
દર્શા કિકાણી
(૨૯ જૂન, ૨૦૧૯)
ટુરનો છેલ્લો દિવસ તો આવી ગયો. આજે રાત્રે અને કાલે મોટા ભાગનાં મિત્રો પાછાં પોતપોતાને ઘેર જશે. અમે બુડાપેસ્ટમાં એક દિવસ વધુ રોકવાનાં હતાં. આજે નાસ્તો કરવામાં જરા વધુ વાર લાગી. ઓલ્ડ સીટીની ગાઈડ સાથેની લોકલ ટુર હતી એટલે દોડાદોડ ઓછી હતી. બધાં આરામથી બસમાં ગોઠવાયાં. લોકલ ગાઈડ પણ આવી ગયા. બહુ હસમુખા અને રસપ્રદ વ્યક્તિ હતા! નામ જ્યોર્જ કૃષ્ણમૂર્તિ (GEORGE KRISHNA MURTHY)! અમારી બધાંની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ! એમણે હસતાં હસતાં કહ્યું કે રોજ એક ભારતીય ગ્રુપને બુડાપેસ્ટ દર્શન કરાવે છે એટલે તેમણે પોતાની અટક બદલીને કૃષ્ણમૂર્તિ કરી નાંખી છે! તેમને ભારતીય સંસ્કૃતિનો સારો એવો પરિચય હતો. બે વાર ભારત આવી પણ ગયા છે! અમને બધાંને એમની વાતોમાં એટલી બધી મઝા આવી ગઈ કે બસમાંથી ઊતરીને લોકો તેમને ઘેરીને જ ચાલવા લાગ્યાં! જો કાલે નાની ટુર લેવી હોય તો તેઓ અમને લાભ આપી શકશે તેવું પણ જણાવ્યું. કમનસીબે કાલનો લોકલ ટુર માટેનો સમય કોઈ પાસે ન હતો.
બુડાપેસ્ટની લોકલ પગપાળા ટુરમાં તેમણે જણાવ્યું કે બુડાપેસ્ટ શહેરમાં વિશ્વયુદ્ધને કારણે મકાનો, સ્મારકો કે ઈમારતોને બહુ નુકસાન થયું નથી. રશિયનોએ પાછળથી થોડી ખાનાખરાબી કરી હતી. ત્યાંની ભાષામાં બુડા એટલે પાણી અને પેસ્ટ એટલે ઓવન! ડેન્યુબ નદી પર બુડાના પોશ હીલી વિસ્તારને પેસ્ટના નવા કોમર્શિઅલ વિસ્તાર સાથે જોડતા ૧૪ પૂલો છે. શહેરમાં મેટ્રો રેલ પણ છે. અને આસપાસના દેશો અને પ્રદેશોમાં પહોંચવા માટે સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. ૩ કલાકમાં તો ઉક્રેન પહોંચી જવાય! એડમિનિસ્ટ્રેશન માટે બુડાપેસ્ટ શહેર ૬+૧૬+૧ એમ કરીને ૨૩ ભાગમાં વહેંચાયેલું છે. બુડાપેસ્ટ ટર્કીશ બાથ માટે જાણીતું છે. આજે પણ હંગેરીમાં અને બુડાપેસ્ટમાં યહૂદીઓની વસ્તી છે. તેમની યાદ કાયમ રહે તે માટે તેમનાં બુટ પહેરેલાં પગલાં નદી કિનારે મૂર્તિમંત કર્યા છે તે કાલે અમને કોઈએ બતાવેલાં તે યાદ આવ્યું. દેશમાં યહૂદીઓ પરના જૂલમના કોઈ કોન્સન્ટ્રેશન કેમ્પ નથી. તેમનું સિનેગોગ નામે ઓળખતું ધર્મસ્થાન પણ બુડાપેસ્ટમાં આવેલું છે.
શહેર વિસ્તારમાં નાની લટાર મારી અમે બસમાં બેસી નદી ક્રોસ કરી ફિશરમેન વિલેજ (FISHERMAN’S BASTION) પહોંચ્યાં. બુડા મહેલમાં આવેલ આ જોવાલાયક સ્થાન પ્રવાસીઓનું સૌથી વધુ લોકપ્રિય સ્થાન છે. મહેલની ટેકરી પર આવેલ અને ડેન્યુબ નદીને સમાંતર જતી ૧૪૦ મીટર લાંબી નીઓ-રોમન સ્ટાઈલની આ અગાશી પરથી શહેરનો સુંદર વ્યુ આવે છે. ૩૫ મીટર લાંબી વચ્ચેની અગાશી બહુ જ સુંદર અને અકલ્પ્ય કોતરણીકામથી શોભે છે. તેમાં આછા પીળા રંગના પથ્થરથી બનેલ, પરી કથાના મકાનો જેવાં ઊંચાં અને અદભુત ૭ ટાવર આવેલ છે, જાણે બુડાપેસ્ટ શહેર બનાવવા કામે લાગેલા ૭ મહાનુભાવો ના હોય! આમ તો મિલીટરી હેતુ માટે મધ્યકાલીન યુગમાં બનેલ આ પરી કથાના મકાનો જેવાં ભવ્ય ટાવરો, દેવળો અને અગાશી સમયાંતરે રીનોવેટ થયાં છે. એક એક ટાવર અદભુત છે, મનોરમ્ય છે! આટલાં સુંદર સ્મારકને વિશ્વયુદ્ધમાં તકલીફ ના થાય તો જ નવાઈ! આર્કિટેક્ટ શુલેક (SCHULEK) દ્વારા ૩ મોટાં ટાવરો અને ઘણાં બધાં નાનાં દેવળો તથાં સ્થાનકોનું રંગીન ટાઈલ્સ વાપરી ભવ્ય રીનોવેશન થયું છે. કોર્ટયાર્ડમાં સુંદર ઐતિહાસિક ઈમારતોની વચ્ચે એક ઘોડા પર (STEPHEN) રાજાનું તાંબાનું (લીલું થઈ ગયેલું) પુતળું છે. નીચેના કોર્ટયાર્ડને પગથિયાંથી સરસ રીતે ઉત્તર-દક્ષિણ કોરીડોર સાથે જોડી દેવામાં આવ્યો છે. અને પગથિયાં પર અદભુત કોતરણીકામ વાળી કમાન બનાવી અતિ-ભવ્ય પ્રવેશદ્વાર બનાવ્યું છે. અહીંથી નદીનો અને શહેરનો શ્વાસ થંભી જાય તેવો મનોરમ્ય વ્યુ આવે છે. સરખી રીતે સારસંભાળ લેવાય તે માટે થઈને હવે અહીં પ્રવેશ ફી લેવાય છે. પણ વર્ષોથી આ આખા મનમોહક પ્રદેશની સુરક્ષા માછીમાર લોકોએ કરેલી છે એટલે તે માછીમારના ગામ તરીકે ઓળખાય છે.
આર્કિટેક્ટ શુલેક (SCHULEK) દ્વારા જ નજીકમાં આવેલ સુંદર દેવળનું (MATTHIAS CHURCH) પણ રીનોવેશન કરાયું છે એટલે આખા વિસ્તારમાં એક અદભુત અને દૈવી ઐક્ય લાગે છે! આખો વિસ્તાર શાંતિથી જોવા માટે ઘણો સમય લાગે. પ્રવાસીઓ માટે બુડા મહેલ અને ફિશરમેન વિલેજ ચોવીસે કલાક ખુલ્લાં રહે છે. ફિશરમેન વિલેજની બહારનો રોડ જોહ્ન હુન્યાદી (JOHN HUNYADI) રોડ તરીકે ઓળખાય છે. તેના પર એકાદ કી.મિ. ચાલીને જ આગળ જવાનું હતું. ટેકરી પરના રસ્તાની એક બાજુ નીચે નદી સુધી પથરાયેલી કોતરો હતી અને બીજી બાજુ ફિશરમેન વિલેજની દિવાલ હતી જેના પર સુંદર રંગીન પોસ્ટરો દોરેલાં હતાં. ચઢતી બપોરનો તડકો હતો અને ગરમી પણ ઘણી હતી. ફિશરમેન વિલેજના પરિશરમાં જ ગણાય તે રીતે ટેકરી પર શોભતાં જોહ્ન હુન્યાદી અને બીજા શુરવીરોના બહુ જ સુંદર ચાર સ્ટેચ્યુ જોયાં. થોડું આગળ ચાલતાં લીબર્ટી બ્રીજ પર લીબર્ટી સ્ક્વેર પાસે અમે આવ્યાં. મોટી કોલમ પર ૧૯૪૭ માં રશિયન શહીદોની યાદમાં બનેલું સ્ટેચ્યુ ઓફ લીબર્ટી (STATUE OF LIBERTY) જોયું.
જમવાનો સમય થઈ ગયો હતો અને બધાં થાક્યાં પણ હતાં. ફટાફટ કંઈક ક્વિક બાઈટ લઈ અમે હંગેરીના પાર્લિયામેન્ટ બિલ્ડીંગ (HUNGARIAN PARLIAMENT BUILDING) પાસે પહોંચી ગયાં. બહુ જ ભવ્ય, સુંદર, કલાત્મક બિલ્ડીંગ છે. આગળ વાત થઈ તેમ હંગેરીનું પાર્લિયામેન્ટ બિલ્ડીંગ બ્રિટીશ પાર્લિયામેન્ટ બિલ્ડીંગને ટક્કર આપે તેવું છે! ૮૯૬ ની સાલમાં જીતેલા રાજાએ ‘૯૬’ નો આંકડો યાદ રહે તે માટે પાર્લિયામેન્ટ બિલ્ડીંગ ૯૬ મીટર ઊંચું બનાવેલ છે. પાર્લિયામેન્ટ જોવા માટે સવાર-સાંજ ગાઈડેડ ટુર હોય છે. અમારે માટે તે શક્ય ન હતું એટલે અમે આ ભવ્ય ઈમારતની આસપાસ ફર્યાં અને ઘણા ફોટા પડ્યા. બિલ્ડીંગની બે બાજુ સુંદર બગીચો હતો અને પાછળની બાજુ પાર્કિંગની વ્યવસ્થા હતી. આગળના ભાગમાં રાજમાર્ગ અને સામે નદી હતાં. નવાઈની વાત તો એ હતી કે અમને વિદેશી પ્રવાસીઓને પાર્લિયામેન્ટ બિલ્ડીંગ આસપાસ ફરતાં, વાતો કરતાં કે ફોટા પાડતા કોઈએ રોક્યા કે ટોક્યા નહીં.
હવે પછીનું જોવાલાયક સ્થળ હતું હીરો સ્ક્વેર (HERO’S SQUARE). રાજકીય સભાઓ માટે જાણીતા આ વિશાળ ખુલ્લા સ્ક્વેર એટલે કે ચોકઠાની પોતાની આગવી ઓળખ છે. આ સ્ક્વેરમાં બે સરસ મ્યુઝિયમ આવેલાં છે અને સ્ક્વેરની મધ્યમાં મિલીનીયમ મોન્યુમેન્ટ (MILLENNIUM MONUMENT) નામે જાણીતું સ્મારક આવેલું છે. શહીદોની યાદમાં બનેલ આ સ્મારકમાં એક 36 મીટર ઊંચી કોલમ પર સોનેરી દેવદૂતનું શિલ્પ છે જેની પાસે હંગેરીનો તાજ છે. તેની સહેજ નીચેના લેવલ પર હંગેરીના સાત મહાનુભાવોનાં શિલ્પ છે. અર્ધ ગોળાકારમાં આવેલી નીચેની નાની સાત કોલમો પર પણ શહીદોની યાદમાં સુંદર મૂર્તિઓ શોભી રહી હતી. ભર બપોરે પણ સ્મારક સુંદર લાગી રહ્યું હતું. હીરો સ્ક્વેરની આસપાસ સુંદર બગીચા અને લીલોછમ જંગલ વિસ્તાર હતો! અમારી બસ થોડે દૂર ઊભી રાખી હતી અને અમે આ સુંદર બગીચા અને લીલાછમ જંગલ વિસ્તારમાં થઈને મિલીનીયમ મોન્યુમેન્ટ સુધી પહોંચ્યાં અને પાછાં વળ્યાં.
શહીદ સ્મારક જોઈ અમે હોટલ પર પાછાં વળ્યાં. રસ્તામાં મિત્રોએ નક્કી કર્યું કે આજે રાત્રે દેશી ડીનર કેન્સલ કરીએ અને કંઈક આંતરદેશીય ભોજન ખાઈએ. હોટલ પર આવ્યાં પછી જમવાને હજી ખાસ્સા ૪-૫ કલાક હતા. હોટલ પર આરામ કરવાનો તો ઈરાદો બિલકુલ ન હતો. અમે બે તો નીકળી પડ્યાં બુડાપેસ્ટની શેરીઓમાં ફરવાં. દુકાનો, બજાર, સ્મારકો અને નજીકની ગલીઓનો હવે ખ્યાલ આવી ગયો હતો એટલે ચિંતા કરવા જેવું કંઈ હતું નહીં. ૨૫૦-૩૦૦ મીટર ચાલ્યાં હોઈશું ત્યાં રસ્તા પર નાનો પણ બહુ સરસ ગાર્ડન હતો. બે-ત્રણ બાંકડા પણ હતા. અમે તો ત્યાં બેઠાં. આસપાસ નજર દોડાવી તો એક મોટા ઝાડની પાસે સરસ કાફે હતું. યુરોપનું કાફે-કલ્ચર બહુ જાણીતું. ફ્રેન્ડસ અને ફેમીલી ભેગાં થઈ ખુલ્લા કાફેમાં બપોર કે સાંજ ઉત્સાહથી ગાળે અને ખાઈ-પીને મઝા કરે. યુરોપમાં ગરમી અને તડકાના દિવસો ઓછા મળે એટલે લોકો તેનો આનંદ પૂરેપૂરો માણે. કાફેમાં ભીડ તો હતી પણ અમને બેસવાની સરસ જગ્યા મળી અને કૉફી પણ સરસ મળી. અમારા આશ્ચર્ય વચ્ચે આ કાફેની ગલીમાં તો આખી ખાઉધરા ગલી હતી! અમારી કોફીને ન્યાય આપી અમે અંદર ગલીમાં ગયાં. દસ-બાર સરસ રેસ્ટોરાં અને ફૂડ-જોઈન્ટ હતાં. કોન્ટીનેન્ટલ, મેક્સિકન, ઇટાલિયન, ફાસ્ટ ફૂડ… જે ખાવાનું-પીવાનું માંગો તે મળે એવી સગવડ હતી. અમે હોટલ પર અમારા મિત્રોને ફોન કરી આ માહિતી આપી તો બધાંએ ખુશ થઈ રાતના ભોજન માટે ૨૦ જણની જગ્યા બુક કરાવી લેવાનું કહ્યું. અમે એક સારી દેખાતી રેસ્ટોરાંમાં બહાર બેસી ભોજન કરાય તેવું બુકિંગ કરી દીધું.
તે જ ગલીમાં આગળ ચાલતાં લાઈનબંધ સુંદર જૂનાં મકાનો હતાં. ત્યાં થતી અવર-જવર જોઈને લાગ્યું કે ઇન્ટરનેશનલ પ્રવાસીઓને રહેવા માટે સગવડ પણ હશે. એક મોટા ઝાડ નીચે શહેરના મોભીનું પૂરા કદનું સુંદર પુતળું હતું અને પાસે ચાર બેંચ મૂકી હતી. અમે પોરો ખાવા ત્યાં બેસી ગયાં. એટલાં બધાં લોકો ત્યાં ફરતાં હતાં, આનંદ કરતાં હતાં, ખાતાં-પીતાં હતાં, મોજ-મસ્તી માણતાં હતાં કે ત્યાં બેસી રહો તો પણ તમે તાજા-ટટ્ટાર થઈ જાવ! થોડી વારે પાછાં જવાને બદલે અમે તે જ ગલીમાં આગળ ચાલ્યાં તો ચાર-પાંચ મિનિટમાં બીજા મોટા રસ્તા પર નીકળ્યાં. અમારી હોટલના રાજમાર્ગને સમાંતર રોડ હતો અને અહીંથી અમે દિવસના સમયે નીકળ્યાં પણ હતાં એવું લાગ્યું. ‘આપણે તો શહેરનાં જાણીતાં થઈ ગયાં’ એવી લાગણી થઈ આવી! રસ્તાની એ જ સાઈડે ચાલતાં મોટો ‘યુ’ કરી અમે ચાર કલાકે હોટલ પર પાછાં આવ્યાં.
નાહી-ધોઈ ડીનર માટે તૈયાર થયાં અને ખાઉધરા ગલી પહોંચ્યાં. રાત પડી ગઈ હતી એટલે ખાઉધરા ગલીની તો રોનક જ બદલાઈ ગઈ હતી! બધી રેસ્ટોરાં ફૂલ હતી એટલે અમારુ બુકિંગ શોધ્યા વગર બધાંને ગમી તેવી ખુલ્લી જગ્યાએ અમે ૨૪ મિત્રોએ જમાવટ કરી. આટલાં બધાં લોકોની અલગ અલગ પસંદ-નાપસંદને કારણે જમવામાં બહુ ગડબડ-ગોટાળા થયાં. બે-અઢી કલાકે જમવાનો પાર આવ્યો.
ગ્રુપમાં એક કપલ મેરીએટ હોટલ સાથે કનેક્ટેડ હતું એટલે તેઓ મેરીએટ હોટલમાં ઉતર્યા હતાં. તેમના કહેવા મુજબ તેમનો ઉતારો જાણે રાજમહેલમાં હોય તેવો ભવ્ય હતો. તેમનો આગ્રહ હતો કે અમે તે જોવા તેમની સાથે મેરીએટ હોટલ સુધી જઈએ. રાત્રે પણ રસ્તા પર ઘણી ભીડ હતી. આવી ભીડમાં અમે આઠ મિત્રો પંદરેક મિનીટ ચાલી તેમની સાથે મેરીએટ હોટલ ગયાં. ખરેખર ભવ્ય જગ્યા હતી. જૂનાં મહેલમાંથી હોટલ બનાવી હતી. અડધો કલાકમાં તો ત્રણ માળની હોટલ અમે આખી ફરી વળ્યાં! રીશેપ્શન, વેઇટિંગ એરિયા, વોશરૂમ, બાલ્કની, કોરીડોર, રહેવાની રૂમો બધું એકદમ શાહી હતું. સમૃદ્ધિની રેલમછેલ નજરે પડતી હતી. સારું થયું, તેમના આગ્રહને વશ થઈ અમે અહીં આવ્યાં! ખરેખર એક સરસ મોન્યુમેન્ટ જોવાનો લાભ મળ્યો.
ચાલીને જ પાછાં હોટલે ગયાં. બુડાપેસ્ટના શાહી મહેલ-મહેલાતોથી શરુ થયેલ દિવસ શાહી રીતે સુખરૂપ પૂરો થયો. મોડી રાત્રે અને વહેલી સવારે મિત્રોની ત્રણ બેચ પોતપોતાનાં ઘરે જવા રવાના થઈ. અમે ચાર મિત્રો (ઈરા અને કુશ દલાલ તથા દર્શા અને રાજેશ કિકાણી) એક દિવસ વધારે બુડાપેસ્ટ માણવાનાં છીએ.





સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com
Very detailed description!! Again took a virtual tour of Budapest!! Thank you Darshaben for your beautiful write up.
Thank you very much, Gitaben! 🥰
Budapest is a beautiful and interesting city….
Had a wonderful virtual tour of Budapest.Very beautifully described. Enjoyed every bit.
Thanks, Nalini !☺️👍😻
Budapest is very interesting 👌👌 and beautiful… One really gets carried away with it’s beauty and charm ! 😉 😂😀
બુડાપેસ્ટ વિશેનું ચિત્રો સાથેનું સવિસ્તર વર્ણન આગવી ઉત્સુકતા જગાવી ગયું. ખૂબ સરસ લેખ.
Thanks, Shobha! We near the end now! Last 2 days of the virtual tour!
Nice description, supported by equally good pictures….
Thanks, Bharatbhai!
Beautiful pic. Enjoyed the tour of a beautiful city.
Thanks, Toral! Budapest is a beautiful city and we thoroughly enjoyed the place!