મહાન ભારતીય પરંપરાઓ

પ્રવાસી યુ. ધોળકિયા

હજારો વર્ષ પુરાણી ભારતીય સંસ્કૃતિને પૂર્ણ સ્વરૂપે સમજવી હોય તો  તેની છ પરંપરાઓને આપણે જાણવી પડે. આ પરંપરાઓમાં ૧) વૈદિક, ૨) શિવ-શક્તિ- યોગ તાંત્રિક, ૩) શ્રમણ, ૪) હિંદુ, ૫) ઈસ્લામી, અને ૬) બ્રિટિશ – પશ્ચિમી પરંપરાઓનો સમાવેશ થાય છે.

ઉપરોક્ત છ પરંપરાઓમાંની પ્રથમ ચાર, ભારતીય, પરંપરાઓ સ્વયંભૂ છે. બાકીની બે  – ઈસ્લામી અને બ્રિટિશ – પશ્ચિમી –   વિદેશી પરંપરાઓ છે. વિદ્વાનોના મત અનુસાર ઈસ્લામી પરંપરાઓ મધ્યપૂર્વમાંથી લગભગ ૧૩૫૦ વર્ષ પહેલાં ભારતમાં પ્રવેશી, જ્યારે બ્રિટિશ પરંપરા આજથી લગભગ ૪૦૦ વર્ષ પહેલાં અંગ્રેજો દ્વારા ભારતમાં આવી.

(૧) વૈદિક પરંપરા

વૈદિક પરંપરા અતિ પ્રાચીન છે, તેના કોઈ સ્થાપક નથી. વેદોએ સમગ્ર સૃષ્ટિને ચેતનામય કહેલી છે. વિશ્વ જેના વડે વ્યાપ્ત છે અને સમગ્ર સૃષ્ટિનું જેમાંથી સર્જન થયું છે તેવા બ્રહ્મ તત્ત્વની અનુભૂતિ વેદોએ માનવજાતિને આપી. વિશ્વવ્યાપ્ત ચેતના એ બ્રહ્મનું જ સ્વરૂપ છે અને  માનવ તેનું ઉર્ધ્વીકરણ કરીને તેને પામી શકે તેવો તેનો પ્રધાન સૂર છે.

વેદોનું તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મ આરણ્યક ગ્રંથો અને ઉપનિષદોએ પ્રબોધેલું છે. આ તત્ત્વજ્ઞાન વિતંડાવાદી કે નકારાત્મક નથી. તે વ્યવહારૂ અને ગતિશીલ છે. ઉપનિષદોએ પહેલી જ વાર સાબિત કર્યું કે મનુષ્યમાં આત્મા રહેલો છે, જે વિશ્વવ્યાપી બ્રહ્મનો જ અંશ છે. બ્રાહ્મણ ગ્રંથો અને સૂત્ર ગ્રંથોમાં વૈદિક યજ્ઞોની વિધિઓ તથા તેનું અર્થઘટન મળે છે. યજ્ઞોનો મૂળ હેતુ પોતાની સિમીતતા અને પામરતાઓનું અતિક્રમણ કરીને માનવને દેવત્વમાં પરિવર્તન પામવા માટેનો હતો.

વૈદિક પરંપરા કાળક્રમે નબળી પડી. ધીરે ધીરે તેમાં જ્ઞાતિપ્રથાનાં બંધનો જડ થવા લાગ્યાં. યજ્ઞોમાં પશુહિંસાનો અતિરેક થવા લાગ્યો. વાત છેક નરબલિ સુધી પહોંચી. યજ્ઞોનો ઉપયોગ બાહ્યાડંબર અને ભૌતિક સુખો મેળવવા પુરતો મર્યદિત બન્યો. આ સમયે શ્રમણ પરંપરાએ વૈદિક પરિપાટી સામે બળવો પોકાર્યો. બુદ્ધ અને મહાવીરના પડકારો સામે વૈદિક પરંપરાનું મહાન વટવૃક્ષ ધરાશાયી થઈ ગયું.

(૨) શિવ-શક્તિ યોગ તાંત્રિક પરંપરા

શિવ-શક્તિ યોગ પરંપરા એ ભારતની બીજી મહાન પરંપરા છે. આ પરંપરા પણ વૈદિક સભ્યતા જેટલી જ પ્રાચીન ગણાય છે. આ પરંપરા પ્રમાણે સમગ્ર વિશ્વ શિવની માયાશક્તિને લઈને વ્યાપ્ત છે. આ માયાશક્તિને અર્ચન-પુજન, શ્રધ્ધા અને તાંત્રિક સાધના તથા કુંડલિની યોગ દ્વારા પ્રાપ્ત કરીને મનુષ્ય શિવતત્ત્વના અધિકારી બની શકે છે. સામાન્ય રીતે માનવદેહને આધ્યાત્મિક વિકાસમાં અવરોધરૂપ માનવામાં આવે છે. જ્યારે તંત્રોએ આ માનવદેહ અને તેમાં રહેલી જાતીય ઉર્જાનો  ઉપયોગ કરી, અધ્યાત્મ પ્રાપ્ત કરવાના ખુબ જ હિંમતપૂર્વકના અને વિશ્વમાં વિરલ એવા ચોક્કસ પ્રયોગો પ્રયોજ્યા છે.

સમય જતાં આ પરંપરા પણ નબળી પડી. કામાચાર, ભોગવિલાસ, વામમાર્ગ અને પશુબલિનો બહુ મોટા પાયે ઉપયોગ થવા લાગ્યો. પરિણામે, સમાજમાં નીતિ-નિયમોનો હ્રાસ થવા લાગ્યો. તેથી એક સમય એવો આવ્યો કે શિવ-શક્તિ પરંપરાને પણ પશ્ચાદભૂમાં જતું રહેવું પડ્યું.

(૩) શ્રમણ પરંપરા

ભારતની ત્રીજી સ્વયંભૂ પરંપરાનાં મૂળ પણ ખૂબ ઊંડાં છે. જૈનોના આદિ તિર્થંકર ઋષભદેવનો  ઉલ્લેખ વેદમાં જોવા મળે છે.

શ્રમણ પરંપરાએ યજ્ઞો અને બાહ્ય ધર્મ કરતાં તપ, ત્યાગ, અહિંસા અતિ દેહ દમન,  નીતિમય જીવન અને ધ્યાનમાર્ગને પ્રાધાન્ય આપ્યું. વળી શ્રમણોએ ઈશ્વરત્વ પામવા કરતાં જીનત્વ અને નિર્વાણ પ્રાપ્તિની મહત્તા સાબિત કરી. આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં આજીવક, મહાવીર અને બુદ્ધે આ પરંપરાને પરાકાષ્ટાએ પહોંચાડી.  શ્રમણોએ ઈશ્વરનો કાં તો સ્વીકાર ન કર્યો કે અથવા તો તે વિશે મૌન સેવ્યું.  શ્રમણોએ જ ભારતમાં અતિશય બૌદ્ધિક એવાં તત્ત્વજ્ઞાનના પાયા નાખ્યા. શ્રમણ પરંપરાનું આથી પણ મોટું પ્રદાન કર્મવાદ અને પુનર્જન્મના સિધ્ધાંતોને સ્થાપિત કરવાનું છે. શ્રમણોએ યજ્ઞો અને જ્ઞાતિપ્રથાનો વિરોધ કર્યો. ભારતના હજારો વર્ષના ઈતિહાસમાં બુદ્ધ અને મહાવીરની હસ્તીનો સમય તેની ધન્ય પળો ગણાય છે, કહેવાય છે કે બુદ્ધ અને મહાવીરે જે જગ્યાએથી પસાર થતા ત્યાંની પ્રજાને આપમેળે આત્મજ્ઞાન મળી જતું અને તેઓને નિર્વાણ પ્રાપ્તિ થઈ જતી.

ઈતિહાસે શ્રમણ પરંપરાને ભારે દંડ આપ્યો છે. ક્ષત્રિયોનો મોટો વર્ગ આ પરંપરામાં જોડાયો હતો, પરિણામે ભારતનું ક્ષાત્રત્વ લુપ્ત થત્યું. બુદ્ધ-મહાવીરના અવસાન થયાના ૨૫ વર્ષના ગાળામાં જ આપણે ઉત્તર-પશ્ચિમ ભારત પર પર્શિયાની વિદેશી શક્તિનું આધિપત્ય સ્થાપિત થતું નિહાળીએ છીએ. પછી તો વિદેશી આક્રમણકારોની કતાર ચાલી. ગ્રીકો, પહલવો, શકો, સિથિયનો, હુણો, આરબો, અફઘાનો, તુર્કો અને મોગલ લોકોનાં વણથભ્યાં આક્રમણો ભારત પર ચાલુ રહ્યાં. ભારતનું રાજકીય માળખું ચુંથાઇ ગયું.

(૪) પૌરાણિક (હિંદુ) પરંપરા

પૌરાણિક (હિંદુ) પરંપરા એ એક સમન્વયકારી પરંપરાના સ્વરૂપમાં પ્રગટી અને વિકસી છે. પ્રથમ તો આ પરંપરાએ શ્રમણ પરંપરાએ પ્રસ્થાપિત કરેલ  અનીશ્વરવાદી અને નિરીશ્વરવાદને સ્થાને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને તેમની સ્ત્રી-શક્તિઓની મહત્તાને સ્થાપિત કરી. લોકો યજ્ઞોમાં શ્રદ્ધા ગુમાવી ચુક્યા હતાં. વેદોક્ત દેવોમાં હવે પ્રજાને વિશ્વાસ નહોતો રહ્યો, એટલે તેમની પુનઃપ્રસ્થાપ્તિ બિનઆવશ્યક હતી. આમ છતાં વૈદિક સોળ સંસ્કારોને હિંદુ પરિપાટીએ એવું જ ઉચ્ચ સ્થાન આપ્યું જે વૈદિક પરંપરામાં હતું.

બહુદેવવાદમાં અતિશય શ્રદ્ધા ધરાવતી ભારતીય પ્રજાને શિવ ને વિષ્ણુ સાથે રામ અને કૃષ્ણ ભગવાનને પણ હિંદુ પરંપરાએ પરિણામે પુરાણો, રામાયણ અને મહાભારત રચાયાં. સાથે સાથે સરળ ભક્તિ માર્ગ અપનાવી સનાતન ધર્મને લોકભોગ્ય બનાવ્યો.

ઈતિહાસનાં પરિબળોને લઈને ભારતની સામાજીક અને રાજકીય વ્યવસ્થા તદ્દન ભાંગી પડી હતી. એટલે  હિંદુ પરંપરાએ  આ અવ્યવસ્થામાં સ્થિરતા લાવવા માટે કરીને કુટુંબ પ્રથાને પ્રાધાન્ય આપ્યું. જેની પ્રતીતિ આપણને રામાયણ અને મહાભારત વાંચીએ ત્યારે થાય છે. એટલું તો સ્વીકારવું જ પડશે કે પછીનાં બે હજાર વર્ષોમાં ભારતમાં જે અનેક સામાજીક અને રાજકીય પરિવર્તનો આવ્યાં તેની સામે હિંદુ કુટુંબપ્રથાએ સામાન્ય ભારતીયની રક્ષા કરી અને તેને આશ્રયપ્રદાન કર્યું.

પૌરાણિક પરંપરાની આ વિકાસ પ્રક્રિયાએ શ્રમણ પરંપરાનાં અનેક તત્ત્વોનો સ્વીકાર કર્યો. સન્યાસ, કર્મવાદ, અને અદ્વૈતવાદનાં ઉચ્ચ તત્ત્વજ્ઞાનની પાછળ શ્રમણ પરિપાટીનો પ્રભાવ છે. પૌરાણિક પરંપરા, એટલે કે હિંદુ પરંપરાને, શંકરાચાર્યે આખરી ઓપ આપ્યો.

આ પરંપરાની ચડતી પડતી સાથે જ્ઞાતિપ્રથા જડ બની, અતિસામંજસ્યવાદી બનવા જતાં હિંદુ પરંપરામાં સ્ત્રૈણતા આવી ગઈ. ક્ષાત્રત્વની પુનઃસ્થાપના ન થઈ શકી. બુદ્ધ અને મહાવીર પછીના સમયનાં ભારતના મહાન રાજાઓ ક્ષત્રિય ન હતા, પણ અન્ય વર્ગોમાંથી આવ્યા હતા. એ જ પ્રમાણે, મધ્ય કાળના રાજપુતો પણ હિંદુ સમાજમાં પ્રવેશ પામેલી લડાયક વિદેશી જાતિઓમાંથી ઉદ્‍ભવ્યા હતા તેમ કહેવાય છે. મરાઠાઓ અને શીખોમાં આ ક્ષાત્રત્વ પ્રગટ થયું, પણ તે શક્તિ સતત સંઘર્ષ કરતા રહેવામાં જ વિખરાઈ  ગઈ. 

(૫) ઈસ્લામી પરંપરા

ઈસ્લામી પરંપરા વિદેશી હોવા છતાં  એક હજાર વર્ષથી વધારેના તેના ભારત સાથે સંપર્કો હોવાથી તે સંપુર્ણપણે ભારતીય પરંપરા બની છે. ભારતમાં ઈસ્લામી પરંપરાનાં સાચાં મડાણ શાહબુદ્દીન ઘોરીએ પૃથીરાજ ત્રીજાને હરાવીને ઈ.સ ૧૧૯૨નાં વર્ષમાં કર્યાં. છેક ઔરંગઝેબનાં મૃત્યુ સુધી (ઈ.સ. ૧૭૦૭) ઈસ્લામી પરંપરા ભારત પર અબાધિત પ્રમુખ રાજકીય સત્તા ભોગવતી રહી.

ઈસ્લામી પરંપરાએ ભારતમાં ધાર્મિક અને સામાજીક એકતાની ક્રાન્તિકારી વિચારશ્રેણીનો સુત્રપાત કર્યો. લાખોની સંખ્યામાં કચડાયેલી અને નીચી જાતીઓએ ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો. ભક્તિપ્રધાન અને તત્ત્વજ્ઞાનથી સભર એવી સૂફી પરંપરાની બાર શાખાઓ છે. આ બધી શાખાઓ ભારતમાં આવી અને તેથી લાખો લોકો ઈસ્લામ ધર્મ તરફ વળ્યા. આજે ભારતીય ઊપખંડની ૨૫ ટકા જેટલી વસ્તી ઈસ્લામ ધર્મને અનુસરે છે.

ઈસ્લામે લગભગ ૬૫૦ વર્ષ સુધી ભારતને સર્વવ્યાપી રાજ (Universal State) આપ્યું, અને દેશની રાજકીય એકતા જાળવી રાખી. સુંદર ઉર્દુ ભાષા, ગઝલ, નઝ્મ અને શેર-શાયરીના નવતર સાહિત્યપ્રયોગો આપ્યા. ફારસી ભાષા ભારતની સત્તાવાર રાજભાષા બની. જેનું સ્થાન પાછળથી અંગ્રેજી ભાષાએ લીધું. આજે ઉત્તર ભારતના રહેવાસીઓમાં ઈસ્લામી પહેરવેશનું સ્થાન ઘણી વિશેષતા ધરાવે છે,

ભારતીય સંગીતમાં ઈસ્લામી અસરો એટલી જ પ્રબળ છે. આપણા ખાદ્યપદાર્થોની બનાવટ અને ખાવાપીવાની ટેવો પર ઈસ્લામ પરંપરાએ અમીટ છાપ પાડી છે. દિલ્હી, પેશાવર, લાહોર, અમદાવાદ, હૈદ્રાબાદ,અલ્હાબાદ વગેરે શહેરોની મસ્જિદોનાં અને આગ્રાના તાજમહલનાં સ્થાપત્યો ભારતને ઈસ્લામી સંસ્કૃતિની દેન છે. આ પરંપરાની સ્થાપના, પ્રસાર અને પ્રવાહ પાછળ સંઘર્ષમય ઈતિહાસ રહેલો છે. એટલે ભારતમાં છેલ્લાં એક હજાર વર્ષથી પણ હિંદુ-મુસ્લિમ ઐક્ય સ્થાપી શકાયું નથી. હિંદુઓ જ્યારે આ પરંપરાનો તિરસ્કાર કરવાનું ત્યજી શકશે અને  મુસ્લિમો જો આ દેશની બહુમતિનો વિશ્વાસ સંપાદન કરી શકશે ત્યારે જ  ઊપખંડમાં સાચી શાંતિ અને સુખાકારીના શ્રીગણેશ થાશે.

(૬) પશ્ચિમી પરંપરા

છેલ્લી અને મહાન પરંપરા અંગ્રેજ લોકો લાવ્યા. ઔરંગઝેબનાં મૃત્યુ પછી જેમ જેમ મોગલ સત્તા નબળી પડતી ગઈ તેમ તેમ ભારતના રાજકીય શૂન્યાવકાશમાં અગ્રેજો ગોઠવાતા ગયા. સાથે સાથે પશ્ચિમમાં ઔદ્યોગિક ક્રાન્તિ થઈ. તેની નેતાગીરી અંગ્રેજોના હાથમાં હોવાથી તેઓ ખૂબ શક્તિશાળી બન્યા. સને ૧૮૫૭ના બળવા પછી તેઓ ભારતના સર્વેસર્વા બન્યા.

આ પરંપરાએ ભારતને મોગલ સલ્તનત તુટ્યા પછી એકચક્રી શાસન આપ્યું. કાયદાનું રાજ્ય અને સમગ્ર ભારત માટે સુંદર અંગ્રેજી ભાષા આપી. પરિણામે ભારતના જુદા જુદા વર્ગો આધુનિક સમયમાં  એક સાથે રહી શકે તેવી શાસન વ્યવસ્થા કાયમ થઈ. પશ્ચિમી જ્ઞાન-વિજ્ઞાન અને શિક્ષણથી ભારતીયોની બૌદ્ધિક ક્ષિતિજો ખુલી ગઈ. સામાજિક ક્ષેત્રે ક્રાન્તિનાં  મડાણ થયાં. ભારતને કલકત્તા, મુંબઈ, મદ્રાસ, બેંગ્લોર, નવી દિલ્હી જેવાં મહાનગરો મળ્યાં. રેલ સેવા વડે ભારત એક દેશ બન્યો.

આ બધી ઉજળી બાજુઓની સામે ભારતને પશ્ચિમના સંપર્કને કારણે અકલ્પ્ય નુકસાન પણ ઉઠાવવું  પડ્યું છે. ઔદ્યોગિકીકરણની સામે ગૃહઉદ્યોગો તુટી પડતાં ગ્રામ્ય વ્યવસ્થા ભાંગી પડી. સામાજિક વ્યવસ્થાના પાયા ડગમગી ગયા.  જ્ઞાતિ વ્યવસ્થામાં વ્યવધાનો આવ્યાં. સંયુક્ત કુટુંબ વ્યવસ્થાની ઈકાઈને મરણતોલ ફટકો પડ્યો. શહેરો તરફ ગ્રામ્યપ્રજાની દોટ ચાલુ રહી. પશ્ચિમી તબીબી વિજ્ઞાનથી ભારતમાં મૃત્યુ પ્રમાણનો દર ઘટી ગયો. તેની એક આડ અસર એ થઈ કે આયુષ્ય મર્યાદામાં વધારો થયો, અને પરિણામે, એક તબક્કે, વસ્તીનો વધારો અણુવિસ્ફોટ જેવો ભયાનક બન્યો. તેજ રીતે લોકશાહીની અણઅપેક્ષિત આડઅસરને પરિણામે ભારતમાં પ્રાંતીયવાદ અને ભાષાવાદને અતિસંકુચિત સ્વરૂપે ફાલ્યાં અને ધાર્મિક કટ્ટરવાદ બહુ સંકીર્ણ સ્વરૂપે જડ ઘાલતો ગયો. આમ ભારતને સ્વતંત્રતા મળી, પણ સ્વતંત્ર ભારત નવાં સ્વરૂપોમાં વધારે ખંડિત બની ગયું.

આ બધું હોવા છતાં ભારત માટે હવે પશ્ચિમી સંસ્કૃતિનો ત્યાગ હવે ભારત માટે સરળ નથી રહ્યો. પશ્ચિમી સંસ્કૃતિએ આજે વિશ્વની બીજી બધી સંસ્કૃતિઓને, પરંપરાઓને ઝટકોડી નાખી છે.

ભારત પણ તેમાંથી સહેલાઈથી બચી શકે તેમ નથી. ભાષા, જીવનની રહેણીકરણી અને જીવનનાં દરેક ક્ષેત્રમાં  શહેરીકરણ પામેલો સામાન્ય ભારતીય પુરી રીતે પશ્ચિમીકરણને પણ અપનાવતો જાય છે. અત્યારે ભારત પાસે જાણે પશ્ચિમીકરણ સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી !

ઉપસંહાર કરતાં કહી શકાય કે સમગ્ર વિશ્વમાં ભારત જ એવો દેશ છે જેને એકીસાથે છ જીવંત, મહાન, પરંપરાઓનો વારસો મળ્યો હોય. એમ જણાય છે કે આખરી જીત કોઈ એક પરંપરાની થવાને બદલે આ બધી પરંપરાઓનાં સામંજસ્યવાળી કોઈ નૂતન પરંપરાનો થશે.


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: admin

2 thoughts on “મહાન ભારતીય પરંપરાઓ

  1. પ્રવાસીભાઈ, આ ઉપસંહાર નથી, પ્રારંભ છે. બહુ સારી શરૂઆત કરી છે. આ શ્રેણીમાં વધારે લેખોની આશા રાખવી એ ખોટું નથી.

  2. ગહન વસ્તુ બહુ સરળતા થી કહી છે. આ શરૂઆત જ હોવી જોઈએ ,પ્રવાસીભાઈ !

Leave a Reply

Your email address will not be published.