકામાં ભિન્ન ખોરાક તરીકે પ્રસાર મર્યાદિત રહ્યો છે.

કવિ હૃદયના રાજવી લાખો ફૂલાણી કચ્છમાં બાજરો લાવ્યાનું કહેવાય છે. એવું પણ મનાય છે કે કચ્છમાં બાજરો સૌ પ્રથમ ખડીર વિસ્તારમાં આવ્યો હતો. પરંતુ આઝાદી પહેલા કચ્છના મોટાભાગના વિસ્તારોમાં બાજરો વવાતો. જેમા વાગડ, ખડીર, અબડાસા અને લખપત વિસ્તારનો બાજરો અત્યંત પૌષ્ટિક ગણાતો. કચ્છમાં જે બાજરો વવાતો તે દેશી બાજરા તરીકે ઓળખાતો. તેનો છોડ ઊંચો અને ડૂંડૂં ભરાવદાર થતું.  ૧૯૭૫ પછી હાઈબ્રીડ બાજરાની જાત કચ્છમાં આવી. બાજરાની રાબ શિયાળામાં દેશી વસાણાંનું કામ કરે છે. ઉપરાંત ગાય કે ભેંસ વિયાય તે પછી તેની અશક્તિ ઝડપથી દૂર કરવા બાજરો બાફીને અપાય છે. બાજરીના ડૂંડામાંથી દાણાં કાઢી લીધા પછી પછી જે ફોતરાં વધે જેને કચ્છીમાં ‘બૂરી’ કહે છે. આ ફોતરાં ઉષ્માના અવાહક હોવાથી અને તેને ઊધઈ લાગતી ન હોવાથી મકાનોની ભીંતોના લીંપણમાં ભેળવવામાં આવતા. ઉપરાંત કડબ સાચવવા જમીન  નીચે ફોતરાંનો થર કરવામાં આવતો.  કેટલાક લોકો માને છે કે બાજરો શિયાળામાં જ ખવાય. તે ગરમ હોય છે. વાસ્તવમાં બાજરો કોઈ પણ ઋતુમાં ખાઈ શકાય છે. આધુનિક ખોરાક નિષ્ણાતો શરીરની સ્થૂળતા ઘટાડવાના ઉપાય તરીકે બાજરો ખાવાની સલાહ આપે છે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં દર્શાવેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે. ચિત્રના પ્રકાશાનધિકાર મૂળ રચયિતાના અબાધિત છે.

Author: admin

1 thought on “સમયચક્ર : હાંસિયામાં ધકેલાઈ ગયેલું કચ્છ – સૌરાષ્ટ્રનું મૂળ ધાન્ય બાજરો

  1. નમસ્તે,માવજીભાઇ,બહુ જ રસપ્રદ ને માહીતીસભર લેખ.હુ ખેડુત પરિવારમાંમોટી થઇ છું. એટલે બાજરાને સારી રીતે ઓળખું. મારા દાદાને બાજરાના ઉતમપાક માટે ગુજરાત સરકારે પ્રથમ ઇનામ આપેલુ ને અમારા બાજરાને બિયારણ તરીકે પસંદ કરેલો. આમ પણ સૌરાષ્ટના ખેડુતનો મુખ્ય ખોરાક. રોટલી તો ઉનાળાના નવરા દિવસોમાં ને ખાસ કેરીની સિઝનમાં. સગવડની દ્રષ્ટિએ ચુલા પર રોટલા સહેલા પડે. આર્થિક દ્રષ્ટિએ કોલસા બહારથી લાવવા પડે.જયારે છાણા ને બાજરીના રાડા તો ઘરના. ઉપરાંત રોટલી તો મહેનતુ માણસોને ડઝન પણ ઓછી પડે.એટલે રાંધનારીનો સોથ વળી જાય.એમ રોટલા જ ઠીક રહે. આજે તો શહેરી ફેશનના પ્રતાપે રોટલા outdated ને અજાણ્યા થઇ ગયા છે.કવચિત નવીનતા ખાતર ખવાય છે.

Leave a Reply to vimla hirpara Cancel reply

Your email address will not be published. Required fields are marked *