
નીતિન વ્યાસ
(લેખક વેબગુર્જરીના ફિલ્મી ગીતોના વિભાગમાં નિયમિત લખે છે. એમના સંગીતના જ્ઞાનનો લાભ હંમેશાં મળતો રહ્યો છે પણ પહેલી વાર અહીં તેઓ આત્મકથાત્મક વાર્તા સાથે ઉપસ્થિત થયા છે).
“બીજું કઈં ન કરી શકો તો છેવટે બીજાને મદદરૂપ અને ઉપયોગમાં આવીએ એવાં કામ કરતાં શીખો.” બાપુજીએ એક સવારે મને કહ્યું, “દસ વાગે શિશુવિહારમાંથી રવીન્દ્રભાઈ આવશે, તેમની સાથે તમારે મોટી હૉસ્પિટલમાં લોહી આપવા જવાનું છે”. બાપુજી જ્યારે સલાહ કે આદેશ આપે ત્યારે મને “તમે” કહેતા!
બીજાં કામોમાં તો, જ્ઞાતિમાં કોઈ મરણ થયું હોય તો દિવંગતની અંતિમ યાત્રા માટે બધાને ભેગા કરવા કહેવા જવાનું, ગામમાંથી વાંસ, ખપાટિયાં, સીંદરી વગેરે ખાંપણની સામગ્રી લઈ આવી તેની નનામી બાંધવાનું. જો કુટુંબીજનો સંમત થાય તો શિશુવિહારમાંથી “નિર્ભયરથ” – એક લોઢાનું સ્ટ્રેચર – લઈ આવવાનું જેના પર સુવાડીને લઈ જવાય –. ઠાઠડી બનાવવી અને ઊંચકીને લઈ જવા કરતાં સ્ટ્રેચર પર, અને તેમાં પણ જયારે ઓછા ડાઘુઓ હોય ત્યારે. સહેલું પડતું.
ભાવનગરમાં એક જ સ્મશાન હતું અને તે પણ ગામથી પાંચ ગાઉ પાંજરાપોળ પછી ગઢેચીને નાકે. ચાલીને જવા આવવામાં પણ બે કલાક સહેજે થતા. આવાં બધાં કામો જ્યારથી હું કરવા લાગ્યો ત્યારે મારી ઉંમર તેર કે ચૌદની હશે.
એક દિવસ બાપુજી એ કહ્યું, “માણેકવાડી સ્ટેશન ની સામેની ચાલીમાં રહેતા ગૌરીકાકા ગુજરી ગયા છે, તેમને ઘરે જાઓ અને યાદ રહે તે માટે એક ચિઠ્ઠીમાં સરનામું લખી જ્ઞાતિનાં ઘરોમાં કહી આવો કે બપોરે ત્રણ વાગ્યે ભેગા થવાનું છે.”
સ્વ. ગૌરીદાદાના નશ્વર દેહને લઈને અમે સ્મશાને પહોંચ્યા. તેમના દીકરાના હાથમાં સીંદરીએ બાંધેલી માટીની દોણીમાં છાણાં અને સૂકાં સરગઠિયાના કટકામાં અગ્નિ પેટાવેલો હતો, બીજા હાથમાં ઘી ભરેલો કળશો. કોઠારિયામાંથી લાકડાં લાવી ગોઠવ્યાં અને તેના પર ગૌરીદાદાના મૃત શરીરને બરાબર ગોઠવ્યું. ગૌરીદાદાએ જન્મજાત ગોરપદું કર્યું, તેમના કપાળમાં ત્રિપુંડ્ર અને લાલ ચાંદલો અને ખભે અબોટિયું અને પંડે પંચિયું પહેરેલું હોય, ક્યારેક હાથમાં ગૌમુખીની અંદર કરમાળા ફેરવતા અને બીજા હાથમાં લાકડીના ટેકે ચાલતા જોયેલા. સામે મળે તેને “ભોળા શંભુ” કે “હરહર મહાદેવ” કહેતા જાય. મારાં મોટીબા – મધુરાબા ગૌરીદાદાને અમારા ઘરે કથા કરાવવા કે શ્રાવણ મહિનામાં રુદ્રી કરવા બોલાવે.
તેમનો નશ્વર દેહ ચિતા પર ગોઠવીને અગ્નિદાહ દેવાનો સમય થયો.
આ સમય સુધીનાં કામો કરવામાં મને કશો જ વાંધો ન આવતો. પણ જ્યારે સૂકા ઘાસના પૂળા અને કરગઠિયાં સળગાવીને ચિતા પેટાવવામાં આવે તે ક્ષણ મારાથી કદી સહન ન થતી. ચિતા પર સળગતા મનુષ્ય દેહનું દૃશ્ય હું જોઈ શક્તો નહીં.
આજે પણ એ સમયે હું ત્યાંથી સરકીને થોડે દૂર, સ્મશાનના દરવાજા પાસેના ઓટલા ઉપર જઈને બેઠો.
“ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्” વગેરે શ્લોક જોરથી બોલાતા કાને પડ્યા, ઘાસ અને સૂકા લાકડાંમાં અગ્નિ જ્વાળા પ્રગટી તેનો કર્કશ અવાજ અને બળવાની વાસ અને થોડો ધુમાડો હવામાં પ્રસર્યાં. સંધ્યાનો સમય હતો, હું દૂર બેઠો બેઠો થોડા સમજાવી ન શકાય તેવા ભય સાથે આ અગન ખેલ જોઈ રહ્યો હતો – “પંચમહાભૂતમાં વિલીન થતા ગૌરીદાદાને અંતિમ પ્રણામ…” મનમાં બબડ્યો.
“જો બેટા, તું નાનો છો, જિંદગીમાં મજા – આનંદ કરજે અને બધાંને પ્રેમ આપજે” કોઈએ મને ધીમેથી કહ્યું, હું તંદ્રામાંથી સફાળો જાગ્યો. મારી સામે એક સફેદ પંચિયામાં અને ખભે લાલ અબોટિયું પહેરેલા એક વૃદ્ધ ઊભેલા, કપાળમાં લાલ ચાંદલો અને ત્રિપુંડ્ર, “સાચે જ ગૌરીદાદા!” તેમનો ચહેરો લાલઘૂમ અને મોઢા પર થોડી ભભૂતિ લગાવેલી. આ જોઈને હું ડઘાઈ ગયો, જાણે ચિતા પરથી ઊઠીને ગૌરીદાદા મારી સામે પ્રત્યક્ષ ઉભા હતા? એ વિચારે મારું શરીર ધ્રૂજી ગયું, મારો ભયભીત ચહેરો જોઈને બોલ્યા, “જો બેટા, મેં તો જિંદગી આમ ને આમ વેડફી નાખી પણ તું મધુરામાના દીકરાનો દીકરો છો, તને મારા આશીર્વાદ.” એટલું બોલી ગૌરીદાદા સ્મશાનના દરવાજાની બહાર નીકળી ગયા.
તે દિવસ પછીની ઘણી રાતો સુધી ઊંઘ ન આવી. રાત્રે માણેકવાડી સ્ટેશન સામેની ચાલી પાસેથી નીકળતા પણ મને ડર લાગતો. જેને તમે ચિતા પર અંતિમ યાત્રા માટે સુવાડી અગ્નિદાહ આપ્યાના સાક્ષી છો તે વ્યક્તિ તમને સ્મશાનને દરવાજે મળે એ કેવું ભયંકર લાગે? સાંજે મેં થોડા ડર સાથે મારી મોટીબેનને વાત કરી. તેણે કીધું, “એવું હોય જ નહીં આ તારા નબળા અને ડરપોક મનની નિશાની છે. કોઈને આવી વાત કરતો નહીં”.
હું ચૂપ તો થઈ ગયો પણ આ પ્રસંગ આજ દિવસ સુધી મારા માટે એક કોયડારૂપ બની રહ્યો.
ઘણાં વરસો સુધી ક્યારેક અડધી રાત્રે જાગી જતાં ગૌરીદાદા મારી સામે હસતા ઉભા હોય તેવું લાગે.
****
વરસો વીતી ગયાં. ભાવનગર છોડી વડોદરા સ્થિર થયા. અમારાં બાળકો પણ કૉલેજમાં આવી ગયાં.
એક દિવસ ફોન આવ્યો, મેં “હેલ્લો” કહેતાં સામેથી અવાજ આવ્યો ” અરે, મને ઓળખ્યો હું બિપિન બોલું છું.” હા, બિપિન મારો નાનપણનો મિત્ર. વર્ષોથી બેંકમાં હતો અને બદલી થતાં વડોદરા કુટુંબ સાથે આવ્યો હતો. ઘણાં વરસો પછી લંગોટિયા ભાઈબંધને મળવાનો આનંદ અનેરો જ હોય છે. અમારા જૂના સબંધો તાજા થયા, એનાં લગ્ન અમારા પડોશમાં રહેતાં એક બ્રાહ્મણ કુટુંબની દીકરી ઉષા સાથે થયાં છે એવી મને જાણ હતી.
એક દિવસ બિપિન અને ઉષાબહેને અમને તેમને ઘરે જમવા માટે બોલાવ્યાં. જૂની વાતો યાદ કરવાની અને તે સમયના બીજા મિત્રોને યાદ કરીને તે બધાની પીંજણ કરવાની બહુ મજા આવી.
તેવામાં મારું ધ્યાન દિવાલ પર લટકતી એક છબી પર ગયું. એ જ થોડો ગોરો લાલાશવાળો ચહેરો, કપાળમાં લાલ ચાંદલો અને ત્રિપુંડ્ર, ખભે અબોટિયું અને શરીરે પંચિયું પહેરેલું, એ ફોટો જોતાં જ મારા શરીરમાં ધ્રુજારી થઈ, શરીરે પરસેવો વળી ગયો, અને હું બોલી ઊઠ્યો, “ગૌરીદાદા”.
બાજુમાં ઊભેલા ઉષાબેને તે સાંભળ્યું. “તમે ગૌરીદાદા ને કેવી રીતે ઓળખો ?” તેમણે સવાલ કર્યો. હવે મારે કેવી રીતે જવાબ આપવો? થોડો મૂંઝાયો….ઉષાબેને વાત આગળ ચલાવી, “આ ફોટો મારા દાદા શંકરદાદાનો છે, શંકરદાદા અને ગૌરીદાદા બંને જોડિયા ભાઈઓ, પણ તમારો વાંક નથી ઘણાને ઓળખવામાં ભૂલ થાય છે”. અને વરસોથી મારા મનમાં રહેલો ભય દૂર થયો. ઉષાબેને ઘટસ્ફોટ કરતાં કહ્યું, “હું નાની હતી ત્યારે દાદાની બહુ લાડકી હતી, પણ સમજણી થઈ તે પહેલાં દાદા ગુજરી ગયેલા।. વરસો પહેલાં ગૌરીદાદા ગુજરી ગયા ત્યારે તમને સ્મશાનને દરવાજે મળેલા તે મારા દાદા શંકરદાદા હતા.”
એક ઊંડા રહસ્ય પરથી વરસો પછી પડદો હટ્યો. મને કોઈ વ્યક્તિનો જોડિયો ભાઈ હોઈ શકે તેવો વિચાર અત્યાર સુધી કેમ નહીં આવ્યો…..મને મારી મૂર્ખાઈ પર હસવું આવ્યું..
પણ….., ગૌરીદાદાના અગ્નિદાહને સમયે ઉષાબેન તો સ્મશાનમાં હતાં નહીં તો તેમને કેવી રીતે ખબર કે મને શંકરદાદા જ મળેલા ….?
તે રાત્રે ફરી ઊંઘ ન આવી.
૦૦૦
શ્રી નીતિન વ્યાસનો સંપર્ક ndvyas2@gmail.com સરનામે કરી શકાશે.
ભૂતકાળ માં બનેલા અમુક પ્રસંગો હંમેશા જીવન સાથે વણાયેલા હોય છે . નીતિનભાઈએ આબેહૂબ ગૌરીદાદાની અંતિમ યાત્રાનું વર્ણન અને વડોદરાના સ્મરણો સરસ આલેખ્યા.
ઉત્તમ વાત !
રહસ્યોદઘાટન થયા પછી એક બીજું રહસ્ય ઊભું થાય છે.
ઈંગિત કદાચ એ જીવનના કેટલાક રહસ્યો વણ-ઉકેલ્યા રહે એ જ ઇષ્ટ છે..
ખુબ સરસ વાત ખુબ રસપ્રદ રીતે કહેવાઈ છે.
ખુબ આભાર, નીતિનભાઈ !
આ વાર્તા “સ્મશાન ને દરવાજે” wha’s up દ્વારા એક મિત્રને ને મોકલી. તેણે પ્રતિભાવ આપતાં લખ્યું “ૐ શાન્તિ” !!!
ખૂબ સુંદર આલેખન,નીતિનભાઈ. એકી શ્વાસે વાંચી જવાયું.
સ્મરણોની આ જ મઝા છે ને? કેટલીક સ્મૃતિઓ જીવતરના ગોખલે સદાયે ઝગમગતી જ રહે છે.
તો કેટલીક આ રીતે પ્રશ્નાર્થનો એક મસમોટો
લીટો ખેંચતી જતી રહે છે.
સુંદર સ્મૃતિ-આલેખન.અભિનંદન.
એક રીતે આ રહસ્યકથામાં પણ આવી જાય કારણ રહસ્ય છતું થયા બાદ પણ રહસ્ય બીજી રીતે ઊભું થાય છે. અભિનંદન નીતિનભાઈ.
સ્મૃતિનું સુંદર આલેખન.
નીતિનભાઈ કદાચ ઉષાબેનના જોડીયાબેન તમોને સ્મસાનના દરવાજે મળ્યા હશે.!!